લેબલ વિકાસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ વિકાસ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 15 એપ્રિલ, 2013

જરૂર છે, સંવેદનશીલ વિકાસ મૉડલની


-         આનંદ શુક્લ
આખા દેશ અને ગુજરાતમાં વિકાસના વાયરા વાયા છે. આ વાયરા પહેલા યૂરોપ અને પછી અમેરિકાથી વાયા. ભારતે આઝાદીના 65 વર્ષો બાદ 90ના દશકથી વિકાસની વાટ પકડવા માટે યૂરોપ અને અમેરિકી મોડલને આધાર બનાવ્યું છે. ભારતમાં યૂરોપિયન અને અમેરિકન મોડલના આધારે થઈ રહેલો વિકાસ યંત્રવત હોવાનું ઘણાં વિશેષજ્ઞોનું માનવું  છે. આ વિકાસ પ્રક્રિયા એક યંત્રવત છે. વિકાસ પ્રક્રિયા માણસ માટે હોય છે, માણસ વિકાસ પ્રક્રિયા માટે નહીં. પરંતુ ભારતમાં અમેરિકન વિકાસ મોડલના પ્રભુત્વમાં માણસ વિકાસ પ્રક્રિયા માટે છે! વિકાસ પ્રક્રિયામાં ભવ્યતા અંતિમ પડાવ છે. પરંતુ ભારત અને ગુજરાતમાં વિકાસનો વાયરો વાવાઝોડામાં ફેરવાઈને ભવ્યતાના રવાડે વિષચક્ર બની ચુક્યો છે. આપણે ત્યાં સરકારોએ ભવ્યતા અને રેકોર્ડને વિકાસ માની લીધો છે. આ વિષચક્ર બની ચુકેલા વિકાસના મોડલથી મહિલાઓની સ્થિતિ ખરાબ છે, બાળકો કુપોષણના ભોગ છે, ખેડૂતો આત્મહત્યાઓ કરી રહ્યા છે, સીમાડા પર દુશ્મન દેશો ભારતને કનડી રહ્યા છે, વિકાસદર 5 ટકાએ માંડ પહોંચી રહ્યો છે. ખાદ્ય અને દેવામાં સરકારો સપડાઈ રહી છે. દેશમાં માત્ર રસ્તાઓ સારા થઈ જવા માત્રથી વિકાસ થતો નથી. આ સારા રસ્તાઓ તેની આસપાસ વસતા માણસોને ચોક્કસ મદદરૂપ થાય છે. પણ તેનાથી વધારે મદદ આ દેશની કુદરતી સંપત્તિનો વેપલો કરતા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસને કરે છે. આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં.
આ દેશમાં 90ના દશકમાં જે સંવેદનશીલતાનો માહોલ હતો, તે માહોલ વિષચક્ર બનેલા વિકાસના વાવાઝોડામાં ગાયબ છે. આ વિકાસ અસંવેદનશીલ છે, આ વિકાસ પ્રક્રિયા અસંવેદનશીલ છે. જયપુરમાં તાજેતરમાં એક અકસ્માત થયો. રસ્તા પર એક મહિલા અને તેની છ માસની બાળકીનું કોઈ વાહનની અડફેટે અવસાન થયું. મૃત મહિલાનો પતિ અને તેનો નાનો પુત્ર મદદ માટે વલખા મારતા રહ્યા. પરંતુ ત્યાંથી પસાર થતી લગભગ 100 ગાડીઓ અને વાહનોમાંથી એકની પણ સંવેદના જાગી નહીં. તેમણે મહિલા જીવે છે કે મરી ગઈ છે, તે જાણવાની દરકાર સુદ્ધાં લીધી નહીં. અંતે અડધો કલાક બાદ કેટલાંક બાઈકસવારોએ મદદ કરવાનું શરૂ કર્યું. વિકાસમાં માનવીય સંવેદનાઓ મરી પરવારે છે, ત્યારે તે વિકાસ અસંવેદનશીલ બને છે. ભારતીય વિચારધારામાં ધર્મના (નોંધ- ધર્મનો અર્થ અંગ્રેજી રિલિજયન પ્રમાણે કરવો નહીં) આધારે ધન પેદા કરવું, સંપત્તિ પેદા કરવી, ધન-ધાન્ય પેદા કરવું, સુખ-સંપન્ન તા વધારવાની મંજૂરી બેશક છે. પરંતુ શું અત્યારે જે વિકાસ થઈરહ્યો છે, અત્યારે જે વિકાસ પ્રક્રિયા આરંભાઈ છે, તેમાં મૂલ્યો-સિદ્ધાંતો અને માનવીય સંવેદનોઓને સ્થાન છે?
ભારતમાં હાલના અમેરિકન મોડલના તથાકથિત વિકાસના વાયરા વાયા ન હતા, તે વખતે ભારતનો ગરીબ પણ ભૂખ્યાને પોતાના અડધા રોટલામાંથી બટકું આપી દેવાની વૃતિવાળો હતો અને આજે પણ વિકાસના વાયરાથી વંચિત આ વર્ગમાં આ પ્રવૃતિ સામાન્ય રીતે જોવા મળે છે. આજે દેશની મોટાભાગની સંપત્તિ મુઠ્ઠીભર અમીરો અને કોર્પોરેટના હાથમાં કેદ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં સપડાયેલા લોકામાં ભારતના ગરીબ પહેલા હતી અને અત્યારે છે, તેવી સંવેદનાનો અભાવ છે. કોર્પોરેટો, મલ્ટીનેશનલ્સો અને ઔદ્યોગિક ગૃહોને વિકાસ પ્રક્રિયાના સાધન ગણવામાં આવે છે, પરંતુ તેમની ખુદની આંતરીક વ્યવસ્થા અને તેમના દ્વારા ઉભી કરવામાં આવેલી એકપણ વ્યવસ્થામાં સંવેદનાનો રડયો-ખડયો સૂર પણ રાખવામાં આવ્યો નથી. આવા વિકાસના તથાકથિત વાહકોના રવાડે ચઢીને ભારતનું તંત્ર પણ અસંવેદનશીલ બની રહ્યું છે. ભારતમાં ગરીબોની સંખ્યા ઘણીમોટી છે, ઘણો મોટો મધ્યમ વર્ગ છે અને નવમધ્યમ વર્ગ વિકસિત થઈ રહ્યો છે. તેમના માટે જુદીજુદી સબસિડીની વ્યવસ્થાઓ છે. પરંતુ વિકાસના વિષચક્રમાં અસંવેદનશીલ બનેલી ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ સબિસિડીઓ આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે. ગરીબવિરોધી, જનવિરોધી અર્થશાસ્ત્રીઓની પેનલ સબિસિડીઓ નાબૂદ કરવાની વિચારધારા પર કામ કરે છે, પરંતુ તેની સામે ઔદ્યોગિક ગૃહોને લગભગ સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની મબલખ સહાય આપતા ખચકાતા નથી. મદદની જરૂર કોને છે, જે કમજોર છે તેને કે જે મજબૂત છે અને વધારે મજબૂત થવાનો છે તેને?
ભારતમાં હાલ વિકાસનું વિકસેલું વિષતંત્ર એટલી હદે બેશરમ બની ગયું છે કે ખુલ્લેઆમ ધન-ધાન્યના સટ્ટા અને સંગ્રહાખોરી થાય છે, ખેતીનું સત્યાનાશ નીકળી રહ્યું છે, ગાય અને અન્ય ઉપયોગી પશુઓનું નિકંદન નીકળી રહ્યું છે અને તેને આ લોકો પિંકરિવોલ્યૂશન કહી રહ્યા છે, બાળકો શાળામાં સારા સંસ્કારની જગ્યાએ માત્ર કમાવવું કંઈ રીતે તેની જ ચિંતા કરી રહ્યા છે. મહિલાઓ પર અત્યાચાર અને બળાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે. જાતીય સ્વૈચ્છાચારને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. દેશમાં એટલો વિકાસ થયો છેકે કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓના વેચાણ વધી રહ્યા છે. મૂલ્યો અને નૈતિકતાના હ્રાસને વિકાસના નામે ઓળખવામાં આવે છે. માનવીય સંવેદનાઓની ગેરહાજરીમાં શહેર, રાજ્ય કે દેશની ભવ્યતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. અસંવેદનશીલતા વચ્ચે વ્યક્તિની સાધન-સંપન્નતા વધવી તેને વિકાસ ગણવામાં આવે છે. પરંતુ વ્યક્તિની માનસિકતા માનવીય સંવેદનાઓ પ્રત્યે વિકસિત બને તેના માટે પ્રયત્નો થતા નથી. અરે, આશ્ચર્ય એ વાતનું છે કે જે માનવીય સંવેદનાઓ પરંપરાગત રીતે ભારતીય જીવનપદ્ધતિમાં વણાયેલી છે, તેને પણ દૂર કરવાનો આ વિકાસ પ્રક્રિયામાં પ્રયત્ન કરવામાં આવે છે.
પરગજુ વૃતિ અને અન્યને મદદ કરવાની પ્રવૃતિ આ વિકાસના આડંબરી વિષચક્રમાં ફસાયેલો વ્યક્તિ ગુમાવી રહ્યો છે. જ્યાં સુધી માનવીય જીવનનો સવાલ છે, ત્યાં સુધી તેમાં યંત્રવત બાબતોને કોઈ સ્થાન ન હોઈ શકે. માનવીય જીવન લાગણીઓ, ભાવનોઓ, સંવેદનાઓ, સદકર્મોનો સંપુટ છે. ત્યારે વિકાસ માનવીય જીવનના મૂલ્યોને વધારે મજબૂત બનાવનારું હોવું જોઈએ. ભારતે અપનાવેલા અમેરિકન-યૂરોપિયન વિકાસ મોડલમાં વ્યક્તિ સ્વકેન્દ્રી બની રહ્યો છે, તેના માટે સમાજ, દેશ અને દુનિયાનું કોઈ મહત્વ નથી. જે રીતે અમેરિકા દુનિયાની પરવાહ કર્યા વગર જીવી રહ્યું છે, તેવી રીતે અમેરિકન મોડલ પણ તેને અપનાવનાર વ્યક્તિ અને દેશમાં આ પ્રકારની જ લાગણી જન્માવે છે. ભારતે આઝાદીની 65 વર્ષની અંદર વિકાસનું ભારતીય મોડલ વિકસાવવાનો વિચાર કર્યો નથી. વિકાસની વાત થાય છે, તો કોઈ ટકાઉ વિકાસની વાત કરે છે. કોઈ ઈકો-ફ્રેન્ડલી વિકાસની વાત કરે છે. પરંતુ કયારેય વિશ્વમાં રહેલા દરેક પ્રકારના જીવન માટે સંવેદનશીલ વિકાસની ચર્ચા જ કરવામાં આવતી નથી. અત્યારના વિકાસમાં સંપત્તિ કેન્દ્રમાં છે અને તેને પેદા કરવા માટે માણસ સાધન છે. જ્યારે વિકાસમાં બનવું એવું જોઈએ કે માનવીય જીવન સાથેના તમામ પ્રકારનું જીવન કેન્દ્રમાં હોય અને સંપત્તિ તેને ઉન્નત બનાવવાનું સાધન બને.
ભારતે પોતાનું આગવું વિકાસ મોડલ વિકસાવ્યું હોત, તો તેની સફળતા તેની પોતાની હોત અને સમસ્યાઓ જો હોત-તો તે પણ પોતીકી હોત. જ્યારે અમેરિકી અને યૂરોપિયન મોડલની વિકાસની સફળતાઓ ઓછી છે અને સમસ્યાઓ વધારે છે. આ એવી સમસ્યાઓ છે, જ્યારે અમેરિકા અને યૂરોપે પોતાની વિકાસના ટેક-ઓફ પિરિયડમાં અનુભવી હતી. આ અનુભવ હોવા છતાં પણ ભારતની સરકારોની ખાડામાં પડવાની શું મજબૂરી હતી? ગુજરાતમાં વિકાસની ખૂબ વાતો થાય છે. પરંતુ વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં પાણીપાણીના પોકારો શાંત થયા નથી. બાળકો, મહિલાઓ અને આદિવાસીઓમાં કુપોષણની સમસ્યાઓ નાથી શકાય નથી. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતનો ક્રાઈમ રેટ ગુજરાતમાં વધી રહ્યો છે. તેનો એક જ અર્થ છે કે ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરી રહ્યો છે. ગઝનવીએ સોમનાથની સમૃદ્ધિને લૂંટી અને આજે ગુજરાતની સમૃદ્ધિ લૂંટવા નાના-મોટા ગુનેગારો આવી રહ્યા છે. વિકાસના દાવા વચ્ચે ગુજરાતમાં જ ઘણાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ગુજરાતની જે સમસ્યા થોડા નાના પ્રમાણમાં છે, તે સમસ્યાઓ આખા ભારતની મોટા પ્રમાણમાં છે. તેનું એક જ કારણ છે, મનમોહન અને મોદીના વિકાસ મોડલમાં કોઈ તાત્વિક તફાવત નથી.
પરંતુ અત્યારે વિચારવાનું માત્ર એટલું છે કે માનવીય સંવેદનાઓ રહીત વિકાસ જનતાને ક્યાં લઈ જશે? જે વિકાસમાં જનતાની સંવેદનાઓની બાદબાકી હોય, તેને વિકાસ કઈ રીતે ગણી લેવો? બજેટ અને જુદાંજુદાં રિપોર્ટમાં આંકડાનું અંકગણિત ઠીક રાખવા મથતી સરકારો જો જનતા માટે વિચારતી હોત, તો મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીતની સમસ્યાઓ પળભરમાં દૂર થઈ શકી હોત. આ વિકાસ મોડલો મોંઘવારી અને ભ્રષ્ટાચાર વધારે છે. તેનું સૌથી મોટું નુકસાન જનતાને થઈ રહ્યું છે. તો જનતાને નુકસાન કરનાર મોડલને કઈ રીતે વિકાસ મોડલ ગણી શકાય?

શનિવાર, 7 જુલાઈ, 2012

ભાજપે ગુજરાતમાં ક્યારેય વિકાસના મુદ્દાઓ પર સરકાર બનાવી નથી

-          આનંદ શુક્લ
ગુજરાતમાં ભાજપે 1995થી દોઢ દાયકા જેટલા લાંબા સમય સુધી કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી છે. ભાજપને 1990થી દરેક વિધાનસભાની ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દાથી કોંગ્રેસ પર સરસાઈ મેળવવાની તક મળતી રહી છે. 2012ના અંત ભાગમાં ગુજરાતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ પ્રેરીત ત્રીજો મોરચો પણ ભાગ લે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતમાં રાજકીય પરિદ્રશ્યમાં કેવા ફેરફાર થઈ શકે તેની ચર્ચા ઘેરી બની છે. પરંતુ મામલો કેશુભાઈ પટેલ જેવા ભાજપના વરિષ્ઠ નેતાનો હોવાથી મોદી માટે 2002 અને 2007 જેવી સરળ પરિસ્થિતિ નહીં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

જો કે 1995થી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા વોટિંગની ટકાવારી 55 ટકાથી ઉપર રહી છે. 1995માં 64.39 ટકા અને 2002માં 61.54 ટકા મતદાન થયું છે. વોટિંગની ટકાવારી ઉંચી રહેવાનો ફાયદો હંમેશા ભાજપને મળ્યો છે. પરંતુ 1990થી લઈને 2007ની ચૂંટણીમાં જનમતને અસર કરતા મુદ્દા પર નજર કરવી જરૂરી છે. કારણ કે આ મુદ્દા કોઈને કોઈ રીતે હિંદુત્વના મુદ્દાઓની આસપાસના મુદ્દાઓ હતા. ગુજરાત હિંદુત્વનો ગઢ મનાય છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીના સંભવિત મુદ્દાઓ સામે ભૂતકાળની ચૂંટણીમાં ભાજપને જીત અપાવનારા મુદ્દાઓ પર એક નજર કરવી જરૂરી બને છે.

(1)    1990ની વિધાનસભા ચૂંટણીમાં વી.પી.ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને રામલહેરે કોંગ્રેસની નાવ ડૂબાડી:

1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળની યુતિએ કોંગ્રેસના બારે વહાણ ડૂબાડયા હતા. આખા દેશમાં કોંગ્રેસમાંથી અલગ થયેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. બોફોર્સ ડીલમાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજીવ ગાંધીની સરકારમાં સંરક્ષણ મંત્રી પદેથી વી. પી. સિંહે રાજીનામું આપીને આખા દેશમાં કોંગ્રેસને કેન્દ્રની સત્તામાંથી મુક્ત કરાવવા માટે આંદોલન ચલાવ્યું. તેમણે જનતાદળ અને ભાજપ સહીતના અન્ય બિનકોંગ્રેસી પક્ષોનો મોરચો બનાવ્યો. જેના પરિણામે ગુજરાતમાં પણ કોંગ્રેસ વિરુદ્ધ પરિવર્તનનો પવન ફૂંકાયો. જેમાં ભાજપે કેશુભાઈ પટેલ અને જનતાદળે ચિમનભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડયો હતો. તે વખતે યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો.

