Tuesday, July 10, 2018

કાશ્મીરમાં મહેબૂબા મુફ્તિની “મહોબ્બત”માં આતંક સામે ઝીરો ટોલરન્સનું સૂરસૂરિયું


-        પ્રસન્ન શાસ્ત્રી
જમ્મુ-કાશ્મીરની સમસ્યા ભારતની આઝાદી સાથે તથાકથિત સેક્યુલારિઝમની મૃગમરિચિકા પાછળ દોડવાથી ઉભી થયેલી સમસ્યા છે. ભારતની આઝાદીના સાત દાયકા બાદ હિંદુ બહુમતી ધરાવતા હિંદુ રાષ્ટ્રે તથાકથિત સેક્યુલારિઝમે કરેલા નુકસાનનું સિંહાવલોકન પણ કરવું પડશે અને માનસિકતાના આત્મવિશ્લેષણના આધારે રાષ્ટ્રવાદને મજબૂત કરવા માટે વધુ દ્રઢતાપૂર્વક વિચારવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા કલમ-370 અને કલમ-35એને કારણે છે. પરંતુ આ બંને કલમો માટે જવાબદાર કારણોની પણ ચર્ચા કરવી પડશે.

જમ્મુ-કાશ્મીરની સમસ્યાનો ચાર બાબતો સાથે સંબંધ છે. પહેલો સંબંધ પાકિસ્તાનનું અસ્તિત્વ અને તેની માનસિકતા છે. બીજો મામલો ભૂરાજકીય સ્થિતિમાં મહાસત્તાઓનો વર્ચસ્વનો જીઓપોલિટિકલ જંગ અને ત્રીજું કારણ વૈશ્વિક જેહાદ અથવા ગ્લોબલ જેહાદનો નખશિખ કોમવાદી અને સામ્રાજ્યવાદી વિચાર છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું ચોથું અને સૌથી મોટું કારણ છે, ભારતની ઘરઆંગણાની વોટબેંકની રાજનીતિ.

પાકિસ્તાન પહેલું કારણ

દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના આધારે પાકિસ્તાનનો વિચાર 14મી ઓગસ્ટ, 1947ના રોજ હકીકત બન્યો અને તેની સાથે જ મુસ્લિમ બહુમતી ધરાવતા હિંદુ મહારાજાની સત્તા ધરાવતા જમ્મુ-કાશ્મીરના રજવાડાને લઈને પાકિસ્તાને જૂનાગઢ અને હૈદરાબાદની સાથે વિવાદ શરૂ કર્યો હતો. પાકિસ્તાને 1948માં જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કર્યું અને પીઓકે તથા ગિલગિત-બાલ્તિસ્તાનને પોતાના ગેરકાયદેસર કબજા હેઠળ લઈ લીધું. સાત દાયકાથી ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીર રાજ્યના પીઓજેકે અને ગલિગિત-બાલ્તિસ્તાન આજે પણ પાકિસ્તાનના કબજા હેઠળ છે. સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મામલો વિલંબિત છે. આ વિવાદ છતાં પાકિસ્તાને ગિલગિત-બાલ્તિસ્તાનને એક ઓર્ડરના આધારે પોતાનું રાજ્ય ઘોષિત કરી દીધું છે. પાકિસ્તાને પહેલા જમ્મુ-કાશ્મીરમાં મકબૂલ બટ્ટ જેવા તત્વો દ્વારા ભાગલાવાદને ઉશ્કેર્યો અને મકબૂલ બટ્ટની ફાંસી બાદ તેનો ફાયદો ઉઠાવીને 1990થી આતંકવાદને કથિત આઝાદીની લડાઈના નામે સતત પ્રોત્સાહન આપવાને પોતાની વિદેશ નીતનો ભાગ બનાવ્યો છે. 1990માં કાશ્મીર ખીણમાંથી ત્રણ લાખ કાશ્મીરી પંડિતોને હિંદુ હોવાના કારણે ઈસ્લામિક આતંકવાદીઓએ આઝાદ ભારતમાં વિસ્થાપિત કર્યા હતા. 9-11ની ડબલ્યૂટીઓ પરના અલકાયદાના આતંકી હુમલા સુધી પાકિસ્તાને હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી જૂથો થકી જમ્મુ-કાશ્મીરમાં ભારે હિંસાચાર કરાવ્યો હતો. પરંતુ 9-11ની ઘટના બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટો સૈન્યની હાજરીને કારણે પાકિસ્તાનની આતંકને પ્રોત્સાહન આપતી વિદેશ નીતિ પર આંશિક લગામ લાગી હતી. પરંતુ ફરી એકવાર અમેરિકાની સાથે દગાબાજી કરીને પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદને હિઝબુલ મુજાહિદ્દીનના વિકલ્પ તરીકે વારાફરતી કાશ્મીરમાં પ્રમોટ કરીને આતંકવાદ અને ભાગલાવાદીઓની હિંસા થકી અહીં અશાંતિ અને અસ્થિરતા પેદા કરવાનું ચાલુ રાખી રહ્યું છે. કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈને પોતાની પ્રાસંગિકતા જાળવવા માટેનું એક હથિયાર બની ચુક્યો છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન ખુદ જીઓપોલિટિકલ અને ગ્લોબલ જેહાદની પેદાશ છે.

જીઓપોલિટિકલ બીજું કારણ

કાશ્મીર સમસ્યાના મૂળમાં ભૂરાજકીય કારણો ઘણાં મહત્વપૂર્ણ છે. ભારતના ભાગલા કરીને પાકિસ્તાન બનાવવું એક રીતે તત્કાલિન મહાસત્તા બ્રિટનની એક ગ્રેટગેમ હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ મહાસત્તા તરીકે ઉદય પામેલા અમેરિકા અને તત્કાલિન સોવિયત રશિયા પણ યુનોમાં કાશ્મીરનો મુદ્દો ગયા પછી પોતપોતાના હિતોના આધારે અનુક્રમે પાકિસ્તાન અને ભારતની પડખે આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરનો વિવાદ અમેરિકા અને પશ્ચિમી દેશોના વૈશ્વિક પ્રભાવને દક્ષિણ એશિયામાં ટકાવવા માટે મદદગાર લાગ્યો હતો. અફઘાનિસ્તાન અને ભારતના રાજકારણીઓ ઘણા મોટા પ્રમાણમાં કમ્યુનિઝમના પ્રભાવમાં હતા. ચીન પણ વિચારધારાત્મક આધારે સોવિયત રશિયાની સાથે ગણાતું હતું. જેથી કમ્યુનિઝમની સરહદ આગળ વધે નહીં અને પાકિસ્તાન પર પ્રભાવ જમાવે નહીં તેના માટે કાશ્મીર વિવાદ હેઠળ દ્વિધ્રુવીય વિશ્વમાં અમેરિકાએ પાકિસ્તાનને સતત વૈશ્વિક મંચો પર પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાની લાલસેના આવી અને તેની સાથે જ અમેરિકાએ ગ્લોબલ જેહાદને પ્રોત્સાહન આપીને મુજાહિદ્દીનોને સોવિયત રશિયા સામે લડવા માટે હથિયારો અને નાણાં પણ આપ્યા હતા. તેની બાયપ્રોડક્ટરૂપે પાકિસ્તાને પણ કાશ્મીરમાં જેહાદ અને આઝાદીના આંચળા નીચે આતંકવાદને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ યથાવત છે. પરંતુ હવે કાશ્મીર વિવાદમાં ચીનનો પણ પ્રવેશ થયો છે. પાકિસ્તાન દ્વારા 1963માં કાશ્મીરના અક્સાઈ ચિન નજીકના ભૂભાગને ચીનને સોંપી દેવામાં આવ્યો છે. ચીને કારાકોરમ હાઈવે બનાવીને એક રીતે વર્ષો પહેલા કાશ્મીર વિવાદમાં પ્રવેશ કર્યો છે. હવે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર થકી પાકિસ્તાનમાં ચીન વ્યૂહાત્મક ઉમ્બાડિયા કરી રહ્યું છે. ગ્વાદર પોર્ટ થકી હિંદ મહાસાગર સુધી ચીન પહોંચ બનાવવા ઈચ્છી રહ્યું છે. તો સીપીઈસી દ્વારા ભારતની પશ્ચિમી સરહદે એક વ્યૂહાત્મક ખતરો પણ પેદા થઈ રહ્યો છે.

આ સિવાય ચીનની સેનાની કેટલીક ટુકડીઓ કથિતપણે પીઓકેમાં હોવાની પણ થોડા વર્ષો પહેલા ચર્ચા શરૂ થઈ હતી. તો પાકિસ્તાને ગિલગિત-બાલ્તિસ્તાનના વિવાદીત વિસ્તારને પોતાનું રાજ્ય જાહેર કરીને સીપીઈસી મામલે ચીનના ઈશારે કાર્યવાહી કરી છે. વુહાન ખાતેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વાતચીત બાદ એક ચીની રાજદૂતે તો હદ કરી નાખી. ચીની રાજદૂતે ભારત, પાકિસ્તાન અને ચીનને કાશ્મીર વિવાદ પર વાતચીત કરવા જેવું સૂચન પણ કરી નાખ્યું હતું. જો કે ભારત સરકારે આ સૂચનને નકારી નાખ્યું છે. આ સિવાય જોર્ડનના નેતાની આગેવાનીવાળા યુએનએચઆરસીના રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાં કથિત માનવાધિકારનો હોબાળો મચાવીને ભારતીય સુરક્ષાદળો અને સરકારે નિશાને લેવાની કોશિશ પણ કરવામાં આવી છે.

ગ્લોબલ જેહાદ ત્રીજું કારણ

કાશ્મીર મુદ્દામાં ઈસ્લામિક જગતનું આંતરીક રાજકારણ પણ બેહદ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર મુસ્લિમોની બહુમતી હોવાના નાતે ઈસ્લામિક જગતના કટ્ટરપંથી તત્વો અને કેટલાક ઈસ્લામિક દેશની સરકારો પેલેસ્ટાઈન સાથે કાશ્મીરની સરખામણી કરે છે. કાશ્મીરના નામે પાકિસ્તાન ઈસ્લામિક જગતમાં રાજકારણ ખેલીને યુએનએચઆરસી રિપોર્ટ જેવા ઉમ્બાડિયા કરવાની શક્તિ પણ ધરાવે છે. તાજેતરમાં ભારતના વડાપ્રધાનની ઈઝરાયલ મુલાકાતને પણ કાશ્મીર મામલે નવેસરથી જોર્ડનના નેતાની આગેવાનીવાળા યુએનએચઆરસીના રિપોર્ટમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનના ઉલ્લેખની ચર્ચામાં સાંકળવામાં આવે છે. ભારતના વડાપ્રધાન પહેલી વખત ઈઝરાયલ ગયા હતા અને ઈઝરાયલની મુલાકાત લઈને પેલેસ્ટાઈન ગયા વગર તેઓ સ્વદેશ પાછા ફર્યા હતા. જો કે બાદમાં ભારતના વડાપ્રધાન પેલેસ્ટાઈનની મુલાકાતે ગયા હતા. પરંતુ તેમની મુલાકાત પહેલા પેલેસ્ટાઈનનો પાકિસ્તાન ખાતેનો રાજદૂત આતંકવાદી હાફિઝ સઈદની રેલીમાં સામેલ થયો હતો. પેલેસ્ટાઈને પોતાના રાજદૂતને પાકિસ્તાનમાંથી પાછો બોલાવી લીધો હતો અને બાદમાં ફરીથી તેની નિયુક્તિના પણ અહેવાલ હતા.
ઈસ્લામિક જગતના રાજકારણમાં ગ્લોબલ જેહાદ પણ એક મોટું ફેક્ટર છે. ગ્લોબલ જેહાદના નામે ઈસ્લામિક જગતમાં ચાલતા રાજકારણ હેઠળ પાકિસ્તાને કાશ્મીર વિવાદમાં ખૂબ ફાયદો ઉઠાવ્યો છે. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાની લાલસેનાઓ સામે લડવા માટે ગ્લોબલ જેહાદિસ્ટો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં મુજાહિદ્દીનોને તૈયાર કરવા માટે અમેરિકાના આશિર્વાદથી ડેરો જમાવીને બેઠા હતા. પાકિસ્તાનની સેના અને આઈએસઆઈએ ગ્લોબલ જેહાદિસ્ટો દ્વારા કાશ્મીરમાં આતંકવાદની આગ ચાંપવાની તક ઝડપી લીધી હતી. પાકિસ્તાની સેનાના બગલબચ્ચા જેવા હિઝબુલ મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તૈયબા દ્વારા જમ્મુ-કાશ્મીરમાં બેફામ હિંસાચાર ખેલાયો છે. પરંતુ હવે કાશ્મીરમાં ઈસ્લામિક સ્ટેટ જમ્મુ-કાશ્મીર એટલે કે આઈએસજેકેના આંચળા હેઠળ આઈએસઆઈએસ પણ દેખા દઈ રહ્યું છે. ભારત સરકારના સતત ઈન્કાર છતાં છેલ્લા ઘણાં પ્રદર્શનોમાં આઈએસજેકેના વાવટા આતંકીઓના સમર્થકોના હાથમાં જોવા મળ્યા છે. તાજેતરના એક એન્કાઉન્ટરમાં આઈએસજેકેના ચાર આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યો છે. આ સિવાય અલકાયદાની દક્ષિણ એશિયા ખાતેની આતંકી શાખા પણ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. આઈએસજેકે અને અલકાયદાના આતંકવાદીઓ કાશ્મીરમાં આઝાદીની લડાઈ અને પાકિસ્તાની આતંકી જૂથોને નકલી ગણાવીને ખિલાફતની વાતો કરી રહ્યા છે.

વોટ બેંકની રાજનીતિ ચોથું કારણ

કાશ્મીર સમસ્યાનું ચોથું કારણ ભારતની ઘરઆંગણાની વોટબેંકની રાજનીતિ છે. મુસ્લિમ વોટરો સામે લાળ પાડતા રાજકીય પક્ષોએ કાશ્મીરની સમસ્યાને વણસવા દીધી છે. 1948માં યુએનમાં જવું પણ મુસ્લિમ દેશોની સામે દ્રઢતાપૂર્વક વ્યવહાર કરવાની ભારતના તત્કાલિન રાજનેતાઓની અક્ષમતા જ દર્શાવે છે. તો 1971ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશમાં ફેરવી દેવાનું કૌવત દાખવવા છતાં આરબ દેશો સાથેની મિત્રતા નિભાવવા માટે ઈજીપ્ત, પેલેસ્ટાઈન, ઈરાક જેવા દેશોના તત્કાલિન નેતાઓને નારાજ નહીં કરવાના ઈરાદે કાશ્મીર સમસ્યામાં જૈસે-થેની સ્થિતિ જ રાખવાનું મુનાસિબ માનવામાં આવ્યું હતું. આરબ દેશોની સહાનુભૂતિ મેળવવાની લલક ભારતના અત્યાર સુધીના તમામ શાસકોમાં જોવા મળી છે. પેટ્રોલિયમ પેદાશો અને પેટ્રો ડોલરની તાકાતની આમા ઘણી મોટી ભૂમિકા રહેલી છે. આ સિવાય સાઉદી અરેબિયા અને ઈરાન જેવા દેશો ભારતના શિયા અને સુન્ની મુસ્લિમ સમુદાયો પર પ્રભાવ પાડતા હોવાની પણ એક માન્યતા છે. ખાડી દેશોમાંથી આવતા નાણાં આવો પ્રભાવ પેદા કરી રહ્યા છે અને ભારતમાં પણ સલાફી વિચારધારાનો પ્રસાર કરીને તેને મજબૂત બનાવવાની કોશિશો થઈ રહી છે. આવી કોશિશો સામે આંખ આડા કાન કરીને રાજકીય પક્ષો વોટની રોકડી કરતા દેખાય છે. જેને કારણે કાશ્મીરમાં ઈસ્લામિક રેડિકલાઈઝેશને માઝા મૂકી છે અને કાશ્મીરમાં સલાફી આતંકવાદી જૂથો સક્રિય બની ગયા છે.

કાશ્મીરના નામે માત્ર મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ થાય છે. તેવું બિલકુલ નથી. હિંદુઓને પણ કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાનું ગાજર બતાવીને અઢી દાયકાથી રાષ્ટ્રવાદી લાગણીઓ પર વોટ મેળવીને તાગડધિન્ના થઈ રહ્યા છે અને આ સિલસિલો આગળ પણ ચાલુ રહેવાનો છે. 2019ની ચૂંટણીમાં પણ સળગતું કાશ્મીર વોટરોને આકર્ષવાનો અને તેમની મદદથી ચૂંટણી જીતવાનો મુદ્દો હશે. વોટની હાટડી બની ચુકેલી કાશ્મીર સમસ્યાને ઉકેલવામાં એકપણ રાજકીય પક્ષને રસ નથી. નહીંતર બે વિધાન-બે પ્રધાનનો વિરોધ કરીને પોતાના જીવનનું બલિદાન કરનારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સાથે દ્રોહ કરીને આતંકવાદીઓ માટે કૂણી લાગણી ધરાવતી મહબૂબા મુફ્તિની પીડીપીનું ભાજપ દ્વારા રાજકીય પાણિગ્રહણ કરાયું ન હોત. કમને મહબૂબા મુફ્તિની પીડીપી સાથે રાજકીય તલાક લીધા બાદ પણ જોડતોડ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કથિતપણે સરકાર બનાવવાની બાલિશ કોશિશો થઈ રહી છે. શું ગિલગિત-બાલ્તિસ્તાનનું પાકિસ્તાને સ્ટેટ્સ બદલ્યું તેવું કંઈ જમ્મુ-કાશ્મીરમાં કરવાની 56 ઈંચની છાતીવાળા રાજનેતાની કોઈ હિંમત નથી
?

આતંક સામે ઝીરો ટોલરન્સનો દંભ
મોદી સરકારનો કાર્યકાળ (ચાર વર્ષ)
મે-2014માં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિના બણગાં ફૂંકતી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપની સરકાર સત્તામાં આવી, ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં પુરોગામી યુપીએ-ટુ સરકારના છેલ્લા ત્રણ વર્ષમાં જીવ ગુમાવનારાઓની સરખામણીએ 42 ટકાનો વધારો થયો છે. જ્યારે યુપીએ-ટુના છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ભાજપની સરકારના પહેલા ત્રણ વર્ષના સમયગાળામાં આતંકી ઘટનાઓમાં શહીદ થનારા સુરક્ષાકર્મીઓની સંખ્યામાં 72 ટકાનો વધારો થયો છે. જ્યારે સિવિલયનના મોતની સંખ્યામાં 37 ટકા અને આતંકવાદીઓને ઠાર મારવામાં માત્ર 32 ટકાનો વધારો થયો છે. 16મી મે, 20014ના રોજ ભાજપે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. 26 મે, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદે શપથગ્રહણ કર્યા હતા. આ વિશ્લેષણમાં 1 જૂન, 2014થી 21 મે, 2017ના ભાજપની સરકારના સમયગાળાની યુપીએ-ટુની મનમોહનસિંહની સરકારના 1 જૂન-2011થી 26 મે-2014 સુધીના સમયગાળાની સાથે સરખામણી કરવામાં આવી છે.

ભાજપના સાતમી એપ્રિલ-2014ના ચૂંટણી ઢંઢેરામાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ મુફ્તિ મોહમ્મદ સઈદની સોફ્ટ સેપરેટિસ્ટ અને સોફ્ટ ટેરરિસ્ટ એજન્ડાવાળી પીડીપી સાથે ભાજપની ગઠબંધન સરકાર બનાવવામાં આવી હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી જેમને ઘણી વખત આતંકવાદીઓના ટેકેદાર જેવા ગણાવી ચુક્યા છે, તેવા મહબૂબા મુફ્તિને પણ પિતા મુફ્તિ મોહમ્મદ સઈદના નિધન બાદ જમ્મુ-કાશ્મીરના પહેલા મહિલા મુખ્યપ્રધાન બનાવવામાં ભાજપે મદદ કરી હતી. ભાજપે જ્યારે પીડીપી સાથે ગઠબંધન તોડયું તેના પહેલા પાકિસ્તાન સાથે લીસી-લીસી વાતચીત કરવાના ઈરાદે ભારતના વડાપ્રધાન કાબુલથી લાહોર પહોંચ્યા અને પોતાની સુરક્ષાને જોખમમાં નાખીને તેમણે નવાઝ શરીફની સાથે મુલાકાત પણ કરી હતી. આની પાછળ મહબૂબા મુફ્તિની પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની જીદ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. તો રમઝાન માસમાં અચાનક સફળતાપૂર્વક ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન ઓલઆઉટને થંભાવીને એકતરફી સસ્પેન્શન ઓફ ઓપરેશન અને સામાન્ય બોલચાલની ભાષામાં એક રીતે આતંકવાદીઓ સામે એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. જો કે રમઝાનના સમયગાળામાં આતંકવાદીઓએ લગભગ 66 આતંકી ઘટનાઓ કરી હતી. ઈદની ઉજવણી માટે ઘરે આવી રહેલા ભારતીય સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ કરીને તેની આતંકીઓ દ્વારા કરપીણ હત્યા કરીને તેને શહીદ કરવામાં આવ્યો હતો. તો રાઈઝિંગ કાશ્મીરના એડિટર શુજાત બુખારી અને તેમના બે બોડીગાર્ડ્સને પણ આતંકવાદીઓએ ઈદ પહેલા ઠાર કર્યા હતા. ત્યારે નિશ્ચિતપણે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની વાતો અને વાયદાઓ પર સવાલ ઉઠે છે.

આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના વાયદા સાથે મોદી સરકાર 26 મે, 2014થી સત્તામાં આવી છે. આંકડાઓ પર નજર કરીએ તો 2014માં 28 નાગરિકો, 47 સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યા અને 110 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 2014માં કુલ 185 લોકો જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયા હતા. 2015માં 17 નાગરિકો, 39 સુરક્ષાકર્મીઓ શહીદ થયા અને 108 આતંકી ઠાર થયા. કુલ 164ના 2015માં આતંકી ઘટનાઓમાં મોત નીપજ્યા છે. 2016માં 15 નાગરિકો અને 82 જવાનો શહીદ થયા, 150 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા અને કુલ 247એ આતંકી ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. તો 2017માં 40 નાગરિકો અને 80 જવાનો શહીદ થયા, 213 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા અને કુલ 333એ 2017માં આતંકી ઘટનાઓમાં જીવ ગુમાવ્યા છે. પહેલી જુલાઈ-2018 સુધીમાં 41 નાગરિકોના મોત નીપજ્યા છે, 43 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે અને 108 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એક જુલાઈ-2018 સુધીમાં આ વર્ષે 192એ આતંકી ઘટનાઓમાં જમ્મુ-કાશ્મીરમાં જીવ ગુમાવ્યા છે. 2012થી 2018ની પહેલી જુલાઈ સુધીના સમયગાળામાં 141 નાગરિકોના જીવ ગયા, 291 સુરક્ષાકર્મીઓ શહીદ થયા, 689 આતંકીઓ ઠાર થયા અને કુલ 1121ના આતંકી ઘટનાઓમાં જીવ ગયા છે.
કાશ્મીરમાં આતંકની આગ
વર્ષ            નાગરિક         સુરક્ષાકર્મી      આતંકી         કુલ
2014           28             47             110             185
2015           17              39             108            164
2016           15              82             150            247
2017           40             80             213            333
2018           41              43             108            192
કુલ             141             291            689            1121
યુપીએ-2નો કાર્યકાળ
2009માં 78 નાગરિકો, 64 સુરક્ષાકર્મી, 239 આતંકીઓ સહીત 381ના મોત નીપજ્યા હતા. 2010માં 47 નાગરિક, 69 સુરક્ષાકર્મી, 232 આતંકીઓ સહીત 348ના મોત નીપજ્યા હતા. 2011માં 31 નાગરિક, 33 સુરક્ષાકર્મી, 100 આતંકીઓ સહીત 164ના મોત નીપજ્યા હતા. 2012માં 11 નાગરિકો, 38 સુરક્ષાકર્મીઓષ 50 આતંકીઓ સહીત 99ના મોત થયા હતા. 2013માં 15 નાગરિકો, 53 સુરક્ષાકર્મીઓ, 67 આતંકીઓ સહીત 135ના મોત નીપજ્યા હતા. 2009થી 2013ના સમયગાળામાં કુલ 182 નાગરિકો, 257 સુરક્ષાકર્મીઓ, 945 આતંકીઓ સહીત કુલ 1127ના મોત નીપજ્યા હતા.
કાશ્મીરમાં આતંકની આગ
વર્ષ            નાગરિક        સુરક્ષાકર્મી      આતંકી         કુલ
2009          78             64             239            381
2010           47             69             232            348
2011           31              33             100            164
2012           11              38             50             99
2013           15              53             67             135
કુલ             182            257            945            1127

