લેબલ નરેન્દ્ર મોદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નરેન્દ્ર મોદી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 ઑગસ્ટ, 2014

વૈશ્વિક પરિવર્તનોવાળી 21મી સદીમાં ભારતની અમેરિકા પાસેથી અપેક્ષા

- આનંદ શુક્લ
અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી સાથે આવેલા ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પેની પ્રિત્સકર પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. અમેરિકાના વિદેશ પ્રધાનની મુલાકાત બહુકોણીય ઉદેશ્યોની પૂર્તિ માટે હતી. ત્યારે જોઈએ ભારતની અમેરિકા પાસે કઈ સંભવિત અપેક્ષાઓ છે....

અમેરિકાના વિદેશ પ્રધાન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુરુવારે ભારત-અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. કેરીએ સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મહત્વની વાતચીત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બર માસની પ્રસ્તાવિત અમેરિકાની યાત્રા માટે પણ જોન કેરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે. એક નજર કરીએ અમેરિકા પાસે ભારતની તાત્કાલિક અપેક્ષાઓ પર...

ભારતની અમેરિકા પાસે અપેક્ષા રહેશે કે ઓબામા વહીવટી તંત્ર દ્વારા ભારતીયોના વીઝાના કડક બનાવાયેલા નિયમોમાં મુક્તિ મળે. દક્ષિણ એશિયા અને ભારતમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી પ્રવૃતિઓ સામે કડક પગલા આંતરરાષ્ટ્રીય મંચ પર લેવાય.

2008માં થયેલા મુંબઈ પરના ભીષણ આતંકવાદી હુમલાના અમેરિકી જેલમાં બંધ ગુનેગાર ડેવિડ હેડલીની પુછપરછ માટે ભારતને મંજૂરી મળે. વ્હીસલ બ્લોઅર સ્નોડેનના દાવા પ્રમાણે, અમેરિકી એજન્સીને ભારતના નેતાઓની જાસૂસીની મંજૂરી મળી છે. તો આ કથિત જાસૂસી બંધ કરવાની મોદી સરકારની તાત્કાલિક ઈચ્છા રહેશે. દેવયાની ખોબ્રાગડે સાથે થયેલા દુર્વ્યવહાર બાદ અમેરિકામાં અન્ય કોઈ ભારતીય રાજદ્વારીઓ સાથે અપમાનજનક વ્યવહારની સ્થિતિ ફરીથી ઉભી થાય નહીં.

સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દે સમજૂતી બને. તકનીકી બાબતો અને સંશોધનોમાં સહયોગમાં વધારો થાય. ભારતીય સૈન્યના આધુનિકીકરણ માટે અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની મદદ મળે. વીમા અને સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી બાદ અમેરિકી મૂડી રોકાણને આકર્ષિત કરવું.

દક્ષિણ એશિયામાં અસ્થિરતા અને આતંકવાદની સ્થિતિમાં ભારતના રાષ્ટ્રીય હિતોને અમેરિકાનો ટેકો મળે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય પદ માટે અમેરિકા વલણ બદલી ટેકો આપે. શીતયુદ્ધ બાદ એકધ્રુવીય થયેલા વિશ્વમાં ભારતને અમેરિકા સ્વરૂપે મજબૂત સાથીદાર મળે.

તાજેતરમાં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે કલાક રાહ જોવડાવી અને બીજા દિવસે મુલાકાત આપી હતી. જેને ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં એક મોટા ફેરફાર તરીકે પણ જાણકારો જોઈ રહ્યા છે. તો પાકિસ્તાનને તાજેતરમાં રશિયાએ ભારતને વેચ્યા હતા.. તેવા જ હેલિકોપ્ટરોની ખેપ આપી છે.

ત્યારે રશિયાના મર્યાદિત બનેલા વૈશ્વિક પ્રભાવ અને ભારત માટે સોવિયત સંઘના તબક્કા જેવી સંબંધોમાં ગાયબ થઈ રહેલી ઉષ્મા વચ્ચે અમેરિકા-ભારત નજીક આવે તે બંને દેશોની રણનીતિક જરૂરિયાત છે. 9-11ના હુમલા બાદ અમેરિકાને પોતાના રાષ્ટ્રીય હિતો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતની જરૂરિયાત થોડાઘણાં અંશે સમજાઈ છે.

શનિવાર, 12 જુલાઈ, 2014

મોદીના અચ્છે દિનના સ્વપ્નલોકની સચ્ચાઈ જનતાને કડવી દવા!

આનંદ શુક્લ

મોંઘવારી ક્યારે ઘટશે? દેશના આર્થિક આરોગ્ય સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોક્ટર બનીને કડવી દવા પાઈ રહ્યા છે. જેના કારણે દૂધ… પેટ્રોલ-ડીઝલ.. રેલવે ભાડા… સબસિડી વગરના સિલિન્ડર.. ડુંગળી અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી બની છે. 10મી જુલાઈએ બજેટમાં પણ મોદી સરકાર કમ્મરતોડ ભાવવધારાથી જનતાને કોઈ રાહત આપે તેવા સંકેતો સાંપડતા નથી. લોકોને મનમોહનોમિક્સ અને મોદીનોમિક્સમાં હજી સુધી કોઈ તફાવત દેખાયો નથી. ત્યારે જનતાનો સવાલ એ છે કે મોદીએ ચૂંટણી પહેલા અચ્છે દિનનો વાયદો કર્યો હતો, તે અચ્છે દિન ક્યાં ખોવાય ગયા છે? જનતાને મોદી સરકારની મુશ્કેલીઓ સાંભળવા કરતા પોતાની સમસ્યાઓના ઉકેલમાં વધારે રસ છે.

લગભગ 10 વર્ષ સુધી મોંઘવારીના ભાર તળે દબાયેલી જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિનના વાયદામાં આશાનો સંચાર થયો હતો. પરંતુ ત્યાર બાદ દૂધ, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુઓમાં ભાવવધારા થવાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોવા ખાતે આઈએનએસ વિક્રમાદિત્યની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે પોતાની સરકારની મજબૂરી ગણાવી. તેમણે દેશની આર્થિક દુર્દશા માટે યુપીએ સરકારને જવાબદાર ઠેરવી અને અર્થતંત્રના આરોગ્યને સુધારવા માટે કડવી દવા આપવાની વાત કરી હતી.

દેશના અર્થતંત્રને કડવી દવા પાવા માટે વડાપ્રધાન મોદી ડોક્ટરની ભૂમિકામાં આવ્યા. તેમની સરકારે રેલવે ભાડામાં આઝાદી બાદનો સૌથી મોટો 14 ટકા જેટલો વધારો જનતાના માથે ઝીંક્યો અને નૂરભાડા પણ વધાર્યા. મોદી સરકારના મંત્રીઓએ યુપીએ સરકારની જેમ તર્કો આપવા માંડયા અને નિર્ણયને પુરોગામી સરકારનો ગણાવીને પોતાના હાથ ખંખેરવાનો પ્રયત્ન કર્યો. રેલવે ભાડમાં વધારા સામે લોકોમાં ખૂબ જ રોષ ફેલાયો છે.

ડોક્ટર મોદીની કડવી દવાના ડોઝ અપતા હતા અર્થતંત્રને પણ તેનાથી મોઢું કડવું થવા લાગ્યું જનતાનું. મોદી સરકારે પેટ્રોલમાં 1.69 રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો વધારો તાજેતરમાં કર્યો. ડુંગળી સહીતની જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા. તો સબસિડી વગરના રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં 16 રૂપિયા 50 પૈસાનો વધારો કરાયો છે. જેના પરિણામે જનતાએ ઉપરાઉપરી ભાવવધારા સામે દેશભરમાં દેખાવો થયા અને મોદીના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને કહ્યુ છે કે નબળા ચોમાસાની મીડિયામાં આવતી ખબરોને કારણે જમાખોરી વધી રહી છે અને જમાખોરીથી મોંઘવારી વધી રહી છે. દિલ્હીમાં જમાખોરોના ઠેકાણાઓ પર છાપામારી શરૂ થઈ છે અને રાજ્યોને પણ તેના માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.

તો કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટ પહેલા સંકેત આપ્યા છે કે તેઓ સામાન્ય બજેટમાં સસ્તી લોકપ્રિયતાના સ્થાને અર્થતંત્રની સ્થિતિ સુધારવા પર જોર આપશે.

તેવામાં જનતાને આગામી સપ્તાહે રજૂ થનારા મોદી સરકારના બજેટમાં આકરા નિર્ણયો જોવા મળી શકે છે. જેટલીએ કહ્યુ છે કે મહેસૂલી ખાદ્ય એક મોટો પડકાર છે. મોંઘવારી પણ અત્યારે આસામાને છે. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટટોને એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. જેટલીએ કહ્યુ છે કે અત્યારે મોંઘવારી સ્વીકાર્ય મર્યાદાથી ઉપર છે. તેમ છતાં ત્રણ-ચાર વર્ષની નિરાશા બાદ આશા દેખાઈ રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સસ્તી લોકપ્રિયતા મેળવવાના પગલા લેવાથી પરહેજ કરશે,કારણ કે તેનાથી રાજકોષની હાલત બગડી જશે.

આર્થિક સુધારાને નામે કેન્દ્રમાં આવેલી છેલ્લી કેટલીક સરકારોએ મોંઘવારીને ખુબ જ સોંઘી કરી નાખી છે. જેના કારણે સોંઘવારીની આશામાં સેવતી જનતાનું જીવન દુભર બન્યું છે. ભારતમાં સત્તામાં કોઈપણ આવે પણ સત્તાપક્ષની ભાષા અને નીતિઓમાં હાલના તબક્કે કોઈ જ ફરક લાગી રહ્યો નથી. વળી જાણકારો પ્રમાણે, સબસિડી હટાવી લેવાની નીતિ આગળ કરનારી સરકારોએ ઉદ્યોગો માટે અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાની રાહતોની લ્હાણી કરી છે. ત્યારે સવાલ એ છે કે કલ્યાણરાજ્ય ભારતની સરકાર પ્રોફિટ મેંકિગ કંપનીમાં ફેરવાઈ ગઈ છે? લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે આ કેવા આર્થિક સુધારા છે..જેમાં મોંઘવારી સતત વધતી રહે છે. આ આર્થિક વિકાસના સુધારાના નામે કોનો વિકાસ થઈ રહ્યો છે?

ચૂંટણી પ્રચારમાં મોદી લોકોને પુછતા હતા કે યુપીએ સરકારે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનો વાયદો પુરો કર્યો છે? પણ હવે મોદી ખુદ સત્તામાં છે અને મોંઘવારી મામલે લોકોને નિરાશા પ્રાપ્ત થઈ છે. ત્યારે મોદી 200 દિવસમાં પણ મોંઘવારીને ઘટાડે તો તેમની અચ્છે દિન આવ્યાની વાત થોડી-ઘણી સાચી સાબિત થાય..

રાજકીય એજન્ડા માટે ગડકરી નહીં, તો સંઘ માટે અમિત શાહ હી સહી

આનંદ શુક્લ

સંઘ પરિવારમાં  કોંગ્રેસના પોલિટિકલ મોડલને ખતમ કરીને ભાજપને માધ્યમ બનાવીને પોતાના આદર્શો પ્રમાણેની રાજનીતિ ઉભી કરવા માટેની મહત્વકાંક્ષા છે. જેના માટે રાજકીય ઈમાનદારી અને વફાદારી ઉભી કરવા અને કોઈને પણ રાજકીય નફો નહીં આપવાના નવા મોડલ સાથે ખામોશીથી કામ થઈ રહ્યું છે. જો કે તેના માટે પણ સંઘ પરિવારને માધ્યમ તરીકે ચોક્કસ વ્યક્તિઓની જરૂર હોય છે. સંઘ જે પ્રયોગને નીતિન ગડકરી દ્વાર અંજામ સુધી પહોંચાડવા માંગતો હતો.. હવે તેને અમિત શાહ સંઘની મહત્વકાંક્ષાઓની ક્ષિતિજ પર મોદીના માર્ગદર્શનમાં પહોંચાડશે.

ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ ગડકરી દિલ્હીના ન હતા. તેમને નાગપુરથી ભાજપને કેમોથેરપી આપવા મોકલાયા હતા. તેવી રીતે અમિત શાહ પણ દિલ્હીના નથી અને ભાજપના સમગ્ર દેશમાં કાયાકલ્પ માટેના મિશન સાથે અધ્યક્ષ બન્યા છે. ગડકરી કોઓપરેટિવથી કોર્પોરેટ સુધીને સમજનારા વેપારી પણ છે. અમિત શાહે પણ કેશુભાઈના શાસનકાળમાં નાણાંકીય કોર્પોરેશન દ્વારા રાજકારણને સાધ્યું. તેમના આ હુન્નરનો મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ખૂબ મોટો પ્રમાણમાં ઉપયોગ કર્યો. સંઘે પણ આ વાસ્તવિકતાને ઝીણવટથી પારખી છે.

મોદીની ભાજપના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી જીતથી સંઘના મહત્વકાંક્ષી એજન્ડાઓને હાલ તો ઓક્સિજન મળ્યો છે. બાકી પહેલા દિલ્હીની રાજનીતિથીના કાદવમાંથી ભાજપને બહાર કાઢવા માટે સંઘે મોદીને હથિયાર જ બનાવ્યા હતા. પરંતુ જ્યારે મોદીને પ્રચંડ જનાદેશ મળ્યો.. તો સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે દિલ્હીની સત્તા મળી શકે .. તો દરેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર કેમ બનાવી શકે નહીં?

પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રભાવ વધારવાનો વિચાર સંઘની અંદર હવે જાગી ચુક્યો છે. સંઘનું માનવું છે કે કલમ-370 અને કાશ્મીરી પંડિતોના પુનર્વાસનો મુદ્દો સામાજિક રીતે ઉઠાવતા પહેલા રાજકીય સ્તરે ઉઠાવવો જરૂરી છે. તેવી જ રીતે કમ્યુનિસ્ટ વિચારધારાના ખાત્મા બાદ મમતા બેનર્જીના રાજકારણને મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડવાની જરૂર છે. તેના દ્વારા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય પ્રભાવને ઘટાડી પણ શકાય છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરની છ લોકસભા બેઠકમાંથી ત્રણ પર ભાજપને જીત મળી છે અને પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મત પણ મળ્યા છે.

કેન્દ્રની સત્તા ભાજપને મળે તેના માટે સંઘ પરિવાર ખૂબ જ અધીરો બન્યો હતો. સંઘે મનમોહન સરકારના કાર્યકાળમાં પોતાના અસ્તિત્વ સામે મોટું જોખમ આવતું દેખાયું હતું. જ્યારે સરસંઘચાલકથી લઈને ઈન્દ્રેશ કુમાર સહીત ડઝનબંધ શીર્ષસ્થ પદાધિકારીઓની આસપાસ આતંકના નામે ઉભી થયેલી આરોપોની જાળ ગુંથાઈ હતી. તેથી લોઢું લોઢાને કાપેના અંદાજથી મોદી અને તેમની સાથે અમિત શાહને ભાજપમાં શીર્ષસ્થ સ્તરે આગળ વધારવા માટે સંઘની મદદથી ખુલ્લુ મેદાન આપવામાં આવ્યું. કંઈક આ જ અંદાજમાં સંઘ હવે રાજકીય શુદ્ધિકરણનું મિશન આગળ વધારી રહ્યો છે. તેની એક બાજી પર મોદી સર્વેસર્વા છે... તો બીજી તરફ મોદીના વજીર અમિત શાહ સુપ્રીમો છે. 


અમિત શાહ: ખામોશીથી કાર્યવાહીની શૈલી ધરાવતા ભાજપના નવા અધ્યક્ષ

આનંદ શુક્લ

9 જુલાઈ-2014ના રોજ ભાજપની જીતના ચાણક્ય અને સૌથી અસરકારક વ્યૂહરચનાકાર અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. પરંતુ દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ મહદ અંશે ખામોશ રહ્યા. દોઢ વર્ષ પહેલા 23 જાન્યુઆરી-2014ને યાદ કરીએ તો જશ્નના માહોલમાં રાજનાથસિંહની અધ્યક્ષ પદે તાજપોશી થઈ હતી. ભાજપમાં પરંપરા છે કે અધ્યક્ષ બન્યા બાદ તુરંત કાયકર્તાઓને મીડિયા દ્વારા દરેક અધ્યક્ષ સંબોધિત કરે છે. પરંતુ અમિત શાહે અમદાવાદ આવીને પોતાના સ્વાગત કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરી.

અમિત શાહનો આત્મવિશ્વાસ અને લક્ષ્ય માટેની લગન તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે આસિન કરી શકી છે. જાણકારો પ્રમાણે, અમિત શાહની ખામોશી તેમની વ્યૂહરચનાકાર તરીકેની કાર્યશૈલીનું સૌથી મોટું હથિયાર છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય વિષય પર બોલવા માટે ખૂબ પંકાયેલા છે. અમિત શાહ બોલે છે, તેના કરતા સંગઠન માટે જે જરૂરી હોય તે ખામોશીથી કરી નાખે છે. યૂપીના ભાજપ પ્રભારી તરીકે અમિત શાહે આ વાત પ્રસ્થાપિત પણ કરી છે. ભારતના દરેક રાજ્યોમાં લોકસભાની જ્વલંત જીતનું પુનરાવર્તન કરીને ભાજપના કાયાકલ્પનું મિશન અમિત શાહને સોંપવામાં આવ્યું છે.

ભાજપના સંગઠનમાં રાજ્ય સ્તરે નવસંચાર માટે અમિત શાહનો પહેલો રાજકીય મંત્ર મોટાભાગના રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલવાની કવાયત બની રહેવાની શક્યતા છે. એટલું જ નહીં.. નરેન્દ્ર મોદીના ખાસમખાસ સેનાતપિત અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ ભાજપ મુખ્યમથકના નાના-નાના ઓરડામાં કબજો જમાવીને બેઠેલા કેટલાંય નેતાઓની ખુરશીના પાયા પણ હચમચશે.