1990માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતના માત્ર 30.74 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના ભાગે 182માંથી માત્ર 33 વિધાનસભાની બેઠકો ભાગે આવી હતી. જ્યારે જનતાદળને ચિમનભાઈ પટેલની આગેવાનીમાં સૌથી વધારે 70 બેઠકો અને 29.36 ટકા મત મળ્યા હતા. ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં 26.69 ટકા મતો મેળવીને ત્રીજા સ્થાને 67 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીમાં જનતાદળ અને ભાજપના સંયુક્ત મતની ટકાવારી 56.05 ટકા હતી, તે કોંગ્રેસના મતો કરતા 25.31 ટકા વધારે હતી.

ઉલ્લેખનીય વાત એ પણ છે કે 1990ના ગાળામાં અયોધ્યા આંદોલન ગતિ પકડી રહ્યું હતું. રામજન્મભૂમિ આંદોલનના કારણે દેશભરમાં રામલહેર પણ પકડ જમાવી રહી હતી. જેના કારણે ભાજપને સારો એવો ફાયદો બેઠકોની જીતમાં મળ્યો હતો.

(2)    1995માં હિંદુત્વની લહેર પર સવાર થઈને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા:

1990માં ગુજરાતમાં સત્તા પર આવેલી ચિમનભાઈ પટેલના વડપણ હેઠળની જનતાદળ અને ભાજપની સરકાર રામજન્મભૂમિ આંદોલન સંદર્ભે કાઢવામાં આવેલી અડવાણીની રામરથયાત્રાના વિવાદમાં તૂટી પડી. બિહારના સમસ્તીપુર ખાતે અડવાણીની રામરથયાત્રાને બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે અટકાવી હતી. જેના કારણે કેન્દ્રમાં વી. પી. સિંહની સરકારને આપેલો ટેકો ભાજપે પાછો ખેંચ્યો હતો. તેના પરિણામ ગુજરાતની ગઠબંધન સરકાર પર પણ પડયા હતા. જો કે ભાજપનો ટેકો પાછો ખેંચાયા બાદ ચિમનભાઈ પટેલની સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો. ત્યાર બાદ ચિમનભાઈ પટેલે જનતાદળમાંથી અલગ થઈને જનતાદળ-ગુજરાત નામનો પ્રાદેશિક પક્ષ પણ સ્થાપ્યો. જો કે ચિમનભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેજ અવસાન થયું અને ગુજરાતમાં જનતાદળ-ગુજરાતે વિધિવત કોંગ્રેસમાં સામેલ થવાનું નક્કી કર્યું. એટલે ગુજરાતની રાજનીતિ દ્વિધ્રુવીય બની.

દેશમાં બાબરી ધ્વંસની 6 ડિસેમ્બર, 1992ની ઘટના પછી ચાર રાજ્યોમાં ભાજપની સરકારને બરતરફ કરવાના કેન્દ્રના નિર્ણય સામે જનાક્રોશ ચરમ પર હતો. તેવામાં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ જમ્મુ-કાશ્મીરની શીતકાલિન રાજધાની શ્રીનગરમાં પ્રજાસત્તાક દિવસે લાલચોકમાં તિરંગો ફરકાવાના આતંકવાદીઓના પડકારને જીલ્યો. તેમણે કન્યાકુમારીથી કાશ્મીરના શ્રીનગરના લાલચોક સુધીની એકતાયાત્રા કાઢી. તે સમયે કોંગ્રેસ વિરોધી વાતાવરણ દેશભરની તાસિર બની ચુકી હતી. ગુજરાત પણ તેમાથી બાકાત ન હતું. રામજન્મભૂમિ, કાશ્મીર સહીતના હિંદુત્વવાદી તરીકે ઓળખાતા રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર ગુજરાતની જનતા ભાજપની પડખે હતી. જનતાદળ-ગુજરાતનું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. તેથી હિંદુત્વની ગુજરાતમાં ચાલી રહેલી લહેરના પરિણામે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર ગાંધીનગરની ગાદીએ આવી.

1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ વોટના 42.51 ટકા મત મળ્યા અને 121 બેઠકો પર જીત મેળવી. જ્યારે કોંગ્રેસે 32.86 ટકા મત સાથે માત્ર 45 બેઠકો પર જીત મેળવી. ભાજપને કોંગ્રેસ કરતા 9.65 ટકા મત વધારે મળ્યા. જેનાથી સ્પષ્ટ બને છે કે 1990ની ચૂંટણીમાં જનતાદળ સાથે રહેલા ઘણાં વોટ કોંગ્રેસની વિરુદ્ધ ભાજપને મળ્યા હતા. જેના પરિણામે ભાજપ કોંગ્રેસ પર સરસાઈ મેળવવામાં કામિયાબ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હિંદુત્વના પ્રચંડ મોજા સાથે ગુજરાતની ગાદીએ આવેલી ભાજપની કેશુભાઈ પટેલની સરકારને બે વર્ષમાં ઘરભેગા થવું પડયું. ભાજપના અન્ય વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો કાંડ કરાવ્યો. શંકરસિંહ દ્વારા કેશુભાઈની સરકાર સામે કરવામાં આવેલા બળવાના પરિણામે કેશુભાઈને બે વર્ષમાં જ રાજીનામું આપવું પડયું. શંકરસિંહ વાઘેલાએ ભાજપ હાઈકમાન્ડ તરફથી મળેલી શોકોઝ નોટિસને અમદાવાદમાં જાહેરમાં ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી હતી.

ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાની સરકારને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો. જો કે શંકરસિંહની રાજપા અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાતા 1998માં ફરીથી વિધાનસભા ચૂંટણી આવી.

(3)    1998માં શંકરસિંહ વાઘેલાના બળવા સામેના લોકોના રોષે ભાજપને જીત અપાવી:

ખજૂરાહો કાંડ બાદ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા બળવાથી ગુજરાતની જનતામાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો હતો. તેમ છતાં ગુજરાતમાં લગભગ અઢી વર્ષ સુધી શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાની સરકાર સત્તા પર રહી. આ સમયગાળા દરમિયાન સંઘપરિવારના સંગઠનો પ્રત્યે શંકરસિંહ વાઘેલાએ દમનચક્ર ચલાવ્યું હતું. જેના પરિણામે સંઘપરિવારની કેડર વધારે આક્રમક બની હતી. તે સમયે સંઘપરિવારની આરએસએસ અને વીએચપી સહીતની સંસ્થાઓની ગુજરાતના ગામેગામ વ્યાપક પકડ હતી. જેના પરિણામે જનમતને શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ કરવામાં ભાજપને સફળતા મળી.

ગુજરાતની જનતામાં શંકરસિંહ વાઘેલા પર હિંદુત્વવાદી આંદોલનને કમજોર કરવાનો આરોપ લાગી રહ્યો હતો. રાધનપુરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શંકરસિંહ વાઘેલાને તે સમયે શંકરઉલ્લાહખાન તરીકે ચિતરવામાં આવ્યા હતા.

જેના પરિણામે 1998ની ચૂંટણીમાં 44.81 ટકા મતો સાથે ભાજપને 117 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 34.85 ટકા મતો સાથે માત્ર 53 બેઠકો મળી હતી. જો કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપાને 11.68 ટકા વોટ સાથે માત્ર 4 બેઠકો મળી હતી. જો કે માનવામાં આવે છે કે રાજપાએ મોટાભાગે કોંગ્રેસ પાર્ટીના વોટ તોડયા હતા. 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 9.96 ટકા મતોનું અંતર હતું. જો 1998માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને રાજપા સંયુક્ત રીતે લડયા હોત, તો પરિણામ ભાજપ માટે આટલા ગુલાબી રહ્યા ન હોત.

જો કે 1998ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના થોડા વખતમાં શંકરસિંહ વાઘેલાએ રાજપાનું કોંગ્રેસમાં વિધિવત વિલિનીકરણ કર્યું.

ઉલ્લેખનીય છે કે કેટલાંક સુધારવાદી પગલાઓ અને આમ આદમીને રાહત આપતા નિર્ણયો સંદર્ભે કેશુભાઈ પટેલ સરકારની પ્રારંભિક ગાળામાં પ્રશંસા થઈ હતી. જો કે 26 જાન્યુઆરી, 2002ના રોજ આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં રાહત અને પુનર્વસનના કામમાં મંથરતા અને ગડબડોની વાતોએ કેશુભાઈ પટેલ તરફ અણગમો શરૂ કર્યો હતો. મીડિયામાં ટીકાઓ આવવાની પણ શરૂ થઈ હતી. તેવામાં બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા નેતૃત્વ પરિવર્તન માટે ભાજપ હાઈકમાન્ડ અને સંઘના સર્વોચ્ચ નેતૃત્વને રજૂઆતો થવા લાગી હતી. જેના પરિણામે સંઘના દોરીસંચાર નીચે પ્રચારક એવા નરેન્દ્ર મોદીને એક્ટોબર-2001માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

(4)    2002ની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાવેવે મોદીને હિંદુહ્રદય સમ્રાટ બનાવી જ્વલંત જીત આપી:

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા જંકશન નજીક અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના ત્રણ કોચ સળગાવી દેવાની ઘટના બની. સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં લાગેલી આગમાં અયોધ્યાથી આવી રહેલા 58 જેટલા કારસેવકો ભડથું થયા. જેના કારણે આખા ગુજરાતમાં રોષ વ્યાપી ગયો હતો. મુસ્લિમોના ટોળા દ્વારા આગચંપી થઈ હોવાના વહેતા થયેલા સમાચારો અને અફવા-અટકળો વચ્ચે રાજ્યની સ્થિતિ વિસ્ફોટક બની. ત્યાર પછીના ત્રણ દિવસ ગુજરાતના ઈતિહાસના કેટલાંક લોહિયાળ પૃષ્ઠોમાંના એક બની ગયા.

આ સમયગાળામાં મીડિયા ખાસ કરીને ન્યૂઝ ચેનલો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ ન્યૂઝ સ્ટોરીનો મારો ચલાવવામાં આવ્યો. તમામ ન્યૂઝ ચેનલોએ નરેન્દ્ર મોદીની અવાસ્તવિક ગણી શકાય તેવા તર્કોના આધારે ટીકાઓ કરી. જેને ગુજરાતની જનતાએ પક્ષપાતી ગણી. ગુજરાતમાં તે સમયે ન્યૂઝચેનલો અને મીડિયાના નકારાત્મક પ્રચાર વિરુદ્ધ પણ વાતાવરણ બની રહ્યું હતું. જેના પરિણામે ગુજરાતની જનતામાં નરેન્દ્ર મોદીની તારણહારની છબી ગાઢ બની રહી હતી.

ગુજરાતની ચૂંટણી વહેલી જાહેર કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌરવ યાત્રા કાઢી હતી. તેને ગુજરાતની જનતાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. તમામ અટકળબાજીઓ વચ્ચે 2002ની ચૂંટણીમાં તારણહારની છબી સાથે નરેન્દ્ર મોદીએ ભાજપને જ્વલંત જીત અપાવી.

2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49.85 ટકા વોટ સાથે 127 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39.28 ટકા મત સાથે 51 બેઠકો મળી હતી. ભાજપને કોંગ્રેસ કરતા 10.57 ટકા મત વધુ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1990થી થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજા ક્રમે સૌથી વધારે મતદાન 2002ની ચૂંટણીમાં થયું હતું. એટલે કે આ ચૂંટણીમાં 61.54 ટકાનું ભારે મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છેકે 2004ની લોકસભાની ચૂંટણી સુધી જનતાના હીરો બનેલા નરેન્દ્ર મોદી તેમની તથાકથિત કાર્યશૈલીના કારણ સાથે પક્ષ અને સંઘપરિવારમાં અસંતુષ્ટો તરફથી ટીકાને પાત્ર બન્યા. 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 12 અને ભાજપને 14 બેઠકો મળી હતી. જેના કારણે નરેન્દ્ર મોદીનું તેમના વિરોધીઓ પ્રત્યેનું વલણ ઘણું કઠોર બનવા લાગ્યું. પરિણામે ભાજપમાં જ નવી ભાંજગડના મંડાણ થયા. ગોરધન ઝડફિયા ભાજપમાંથી અલગ થયા અને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી. તો કેશુભાઈ પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતાઓની સમજાવટ બાદ 2007ની વિધાનસભા ચૂંટણી વખતે પોતાને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાવ્યા.

(5)    2007માં સોનિયા ગાંધીની મોદી માટેની મોત કા સોદાગરની ટીપ્પણીએ જીતનું શઢ મોદી તરફ ફેરવ્યું:

2002થી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં તારણહારની છબી સાથે પ્રસ્થાપિત થઈ ચુક્યા હતા. પરંતુ તેમની કડક કાર્યશૈલીના પરિણામે કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નેતાઓની પાંખો કપાવા લાગી. જેના પરિણામે પક્ષમાં તેમની સામેના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગોરધન ઝડફિયાએ 2005માં કેબિનેટ વિસ્તરણ વખતે કેશુભાઈ પટેલ સાથે ચર્ચાવિચારણા થઈ ન હોવાથી મંત્રીપદ સ્વીકારવાનો જાહેરમાં ઈન્કાર કરીને નરેન્દ્ર મોદીને અપમાનિત અવસ્થામાં મૂકી દીધા હતા. ઝડફિયાએ ભાજપથી અલગ થઈને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી હતી. કાશીરામ રાણા, સુરેશ મહેતા અને કેશુભાઈ પટેલ પણ મોદી વિરોધને હવા આપી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. મોદી વિરુદ્ધ થયેલા પટેલ જ્ઞાતિના સંમલનોથી બહુ મોટી અસર થાય તેવી ગણતરી ચાલી રહી હતી.

જોકે પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરના મુદ્દે મોદીનું નામ લીધા વગર તેમને મોત કા સોદાગર ગણાવ્યા. ગુજરાતની જનતામાં મોદી પ્રત્યે સહાનુભૂતિની લહેર દોડી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ સહાનુભૂતિની લહેરને વધારે ઉગ્ર બનાવવા ઝડપી અને અસરકારક પ્રચાર કર્યો.
 
જેના પરિણામે 2007માં ભાજપને 49.12 ટકા મત સાથે 117 બેઠકો મળી. કોંગ્રેસને 38 ટકા મત સાથે 59 બેઠકો મળી છે. ભાજપને કોંગ્રેસ કરતા 11.12 ટકા મત વધારે મળ્યા હતા. જો કે 33 બેઠકો એવી છે કે જેના પર ભાજપને 5 હજાર વોટ કરતા ઓછા મતથી જીત મળી હોય.

(6)    પ્રવર્તમાન પરિસ્થિતિ:

ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના બગાવતી તેવરથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં ભૂકંપની હલચલ શરૂ થઈ છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ મહાગુજરાત જનતા પાર્ટી સાથે મળીને અથવા નવો પક્ષ રચીને ગુજરાતની જનતાને મોદી અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો વિકલ્પ આપવા ઈચ્છી રહ્યા છે. 24મી જુલાઈએ સૂરત ખાતેના સંમેલનમાં કેશુભાઈ પટેલ પોતાના જન્મદિવસે ત્રીજા મોરચાની જાહેરાત કરે તેવી સંભાવના છે.

કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણે અને ગોરધન ઝડફિયાના મોદી વિરોધી સૂર તીખા થઈ રહ્યા છે. કેશુભાઈ પટેલે પહેલા રાજ્યના પટેલો દસ વર્ષથી ભયભીત હોવાની વાત કરી. તેના થોડા સમય બાદ ગુજરાતમાં તમામ જ્ઞાતિના લોકો ભયભીત હોવાનું નિવેદન પણ તેમણે કર્યું. પટેલ જ્ઞાતિના સંમેલનોમાં કેશુભાઈએ મોદી સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. છેલ્લે દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાતમાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી હતી. તેમણે સાથે ઉમેર્યુ હતુ કે જો હાઈકમાન્ડ નેતૃત્વ પરિવર્તન નહીં કરે, તો જનતા પરિવર્તનનો માર્ગ પકડશે.

કેશુભાઈ પટેલ 6 મહાનગર સહીત ગુજરાતમાં કુલ આઠ સંમેલનો કરવાના છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચા સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.

રાજકીય વિશ્લેષકોના માનવામાં પ્રમાણે, ગુજરાતની રાજનીતિમાં ત્રીજા મોરચાનું કોઈ વજન પડયું નથી. ચિમનભાઈ પટેલે 1975માં રચેલા કિસાનમજદૂર લોકપક્ષને 12 બેઠકો મળી હતી. રતુભાઈ દેસાઈની રાષ્ટ્રીય કોંગ્રેસ જીતી શકી ન હતી. છેલ્લે શંકરસિંહ વાઘેલાની રાજપાને પણ 1998માં માત્ર 4 બેઠકો મળી હતી. એટલે કે ગુજરાતમાં ત્રીજા મોરચાની જીતને કોઈ અવકાશ નથી.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કેશુભાઈનો ત્રીજો મોરચો પોતાની જીત માટે નહીં પરંતુ મોદીના નેતૃત્વવાળા ભાજપને હરાવવા માટે છે. છેલ્લી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સરેરાશ 10 ટકાનો તફાવત રહ્યો છે. ત્યારે તેવા સમયે કેશુભાઈ પટેલનો મોરચો 4થી 5 ટકા ભાજપના વોટ કાપવામાં કામિયાબ થઈ જાય તો ભાજપને 25થી 30 બેઠકો ગુમાવવાનો વારો આવે. તેવા સંજોગોમાં નવા સત્તા સમીકરણોને ગુજરાતમાં અવકાશ મળશે. 

શુક્રવાર, 27 મે, 2011

ભારતમાં વિકાસ હશે, પણ શાંતિ-સુરક્ષા ક્યાં?


જેને વિકાસની દોડ ગણવામાં આવે છે, તે હકીકતમાં વિનાશની દોડ સાબિત થઈ રહી છે. વિશ્વ આખામાં વિકાસની વાત થઈ રહી છે. પણ જેને અત્યારે વિકાસ ગણવામાં આવી રહ્યો છે. તે હકીકતમાં એ વિકાસ છે કે જેને વિકાસ ગણવામાં આવે છે, તે વિકાસના માપદંડો પર પુનર્વિચારની આવશ્યકતા છે કે કેમ તે વિચારવાનો સમય આવી ગયો છે? વર્ષો પહેલા રશિયાના થયેલી પરમાણુ દુર્ઘટના, ભારતમાં ભોપાલનો ગેસ કાંડ અને હાલમાં મેક્સિકોની ખાડીમાં થઈ રહેલો ક્રૂડ ઓઈલનો રિસાવ તેના ઉદાહરણો છે. આગની સાથે રમવા માટે આગની જેટલી નજીક જવામાં આવશે તેટલું આગ દઝાડશે.

હાલના વિકાસના માપદંડોનો વિચાર કરીએ વિશ્વના તમામ દેશો ધન-દોલત પાછળ દોડી રહ્યાં છે. તેમની દોડ અમીર બનવાની છે. વૈશ્વિક સલાહકાર ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના 10મા વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે 2009થી 2014ના અંત સુધી સંપત્તિ બનાવવાના મામલામાં ભારત અને ચીનનો વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ ત્રણ ગણી રહેશે. 2009માં વૈશ્વિક સંપત્તિઓ ઉલ્લેખનીય 11.5 ટકાના વધારા સાથે 1,11,500 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આટલી બધી અધધ સંપત્તિ છતાં વિશ્વમાં ગરીબી, ભૂખમરી, આતંકવાદ, અશાંતિ જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે આમ કેમ થઈ રહ્યું છે? તેના કારણો ઘણાં છે. પરંતુ સૌથી મોટું કારણ છે કે આ સંપત્તિનો મોટો ભાગ અમેરીકા સહીતના વિકસિત દેશો પાસે છે. આ વિકસિત દેશો પોતાના દેશના પર્યાવરણનું સારી રીતે ધ્યાન રાખે છે. પોતાના દેશનું પર્યાવરણ કોઈપણ રીતે બાધિત ન બને તેના માટે ગ્લોબલ વોર્મિંગ જેવા સંમેલનોમાં ભારત અને ચીન જેવા દેશો પર કાર્બન એમિશન મુદ્દે દબાણ પણ લાવે છે. પોતાના દેશમાં પ્રતિબંધિત હોય તેવા ઉત્પાદનો તેઓ અન્ય વિકાસશીલ કે અવિકસિત દેશોમાં કંપની નાખીને કરે છે.

વિશ્વમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ પ્રમાણે, 149 દેશોમાં ભારતનો ક્રમ 128મો આવે છે. ગત વર્ષે તેનો ક્રમ 122મા ક્રમે હતું અને 2007માં ભારત શાંતિની બાબતમાં 109મા ક્રમે હતું. આમ ભારત આતંકવાદ, નક્સલવાદ અને અન્ય જીવન સામેના જોખમોને કારણે શાંતિથી અશાંતિ તરફ ગતિ કરી રહ્યું હોવાની વાત આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિકસ અને પીસ (આઇઇપી) દ્વારા વિશ્વના ૧૪૯ દેશોમાં આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, ત્રાસવાદ અને માનવ અધિકારોનો ભંગ આઇઇપી દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના મુખ્ય પરબિળો હોવાનું જણાવવામાં આવ્યું છે. જીપીઆઇના ચોથા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સતત બીજા વર્ષે વિશ્વમાં શાંતિ ઘટી ગઇ છે. આપણા પડોશી દેશ પાકિસ્તાન શાંતિની બાબતમાં સૌથી અશાંત રહ્યો છે. તેનો ક્રમ 145મો છે.

ત્યારે સવાલ એ છે કે 8થી 9 ટકાના વૃદ્ધિદરથી વિકાસ કરી રહેલા ભારતમાં વિકાસ એટલે કે દેશની સંપત્તિ વધી રહી છે. પરંતુ અશાંતિ વધી રહી છે. ત્યારે દેશમાં આવા વિકાસની બાબતમાં વિચારવું ન જોઈએ કે જેમાં દેશના નાગરીકોને શાંતિ ન મળતી હોય, તેમના જીવનની કોઈ સુરક્ષા ન થઈ હોય ભોપાલ ગેસ કાંડ જેવી ઘટનાઓના ચુકાદા પણ આવી સ્થિતિમાં પીડિતોને દાઝયા પર ડામ દેવાનું કામ કરી રહ્યો છે. ઔદ્યોગિકરણની શરૂઆતના વર્ષોમાં જ ભારતમાં અમેરીકી કંપની યૂનિયન કાર્બાઈડ આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટનાના લગભગ પાંચ-સાત વર્ષ બાદ રાજકીય કટોકટી અને આર્થિક કટોકટી જોઈ હતી. આર્થિક કટોકટી સામે ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી હતી.

નરસિંહરાવના શાસનકાળ દરમિયાન તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહની ગ્રાન્ડ ડિઝાઈન હેઠળ જ ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ભારતમાં અમેરીકા સહીતના દેશોનું વિદેશી રોકાણ વધવા લાગ્યું હતું. ભારતમાં ઔદ્યોગિકરણે પણ વેગ પકડયો હતો. પાણીથી પરમાણુ સુધીના તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરવાની શરૂ કરી દીધી છે. તેવામાં ભોપાલ ગેસ દુર્ઘટનાને કોલ્ડ બોક્સમાં નાખી દેવાય હોય તેવી સંભાવના વધારે છે. કારણ કે જે પ્રકારે ચુકાદાને આવતા 25 વર્ષ લાગ્યા અને જે પ્રકારે અત્યારે એન્ડરસનને ભગાડવામાં અમેરીકી દબાણ અને એન્ડરસનના પ્રત્યાર્પણ મામલે સીબીઆઈની ઢીલી નીતિઓની વાત સામે આવે છે, તે તમામ બાબતો કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

જો ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ સ્વીકાર્યું તેના થોડા સમયમાં જ ભોપાલ ગેસ દુર્ઘટના સંદર્ભે ભારત સરકારે કોઈ કડક વલણ અપનાવ્યું હોત તો જે આઠથી નવ ટકાના વિકાસદરની ગણતરી સરકાર કરી રહી છે. તે થવી કેટલી સંભવ હતી તે તો આકલનનો જ વિષય છે! ત્યારે વિકાસની પરિભાષા અને વિકાસ તરફના દ્રષ્ટિકોણને પણ પુનર્વિચાર કરવાની જરૂર ઉભી થઈ છે. આ સંદર્ભે વિચાર કરવાની અત્યારે આવશ્યકતા છે. કારણ કે ભારતે સમૃદ્ધિ તરફ, વિકાસ તરફ જરૂરથી આગળ વધવું પડશે. ત્યારે સવાલ એ છે કે દેશના નાગરીકોના જીવનના ભોગે તો ભારતને ધન-દોલતના રાહ પર લઈ જવા માટે એટલે કે વિકાસના રસ્તે લઈ જવા માટે દેશના કર્ણધારોએ કોઈ સમજૂતી પરિસ્થિતિ સાથે કે અન્ય દેશ સાથે તો નથી કરી લીધી ને? વળી તેવો હજી પણ આ નીતિને વળગી તો નથી રહ્યાં ને? તે તમામ બાબતોના ખુલાસા દેશની જનતા સામે થવા જરૂરી છે.

