Saturday, January 7, 2023

2024માં રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવાનું હશે મોદીનું લક્ષ્ય, PMને વારાણસી સાથે દ.ભારતમાંથી ઉમેદવારી કરાવવાની રણનીતિ?

 


2024માં ભાજપનું સૂત્ર હશે- અબ કી બાર 415 કે પાર!

1984માં કોંગ્રેસને 415 લોકસભા બેઠકો પર મળી હતી જીત

દક્ષિણ ભારતમાં ભાજપ વિશેષ રાજનીતિથી 100થી વધુ બેઠકો માટે કરશે પ્રયાસ

અમદાવાદ, 7 જાન્યુઆરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે માધવસિંહ સોલંકી વખતનો કોંગ્રેસનો સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડીને 156 બેઠકો પર જીત મેળવી હતી. હવે 2014 અને 2019માં સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 2024માં રાજીવ ગાંધી વખતનો કોંગ્રેસનો સૌથી વધુ લોકસભા બેઠકો જીતવાનો રેકોર્ડ તોડવા પર નજર રાખી રહ્યું છે. આના માટે ભાજપ ઉત્તર અને પશ્ચિમ ભારત સાથે દક્ષિણ અને પૂર્વ-પૂર્વોત્તર ભારતમાં પોતાના ચૂંટણી સમીકરણો સાધવાની કોશિશ કરી રહ્યું છે.

આના માટે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 પારના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દક્ષિણ ભારતમાં ઓછામાં ઓછી 100 બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. પરંતુ કર્ણાટક સિવાય ભાજપનો બેઠકોની દ્રષ્ટિએ દક્ષિણ ભારતના અન્ય કોઈ રાજ્યમાં સારો દેખાવ જોવા મળ્યો નથી. તેથી  2024ની રણનીતિને ધ્યાનમાં રાખીને ભાજપની કેન્દ્રીય નેતાગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી સિવાય દક્ષિણ ભારતના રાજ્યમાંથી પણ ઉમેદવારી કરાવવા પર વિચારણા કરી રહી છે. એવી અટકળો છે કે મોદી વારાણસી સાથે તેલંગાણામાંથી પણ 2024માં ઉમેદવારી કરે તેવી કોશિશ કરાય રહી છે. ગ્રેટ આંધ્રાના અહેવાલને ટાંકીને ચર્ચા છે કે આના માટે ભાજપે ઈન્ટરનલ સર્વેમાં મલ્કાજગિરી અને મહબૂબનગર બેઠકો પર નજર ઠેરવી છે.

સોશયલ મીડિયા હવે મુખ્ય પ્રવાહના મીડિયા પર પણ અસર પાડી રહ્યું છે. સોશયલ મીડિયા પર વહેતા થતા દરેક પ્રકારની કલ્પનારૂપ લાગતી વાતો ઘણીવાર જિજ્ઞાસા પેદા કરનારી અને લોકોને ગુંચવાડામાં નાખનારી પણ હોય છે. આવી વાતોને માનવી કે નહીં તેને લઈને લોકોમાં ગુંચવાડા છતાં આવી વાતો સોશયલ મીડિયા પર ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જતી હોય છે. કેટલીક વાર સોશયલ મીડિયાની આવી વાતો સાચી પણ પડે છે અને ખોટી પણ પડે છે.

આવી જ એક વાતની ચર્ચા હવે થઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વારાણસીની સાથે જ તેલંગાણાની બેઠક પરથી પણ ઉમેદવારી કરી શકે છે. ગ્રેટ આંધ્રાની ગોસિપ કોલમમાં આના સંદર્ભેની શક્યતાઓને લઈને વાત કરવામાં આવી છે.

અહેવાલો પ્રમાણે, ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી ઈચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે દક્ષિણ ભારતમાંથી પણ લોકસભાની ચૂંટણીમાં ઝુકાવે. આની પાછળની ગણતરી એવી છે કે દક્ષિણ ભારતમાંથી નરેન્દ્ર મોદી લડે,તો તેની અસર ભાજપની બેઠકોની જીતમાં વધારામાં રૂપાંતરીત કરી શકાય.

ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું કાઠું કાઢવામાં હજીપણ સંઘર્ષરત છે. ભાજપને માત્ર કર્ણાટકમાં આમા સફળતા મળી છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દક્ષિણ ભારતમાં પણ 100 બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. આવી સ્થિતિમાં ભાજપના રણનીતિકારો માને છે કે વારાણસીની સાથે જ દક્ષિણ ભારતની કોઈ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી એક મોટી અસર ઉભી કરી શકે છે.

આ વર્ષના ઉતરાર્ધમાં તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપને સત્તામાં આવવાના સારા અવસરો હોવાનું માનવામાં આવે છે. ત્યારે જો પરિણામો તેલંગાણમાં ભાજપની તરફેણમાં રહે અથવા ભાજપ ખૂબ સારો દેખાવ કરે તો તેવા સંજોગોમાં વડાપ્રધાન મોદીની તેલંગાણીની લોકસભા બેઠક પરથી ઉમેદવારીની શક્યતાઓ વધી જશે, તેવી પણ ચર્ચા છે.

રિપોર્ટ્સ પ્રમાણે, ભાજપ આવી બે લોકસભા બેઠકો તારવવા માટે ગુપ્ત સર્વે કરી રહ્યું છે. તેની પાછળનો ઉદેશ્ય એ છે કે આ બે બેઠકો દ્વારા દક્ષિણ ભારતમાં ભાજપની જીતવાની તકોને વધુ ગાઢી બનાવી શકાય. વળી આ બંને બેઠકો પર જીતની ઉજળી તકો તો ભાજપ જોશે જ.

માનવામાં આવે છે કે ભાજપ  મલ્કાજગિરી બેઠક પર નજર ઠેરવી રહ્યું છે, કારણ કે મલ્કાજગિરી બેઠક આખા ભારતની સૌથી મોટો લોકસભા મતવિસ્તાર છે અને અહીં કોસ્મોપોલિટન મતદાતાઓ છે. તો બીજી બેઠક મહેબૂબનગર છે- આ પછાત લોકસભા મતવિસ્તાર છે અને જાતિ-ધર્મના ધ્રુવીકરણને કારણે ખાસી અનુકૂળ બેઠક છે.

સૂત્રોને ટાંકીને ગ્રેટ આંધ્રાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાથી લડવાની લીલી ઝંડી આપે, તો ભાજપ અહીં જીત માટેની જમીન તૈયાર કરવાના મિશન પર લાગી જશે. આ પહેલા તમિલનાડુમાંથી પણ મોદીના લોકસભા ચૂંટણી લડવાને લઈને અટકળો વહેતી થઈ હતી. પરંતુ ડીએમકેની તમિલનાડુ પરની મજબૂત પકડને જોતા ભાજપ કોઈ જોખમ લેવા માગતું નથી. સૂત્રો મુજબ, તેલંગાણામાં ભાજપ માટે ઘણી ઉજળી તકો છે અને મોદી તેથી આ રાજ્યને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે.