Saturday, August 8, 2015

ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતથી કોઈ સમસ્યા ક્યારેય ઉકેલાશે ખરી?

ભારત અને પાકિસ્તાન ફરી એકવાર કૂટનીતિક સ્તરે સંબંધ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આ પ્રકારની વાટાઘાટો લઈને ઘણી આશંકાઓ પણ છે. છેલ્લા 67 વર્ષથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક વાટાધાટો થઈ છે. દરેક વાતચીતને નવો ટર્નિંગ પોઈન્ટ ગણાવવામાં આવે છે. પરંતુ તેમાં વાટાઘાટો એકડે એકથી શરૂ થાય છે અને પરિણામ શૂન્ય જ રહે છે. અમનની આશાઓ શાંતિપાઠ સમી વાટાઘાટોમાં ઠગારી નિવડે છે. બસ પછી મેજ પર વાટાઘાટો અને સરહદે ફાયરિંગનો સિલસિલો ચાલતો રહે છે.
ત્યારે એવા સમયે કે જ્યારે સંબંધો સામાન્ય બનાવવા માટે બંને દેશોના લોકોમાં કોઈ ઉભરો દેખાતો નથી. એવા કોઈ સંકેત નથી કે બંને દેશના નેતાઓ.. સેના અથવા બ્યૂરોક્રેટ્સ મેળમિલાપ અને સમજૂતી માટે બિલકુલ તૈયાર દેખાતા નથી અને કડવાશ મૂળથી ટોચ સુધી અનુભવાઈ રહી છે. ત્યારે કૂટનીતિક સંબંધો સામાન્ય કરવાની કોશિશમાં માત્ર ભ્રમણાની સંભાવના વધુ છે.
તણાવ ઓછો કરવાને લઈને જાણકારો પ્રમાણે સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે બંને દેશો વચ્ચે તમામ વિવાદો વાટાઘાટો અને કૂટનીતિથી ઉકેલી શકાય છે.
હકીકતમાં કૂટનીતિ તો માત્ર સુગર કોટિંગ સમાન છે. હકીકતમાં નિર્ણયો લડાઈના મેદાનમાં જ થાય છે. ચાહે સીધુ યુદ્ધ હોય અથવા શીતયુદ્ધ બંનેમાં યુદ્ધક્ષેત્રનું પરિણામ જ નિર્ણાયક છે.
અમેરિકા અને વિયતનામ વર્ષો સુધી વાટાઘાટો કરી શકતા હતા. પરંતુ વિયતનામના યુદ્ધનો અંત વાતચીતથી આવ્યો નથી. તેનો નિર્ણય યુદ્ધના મેદાનમાં ઉત્તર વિયતનામની જીત સાથે જ થઈ શક્યો હતો. 
તેવી જ રીતે સોવિયત સંઘ અને અમેરિકા વચ્ચે સતત કૂટનીતિક વાતચીતો અને હથિયાર નિયંત્રણની સંધિઓ થતી રહી છે.
પરંતુ બંને વચ્ચેનું શીતયુદ્ધ સોવિયત સંઘના ધરાશાયી થયા બાદ જ થઈ શક્યું છે. સોવિયત સંઘ શીતયુદ્ધમાં અમેરિકાને ટક્કર આપવાનો ખર્ચો વહન કરી શક્યું નહીં અને અંતે કેટલીક વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાના દોરીસંચાર નીચે તૂટી પડયું.
ત્યારે દુનિયાભરના નિર્ણાયક બનેલા ટર્નિંગ પોઈન્ટ જેવા કિસ્સાઓમાં યુદ્ધક્ષેત્રના મુકાબલાની મુખ્ય ભૂમિકા રહી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન પણ કૂટનીતિથી કેટલી સમસ્યાઓનો ઉકેલ કાઢી શકશે તેનું અનુમાન લગાવવું બેહદ મુશ્કેલ છે. 
બંને દેશો વચ્ચે વાટાઘાટાના બે વિકલ્પ છે. જેમાં ટ્રેક વન એટલે કે સરકારી સ્તરે બંને દેશો વચ્ચે વાતચીત થાય અને બીજો વિકલ્પ બંને તરફના લોકો વચ્ચે આ મામલે ટ્રેક ટૂ વાટાઘાટો કરવાનો છે.
જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનમાંથી કોઈપણ એક પક્ષ પોતાના વલણમાંથી પીછેહઠ કરવા તૈયાર નહીં થાય ત્યાં સુધી બંને વચ્ચેના સંબંધોમાં કાયમી સુધારાની પ્રક્રિયાની આશા ઠગારી જ નીવડવાની છે.
પરમાણુ હથિયારો બંને દેશો પાસે છે અને મોટા પ્રમાણમાં છે. તેથી વિધ્વંસતાની ભયાવહ શક્યતાઓને જોતા યુદ્ધ બિલકુલ બંને દેશો વચ્ચેની સમસ્યાના ઉકેલના વિકલ્પ તરીકે જોઈ શકાય તેમ નથી.
તેથી બંને દેશો પોતપોતાની વાત પર વધુમાં વધુ સમય સુધી અડગ રહેવા માટેની કોશિશો કરતા રહેશે. 
કૂટનીતિ ઔપચારીક અને અનૌપચારીક વાતચીતના દરવાજા ખુલ્લા રાખી શકે છે.
તેનાથી વધુમાં વધુ ભારત અને પાકિસ્તાન પરસ્પરના સંબંધોમાં નિયમિત આવી રહેલી અડચણોનો ઉકેલ લાવી શકે તેવી શક્યતા છે. જેમ કે કેવી રીતે પૂરના પાણીની બંને દેશ એકબીજાને માહિતી આપી શકે છે. 
ટ્રેક વનની વાત કરીએ તો રાજદ્વારીને ન તો કોઈ અધિકાર હોય છે અને ન તો તેમની પાસે તેમના નેતાઓ પાસેથી મળેલા આદેશોની ઉપરવટ જવાનો વિચાર કે હેસિયત હોય છે.
વાતચીતની સંરચના એ પ્રકારે થાય છે કે તે કોઈ નવા રસ્તા સુધી જવાની કોઈ સંભાવના જ છોડતી નથી. 
આવી બેઠકો સંદર્ભે એક ફારસી કહેવત ટાંકી શકાય છે. નશિસ્તન. ગુફ્તન.. બરખાસ્તન એટલે કે તેઓ મળ્યા.. વાતો કરી અને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં મોટાભાગના વિવાદીત મુદ્દાઓ પછી આવી જ સ્થિતિ પેદા થતી રહી છે. ત્યાં સુધી કે આવી વાટાઘાટોમાં બંને પક્ષ અન્યને સાંભળવાના સ્થાને પોતાની વાતો જ કરતો રહે છે.
1997ના વર્ષ બાદ સંયુક્ત વાતચીતના દરેક તબક્કા બાદ જાહેર થયેલા નિવેદનોને જોઈએ તો તેને જોતા એવું પણ અનુમાન થઈ શકે તેવી સ્થિતિ નથી કે તે કઈ વાટાઘાટો બાદ જાહેર થયું હશે. તમામ નિવેદનો મોટાભાગે એક જેવા જ છે અને તેમાં કોઈ નવી વાત નથી.
કૂટનનીતિક કર્મકાંડ જરૂરથી આવી તમામ દ્વિપક્ષીય વાટાઘાટોમાં પુરા કરવામાં આવે છે. ખાસ કરીને પાકિસ્તાન દ્વારા આવા કર્મકાંડો ખૂબ ચિવટપૂર્વક નિભાવવામાં આવે છે. જેમાં ભારતીય પ્રતિનિધિમંડળને ખાસ હોવાનો પાકિસ્તાનની મુલાકાત દરમિયાન અહેસાસ અપાવવામાં આવે છે.
જેમ કે નાનકાના સાહિબ તીર્થ યાત્રા કરાવી દેવાય છે અથવા તો તક્ષશિલા જોવા લઈ જવાય છે અથવા કોઈ પ્રતિનિધિને તેમના પૈતૃક ગામની મુલાકાત કરાવવામાં આવે છે.
બદલામાં ભારત પણ આગ્રા અને અજમેરની મુલાકાતની વ્યવસ્થા કરી આપે છે.
પરંતુ જ્યારે પ્રતિનિધિમંડળો વાતચીતના મેજ પર આમને-સામને હોય છે ત્યારે બંને તરફથી પ્રેમ અદ્રશ્ય થઈ જાય છે.
બંને પક્ષોને ખબર હોય છે કે સામેથી શું જવાબ આવવાનો છે.
આ વાતચીતના કર્મકાંડ બાદ માત્ર નિરસ નિવેદન જાહેર થાય છે. બંને તરફથી વાતચીતના ચાલુ રાખવાના વચનો આપવામાં આવે છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને તેને ઘટાડવાની સ્થિતિસ્થાપકતા આવી વાતચીતમાં હવે કેટલી જળવાશે.. તેના પર પણ આશંકાઓ ઉભી થઈ રહી છે. 

No comments:

Post a Comment