Monday, July 18, 2016

આતંકીના ટેકામાં હિંસા!: કાશ્મીરના જેહાદી આતંકવાદને લશ્કરી પ્રતિઘાત જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી બુરહાન વાનીને ઠાર કરવામાં આવે અને કાશ્મીર ખીણમાં ભાગલાવાદીઓ પાકિસ્તાનની શેહ પર ભીડ સાથે મળીને ભારતને પડકારે આવી સ્થિતિ શાખી શકાય તેવી નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓની પાકિસ્તાનવાદી દાદાગીરીને તેઓ સમજે છે, તેવી ભાષામાં જવાબ આપવો જરૂરી છે. સોશ્યલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં સુરક્ષાકર્મીઓને માર મારતા કે તેમના વાહનો પર પથ્થરમારો કરતી કાશ્મીર ખીણની ભીડને જોઈને લોહી ઉકળી ઉઠે છે. પ્રશ્ન પણ થાય છે કે હાથ બાંધીને સિપાહીને યુદ્ધના મેદાનમાં કેવી રીતે છોડી દેવાય? ભારતમાં પરિવર્તનની 70 વર્ષથી લગાવાયેલી આશા હજીપણ પરિપૂર્ણ થવાની બાકી છે તેવું ચોક્કસપણે દરેક રાષ્ટ્રવાદી વ્યક્તિને લાગે છે. જ્યારે સેના-અર્ધલશ્કરી દળોને નિશાન બનાવનારી ભીડની સામે આત્મરક્ષામાં કાર્યવાહી કરવામાં આવે છે, તો તેને અત્યાંતિક બળપ્રયોગના નામે સેક્યુલર અને ઉદારવાદી દેખાવા માટે હંમેશા તૈયાર રહેતી એક ભીડ આતંકવાદીને નેતા અને સરકાર-સુરક્ષાદળોને કાર્યવાહી રોકવા માટે કકળાટ કરતી જોવા મળે છે. આવા સેક્યુલર કાગડાઓ અને વિપક્ષની તુષ્ટિકરણની રાજનીતિના દબાણમાં જ્યારે સુરક્ષાદળોને જરૂરી બળપ્રયોગની વાત કરીને સ્થિતિ કાબુમાં લેવા માટેની કાર્યવાહીમાં નિયંત્રણો લગાવવાની કોશિશો થાય છે, ત્યારે પણ સવાલ ચોક્કસ થાય છે કે હાથ બાંધીને જંગમાં ઉતારાયેલા ભારતના સપૂતો કંઈ શહીદ થવા માટે જ તો નથી અને તેમની આત્મરક્ષાનો અધિકાર ગિરવે મૂકવાનો અધિકાર દેશની જનતાએ કોઈને આપ્યો છે શું?

 જ્યાં સુધી જમ્મુ-કાશ્મીર અને તેના ટેકામાં ચાલતા આતંકવાદનો સવાલ છે, તો આ આતંકવાદને જેહાદી આતંકવાદ ચોક્કસપણે કહેવો પડે. જેહાદી આતંકવાદનો ઈસ્લામ સાથે બિલકુલ ચોક્કસ અને ગાઢ સંબંધ છે. જેહાદ અને ઈસ્લામની ખોટી પરિભાષાઓનો ઉપયોગ કરાયો છે કે નહીં, તેની ચર્ચાઓ અહીં અસ્થાને છે. પરંતુ આવા ધાર્મિક ઝનૂન પર આધારીત આતંકવાદને તથાકથિત સેક્યુલર રાજવ્યવસ્થા ધરાવતું હિંદુઓની બહુમતી ધરાવતું પ્રવર્તમાન ભારત સ્વીકારી શકે તેમ નથી. છતાં સેક્યલુર રાજવ્યવસ્થાના સિંહાસન બેસનારા મોટાભાગના શાસકો દેશની રાજકીય મજબૂરીઓ અને પોતાની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય છબીની ચિંતાઓમાં દેશહિતને શહીદોની ચિતામાં સળગાવતા રહ્યા છે. આવી સ્થિતિ કાશ્મીરની તાજેતરની ઘટનાઓને અનુલક્ષીને હવે સદંતર કડકાઈપૂર્વક બંધ કરવા માટેની કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. આના માટે મુસ્લિમ મતદાતાના વોટ ગુમાવી દેવાના ડરને દરકિનાર કરવાની રાજકીય ઈચ્છાશક્તિ પણ બેહદ જરૂરી છે. 

રાજનેતાઓ સિવાય બુદ્ધિજીવીઓ, સામાજિક-સાંસ્કૃતિક અને મીડિયાના માંધાતાઓએ દંભ હોય તો દંભ અને ડર હોય તો ડર દૂર કરીને બેવડા માપદંડો છોડવાની ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે. ભારતમાં ઈસ્લામને લઈને કંઈક વધારે જ સેક્યુલરપણું આપોઆપ આવા લોકોના દિલોદિમાગમાં છવાઈ જતું હોય છે. તેથી રાષ્ટ્રવાદી નિવેદનો અને ઘટનાક્રમોને કોમવાદી ગણાવીને છાતી કૂટનારા તથાકથિત સેક્યુલરો અફઝલ ગુરુ જેવા આતંકવાદીની ફાંસીનો વિરોધ કરતા નજરે પડે છે અને બુરહાન વાનીના એન્કાઉન્ટર પર સવાલો કરતા પણ ખચકાતા નથી. વાની જેવા આતંકવાદીને કાશ્મીરનો નેતા બનાવીને પણ રજૂ કરવાની કોશિશો કરતા હોય છે. આવી સ્થિતિમાં લોકમતને યોગ્ય દિશામાં વાળવા માટે દંભ છોડીને હિંમત કરીને સેક્યુલારિઝમની વાર્તાઓને બાજૂએ મૂકી ભારતના અસ્તિત્વને અખંડ રીતે જાળવી રાખવા માટે કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત ભાગલાવાદ અને આતંકવાદ સામે આવા વર્ગે પણ ઝીરો ટોલરન્સ દેખાડીને તેમને પ્રાણવાયુ પુરો પાડવાનું બંધ કરવાની જરૂર છે. 

