Wednesday, January 20, 2010

આત્મઘાતી અને ઢીલી કાશ્મીર નીતિ.....

સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ જે સમસ્યાઓ ભારતને જળોની જેમ વળગી છે, તેમાની એક સમસ્યા કાશ્મીરની છે. જો કે આ સમસ્યા ભારત માટે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા સર્જવામાં આવી છે. એમા કોઈ શંકા નથી કે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંત દ્વારા અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનનો ડોળો શરૂઆતથી જ મુસ્લિમ બહુલ રિયાસતે જમ્મુ-કાશ્મીર પર છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુધ્ધો લડાઈ ચુક્યા છે. તેમ છતાં કાશ્મીર મુદ્દાનો હલ નીકળ્યો નથી. તો બીજી તરફ ભારતની સત્તા પર રહેલી તમામ સરકારોની કાશ્મીર નીતિમાં સાતત્યની કમી વર્તાય છે. જેના કારણે પાકિસ્તાન ચડી વાગ્યુ છે. જ્યારે અમેરિકા કાશ્મીરની કૂટનીતિને પાકિસ્તાન તરફે પરિવર્તિત કરાવવા માટે છેલ્લા એક દસકાથી સક્રિય ભૂમિકા અદા કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન પણ કાશ્મીર મુદ્દે ગેલમાં આવી ગયું છે. પાકિસ્તાન પોતાના કબ્જા હેઠળ રહેલા ગિલગિટ અને બાલ્ટિસ્તાન કે જે જમ્મુ-કાશ્મીરના અતૂટ અંગ છે, તેને સ્વાયતતા આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આ બંને ભાગ સીધા પાકિસ્તાનની કેન્દ્રીય એસેમ્બલીના નિયંત્રણમાં આવી જશે. આ તમામ બાબતો ઈશારો કરે છે કે જે રીતે પાકિસ્તાને રિયાસતે જમ્મુ-કાશ્મીરના પોતાના કબ્જા હેઠળના 5 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને ચીનને ધરી દીધો છે, તેવી સ્થિતિ ગિલગિટ અને બાલ્ટિસ્તાનની પણ થઈ શકે છે. વળી સામરિક દ્રષ્ટિએ જોઈએ તો આ બંને વિસ્તારો કારગીલ સાથે સંલગ્ન છે. જેના કારણે ભારતને સામરિક દ્રષ્ટિએ પરેશાનીમાં મુકવા માટે પાકિસ્તાન તે વિસ્તારોમાં ચીનની દખલઅંદાજી શરૂ કરાવી શકે છે. તો બીજી તરફ એક યોજનાબદ્ધ રણનીતિ હેઠળ પાકિસ્તાન ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરના ભાગમાં આતંકવાદી પ્રવૃતિ અને અલગતાવાદી આંદોલનોને ભડકાવી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ પ્રમાણમાં ઓછી થઈ ગઈ હતી. પણ ભારત સરકાર દ્વારા અલગતાવાદીઓ સાથેની ગુપ્ત વાતચીતના પરિણામે અલગતાવાદી પ્રવૃતિઓ વધી ગઈ છે. ભારત સરકાર અલગતાવાદીઓ સામે ઝુકી રહી હોય તેવા પણ સંકેતો તેમની સાથેની વાતચીત પરથી સાંપડી રહ્યાં છે.
ભારત સરકારે કાશ્મીર અંગેની કૂટનીતિમાં તો ઢીલાશ દેખાડી છે, પણ હવે તે સૈન્ય અને સંરક્ષણાત્મક બાબતો પર પણ ઢીલાશ બતાવવા માંડી છે. ભારત સરકારે સમસ્યાગ્રસ્ત કાશ્મીરમાંથી ત્રીસ હજાર સૈનિકોને હટાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ ઘટયુ હોય તેમ ઉપલબ્ધ આંકડાઓ પરથી લાગે છે. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાંક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓ અને પાકિસ્તાન તરફથી ભારતીય સેના અને ચોકીઓ પર ફાયરિંગની ઘટનાઓ પણ વધી ગઈ છે. કેટલાંક ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે, મોટી સંખ્યામાં આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને ભારતમાં ભાંગફોડ કરવા માટે તકની રાહ જોતા બેઠા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભારત સરકાર દ્વારા આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાંથી ત્રીસ હજાર જેટલા સૈનિકો હટાવી દેવાનો નિર્ણય આતંકવાદીઓને હિંસાનો ખેલ ખેલવા માટે મોકળું મેદાન પૂરો પાડવા સમાન નથી?