સંઘના નેતાઓ અને અમિત શાહ વચ્ચે તેમની અધ્યક્ષ પદે નિયુક્તિ પહેલા ઘણી મહત્વની બેઠક થઈ છે. માનવામાં આવે છે કે સંઘના ત્રણ મંત્રો આગામી સમયમાં ભાજપમાં જોવા મળશે. પહેલું..દરેક રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂનો સમાવેશ થાય તો નવાઈ નથી. બીજું...સંઘની શાખાઓ સાથે સંબંધિત અથવા એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશનારાઓને નંબર-1 અને નંબર-2 માટે મહત્વ આપવામાં આવશે. આમાથી પ્રદેશ પ્રમુખ પસંદ થાય તેવી શક્યતાઓ રહેશે. ત્રીજું.. ગઠબંધનના રાજકારણ હેઠળ ભાજપને સત્તામાં લાવવાના સપના પિરસતા નેતાઓને હાંસિયામાં ફેકી દેવા.

17 વર્ષ સુધી એનડીએ ગઠબંધનનો યુગ ચાલ્યો. ત્યારે સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે રાજકીય પ્રચાર દ્વારા સંઘનો સ્વયંસેવક ભાજપ માટે રાજકીય જમીન તૈયાર કરે છે.. પરંતુ તેનો લાભ ગઠબંધનના પક્ષોને શા માટે મળવો જોઈએ? તેથી 2014ની લોકસભાની ચૂંટણીમાં સંઘ અને મોદી-અમિત શાહનું લક્ષ્ય ભાજપને પોતાના દમ પર સત્તાએ પહોંચાડવાનું હતું. હવે અધ્યક્ષ તરીકે અમિત શાહ ભાજપને મહારાષ્ટ્ર.. હરિયાણા અને ઝારખંડમાં પોતાના દમ જીત મળે તેવા લક્ષ્ય સાથે કામ કરશે.


પરંતુ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીવાળા ત્રણેય રાજ્યોમાં લોકસભા ચૂંટણી જેવી જીત દોહરાવવાના અમિત શાહના મિશનમાં ત્રણ અડચણો પણ છે. .એક.. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસે એવો કોઈ નેતા નથી કે જેની પાછળ આખી પાર્ટી ચાલવા તૈયાર હોય. બીજું... ત્રણેય રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના નેતાઓને લઈને જૂથબંધીનો ભોગ બન્યા છે. ત્રીજુ.. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે.. પરંતુ તેના સાથીપક્ષો વંશવાદમાં ગળાડૂબ છે. 

કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે મોદીનું પોલિટિકલ મોડલ લાગુ થયું

આનંદ શુક્લ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગવું પોલિટિકલ મોડલ છે. આ પોલિટિકલ મોડલનો અનુભવ ગુજરાતના ભાજપના સંગઠન અને સરકારી તંત્ર-રાજકીય વર્તુળોને 13 વર્ષથી થયો છે. આ મોદી મોડલ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં પણ લાગુ થવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પછી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચાપલુસીની હદ સુધી કરતી પ્રશસ્તિ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ પર મોદીની પક્કડ-

મોદીના પોલિટિકલ મોડલ પ્રમાણે, સંગઠનની બાબતમાં મજબૂત ગણાતા કેડરબેઝ ગુજરાતા ભાજપમાં વ્યક્તિવાદ પ્રભાવી બન્યો અને મોદી તારણહાર તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ છે. પરંતુ આમાના કોઈપણ નરેન્દ્ર મોદીનો કોઈપણ પ્રકારે ક્યારેય વિરોધ કર્યો નથી. આ બધાં મોદીના યસમેન બનીને રહ્યા અને હજીપણ મોદીના યસમેન છે.
તો ગુજરાતમાં ચાલેલી મોદી સરકારની વાત કરીએ તો તેમાં પણ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 13 વર્ષમાં જાહેરાતોમાં, સભાઓમાં, સરઘસોમાં, પ્રચારોમાં છવાયેલા રહ્યા. કેટલાંક પ્રસંગે ધાર્મિક ઉત્સવો દરમિયાન શુભેચ્છા સંદેશની જાહેરાતોમાં ધાર્મિક બાબતો સાથે સંકળાયેલા ભગવાન કે આધ્યાત્મિક પુરુષ કરતા પણ મોદીની મોટી તસવીરો લાગતી હતી.
ગુજરાતના રસ્તાઓ, બસો, કેટલીક જગ્યાએ ભીંતો પર મોદીના અલગ-અલગ મુદ્રામાં ફોટોગ્રાફ રાજ્ય સરકારની જુદીજુદી યોજનાઓની જાહેરાત સાથે અઢળક પ્રમાણમાં દેખાઈ હતી. જો સરકારના સંચાલનની વાત કરીએ, તો જાણકારો પ્રમાણે, મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જાણ બહાર એક પણ મંત્રી કે અધિકારી કંઈપણ કરી શક્તો ન હતો. વિધાનસભામાં અને સભા-ભાષણોમાં ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ ચાપલુસીની કક્ષાએ કરવાનું ચુક્તા ન હતા.

મોદીનું પોલિટિકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું

નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બન્યા છે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમનું આગવું પોલિટીકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે સરકાર અને સંગઠનમાં લાગુ થવાની શરૂઆત થઈ ચુકી છે.

કેન્દ્ર સરકારમાં મંત્રાલયો-નોકરશાહી પર પ્રભાવ પાથર્યો

જો કેન્દ્રની સરકારમાં મોદી મોડલના પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા પણ રસપ્રદ બની છે. નરેન્દ્ર મોદીએ પહેલા કેબિનેટની બેઠક બોલાવીને તમામ મંત્રીઓને તેમની આદત પ્રમાણે મંત્રાલયના એજન્ડાઓ નક્કી કરીને જણાવવા માટે કહ્યુ હતું.

બાદમાં તેમણે સચિવો સાથે બેઠક કરી અને સરકાર તેમની સાથે રહેશે તેઓ નિર્ભયપણે કામ કરે તેમ જણાવ્યું. પીએમ મોદીએ સચિવોને તેમની સાથે સીધા વાત કરવાની છૂટ આપી છે. તેનાથી કેટલાંક જાણકારો મોદી સરકારના મંત્રીઓનો નોકરશાહી પર પ્રભાવ ઘટવાની અને વડાપ્રધાનની બ્યૂરોક્રસી પર અસર વધવાની સંભાવનાઓ દર્શાવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશના 674 જિલ્લાના કલેક્ટરો સાથે સીધો સંપર્ક બનાવવાના મિકેનિઝમ પર કામ કરી રહ્યા છે. તેનો સીધો અર્થ છે કે પીએમ મોદી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલા મોડલની જેમ પોતાના મોડલને સરકારી તંત્રમાં સ્થાપિત કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીની પકડ બ્લોક લેવલ પર પણ હતી. તેવી જ પકડ મોદી જમાવવાની શરૂઆત કરી ચુક્યા છે. જાણકાર પત્રકારો પ્રમાણે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં ઈન્દિરા ગાંધી બાદ હવે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અધિકારીઓમાં ખોફ દેખાઈ રહ્યો છે.

ભાજપના સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે મોદીની જ પક્કડ રહેશે

સરકારની સાથે ભાજપના સંગઠન પર પણ મોદી પોતાનો પ્રભાવ વધુ પ્રગાઢ બનાવીને તેમની કામગીરીમાં સંગઠન તરફથી કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું બેકસીટ ડ્રાઈવિંગ હતું. તો મોદી ભાજપ સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ગુજરાત પ્રદેશ એકમની જેમ પાથરીને આ સમસ્યા ઉભી થાય નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. તેના માટે ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા મોદીના ખાસ અમિત શાહ ઘણી મોટી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ભાજપના એવા અધ્યક્ષ છે કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરામાં પગે લાગીને આદર આપવાનું ક્યારેય ચુક્યા નથી.

તેના ભાગરૂપે ઘણી રાજકીય કવાયતો બાદ ના-ના કરતા ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહ મોદી સરકારમાં નંબર-ટુ એટલે કે ગૃહમંત્રી બની ગયા છે. તેના કારણે સંગઠનમાં બીજા સત્તાકેન્દ્રના ઉદભવની સંભાવના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.

તેની સાથે મોદીના ખાસમખાસ અને ગુજરાતમાં મોદી સાથે ખભેખભો મિલાવાની દરેક મિશન પાર પાડનારા અમિત શાહને 50 વર્ષની ઉંમરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેના કારણે મોદી સરકાર અને સંગઠન વચ્ચે અમિત શાહ વડાપ્રધાનના સંકેતો અને એજન્ડાઓ બાબતે કડીરૂપ કામ કરશે. જેના કારણે મોદી સરકારને તેમના કામકાજમાં અડચણ ઉભી થાય નહીં તેની તકેદારી રખાશે. હિંદુત્વવાદી મુદ્દાઓ, એફડીઆઈ-ડીસઈન્વેસ્ટમેન્ટની નીતિ, સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે કામ કરતા સંઘ પરિવારના સંગઠનોને પણ અમિત શાહના સંઘના શીર્ષસ્થ નેતાઓ સાથે ઘનિષ્ઠતાના આધારે કાબુમાં રાખવામાં આવશે.

હાલ સત્તાવાર રીતે ભાજપના નેતાઓ કંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ પાર્ટીમાં શીર્ષસ્થ નેતાઓમાં આંતરીક બેચેની ખૂબ વધી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ એક સપ્તાહની અંદર જ નરેન્દ્ર મોદીએ સંગઠન સ્તર પર બે મોટી પહેલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેનાથી ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે તેઓ આ મુદ્દે જાહેરમાં કંઈપણ કહી રહ્યા નથી.

સૌથી પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 7-આરસીઆર ખાતેના પીએમ નિવાસમાં ભાજપના મહાસચિવોની બેઠક બોલાવી હતી. મોદી ખુદ ભાજપમાં લાંબા સમય સુધી મહાસચિવ રહ્યા હતા. માટે તેમનો મહાસચિવો પ્રત્યે લગાવ સ્વાભાવિક છે. પરંતુ ભાજપના સંગઠનાત્મક માળખામાં મહાસચિવ ઉપાધ્યક્ષથી વધારે સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. માટે વડાપ્રધાન નિવાસ પર પાર્ટીના મહાસચિવોની બેઠકથી મોદીએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવોસમાં તેઓ મળેલી સફળતાને નબળી નહીં પડવા દે.

આ બેઠકથી પણ વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે આ બેઠકની માહિતી રાજનાથસિંહને આપવામાં આવી ન હતી. બેઠક બાદ જ્યારે સમાચાર આવ્યા, ત્યારે રાજનાથસિંહે મહાસચિવોને ટેલિફોન કરીને જાણકારી પ્રાપ્ત કરી હતી. કે બેઠકમાં મોદીએ શું વાતચીત કરી છે. જો કે રાજનાથસિંહ તે વખતે પાર્ટી અધ્યક્ષ સાથે મોદી સરકારના ગૃહમંત્રી પણ હતા. પરંતુ મોદીની આ પહેલથી તેઓ પણ ચોંકી ગયા હતા.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ બીજી પહેલ કરીને નવી દિલ્હી ખાતેના 11 અશોકા રોડ પરના ભાજપના મુખ્યમથક પર પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી મુખ્યાલયમાં કામ કરનારા કર્મચારીઓને મળ્યા અને પોતાના હાથે કર્મચારીઓને બોનસ પણ આપ્યું. અહીં તેમણે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહની સાથે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું.

બીજી પહેલનો સંકેત સ્પષ્ટ હતો કે તેઓ ભલે પાર્ટી અધ્યક્ષને કિનારે કરે, પણ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનને મહત્વ આપતા રહેશે. આનો ઈશારો સ્પષ્ટ છે કે ભાજપમાં મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમો છે ને બીજો કોઈ નેતા તેમની આ છબીની આડે આવી શકે નહીં.

આનાથી વધારે ચોંકવાનારી વાત એ છે કે વડાપ્રધાન તરીકે તમામ જિલ્લા કલેક્ટર સાથે મોદી જોડાશે. તેની સાથે ભાજપના સંગઠન સ્તરે પણ તેઓ એક એવું તંત્ર વિકસિત કરવા જઈ રહ્યા છે કે જેનાથી દેશભરમાં જિલ્લા સ્તર પર મોદી પોતાની પકડ બનાવી રાખી શકે. તેના માટે તેઓ દરેક જિલ્લામાં એક સીઈઓ નિયુક્ત કરવાની યોજના અમલી બનાવવાની વિચાર પ્રક્રિયા ચાલુ કરી ચુક્યા છે. આ પાર્ટી સીઈઓ જિલ્લા સ્તરે સત્તા અને સંગઠન વચ્ચે સમન્વયનું કામ કરશે અને ભાજપના અધ્યક્ષ અને મોદીના ખાસ અમિત શાહને સીધો રિપોર્ટ કરશે. એ કહેવાની જરૂર નથી કે આમાની મહત્વની બાબતો ભાજપના અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાન પર જરૂરથી મૂકતા રહેશે.

મંગળવાર, 27 મે, 2014

સાવધાન: પાકિસ્તાની પીએમ નવાઝ ભારત માટે ‘શરીફ’ નથી

- પ્રસન્ન શાસ્ત્રી
ભારતના સનાતન અસ્તિત્વને કાપીને પાકિસ્તાનની રચના જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા દ્વારા થઈ છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને ભારતના શરીર પર લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 1965, 1971 અને 1999માં ચાર ભીષણ યુદ્ધ થયા છે. આ સિવાય 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચતી ભારતની જીતનો બદલો લેવા માટે પાકિસ્તાને ભારતને લોહીલુહાણ કરવાની નીતિ અપનાવી છે. પાકિસ્તાની સેનાના ટ્રેનિંગ મેન્યુઅલમાં ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોરનો સમાવેશ કરવામાં આવે છે. પાકિસ્તાની સેનામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓની ભરમાર છે.

પાકિસ્તાનના સમાજમાં પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓ, અંતિમવાદીઓ અને આતંકવાદીઓને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન મળે છે. પાકિસ્તાન ઘોષિત ઈસ્લામિક રાજ્ય છે. પાકિસ્તાનનો ઈસ્લામિક રાષ્ટ્રવાદ ભારત અને હિંદુઓના વિરોધ પર કેન્દ્રીત છે. પાકિસ્તાન આતંકવાદનું જનક અને પોષક છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય અને રાજકીય હિતોની પૂર્તિ માટે આતંકીઓનો ભારત વિરુદ્ધ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદીઓ ભારતીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

પાકિસ્તાનના તાનાશાહ ઝિયા-ઉલ-હક દ્વારા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા. આ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1971ની હાર પછી ભારતના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પાસે આવીને નીચી મુંડીએ સિમલા કરાર કરી ગયા હતા. પરંતુ પાકિસ્તાનમાં જઈને તેમણે ભારત સામે કાશ્મીર માટે એક હજાર વર્ષ લડવાની અને ઈસ્લામિક અણુ બોમ્બ બનાવવા માટે ઘાસ ખાવા જેવી કુરબાનીઓની વાતો કરી હતી. આ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને અહીં મુખ્ય પ્રવાહની પાર્ટી ગણવામાં આવે છે.

જો કે પાકિસ્તાનમાં ભુટ્ટોની ફાંસી પછી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકે આખી રાજકીય તાસિરને બદલી નાખી. પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથને મજબૂત કરતી નીતિઓ અપનાવી. ઝીયા-ઉલ-હકે ભારત સામે નફરત ભરી નીતિઓથી પાકિસ્તાની સમાજનું વધુ બ્રેન વોશ કર્યું. પાકિસ્તાની સેનાના માઈન્ડ સેટને ભારત સામે બદલો લેવા માટે અને ભારતીય ઉપખંડમાં ઈસ્લામિક પ્રવૃતિઓ તેજ બનાવીને આધિપત્ય સ્થાપિત કરવાની નીતિઓ અપનાવી હતી.

પાકિસ્તાનના ઘણી થિંક ટેન્ક ભારતનું હાલનું વિશાળ કદ ઘટાડવાની રણનીતિ પર પાકિસ્તાની સેનાને કામ કરવા માટે બ્રેઈન સ્ટોર્મિંગ કરતી રહી છે. પાકિસ્તાનની કટ્ટરપંથી ઈસ્લામિક થિન્ક ટેન્ક ભારતને ત્રણ કે ચાર ટુકડામાં વહેંચવા માટેની સામરીક રણનીતિ પર વર્ષોથી કામ કરી રહી છે. જેના ભાગરૂપે જનરલ ઝીયા-ઉલ-હકે  અને ત્યાર પછી પાકિસ્તાનમાં સત્તા પર આવનારા તમામ શાસકોએ ભારતમાં અલગતાવાદી પ્રવૃતિઓ કરનારા સંગઠનો અને વિચારધારાને નૈતિક, આર્થિક અને લશ્કરી ટેકો આપીને પ્રોક્સી વોર શરૂ કર્યું છે. આ પ્રોક્સી વોર હજી પણ ચાલુ છે.

ભુટ્ટોના શાસનકાળમાં પાકિસ્તાનમાં રાષ્ટ્રીયકરણના તબક્કામાં શરીફ ખાનદાનની સ્ટીલ ફેક્ટરીને સરકારે લઈ લીધી હતી. જેના કારણે  ઉદ્યોગપતિ જૂથના નબીરા નવાઝ શરીફે પાકિસ્તાનની રાજનીતિમાં પાપા પગલી ભરવાની શરૂ કરી. નવાઝ શરીફ ભુટ્ટો અને તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઘોર વિરોધી છે. આ વાત તેઓ જાહેરમાં અનેક વખત કહી ચુક્યા છે. નવાઝ શરીફે ઈસ્લામિક કટ્ટરવાદી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકની આંગળી પકડી હતી. તેઓ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નાણાં મંત્રી બન્યા અને બાદમાં તેના મુખ્યમંત્રી પણ બન્યા.

