મંગળવાર, 22 ડિસેમ્બર, 2015

જેટલીના બચાવમાં અડવાણીનું ઉદાહરણ, વડાપ્રધાન મોદીના વઝીરને ખાસ રાજકીય સંકેત ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ વઝીર અરુણ જેટલીની કામગીરીથી છેલ્લા કેટલાંક સમયથી તેઓ નારાજ છે. પરંતુ તેમને સીધું કહી શકતા નથી. બિનઆધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે.. સેવન- આરસીઆરથી જેટલી તરફ આંગળી ચિંધતા ડીડીસીએ વિવાદની શરૂઆત કરવાની લીલીઝંડી આપી હોવાનું મનાય છે. આ વિવાદ સંપૂર્ણપણે ચગાવાયા બાદ જેટલીના સંરક્ષણના નામે મોદીએ ભાજપની સંસદીય દળની બેઠક સમક્ષ  અડવાણીની જેમ બેદાગ બનીને જેટલી બહાર આવશે તેવું નિવેદન કરીને પોતાના પ્રધાનમંડળના વઝીરને કોઈ ખાસ રાજકીય સંકેતો આપ્યા છે. 

ભાજપના દિગ્ગજ નેતાઓને ઘેરતા વિવાદોના ટાઈમિંગ પણ ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ તરફ સંકેત કરે છે.. બજેટ સત્ર પહેલા ડીડીસીએના આરોપના ચક્રવ્યૂહમાં અરુણ જેટલીને ફસાવવાની કોશિશ અને કીર્તિ આઝાદને ખુલ્લા દાવાઓની આઝાદી પાછળ ભાજપની અંદરની કોઈ હરકત છે કે કેમ તેવા પણ સવાલો અને અટકળબાજીઓ દિલ્હીના રાજકીય વર્તુળોમાં વહેતી થઈ છે. 

ભાજપની સંસદીય દળની બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી પર ડીડીસીએ મામલે કરાયેલા આરોપના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી પ્રતિક્રિયાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે જેવી રીતે રામજન્મભૂમિ આંદોલનના રથ પર સવાર થઈને અડવાણી લોકપ્રિયતાને આંબી રહ્યા હતા. ત્યારે જ હવાલા કાંડમાં તેમનું નામ ઉછળ્યું હતું. તે વખતે ડાયરીમાં ખાલી નામના ઉલ્લેખ માત્રથી અડવાણીએ સાંસદ પદ સહીતના પાર્ટીના પદો પરથી રાજીનામા આપી દીધા હતા. હવાલા કાંડમાંથી તેઓ બેદાગ સાબિત થયા ત્યારે જ તેમણે ફરીથી ચૂંટણી લડી હતી અને ભાજપના ઉચ્ચપદે કામ કરવાની જવાબદારી સ્વીકારી હતી. 

અડવાણીની જેમ જેટલીને બેદાગ સાબિત થઈને નીકળશે તેવા પીએમ મોદીના નિવેદનથી રાજકીય વર્તુળોમાં અટકળબાજી તેજ બની છે. આમ તો 2002 ઘટનાઓની પડકારજનક રાજકીય સ્થિતિમાં જેટલી નરેન્દ્ર મોદી સાથે જ રહ્યા હતા. ગોવા કારોબારીમાં ગુજરાતના મુખ્યપ્રધાન પદે નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ તેવો ભાજપનો સ્પષ્ટ મત ઉભો કરવામાં અરુણ જેટલીની ઘણી મોટી ભૂમિકા હતી. આમ તો જેટલીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગતપણે ઘણાં ખુશ છે. તેથી તેમને અમૃતસર ખાતે નવજોતસિંહ સિદ્ધૂના સ્થાને લોકસભાની ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી. હારવા છતાં જેટલીને કેન્દ્રીય નાણાં પ્રધાન અને સંરક્ષણ પ્રધાન એમ એક સાથે બે મહત્વના પ્રધાનપદા પણ આપ્યા હતા. મનોહર પર્રિકરના સંરક્ષણ પ્રધાન બનાવ્યા બાદ જેટલી પાસે નાણાં મંત્રાલય જેવું મહત્વપૂર્ણ ખાતું છે. 

આમ તો મોદીની કેબિનેટમાં ભલે રાજનાથ નંબર-ટુ ગણાતા હોય.. પરંતુ અરુણ જેટલી હકીકતમાં વડાપ્રધાનના વઝીર હોવાની માન્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા માટે અર્થતંત્રની ગતિ અને ઊંચો વિકાસ દર નાણાં મંત્રાલય પાસેથી તેમની પહેલી અપેક્ષા હોઈ શકે છે. પરંતુ નાણાં મંત્રાલયનું પ્રદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે.. તેવું નહીં હોવાની ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ડીડીસીએ વિવાદમાં જેટલી સામે આમ આદમી પાર્ટીના આરોપો બાદ ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને એક કાંકરે બે પક્ષીઓ માર્યા હોવાની ચર્ચા છે. 

ચર્ચા છે કે વડાપ્રધાન મોદી આમ તો અંગતપણે જેટલીથી ખુશ છે. પરંતુ નાણાં મંત્રાલયના પ્રદર્શનથી એટલા ખુશ નથી. જેનો સીધો અર્થ થાય છે કે જેટલીના કામકાજથી તેઓ ખુશ નહીં હોય. આવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ અડવાણીનું ઉદાહરણ આપીને જેટલીને રાજીનામું આપવાના સંકેત આપ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. કેટલાંક રાજકીય જાણકારોનું કહેવું છે કે આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ માટેની કામરાજ યોજનાની શરૂઆત પણ કહી શકાય. જેવી રીતે ઈન્દિરા ગાંધીના વડાંપ્રધાન બન્યા બાદ કામરાજ યોજના હેઠળ કોંગ્રેસના અડચણરૂપ જૂનાજોગીઓને સરકારમાંથી હટાવીને પાર્ટી સંગઠનમાં મોકલવામાં આવ્યા હતા. તેવી રીતે વડાપ્રધાન મોદી પણ તેમની સરકારના બાકી બચેલા સાડા ત્રણ વર્ષથી ઓછા સમય માટે કામરાજ યોજનાની તર્જ પર પ્રધાનમંડળમાં કોઈ ફેરફારની ઈચ્છા ધરાવતા હોય તો તેને નકારી શકાય તેમ નથી. 

વળી લલિતગેટ મામલે કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ.. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા સામેની આક્ષેપબાજી થઈ ચુકી છે. જેના કારણે મોનસૂન સત્ર ધોવાયું હતું. તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન સામે વ્યાપમનું કૌભાંડ પણ ખૂબ આક્રમક રીતે કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યું હતું. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ સામે પણ ચોખાના કૌભાંડનો મામલો ઉઠાવાયો હતો. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ પદ માટે રિપીટ થવાનું નક્કી મનાતું હતું તેવા સમયે જ પ્રવર્તમાન પરિવહન પ્રધાન નીતિન ગડકરી સામે પૂર્તિ કાંડ સામે આવ્યો હતો. ભાજપના મહત્વના નેતાઓ સામે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના ટાઈમિંગને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ રહે છે કે કદાચ ક્યાંક પીએમઓમાંથી તો કોઈ દોરીસંચાર તો થતો નથી ને... ગડકરીના મામલે તો આરએસએસના એક વયોવૃદ્ધ નેતાએ સીધી શંકાઓ પણ વ્યક્ત કરી હતી. 

ત્યારે જેટલી સામે બજેટ સત્ર પહેલા જ ડીડીસીએ મામલે ભાજપના જ સાંસદ કીર્તિ આઝાદ દ્વારા કરવામાં આવેલા ખુલ્લા દાવાઓ અને આમ આદમી પાર્ટી-કોંગ્રેસના આક્રમક વલણો ચોક્કસ રાજકીય સંકેતો આપી રહ્યા છે. જેટલી પણ સોનિયા ગાંધી સાથે મળીને તેમની પાર્ટીના સાંસદ દ્વારા તેમની વિરુદ્ધ કથિત ષડયંત્રની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. 

ત્યારે સવાલ એ છે કે કીર્તિ આઝાદને જેટલી દબાણમાં આવે તેવા સાત વર્ષ જૂના મામલાને આવી રીતે ઉઠાવવાની આઝાદી કોણે આપી?.. શું ભાજપની અંદરથી કોઈ દોરીસંચાર છે? .. શું પીએમઓ કીર્તિ આઝાદની આક્ષેપબાજી કરતા દાવાઓની આઝાદી સામે આંખ આડા કાન કરી રહ્યું છે? દિલ્હીના રાજકીય વર્તુળોમાં જેટલીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીપ્પણી બાદ ઉપરથી શાંત લાગતા કેન્દ્રીય રાજકારણમાં અટકળબાજીના વમળો પેદા થયા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો