Saturday, March 20, 2010

કાશ્મીર મુદ્દે, થજો સાવધાન !!!

7મી ઓગસ્ટ, 2001ના રોજ સંસદમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કાશ્મીર પર વાતચીત દૂર સુધી જશે, તેમ કહ્યું હતું. સંસદમાં ઉદબોધન વખતે તેમણે પાકિસ્તાની અખબાર ‘ધ ડૉન’ સાથે સંકળાયેલા પત્રકાર અયાઝ અમીરના લેખના અંશો ટાંક્યા હતા. જે આ પ્રમાણે હતા-“નગ્ન સચ્ચાઈ તો એ છે કે કાશ્મીરમાં જેહાદનું કોઈ ભવિષ્ય નથી. ખૂની સંઘર્ષ અને બલિદાનોને ધ્યાનમાં રાખીને કહેવુ કડવું જરૂર છે, પણ દુર્ભાગ્યે તે સાચું છે. આતંકવાદથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે, ઘાટીમાં અસ્થિરતા રહેશે, પરંતુ તેનાથી રાજ્યની આઝાદી નિશ્ચિત નહીં થઈ શકે. 53 વર્ષોના ઈતિહાસથી સ્પષ્ટ થવું જોઈએ કે જે કામ પાકિસ્તાની ફૌજ પૂર્ણ લડાઈ લડીને નથી કરી શકી, તે કામ મારો અને ભાગોની રણનીતિવાળા જેહાદીઓએ વિચારવું પણ ન જોઈએ.” (ગઠબંધન કી રાજનીતિ, સંપાદક-ના.મા.ઘટાટે,પૃ.326)
વાજપેયી દ્વારા ટાંકવામાં આવેલા પાકિસ્તાની પત્રકારના લેખના અંશો પરથી સ્પષ્ટ છે કે કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે પાકિસ્તાને શરૂઆતથી સશસ્ત્ર પ્રયત્નો કર્યા છે. કારગીલ સહિતના ચાર યુદ્ધોમાં પાકિસ્તાનને કાશ્મીર બાબતે કોઈ સફળતા ન મળતા, તે જેહાદીઓ દ્વારા આતંકવાદનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને બે દાયકાથી 'પ્રોક્સી વોર' લડી રહ્યું છે. તેમા પણ કાશ્મીર બાબતે અશાંતિ અને અસ્થિરતા ફેલાવા સિવાય કોઈ સફળતા મળી નથી.
કાશ્મીર પર વાતચીત દૂર સુધી જશેના સંસદમાં કરાયેલા વાજપેયીના નિવેદનને એક દાયકા જેવો સમય વીતવા આવશે. આ સમયગાળા દરમિયાન સિંધુ નદીમાં ઘણું પાણી વહી ચુક્યુ છે. 9/11ની ઘટના બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનો વિરુદ્ધ ચાલી રહેલા અમેરિકાના તથાકથિત આતંકવાદ વિરોધી યુદ્ધને 9 વર્ષ થવા આવ્યા છે. આ યુદ્ધમાં ધારી સફળતા ન મેળવનારા અમેરીકાએ તથાકથિત આતંકવાદ વિરોધી યુદ્ધમાંથી હાથ પાછા ખેંચવાની તૈયારી શરૂ કરી દીધી છે. નવી અફઘાન-પાક. નીતિની ઘોષણા કરતાં અમેરીકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામાએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓ પહેલા એટલે કે 2011ના મધ્યમાં અમેરીકી સેનાઓની તબક્કાવાર ઘર વાપસીની ઘોષણા કરી છે. ત્યારે સમગ્ર દક્ષિણ એશિયાના રાજકીય પરિદ્રશ્ય પર ઘેરી અસર વર્તાઈ રહી છે. દક્ષિણ એશિયામાં સૈનિકી અને કૂટનીતિક સમીકરણો બદલાઈ રહ્યાં છે. અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની ચીનયાત્રા દરમિયાન દક્ષિણ એશિયાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ચીનની મોટી ભૂમિકા હોવાની વાત કરી હતી. તેના જવાબમાં ભારતે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતાં કાશ્મીર સહીતના પાકિસ્તાન સાથેના તમામ દ્વીપક્ષીય મુદ્દાઓ પર કોઈપણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નકાર્યો હતો.
પાકિસ્તાનમાં ઉપસ્થિત ઈસ્લામિક આતંકવાદ આકાઓ બદલાયેલા અમેરિકાના વલણથી ગેલમાં આવી ગયા છે. લશ્કરે તોઈબાના સરગના હાફિઝ સઈદે એક નિવેદનમાં કહ્યું છે કે “જો અમેરિકા અફઘાનિસ્તાનમાં ટકી ન શકે, તો ભારત (તું) કાશ્મીરમાં કેવી રીતે રોકાઈ શકીશ? ” ઉપરોક્ત નિવેદન પરથી સ્પષ્ટ છે કે અમેરીકાની નવી અફઘાન-પાક. નીતિથી દક્ષિણ એશિયાના જેહાદીઓ ગેલમાં આવી ગયા છે. જેનું સૌથી મોટું નુકસાન ભારતને કાશ્મીરમાં હિંસાના તાંડવથી ઉઠાવવું પડે તેવા આસાર વર્તાઈ રહ્યાં છે. ત્યારે કાશ્મીર મોરચે ભારતે જમીની બાબતો સંદર્ભે વધારે ચુસ્ત બંદોબસ્ત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો કૂટનીતિક મોરચે પણ ભારત માટે ઘણાં કપરાં ચઢાણો છે.
25મી ફેબ્રુઆરી, 2010ના રોજ યોજાયેલી ભારત પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચેની બેઠક 26/11ના હુમલા બાદ ભારત દ્વારા અપનાવાયેલી કઠોર નીતિમાંથી યુ-ટર્ન છે. મુંબઈ હુમલા બાદ ભારતે હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ સહીત જવાબદાર તમામ લોકો વિરુદ્ધ પાકિસ્તાન કાર્યવાહી કરે પછી વાતચીત આગળ વધશેની ઘોષણા કરી હતી. ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીત બરાબર 14 માસ સુધી બંધ રહી હતી. ત્યારે જુદીજુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા આકલનો લગાવવામાં આવતા હતા કે ભારત પર મુંબઈ હુમલા જેવો બીજો આતંકવાદી હુમલો બંને દેશો વચ્ચે યુદ્ધના મંડાણ કરાવશે. જો કે મુંબઈ હુમલા બાદ થોડા વખતમાં લોકસભાની ચૂંટણીઓ આવતી હતી અને પ્રજામત પાકિસ્તાન સામે ઉગ્રરૂપ ધારણ કરી ચૂક્યો હતો. પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઈક કરવાની હિંમત ન દાખવનારી યુપીએ સરકાર પાસે વાતચીત બંધ કરવા સિવાય પ્રજાને દેખાડવા માટે અન્ય કોઈ રસ્તો ખુલ્લો ન હતો. જો કે બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ થાય તે માટેનું અમેરીકાનું દબાણ ચાલુ જ હતું. તેના માટે અમેરીકાના પોતાના રાષ્ટ્રીય હિતો કારણભૂત હતા. અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરીકાને તાલિબાનો સામેના જંગમાં પાકિસ્તાની સેનાની જરૂર છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે એક લાખ જેટલા પાકિસ્તાની સૈનિકો મને-કમને તાલિબાનો સામે લડી રહ્યાં હતા. તેવામાં મુંબઈ હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિનો લાભ લઈને પાકિસ્તાને પોતાની સેનાઓ ભારતની સરહદે ખસેડવાની ચાલુ કરી હતી. જેના કારણે અમેરીકાને તાલિબાનો સામેના અભિયાનમાં મુશ્કેલી ઉભી થવાની સંભાવના સર્જાઈ હતી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જ પ્રકારે તણાવ ચાલુ રહે, તો તાલિબાનો સામેના અભિયાનમાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને વધારે નુકસાન ઉઠાવવું પડે અને તેવા સંજોગોમાં પાકિસ્તાની સેનાઓને અભિયાનોથી દૂર રહેવાનું બહાનું મળી જાય તેમ હતું.
જેના કારણે ઘણી 'બેક ચેનલ ડિપ્લોમસી' એટલે કે પડદા પાછળની વાટાઘાટો ચાલી હતી. જેમાં અમેરિકાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. દક્ષિણ એશિયાના અમેરીકી દૂત રિચર્ડ હોલબ્રુકથી માંડીને વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સુધીના અમેરીકી પ્રતિનિધિઓએ ભારત અને પાકિસ્તાનના ઘણાં પ્રવાસો કર્યા છે. ભારતમાં મુંબઈ હુમલા બાદ ઉગ્ર બનેલા પ્રજામતના શાંત થવાની રાહ જોતા અમેરીકા અને ભારત સરકાર વચ્ચે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ કરવા મુદ્દે વાતચીત થઈ હોવાની સ્પષ્ટ સંભાવનાઓ છે. જેના કારણે ભારત દ્વારા પોતાના વલણમાં આવેલું પરિવર્તન કે યુ-ટર્ન અમેરીકાની દેણ છે, તેમ માનવાને કારણો છે. ભારત વિદેશ સચિવ સ્તરની વાતચીત માટે રાજી થયું તેની જાહેરાત બાદ તુરંત જ પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક જાહેર સભામાં ભારત વાતચીત માટે તૈયાર થઈને ઘૂંટણિયે પડયું હોવા સુધીનું નિવેદન કરીને પાકિસ્તાની પ્રજા સમક્ષ રાજકીય લાભ ખાંટવાનો પ્રયત્ન કર્યો હતો.
25મી ફેબ્રુઆરીની વાતચીતનું સ્વાગત આતંકવાદીઓએ પુણેમાં જર્મન બેકરીમાં વિસ્ફોટ અને કાબુલમાં ભારતીયોને નિશાન બનાવીને કર્યું હતું. તેના દ્વારા આતંકવાદીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ ભારત પર આતંકવાદી હુમલા કરવાના ચાલુ જ રાખશે. વળી આ આતંકવાદીઓ પાકિસ્તાની સેના અને ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે ઘરોબો ધરાવે છે, તે કોઈનાથી છુપું નથી. ત્યારે ભારત પર મુંબઈ હુમલા જેવા હુમલાની શક્યતા જુદીજુદી એજન્સીઓએ નકારી નથી. આતંકના પડછાયા નીચે યોજાયેલી વિદેશ સચિવો વચ્ચેની વાતચીત 'આગળ વાતચીત માટે મળીશું'ના વાયદા સાથે પૂરી થઈ છે. જો કે આ વાતચીતમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો, તો ભારતે આતંકવાદના મુદ્દાને આગળ કર્યો હતો. જો કે વાતચીતની પૂર્વ સંઘ્યાએ ચીન ગયેલા પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ આશ્ર્ચર્યજનક નિવેદન કરતાં કહ્યું હતું કે" એ ભારતે નક્કી કરવાનું છે કે તેઓ ખાઈ પૂરવા માટે ત્રીજા પક્ષ તરીકે ચીન સાથે આરામદાયક છે કે કેમ? જ્યાં સુધી આ બાબત માટે પાકિસ્તાનને સંબંધ છે, તેમણે ચીનને બ્લેન્ક ચેક આપ્યો છે." એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં અમેરીકાની પ્રછન્ન ભૂમિકા સાથે પાકિસ્તાન દ્વારા વાતચીતમાં ચીન મધ્યસ્થતા કરે, તેવા પ્રસ્તાવ પણ જોરશોરથી રજૂ કરવામાં આવ્યા હતા. ઓબામાએ પોતાની ચીન યાત્રા દરમિયાન આવા સંદર્ભનું જે નિવેદન કર્યુ હતું, તેનો પાકિસ્તાન દ્વારા પ્રતિભાવ હતો. જો કે ભારતે પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની સીધી દખલગીરીને નકારી છે.
પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતા માટે બેક ચેનલ ડિપ્લોમસીમાં કોઈ વાતચીત કે દબાણ થતું હશે, તેમ માનવા માટેના કારણો ઉભા થયા છે. એક તો પાકિસ્તાન દ્વારા વારંવાર ચીન કે અમેરિકા ભારત સાથેની વાતચીતમાં મધ્યસ્થતા કરે તે પ્રકારના નિવદેનો અવાર-નવાર કરવામાં આવે છે. તાજેતરની વાતચીત અને વાજપેયી દ્વારા કારગીલ યુદ્ધ અને પાકિસ્તાનમાં તખ્તાપલટ બાદ શરૂ કરવામાં આવેલી વાતચીતમાં અમેરીકી ભૂમિકા કે દબાણ સ્પષ્ટપણે સપાટી દેખાય આવે છે. વળી 28મી ફેબ્રુઆરી, 2010ના રોજ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે સાઉદી અરેબિયાની યાત્રા પર ગયેલા વિદેશ રાજ્યપ્રધાન શશી થરૂર દ્વારા સાઉદીને ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં 'ઈન્ટરલોક્યુટર' એટલે કે સંકલનકાર તરીકે બહુમૂલ્ય ગણાવવાનું નિવેદન દાળમાં કંઈક કાળું હોવાની શંકા પ્રેરે છે. શશી થરુરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે "સાઉદી અરેબિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે એક બહુમૂલ્ય 'ઈન્ટરલોક્યુટર' (સંકલનકાર) થઈ શકે છે. સાઉદી અરેબિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે 'ઈન્ટરલોકયુટર'ની ભૂમિકા નીભાવી શકે છે." જો કે ભારત પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાતચીતમાં 'ઈન્ટરલોક્યુટર'ની વાત કરીને શશી થરુર નવા વિવાદમાં સપડાયા હતા. વડાપ્રધાને તેમના વક્તવ્યનું ખંડન કરીને સ્પષ્ટીકરણ માગ્યુ હતું, ભાજપે થરુરના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું હતુ. અંતમાં થરુરને ખેદ વ્યક્ત કરવો પડયો હતો.
સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ વડાપ્રધાનને સ્પષ્ટીકરણ કરવા અને કાશ્મીર મુદ્દે ચાલતી 'બેક ચેનલ ડિપ્લોમસી' વિશે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. જો કે વડાપ્રધાન મનમોહનસિંહે એનડીએના શાસનકાળ દરમિયાન તત્કાલીન વિદેશ પ્રધાન જસવંતસિંહ અને અમેરીકી પ્રતિનિધિ તાલબોટ વચ્ચે વાતચીતના ઘણાં દોર ચાલ્યા હતા અને તે વાત પણ સાર્વજનિક કરાઈ ન હોવાની વાત કરીને અડવાણીની બોલતી બંધ કરી દીધી હતી. જો કે અત્રે પ્રશ્ન ઉદભવે છે કે બે ખોટી બાબતો ક્યારેય સાચી બની જતી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતને ત્રિપક્ષીય બનાવવા માટે છેલ્લા દોઢ દાયકાથી સઘન પ્રયાસો કરવામા આવી રહ્યા છે. કદાચ પ્રત્યક્ષપણે સ્વીકારવામાં ન આવે પણ અમેરીકાનું દબાણ આવી ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે 1995માં વઘી રહેલા પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવાયા બાદ પાકિસ્તાને યુએનના લશ્કરી પર્યવેક્ષકોને એલઓસી પર તૈનાત કરવાની વાત કરી હતી. ત્યાર બાદ અમેરિકા અને ચીનની મધ્યસ્થતાની વાતચીત પણ થતી રહે છે. અને તાજેતરમાં સાઉદી અરેબિયા ભારત પાકિસ્તાન વચ્ચે બહુમૂલ્ય 'ઈન્ટરલોક્યુટર' બની શકેના થરુરના નિવેદનોથી કાશ્મીર મુદ્દે કુલડીમાં ગોળ ભંગાતો હોવાની શંકા બળવત્તર બનતી જાય છે.
'ઈન્ટરલોક્યુટર'નો ડિક્સેનેરી પ્રમાણે અર્થ છે કે વાતચીતમાં ભાગ લેનાર. જો કે 'ઈન્ટરલોક્યુટર' સરકારને અનૌપચારિક પણે સંદેશ આપે અને સરકારના દ્રષ્ટિકોણને અનૌપચારિક પણે સમજાવે છે. 'ઈન્ટરલોક્યુટર'નું કોઈ કાયદાકીય મહત્વ હોતું નથી. તે બે દેશો વચ્ચેની સંધિ કે સમજૂતી વખતે ત્રીજા પક્ષ તરીકે દસ્તાવેજો પર સહી-સિક્કા કરી શકતો નથી. પણ જ્યારે બે દેશો વચ્ચે આધિકારિકપણે વાતચીત બંધ હોય, ત્યારે તેમની વચ્ચે વાતચીતનું સંકલન કરવાનું કામ કરે છે. જેમ કે શ્રીલંકા અને એલટીટીઈ વચ્ચે નોર્વેની ભૂમિકા હતી. જ્યારે 'મીડિયેટર' કે મધ્યસ્થ કાયદાકીય મહત્વ ધરાવે છે. તે બે દેશો વચ્ચેની સંઘિ-સમજૂતીઓના દસ્તાવેજો પર કાયદાકીય રીતે ત્રીજા પક્ષ તરીકે હસ્તાક્ષર કરે છે. ઈઝરાયેલ અને ઈજીપ્ત તથા અન્ય આરબ દેશો વચ્ચે અમેરિકા મધ્યસ્થની ભૂમિકામાં છે. 'ઈન્ટરલોક્યુટર'થી અનૌપચારિકપણે દ્વિપક્ષીય સંબંધો ત્રિપક્ષીય બની જાય છે. ત્યારે સવાલ એ છે કે સિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર પ્રમાણે દ્વિપક્ષીય મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવાની સમજૂતીનું આવી વાત કે વાતચીત ઉલ્લંઘન નથી? અમેરીકાના દબાણ તળે ભારતની કાશ્મીર નીતિ બદલાઈ રહી હોવાની ગંધ પણ આવે છે.
આ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નથી. તેની પાછળ પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને પ્રાયોજિત ઈસ્લામિક આતંકવાદ સહીત ભારતમાં છેલ્લા બે દાયકાથી ચાલેલા કમજોર જોડાણ સરકારોના યુગને કારણે ઉભી થયેલી રાજકીય અસ્થિરતા જવાબદાર છે. આ રાજકીય અસ્થિરતાના કારણે તાત્કાલિક લાભ આપતા પણ રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડતા કે રાષ્ટ્રીય હિતો પ્રત્યે ઉદાસિન વલણ દર્શાવતા મુદ્દાઓને સત્તા પર આવેલી સરકારોએ હાથ પર લીધા હતા. જેના કારણે દેશની વિદેશ નીતિ. અને સામરિક-લશ્કરી હિતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેમા કાશ્મીર મુદ્દે 1989થી અત્યાર સુધી સત્તા પર આવેલી તમામ અલ્પમતવાળી અને ગઠબંધન સરકારોની આપરાધિક બેદરકારી જવાબદાર છે. જોડાણ સરકારોના યુગમાં સમગ્ર દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિએ જોર પકડયું છે. આ રાજનીતિ હજીપણ ચાલુ છે. આ જોડાણ સરકારોએ ભારતના મુસ્લિમોને પાકિસ્તાન સાથે જોડીને જોયા છે. તેમના આકલન પ્રમાણે, પાકિસ્તાન સામે 'સોફ્ટ સ્ટેન્ડ' અપનાવવામાં આવે કે વાતચીત કરવામાં આવે, તો ભારતના મુસ્લિમોના મતોનો લાભ મળે તેમ છે. જો કે આ ગણતરી કેટલી સાચી છે, તેનો પણ ક્યાસ નીકળવો જોઈએ.