ઓગસ્ટ-1988માં રહસ્યમયી વિમાન દુર્ઘટનામાં જનરલ ઝીયા-ઉલ-હકનું મૃત્યુ થયું. ત્યારે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં નવાઝ શરીફે કટ્ટરપંથી ઝીયાના એજન્ડાને આગળ વધારવા માટે વોટ માંગ્યા હતા. તેઓ પાકિસ્તાનની સૌથી વધારે કટ્ટર દક્ષિણપંથી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા છે. તેમને પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનો અને નેતાઓનો હંમેશાથી ખુલ્લો ટેકો રહ્યો છે. જો કે તેઓ 1988માં બેનઝીર ભુટ્ટોને સત્તા પર આવતા રોકી શક્યા નહીં.

નવાઝ શરીફે બેનઝીર ભુટ્ટોની સરકારને ઉથલાવવા માટે વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદી જૂથોની મદદ લેવાની શરૂઆત કરી. તે સમયે શરીફે અમેરિકા દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં સિક્રેટ ઓપરેશનમાં ઠાર કરાયેલા ઓસામા બિન લાદેનની મદદ લીધી હતી. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના મરહૂમ શાસક ઝીયા-ઉલ-હક દ્વારા સ્થપાયેલી ઈસ્લામિક જમ્હુરી ઈત્તેહાદ (આઈજેઆઈ)નો કટ્ટર સમર્થક હતો. નવાઝ શરીફ તે વખતે આઈજેઆઈના અધ્યક્ષ હતા. આઈએસઆઈના ભૂતપૂર્વ અધિકારી ખાલિદ ખ્વાજાના ખુલાસા પ્રમાણે, શરીફ ઓસામાને સાઉદી અરેબિયામાં તેમની હાજરીમાં ત્રણ વખત મળ્યા હતા. ઓસામાએ શરીફને ભુટ્ટો સરકારને ઉથલાવવા માટે ફંડ પણ આપ્યું હતું.

1990થી 1993 સુધી નવાઝ શરીફ પહેલી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. તેમના પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામીકરણ માટેની કમિટીઓ અને જેહાદી તંત્રને ઉભું કરવામાં આવ્યું હતું. ભારતના અંડરવર્લ્ડના મુસ્લિમ માફિયાઓ સાથે પણ સંપર્કો સ્થાપિત કરવામાં આવ્યા હતા. નવાઝ શરીફને તેમની જેહાદી નીતિઓને કારણે પાકિસ્તાની સેના અને કટ્ટરપંથીઓનો ભરપૂર સાથ મળ્યો હતો.

ભારતમાં 1993માં મુંબઈ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. ભારતમાં બોમ્બ બ્લાસ્ટથી આતંકની પહેલી શરૂઆત વખતે પાકિસ્તાનમાં નવાઝ શરીફ વડાપ્રધાન હતા. પાકિસ્તાને તે વખતે કુખ્યાત માફિયામાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમને ભારત વિરોધી પ્રવૃતિઓ માટે છૂટોદોર આપ્યો હતો. મુંબઈ વિસ્ફોટ માટે જવાબદાર ટાઈગર મેમણને પાકિસ્તાનમાં શરણ પણ શરીફની સરકારે જ આપ્યું હતું. જો કે શરીફ અને તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપિત વચ્ચે ખટરાગ ચરમસીમાએ પહોંચતા પાકિસ્તાની સેનાના કહેવાથી શરીફે પદનો ત્યાગ કર્યો હતો.

બીજી વખત નવાઝ શરીફ 1997થી 1999 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા. આ બીજા કાર્યકાળ દરમિયાન કટ્ટરપંથીઓના ટેકાથી સત્તા પર આવેલા શરીફે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પ્રભાવને વિસ્તરીત કરવાની રણનીતિ અપનાવી. અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને દુનિયામાં સૌથી પહેલી મંજૂરી નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે આપી હતી. 1998માં ભારતે પાકિસ્તાનની નીતિઓને જોતા પરમાણુ પરીક્ષણ કર્યા હતા. તેના જવાબમાં શરીફે પણ પાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણો કરીને જવાબ આપ્યો હતો. ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર બસ યાત્રા કરીને અમનનો પેગામ લઈને પાકિસ્તાન ગયા. ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન તરીકે નવાઝ શરીફે વાજપેયી સાથે મીઠીમીઠી વાતો કરી, પણ પાકિસ્તાનના તત્કાલિન વિરોધપક્ષના નેતા બેનઝીર ભુટ્ટો સાથે મુલાકાત કરવા દીધી નહીં. વાજપેયીને સેલ્યુટ નહીં કરીને પાકિસ્તાની સેનાના તત્કાલિન અધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફને પણ શરીફ તરફથી કોઈ ઠપકો મળ્યો નહીં.

બાકી નવાઝ શરીફે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ જહાંગીર કરામાતને હટાવીને પરવેઝ મુશર્રફને સેનાધ્યક્ષ બનાવ્યા હતા. શરીફ એવી ખુશફેમીમાં હતા કે પાકિસ્તાની સેના તેમના સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પરવેઝ મુશર્રફ તેમના માણસ છે. પરંતુ વાજપેયીની સાથે લાહોર એકોર્ડ પર સહી કરનારા શરીફના શાસનકાળમાં જ કારગિલમાં પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં એલઓસી પાર કરીને કબજો જમાવ્યો હતો. કારગિલમાંથી પાકિસ્તાની સેનાને મારી હટાવવા માટે ભારતને 500 જેટલાં જવાનો અને અધિકારીઓના બલિદાન આપવા પડયા હતા. જો કે શરીફનો દાવો છે કે કારગીલના જંગની તેમને કોઈ જાણ હતી નહીં, પણ મુશર્રફે આખી યોજનાને પાર પાડી હતી. પરંતુ છેલ્લે થયેલા ખુલાસા અને દાવાઓ પ્રમાણે, કારગીલમાં પાકિસ્તાની સેનાની કાર્યવાહીની યોજનાની નવાઝ શરીફને પણ જાણ હતી.

કારગીલમાંથી અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાની સેના પાછી ખેંચવા માટે શરીફને તાકીદ કરી હતી. જેના કારણે શરીફે પાકિસ્તાની સેનાને ભારતીય વિસ્તારો છોડીને પાછા ફરવાનો આદેશ કર્યો હતો. કારગીલ યુદ્ધ પછી જનરલ મુશર્રફ શ્રીલંકા ગયા હતા. ત્યારે શરીફે મુશર્રફના વિમાનને કરાચીમાં ઉતરાણ કરવા દીધું નહીં. જેના કારણે પાકિસ્તાની સેનાએ તખ્તાપલટ કરી અને મુશર્રફ સત્તા પર આવતા શરીફને સાઉદી અરેબિયાના જેદ્દામાં વિસ્થાપિત થવું પડયું હતું.

મુશર્રફે પાકિસ્તાનની સત્તા છોડયા પછી છેક 2013માં નવાઝ શરીફ પાકિસ્તાન આવીને ચૂંટણી લડી શક્યા. 2013માં નવાઝ શરીફ પાકિસ્તાનના ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે. નવાઝ શરીફની જીતમાં તહેરીકે તાલિબાન અને અહલે-સુન્નત-વલ-જમાત (એએસડબલ્યૂજે) જેવા કટ્ટરપંથી સંગઠનોનો ખુલ્લો ટેકો મળ્યો છે. સુન્ની કટ્ટરપંથી સંગઠન લશ્કરે જાંગવીની માતૃ સંસ્થા અહલે-સુન્નત-વલ-જમાત છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ મુખ્યમંત્રી છે. પાકિસ્તાની પંજાબની શાહબાઝ શરીફની સરકાર ખુલ્લેઆમ ભારત વિરોધી આતંકવાદી જૂથોને સરકારી રાહે નાણાંકીય સહાય કરે છે. લશ્કરે તોઈબાનો કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને અમેરિકી સરકારે તેના પર મોટું ઈનામ જાહેર કર્યું છે. હાફિઝ સઈદને 6 સપ્ટેમ્બરે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં વડાપ્રધાન નવાઝ શરીફે હજારો જેહાદીઓની રેલી કરવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાન નેશનલ ડિફેન્સ ડેના રોજ હાફિઝ સઈદની રેલીમાં ભારત અને હિંદુઓ સામે ખૂબ જલદ વિષવમન કરાયચું હતું. શરીફની સરકાર પાકિસ્તાન શરીયત પ્રમાણે ચલાવવાની કટ્ટરપંથીઓ સામે બિલકુલ ખામોશ છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને જેહાદીઓને રાજકીય તંત્રમાં સ્થાન અપાવવાની તરફેણ કરે છે. શરીફ અફઘાનિસ્તાનના માનવતા વિરોધી તાલિબાનો સાથે વાતચીતની  કરવાની વાત કરીને અમેરિકી લશ્કરી કાર્યવાહીને આડે પાટે લઈ જવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. 2014માં અમેરિકી અને નાટો સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરશે, ત્યારે ભારત પર જેહાદી આતંકનો ખતરો ઘેરો બની રહ્યો છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જેહાદી નેટવર્કને તોડવાને સ્થાને શરીફ સરકાર તેમને સરકાર અને રાજકીય તંત્રનો ભાગ બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. આવા સંજોગોમાં ભારત સામે ઘણો મોટો ખતરો ઝળુંબી રહ્યો છે.

ભારતમાં 16મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ભાજપ અને એનડીએની નવી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી છે. વડાપ્રધાન પદે શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે ભાગ લીધો છે. પરંતુ શરીફે ભારતના નવા વડાપ્રધાનને ટેલિફોન પર જીત માટે અભિનંદન પાઠવતા પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું. તેના જવાબમાં ભારત તરફથી નવી સરકારે  સાર્ક દેશોના પ્રમુખો સાથે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ સત્તાવાર આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ શરીફે આ આમંત્રણ પર નિર્ણય લેવામાં 72 કલાક જેટલો લાંબો સમય લીધો. માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ અને પાકિસ્તાની પંજાબના મુખ્યમંત્રી શાહબાઝ શરીફ સાથે બેઠકો બાદ તેઓ ભારત આવવાનો નિર્ણય કરી શક્યા હતા.

પરંતુ શપથવિધિ દરમિયાન નવાઝ શરીફની બોડી લેન્ગવેજ ઘણી વિચિત્ર હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ જ્યારે શપથ વિધિમાં આવ્યા, ત્યારે ભારતીય પરંપરા હેઠળ નમસ્કારની મુદ્રા સાથે પ્રવેશ્યા હતા. બીજા દિવસે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીને મળ્યા, ત્યારે પણ કરજઈ નમસ્કારની મુદ્રામાં ગર્મજોશીથી તેમને મળ્યા હતા. પરંતુ નવાઝ શરીફે બધી જગ્યાએ સલામ કરીને લોકોનું અભિવાદન કર્યું. પરંતુ અહીં ફરક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓની માનસિકતાનો છે. અફઘાનિસ્તાનમાંથી ભૂતકાળમાં ભારત પર અનેક ભીષણ આક્રમણો થયા છે. પરંતુ હાલના અફઘાનિસ્તાનના શાસકોમાં કોઈ કટ્ટરતા કે ભારત વિરોધી ભાવના દેખાતી નથી. પરંતુ પાકિસ્તાનના ભારત આવનારા દરેક નેતાઓ ભારતમાં આવીને તેમના વ્યવહારમાં ઈસ્લામિક કટ્ટરવાદી માનસિકતા દર્શાવતા રહે છે.

શરીફે દિલ્હીની જામા મસ્જિદની મુલાકાત લીધી, અહીં નમાઝ પઢી. દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારીને નવાઝ શરીફે મળીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. ઈમામ બુખારીએ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ઈમામ બુખારી તેમની કોમવાદી માનસિકતા માટે કુખ્યાત છે. તેમણે હાલની લોકસભાની ચૂંટણીમાં સેક્યુલર વોટરોએ કોંગ્રેસને વોટ કરવો જોઈએ કહીને મુસ્લિમ મતદાતાઓને વોટિંગ કરવાની દિશા દર્શાવી હતી. શ્રી મોદી, ભાજપ અને આરએસએસ માટે હંમેશા વિષવમન કરનારા ઈમામ બુખારીની માનસિકતાથી આખો દેશ પરિચિત છે.

ત્યારે દેશે સાવધાન રહેવાની જરૂર છે, પાકિસ્તાનના નવાઝ શરીફ ભારત માટે ક્યારેય શરીફ રહ્યા નથી. વાજપેયી જેવા કવિ હ્રદય વડાપ્રધાન શરીફથી ભૂતકાળમાં છેતરાયા છે. પરંતુ આ ઈતિહાસનું પુનરાવર્તન થાય નહીં તેવી દરેક હિંદુની હ્રદયની લાગણીઓ છે. વળી, પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ પણ નવાઝ શરીફ સાથે સંબંધો ધરાવે છે. પરંતુ તેમણે પણ કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ ગણાવીને કોઈપણ આક્રમણનો જવાબ આપવાની વાત કરીને યુદ્ધખોર માનસિકતા પ્રદર્શિત કરી છે. કાશ્મીર મુદ્દે યુદ્ધનું નિવેદન આપીને નવાઝ શરીફ ખુદ ફરી ગયા છે. આ બંને શરીફોના સત્તા પર આવતા જમ્મુ-કાશ્મીર ખાતે એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા 120થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિ વખતે પણ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા હતા. શરીફની ભારત મુલાકાત દરમિયાન કુલ ત્રણ વખત પાકિસ્તાની સેનાએ ભારતીય સેના પર ફાયરિંગ કર્યા છે. ત્યારે પાકિસ્તાનના ઈરાદા અને બેવડા વલણો સ્પષ્ટ થઈ રહ્યા છે. ભારતની નવી સરકારે પણ નવા યુગમાં પાકિસ્તાન સામેની નીતિઓની સ્પષ્ટતાનો પાકિસ્તાનના શરીફોને અનુભવ થાય તેવી રણનીતિ પર કામ કરવું રાષ્ટ્રહિતમાં જરૂરી છે.

રવિવાર, 2 ડિસેમ્બર, 2012

2012નો ગુજરાતનો જંગ: નરેન્દ્ર મોદી Vs. કેશુભાઈ પટેલ

-આનંદ શુક્લ

ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારોની દોડમાં આગળ દોડી રહેલા નરેન્દ્ર મોદી માટે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા મહત્વની સાબિત થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત જીત તેમની ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારી મજબૂત બનાવશે. પરંતુ આ ચૂંટણીમાં થોડી પણ ઉંચ-નીચ તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જેટ ગતિએ આગળ વધવાની ક્ષમતાને ગ્રહણ લગાવી શકે છે. 2002માં હિંદુત્વના રાજકારણથી 2012માં સદભાવનાનું રાજકારણ રમી રહેલા નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. તેમના માટે કોંગ્રેસ કરતા કેશુભાઈ પટેલને ભાજપના મત કાપતા રોકવાનો મોટો પડકાર છે.
હિંદુત્વ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની જમીન છે. હિંદુત્વનું રાજકારણ ખેલનારા તમામ પક્ષો અને સંગઠનોમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા હીરો છે. નરેન્દ્ર મોદીની આ લોકપ્રિયતા જ્યાં સુધી સાબૂત રહેશે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. આ કહેવું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારજીતની ચર્ચા કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તાનું.
ડીસેમ્બર માસમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 20 ડીસેમ્બરે મતગણતરી બાદ નક્કી થશે કે નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના નાથ બનશે કે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીના ચાહકોને તેમના ફરીથી મુખ્યમંત્રી બનવાની પ્રબળ આશા છે. જો કે આ વખતે 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણી જેવો સીધો મામલો દેખાતો નથી.
2012ની ચૂંટણી 1998 બાદ રાજ્યમાં પહેલો ત્રિપાંખિયો જંગ છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ, શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ અને કેશુભાઈ પટેલના વડપણ નીચે ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણી જંગમાં ઝુકાવશે. જનસંઘ અને ભાજપમાં 60 વર્ષ કામ કરનારા સંઘના સનિષ્ઠ સ્વયંસેવક એવા કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડયો છે. તેમણે 6 ઓગસ્ટ, 2012ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સીધો રાજકીય પડકાર ફેંક્યો છે.
2002 અને 2007ની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસનો જંગ હતો. પરંતુ જાણકારો 2012ના ચૂંટણી જંગને મોદી વિરુદ્ધ કેશુભાઈ પટેલનો સીધો જંગ માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો કેશુભાઈ પટેલ 10 વર્ષ સુધી ચુપ રહ્યા, તે મોદીની સ્થિરતાનું સૌથી મોટું કારણ છે. ભાજપના ચૂંટણી સમીકરણો કેશુભાઈ પટેલના ખુલીને વિરોધમાં નહીં આવવાથી મોદીને બહુ નડયા નથી.
કેશુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 6 વખત તેઓ ધારાસભ્ય રહ્યા અને એક-એક વખત લોકસભા તથા રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેમને ચૂંટણી દરમિયાન જ્ઞાતિ સમીકરણો બનાવવાની આગવી સૂઝ હોવાનું પણ માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ ગુજરાતની પ્રભાવી પટેલ જ્ઞાતિના નેતા છે. તેમનો સૌરાષ્ટ્રમાં ઘણો મોટો બેઝ છે. વધારે માઈક્રો લેવલે વાત કરીએ તો કેશુભાઈ લેઉવા પટેલ જ્ઞાતિના નેતા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પટેલોની વસ્તી 1.20 લાખની છે અને તેમના મતદાતાઓની સંખ્યા અંદાજે 80 લાખની છે. તેમા લેઉવા પટેલોની સંખ્યા 65 ટકા થવા જાય છે.
ગત વર્ષ ખોડલધામ ખાતે પટેલ જ્ઞાતિએ બિનરાજકીય ગણાતો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીની સામે ખુલીને વિરોધમાં આવ્યા ન હતા. પરંતુ ખોડલધામના કાર્યક્રમની એક વિશિષ્ટતા હતી કે બોલાવવામાં આવેલા તમામ પટેલ નેતાઓને મંચની નીચે બેસાડવામાં આવ્યા હતા અને મંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ખોડલધામના સંમેલન બાદ કેશુભાઈ પટેલ મોદી સામે નવી પાર્ટી બનાવવાના વિચાર સાથે ખુલ્લેઆમ વિરોધમાં ઉતર્યા.
જો વાત કરીએ 2007ની તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 અને કોંગ્રેસને 59 બેઠકો મળી છે. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી છે. 2009ની લોકસભાની ચૂંટણી નવા ડિલિમિટેશન પ્રમાણે થઈ હતી. જેમા વિધાનસભા બેઠકના મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ભાજપને 107 બેઠકો પર અને કોંગ્રેસને 75 બેઠકો પર સરસાઈ મળી હતી. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દેખીતો 16 બેઠકોનો ફાયદો થયો અને ભાજપને 10 બેઠકોનું નુકસાન થયું છે.
જો કે ત્યાર બાદ 2010માં યોજાયેલી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોની ચૂંટણીમાં ભાજપને 479 અને કોંગ્રેસને 144 કોર્પોરેશનોમાં સત્તા મળી છે, જ્યારે અન્યોના ખાતામાં 19 કોર્પોરેશનો ગઈ છે. ભાજપના હાથમાં 549 અને કોંગ્રેસના હાથમાં 240 જિલ્લા પંચાયતો છે, જ્યારે અન્યની પાસે 12 જિલ્લા પંચાયતો છે. ભાજપના હાથમાં 2456 અને કોંગ્રેસના હાથમાં 1438 તથા અન્યની પાસે 154 તાલુકા પંચાયત છે. આમ જોવો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ પરિણામો કેશુભાઈ પટેલના ભાજપમાંથી અલગ થયા પહેલાના છે. વળી ગ્રામ પંચાયતોની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસના નિશાન પર નહીં લડાતી હોવા, છતાં કોંગ્રેસના ટેકેદાર સરપંચોની સંખ્યા વધારે હોવાનું માનવામાં આવે છે. ત્યારે કેશુભાઈ પટેલના ભાજપથી અલગ થયા બાદ તેના પરિણામો પર અલગ-અલગ પ્રકારના ક્યાસો લગાવાય રહ્યા છે.
ગુજરાતમાં 1975માં કોંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને માધવસિંહ સોલંકીએ ખામ થિયરી નામે જાણીતુ જ્ઞાતિ સમીકરણ રજૂ કર્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજ્યની 20 ટકાથી વધારે વસ્તી ધરાવતી પટેલ જ્ઞાતિને સત્તામાંથી દૂર કરવાનું હતું. 1962ની ગુજરાતની પ્રથમ વિધાનસભાથી 1975 સુધીમાં ગુજરાતને ત્રણ વખત પટેલ મુખ્યમંત્રી મળ્યા. જો કે ત્યાર પછી કોંગ્રેસમાં પટેલ જ્ઞાતિ સિવાયના મુખ્યમંત્રી માટે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. KHAM (થિયરી)માં 24 ટકા ક્ષત્રિય, 8 ટકા હરિજન, 15 ટકા આદિવાસી અને 12 ટકા મુસ્લિમોના મતોનું નવું જ્ઞાતિ સમીકરણ રજૂ કરીને તેના પર કામ કરવામાં આવ્યું. કોંગ્રેસને 1980માં 141 અને 1985માં 149 બેઠકો જીતવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનવાના મોકા મળ્યા હતા. માધવસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી અને અમરસિંહ ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા હતા. પરંતુ 1990માં વી. પી. સિંહના કોંગ્રેસ વિરોધી આંદોલન અને રામજન્મભૂમિથી ઉભી થયેલી રામલહેરમાં ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ થયું. 1990માં જનતાદળે ચિમનભાઈ પટેલ અને ભાજપે કેશુભાઈ પટેલના વડપણ નીચે ચૂંટણીમાં ગઠબંધન કરીને કોંગ્રેસને 149 બેઠકો પરથી સીધી 33 બેઠકો પર લાવી દીધી હતી. અહીંથી ફરી પાછો ગુજરાતના રાજકારણમાં પટેલ યુગ શરૂ થયો હતો. રાજકારણમાં ફરીથી પટેલ પાવર છવાવા લાગ્યો. પરંતુ પટેલ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા, પણ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહીં.
1995માં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલની સરકાર સામે બળવો કરીને અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટી સ્થાપી હતી. કેશુભાઈ પટેલની સરકાર ગણતરીના મહીનાઓમાં પડી ગઈ હતી. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા, તેમના પછી દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈ પટેલને 1998માં ફરીથી સત્તા મળી. જો કે ઓક્ટોબર-2001માં ભાજપ હાઈકમાન્ડે સત્તા પરિવર્તન કરીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેની પાછળ ભૂકંપ બાદ રાહત અને પુનર્વસનની કામગીરીમાં થનારા વિલંબને કારણ ગણવામાં આવ્યો. વળી બે પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો. જેના કારણે ભાજપ હાઈકમાન્ડ સામે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે રજૂઆતો થવા લાગી હતી.
કેશુભાઈ પટેલે સત્તા પરિવર્તનને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકની રાહે સ્વીકારી લીધું હતું. જો કે દશ વર્ષ સુધી તેમની થયેલી ઉપેક્ષાએ તેમને સંઘ પરિવારમાં મોદી વિરોધીઓનું નેતૃત્વ કરવા માટે મજબૂર બનાવી દીધા. રાજકીય વિશ્લેષકો પ્રમાણે, નરેન્દ્ર મોદી સામે ખુલ્લો બળવો કરવાની સૌથી પહેલી હિંમત શંકરસિંહ વાઘેલાએ કરી હતી. કેશુભાઈ પટેલની પહેલી સરકારમાં નરેન્દ્ર મોદી સુપર ચીફમિનિસ્ટર તરીકે વર્તતા હતા. વાઘેલાએ પોતાની થતી ઉપેક્ષા સામે બળવો પોકાર્યો હતો. જે કેશુભાઈ પટેલથી વધારે નરેન્દ્ર મોદી સામે હતો. વાઘેલા દ્વારા કરાયેલા બળવા બાદ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
સંઘ વર્તુળોમાં ચર્ચા છે કે કેશુભાઈ પટેલે 1995માં જ નરેન્દ્ર મોદીથી ચેતી જવાની જરૂરત હતી. વળી મુખ્યમંત્રી પદેથી કોઈપણ પ્રકારની આંતરીક સમજૂતી વગર હટવું પણ કેશુભાઈની ભૂલ હતી. સંઘ વર્તુળોના માનવા પ્રમાણે કેશુભાઈએ 10 વર્ષ કરતા વધારે સમય પોતાની ઉપેક્ષા સહન કરીને મોદીને શક્તિશાળી થવા દીધા છે. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, કિસાનસંઘ અને સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં નરેન્દ્ર મોદીની આપખુદશાહી કાર્યશૈલી સામે અસંતોષ 2003થી શરૂ થયો હતો. જેના કારણે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ ગૌરવયાત્રા થકી ગોધરાકાંડના રમખાણોની પૃષ્ઠભૂમિમાં જ્વલંત જીત મેળવી હોવા છતાં, 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી માત્ર 14 બેઠકો અપાવી હતી. આના માટે ભાજપ અને સંઘ પરિવારના નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોદીના વિરોધમાં થયેલું કામ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
જાણકારોના માનવા પ્રમાણે, ગુજરાતમાં વિધાનસભા બેઠકો પર જીતના સમીકરણો લોકસભા બેઠકોથી સાવ અલગ છે. વળી મોદી વિધાનસભા બેઠકો જેટલી સિફતપૂર્વક મેનેજ કરી શકે છે, તેટલી સમજથી લોકસભા બેઠકોનું અંકગણિત ગોઠવી શકતા નથી. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. હાલ પોતાને વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવાની ઉઠાપઠકમાં મોદી માટે 2012ની વિધાનસભા ચૂંટણી રાજકીય જીવન-મરણનો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સદભાવના મિશન થકી પોતાની રાષ્ટ્રીય છબી સેક્યુલારિઝમના ઢોળથી ચમકાવાનો પ્રયત્ન કરી જોયો. જો કે ગોધરાકાંડ બાદના રમખાણો માટે મુસ્લિમ સમાજમાં નરેન્દ્ર મોદીની છાપ હજી પણ ખાસ વધારે સુધરી નથી. તેના કારણે મોદીના સદભાવના મિશનને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીએ હજી સુધી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. પરંતુ ચર્ચા હતી કે 2012માં સદભાવના મિશનની રાજનીતિમાં પડેલા નરેન્દ્ર મોદી બે-ત્રણ મુસ્લિમ નેતાઓને ભાજપની ટિકિટ આપે પણ ખરા.જો કે ભાજપે 2012માં યોજાનારી ચૂંટણીમાં પણ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 
પરંતુ રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને અડવાણીના જિન્ના પ્રકરણ સાથે સરખાવે છે. તેમનું એમ પણ માનવું છે કે મોદીએ સદભાવના ઉપવાસ ચૂંટણીના વર્ષ પહેલા કર્યા છે, તેથી તેની ચૂંટણીમાં તાત્કાલિક અસર પડશે નહીં. પરંતુ સંઘ પરિવારમાં મોદીની મુસ્લિમ તરફી રાજનીતિની ભારે ટીકા થઈ રહી છે. કેટલાંક નેતાઓ કહી રહ્યા છે કે 200 કરોડના ખર્ચે 33 સ્થાનો પર મુસ્લિમોને ગળે લગાડવા ભૂખ્યા રહેવાના તાયફા આજ સુધી ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કર્યા નથી. મુસ્લિમોને ગળે લગાડનારા મુખ્યમંત્રીએ સ્ટેજ પર આરએસએસના પ્રાંત પ્રચારક અને પ્રાંત સંઘચાલકનું માન જાળવ્યું નથી, તેમને બીજી લાઈનમાં બેસાડયા હતા. વળી મંચ પર ઉપસ્થિત સાધુ-સંતોના ચરણસ્પર્શ કરવાની પણ મુખ્યમંત્રીએ દરકાર લીધી ન હતી. સદભાવના મિશનને કારણે મોદી પર પણ મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ સંઘ પરિવારમાંથી છાને ખૂણે લગાવવામાં આવી રહ્યો છે.
તેની સામે કેશુભાઈ પટેલની રાજનીતિ પણ સ્પષ્ટ છે તેમણે કહ્યુ છે કે તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી સંઘ વિચારની પૃષ્ઠભૂમિમાં આગળ વધશે. ગુજરાત જેવા ડાર્ક હિંદુત્વવાળા રાજ્યની રાજનીતિને ધ્યાનમાં રાખીને કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી સંદર્ભે ખાસ કાળજી લીધી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપના વખતે મંચ પર કોઈ મુસ્લિમ નેતાને હાજર રાખ્યો નથી. કેશુભાઈની પાર્ટીમાં હજી સુધી લઘુમતી સેલ બનાવવામાં આવ્યો નથી. તેની પાછળનું કારણ મોદી દ્વારા કેશુભાઈની પાર્ટીને મુસ્લિમો તરફ ઝોકવાળી પાર્ટી ગણાવવાનો ડર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યાત્રા અને કેશુભાઈ પટેલની પરિવર્તન યાત્રા ગુજરાતે જોઈ છે. વિવેકાનંદ યાત્રામાં સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો છે, જ્યારે પરિવર્તન યાત્રામાં આવી કોઈ તૈયાર મશીનરી વપરાય નથી. તેની સામે કોંગ્રેસે આ બંને યાત્રા પહેલા આદિવાસી વિસ્તારો અને દરિયાકિનારાના વિસ્તારોમાં યાત્રાઓ કરી છે અને ક્ષત્રિય સંમેલનો પણ કર્યા છે. પરંતુ કોંગ્રેસ એટલી સક્રિય દેખાતી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેમણે પણ માની લીધું છે કે જંગ મોદી અને કેશુભાઈ વચ્ચેનો છે. કેશુભાઈ પટેલ ભાજપના મત તોડે અને તેનો કોંગ્રેસને ફાયદો થશે તેવી પણ તેમને આશા છે. પરંતુ સ્થિતિ ઊંટનો લબડતો હોઠ જોઈને તેની નીચે ચાલતા શિયાળ જેવી છે.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલનો બેઝ ભાજપના વોટરો છે. પટેલો પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. કેશુભાઈ પટેલ પટેલ વોટરો અને સંઘ વિચારધારા સાથે સંકળાયેલા વોટરોને પોતાની તરફ ખેંચશે. આ સિવાય તેઓ ઠાકોર સમાજને પણ પોતાની સાથે જોડવા માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છમાં કચ્છી પટેલોનું મોટું મોબીલાઈઝેશન કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજો સાથે જ્ઞાતિ સમીકરણો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
એક ગણતરી પ્રમાણે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે 1995થી 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં સરેરાશ 10 ટકાનું અંતર રહ્યું છે. કેશુભાઈ પટેલ ભાજપના 10થી 15 ટકા વોટ પણ તોડે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘટે અને ભાજપને બેઠકોનું નુકસાન જઈ શકે છે. જો કે તેનો ફાયદો કોંગ્રેસને કહી શકાય તેમ નથી. કારણ કે ગુજરાત પરિવર્તન પાર્ટી 20થી 25 બેઠકો જીતવા માટે જ લડશે. જ્યારે 30 બેઠકોમાં ભાજપ કપાય તેવો પણ પ્રયત્ન કરી શકે છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. પરંતુ તેમની નીતિ સ્પષ્ટ છે કે તેઓ જીત્યા પછી કોંગ્રેસને ટેકો નહીં આપે. પરંતુ ભાજપને ટેકાની જરૂર હશે, તો મોદી અને તેમના મળતિયા વગરની સરકાર બનાવવાની શરત ગુજરાત પરિવર્તન પાર્ટી મુકી શકે છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વીએચપીની ઝીણવટભરી નજર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાગપુર સંઘના મુખ્યમથકે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. તો તેના બીજા દિવસે કેશુભાઈ પટેલે અમદાવાદમાં પ્રાંત સંઘ કાર્યાલય અને વીએચપી મુખ્યાલયની મુલાકાતો લીધી છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ માટે વીએચપીમાં લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે સંઘના પ્રાંત સંગઠનમાં કેશુભાઈ માટે કોઈ છોછ નથી.
જાણકારોના માનવા પ્રમાણે, શંકરસિંહ વાઘેલાના ભાજપમાં બળવા સમયે સંઘ પરિવારની સંસ્થાઓ સંપૂર્ણપણે તેમની વિરુદ્ધ હતી. જ્યારે કેશુભાઈ પટેલને સંઘ પરિવારમાંથી ઘણો મોટો સાથ-સહકાર મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલા સાથે 45 ધારાસભ્યો હતા. પરંતુ ક્ષત્રિય વોટરો ભાજપના પરંપરાગત વોટરો ન હતા. તેથી 1998ની ચૂંટણીમાં વાઘેલાની રાજપાએ 11.86 ટકા વોટ મેળવ્યા. જેમાં મોટા ભાગના કોંગ્રેસી વોટ હતા. જેને કારણે કોંગ્રેસને તે ચૂંટણીમાં સીધું નુકસાન ગયું. જ્યારે કેશુભાઈ પટેલ સાથે હાલ કોઈ ધારાસભ્ય કે ભાજપના મોટા પદાધિકારીઓ ખુલીને સાથે આવ્યા નથી. પરંતુ પટેલ સમુદાયના તેઓ નિર્વિવાદ કદ્દાવર નેતા છે. ત્યારે પટેલ વોટરોની સિમ્પથી ઘણો મોટો ઉલટફેર કરે તેવી શક્યતા છે. કારણ કે પટેલ વોટરો મોટેભાગે ભાજપના વોટર છે. તેની સાથે સંઘની વિચારધારાને માનનારા ગુજરાતના ઘણાં લોકો નરેન્દ્ર મોદીથી ગોચર,ગોહત્યા જેવા મુદ્દાઓ પર નારાજ છે. તેથી તેમને પણ કેશુભાઈ રાજકીય વિકલ્પ પુરો પાડી રહ્યા છે.
આમ છતા નરેન્દ્ર મોદીની સ્થિતિ એટલા માટે મજબૂત માનવામાં આવે છેકે સંઘ પરિવારની સંસ્થાઓએ ગુજરાતમાં હિંદુત્વનો પ્રચાર કરતી વખતે કોંગ્રેસનો વિલન અને મુસ્લિમ લીગ સમાન ગણાવી છે. લોકો હજી પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, તેવું વ્યાપકપણે ઈચ્છી રહ્યા નથી. ત્યારે કેશુભાઈ પટેલ સરકાર ન બનાવી શકવાના હોય, તો તેવા સંજોગોમાં તેમના માટે હિંદુત્વના હીરો રહેલા નરેન્દ્ર મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના પ્રસંગો બાદ નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટ બન્યા હતા. તેઓ હજી પણ ગુજરાતના આમ હિંદુઓમાં હ્રદય સમ્રાટનું સ્થાન ભોગવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય જમીન તેમની હિંદુત્વવાદી ઈમેજ છે. ત્યારે 20મી ડીસેમ્બરના પરિણામો જ બતાવશે કે હિંદુત્વની ટ્રેનમાંથી વિકાસરથ પર બેસીને હવે સદભાવનાના રાજકારણનો રસ્તો પકડનારા મોદીની ઈમેજ કેટલી બદલાઈ છે. 

ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

કેશુભાઈની પાર્ટી દ્વારા સંઘ પરિવારની રાજકીય દિશા બદલાઈ શકે



- આનંદ શુક્લ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતના રાજકારણમાં હિંદુત્વના પોતાના એજન્ડાને આગળ વધારવા માટે બે રાજકીય વિકલ્પો અત્યાર સુધીમાં આપ્યા છે. 1952માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં ભારતીય જનસંઘની સ્થાપના આરએસએસના તત્કાલિન સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી. પરંતુ કટોકટી બાદની રાજકીય પરિસ્થિતિમાં જનસંઘ સામુહિક રીતે જનતા પાર્ટીમાં વિલિન થઈ ગયું. જનસંઘમાંથી જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓના બેવડા સભ્યપદના મામલે ઉઠેલા વિવાદમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1979-80માં ભાજપની સ્થાપના થઈ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત વિભાજન બાદ દેશની સેક્યુલર રાજનીતિને હિંદુત્વના રસ્તે ચઢાવવાના એજન્ડાને આગળ વધારવા માટે ઉભા કરવામાં આવેલા રાજકીય વિકલ્પો એક યા બીજા કારણોસર નકામા સાબિત થયા. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતના વર્ષોમાં પોતાની વિચારધારાનો આધાર ગાંધિયન સોશ્યાલિઝમને રાખ્યો. જો કે તેના આધારે તેમને 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા કરવામાં આવેલી હત્યાને કારણે સિમ્પથી વેવનો ભરપૂર લાભ મળ્યો હતો.

પરંતુ રામજન્મભૂમિ આંદોલનને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ હિંદુ પરિષદના હાથમાંથી રાજકીય એજન્ડા સાથે લઈને ભારતીય રાજનીતિમાં સત્તાસ્થાને પહોંચવામાં કામિયાબી મેળવી. 1996, 1998, 1999માં અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં અનુક્રમે 13 દિવસ, 13 માસ અને એક ટર્મ માટે સત્તામાં રહેવાનો એનડીએના નેજા નીચે ભાજપને મોકો મળ્યો. રામજન્મભૂમિના રથ પર સવાર થનારા ભાજપે રામરથની સવારી સત્તા માટે છોડી દીધી. તેની સાથે 2004 સુધીમાં હિંદુત્વની વિચારધારાના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળ હિંદુત્વવાદી એજન્ડાને પુરા કરવાની તાકાત પણ ગુમાવતી નજરે પડી. ભાજપને સુધારવાની અથવા કોઈ મજબૂત રાજકીય વિકલ્પ ઉભો કરવા માટે સંઘ પરિવારમાં ગણગણાટ શરૂ થઈ ગયો. 2009ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપના નેતૃત્વવાળું એનડીએ હાર્યું. ત્યારે સંઘના નવનિર્વાચિત સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરપી અથવા સર્જરીની જરૂર હશે, તો તેને કરવાની વાત સાર્વજનિક રીતે કરી.

હિંદુત્વવાદી એજન્ડાને આગળ વધારનારા રાજકીય વિકલ્પના તૂટવાનો અફસોસ ઉંડે ઉંડે સંઘ પરિવારના નેતાઓમાં નવું ચિંતન, મનન અને મંથન પેદા કરનારો સાબિત થયો. જો કે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટપણે ભાજપના રાજકીય વિકલ્પ તરીકે નવો રાજકીય પક્ષ સ્થાપવાની વાતને દ્રઢતાથી નકારી નાખી હતી. પરંતુ તેમ છતાં સંઘ પરિવારમાં રાજકીય વિકલ્પ તરીકે અપ્રાસંગિક બનતા જતા ભાજપ અને તેના નેતાઓ પ્રત્યે અસંતોષનું પ્રમાણ કાયમ રહ્યું છે. સંઘના રોજિંદા કામમાંથી દૂર થયેલા નેતાઓએ ભાજપનો રાજકીય વિકલ્પ શોધવાની કવાયત ક્યારની શરૂ કરી દીધી છે. ક્યારેક બાબા રામદેવને રાજકીય એજન્ડા માટે તૈયાર કરવાની કોશિશ થઈ, તો ક્યારેક અણ્ણા હજારેના મુસ્લિમ તરફી ધર્મનિરપેક્ષતાવાદી આંદોલનને હાઈજેક કરવાનો પુરો પ્રયત્ન કરવામાં આવ્યો.

જો કે અણ્ણા હજારે કોંગ્રેસ વિરોધી વાતાવરણ અને આંદોલન બંને ઉભું કરવામાં નિષ્ફળ ગયા. અણ્ણા ખુદ રાજકીય વિકલ્પ આપવાની વાત કરી ચુક્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ આણિ મંડળીના રાજકીય વિકલ્પમાં સંઘ પરિવારના એજન્ડાને જરાપણ સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. તેને કારણે સંઘ પરિવાર હવે આ સંદર્ભે કોઈ મહેનત કે કડાકૂટમાં પડવા માંગતો નથી. અણ્ણાના અનુભવ પછી બાબા રામદેવને વિકલ્પ તરીકે જોવામાં ખૂબ સાવચેતીઓ દાખવવામાં આવી રહી છે.

જો કે અત્યાર સુધી હિંદુત્વવાદી રાજનીતિનું પ્રબળ કેન્દ્ર રહેલા ગુજરાતમાં પ્રાંતિય સ્તરે ભાજપનો રાજકીય વિકલ્પ ઉભો થયો છે. 4 ઓગસ્ટે ભાજપમાં 60 વર્ષ કામ કરનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિના વિરોધમાં રાજીનામું આપીને 6 ઓગસ્ટે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. આ પાર્ટીમાં કેશુભાઈ ઉપરાંત કાશીરામ રાણા, સુરેશ મહેતા, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા સહીતના ઘણાં નેતાઓ છે. હજી ઘણાં નેતાઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને સંઘના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલે અને નેતા પ્રવિણ મણિયારના આશિર્વાદ પણ પ્રાપ્ત છે.

કેશુભાઈ પટેલનુ કહેવુ છે કે તેમની નવી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શો પર ટકેલી હશે અને અસલી ભાજપની ભૂમિકા નિભાવશે. તેઓ આ વાત જ્યારે કહી રહ્યા હતા, ત્યારે સંઘના દિગ્ગજ નેતા પ્રવિણ મણિયાર અને ભાસ્કરરાવ દામલે હાજર હતા. એક સચ્ચાઈ એ પણ છે કે જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાનો સિક્કો ચલાવ્યો છે, ત્યારથી બાકીના તમામ સિક્કાઓનું ચલણ બંધ થઈ ગયું છે, પછી તે સિક્કો સંઘ પરિવારના સંગઠનોનો કેમ ન હોય.

નરેન્દ્ર મોદી અત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી વધારે આગળ છે. ભાજપના ઘણાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા ઈચ્છી રહ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી સામે બે મુશ્કેલી છે, પહેલી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજું ભાજપની કેન્દ્રીય નેતાગીરી સાથે અહમનો ટકરાવ. 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો બાદ મોદીને કોમવાદી ગણવાની ભારતીય રાજનીતિમાં ફેશન ચાલી છે, આને હિંદુત્વ ગણવાની ફેશન ચાલી છે. મોદીના વધેલા રાજકીય કદનો સામનો કરવા અને તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવા માટે ખુબ વ્યૂહાત્મક રીતે ભાજપના જ કેટલાંક કેન્દ્રીય નેતાઓની મિલીભગતથી મોદી કોમવાદી હોવાની વાત વારંવાર ગણતરીપૂર્વક ઉછાળવામાં આવી. ઘણાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2004 સુધીમાં મોદીની દેશમાં લોકપ્રિયતાથી ગભરાઈને જ ભાજપે હિંદુત્વના એજન્ડાને છોડીને વિકાસ અને અટલજીના નામે વોટ માંગ્યા હતા, કારણ કે જો ભાજપ હિંદુત્વના એજન્ડા પર આગળ વધત તો અટલજીના રાજનીતિમાંથી નિવૃત થયા બાદ નરેન્દ્ર મોદીને જ તેમના વધેલા રાજકીય કદને કારણે કેન્દ્રમાં મોટી ભૂમિકા આપવી પડે.

બીજી તરફ સેક્યુલરવાદના નામે મુસ્લિમ તરફી રાજનીતિમાં ગળાડૂબ નીતિશ કુમારે એક અખબારના આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે એનડીએનો વડાપ્રધાન પદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. તાજેતરમાં અખબારી અહેવાલ પ્રમાણે નીતિશ કુમારે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પાસે ખાતરી માંગી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નહીં કરે. જો કે ગડકરીએ કહ્યુ છે કે એનડીએના તમામ પક્ષો સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ તમામ કવાયતમાં એક વાત સ્પષ્ટ છેકે નરેન્દ્ર મોદી પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા માટે જોર લગાવશે અને નીતિશ કુમાર તેના કારણે જેડીયૂ સાથે એનડીએમાંથી બહાર નીકળી જશે.

બીજી તરફ ગુજરાતમાં મોદી અને ભાજપની મુશ્કેલી એ છે કે કેશુભાઈની નવી પાર્ટી તમામ મોદી વિરોધીઓનું કેન્દ્ર તો બનશે જ, સાથે સંઘની વિચારધારાત્મક શક્તિઓ પણ સાથે આવી જશે. મોદી માટે સૌથી વધારે ચિંતાજનક કોઈ બાબત હશે, તો તે હશે કે ગત બે દશકમાં પહેલીવાર શક્તિશાળી 1 કરોડ 68 લાખની વસ્તી ધરાવતા પટેલ સમુદાયને ભાજપનો એક સ્પષ્ટ રાજકીય વિકલ્પ મળશે. મહત્વપૂર્ણ છે કે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમુદાયના ભાજપ તરફ ઝુકવાના પહેલા 80ના દાયકામાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી દ્વારા પ્રચલિત ખામ (ક્ષત્રિય, આદિવાસી, મુસ્લિમ અને હરિજન) થિયરીની ગુજરાતની રાજનીતિમાં બોલબાલા હતી.

રાજ્યના પટેલ સમુદાયને કોંગ્રેસના હાથમાંથી સત્તા છિનવીને ખામ થિયરીને અપ્રસ્તુત બનાવીને ભાજપને સત્તામાં આગળ વધારવાનું શ્રેય જાય છે. પરંતુ પાર્ટીની અંદરની રાજનીતિમાં કેશુભાઈ જેવું સશક્ત પટેલ નેતૃત્વ મોદી હાથે પરાસ્ત થયું તે પણ એક હકીકત છે. પરંતુ હવે કેશુભાઈ પટેલ પોતાના તમામ દમખમથી પાર્ટી બહાર ખુલ્લા રાજકીય મેદાનમાં ચૂંટણી જંગ ખેલવાના છે.  જો કે આ પરિસ્થિતિ છતાં નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તા પર પકડ જમાવી રાખશે, તો ભાજપના હાઈકમાન્ડ માટે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રોકવાનું કોઈ કારણ બાકી રહેશે નહીં.

આવી પુરી શક્યતા છે, કારણ કે મોદી  સામે ભાજપના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વધારે કંઈ થઈ રહ્યું નથી. રાજકીય વર્તુળોની ચર્ચા પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસ જેમના હાથમાં છે, તેમણે પીઠ પાછળ મોદી સાથે હાથ મિલાવી રાખ્યા છે. સંઘ પરિવારની શક્તિઓના નારાજ થવાનું એક કારણ એ પણ છે કે તેમના દ્વારા સૂચવવામાં આવેલા કામ મોદી કરતા નથી, પરંતુ કોંગ્રેસીઓના કામ ફટાફટ કરી નાખે છે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે શું કેશુભાઈની નવી પાર્ટી આટલી જલ્દી પોતાનું સંગઠન ઉભું કરીને મોદીના નેતૃત્વમાં ચાલનારી સક્ષમ ચૂંટણી મશનરીને ટક્કર આપી શકશે કે જે ગત બે ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખી ચુકી છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે ભાજપને સત્તાની બહાર કરવામાં કેશુભાઈ પટેલ સફળ થશે, તો નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન પદ માટેનો રથ ગુજરાતમાં જ થંભી જશે.

પટેલ, મોદી અને નીતિશનો ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે અને કચ્ચરઘાણ ભાજપના ખુદના હિતોનો નીકળી રહ્યો છે. આ જંગમાં જીતનાર પોતપોતાના હિત સાધી શકશે, પરંતુ ભાજપના હિત કોરાણે મૂકાશે. આ દુવિધાના પરિણામો દૂરગામી હોઈ શકે . જો ગુજરાતમાં ભાજપને કેશુભાઈ પટેલની નવી પાર્ટી ટક્કર આપી શકશે, તો સંઘ પરિવારના રાજકીય વિકલ્પ શોધનારા જૂથ માટે નવી દિશા ખુલશે. કેશુભાઈ પટેલની પાર્ટીને સંઘ પરિવારની વિચારધારાની વધારે નજીક માનવામાં આવી રહી છે, ત્યારે તેની કોઈપણ પ્રકારની સફળતા સંઘ માટે એકદમ નવો અનુભવ હશે. આ અનુભવ પછી કદાચ સંઘ રાષ્ટ્રીય સ્તરે પણ વિચારધારાત્મક રીતે વધારે કટિબદ્ધ એક રાજકીય વિકલ્પ સંદર્ભે પણ વિચાર કરી શકશે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીનું સારું પ્રદર્શન સંઘ પરિવારની રાજનીતિની દશા અને દિશા સ્થાયીપણે બદલી શકે છે.

મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

ગુજરાત પરિવર્તન પાર્ટીએ “પરિવર્તન પથ” તૈયાર કરવો પડશે


-          આનંદ શુક્લ
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, શાશ્વત નિયમ છે. પરિવર્તનથી અસ્તિત્વ ટકે છે. પરિવર્તન વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની અગ્રિમ જરૂરિયાત છે. દુર્પરિવર્તનો સામે પરિવર્તનો પોતાની ઓળખ સાથે આગળ વધવા માટે જરૂરી છે. ભારત માટે કહેવામાં આવે છે કે પરિવર્તનો સામે સુમેળ સાધવાની ભારતીય સમાજની વૃતિ અને પ્રવૃતિએ ભારતનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે વાવાઝોડાંમાં અક્કડ રહેનારા ઝાડ મૂળમાંથી ઉખડી જાય છે અને ઝુકી જનારા પોતાનું અસ્તિત્વ ટકાવી જાણે છે.
પરિવર્તનો હંમેશા સ્થાપિત બાબતોમાં થતા હોય છે. પછી તેમાં સુધારા માટે હોય કે તેમા ફેરફાર કરવા માટેના હોય. સ્થાપિત બાબતોમાં પરિવર્તનો તેનો ઢાંચો અને તેમા રહેલા લોકો સહન કરી શકતા નથી. તેથી પરિવર્તનોનો જોરશોરથી વિરોધ થતો હોય છે કે પરિવર્તનો સંદર્ભેની તેઓ ખુદ વાતો શરૂ કરી દેતા હોય છે. આ બંને પરિસ્થિતિ પરિવર્તનો સામેના પડકાર છે. ગુજરાતમાં સત્તા પરિવર્તન અને વ્યવસ્થા પરિવર્તનના ખુલ્લા ઉદેશ્ય સાથે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની 6 ઓગસ્ટ, 2012ના રોજ ઘોષણા કરી છે. તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક અધ્યક્ષ બન્યા છે. ટૂંક સમયમાં પદાધિકારીઓ અને અન્ય સંગઠનાત્મક બાબતોની ઘોષણા પણ થવાની છે.
કેશુભાઈ પટેલ 83 વર્ષની જૈફવયે ફરીથી પરિવર્તન માટેનું નિમિત્ત બનવા તૈયાર થયા છે. તેમણે પોતાની 60 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલા ભારતીય જનસંઘ અને બાદમાં ભાજપમાં પૂર્ણ સમર્પણથી કામ કર્યું. ગુજરાતના ગામડેગામડે જનસંઘ અને ભાજપને પહોંચાડવા માટે કેશુભાઈ પટેલે પોતાની સંગઠનાત્મક શક્તિથી સિંહફાળો આપ્યો હોવાની વાત તમામે સ્વીકારવી પડે તેમ છે. ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલનું કદ ભીષ્મ પિતામહ જેવું છે. પરંતુ આ એક એવા ભીષ્મ પિતામહ છે કે જેમણે દુર્યોધન બની ચુકેલા શાસકોના દુશાસનવાળા હસ્તિનાપુરને છોડી દીધું છે. તેમણે પ્રજાધર્મ નિભાવવા માટે સત્તા પરિવર્તનથી વ્યવસ્થા પરિવર્તનની હાકલ કરી છે.
જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બે માસ લીડર હતા, પહેલા કેશુભાઈ પટેલ અને બીજા શંકરસિંહ વાઘેલા. ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય વ્યૂહરચનાકારની ભૂમિકા નિભાવતા હતા. ભાજપે પોતાને પાર્ટી વિથ ડિફરન્સ ગણાવ્યો છે. પરંતુ તેમા એટલા બધાં ડિફરન્સ ઉભા થયા છે કે કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને નરેન્દ્ર મોદી ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી પદે છે. ભાજપના ત્રણેય મોટા કદના નેતાઓ જેના કારણે ભાજપ ગુજરાતમાં મજબૂત બની તેઓ આજે ત્રણ અલગ-અલગ ખેમામાં છે.
શંકરસિંહ વાઘેલાએ 1996માં બળવો કર્યો ત્યારે તેમની સાથે 46 ધારાસભ્યોએ ભાજપ છોડયું હતું. શંકરસિંહ વાઘેલાના ત્યારથી અત્યાર સુધી આવેલા નિવેદનો એક વાતની ચાડી ખાય છે કે તેમને વાંધો કેશુભાઈ પટેલ સામે ન હતો. તેમનો મુખ્ય વાંધો કેશુભાઈ પટેલની સરકાર વખતે સુપર ચીફ મિનિસ્ટર તરીકે વર્તતા નરેન્દ્ર મોદી સામે વાંધો હતો. કેશુભાઈ પટેલે ભાજપમાંથી રાજીનામું આપીને ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાક્ષસ ગણાવ્યા છે અને તેમનો જીવ વોટોમાં હોવાનું પણ કહ્યુ છે. તેમણે ભાજપ વ્યક્તિલક્ષી પાર્ટી બની ગઈ હોવાની હૈયાવરાળ પણ ઠાલવી છે.
કેશુભાઈ પટેલનું ભાજપ છોડવું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કદાચ દુ:ખદ ઘટના નહીં હોય, પરંતુ ભાજપ માટે ચોક્કસ દુ:ખદ ઘટના છે અને તેમણે આ બાબતે આત્મચિંતન કરવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ચુક્યું છે. કહેવાય છે કે ગુજરાતમાં આજ સુધી બનેલા ત્રીજા મોરચાના બાળમરણના પુનરાવર્તનનું જોખમ ગુજરાત જનતા પાર્ટી પર પણ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી ચિમનભાઈ પટેલ, રતુભાઈ અદાણી અને ભાજપમાંથી શંકરસિંહ વાઘેલાએ બિનકોંગ્રેસી-બિનભાજપી ત્રીજા મોરચા માટે ગંભીરતાથી પ્રયત્ન કરી જોયા, પરંતુ આ કોશિશો સરેઆમ નાકામ ગઈ છે.
કેશુભાઈ પટેલના ત્રીજા વિકલ્પને જનતા સ્વીકારશે કે નહીં તેનો પ્રશ્ન ઉભો છે. પરંતુ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના પહેલા યોજાયેલા છ પરિવર્તન મહાસંમેલનોમાં ઉમેટેલા લોકોને જોતા લાગે છે કે કેશુબાપાની પરિવર્તનની હાકલ ઝીલનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. સોમવારે ગાંધીનગર ખાતે તેમના બંગલે ઉપસ્થિત અઢીથી ત્રણ હજારની ભીડમાં 50 વર્ષથી નીચેના લોકો મોટા પ્રમાણમાં દેખાતા હતા.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલ જમીન સાથે જોડાયેલા માણસ છે. 60 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ખુંદીને જાતેસંપર્ક ઉભો કર્યો છે. 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને કેશુભાઈ પટેલ માટે સહજ રીતે લાગણી છે. ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે 2012ની ચૂંટણીમાં મોટા પડકાર સાબિત થશે.
તેમના માનવા પ્રમાણે, ગુજરાતમાં અત્યારે ખરેખર પરિવર્તનની જરૂર છે. અહીં વિકાસ થયો છે, પરંતુ તેનું ગ્લેમરાઈઝેશન થયું છે અને તેનો સૌથી મોટો ફાયદો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો છે. વિકાસ કરતા વિકાસની વાતો ઘણી વધારે અને મોટી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સૂરત જેવા શહેરોમાં વિકાસના કામો થયા છે, પણ આમ આદમીને તેની કિંમત પણ ચુકવવી પડી છે. ગુજરાતના અંતરિયાળ ગામડામાં હજી પરિસ્થિતિ સુધરી નથી. શિક્ષણની બાબતમાં રાજ્ય પાછળ છે, બાળકોમાં કુપોષણની બાબતમાં પણ ખરાબ સ્થિતિ છે, માનવવિકાસ સૂચકાંકમાં પણ ગુજરાત પાછળના ક્રમે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક રાષ્ટ્રીય સામાયિકે સતત પાંચ વર્ષ સુધી નંબર વન ગણાવ્યા છે. રાજ્યમાં ચોરી, લૂંટ, બાળકોના અપહરણની ઘટનાઓ બહુમોટા પ્રમાણમાં થઈ છે. લાખોની લૂંટને કાયદો અને વ્યવસ્થાની ઢીલ ગણવાને બદલે વિકાસનું કારણ બનાવીને ગૌરવ લેવાય રહ્યું છે.
આ સિવાય રાજ્યમાં ઉદ્યોગો આવી રહ્યા હોવાનું દેખાડવા માટે વાઈબ્રન્ટ ગુજરાતના નામે મોટા વૈભવી અને ગ્લેમરસ તામજામ દર બે વર્ષે યોજવામાં આવે છે. પરંતુ આંકડા જણાવી રહ્યા છે કે વાઈબ્રન્ટ ગુજરાત નહીં યોજતા રાજ્યો વિદેશી મૂડી રોકાણના મામલે ગુજરાત કરતા આગળ છે. 2002ના કોમી રમખાણોની ઘટનામાં પોતાની કલંકિત છબી સાફ કરવા માટે મુખ્યમંત્રી મોદી વિકાસની માળા જપી રહ્યા છે અને તેનું ગ્લેમરાઈઝેશન કરી રહ્યા છે. જો કે હકીકત એ છે કે ગુજરાતમાં આવનારા ઉદ્યોગોને પાણીના ભાવે જમીનો અને સવલતો આપવામાં આવી રહી છે. તેમાંથી ઉભી થતી રોજગારી ગુજરાતીઓને સ્થાને બહારના રાજ્યોના લોકોને વધારે પ્રમાણમાં મળી રહી છે. ઉદ્યોગો માટે ગોચરની જમીનોના પણ કેટલેક ઠેકાણે વહીવટ થયા છે, તો કેટલેક ઠેકાણે ખેતીલાયક જમીનો પણ કાઢી આપવામાં આવી છે.
રાજકીય નિરીક્ષકોના માનવા પ્રમાણે, ગુજરાતને વિકાસ દોડમાં આગળ દેખાડીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વિકાસપુરુષની છબી ચમકાવીને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વોચ્ચ પદે જવા માટે વ્યૂહાત્મક રીતે કામ કરી રહ્યા છે અને તેમાં ગુજરાતના હિતોની બલિ આપવાની વૃતિ પણ રાજ્યની અસ્મિતાની વાતો કરનારા મુખ્યમંત્રી ધરાવે છે.
આ સિવાય ગુજરાતમાં હિંદુત્વની રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે જ ભાજપ 1995થી અઢી વર્ષના ગાળાને બાદ કરતા ગુજરાતમાં સત્તા પર રહ્યો છે. હિંદુત્વ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા ગાય અને ગોચરના મુદ્દે મોદી સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ તાજેતરમાં કહ્યુ છે કે 1990 બાદ ગુજરાતમાં ગોહત્યા સદંતર બંધ હતી. ગોભક્ષકો અને ગોહત્યારાઓ ફફડતા હતા, પરંતુ રાજ્યમાં હવે છેલ્લા એક વર્ષમાં 68 હજાર કિલોગ્રામ ગોમાંસ ઝડપાયું છે. તેમનો કહેવાનો અર્થ રાજ્યમાં ગાય અને ગોવંશની હત્યાઓ થઈ રહી છે. રાજ્યમાં 187 લાખ હેક્ટર જમીનમાંથી માત્ર સાડા આઠ લાખ ગોચરની જમીન બાકી રહી છે. રાજ્યના અઢી કરોડ ઢોરઢાંખરના પાલન માટે કુલ 40 લાખ હેક્ટર જમીનની જરૂરત છે. ત્યારે આ સાડા આઠ લાખ ગોચરમાંથી જમીનોનો વહીવટ કરવાનો પ્લાન સરકાર બનાવતી હોવાના આક્ષેપો તેજ બન્યા છે. ત્યારે હિંદુત્વવાદી વિચારધારા ધરાવતા સંગઠનોમાં મોદી સરકાર સામે વિચારધારાત્મક સ્તરે પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
આ સિવાય ધાર્મિક સ્થાનો હટાવવાના કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે ગાંધીનગરમાં 300 જેટલા મંદિરો હટાવ્યા છે. આ કાર્યવાહી અમદાવાદ, ભાવનગર, વડોદરા જેવા સ્થાનો પર સીમિત રીતે કરવામાં આવી છે. પરંતુ ધાર્મિક સ્થાનો હટાવવાની કાર્યવાહીમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે હિંદુ ધાર્મિક સ્થાનનો મોદી સરકારે કચ્ચરઘાણ વાળ્યો છે, પરંતુ મુસ્લિમ ધાર્મિક સ્થાનો પ્રત્યે ખૂબ સદભાવનાજાળવી છે. ધર્મ ગુજરાતની પ્રજાની નસેનસમાં છે. ધાર્મિક સ્થાનો હટાવવા જેવી સંવેદનશીલ બાબતો સંદર્ભે મોદી સરકારે ધાર્મિક-સાંસ્કૃતિક અને સામાજિક સંગઠનો તથા લોકોને વિશ્વાસમાં લેવાનું જરાપણ યોગ્ય માન્યું નથી.
આ સિવાય અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રોના થયેલા કામોમાં કુલ 80 હજાર વૃક્ષોનો કચ્ચરઘાણવાળી દેવામાં આવ્યો છે. કુલ અંદાજે 4500 જેટલા મકાનોને વિકાસના કામોની નકારાત્મક અસરો પહોંચી છે. આ મકાનોમાંથી મોટાભાગના હિંદુ વિસ્તારમાં આવેલા છે. વિકાસના કામો મુસ્લિમ વિસ્તારો પાસે એટલા માટે રોકી દેવામાં આવે છે કે સરકાર અહીં કોઈ વિવાદ કે ઘર્ષણ કરવા માંગતી નથી. અમદાવાદ અને સૂરત જેવા ગુજરાતના મહાનગરો ખૂબ ચમકે તેની સામે કોઈને વાંધો નથી. પરંતુ વિકાસ માટે દંડાની જગ્યાએ લોકોને સહમત કરીને ભેદભાવ વગર કામો કરવામાં આવે તે સૌથી વધારે ઈચ્છનીય છે.
આ તમામ બાબતોમાં પરિવર્તનોની તાતી જરૂરિયાત છે. વિકાસના નામે ઉભા કરવામાં આવેલા ગ્લેમરના અંધાપામાંથી પ્રજાને બહાર કાઢવી જરૂરી છે. વિકાસના નામે આમ આદમીના લેવાતા ભોગ બાબતે પણ લોકોને જાગૃત કરવાની જરૂરિયાત છે. ગુજરાતના મુખ્યમંત્રી નંબર વન રહ્યા હશે, પરંતુ ગુજરાત ઘણી બાબતોમાં પાછળના ક્રમે ધકેલાયું હોવાની વાત પણ જનતા સામે મૂકવી પડશે. પરિવર્તનો ક્યારેય એમને એમ થયા નથી. તેના માટે ચોક્કસ બલિદાનો પણ આપવા પડે છે. ત્યારે કેશુભાઈની અધ્યક્ષતાવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીએ આના માટે પણ તૈયારી દાખવીને લોકોને મોટા પ્રમાણમાં પોતાની સાથે જોડીને તાત્કાલિક પરિવર્તન પથ તૈયાર કરીને તેના પર મક્કમ પગલે ઝડપથી આગળ વધવું પડશે. 

શુક્રવાર, 27 જુલાઈ, 2012

મોદીની ઉર્દૂ સાપ્તાહિક ‘નઈ દુનિયા’ને મુલાકાતના ગૂઢાર્થો


-આનંદ શુક્લ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉર્દૂ અખબાર ‘નઈ દુનિયા’ને આપવામાં આવેલી મુલાકાત બાદ રાજકારણ ગરમ થયું છે. નરેન્દ્ર મોદી દ્વારા 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો પછી દશ વર્ષ બાદ પ્રથમ વખત કોઈ ઉર્દૂ અખબારને મુલાકાત આપવામાં આવી છે. આ મુલાકાતમાં મોદીએ એવા સવાલોનો જવાબ પણ આપ્યો છે કે ભૂતકાળમાં જેને સાંભળીને તેઓ બોલવાનું બંધ કરી દેતા હતા અથવા મુલાકાત અધુરી મૂકીને નારાજગી સાથે સ્ટુડિયોમાંથી ચાલ્યા જતા હતા.

ઉલ્લેખનીય છે કે એનડીટીવીના વિજય ત્રિવેદી દ્વારા 2007ની ચૂંટણી વખતે લેવામાં આવેલા ઈન્ટરવ્યૂ વખતે હુલ્લડ સંદર્ભેના સવાલ પર મોદી ચોપરની બારીની બહાર જોતા રહ્યા અને બોલવાનું બંધ કરી દીધું હતું. આ સિવાય સીએનએન-આઈબીએન ચેનલ પર કરણ થાપરના કાર્યક્રમમાં મોદીને ગુજરાત રમખાણો સંદર્ભે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેઓ મુલાકાત છોડીને જતા રહ્યા હતા. જો કે કરણ થાપરના કાર્યક્રમમાં બનેલી ઘટનાના અઠવાડિયામાં જ હુલ્લડો સંદર્ભેના સ્ટિંગ ઓપરેશન તહેલકાએ જુદીજુદી ચેનલો પર પ્રસારીત કર્યા હતા.

પરંતુ દશ વર્ષ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવા તમામ સવાલોનો જવાબ નઈ દુનિયાના સંપાદક અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શાહીદ સિદ્દીકીને આપ્યા છે કે જેનાથી મોદી ભૂતકાળમાં આભડછેટ રાખતા હતા. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી 2002 અથવા 2007 જેટલી સરળ દેખાઈ રહી નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે મોદી સામે વિરોધનું બ્યૂગલ બજાવ્યું છે. છ સ્થાનો પર પરિવર્તન મહાસંમલનોમાં 20 હજારથી માંડીને 60 હજાર સુધીની ભીડ કોઈપણ જાતની વાહન વ્યવસ્થા વગર એકઠી કરીને કેશુભાઈ પટેલે મોદી સરકારની ખુરશીના પાયા તો હચમચાવ્યા છે. આવા ટાણે ઉર્દૂ અખબારને ગુજરાત રમખાણો સંદર્ભે ઈન્ટરવ્યૂ આપીને મોદી કોઈ નવી રાજકીય શતરંજ માંડી રહ્યા હોવાની વાત પણ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

રાજકીય નિરીક્ષકોના મતે હાલ ગુજરાતમાં મોદી સરકાર 2012ના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટીઈન્કમબન્સી અને કેશુભાઈ પટેલના વિરોધને કારણે બિનઆરામદાયક પરિસ્થિતિનો અનુભવ કરશે. તેવા વખતે કોઈને કોઈ લાગણીશીલ મુદ્દાની તલાશ મોદીને રહેશે. મોદીને પોતાના તરફ જુવાળ ઉભો કરવા માટે હજી પણ ગુજરાત રમખાણોના મુદ્દા મદદરૂપ સાબિત થઈ શકે છે. જો કે મોદીએ ઈન્ટરવ્યૂમાં પોતાનો પક્ષ ખૂબ સ્પષ્ટ રીતે મૂક્યો છે અને કોઈ હિંદુહ્રદય સમ્રાટની અદાથી એવી કોઈ છબી બનાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો નથી. તેમ છતાં તેમની સાથે જોડાયેલી રમખાણો સંદર્ભેની બાબતો પ્રજામાં ફરી એક વખત જુવાળ પેદા કરી શકે છે. ગુજરાત રમખાણોની ચર્ચા માત્રથી મોદીનું સ્થાન પ્રજામાં મજબૂત થાય છે.

જો કે ઈન્ટરવ્યૂમાં મોદીએ રમખાણોમાં પોતાની ભૂમિકાનો બચાવ કરતા કહ્યુ છે કે જો તેઓ દોષિત હોય તો તેમને ફાંસી પર ચઢાવી દેવામાં આવે. એવી રીતે જાહેરમાં ફાંસી આપવામાં આવે કે આવું કૃત્ય કરવાની કોઈ રાજનેતા 100 વર્ષ સુધી હિંમત કરી શકે નહીં. આ સિવાય તેમણે કહ્યુ છે કે કોંગ્રેસમાં જવાથી કોઈ નેતા સેક્યુલર થઈ શકતો નથી. બાબરી ધ્વંસ વખતે શંકરસિંહ વાઘેલા ક્યાં મંચ પર હતા, તે તેમને પુછવું જોઈએ. મોદીએ ઈન્ટરવ્યૂમાં ગુજરાતમાં મુસ્લિમો ખુશ હોવાની, મુસ્લિમ અનામત સંદર્ભે આગવી અસહમતિ દર્શાવી અને ગુજરાતમાં રમખાણો રોકવા તેમની સરકારે શું કાર્યવાહી કરી ત્યાં સુધીની તમામ વાતો કરી છે. આ ઈન્ટરવ્યૂમાં મોદીમાં રમખાણો સંદર્ભે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક પામેલી એસઆઈટીના રિપોર્ટમાં મળેલી ક્લિનચિટનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો.

રમખાણોના દશ વર્ષ બાદ મોદી જ્યારે હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી બન્યા છે, ત્યારે ઉર્દૂ અખબારને આપવામાં આવેલો ઈન્ટરવ્યૂ મુસ્લિમ સમુદાયમાં પીઆર વધારવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં કઠલાલની પેટાચૂંટણીથી ખુદ મોદી પણ એવું કહેતા થયા કે ભાજપને મુસ્લિમના અમુક ટકા વોટ મળ્યા એટલે જીત થઈ. આ ઘણું મોટું પરિવર્તન છે. 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી નથી. પરંતુ 2007ની વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મુસ્લિમોને ઉમેદવારીની તક આપી છે. જેમાં મોદીને લાગે છે કે સારા પરિણામ આવ્યા છે અને તેથી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેટલાંક મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.

ગત વર્ષ સપ્ટેમ્બર માસમાં મોદીએ સદભાવના મિશન અંતર્ગત અમદવાદ ખાતે ત્રણ ઉપવાસ કર્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં કુલ 33 ઉપવાસ કરીને પોતે મુસ્લિમ વિરોધી નહીં હોવાનો સંદેશ આપતો સદભાવનાવાદી ચહેરો બનાવવાનો પ્રયત્ન મોદીએ કર્યો. જો કે મોદીને તેમા કેટલી સફળતા મળી તેના પરિણામો તો તેમની રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા અને ગુજરાતમાં મુસ્લિમો તરફથી ભાજપને મળનાર મતોથી જ સાબિત થશે. પરંતુ ઉર્દૂ અખબારને મુલાકાત પાછળનું ઈમેજ મેકઓવરનું ગણિત પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.

