Friday, April 22, 2016

પાકિસ્તાની આતંકવાદને ચીનનો ટેકો, યુએનમાં વાપર્યો વીટો

પાકિસ્તાની આતંકવાદને ચીનનો ટેકો, યુએનમાં વાપર્યો વીટો
- પ્રસન્ન શાસ્ત્રી

ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વીટો અધિકારનો ઉપયોગ કરીને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને પ્રતિંબંધિત આતંકવાદીની યાદીમાં સામેલ કરવાના ભારતના પ્રસ્તાવને રદ્દ કરાવ્યો છે. તેની સાથે ચીનની પાકિસ્તાનના રાજ્ય પ્રેરીત આતંકવાદ સાથેની સાંઠગાંઠ પણ ખૂબ ખરાબ રીતે ખુલ્લી પડી ગઈ છે. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પ્રેરીત આતંકવાદી જૂથ છે અને તેણે ભારતમાં સંસદ પરના હુમલા સહીત છેલ્લે પઠાનકોટ એરફોર્સ સ્ટેશન ખાતે એટેક કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રસ્તાવ સામે ચીનનો વીટો હકીકતમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગ કરાયેલો હિડન વીટો હતો.

જૈશ-એ-મોહમ્મદને 2001થી સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનની યાદીમાં રાખવામાં આવ્યું છે. પરંતુ ચીને જૈશ-એ-મોહમ્મદ ચીફને પ્રતિબંધિત આતંકવાદીની યાદીઓમાં સામેલ કરવા માટે ટેક્નિકલ આધારોને આગળ કરીને વીટોનો ઉપયોગ કરવાની બાબતને યોગ્ય ગણાવી છે. આ પહેલા ચીન દ્વારા લશ્કરે તોઈબાના ટોચના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવી સામેના ભારતના પ્રસ્તાવને પણ સંયુક્ત રાષ્ટ્રમાં ચીને વીટો કરીને રદ્દ કરાવ્યો હતો. લખવી 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 2008 પહેલા પણ ચીને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરને પ્રતિબંધિત યાદીમાં સામેલ કરવા મામલે વિરોધ કર્યો હતો. પાકિસ્તાની સેના સાથે જોડાયેલા આતંકવાદી જૂથોને ચીનના વલણને કારણે ભારત અને અફઘાનિસ્તાનમાં પોતાની આતંકી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન મળશે. 

ચીન અને પાકિસ્તાનની ધરી ભારતીય ઉપખંડમાં ભારત સામે ઘણાં વ્યૂહાત્મક અને સુરક્ષાલક્ષી પડકારો પેદા કરી રહી છે. ચીન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પર દક્ષિણ એશિયામાં પોતાના વ્યૂહાત્મક હિતો બાબતે નિર્ભરતા ધરાવે છે. 

ચીન દ્વારા દક્ષિણ ચીન સાગર વિવાદમાં પ્રાદેશિક અસ્થિરતા પેદા કરવા માટે ઉત્તર કોરિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. તેવી રીતે અફઘાનિસ્તાન અને ભારતમાં પાકિસ્તાની સેના દ્વારા પ્રાયોજિત આતંકવાદને પણ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વીટો વાપરીને છૂટોદોર અપાયો છે. જેના માટે દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી સામે પડકાર બનેલા અમેરિકા સાથે ભારતની વધી રહેલી ઘનિષ્ઠતાને પણ કેટલાક વિશ્લેષકો જવાબદાર ગણી રહ્યા છે. અમેરિકા અને ભારત એકબીજાના સૈન્ય ઠેકાણાઓનો લોજિસ્ટિક સપોર્ટ માટે ઉપયોગ કરે તેવી એક સંધિ પર હસ્તાક્ષર કરવા બાબતે યુએનમાં ચીને દેખાડેલા પાકિસ્તાનપ્રેમ બાદ સંમતિ સધાઈ છે. અમેરિકા દક્ષિણ ચીન સાગર ખાતે પોતાની 60 ટકા નૌસેનાને તેનાત કરવા જઈ રહ્યું છે.

પાકિસ્તાની સેનાના ઓપરેશન ઝર્બે-અજ્બમાં પીઓકે ખાતે ઉઈઘૂસ આતંકવાદીઓના કેમ્પોને નષ્ટ કરાયા છે. ચીનના ઝિનઝિયાંગ પ્રાંત ખાતે ઉઈઘૂર ઈસ્લામિક આતંકવાદીઓ વંશીય હિંસા કરતા હતા. જો કે ઈસ્લામિક જેહાદી આતંકવાદના વલણોની ખાસિયત છે કે તેઓ જરાક ગાફેલ થવાની અવસ્થામાં ફરીથી માથું ઉંચકતા હોય છે. તેથી હાલ પાકિસ્તાની સેનાનો અભાર વ્યક્ત કરવા માટે ચીને આઈએસઆઈના આતંકી જૂથના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત યાદીમાં સામેલ થવાથી બચાવી લીધો છે. પરંતુ આગામી સમયમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોઈબાના આતંકવાદી કેમ્પોમાં તાલીમા પામેલા ઉઈઘૂર આતંકવાદીઓના હુમલાથી બચવા માટે ચીને તૈયાર રહેવું પડશે. 

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની ઈસ્લામાબાદની મુલાકાત વખતે 46 અબજ ડોલરનો ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) બનાવવા માટે સંમતિ સધાઈ હતી. જેના કારણે ચીનના પાકિસ્તાનમાં ઘણાં મોટા સ્ટ્રેટજિક ઈન્ટરેસ્ટ છે. જેમાં સીપીઈસી એક મોટું કારણ છે. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરની સુરક્ષા બંને દેશો માટે યક્ષપ્રશ્ન છે. તેને પાકિસ્તાનના આતંકવાદી જૂથોથી મોટું જોખમ છે. આવા સંજોગોમાં ચીન લશ્કરે તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ભારત અને અફઘાનિસ્તાનમાં ઓપરેટ કરતા આતંકવાદી જૂથો સાથે સંબંધો જાળવે તો જેહાદી આતંકીઓનું જોખમ તેઓ ટાળી શકે તેમ છે. તેથી પહેલા લખવી અને પછી મસૂદ અઝહરને ચીને બચાવ્યા છે. 

ચીન દ્વારા વીટોનો સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલો ઉપયોગ માત્ર અને માત્ર રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના હુકમથી જ કરાયો છે. તેના માટે ચીનના મિડલ રેન્જના પીપલ્સ લિબરેશન આર્મીના અધિકારીઓની ભૂમિકા બિલકુલ હોઈ શકે નહીં. જિનપિંગ હાલ ચીનના સર્વોચ્ચ શક્તિ ધરાવતા રાષ્ટ્રપ્રમુખ છે અને તેમના હાથમાં પીપલ્સ લિબરેશન આર્મીની બાગડોર પણ છે. તેથી તેમની સંમતિ વગર ડિપ્લોમેટિક સ્તરે કોઈપણ પાંદડુ હલે તેવો કોઈ અવકાશ નથી. 

ચીન દ્વારા પીઓકેમાં ઝેલમ નદી પર પાવર પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. નૌગાંવ સેક્ટર ખાતે ચીનના સૈનિકોની હાજરી હોવાના ચિંતાજનક અહેવાલો પણ આવી ચુક્યા છે. તાજેતરમાં ચીન અને પાકિસ્તાનની સેનાઓ અને વાયુસેનાએ પણ સંયુક્ત લશ્કરી કવાયતો હાથ ધરી હતી. તો પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર ખાતે કોઈ ષડયંત્ર કરી રહ્યું હોવાનું ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોનું માનવું છે. અહેવાલો છે કે રાજસ્થાન સરહદે સંવેદનશીલ વિસ્તારોમાં પાકિસ્તાને ગુપચુપ રીતે પાક્કા બંકરો બનાવી રહ્યું છે. આવા પાક્કા બંકરો યુદ્ધ માટેની તૈયારીના ઉદેશ્યથી બનાવાય છે. તેને ડેઝર્ટ વોરફેયર ટેકનીકથી બનાવવામાં આવ્યા છે. ગત એક માસમાં પાકિસ્તાને રાજસ્થાન સરહદે આવા 180 પાકા બંકરો બનાવ્યા છે. આના સિવાય વધુ એકસો બંકરો બનાવવાની તૈયારી પણ પાકિસ્તાને કરી છે. આ બંકરો જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગરથી લગભગ દોઢ કિલોમીટરના અંતરે બનાવવામાં આવ્યા છે. ચિંતાજનક વાત એ છે કે આ સરહદે મોટી સંખ્યામાં ચીનીઓ પણ હાજર છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને આ વિસ્તારમાં સેટેલાઈટ ફોન્સના સિગ્નલ્સ મળી રહ્યા છે. આ સેટેલાઈટ ફોન સિગ્નલ્સ ચીનની કંપનીઓના હોવાનું જાણવા મળે છે. ચીનની કંપનીઓના કારીગરોની સુરક્ષામાં મોટી સંખ્યામાં ચીનની સેનાના સૈનિકો પણ તેનાત છે. બીએસએફ દ્વારા ફ્લેગ મિટિંગ દરમિયાન આ મામલે વાંધો વ્યક્ત કરાયો હતો.
હકીકત ધ્યાને લેવાવી જોઈએ કે ભારતની લાખ કોશિશો છતાં ચીન ભારતનું મિત્ર ક્યારેય રહ્યું નથી. તેના સાથે પાકિસ્તાનના રાવલપિંડી ખાતેના સૈન્ય મુખ્યમથક ખાતેના જનરલો સાથે મળીને ચીન દ્વારા ભારત સામે લશ્કરી પડકારો ઉભા કરાયા છે. પાકિસ્તાન માટે ચીન પોતાની લશ્કરી ક્ષમતાઓની ભારત સામે સરસાઈ કે સંતુલન માટેની જરૂરિયાત છે. તો ચીન માટે પાકિસ્તાન એશિયામાં સ્વિંગ પાવર તરીકે ઉભરી રહેલા ભારત સામેનું સામરિક હથિયાર છે. ચીન અને પાકિસ્તાન સાથે શાંતિપાઠ કરનારી ટ્રેક-ટુ ડિપ્લોમસી બિલકુલ કારગાર સાબિત થઈ નથી અને થવાની નથી. ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારત સમ્માનજનક શાંતિ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં ત્યારે જ આવી શકશે કે જ્યારે ભારતીય સેનાઓને યુદ્ધની તૈયારીઓની સજ્જતાના ઉચ્ચસ્તરે રાખવામાં આવે. તેની સાથે ભારતને ચીન અને પાકિસ્તાન એમ બંને સરહદોએ યુદ્ધની સ્થિતિમાં વિજય પ્રાપ્ત થાય તેવી લશ્કરી સરસાઈ માટે વાયુસેનાને વધુ મજબૂત બનાવવી પડશે. 

No comments:

Post a Comment