1971માં ભારતે પાકિસ્તાન સામે અભતપૂર્વ વિજય હાસિલ કરીને બંગ્લાદેશને સ્વતંત્ર કર્યું હતું. 95 હજાર પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવ્યા હતા. તમામ રીતે સંઘિ દરમિયાન પલ્લું ભારતના પક્ષે ઝુકેલું હતું. તે કાશ્મીર મુદ્દો ઉકેલી નાખવાની એક સુવર્ણ તક હતી. પણ કાશ્મીરનો મુદ્દો તે વખતે ઉકેલી શકાયો નહીં કે બંને દેશના રાજકારણીઓ અને વડાપ્રધાનોએ તે તાત્કાલિકપણે ઉકેલવામાં કોઈ ઘેરો રસ અકળ કારણોથી લીધો ન હતો. કાશ્મીરનો મુદ્દો બંને દેશના નેતાઓ માટે સોનાના ઈંડા આપતી મરઘી સમાન હતો. કાશ્મીરના નામે બંને દેશોની પ્રજાને ગુમરાહ કરીને બંને દેશના રાજકારણી રાજકીય લાભ ખાંટી શકે તેવી વ્યવસ્થા સિમલા કરાર થકી કરવામાં આવી છે. આ માત્ર આરોપ નથી, સિમલા કરાર પછી બંને દેશોની ચાલેલી રાજનીતિ તેની સાક્ષી છે. 2જી જુલાઈ,1972ના રોજ થયેલી ઈન્દિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચેની વાતચીતમાં સહમતિ બની હતી કે –(1) કાશ્મીર મુદ્દાને પૂર્ણ પણે ઉકેલવો જોઈએ અને ભારત પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાંથી એક અડચણ દૂર કરવી જોઈએ.(2) ભુટ્ટો પાક અધિકૃત કાશ્મીર અને જમ્મુ-કાશ્મીર વચ્ચેની નિયંત્રણ રેખાને ધીરે-ધીરે કાયદાકીય રેખામાં પરિણીત કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જો કે તેમણે અનુરોધ કર્યો હતો કે આ પ્રતિબદ્ધતાઓને ઔપચારિક સમજૂતી કે લેખિત વાયદાના રૂપમાં સામેલ ન કરવી. તેમણે કહ્યું કે તેમ કરવાથી પાકિસ્તાનમાં તેમના અસ્તિત્વ અને ઉભરતી લોકતાંત્રિક વ્યવસ્થા સામે જોખમ ઉભું થઈ શકે તેમ છે. તેઓ સૈન્ય પર પ્રશાસનિક નિયંત્રણ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે અને આ પ્રક્રિયા તેનાથી બાધિત થશે. (3) તેમનો મત હતો કે બાંગ્લાદેશના વિભાજન અને સૈન્ય પરાજ્યના તુરંત બાદ ઔપચારિકપણે કાશ્મીરને આપી દેવું પાકિસ્તાની જનતાના મનમાં ભારત પ્રત્યે શત્રુતાના ભાવને વધારે ઘેરો કરી શકે છે. તેઓ ત્રણથી પાંચ વર્ષો વચ્ચે નિયંત્રણ રેખાને કાયદાકીય રેખામાં પરિવર્તિત કરવા માટે સહમત થઈ ગયા હતા. (ભારત-પાક સંબંધ, જે.એન.દિક્ષીત, પૃ.-255-256)
આમ સિમલા કરાર વખતે ભારતનો હાથ ઉપર હતો. પણ તેમ છતાં ઝુલ્ફીકારઅલી ભુટ્ટોના રાજકીય અસ્તિત્વને ધ્યાનમાં રાખીને કાશ્મીર મુદ્દે કોઈપણ ઔપચારિક ઘોષણાઓ કરવાનું ભેદીપણે ટાળવામાં આવ્યું હતું. સિમલા કરાર પ્રમાણે, બંને દેશો વચ્ચેના પ્રશ્નો દ્વિપક્ષીય રીતે ઉકેલવાની અને નિયંત્રણ રેખાનું સમ્માન કરવાની વાત છે. નિયંત્રણ રેખા એકપક્ષીય રીતે સૈન્ય દ્વારા પરિવર્તિત કરવામાં નહીં આવેની સમજૂતી પણ થઈ છે. આમ સિમલા કરાર વખતે ત્રણથી પાંચ વર્ષોમાં કાશ્મીર વિવાદના ઉકેલ માટે પગલાં લેવાના હતા. પણ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફાંસી અને સત્તા પર આવેલા લશ્કરી તાનાશાહ ઝિયા ઉલ હકે સિમલા કરારની અનૌપચારિક વાતોને લાગુ કરવા બાબતે કોઈ રસ દાખવ્યો ન હતો. 71ની લડાઈની હાર તાજી હતી, તેના કારણે પાકિસ્તાન દ્વારા ભારત સામે કોઈપણ પ્રકારના લશ્કરી ઉબાડિયાની શક્યતા નહિવત્ હતી. સાથે ભારતમાં 1989 સુધી સત્તા પર આવનારી સરકારો તાકાતવર હતી. ઈમરજન્સી બાદ અઢી વર્ષના ગાળા સુધી મોરારજી દેસાઈના નેતૃત્વવાળી જોડાણ સરકાર સત્તા પર આવી હતી. તેણે મોટેભાગે રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપ્યુ હતું. જેના કારણે કાશ્મીર સહીતના વ્યૂહાત્મક મુદ્દાઓ પર પાકિસ્તાન પર ભારતની બઢત બરકરાર રહી શકી હતી. જો કે આ સિવાયના ગાળામાં ઈન્દિરા ગાંધી અને તેમની હત્યા બાદ રાજીવ ગાંધીની સંસદમાં 2/3 બહુમતીવાળી મજબૂત સરકારો સત્તા પર આવી હતી. તેમણે કાશ્મીર સહિતના સામરિક રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર પાકિસ્તાનને કોઈ મચક આપી ન હતી. જો કે પાકિસ્તાને ભારત સામે 71ની હારનો બદલો લેવા માટે નવા રસ્તા શોધવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે શીખ ઉગ્રવાદને ભડકાવ્યો હતો. જેના કારણે પંજાબમાં અસ્થિરતા અને અશાંતિનો દોર શરૂ થયો હતો.
ભારત સરકારે શીખ ઉગ્રવાદને નાથવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પણ ભારત સામે આતંકવાદ રૂપે 'પ્રોક્સી વોર'ની નવી યુદ્ધ પધ્ધતિ પાકિસ્તાની સરકાર અને સેનાએ અમલમાં મૂકી હતી. તેનો સૌથી પહેલો પ્રયોગ 1988માં કાશ્મીરમાં ઈસ્લામિક આતંકવાદ રૂપે શરૂ કર્યો હતો. 88ની સાલમાં કાશ્મીરમાં કુલ 390 આતંકવાદી ઘટનાઓમાં કુલ 31 મૃત્યુ થયા હતા. જેમા 29 નાગરિકો, 1આતંકવાદી અને 1 સુરક્ષાકર્મીનો સમાવેશ થતો હતો. 88ની સાલથી લઈને અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમમાં આતંકવાદની 47,234 ઘટનાઓમાં 14,572 નાગરિકો, 5,926 સુરક્ષાકર્મીઓ અને 22, 205 આતંકવાદીઓ સહીત કુલ 42,703 લોકોના મૃત્યુ થયા છે. કાશ્મીરમાં ચાલી રહેલા ઈસ્લામિક આતંકની આગ દેશના અન્ય ભાગોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદી જૂથોની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સામેલગીરીથી ભારતના અન્ય ભાગોમાં વિસ્ફોટો અને કોમી રમખાણોના બનાવ બની રહ્યાં છે. આ સમગ્ર ઘટનાઓ પાછળ પાકિસ્તાની ગુપ્ચર સંસ્થા આઈએસઆઈનો દોરીસંચાર રહેલો છે.
જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક આતંકવાદના દૌરને જોવામાં આવે, તો એક હકીકત ઉડીને આંખે વળગે છે કે 89થી લઈને અત્યાર સુધીના ગાળામાં જોડાણ સરકારો કે અલ્પમતવાળી સરકારો સત્તા પર હતી. આવી સરકારોને સ્થાપિત રાજકીય હિતો માટે મુસ્લિમ વોટબેંકને જાળવવાની રાજકીય મજબૂરી સામે આવી હતી. પ્રવર્તમાન તમામ પક્ષો મુસ્લિમ વોટબેંકને લોભાવવા માટે અનેક પ્રકારના તુષ્ટિકરણો સાથે સામે આવ્યા હતા. તેમા કાશ્મીર મુદ્દો અને કાશ્મીરમાં ચાલતા ઈસ્લામિક આતંકવાદને લાભ મળ્યો હતો. જોડાણ સરકારો પોતાના સ્થાનિક મુદ્દાઓમાં અને વોટબેંકના રાજકારણમાં ફસાયેલી હતી. જેના કારણે આવી સરકારો કાશ્મીર જેવા રાષ્ટ્રીય અને સામરિક મુદ્દાઓના હલ માટે નિષ્ફળ સાબિત થતી રહી છે.
89માં વી.પી.સિંહની જોડાણ સરકારમાં વિદેશ મંત્રી તરીકે આઈ.કે. ગુજરાલ હતા. આતંકવાદીઓ દ્વારા મુફ્તિ મહોમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદના તથાકથિત અપહરણ અને તેને છોડાવવા માટે વી.પી.સિંહ સરકારનું આતંકાવાદીઓની માગણી સામે ઝુકી જવું મહત્વનો આતંકવાદીઓ સામેની નીતિમાં મહત્વનો મોડ હતો. ભારત અને જમ્મુ-કાશ્મીર સરકારના આતંકવાદીઓની સામે ઝુકવાના વલણે તેમને આશ્વસ્ત કરી દીધા હતા કે તેઓ ભારત સામે હિંસક અલગતાવાદી આંદોલનો શરૂ કરી શકે છે. પાકિસ્તાન સરકાર ખાસ કરીને સૈન્ય પ્રતિષ્ઠાન અને આઈએસઆઈ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ભારત સરકાર એક કમજોર અને મિશ્ર્ ગઠબંધન છે. જેને કારણે આતંકવાદી પ્રવૃતિઓ અને ગુપ્ત હસ્તક્ષેપ વિરુદ્ધ કોઈ પ્રભાવી પગલા લેવામાં સમર્થ નહીં બને. (ભારત-પાક સંબંધ, જે.એન.દિક્ષીત,પૃ.-306)
આમ 71ના યુદ્ધ બાદ પાકિસ્તાન પરની ભારતની કૂટનીતિક અને સામરિક બઢત આ ગાળા દરમિયાન ઓસરવા લાગી હતી. તેના કારણે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ માટે ઈસ્લામિક આતંકવાદનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. તેવામાં બંને દેશો દ્વારા કારાયેલા પરમાણુ પ્રયોગો બાદ કાશ્મીર પરમાણુ યુદ્ધ માટેનું કારણ બનશેની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. તેના કારણે વાજપેયી સરકારને આંતરરાષ્ટ્રીય દબાણને પરિણામે કારગીલ યુદ્ધ બાદ અને પાકિસ્તાનમાં તખ્તાપલટ છતાં 'આગ્રા સમિટ' યોજવી પડી હતી. આ સમયગાળામાં પાકિસ્તાન વચ્ચે ઔપચારિક અને અનૌપચારિક વાતચીતોનો મોટો દૌર ચાલ્યો હતો. આ વાતચીતો દરમિયાન અલગ અલગ ”ગીવ એન્ડ ટેઈક” ફોર્મ્યુલાઓ આપવામાં આવી હતી.
આ વાતચીત અને 'બેક ચેનલ ડિપ્લોમસી' કે 'ટ્રેક-ટુ ડિપ્લોમસી'માં 94ના, કાશ્મીર ભારતનું અતૂટ અંગ હોવાના અને પીઓકેને વાતચીત સહિતના વિકલ્પોથી ભારત સાથે જોડવાના સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવનું સમ્માન કેટલા હદે જળવાયું છે, તે જાણવાનો આ દેશની પ્રજાને અધિકાર છે. ભારતીય સંસદ દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલા પ્રસ્તાવમાં કાશ્મીર મુદ્દાનો ઉકેલ સમાયેલો છે. આ પ્રસ્તાવમાં સૂચવ્યા સિવાયના કોઈપણ ઉકેલ સદર્ભે વાતચીત કરવી તે આ દેશની જનતા અને સંસદ સામે વિશ્વાસઘાત સમાન છે. આવા કોઈપણ વિકલ્પ વિશે વિચારતા પહેલા સરકારે જનતા અને સંસદ પાસે જવું જોઈએ. પાકિસ્તાન સાથે અત્યાર સુધીમાં 176 વખત વાતચીત થઈ છે. ત્યારે આ વાતચીતમાં કાશ્મીરનો મુદ્દે કેવી ચર્ચાઓ થઈ છે, તે પ્રજા સામે વિસ્તૃતપણે મૂકાવું જોઈએ. 'બેક ચેનલ ડિપ્લોમસી' અને ગુપ્ત મંત્રણા વિશે મગનું નામ મરી ન પાડનારા વડાપ્રધાન મનમોહનસિંહ આ વાતચીત તો દેશની જનતા સામે મૂકી જ શકે છે.
વળી અત્રે પ્રશ્ન એ છે કે ભારતની સંસદે ઉકેલ સૂચવ્યો છે, તેનાથી અલગ વિકલ્પ પર વાતચીત કરવાનો મતલબ શું છે? કાશ્મીરને સ્વાયત્તતા આપવા જેવા મુદ્દાઓ પર 'વર્કિંગ ગ્રુપો' રચાય અને તેના રિપોર્ટ પર અમલવારી માટે વડાપ્રધાન દ્વારા વિચાર થાય, તેવી બાબતો જનમાનસમાં વ્યાપક સ્તરે આશંકાઓ ઉત્પન્ન કરે છે. ભારતીય સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીના જણાવ્યા પ્રમાણે પીઓકે અને પાકિસ્તાનમાં 42 જેટલા ભારત વિરોધી આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે. જ્યારે અન્ય એક સંરક્ષણ રાજ્યપ્રધાન પલ્લમ રાજુએ આ આતંકવાદી કેમ્પો પર 'સર્જીકલ સ્ટ્રાઈક'ની તૈયારીઓના અહેવાલો નકાર્યા છે અને અન્ય વિકલ્પો પર વિચાર થઈ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે આ અન્ય વિકલ્પો ક્યાં છે, તે વાત જનતા સામે સરકાર જાહેર કરે. 'ઈન્ટરલોક્યુટર'ની વાતથી માંડીને સર્જીકલ સ્ટ્રાઈકનો વિચાર ન થઈ રહ્યો હોવાના નિવેદનો કાશ્મીર મુદ્દે ભારત સરકારની અસમંજસતાઓ અને અસ્પષ્ટતાઓ સામે અંગૂલી નિર્દેશ કરે છે. આવા સમયે 95 સુધીમાં હતો, તેઓ 'કાશ્મીર માંગોગે, તો ચીર દેંગેનો' જનમત પણ ઓસરી રહ્યો છે. ત્યારે ભારતની જનતા અંધારામાં રહે અને કાશ્મીર મુદ્દે કુલડીમાં ગોળ ન ભાંગાય તે જોવું અને જાણવું રાજકીય નેતાઓ તથા જનતા માટે આવશ્યક છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત-
અમેરિકી સંસ્થા પ્રમાણે, લશ્કરે તોઈબા માત્ર કાશ્મીર મુદ્દા સુધી જ સીમિત નથી, તે સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામનો ધ્વજ ફરકાવવાની મનસા રાખે છે.

Wednesday, March 10, 2010

શા માટે સાધુત્વ પર નિશાન?

ધર્મ સનાતન અને શાશ્વત છે. પરબ્રહ્મ પણ ધર્મથી પર નથી. તેણે સર્જેલી માયારૂપ સૃષ્ટિ ધર્મ પ્રમાણે ચાલે તે માટે તેણે જ ચિંતા કરવાની હોય છે. ધર્મના આવા શાશ્વત અને સનાતન સ્વરૂપને હિંદુ એવું નામ મળ્યું છે. વિશ્વનો એકમાત્ર સનાતન ધર્મ હિંદુ છે. આવા ધર્મની કેટલીક આગવી વિશેષતા છે. જેમાની કેટલીક વિશેષતાઓ પાયારૂપ છે. જેમ કે ધર્મના પ્રચાર-પ્રસાર અને રક્ષણ માટે સ્વયંભૂ ઉભી થયેલી સાધુ-સંત પરંપરા. જનકલ્યાણ થકી વિશ્વ કલ્યાણનો ભેખ ધારણ કરીને સનાતન ધર્મના રક્ષણ માટે જીવન ખર્ચી નાખવું તેમા જ મોક્ષની ઝાંખી કરવી. આ સંત પરંપરા જ છે કે જેને કારણે ભારતમાં સનાતન ધર્મ અનેક પંથ-સંપ્રદાયોનું વહન કરીને જીવિત અને જીવંત રહ્યો છે. આગળ પણ જનકલ્યાણનું કામ કરનારા સંતો આ ધર્મના ધ્વજારોહક બનીને પોતાના કર્તવ્યો નિસ્વાર્થપૂર્વક પરમાર્થે નિભાવ્યે જશે. ભારતમાં વિધર્મીઓના આક્રમણ વખતે, તેમના શાસનકાળ વખતે સનાતન હિંદુ ધર્મની રક્ષા માટે આગળ આવનારા નામી-અનામી સંતોના નામની યાદીથી ઈતિહાસના પુસ્તકો ભરાયેલા પડયા છે. તેમા આતતાયી મોગલ સામ્રાજ્ય સામે હિંદુ પદપાદશાહીની સ્થાપના માટે શિવાજીને પ્રેરણા આપનારા સંત સ્વામી રામદાસનું યોગદાન કેમેય કરીને ભૂલાય તેમ નથી આવા સંતોનો સંદેશો ભારતીય રાષ્ટ્રવાદનું ઘડતર કરીને તેનો અભિન્ન અંગ બની ગયો છે. આવા સાધુ-સંતોના માર્ગદર્શન નીચે કામ કરવાનું આ દેશની પ્રજા ક્યારેય ચૂકી નથી. આવી સંત પરંપરા સદીઓથી ધર્મવિરોધીઓ અને વિધર્મીઓના નિશાના પર રહી છે. મુસ્લિમ આક્રમણખોરો અને શાસકોએ તલવારથી સનાતન હિંદુ ધર્મના ધ્વજારોહક સાધુ-સંતોને રંજાડવામાં કોઈ કસર રાખી નથી. તેમના લોકકલ્યાણ અર્થે સ્થપાયેલા મંદિરો-મઠોને તોડવામાં કોઈ કસર રાખી નથી. જો કે સંતોએ આવા આક્ર્મણ સામે ઝઝુમવાનું તે વખતે મૂક્યું ન હતું. ત્યાર બાદ અંગ્રેજોના શાસનકાળ વખતે ધર્માંતરણના કામ માટે સેવાનો આંચળો ઓઢીને આવેલી ખ્રિસ્તી મિશનરીઓએ અદભૂત સંત પરંપરાને તમામ પ્રકારે નિશાના પર લઈને તેને બદનામ કરીને હિંદુ ધર્મીઓની સાધુ-સંતો પરની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય એક મિશનની જેમ કર્યું છે. આવા લોકો હજી પણ આ કાર્ય ચાલુ જ રાખી રહ્યાં છે. કારણ કે તેમના મિશન ધર્માંતરણમાં સૌથી મોટી અડચણ ભારતના સાધુ-સંતો છે. વિધર્મીઓ સાથે ધર્મને અફીણ સમજનારા કમ્યુનિસ્ટો પણ ભળ્યા છે. દુનિયાને અર્થ આધારિત જોવાની ખામી ભરેલી તેમની દ્રષ્ટિ ધર્મના ધ્વજારોહક એવા સંતોની સાચી ભાવનાને જોઈ શક્તી નથી.
પ્રવર્તમાન સમયમાં દેશમાં સેક્યુલારિઝમના નામે આવા વિચારકો, દેશી-વિદેશી પ્રભાવી વિધર્મીનો દોરીસંચાર ચાલી રહ્યો છે. ત્યારે હિંદુ સમાજમાં સારી એવી માન-પ્રતિષ્ઠા ધરાવતા સાધુ-સંતોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈપણ મોકો તેવો છોડતા નથી. આ માટે તેમણે એક સબળ માધ્યમ શોધ્યું છે અને તે છે, દેશનું મીડિયા...તેમાંય ખાસ કરીને ટેલિવિઝન ચેનલો. ચેનલો હંમેશા મસાલેદાર ખબરો માટે તલપાપડ હોય છે. તેઓ કોઈપણ ઘટનાને સનસનાટીપૂર્ણ રીતે દર્શાવી શકે છે. થોડા સમય પહેલા બાબાઓ આવી ચેનલોની હડફેટે ચઢી ગયા હતા. દિલ્હીના ઈચ્છાધારી ભીમાનંદ નામના કથિત બાબા પર સાંઈબાબાના પરમ ભક્તના આંચળા નીચે દેશમાં સૌથી મોટું સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. તેમના દિલ્હી સ્થિત આશ્રમ અને મંદિરમાંથી કોલગર્લના નામો સાથેની ડાયરી અને અન્ય પૂરાવા મળ્યા હોવાનો પોલીસ દાવો કરી રહી છે અને હજી તપાસનો દૌર ચાલુ છે. બીજી ઘટના હતી, તમિલનાડુ અને કર્ણાટક સહિત 33 દેશોમાં 1000 શાખાઓ ધરાવતા પ્રભાવી સંત નિત્યાનંદની પ્રસિદ્ધ તમિલ અભિનેત્રી રંજીતા સાથેની કથિત સેક્સ સીડીની. ટેલિવિઝન ચેનલો પર આમ તો અશ્લિલ દ્રશ્યો દર્શાવવા પર પ્રતિબંધિત હોય છે. પણ સ્વામી નિત્યાનંદની કથિત કામલીલાની સીડીના અશ્લિલ દ્રશ્યો સીડીમાં દેખાતી મહિલાના ચહેરા પર બ્લર મારીને ટેલિવિઝન ચેનલોએ સતત બે દિવસ સુધી બતાવતી રહી. ત્રીજી ઘટના ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં કૃપાળુ મહારાજ નામના કથાકાર-સંત દ્વારા તેમની ધર્મપત્નીના શ્રાદ્ધ વખતે ભેટ-સોગાદો વહેંચતી વખતે થયેલી ભાગદોડમાં 50થી વધારે લોકો માર્યા ગયા હતા. તો ચોથી ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના કથિત સંત અનૂપકુમાર દ્વારા એમબીએની વિદ્યાર્થિનીને ગુમ કરી દેવાનો મામલો છે. જો મહિલા બિલના મામલે સંસદમાં વરવા દ્રશ્યો સર્જાયા ન હોત, તો મીડિયાનું ફોક્સ આ કથિત બાબાઓ પર ખેંચાયેલું હોત અને તેના દ્વારા હિંદુ ધર્મ પર આઘાત કરવાની તક તેમને મળત. ટેલિવિઝન ચર્ચા પર કહેવાતા સેક્યુલર ચિંતકો, વિચારકો અને કર્મશીલોનો હિંદુ ધર્મ અને તેની સંત પરંપરા પર તૂટી પડવાનો સિલસિલો લાંબો સમય સુધી ચાલ્યો હોત. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલીક ટેલિવિઝન ચેનલોએ અર્થપૂર્ણ ચર્ચા પણ કરી છે.
સાધુઓ પર તૂટી પડનારા આ જ લોકો મકબૂલ ફિદા હુસૈન નામના મનોવિકૃત ચિત્રકાર દ્વારા ભારતની નાગરિકતા છોડીને કતારની નાગરિકતા સ્વીકારવા બદલ હિંદુવાદી સંગઠનોને દોષ દેતા કાગારોળ કરી મૂકે છે. મકબૂલ ફિદા હુસૈનની મનોવિકૃતિથી કોણ અપરિચિત છે? તેણે ભારતમાતા, સરસ્વતી દેવી સહિત અન્ય હિંદુ દેવી-દેવતાની નગ્ન ચિત્રકારી કરીને હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડી છે. તેનો વિરોધ કરવામાં આવ્યો, તો હિંદુ સંગઠનોને માથે માછલા ધોવામાં કંઈ જ બાકી રાખવામાં આવ્યું નથી. એંસી વર્ષની ઉંમરે તેનાથી અડધાથી ઓછી ઉંમરની માઘુરી દીક્ષિત પ્રત્યે કામલોલુપતા દર્શાવીને ગજગામિની જેવી ફિલ્મ બનાવી તો તેને કળાનું નામ આ જ બુદ્ધિજીવીઓએ આપ્યું છે. ત્યારે મનથી વિકૃત મકબૂલ ફિદા હુસૈનના બેડરૂમમાં કેમેરો મૂકીને કોઈ ટીવી ચેનલે સ્ટીંગ ઓપરેશન કેમ ન કર્યું? જો આમ થયું હોત તો, હુસૈનની માનસિક વિકૃતિની સાથે અન્ય વિકૃતિઓ પણ સામે આવી હોત.
ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનનરીઓના મિશન ધર્માંતરણને પાર પડવા માટે અનેક મિશનરીઓ કાર્યરત છે. તેમના મિશનને સાઈઠ વર્ષ જેટલા લાંબા સમય સુધી ટક્કર આપનાર સંત સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા કરવામાં આવી. ત્યારે ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારમાં મિશન ધર્માંતરણમાં લાગેલા મિશનરીઓનું કોઈએ સ્ટીંગ ઓપરેશન કર્યું નથી. સ્વામી લક્ષ્મણાનંદની હત્યા પાછળ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓની સાંઠગાંઠ હોવાની શંકા હજી દૂર થઈ નથી. તેમની હત્યાના ગુનેગારોને સજા આપવાની હજી બાકી છે. ત્યારે સાધુ-સંતોના સ્ટીંગ ઓપરેશન કરનારા લોકો ખ્રિસ્તી મિશનરીઓના સ્ટીંગ ઓપરેશન કરીને તેમની હકીકત દેશ સામે લાવે, તો સેવાના આંચળા નીચે રહેલી શૈતનિયત લોકો સામે આવી શકે.
કોઈએ ગુનો કર્યો હોય, તો તેની પોલીસ તપાસ થાય અને અદાલતી કાર્યવાહી દ્વારા તે વ્યક્તિને તેના ગુનાની સજા મળે તેમા કોઈને કોઈ વાંધો ન હોય. પણ ગુનો સાબિત થયા પહેલા તેમના પર મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવે. મીડિયા ટ્રાયલનો વિષય તેમના સુધી સિમિત ન રહેતા, સંત પરંપરા, સાઘુત્વ અને હિંદુ ધર્મને નિશાના પર લે. આ ગુનો નથી, તો શું છે?
શક્ય છે કે ઈચ્છાધારી જેવા પાખંડીઓ સંત બનીને લોકોને ઠગતા હોય. તેમના પ્રપંચને ખુલ્લો પાડવો જોઈએ. પણ તેની આડમાં સંત પરંપરા અને સાધુત્વ પર આંગળી ચિંધવી કેટલી યોગ્ય છે? સ્વામી નિત્યાનંદની કથિત સેક્સ સીડીની પૂરી તપાસ થવી જોઈએ. આ સીડી પાછળ તેમના જ અતિવિશ્વાસુ નિત્યધર્માનંદ ઉર્ફે કે. લેનિનનો હાથ હોવાનું પ્રારંભિક તપાસ અને તથ્યોથી બહાર આવ્યુ છે. ત્યારે તેની પાછળ આશ્રમની અંદરનું રાજકારણ કામ કરી ગયુ કે કોઈ બહારી તત્વોના આધારે આ કામ થયું કે સીડીમાં દેખાતી અભિનેત્રીની કોઈ મહત્વકાંક્ષા સીડીકાંડ માટે કારણભૂત છે? તેની તપાસ થવી જોઈએ. કોમ્પ્યુટર યુગમાં ડુપ્લિકેટ સીડી બનાવવી શક્ય છે. ત્યારે આ સીડીની સત્યતા ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસાય તે પણ જરૂરી છે. ગાઝિયાબાદના કથિત સંત અનુપકુમારે યુવતીનું અપહરણ કર્યું હોય, તો પુરાવાના આધારે તેની સામે કાર્યવાહી થાય તેનાથી કોઈને કોઈ વાંધો નથી. પણ આવા ત્રણ-ચાર કિસ્સાઓને આધારે ધર્મકાર્ય કરી રહેલા, જનકલ્યાણમાં લાગેલા સેંકડો સંતો સામે આંગળી ચિંધવાથી કોના હિતો પાર પાડવાની કોશિશ થઈ રહી છે? તે સંદર્ભે પણ વિચારવું જોઈએ.
કૃપાળુ મહારાજના પ્રતાપગઢના આશ્રમમાં થયેલી ભાગદોડ માટે આશ્રમનું વહીવટીતંત્ર અને રાજ્ય પ્રશાસન બેમાંથી એકેય છટકી શકે તેમ નથી. ત્યારે ઘટનાની યોગ્ય તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. પણ તેને મુદ્દો બનાવીને દરેક ભંડારાઓ સામે આંગળી ચિંધવામાં આવે તે દુખદ છે. જો કે લોકો જ્યારે મંદિરો અને અન્ય ધાર્મિક મેળાવડામાં એકઠા થાય ત્યારે આ પ્રકારની દુખદ ઘટનાઓ ન બને તેની તકેદારી લેવાય તે જરૂરી છે.
પરમાર્થમાં લાગેલા વ્યક્તિઓ પ્રત્યે લોકોને વિશેષ આસ્થા હોય છે. તેઓ આવા સંતો-સાધુઓને ઈશ્વરતુલ્ય ગણતા હોય છે. કેટલાક સંતો-સાઘુઓ ભગવાન તરીકે ઓળખાતા હોય છે. ત્યારે ધર્મનો વિરોધ કરનારા ભગવાન તરીકે ઓળખવા ઓળખાવાની વાતને અયોગ્ય ઠેરવે છે. પણ તે ભારતીય તત્વચિંતન પ્રમાણે અયોગ્ય નથી. મનુષ્ય પોતાના સત્કર્મો અને પુણ્યાય થકી દેવત્વને આંબી શકે છે. આપણે ત્યાં કણ કણમાં ભગવાનની સંકલ્પના છે. વળી અહં બ્રહ્માસ્મિની પણ વાત છે. ત્યારે કોઈ વ્યક્તિ પોતાને ઈશ્વર કે ઈશ્વરતુલ્ય ગણાવે અથવા આમ કરવામાં આવે ત્યારે તે ધર્મ વિરુદ્ધનું આચરણ ગણવામાં આવતું નથી. પણ આવે વખતે આપણે યાદ રાખવું જોઈએ કે જે ઈશ્વરીય તત્વ પોતાનામાં હોવાનો દાવો કરે છે, તેના જેવું જ ઈશ્વરીય તત્વ આપણા પોતાનામાં પણ છે. ઈશ્વર બહાર શોધવા કરતાં પોતાના અંતરમાં શોધવો જરૂરી છે. વળી દયાનંદ સરસ્વતી કે વિવેકાનંદ જેવા સંતોએ પોતે ઈશ્વર હોવાની વાત કરી નથી. ત્યારે પોતે ઈશ્વર હોવાની વાત કરનારના ઈશ્વરીય તત્વોની અનુભૂતિ કરીને તેને તે પદ આપવું વધારે યોગ્ય છે.
સેક્સ અને સેક્સની વાતોની દુનિયામાં સૌથી વધારે ખપત છે. તેને ધ્યાનમાં રાખીને આવી વાતોના સોદાગરો તેને ચગાવવાના છે. પણ એક વાત સમજવી જોઈએ કે જમીનથી અધ્ધર દોરી પર ચાલનારાને જોવો તો ખ્યાલ આવશે કે જ્યારે તે જમીન પર અડીને ચાલતો નથી, ત્યારે તેને ચાલવામાં સંતુલન જાળવવામાં વિશેષ પ્રયત્નો કરવા પડતા હોય છે. જો તે આ પ્રયત્નો યોગ્ય રીતે ન કરી શકે, તો તેનું જમીન પર પડવું નિશ્ચિત છે. કેટલાંક અભ્યાસુઓ માટે, સિદ્ધપુરુષો માટે જમીનથી અધ્ધર દોરી પર ચાલવું તેમના પ્રયત્નોના પરિપાક રૂપ સિદ્ધિથી સહજ બની જતું હોય છે. પણ આ સ્થિતિ બધાં દોરી પર ચાલનારા માટે શક્ય નથી. સાધુત્વ તો ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એકાદ બે પથભ્રષ્ટોના કિસ્સાથી સાધુત્વ પર શંકા કરવી યોગ્ય નથી.
આ દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવા ભારતવિરોધી આતંકવાદીઓને તક આપવામાં આવે છે. ત્યારે ભગવાના ગુણો પચાવવામાં ઉણાં ઉતરનારાઓને તક કેમ આપવામાં ન આવે? સ્વામી નિત્યાનંદને ઘણાં પ્રભાવી રાજકારણીઓ પગે લાગતા બતાવાયા છે. જો નિત્યાનંદની સેક્સ સીડી સાચી નીકળે તો તેમની તે સીડીમાં દેખાતી યુવતી સાથે તેમને પગે લાગનાર તમામ પ્રભાવી લોકોની હાજરીમાં લગ્ન કરીને નવજીવન શરૂ કરવાની તક આપવી જોઈએ.
આપણે ત્યાં સંતોને સંન્યાસ લેવા માટેની પદ્ધતિ અસ્તિત્વમાં છે. સાઘુપણું ક્યારેય કોઈ સમિતિ કે કમિટીની મોનોપોલી હોઈ ન શકે. સંન્યાસ ધર્મને આધિન જ હોઈ શકે છે. તેના માટે કોઈ મુઠ્ઠીભર લોકો નિર્ણય ન લઈ શકે. પણ ત્યારે સાધુઓએ પાખંડી, પ્રપંચી અને લેભાગુઓને ભગવા પહેરતા અટકાવવા માટે સંન્યાસના શાસ્ત્ર સંમત નિયમોને વધારે કડકાઈથી અમલી બનાવવા પડશે. સાથે આજના યુગમાં અનેક પ્રલોભનો વચ્ચે સાધુત્વનું નિર્વાહન ન કરી શકનારને સમાજ અને સંસારમાં પાછા ફરવાનો માર્ગ મોકળાશથી ખોલી આપવો પડશે કે જેથી કોઈ પ્રામાણિક વ્યક્તિ સાધુત્વના નિર્વાહનમાં અશક્ત માલૂમ પડે, તો પાછો ફરી શકે. સનાતન હિંદુ ધર્મની વ્યવસ્થા, વ્યવસ્થા મુક્ત છે. કોઈ એક પુસ્તક, એક વ્યક્તિ, એક પયગંબર કે એક ઈશ્વરપુત્ર સુધી બંધાયેલો બંધિયાર આ ધર્મ નથી. હિંદુ ધર્મ ચાર વેદો, 18 પુરાણો, 108 ઉપનિષદો અને રામાયણ-મહાભારત સહિત અનેક તત્વચિંતકો અને સંતોના વિચારોથી સમૃદ્ધ છે. સંન્યાસીઓના દસનામ અખાડાની વ્યવસ્થા પણ છે. પણ આ તમામ વ્યવસ્થાઓ મુક્તતાથી સમૃદ્ધ છે. સનાતન હિંદુ ધર્મનો મૂળભૂતવિચાર સ્વતંત્રતા અને મુક્તતાથી ઘડાયેલો છે. જો કે આ વિચારે ક્યારેય કોઈને સ્વછંદતાની સ્વતંત્રતા આપી નથી. ધર્મના નાશ વખતે, અધર્મથી ધર્મની રક્ષા માટે ભારતભૂમિ પર જન્મ લેનારા ઈશ્વરના અંશોને પણ ધર્મની મર્યાદાઓ બહાર જવાની પરવાનગી મળી નથી. ત્યારે ધર્મની મર્યાદાઓનું વહન ન કરી શકનાર માટે સાધુત્વ ન હોઈ શકે. પણ ત્યારે કેટલાંક પથભ્રષ્ટોના કિસ્સાઓને ટાંકીને દેશના એંસી લાખથી વધારે સાઘુ-સંતોનું તેમના સાધુત્વ અને સાઘુપણાંને અપમાનિત કરવું સર્વથા નિંદનીય અને જઘન્ય અપરાધ સમાન છે. આવા કિસ્સાઓની ચાતુષ્કોણીય તપાસ થવી જોઈએ. આવા કિસ્સાઓ કોઈની વ્યક્તિગત મહત્વકાંક્ષાને કારણે કે મઠોના પ્રભાવની ઈર્ષ્યા કે વિધર્મીઓના આસ્થા પર આક્રમણના રસ્તા તરીકે કે સમાજમાં સનસનાટીપૂર્ણ ખબરો વેચવાના કારોબારીઓની સામેલગીરી તો નથી ને. તે સ્પષ્ટ થવું જોઈએ. કોઈ ઉપવાસી વ્યક્તિને મનભાવતા ભોજન કરવાની છૂટ સાથે રસોડામાં છૂટો મકી દેવો કે તેને તેવા પ્રલોભનો આપવા કે રૂમમાં જુદીજુદી લજિજ વાનગીઓ સાથે પૂરી દેવામાં આવે, તો ઉપવાસ તૂટવાની શક્યતા વધી જાય છે. ત્યારે ધર્મકાર્યમાં લાગેલા સાધુ-સંતોના સાઘુપણાને કલંકિત કરવા માટે આવો કોઈ પ્રયાસ તો નથી થઈ રહ્યોને ? તેની તપાસ થવી અત્યંત જરૂરી છે.