ઉર્દૂ અખબાર નઈ દુનિયા ઉત્તર પ્રદેશના મુસ્લિમ સમુદાયમાં ઘણી મોટી પહોંચ ધરાવે છે. દેશના સૌથી વધારે મુસ્લિમો યૂપીમાં રહે છે અને મુસ્લિમ રાજનીતિ અહીંથી જ નિયંત્રિત થાય છે. જેના કારણે યૂપીમાં મોદીનું ઈમેજ મેકઓવર થાય, તો તેનો ફાયદો રાષ્ટ્રીય રાજનીતિમાં સ્વીકાર્યતા વધારવા માટે થઈ શકે છે. શાહીદ સિદ્દીકી સમાજવાદી પાર્ટીના સાંસદ છે, તેથી ઉર્દૂ અખબારમાં ઈન્ટરવ્યૂથી મુસ્લિમ મતોથી યૂપીની સત્તા હસ્તગત કરનારી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ મોદી માટે થોડી નરમાશ દાખવે તેવું પણ શક્ય છે. જેનો ફાયદો મોદીને રાષ્ટ્રીય રાજકારણમાં મળી શકે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાની કવાયત વખતે બિહારના મુખ્યમંત્રી અને ઘોર મોદીવિરોધી નીતિશ કુમારે 2014ની ચૂંટણીમાં એનડીએ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા શરૂ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એનડીએ તરફથી વડાપ્રધાનપદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. જેના જવાબમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવેત નિવેદન આપ્યું કે હિંદુત્વવાદી નેતા દેશના વડાપ્રધાન શા માટે બની શકે નહીં? આ નિવેદનને મોદીને સંઘ તરફથી મળેલા ટેકા તરીકે જોવામાં આવે છે. પરંતુ તેમ છતાં 2014 દરમિયાન દેશમાં પ્રાદેશિક પક્ષોની શક્તિને નજરઅંદાજ કરવી મોદી માટે શક્ય નથી. પ્રાદેશિક પક્ષો સેક્યુલારિઝમના મુદ્દે મોદીને રાજકીય રીતે અસ્પૃશ્ય ગણે તો તેમની રાજકીય મહત્વકાંક્ષાઓને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. જેના કારણે મોદીનું હિંદુત્વવાદીમાંથી સદભાવનાવાદી ઈમેજ મેકઓવર તેમની પહેલી જરૂરત છે.

રાષ્ટ્રીય સ્તરે મુલાયમ સિંહ અને સમાજવાદી પાર્ટી નરેન્દ્ર મોદી તરફ નરમ વલણ અખત્યાર કરે, તો દેશના મુસ્લિમોનો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય તેવી પણ શક્યતા છે. જો કે પોતાના સાંસદ શાહીદ સિદ્દીકીના ઈન્ટરવ્યૂના ટાઈમિંગથી નારાજ થઈને મુલાયમ સિંહ ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર 182 બેઠકો પર ઉતારે, તો પણ મોદીને ફાયદો જ થવાનો છે. રાજ્યમાં મુસ્લિમ મતદારોનો જોક સ્વાભાવિકપણે કોંગ્રેસ અને બિનભાજપી ઉમેદવારો તરફ રહેલો છે. તેથી મુસ્લિમોના થોકબંધ વોટ મોદીને બદલે કોંગ્રેસને મળતા રહ્યા છે. સમાજવાદી પાર્ટી ગુજરાતમાં ઉમેદવાર ઉભા રાખે, તો તેઓ મુસ્લિમ વોટબેંકમાં ભાગ પડાવે અને તેને કારણે કોંગ્રેસને વોટમાં નુકસાન જાય. જેનો સીધો ફાયદો નરેન્દ્ર મોદીને થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગોધરા ખાતે શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે બે અપક્ષ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખીને મુસ્લિમ વોટ તોડવાની રણનીતિ ભાજપે ભૂતકાળમાં અપનાવી છે.

રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ વધવા માટે હિંદુત્વવાદી મોદીને સદભાવનાવાદી બનવું જરૂરી છે. સદભાવનાવાદી બનવા માટે મુસ્લિમો સાથે ઘણી પીઆરની કવાયત કરવી પડશે. આમા મુસ્લિમ મતોથી યૂપીમાં સત્તાસ્થાને પહોંચનારી સમાજવાદી પાર્ટીના નેતા શાહીદ સિદ્દીકીના મુસ્લિમોમાં પહોંચ ધરાવતા અખબાર નઈ દુનિયાનો સહારો મળે, તો તે મોદી માટે સૌથી વધારે ઉત્તમ છે. આ સિવાય મોદીને ગઠબંધન અને શક્તિશાળી પ્રાદેશિક પક્ષોના યુગમાં વડાપ્રધાનપદના ઉમેદવાર બનવા માટે જેડીયૂના નીતિશ કુમારનો વિકલ્પ પણ ઉભો કરવો પડે તેમ છે. જો કે આ વિકલ્પ તરીકે મુલાયમ સિંહ યાદવ સામે આવે નહીં, તો પણ તેમનું મોદી પ્રત્યેનું નરમ વલણ આવા વિકલ્પથી કમ નહીં હોય. 

રવિવાર, 15 જુલાઈ, 2012

નરેન્દ્ર મોદી: નેતા કે અભિનેતા?



- આનંદ શુક્લ

ભારતીય રાજકારણમાં ગાંધીજી સાદગી અને સરળતાનું પ્રતીક છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભવ્યતા અને પરમ વૈભવના સિમ્બોલ બની ગયા છે. કેટલાક ટીકાકારો મોદીની તેમની વૈભવી જીવનશૈલી અને જાતભાતના ડ્રેસ પહેરવાની બાબતની ખૂબ ટીકા કરે છે. તેમના માનવા પ્રમાણે, ભારતીય રાજકારણમાં અભિનેતામાંથી નેતા બનનારાની સંખ્યા ઘણી છે, પરંતુ નેતામાંથી અભિનેતા બનનારા પહેલા રાજકારણી નરેન્દ્ર મોદી છે.

જો કે મીડિયામાં નરેન્દ્ર મોદીની કપડાની પસંદગી સંદર્ભે જાતજાતની ન્યૂઝ સ્ટોરી આવતી રહે છે. ક્યારેક તેમના ઝભ્ભાના કલર પર, ક્યારેક અડધી બાંયના ઝભ્ભાની સ્ટાઈલ પર તો ક્યારેક કોઈક ખાસ પ્રસંગે તેમના દ્વારા પહેરાયેલા ડ્રેસની ચર્ચા થતી રહે છે. આ ચર્ચાનો હેતુ શું હશે, તેની હજી સુધી આધિકારીક ખબર પડી નથી. પરંતુ એક મત એવો છે કે નરેન્દ્ર મોદી દેશ-દુનિયાના બહુચર્ચિત અને વિવાદીત વ્યક્તિઓમાંના એક છે. જેને કારણે તેમના વિશેની કોઈપણ માહિતીને વધારે રીડરશીપ કે વ્યૂઅરશીપ મળે છે. જેને કારણે તેમના વિશેની નાનામાં નાની માહિતી મીડિયામાં ખૂબ મહત્વ સાથે બતાવવામાં આવે છે.

આપણું ગુજરાત, આગવું ગુજરાતના સૂત્ર સાથે સત્તાના સૂત્રો હસ્તગત કરનારા નરેન્દ્ર મોદીએ પોતાની તમામ સ્ટાઈલ આગવી બનાવી છે. મોદી પોતાની કાર્યપદ્ધતિ અને કાર્યોથી તો ચર્ચામાં છે જ, પરંતુ તેની સાથે તેઓ જુદાજુદા પ્રસંગે જુદાજુદા ડ્રેસ પહેરીને પણ સૌનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ સ્ટોરીઓની શોધમાં ભટકતું મીડિયા પણ મોદીના ધ્યાન આકર્ષણનો ભોગ બનતું હોય તેવું લાગે છે.

2002માં સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગણવેશની કાળી ટોપી પહેરીને આવ્યા હતા. તે વખતે તેમણે સંઘટોપી સાથે જ તિરંગાને સલામી પણ આપી હતી. 2002ની ઘટનાઓ બાદ પોતે સંઘના સ્વયંસેવક અને પ્રચારક હોવાના સ્પષ્ટ સંકેત તેમણે સંઘટોપી પહેરીને ધ્વજવંદન કરીને આપ્યા હતા.

આ સિવાય નવરાત્રિના ઉત્સવ પ્રસંગે તેમણે ધોતી પહેરીને માતાજીની પૂજા કરી હતી. તો રિવરફ્રન્ટ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ટ્રેકશૂટ, વાઈબ્રન્ટ ગુજરાતમાં ત્રણ દિવસ અલગ-અલગ શૂટ પહેર્યા, ઉત્તરાયણમાં ટીશર્ટ પહેરીને પોતાના અલગ મૂડ દર્શાવ્યા હતા.

કિસાનમેળામાં કિસાન ડ્રેસ પહેરીને ખેડૂતોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે આઝાદ હિંદ ફોજની સ્થાપના વખતે અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની જેમ નરેન્દ્ર મોદીએ ટોપી પણ પહેરી હતી. સ્વામી વિવેકાનંદ જન્મજયંતી વખતના કાર્યક્રમમાં મોદીએ કેસરી ઝભ્ભો પહેરીને પોતે જ હિંદુત્વના ધ્વજારોહક હોવાના સંકેત આપ્યા હતા.

મોદી દ્વારા જુદાંજુદાં પ્રસંગે વસ્ત્ર પરિધાનો દ્વારા ચોક્કસ બાબતો પ્રત્યાપિત કરવાની વાતને ઘણાં નાટક અને ભવાઈ ગણાવીને ટીકા કરે છે. જો કે આ ટીકા સાથે સહમત ન થઈએ તો એટલું ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીની જીવનશૈલી અને વસ્ત્રપરિધાનની આદતો ખૂબ જ વૈભવી છે. જેને કોઈપણ સંજોગોમાં સાદી ગણી શકાય તેમ નથી.

ભારતમાં આઝાદીની લડાઈ વખતે અને ત્યાર પછી ઘણાં સમય સુધી નેતાઓની જીવનશૈલી ઘણી સાદી અને વસ્ત્રપરિધાન પણ સાદા જ રહ્યા છે. આઝાદીની લડાઈ સમયના સર્વોચ્ચ નેતાઓમાંના એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વાત કરીએ તો તેઓ ચરખા પર જાતે વણેલી એકમાત્ર પોતડી પહેરતા. તેમણે ભારતના દરિદ્રનારાયણોને જોઈને પોતાના વધારાના વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો. ગાંધીજીની પોતડી તેમની સાદગીનું સૌથી મોટું પ્રતીક હતી. મહાત્મા ગાંધી ભારતના અંગ્રેજ વાઈસરોય અને ઈગ્લેન્ડના રાણીને મળતી વખતે પણ પોતડીમાં જ પહોંચ્યા હતા. છતાં મહાત્માની મહાનતાનો તેમના વિરોધીઓ પણ ઈન્કાર કરી શક્યા ન હતા.

આઝાદીની લડાઈ વખતે ગાંધીજીની સાદગીથી પ્રેરીત થઈને અનેક નેતાઓએ જાતે વણેલી ખાદીના કપડા પહેરવાના શરૂ કર્યા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગર્ભશ્રીમંત પરિવારનું સંતાન હતા. પરંતુ તેમના વસ્ત્રો પણ મોટાભાગે સફેદ રંગના રહેતા અને તેમાં ગુલાબનું ફૂલ નાખેલું જોવા મળતું હતું. હાલના વડાપ્રધાન મનમોહન સિંહ પણ વાદળી રંગની પાઘડી શીખ હોવાને કારણે પહેરે છે. મોટેભાગે સાદા લેંઘાઝભ્ભામાં જોવા મળે છે. વિદેશયાત્રાઓ અને અન્ય પ્રસંગો પાત ઈન્ડિયન શૂટ પહેરે છે. પરંતુ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

ભારતમાં જ્યારે 42 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે, ત્યારે તેમની ચિંતા કરવાને સ્થાને નીતનવા વસ્ત્રપરિધાનો કરવા અને વૈભવી જીવનશૈલી પ્રમાણે જીવન જીવવું ગરીબો પ્રત્યે ક્રૂરતા છે. પરંતુ ગાંધીજી તો હવે દુનિયામાં રહ્યા નથી અને ગાંધી વિચાર પુસ્તકોમાં બંધ પડેલા છે. ગુજરાતમાં પણ ગરીબ મેળા કરવા પડે તેટલા ગરીબો છે.

ટીકાકારો પ્રમાણે, નેતામાંથી અભિનેતા બનેલા નરેન્દ્ર મોદીના અભિનય અને બેવડા ચાલચરિત્રનું એક ઉદાહરણ ટાંકવુ ચુકાય તેમ નથી. એક બાજુ ચીન સાથે વેપાર વધારવામાં પડેલા નરેન્દ્ર મોદી કહે છે કે ચીનને ગુજરાતી શીખવું પડશે અને બીજી બાજુ સ્કોપની જાહેરાતમાં પોતાના ફોટોગ્રાફ સાથે ગુજરાતના યુવાનોને સંદેશ આપી રહ્યા છે કે અંગ્રેજી શીખો નહીં તો પછાત રહેશો.

ગાંધીજીના હિંદ સ્વરાજ પુસ્તકના સંસ્કરણના ભારતીય વિચારમંચના કાર્યક્રમમાં મોદી દાવો કરે છે કે તેમણે ગુજરાતમાં ગાંધીજીના સ્વપ્નને સાકાર કર્યું છે અને બીજી તરફ ગરીબ આમ આદમીને રાહત આપવાની જગ્યાએ ટાટા-અદાણી જેવા ઉદ્યોગપતિઓને રાહત આપે છે.

એટલે કે નરેન્દ્ર મોદી વિવિધ પ્રસંગે સુંદર વેશભૂષા સાથે સરસ અભિનય કરી શકતા હોવાની છાપ પણ લોકોમાં ઉપસી રહી છે. ગુજરાતમાં ગાંધીજી અને રવિશંકર મહારાજની સાદગી અને ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી ખૂબ મશહૂર છે. પરંતુ વિધિની વક્રતા એ છે કે ફેશન ડિઝાઈનરે તૈયાર કરેલા રંગબેરંગી અતિકિંમતી વસ્ત્રો પહેરીને નરેન્દ્ર મોદી રાજ્યનું ખાતમૂહર્ત કરનારા રવિશંકર મહારાજની સાદાઈ પર બોલે છે.

મોદી વિશાળ સરકારી કાફલા સાથે આવીને મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકની ફકીરી પર પણ બોલે છે. તો પરમ વૈભવી જીવનશૈલી જીવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગરીબોના દુ:ખે દુ:ખી થનારા ગાંધીજી વિશે પણ ભાષણ કરે છે!

બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને થોડા સમયથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી તો 2002થી જ ગુજરાતમાં અપાર લોકપ્રિયતા થકી બ્રાન્ડ બન્યા છે. હવે ચર્ચા છે કે ભાજપ પણ તેમને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ત્યારે જીવનમાં સાદગીના સ્થાને પરમ વૈભવ અને સરળતાની સામે ભવ્યતાને મહત્વ આપનારા નરેન્દ્ર મોદી દેશના ઉદ્યોગપતિઓનું દર્દ તો સમજે છે, પરંતુ કરોડો ગરીબોનું દર્દ સમજશે?

શનિવાર, 7 જુલાઈ, 2012

ભાજપે ગુજરાતમાં ક્યારેય વિકાસના મુદ્દાઓ પર સરકાર બનાવી નથી

-          આનંદ શુક્લ
ગુજરાતમાં ભાજપે 1995થી દોઢ દાયકા જેટલા લાંબા સમય સુધી કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી છે. ભાજપને 1990થી દરેક વિધાનસભાની ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દાથી કોંગ્રેસ પર સરસાઈ મેળવવાની તક મળતી રહી છે. 2012ના અંત ભાગમાં ગુજરાતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ પ્રેરીત ત્રીજો મોરચો પણ ભાગ લે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતમાં રાજકીય પરિદ્રશ્યમાં કેવા ફેરફાર થઈ શકે તેની ચર્ચા ઘેરી બની છે. પરંતુ મામલો કેશુભાઈ પટેલ જેવા ભાજપના વરિષ્ઠ નેતાનો હોવાથી મોદી માટે 2002 અને 2007 જેવી સરળ પરિસ્થિતિ નહીં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

જો કે 1995થી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા વોટિંગની ટકાવારી 55 ટકાથી ઉપર રહી છે. 1995માં 64.39 ટકા અને 2002માં 61.54 ટકા મતદાન થયું છે. વોટિંગની ટકાવારી ઉંચી રહેવાનો ફાયદો હંમેશા ભાજપને મળ્યો છે. પરંતુ 1990થી લઈને 2007ની ચૂંટણીમાં જનમતને અસર કરતા મુદ્દા પર નજર કરવી જરૂરી છે. કારણ કે આ મુદ્દા કોઈને કોઈ રીતે હિંદુત્વના મુદ્દાઓની આસપાસના મુદ્દાઓ હતા. ગુજરાત હિંદુત્વનો ગઢ મનાય છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીના સંભવિત મુદ્દાઓ સામે ભૂતકાળની ચૂંટણીમાં ભાજપને જીત અપાવનારા મુદ્દાઓ પર એક નજર કરવી જરૂરી બને છે.

(1)    1990ની વિધાનસભા ચૂંટણીમાં વી.પી.ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને રામલહેરે કોંગ્રેસની નાવ ડૂબાડી:

1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળની યુતિએ કોંગ્રેસના બારે વહાણ ડૂબાડયા હતા. આખા દેશમાં કોંગ્રેસમાંથી અલગ થયેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. બોફોર્સ ડીલમાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજીવ ગાંધીની સરકારમાં સંરક્ષણ મંત્રી પદેથી વી. પી. સિંહે રાજીનામું આપીને આખા દેશમાં કોંગ્રેસને કેન્દ્રની સત્તામાંથી મુક્ત કરાવવા માટે આંદોલન ચલાવ્યું. તેમણે જનતાદળ અને ભાજપ સહીતના અન્ય બિનકોંગ્રેસી પક્ષોનો મોરચો બનાવ્યો. જેના પરિણામે ગુજરાતમાં પણ કોંગ્રેસ વિરુદ્ધ પરિવર્તનનો પવન ફૂંકાયો. જેમાં ભાજપે કેશુભાઈ પટેલ અને જનતાદળે ચિમનભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડયો હતો. તે વખતે યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો.

1990માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતના માત્ર 30.74 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના ભાગે 182માંથી માત્ર 33 વિધાનસભાની બેઠકો ભાગે આવી હતી. જ્યારે જનતાદળને ચિમનભાઈ પટેલની આગેવાનીમાં સૌથી વધારે 70 બેઠકો અને 29.36 ટકા મત મળ્યા હતા. ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં 26.69 ટકા મતો મેળવીને ત્રીજા સ્થાને 67 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીમાં જનતાદળ અને ભાજપના સંયુક્ત મતની ટકાવારી 56.05 ટકા હતી, તે કોંગ્રેસના મતો કરતા 25.31 ટકા વધારે હતી.

ઉલ્લેખનીય વાત એ પણ છે કે 1990ના ગાળામાં અયોધ્યા આંદોલન ગતિ પકડી રહ્યું હતું. રામજન્મભૂમિ આંદોલનના કારણે દેશભરમાં રામલહેર પણ પકડ જમાવી રહી હતી. જેના કારણે ભાજપને સારો એવો ફાયદો બેઠકોની જીતમાં મળ્યો હતો.

(2)    1995માં હિંદુત્વની લહેર પર સવાર થઈને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા:

1990માં ગુજરાતમાં સત્તા પર આવેલી ચિમનભાઈ પટેલના વડપણ હેઠળની જનતાદળ અને ભાજપની સરકાર રામજન્મભૂમિ આંદોલન સંદર્ભે કાઢવામાં આવેલી અડવાણીની રામરથયાત્રાના વિવાદમાં તૂટી પડી. બિહારના સમસ્તીપુર ખાતે અડવાણીની રામરથયાત્રાને બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે અટકાવી હતી. જેના કારણે કેન્દ્રમાં વી. પી. સિંહની સરકારને આપેલો ટેકો ભાજપે પાછો ખેંચ્યો હતો. તેના પરિણામ ગુજરાતની ગઠબંધન સરકાર પર પણ પડયા હતા. જો કે ભાજપનો ટેકો પાછો ખેંચાયા બાદ ચિમનભાઈ પટેલની સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો. ત્યાર બાદ ચિમનભાઈ પટેલે જનતાદળમાંથી અલગ થઈને જનતાદળ-ગુજરાત નામનો પ્રાદેશિક પક્ષ પણ સ્થાપ્યો. જો કે ચિમનભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેજ અવસાન થયું અને ગુજરાતમાં જનતાદળ-ગુજરાતે વિધિવત કોંગ્રેસમાં સામેલ થવાનું નક્કી કર્યું. એટલે ગુજરાતની રાજનીતિ દ્વિધ્રુવીય બની.

દેશમાં બાબરી ધ્વંસની 6 ડિસેમ્બર, 1992ની ઘટના પછી ચાર રાજ્યોમાં ભાજપની સરકારને બરતરફ કરવાના કેન્દ્રના નિર્ણય સામે જનાક્રોશ ચરમ પર હતો. તેવામાં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ જમ્મુ-કાશ્મીરની શીતકાલિન રાજધાની શ્રીનગરમાં પ્રજાસત્તાક દિવસે લાલચોકમાં તિરંગો ફરકાવાના આતંકવાદીઓના પડકારને જીલ્યો. તેમણે કન્યાકુમારીથી કાશ્મીરના શ્રીનગરના લાલચોક સુધીની એકતાયાત્રા કાઢી. તે સમયે કોંગ્રેસ વિરોધી વાતાવરણ દેશભરની તાસિર બની ચુકી હતી. ગુજરાત પણ તેમાથી બાકાત ન હતું. રામજન્મભૂમિ, કાશ્મીર સહીતના હિંદુત્વવાદી તરીકે ઓળખાતા રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર ગુજરાતની જનતા ભાજપની પડખે હતી. જનતાદળ-ગુજરાતનું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. તેથી હિંદુત્વની ગુજરાતમાં ચાલી રહેલી લહેરના પરિણામે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર ગાંધીનગરની ગાદીએ આવી.

1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ વોટના 42.51 ટકા મત મળ્યા અને 121 બેઠકો પર જીત મેળવી. જ્યારે કોંગ્રેસે 32.86 ટકા મત સાથે માત્ર 45 બેઠકો પર જીત મેળવી. ભાજપને કોંગ્રેસ કરતા 9.65 ટકા મત વધારે મળ્યા. જેનાથી સ્પષ્ટ બને છે કે 1990ની ચૂંટણીમાં જનતાદળ સાથે રહેલા ઘણાં વોટ કોંગ્રેસની વિરુદ્ધ ભાજપને મળ્યા હતા. જેના પરિણામે ભાજપ કોંગ્રેસ પર સરસાઈ મેળવવામાં કામિયાબ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હિંદુત્વના પ્રચંડ મોજા સાથે ગુજરાતની ગાદીએ આવેલી ભાજપની કેશુભાઈ પટેલની સરકારને બે વર્ષમાં ઘરભેગા થવું પડયું. ભાજપના અન્ય વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો કાંડ કરાવ્યો. શંકરસિંહ દ્વારા કેશુભાઈની સરકાર સામે કરવામાં આવેલા બળવાના પરિણામે કેશુભાઈને બે વર્ષમાં જ રાજીનામું આપવું પડયું. શંકરસિંહ વાઘેલાએ ભાજપ હાઈકમાન્ડ તરફથી મળેલી શોકોઝ નોટિસને અમદાવાદમાં જાહેરમાં ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી હતી.

ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાની સરકારને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો. જો કે શંકરસિંહની રાજપા અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાતા 1998માં ફરીથી વિધાનસભા ચૂંટણી આવી.

(3)    1998માં શંકરસિંહ વાઘેલાના બળવા સામેના લોકોના રોષે ભાજપને જીત અપાવી:

ખજૂરાહો કાંડ બાદ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા બળવાથી ગુજરાતની જનતામાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો હતો. તેમ છતાં ગુજરાતમાં લગભગ અઢી વર્ષ સુધી શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાની સરકાર સત્તા પર રહી. આ સમયગાળા દરમિયાન સંઘપરિવારના સંગઠનો પ્રત્યે શંકરસિંહ વાઘેલાએ દમનચક્ર ચલાવ્યું હતું. જેના પરિણામે સંઘપરિવારની કેડર વધારે આક્રમક બની હતી. તે સમયે સંઘપરિવારની આરએસએસ અને વીએચપી સહીતની સંસ્થાઓની ગુજરાતના ગામેગામ વ્યાપક પકડ હતી. જેના પરિણામે જનમતને શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ કરવામાં ભાજપને સફળતા મળી.

ગુજરાતની જનતામાં શંકરસિંહ વાઘેલા પર હિંદુત્વવાદી આંદોલનને કમજોર કરવાનો આરોપ લાગી રહ્યો હતો. રાધનપુરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શંકરસિંહ વાઘેલાને તે સમયે શંકરઉલ્લાહખાન તરીકે ચિતરવામાં આવ્યા હતા.

જેના પરિણામે 1998ની ચૂંટણીમાં 44.81 ટકા મતો સાથે ભાજપને 117 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 34.85 ટકા મતો સાથે માત્ર 53 બેઠકો મળી હતી. જો કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપાને 11.68 ટકા વોટ સાથે માત્ર 4 બેઠકો મળી હતી. જો કે માનવામાં આવે છે કે રાજપાએ મોટાભાગે કોંગ્રેસ પાર્ટીના વોટ તોડયા હતા. 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 9.96 ટકા મતોનું અંતર હતું. જો 1998માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને રાજપા સંયુક્ત રીતે લડયા હોત, તો પરિણામ ભાજપ માટે આટલા ગુલાબી રહ્યા ન હોત.

જો કે 1998ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના થોડા વખતમાં શંકરસિંહ વાઘેલાએ રાજપાનું કોંગ્રેસમાં વિધિવત વિલિનીકરણ કર્યું.

ઉલ્લેખનીય છે કે કેટલાંક સુધારવાદી પગલાઓ અને આમ આદમીને રાહત આપતા નિર્ણયો સંદર્ભે કેશુભાઈ પટેલ સરકારની પ્રારંભિક ગાળામાં પ્રશંસા થઈ હતી. જો કે 26 જાન્યુઆરી, 2002ના રોજ આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં રાહત અને પુનર્વસનના કામમાં મંથરતા અને ગડબડોની વાતોએ કેશુભાઈ પટેલ તરફ અણગમો શરૂ કર્યો હતો. મીડિયામાં ટીકાઓ આવવાની પણ શરૂ થઈ હતી. તેવામાં બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા નેતૃત્વ પરિવર્તન માટે ભાજપ હાઈકમાન્ડ અને સંઘના સર્વોચ્ચ નેતૃત્વને રજૂઆતો થવા લાગી હતી. જેના પરિણામે સંઘના દોરીસંચાર નીચે પ્રચારક એવા નરેન્દ્ર મોદીને એક્ટોબર-2001માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

(4)    2002ની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાવેવે મોદીને હિંદુહ્રદય સમ્રાટ બનાવી જ્વલંત જીત આપી:

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા જંકશન નજીક અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના ત્રણ કોચ સળગાવી દેવાની ઘટના બની. સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં લાગેલી આગમાં અયોધ્યાથી આવી રહેલા 58 જેટલા કારસેવકો ભડથું થયા. જેના કારણે આખા ગુજરાતમાં રોષ વ્યાપી ગયો હતો. મુસ્લિમોના ટોળા દ્વારા આગચંપી થઈ હોવાના વહેતા થયેલા સમાચારો અને અફવા-અટકળો વચ્ચે રાજ્યની સ્થિતિ વિસ્ફોટક બની. ત્યાર પછીના ત્રણ દિવસ ગુજરાતના ઈતિહાસના કેટલાંક લોહિયાળ પૃષ્ઠોમાંના એક બની ગયા.

આ સમયગાળામાં મીડિયા ખાસ કરીને ન્યૂઝ ચેનલો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ ન્યૂઝ સ્ટોરીનો મારો ચલાવવામાં આવ્યો. તમામ ન્યૂઝ ચેનલોએ નરેન્દ્ર મોદીની અવાસ્તવિક ગણી શકાય તેવા તર્કોના આધારે ટીકાઓ કરી. જેને ગુજરાતની જનતાએ પક્ષપાતી ગણી. ગુજરાતમાં તે સમયે ન્યૂઝચેનલો અને મીડિયાના નકારાત્મક પ્રચાર વિરુદ્ધ પણ વાતાવરણ બની રહ્યું હતું. જેના પરિણામે ગુજરાતની જનતામાં નરેન્દ્ર મોદીની તારણહારની છબી ગાઢ બની રહી હતી.

ગુજરાતની ચૂંટણી વહેલી જાહેર કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌરવ યાત્રા કાઢી હતી. તેને ગુજરાતની જનતાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. તમામ અટકળબાજીઓ વચ્ચે 2002ની ચૂંટણીમાં તારણહારની છબી સાથે નરેન્દ્ર મોદીએ ભાજપને જ્વલંત જીત અપાવી.

2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49.85 ટકા વોટ સાથે 127 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39.28 ટકા મત સાથે 51 બેઠકો મળી હતી. ભાજપને કોંગ્રેસ કરતા 10.57 ટકા મત વધુ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1990થી થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજા ક્રમે સૌથી વધારે મતદાન 2002ની ચૂંટણીમાં થયું હતું. એટલે કે આ ચૂંટણીમાં 61.54 ટકાનું ભારે મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છેકે 2004ની લોકસભાની ચૂંટણી સુધી જનતાના હીરો બનેલા નરેન્દ્ર મોદી તેમની તથાકથિત કાર્યશૈલીના કારણ સાથે પક્ષ અને સંઘપરિવારમાં અસંતુષ્ટો તરફથી ટીકાને પાત્ર બન્યા. 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 12 અને ભાજપને 14 બેઠકો મળી હતી. જેના કારણે નરેન્દ્ર મોદીનું તેમના વિરોધીઓ પ્રત્યેનું વલણ ઘણું કઠોર બનવા લાગ્યું. પરિણામે ભાજપમાં જ નવી ભાંજગડના મંડાણ થયા. ગોરધન ઝડફિયા ભાજપમાંથી અલગ થયા અને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી. તો કેશુભાઈ પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતાઓની સમજાવટ બાદ 2007ની વિધાનસભા ચૂંટણી વખતે પોતાને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાવ્યા.

(5)    2007માં સોનિયા ગાંધીની મોદી માટેની મોત કા સોદાગરની ટીપ્પણીએ જીતનું શઢ મોદી તરફ ફેરવ્યું:

2002થી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં તારણહારની છબી સાથે પ્રસ્થાપિત થઈ ચુક્યા હતા. પરંતુ તેમની કડક કાર્યશૈલીના પરિણામે કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નેતાઓની પાંખો કપાવા લાગી. જેના પરિણામે પક્ષમાં તેમની સામેના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગોરધન ઝડફિયાએ 2005માં કેબિનેટ વિસ્તરણ વખતે કેશુભાઈ પટેલ સાથે ચર્ચાવિચારણા થઈ ન હોવાથી મંત્રીપદ સ્વીકારવાનો જાહેરમાં ઈન્કાર કરીને નરેન્દ્ર મોદીને અપમાનિત અવસ્થામાં મૂકી દીધા હતા. ઝડફિયાએ ભાજપથી અલગ થઈને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી હતી. કાશીરામ રાણા, સુરેશ મહેતા અને કેશુભાઈ પટેલ પણ મોદી વિરોધને હવા આપી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. મોદી વિરુદ્ધ થયેલા પટેલ જ્ઞાતિના સંમલનોથી બહુ મોટી અસર થાય તેવી ગણતરી ચાલી રહી હતી.

જોકે પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરના મુદ્દે મોદીનું નામ લીધા વગર તેમને મોત કા સોદાગર ગણાવ્યા. ગુજરાતની જનતામાં મોદી પ્રત્યે સહાનુભૂતિની લહેર દોડી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ સહાનુભૂતિની લહેરને વધારે ઉગ્ર બનાવવા ઝડપી અને અસરકારક પ્રચાર કર્યો.
 
જેના પરિણામે 2007માં ભાજપને 49.12 ટકા મત સાથે 117 બેઠકો મળી. કોંગ્રેસને 38 ટકા મત સાથે 59 બેઠકો મળી છે. ભાજપને કોંગ્રેસ કરતા 11.12 ટકા મત વધારે મળ્યા હતા. જો કે 33 બેઠકો એવી છે કે જેના પર ભાજપને 5 હજાર વોટ કરતા ઓછા મતથી જીત મળી હોય.

(6)    પ્રવર્તમાન પરિસ્થિતિ:

ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના બગાવતી તેવરથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં ભૂકંપની હલચલ શરૂ થઈ છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ મહાગુજરાત જનતા પાર્ટી સાથે મળીને અથવા નવો પક્ષ રચીને ગુજરાતની જનતાને મોદી અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો વિકલ્પ આપવા ઈચ્છી રહ્યા છે. 24મી જુલાઈએ સૂરત ખાતેના સંમેલનમાં કેશુભાઈ પટેલ પોતાના જન્મદિવસે ત્રીજા મોરચાની જાહેરાત કરે તેવી સંભાવના છે.

કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણે અને ગોરધન ઝડફિયાના મોદી વિરોધી સૂર તીખા થઈ રહ્યા છે. કેશુભાઈ પટેલે પહેલા રાજ્યના પટેલો દસ વર્ષથી ભયભીત હોવાની વાત કરી. તેના થોડા સમય બાદ ગુજરાતમાં તમામ જ્ઞાતિના લોકો ભયભીત હોવાનું નિવેદન પણ તેમણે કર્યું. પટેલ જ્ઞાતિના સંમેલનોમાં કેશુભાઈએ મોદી સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. છેલ્લે દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાતમાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી હતી. તેમણે સાથે ઉમેર્યુ હતુ કે જો હાઈકમાન્ડ નેતૃત્વ પરિવર્તન નહીં કરે, તો જનતા પરિવર્તનનો માર્ગ પકડશે.

કેશુભાઈ પટેલ 6 મહાનગર સહીત ગુજરાતમાં કુલ આઠ સંમેલનો કરવાના છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચા સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.

રાજકીય વિશ્લેષકોના માનવામાં પ્રમાણે, ગુજરાતની રાજનીતિમાં ત્રીજા મોરચાનું કોઈ વજન પડયું નથી. ચિમનભાઈ પટેલે 1975માં રચેલા કિસાનમજદૂર લોકપક્ષને 12 બેઠકો મળી હતી. રતુભાઈ દેસાઈની રાષ્ટ્રીય કોંગ્રેસ જીતી શકી ન હતી. છેલ્લે શંકરસિંહ વાઘેલાની રાજપાને પણ 1998માં માત્ર 4 બેઠકો મળી હતી. એટલે કે ગુજરાતમાં ત્રીજા મોરચાની જીતને કોઈ અવકાશ નથી.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કેશુભાઈનો ત્રીજો મોરચો પોતાની જીત માટે નહીં પરંતુ મોદીના નેતૃત્વવાળા ભાજપને હરાવવા માટે છે. છેલ્લી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સરેરાશ 10 ટકાનો તફાવત રહ્યો છે. ત્યારે તેવા સમયે કેશુભાઈ પટેલનો મોરચો 4થી 5 ટકા ભાજપના વોટ કાપવામાં કામિયાબ થઈ જાય તો ભાજપને 25થી 30 બેઠકો ગુમાવવાનો વારો આવે. તેવા સંજોગોમાં નવા સત્તા સમીકરણોને ગુજરાતમાં અવકાશ મળશે.