જો કે ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરના એક નિવેદન પરથી લાગે છે કે ભારત તેની યુધ્ધ નીતિ બદલી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ભારત પાકિસ્તાન તથા ચીન એમ બંને મોરચે એકસાથે યુધ્ધ કરવા માટે સક્ષમ છે. આ નિવેદનના પાકિસ્તાનમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે. જો કે ચીને પાકિસ્તાન જેવા પ્રત્યાઘાતો આપવાનું ટાળ્યું છે. ત્યારે સવાલ એ છે કે આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાંથી ત્રીસ હજાર સૈનિકો હટાવીને ભારત સરકાર પાકિસ્તાન સામે ક્યા મોરચા ખોલવા માંગે છે? શું તેમણે આ ત્રીસ હજાર સૈનિકોને ચીન સાથેની સરહદે (એલએસી-લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ) પર ખસેડયા છે? શું ભારત સરકારે બે મોરચે લડવા માટે તૈયાર ભારતીય સૈનિકોને ભારતના હિત વિરુદ્ધ આવી વિપતિકારક પરિસ્થિતિઓમાં બેરેક્સમાં મોકલી આપ્યા છે? ઉપરોક્ત સવાલોના જવાબ હજીપણ નિરુત્તર રહ્યાં છે, જે લોકમાનસને આશંકિત કરી રહ્યાં છે. થોડા મહિનાઓ પહેલા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ લડાખના માઉન્ટ ગ્યાં પાસેની એલએસીથી દોઢ કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરીને ત્યાંના પર્વતો પર લાલ રંગથી આ વિસ્તારો ચીનના હોવા સંદર્ભનું લખાણ લખ્યુ હતું. લડાખના એલએસી સંદર્ભે એક આધિકારિક રિપોર્ટને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ ખબર આપી હતી કે આ ક્ષેત્રમાં ભારતીય વિસ્તાર સંકોચાઈ રહ્યો છે. ચીની લશ્કર આ વિસ્તારમાં ધીમે ધીમે ઘૂસણખોરી કરીને પોતાના પગ પસરાવી રહ્યું છે. જો કે ભારતીય ગૃહ મંત્રાલય,સંરક્ષણ મંત્રાલય અને ખુદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપક કપૂરે આ અહેવાલ સંદર્ભેના સમાચારને રદિયો આપ્યો છે. ત્યારે ભારતીય સરહદોની સાચી માહિતી સંદર્ભે પણ શંકાનું વાદળ ઘેરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીન પાકિસ્તાન દ્વારા પોતાને અપાયેલા કાશ્મીરના ભાગમાં બંધો અને સડકોની જાળ બિછાવી ચૂક્યુ છે. જ્યારે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પણ તે વિવિધ યોજનાઓના નામે સક્રિય છે. આવા સંજોગોમાં ચીન દ્વારા અચાનક લડાખ સરહદે સક્રિય થવા પાછળ ક્યાંક પાકિસ્તાન અને ચીનની મિલીભગત તો નથી ને, તે જોવું વધારે જરૂરી છે. હંમેશા જીવંત સમસ્યા કે પ્રશ્નોના ઉકેલો કે જવાબો જીવંત અને વાસ્તવિક શોધવા પડે છે. જ્યારે સમસ્યાઓના નિર્જીવ, અમૂર્ત તથા અવાસ્તવિક ઉકેલો શોધવામાં આવે છે, ત્યારે સમસ્યાઓ ઘટવાની જગ્યાએ વધી જાય છે. આવી પરિસ્થિતિથી બચવા માટે ભારતીય સત્તાધારીઓએ ખ્યાલી પુલાવ બનાવવાના બંધ કરવા જોઈએ. પણ તેમ છતાં ભારત સરકાર કાશ્મીર મુદ્દે ખ્યાલી પુલાવ બનાવવાનું ચાલુ રાખ્યુ છે. હકીકતમાં ભારત સરકારે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે એટલે કે પાકિસ્તાન અને ચીન પાસે રહેલા કાશ્મીરના ભાગને ઝડપથી ભારતીય નિયંત્રણમાં લાવવા માટે કોઈ ઠોસ નીતિ અનુસાર કૂટનીતિક, રાજકીય અને સૈન્ય સહિતના તમામ વિકલ્પો ખુલ્લા રાખવા જોઈએ. એક પ્રવર્તમાન વિચાર પ્રમાણે, સૈન્ય દ્વારા કાશ્મીર મુદ્દો ઉકેલી શકાય તેમ નથી. ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કાશ્મીર મુદ્દો સમસ્યા પાકિસ્તાનના સૈન્ય આક્રમણ થકી જ બન્યો છે. ત્યારે સૈન્ય સામે સૈન્ય વિકલ્પ ખુલ્લો નહીં રાખવામાં આવે, તો દશા એવી થશે કે જેવી કારગીલ વખતે બની હતી. એટલે કે સૈન્ય શક્તિ વગરની કૂટનીતિ નકામી નીવડશે. ભારત સરકાર શાંતિની બસયાત્રા કરશે અને પાકિસ્તાની લશ્કર ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરવાની પોતાની રણનીતિ ચાલુ રાખશે. કારગીલ જેવી પરિસ્થિતિ ફરીથી બને નહીં તે માટે ભારત સરકારે સૈન્ય તૈયારી કરીને તકેદારીના પગલાં લેવા પડશે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિક મોરચો પણ સંભાળવો પડશે. કાશ્મીર મુદ્દે આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ત્રીસ હજાર સૈનિકોને કાશ્મીરમાંથી હટાવવા પાછળ કંઈ મજબૂરી હશે? તે સમજવું ઘણું કઠિન છે.
ભારત સરકારે કાશ્મીરના અલગતાવાદીઓ સાથે વાતચીત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વાતચીત છેલ્લા દોઢ-બે વર્ષથી ગુપ્તપણે ચાલી રહી હતી. આ વાતચીતમાં શું રંધાયું તેની ખબર ન તો ભારતની જનતાને છે કે ન તો ભારતીય મીડિયાને છે. જમ્મુ-કાશ્મીરમાં સત્તારુઢ નેશનલ કોન્ફરન્સે યુપીએ સરકારને બ્લેકમેઈલ કરવા માટે સ્વાયત્તતાનો રાગ ફરીથી આલાપ્યો છે. તેના માટે આ વખતે સેવાનિવૃત ન્યાયમૂર્તિ સગીર અહેમદની સમિતિનો સહારો લેવાયો છે. સગીર અહેમદ જમ્મુ-કાશ્મીરના ન્યાયમૂર્તિ હતા, ત્યારે તેમના અલગતાવાદીઓ સાથેના સંબંધો જગજાહેર છે. તેમણે ભલામણ કરી છે કે સંરક્ષણ, કરન્સી અને વિદેશ નીતિના મામલાઓને છોડીને અન્ય તમામ મામલે રાજ્ય સરકારને પૂર્ણ સ્વાયત્તતા આપવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ આ રિપોર્ટની ભલામણોને લાગુ કરાવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સગીર અહમદના રિપોર્ટને લાગુ કરવાનું આશ્વાસન આપ્યું છે. જો તેમનો દાવો સાચો હોય તો યુપીએ સરકારનો આ નિર્ણય રાષ્ટ્રહિતથી વિપરિત નથી? ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનના ઈશારે નાચનારા સંગઠનો પીડીપી અને હુર્રિયત કોન્ફરન્સ પણ ઉમર અબદુલ્લાની 'હા' માં 'હા' મિલાવી રહ્યાં છે. ત્યારે શક્યતા છે કે લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવે અને જમ્મુને હિમાચલપ્રદેશ સાથે મેળવીને કાશ્મીર ખીણને પૂર્ણ સ્વાયત્તતા આપી દેવામાં આવે. આવા ગુપ્ત પ્રયાસો ચાલતા હોય કે તેના પર વિચાર થતો હોય તેવી સંભાવનાઓ હાલની કાશ્મીર મુદ્દે ચાલી રહેલી કેન્દ્ર સરકારની હલચલ પરથી નકારી શકાય તેમ નથી. કાશ્મીરને સ્વાયત્તતા આપવા સંદર્ભે 1975 અને 1996માં સમિતિઓ બની હતી. પણ સત્તાની મલાઈ ખાવામાં વ્યસ્ત અબ્દુલ્લા પરિવારે આ સમિતિઓના રિપોર્ટસને વ્યવધાનમાં નાખી દીધા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સ્વાયત્તતા પ્રસ્તાવને કેન્દ્ર સરકારે રદ્દ કરી દીધો છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં કલમ-370ને કારણે અન્ય પ્રાંતના લોકો ત્યાં જમીન ખરીદી શકતા નથી. જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો અને અલગ કૌમી તરાના આજે પણ અસ્તિત્વમાં છે. તેમ છતાં દેશના સૌથી પછાત રાજ્ય બિહારને પ્રતિ વ્યક્તિ માત્ર 876 રૂપિયા મળે છે, જ્યારે કાશ્મીરમાં ભારત સરકાર તરફથી પ્રતિવ્યક્તિ 985 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે સ્વાયત્તતાની ભલામણોમાં ભારત સરકાર તરફથી મળતી જંગી સહાય રાશિ લેવા અંગે શું જોગવાઈ છે અને ભારત સરકાર આ સહાયતા માટે શું પ્રયોજનો કરશે? તે જાણવું અતિ આવશ્યક છે.
જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય કટોતી બાદ હલચલ ચાલુ થઈ છે. પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત ફિદાયીન હુમલાઓ દર્શાવે છે કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનર્જીવિત કરવા માટે એડી ચોટીનું જોર અજમાવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં વધારાના ભારતીય સુરક્ષાદળો દ્વારા ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનોને પરિણામે રાજ્યમાં ઘૂસણખોરી અને આતંકવાદી ઘટનાઓમાં ભારે કમી આવી હતી. જો કે ગત છ અને સાત જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં બે આતંકવાદીઓ દ્વારા ભારતીય સુરક્ષાદળો સાથે 22 કલાક ચાલેલી અથડામણ દર્શાવે છે કે ભારત કોઈપણ ઢીલાશ કરશે, તો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં પોતાના રાષ્ટ્રીય હિતો સાધવા માટે આતંકવાદી પ્રવૃતિઓને વધારશે. જ્યારે ઉનાળામાં બરફ પીધળશે ત્યારે પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવશે. આ આતંકવાદીઓ માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, પણ સમગ્ર ભારત માટે ખતરારૂપ બનશે. પાકિસ્તાની શાસકો પણ કાશ્મીર મુદ્દે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યાં છે. તેના માટેના કારણો ઘણાં છે. એક, પાકિસ્તાનમાં ઝરદારી માટે રાષ્ટ્રપતિ પદે ટકી રહેવામાં જોખમ છે. બીજું, પાકિસ્તાનમાં આતંકવાદ ઝડપથી વધી રહ્યો છે. ત્રીજું, તાલિબાનો સામેની નાટો સેના અને પાકિસ્તાની સેનાની લડાઈથી પાકિસ્તાની આવામમાં અમેરિકા વિરોધી ભાવનાઓ વ્યાપક પ્રમાણમાં ભડકી રહી છે. તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાની શાસકોને બચવા માટે કાશ્મીર રાગ થકી ભારત વિરોધને ભડકાવવો એક સુવર્ણ તક સમાન છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની એસેમ્બલી અને કાઉન્સિલના સંયુક્ત અધિવેશનમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારત સાથે એક હજાર વર્ષ સુધી યુધ્ધ કરવા માટે તૈયાર હોવાની વાત કરી છે. જો કે સવાલ એ છે કે એક હજાર વર્ષ સુધી પાકિસ્તાન જીવિત રહેશે કે કેમ ? અગાઉ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો આવો જ પ્રલાપ નિરર્થક પૂરવાર થયો છે. જો કે તેમ છતાં સંભવિત જોખમોની સામે ટકરાવા માટે ભારત સરકારે પણ કડક નીતિ અખત્યાર કરવી પડશે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપકકપૂરે કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાનો વિરોધ કર્યો હતો. પણ રાજકારણીઓ સામે તેમનું કંઈ જ ચાલ્યું નથી. જ્યારે ભારત સરકારની ઘૂંટણિયા ટેક નીતિઓને કારણે પાકિસ્તાન હંમેશા અનુચિત લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. પાકિસ્તાની મંત્રીમંડળની સંરક્ષણ મામલાની સમિતિએ ભારત સામે આક્રમક નીતિ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઝરદારી તરફથી પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ભારત વિરોધી પ્રવૃતિઓ તેજ કરવાનો છૂટોદોર મળ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર આતંકવાદી હુમલા અટકાવવા સંદર્ભે અસમર્થતા દર્શાવી છે. જેના કારણે ભારતે કાશ્મીર મુદ્દે સતર્ક રહેવું જરૂરી બન્યું છે.
આમ તો પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે ભારતની દરેક પહેલને પીઠમાં ખંજર ભોંકીને નિરસ્ત કરવામાં આવી છે. એનડીએના શાસનકાળ દરમિયાન શાંતિ પ્રક્રિયાના ઉજળા નામ નીચે તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ લાહોરયાત્રા કરી હતી. તેના જવાબમાં પાકિસ્તાનના તત્કાલિન સેનાપ્રમુખ જનરલ મુશર્રફે પાકિસ્તાની સેનાઓ દ્વારા કારગીલનું ઉબાડિયું ભર્યું હતું. વિદેશી મામલાઓના જાણકારોના માનવા પ્રમાણે, પાકિસ્તાન સાથેની શાંતિ પ્રક્રિયા વાજપેયી સરકારે અમેરિકાના દબાણ નીચે કરી હતી. 1971ના સિમલા કરાર બાદ કાશ્મીર મુદ્દો ભારતની તરફેણમાં ઝુક્યો હતો. જો કે ભારતના નીતિ-નિર્ધારકોમાં અસમંજસતા દેખાઈ કે તરત જ પાકિસ્તાને પંજાબના આતંકવાદનો પ્રયોગ જમ્મુ-કાશ્મીરમાં દોહરાવ્યો હતો. 1989થી ચાલુ થયેલા આ ઈસ્લામિક આતંકવાદે હજારોના લોહી રેડયા છે. વી.પી.સિંહની સરકાર વખતે પણ દેશમાં રામજન્મભૂમિ આંદોલન થકી સાંપ્રદાયિક રાજકારણના પ્રભાવી બનવાની શરૂઆત થઈ હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા માટે પાકિસ્તાનને મોકળું મેદાન મળ્યું હતું. કાશ્મીર ખીણમાંથી 1990 સુધીમાં કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કરાયા હતા. નરસિંહરાવની સરકારે પણ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફ ઢીલી નીતિ અપનાવી હતી. તેનું તાદ્રશ્ય ઉદાહરણ તે વખતે ઘટેલી હઝરતબલ જેવી આતંકવાદીઓને મહિનાઓ સુધી બિરયાની ખવડાવતી અને સેઈફ પેસેજ આપતી ઘટનાઓ પરથી મળે છે. નરસિંહરાવના અનુગામીઓ આઈ. કે. ગુજરાલ અને દેવગૌડા પણ કાશ્મીર મુદ્દે કોઈ ઠોસ નીતિ અપનાવવામાં નિષ્ફળ નીવડયા હતા. આજે કાશ્મીર ખીણમાંથી પંડિતોને વિસ્થાપિત કર્યાને આજે વીસ વર્ષનો ગાળો વીતી ગયો છે. ત્યારે પણ ભારત સરકાર પાકિસ્તાન વિરુધ્ધ દેશ હિતકારક કોઈ નીતિનું નિર્ધારણ કરી શકતી નથી, તે એક આશ્ચર્યની વાત છે. અલગતાવાદીઓ સાથે વાત કરતી ભારત સરકાર સામે કઈ મજબૂરી છે કે તે કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં કતરાય છે અને તેમની સમસ્યાના ઉકેલમાં કોઈ રસ દાખવતી નથી. શું અલગતાવાદીઓની પાછળ રહેલી પાકિસ્તાન અને તેના નાપાક આતંકવાદીઓની તાકાત સામે જ ઝુકવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે? કાશ્મીરી પંડિતોને ક્યારે ન્યાય મળશે અને પાકિસ્તાન તથા આતંકવાદીઓને ભારત સરકાર પોતાની દ્રઢ નીતિઓને કારણે ક્યારે ઘૂંટણિયે પાડશે? કાશ્મીર મુદ્દે નહેરુ, ઈન્દિરા, વાજપેયીને મળેલી ઘોર નિષ્ફળતાનું કારણ માત્ર તેમની પાકિસ્તાન તરફે કાશ્મીર મુદ્દે અપનાવવામાં આવેલી ઢીલી અને આત્મઘાતી નીતિઓ હતી. પુરોગામીઓની આવી ઢીલી નીતિ મનમોહનસિંહ અપનાવવાની ચાલુ રાખશે, તો ભારતે વિશ્વ સમુદાય, અમેરિકા અને પાકિસ્તાન તથા તેના નાપાક આતંકવાદીઓ સામે અડગતાની જગ્યાએ મજબૂર બનીને ઉભું રહેવું પડશે.
કાશ્મીર મુદ્દે ફારુક અબ્દુલ્લા કે ઉમર અબ્દુલ્લાનો ભરોસો કરવો મૂર્ખામી હશે. કારણ કે અબ્દુલ્લા પરિવારે કાશ્મીર અને ભારતના હિતને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પોતાના હિતોને સર્વોપરી ગણ્યા છે. ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લા કાશ્મીરમાં કટ્ટર મુસલમાન તરીકે વરતતા હતા કાશ્મીરમાં તેઓ પોતાની દરેક તકરીર કુરાનની આયાતોથી શરૂ કરતાં હતા. પણ જ્યારે તેઓ રિયાસતની બહાર પગ મૂકતા હતા, ત્યારે તેઓ સેક્યુલરવાદનો મુખોટો ચઢાવી લેતા હતા. ડૉ. ફારુક અબ્દુલ્લા કેન્દ્રીય મંત્રી છે. પણ 2007માં તેમણે લાહોર હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં પોતાની રાષ્ટ્રીયતા ભારતીય નહીં, પણ કાશ્મીરી દર્શાવી છે ! આ સોગંદનામુ ફારુક અબ્દુલ્લાએ લાહોર સ્થિત નિડોજ હોટલનું સ્વામિત્વ પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાનની કોર્ટમાં દાખલ કર્યું હતું. લાહોર સ્થિત આ સો કરોડની હોટલને ફારુકના નાના હેરી નિડોજે બનાવી હતી. બેગમ અકબર જહાં તેમની એકમાત્ર પુત્રી હતી. દેશના વિભાજન બાદ શત્રુ સંપત્તિ સ્વરૂપે પાકિસ્તાની સરકારે તેને પોતાના કબ્જામાં લઈ લીધી હતી. કોર્ટના આ નિર્ણયને અકબર જહાંના પુત્ર ફારુક અબ્દુલ્લાએ લાહોર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નહીં પણ કાશ્મીરી છે. કાશ્મીર વિવાદિત ક્ષેત્ર છે , માટે હોટલ પર પાકિસ્તાની સરકારનો કબ્જો ગેરકાયદેસરનો છે. કોર્ટે આ હોટલ ડો. ફારુક અબ્દુલ્લાને હવાલે કરી દીધી છે. ત્યારે પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા અને કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર તરીકે માન્યતા આપતું સોગંદનામુ કરનાર વ્યક્તિ કાશ્મીરનો શું ઉકેલ લાવશે, તે અંદાજવું જ રહ્યું.. ભારતીય નહીં પણ કાશ્મીરી તરીકેની ઓળખ અને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવું બંને કાશ્મીર બાબતના ભારતીય પક્ષ સાથે બંધબેસતા નથી. ત્યારે સવાલ એ છે કે આવું સોગંદનામુ લાહોરની હાઈકોર્ટમાં કરનારા ફારુક અબ્દુલ્લા ભારત સરકારમાં મંત્રી તરીકે કઈ રીતે ચાલુ છે ? પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા પિતાના પુત્ર જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા પાસેથી કાશ્મીર મુદ્દે કોઈ ભારત તરફી ઉકેલની અપેક્ષા રાખી શકાય તેમ છે?