પણ તે પણ આપણે યાદ રાખવું પડશે કે માત્ર વૃદ્ધિદરના ગણિતમાં સમાયેલા વિકાસની કોખમાં વિનાશને પણ ગળે લાગાડીને ચાલી રહ્યાં છીએ. જ્યારે અમેરીકા સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પરમાણુ ઊર્જા મેળવવા માટે આપણે ડગ ભરતા હોઈએ ત્યારે ભારતમાં નાગરીકોના જીવનની સુરક્ષા માટે પણ સરકાર સતર્ક બને અને કોઈ જવાબદાર પગલા ભરે તે જરૂરી છે. નાગરીકોના જીવન સામે આતંકવાદ, નક્સલવાદ, બોમ્બ વિસ્ફોટો અને આવી દુર્ઘટનાઓનું જોખમ ઓછું થાય તેવા એક્શન પ્લાન સાથે સરકારે હવે સામે આવવાનો વખત આવી ગયો છે.

ભ્રષ્ટાચારના ભોરિંગનો ભારતના વિકાસને ઝેરીલો ડંખ!

શું આપણે ત્યાં પ્રમાણિકતા દંભ બની ગઈ છે? શું આપણાં દેશમાં પ્રમાણિકતા, ઈમાન-ધરમ ખાલી પુસ્તકમાં જ રહેલી વાતો છે? હાલ કૌભાંડો, ભ્રષ્ટાચાર, લાંચના એક પછી એક બહાર આવી રહેલા પ્રકરણો અને ખુલાસાઓ બાદ આવું જ લાગી રહ્યું છે. સત્તા વ્યક્તિને ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા વ્યક્તિને સંપૂર્ણપણે ભ્રષ્ટ બનાવે છે. ભારતના રાજકારણીઓ અંગ્રેજોના ગયા બાદ સત્તા ભોગવી રહ્યાં છે અને સત્તા ભોગવતા ભોગવતા પોતાના માટે સંપૂર્ણ સત્તા ભોગવવાની વ્યવસ્થા પણ જાણે કે કરી ગયા છે. દેશના રાજનેતાઓના દાવા છે કે દેશમાં વિકાસ થયો છે. દેશના વિકાસથી કોઈ ઈન્કાર નથી. પરંતુ સાથે ભ્રષ્ટાચારનો એનાથી વધારે વિકાસ થયો છે, તેનું શું કરવાનું? ભારતના ટકાઉ વિકાસ માટે અને વિકાસના ફળો ભારતના નીચલા વર્ગ અને ગરીબોને મળે તેના માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત એક પ્રાથમિક જરૂરત છે. આ વાત પણ વિકાસની વાતો કરનારા કેવી રીતે ઈન્કાર કરી શકશે?

આશ્ચર્ય લાગે તેવી વાત છે કે ભારતના રાજકારણીઓ અને મૂડીપતિઓ સહીતના ધનિક લોકોના 65 હજાર અબજ રૂપિયા માત્ર સ્વિસ બેંકોમાં જમા થયા છે. આ નાણાંમાં વધારો 90ના દાયકામાં થયેલા ઉદારીકરણ અને વૈશ્વિકરણ બાદ થયો હતો. આ સિવાય વિશ્વના સ્વિસ સહતીના દેશોમાં પણ ભારતને અઢળક રૂપિયો રાખવામાં આવ્યો છે. આને કાળું નાણું કહેવામાં આવે છે, બરાબર છે. પરંતુ તે હકીકતમાં ભારતના ગરીબોના હકને મારીને ભેગુ કરાયેલું ભ્રષ્ટાચારનું નાણું છે. આ ભ્રષ્ટાચારના નાણાંને ભારતમાં પાછું લાવવામાં આવે, તો ભારતની ગરીબી છૂ થઈ જાય તેવી શક્યતાઓ અને દાવાઓ બાબા રામદેવ સહીતના વ્યક્તિઓ કરી રહ્યાં છે.

બીજી તરફ તાજેતરમાં ચર્ચામાં રહેલા 2જી સ્પેક્ટ્રમ, આદર્શ સોસાયટી, કોમનવેલ્થ ગેમ્સ, કર્ણાટકમાં જમીન ફાળવણી અને માઈનિંગ કૌભાંડ જેવા ગોટાળાઓ ચર્ચામાં રહ્યાં છે. કારગીલના શહીદો અને નાયકો માટે બનાવવામાં આવેલી મુંબઈના કોલાબાની આદર્શ હાઉસિંગ સોસાયટીમાં તેમના હકોને મારીને રાજનેતાઓ અને ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓ તથા નોકરશાહોને ફ્લેટની ફાળવણી કરવામાં આવી હતી. 6 માળની બનનાર ઈમારતને ગેરકાયદેસર રીતોથી 31 માળની બનાવવાની વાત પણ સામે આવી રહી છે. તેના કારણે અશોક ચવ્હાણને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડયું છે. ત્યાર બાદ કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં લગભગ 1 લાખ કરોડના તથાકથિત કૌભાંડમાં આયોજન સમિતાના ભૂતપૂર્વ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની થયેલી પૂછપરછમાં કોમનવેલ્થ ગેમ્સની આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી તરફ પણ આંગળી ચિંધાય રહી છે. લંડન ખાતેની બે કંપનીઓ વિરુદ્ધ સીબીઆઈએ કેસ પણ દાખલ કર્યો છે.

તો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2જી સ્પેક્ટ્રમ કાંડમાં 1.76 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં વડાપ્રધાન કાર્યાલયને ચુપ રહેવા માટે સુપ્રિમ કોર્ટે લેખિત જવાબ માંગતા કડક વલણ અખત્યાર કર્યું છે. તો આ પહેલા દૂરસંચાર મંત્રી પદેથી ડીએમકેના એ. રાજાને કૌભાંડોના રાજા બનવા બદલ રાજીનામું આપવું પડયું છે. આ મામલે વડાપ્રધાન શનિવાર સુધીમાં સુપ્રિમ કોર્ટમાં જવાબ આપશે અને સંસદમાં પણ નિવેદન આપે તેવી પ્રબળ સંભાવના છે. શિયાળુ સત્ર શરૂ થયા બાદ 2જી સ્પેક્ટ્રમ અને અન્ય ગોટાળાના મુદ્દે સંસદની કાર્યવાહી ચાલી શકી નથી. વિપક્ષ 2જી સ્પેક્ટ્રમ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની માગણી કરી રહ્યું છે. તો કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા સામે પણ 6 હજાર કરોડ રૂપિયાની જમીન ફાળવણી સંદર્ભે આંગળી ચિંધાય છે. આજે તેમના ભવિષ્યનો ફેંસલો કરવામાં આવે તેવી સંભાવના છે.

ગોટાળા કાંડો પરથી એટલું તો સ્પષ્ટ છે કે કાજળની કોટડીમાં બધાં કાળાં છે. ગોટાળા કરવા કોઈ એક પક્ષનો જ ઈજારો હવે રહ્યો નથી. કોઈપણ મોટા માણસને તેમાથી બાકાત રાખી શકાય તેવી પણ સ્થિતિ નથી. કારણ કે તાજેતરમાં ટાટા ઔદ્યોગિક સમૂહના રતન ટાટાએ કહ્યું હતું કે તેમને વિદેશી કંપની સાથે એરલાઈન્સ ચાલુ કરવા માટે 10-12 વર્ષ પહેલા એક મંત્રીને 15 કરોડ રૂપિયાની લાંચ આપવાની વાત કહેવામાં આવી હતી. જો કે તેમણે મંત્રીનું નામ જણાવ્યું નથી. તો અન્ય ઉદ્યોગપતિ રાહુલ બજાજે પણ ઔદ્યોગિક ગૃહોને લાંચ આપવી પડતી હોવા સંદર્ભેની વાત કરી છે. તેમણે પણ આ સંદર્ભે અન્ય ખુલાસા કર્યા નથી. ગુરુવારે બાબા રામદેવે પણ કહ્યું હતું કે તેમની પાસેથી એક મંત્રી અને મુખ્યમંત્રીએ બે કરોડ રૂપિયાની લાંચ માગી હતી. આ તમામ મહાનુભાવોએ લાંચ માગનારાઓના નામ આપ્યા નથી કે આ સંદર્ભે કોઈ ખુલાસો કર્યો નથી.

આ તમામ બાબતો પરથી કેટલીક વાતો સ્પષ્ટ બને છે કે પ્રામાણિકતા, ઈમાન-ધરમ જેવા મુલ્યો હવે પોથીમાંના રિંગણાં જ સાબિત થઈ રહ્યાં છે. આર્થિક લાભ માટે ભ્રષ્ટાચાર એક ‘વ્યવહાર અને વહીવટ’ બની ગયો છે. તેના પ્રત્યે સમાજમાં કોઈ જાગૃતિ જોવા મળતી નથી. મોટાભાગના લોકો આ વ્યવહારને તાબે થઈ જતાં જ નજરે પડયા છે. કેટલાંક લોકો તેને તાબે થયા નથી, પણ આવી ઘટનાઓનો તેઓ ખુલાસો કરવા માટે રાજી નથી. હકીકતમાં રાષ્ટ્રનિર્માણ માટે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ થઈ શક્યું નથી. ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ’ની વાત કરીને અગ્રણી સ્થાનો પર પહોંચેલા કેટલાંક લોકો પર પણ ભ્રષ્ટાચારના છાંટા ઉડયા છે. ત્યારે હકીકતમાં વ્યક્તિ નિર્માણમાં રહી જતી કમીઓ સંદર્ભે ભારત સરકાર અને આની સાથે સંબંધિત સંસ્થાઓએ પણ વિચારવું જોઈએ. ભ્રષ્ટાચારના મામલે ભારતે ઘણી પ્રગતિ કરી છે. જેટલો વિકાસ વધ્યો છે, તેટલો ભ્રષ્ટાચાર પણ વિકસ્યો છે. આ હકીકતથી ઈન્કાર થઈ શકે તેમ નથી. વિકાસના નવા આયામો સાથે ભ્રષ્ટાચારની નવી પદ્ધતિઓ પણ વિકસાવી દેવાય છે.

`ગરીબી હટાવો’ જેમ નારો બનીને રહી ગયો, તેવી રીતે ભ્રષ્ટાચાર સામેની મુહિમો પણ સૂત્રો બનીને રહી ન જાય તેવો પ્રયત્ન પણ આ સંદર્ભે કામે લાગેલા લોકોએ કરવો પડશે. પ્રમાણકિતા હકીકતમાં એક સંસ્કાર છે કે જેને વ્યવહાર બનાવવાના છે. પરંતુ ભ્રષ્ટાચારના કુસંસ્કાર વ્યવહાર બની ગયા છે. તેનાથી વધારે દુ: ખની લાગણી શું હોઈ શકે છે? ભ્રષ્ટાચારના ભોરિંગે ભારતને ભરડામાં લઈને ઝેરીલો ડંખ માર્યો છે. ત્યારે આ ભ્રષ્ટાચારના ઝેર સામે લડવાની પ્રતિકાર શક્તિ ભારતે વિકસાવી પડશે અને ત્યાર બાદ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે પ્રયત્ન કરવો પડશે. અત્યારે તો પહેલી પ્રાથમિકતા ભ્રષ્ટાચારના ભોરિંગના ડંખથી ફેલાયેલા વિષવમનને જ આપવી પડે તેવી સ્થિતિ છે.

ત્યારે જરૂર છે કે ભ્રષ્ટાચાર માત્ર સત્તાકારણ માટેના રાજકારણના માત્ર મુદ્દાઓ ન બને. પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે વ્યવસ્થા સાબદી બને. તેના માટે લોકો જાગૃત બને. ન્યાયતંત્ર દ્રઢતાથી આવા મામલામાં આગળ પણ વર્તે કે જેમ અત્યારે વર્તી રહ્યું છે. આવા મામલાઓની તપાસ ઝડપી બને અને ઝડપી ટ્રાયલના અંતે દેશનો હક મારનારા, ગરીબોનો હક મારનારા ગુનેગારોને દાખલારૂપ કડક સજા થાય.

વાચકમિત્રો ભ્રષ્ટાચાર દેશ સામેના સૌથી મોટા પડકારોમાંનો એક પડકાર છે. દેશ સામેની ઘણી સમસ્યાનું કારણ પણ ભ્રષ્ટાચાર છે. ત્યારે ભ્રષ્ટાચારના મુદ્દે ભારતે શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ અને લોકોએ શું કરવું જોઈએ? આપના વિચારો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી આપો.

કમજોર હાથ સંભાળી શકશે વિકસતા ભારતની બાગડોર?

મોંઘવારીની નાગચૂડના ભરડામાં ફસાયેલા ભારતીયો હાલ મુર્છિત અવસ્થામાં છે. મુર્છિત અવસ્થામાં આવેલી ભારતની પ્રજા માટે હવે તલાશ છે એક હનુમાનની કે જે સંજીવની લઈ આવે અને મૂર્છા ભાંગે. ભારતના નેતાઓ સરકારના વિકાસના રિપોર્ટ કાર્ડને બતાવીને 7 ટકાથી 8 ટકા વચ્ચેનો વિકાસ દર હોવાનું જણાવી રહ્યાં છે. સાથે કહી રહ્યાં છે કે મોંઘાવારીને નિયંત્રિત કરવા માટે તેમની પાસે કોઈ જાદૂઈ છડી નથી.

આજે ભારતના લોકોને પૈષ્ટિક આહાર મેળવવા માટે સક્ષમ નથી. કુપોષણનો દર સતત વધી રહ્યો છે. ગરીબીની રેખા નીચે જીવતા અને તેની આસપાસના 70 કરોડ લોકોને એક વખતના જમવાના જુગાડ માટે જદ્દોજેહાદ કરવી પડી રહી છે. ડુંગળી, દૂધ, દાળ, ચોખા, ઘઉંના ભાવ ખૂબ ઉંચા છે. આ એવા ભાવ છે કે ગરીબને તેના ખિસ્સાની મર્યાદા નડી જાય છે અને ખિસ્સાની મર્યાદાને કારણે ગરીબનું પેટ ભૂખ્યું રહી જાય છે. ગરીબનું પેટ ભરાતું ન હોવાના કારણે અન્ય સમસ્યાઓ સાથે કુપોષણ સમસ્યા બની જાય છે. જે દેશમાં બાળકો અને યુવાનોને પૌષ્ટિક આહાર મળી શકતો ન હોય, તે દેશની હાલત ખૂબ જ દયનીય હોય છે. કારણ કે ગમે તેટલી કહેવાતી પ્રગતિ કમજોર યુવાનો અને બાળકોને કારણે ટકી શકતી નથી. વિકાસને ટકવવા માટે પણ મજબૂત, સુદ્રઢ અને સ્વસ્થ બાળકો અને યુવાનોની જરૂર છે. દેશની આ જરૂરિયાત માત્ર પૌષ્ટિક આહારથી જ પૂર્ણ થઈ શકે છે. પરંતુ મોંઘવારીની નાગચૂડ ભારતની આ જરૂરિયાતને પૂરી થવા દેતું નથી. તેથી છેલ્લા ઘણાં વર્ષોથી 6 થી 8 ટકાના વિકાસ દરથી પ્રગતિ અને વિકાસના પથ પર આગળ ચાલી રહેલો દેશ કેટલાં વર્ષો સુધી આ વિકાસ ટકાવીને આગળ વધી શકશે તે પણ એક સમસ્યા બની છે.

મોંઘવારી માટે ગઠબંધનની રાજનીતિને દોષ દઈને છટકવાનો પ્રયત્ન કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી સહીતના કેટલાંક નેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી રહ્યાં છે. ક્યારેક જમાખોરો વિરુદ્ધ છાપામારી કરીને, તો ખાસ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ અને આયાત પર છૂટ આપીને સમસ્યાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. વોટ બેંકના છટકવાના ડર છતાં કૃષિ વ્યવસ્થાને ચોપટ કરનારી નીતિઓની સમીક્ષા કરવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કતરાય રહી છે.

ગત એક દશકથી ખેડૂતોની હાલત અતિશય ખરાબ છે. કૃષિક્ષેત્રો પર બહુરાષ્ટ્રીય કંપનીઓની ગિદ્ધ દ્રષ્ટિને કારણે આપણું ખાદ્યાન્ન ઘટયું છે. આ કંપનીઓના દબાણમાં આવવાથી પાક, કૃષિ ક્ષેત્રોની ઉપેક્ષા અને પારંપરિક બીજોની જગ્યાએ આપણા મોસમ માટે પ્રતિકૂળ બહુરાષ્ટ્રીય કંપનીના હાઈબ્રિડ બીજોના ઉપયોગને કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે.

આપણે ત્યાં ખેતીમાં સંશોધન માટેના કેન્દ્રો બેકાર બની ગયા છે, પરંતુ આપણે અમેરિકા સાથે ખેતીમાં સંશોધન કરવા માટે 1 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અમેરિકા પાસેથી જ્ઞાન હાસિલ કરશે. આ સમજૂતીને લાગુ કરનારી સમિતિમાં અમેરિકાની વોલ માર્ટ અને મોનસેંટો જેવી કંપનીઓના લોકો છે. સ્પષ્ટ છે કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાના હિતોને અનુકૂળ કૃષિ જ્ઞાન આપશે.

અમેરિકા અને યુરોપની કોશિશ છે કે ભારતમાં ખેતીની લાગત વધારી દેવામાં આવે, ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ખતમ કરી દેવામાં આવે અને આયાત કરાયેલા ખાદ્યાન્નો પર નિર્ભર બનાવીને ભારતમાં પોતાના કૃષિ ઉત્પાદનોની ખપત વધારવામાં આવે. લાભ માટે ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમત હોવી જરૂરી છે. માટે મોંઘાવારી તો વધારમાં જ આવશે. ખાતરના કારખાના બંધ કરવા અને બિન-ખાદ્યાન્ન પાકોનું ઉત્પાદન વધારવું તેનું ઉદાહરણ છે.

કૃષિ તકનીકના મામલામાં પણ ભારત પાછળ પડી રહ્યું છે. દેશના કુલ રોજગારના 57 ટકા ભાગ કૃષિ અને કૃષિ આધારીત ક્ષેત્રોને આશ્રિત છે. ઔદ્યોગિક વિકાસના તમામ દાવા છતાં હજી પણ કુલ રાષ્ટ્રીય આવકનો ચોથો હિસ્સો આ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણાં વર્ષોથી આર્થિક વિકાસ છથી આઠ ટકાના દરથી વધી રહ્યો છે. જ્યારે આપણી કૃષિ ઉત્પાદકતા સતત ઘટી રહી છે.

વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના દબાણમાં ભારતે અહીં ખેડૂતોને આપવામાં આવતી સબસિડી ઘટાડી દીધી છે. જ્યારે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશોએ પોતાના ખેડૂતોની સબસિડી વધારી છે. ગત દશ વર્ષોમાં ભારતની વસ્તીમાં 21.33 ટકાની વૃદ્ધિ થઈ છે. જો કે તેની સામે પ્રતિ વ્યક્તિ ચોખાની ઉપલબ્ધતામાં 6.13 ટકા, ઘઉંની ઉપલબ્ધતામાં 25.6 ટકા અને દાળની ઉપલબ્ધતામાં 36.5 ટકાનો ઘટાડો થયો છે. આ જ પરિસ્થિતિ રહેશે, તો ગરીબો માટે દાળ-રોટી સપનું બની જશે. એક તરફ સતત અમીરી વધી રહી છે, તો બીજી તરફ કુપોષણનો શિકાર બનતા લોકાની સંખ્યા પણ વધી રહી છે.

ભારત સરકારે પેટ્રોલિયમ પેદાશોનો ઠેકો જ્યાં ખાનગી હાથોમાં સોંપી દીધો છે, તો આંતરરાષ્ટ્રીય બજારનું બહાનું બનાવીને ઓઈલ કંપનીઓ નુકસાન ઓછું કરવા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. છ માસમાં સાત વખત પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. ડીઝલના ભાવમાં પણ ખાસો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મોંઘવારીનો ચોતરફી હુમલો લોકો સહન કરી રહ્યાં છે. ખરેખર જરૂર છે ભારતમાં ખેડૂતોની પડતર કિંમત અને આવકના અંતરને યોગ્ય બનાવવાની યોજનાઓ બનાવવાની. મનરેગા જેવી યોજનાઓથી ખેત મજૂરોની પણ અછત પેદા થઈ રહી છે. ખેતીના કામો માટે ખેડૂતોને મજૂરો પણ મળી રહ્યાં નથી. ખાદ્યાન્નના ભંડારણની દિશામાં નક્કર કામ ન થવાને કાણે ખાદ્યાન્ન પણ બરબાદ થઈ ર્હયાં છે. ગત વર્ષ લાખો ટન અનાજ યોગ્ય રખ-રખાવના અભાવમાં સડી ગયું ગયું હતું. ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં કૃષિ ક્ષેત્ર સંદર્ભે યોગ્ય અને નક્કર નીતિ ઘડાય કે જે ભારતલક્ષી, પ્રજાલક્ષી હોય તો મોંઘવારી પર કાબૂ મેળવી શકાશે.

ગરીબોની કસ્તૂરી એવી ડુંગળી 60-70 રૂપિયે કિલોગ્રામ વેચાય, દૂધ 34 R લિટરને આસપાસ હોય, તુવેર, અડદ અને અન્ય દાળો 80 રૂપિયાની કિલોગ્રામ હોય, ટામેટાં 40-50 રૂપિયે કિલોગ્રામ વેચાતા હોય અને ઈંડાના ભાવમાં પણ ધરખમ વધારો થયો હોય, ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ શું થાય? તેમના માટે પૈષ્ટિક આહાર તો સપનું જ બની જવાનું ને? તેંડૂલકર કમિટી રિપોર્ટ પ્રમાણે, દેશમાં ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની સંખ્યા 70 કરોડથી વધારે છે. ત્યારે રોજની 20 રૂપિયાની આવક ન ધરાવતા લોકો પોતાના પરિવાર માટે એક વખતના જમવાનો જુગાડ કેવી રીતે કરી શકે?

આવી પરિસ્થિતિ દેશ માટે સર્વથા અયોગ્ય છે. તેના માટે સૌથી મોટું કારણ દેશની કૃષિને નજરઅંદાજ કરવાની નીતિ છે. આ વાત છેલ્લા દશકમાં કૃષિ ક્ષેત્રે ભારતના વૃદ્ધિદર પરથી માલૂમ પડી શકે છે. આ ભારતના ભવિષ્યનો પ્રશ્ન છે. કારણ કે આવી પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી ઉપર-નીચે થતાં ફૂગાવાના દર સાથે ચાલુ છે. લોકો પોતાના નાના બાળકોને દૂધ અને ઈંડા આપી શકે તેવી સ્થિતિમાં નથી. આવી પરિસ્થિત આગામી વર્ષો દરમિયાન ચાલુ રહેશે, તો ભારત સરકારી રિપોર્ટો પ્રમાણે ‘વિકસિત’ હશે, પરંતુ સાથે સાથે કુપોષણના શિકાર બનેલી યુવા પેઢી પણ ભારત માટે સમસ્યા બનશે. કમજોર યુવાનોથી કોઈ દેશ મજબૂત, સુદ્રઢ બની શકતો નથી અને આવી પરિસ્થિતિમાં દેશના વિકાસને ટકાવવો પણ એક સમસ્યા બની શકે છે.

તમારો અભિપ્રાય

માટે મોંઘવારીના નાગચૂડથી કમજોર ભારતનું જે નિર્માણ થઈ રહ્યું છે. તેની સામે કોઈ અસરકારક રણનીતિની જરૂર છે. તમારા મતે ભારતને મોંઘાવારીની નાગચૂડમાંથી છોડવવા અને કમજોર, નિર્માલ્ય ભારતનું નિર્માણ અટકાવવા શું કરવું જોઈએ? તમારો અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં સબમિટ કરીને વિશ્વના વાચકો સાથે સંવાદ સાધો.....