યુપીએ-1નો કાર્યકાળ
2004માં 707 નાગરિક, 281 સુરક્ષાકર્મીઓ 976 આતંકી સહીત 1964ના મોત નીપજ્યા હતા. 20005માં 557 નાગરિક, 189 સુરક્ષાકર્મીઓ, 917 આતંકીઓ સહીત 1663ના મોત નીપજ્યા હતા. 2006માં 389 નાગરિક, 151 સુરક્ષાકર્મીઓ, 591 આતંકીઓ સહીત 1131ના મોત થયા હતા. 2007માં 158 નાગરિકો, 110 સુરક્ષાકર્મીઓ, 472 આતંકીઓ સહીત 740ના મોત થયા હતા. 2008માં 91 નાગરિકો, 75 સુરક્ષાકર્મીઓ, 339 આતંકીઓ સહીત 505ના મોત નીપજ્યા હતા. 2004થી 2008 દરમિયાન 1902 નાગરિકો, 881 સુરક્ષાકર્મીઓષ 3295 આતંકીઓ સહીત 6003ના મોત નીપજ્યા હતા.
કાશ્મીરમાં આતંકની આગ
વર્ષ            નાગરિક         સુરક્ષાકર્મી      આતંકી         કુલ
2004          707            281            976            1964
2005          557            189            917            1663
2006          389            151             591            1131
2007          158            110             472            740
2008          91              75             339            505
કુલ             1902           881            3295          6003
વાજપેયી સરકારનો કાર્યકાળ
વાજપેયી સરકારના સમયગાળામાં 1998માં 889 નાગરિક, 236 સુરક્ષાકર્મી, 1318 આતંકી સહીત કુલ 2443 માર્યા ગયા હતા. 1999માં 873 આતંકી, 355 સુરક્ષાકર્મી, 1387 આતંકી સહીત 2615ના મોત નીપજ્યા હતા. 2000માં 847 નાગરિક, 397 સુરક્ષાકર્મી, 1956 આતંકી સહીત 3200ના મોત નીપજ્યા હતા. 2001માં 996 નાગરિકો, 536 સુરક્ષાકર્મીઓ, 2634 આતંકીઓ સહીત 4177ના મોત નીપજ્યા હતા. 2002માં 1008 નાગરિકો, 453 સુરક્ષાકર્મીઓ, 2215 આતંકીઓ સહીત 3676ના મોત નીપજ્યા હતા. 2003માં 795 નાગરિક, 314 સુરક્ષાકર્મીઓ, 1964 આતંકીઓ સહીત 3073ના મોત નીપજ્યા હતા.
કાશ્મીરમાં આતંકની આગ
વર્ષ            નાગરિક         સુરક્ષાકર્મી      આતંકી         કુલ
1998           889            236            1318           2443
1999           873            355            1387           2615
2000          847            397            1956           3200
2001           996            536            2645          4177
2002          1008           453            2215           3676
2003          795            314            1964           3073                             
કુલ             5408          2291           11485          19186
ચાર કાર્યકાળની સરખામણી
2014થી 2018ની પહેલી જુલાઈ સુધીમાં 141 નાગરિકો, 291 સુરક્ષાકર્મીઓ, 689 આતંકીઓ સહીત 1121ના મોત થયા છે. 2009થી 2013 સુધીમાં 182 નાગરિકો, 257 સુરક્ષાકર્મીઓ, 945 આતંકીઓ સહીત 1127ના મોત નીપજ્યા છે. જ્યારે 2004થી 2008 સુધીમાં 1902 નાગરિકો, 881 સુરક્ષાકર્મીઓ, 3295 આતંકીઓ સહીત 6003ના મોત નીપજ્યા હતા. જ્યારે 1998થી 2003 સુધીમાં 5408 નાગરિકો, 2291 સુરક્ષાકર્મીઓ, 11485 આતંકીઓ સહીત 19186ના મોત નીપજ્યા હતા.
કાશ્મીરમાં આતંકની આગ
વર્ષ            નાગરિક       સુરક્ષાકર્મી      આતંકી         કુલ
2014-18       141             291            689            1121
2009-13       182            257            945            1127
2004-08      1902           881            3295          6003
1998-03       5408          2291           11485          19186

આંકડાઓ ખુદ કાશ્મીરમાં આતંકની દસ્તાન વ્યક્ત કરે છે. ભારતીય સેના અને સુરક્ષાદળોએ બલિદાનો આપીને જમ્મુ-કાશ્મીરની સુરક્ષા કરી છે. હજી પણ ઈદ પહેલા પથ્થરબાજોના ટોળા વચ્ચે ફસાયેલી સીઆરપીએફની બસના દ્રશ્યો યાદ આવે છે. હથિયારો સાથેના સીઆરપીએફના જવાનો પથ્થરબાજોના પથ્થરો જીવને જોખમમાં નાખીને.. આત્મરક્ષાના અધિકારને બાજુએ મૂકીને સસ્પેન્શન ઓફ ઓપરેશનનું પાલન કરતા હતા. આ સીઆરપીએફના જવાનોની સરકારનો હુકમ માનવાની મજબૂરી જ હશે. કુલગામ જિલ્લામાં તાજેતરમાં સર્ચ ઓપરેશન વખતે સેનાની ટુકડી પર પથ્થરબાજોનો હુમલો થયો અને ફાયરિંગમાં સેનાએ ત્રણ પથ્થરબાજોને ઢાળી દીધા. હવે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન છે. પરંતુ પીડીપી-ભાજપની ગઠબંધન સરકારમાં મેજર લિતુલ ગોગાઈ અને અન્ય એક સૈન્ય અધિકારી પરની પથ્થરબાજો સામેની કાર્યવાહી બાદની એફઆઈઆર યાદ આવે છે. સેના અને સુરક્ષાદળોને જમ્મુ-કાશ્મીરમાં એએફએસપીએ એટલે કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ પાવર એક્ટ હેઠળ વિશેષાધિકાર છતાં એફઆઈઆર કરવી માત્ર અને માત્ર તત્કાલિન મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિનું રાજકીય દબાણ કારણભૂત હતું. મહબૂબા મુફ્તિએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતી વખતે પોતાની સિદ્ધિઓ વર્ણવતા કલમ-370ની સુરક્ષા કર્યાનું ગાઈ વગાડીને કહ્યુ હતું. તો અગિયાર હજાર જેટલા પથ્થરબાજોના કેસ પાછા ખેંચવાને પણ પોતાની સરકારની સિદ્ધિ ગણાવી હતી. મસરત આલમની જેલમુક્તિ અને જેલવાસ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ફરીથી અશાંતિનો તબક્કો શરૂ થયો હતો અને આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ પાકિસ્તાન તરફથી ભાગલાવાદીઓનો ઉત્પાત વધ્યો છે. જેને કારણે આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટરની બીજી વરસીએ પવિત્ર અમરનાથ યાત્રાને કાયદો અને વ્યવસ્થાના કારણે સ્થગિત રાખવી પડી હતી. જમ્મુ-કાશ્મીરની આતંક સામે ઝીરો ટોલન્સના વાયદાની આ હકીકત છે. આખા દેશની એક જ માગણી છે- જમ્મુ-કાશ્મીરમાંથી આતંકનો સદંતર ખાત્મો. દેશમાંથી જેહાદીઓની સમાપ્તિ...