કાશ્મીરમાં અઢી દાયકા પહેલા ત્રણ લાખ લોકોને પોતાના ઘરબાર છોડીને વિસ્થાપિત એટલા માટે થવું પડયું કારણ કે તેઓ પાકિસ્તાન પ્રેરીત જેહાદી આતંકવાદીઓ માટે કાફિર હતા. તેમના હિંદુ હોવાને કારણે તેમને હિંદુ બહુમતી ધરાવતા દેશમાં વિસ્થાપિત થવું પડે તેનાથી મોટી કોઈ શરમ હોઈ શકે નહીં. એટલું જ નહીં ત્યાર બાદ ચાલેલા આતંકવાદની અંદર જેહાદી આતંકવાદીઓએ હિંદુઓના કેટલાંક મોટા હત્યાકાંડો કર્યા હતા. જેમાં તેમણે હત્યાકાંડ પહેલા ધાર્મિક માન્યતાઓને આધારે ઘણાં અત્યાચાર કર્યા અને ધર્મ બદલવા માટે ગૌમાંસ ખાઈને ખાતરી આપવા માટેના દબાણમાં લોકોના જીવ પણ લીધા હતા. આ હકીકતોથી દેશના લોકોને હજીસુધી વાકેફ કરાયા નથી. પરંતુ હવે આવી ઘટનાઓના પુરતા અહેવાલો લોકો સામે રજૂ કરવાની પણ જરૂર છે. જેથી તેમની સામેના જોખમની ભયાનકતાનો ખ્યાલ આવી શકે અને તેઓ આત્મરક્ષા માટે સજ્જ થઈ શકે. તાજેતરમાં ઢાકા ખાતેના આતંકવાદી હુમલામાં મુસ્લિમોના જીવ બક્ષવામાં આવ્યા અને બિનમુસ્લિમોના નિર્દયતાપૂર્વક ગળા રહેંસી નાખવામાં આવ્યા હતા. ધાર્મિક પરીક્ષા માટે કુરાનની આયાતો પણ બોલાવવામાં આવી હતી. આમા નિષ્ફળ જનારા કેટલાંક લોકોના પણ ઢાકા એટેકના આતંકવાદીઓએ સિર કલમ કર્યા હતા. એક મુસ્લિમ મહિલાએ હિજાબ નહીં પહેર્યો હોવાથી અને કુરાનની આયાતોને આતંકીઓના હુકમના અમલ તરીકે પઢવાનો ઈન્કાર કરવા બદલ ઢાકા એટેકમાં જીવ ગુમાવ્યો હતો. 

આતંકથી ડરી જવું આતંકવાદીઓની જીત છે. આતંકનો મુકાબલો બહાદૂરીથી જ શક્ય છે. બહાદૂરી દરેક જીવંત વ્યક્તિમાં હોય છે. બસ તેને બહાર લાવવા માટે તેની સામે રહેલા જોખમની યોગ્ય વિગતો તેની સામે લાવવી જરૂરી હોય છે. આતંક અચાનક મોત બનીને સામે આવતું હોય છે. આવા ખતરા સામેની યોગ્ય જાણકારી બચાવ વખતે બહાદૂરીને બહાર લાવવાનું કારણ બની શકે છે. 2008ના મુંબઈ પરના પાકિસ્તાની આતંકવાદી હુમલા બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે ખૂબ મહત્વપૂર્ણ વાત જણાવી હતી કે જ્યારે ખરાબ લોકો ખરાબ હરકતો કરે છે, તો સારા લોકોએ સંગઠિત બનીને આવા લોકોનો સામનો કરવો જરૂરી બને છે. 

ઈરાક અને સીરિયાના આઈએસઆઈએસના આતંકવાદીઓ શરિયતના નિજામના નામે જંગાલિયતની તમામ હદો વટાવતા દેખાઈ રહ્યા છે. વહાબી અથવા સલાફી ઈસ્લામના નામે ચાલી રહેલા આતંકવાદના વૈશ્વિક હિંસાચારને ખતમ કરવા માટે આવા લોકો દ્વારા ઈસ્તંબુલ, બગદાદ, ફ્લોરિડા, ઢાકાના રમઝાન માસમાં થયેલા હત્યાકાંડોની વિગતોની અવગણના કરી શકાય નહીં. 

જેહાદી આતંકવાદીઓ ઘણીવાર પોતાની હિંસાને ઈસ્લામ સાથે જોડાયેલી સાબિત કરવાની કોશિશો કરી ચુક્યા છે. ઈન્ટરનેટ પર આઈએસના આતંકવાદીઓ કુરાનની આયાતોથી પોતાની તમામ હિંસાને ઈસ્લામિક ઠેરવી ચુક્યા છે.પરંતુ આમિરખાન જેવા ઉદારવાદી ગણાતા મુસ્લિમો પણ ઢાકા એટેક બાદ કહે છે કે આતંકવાદની કોઈ મજહબ સાથે લેવાદેવા નથી. જેહાદી આતંકવાદ ઈસ્લામની માન્યતાઓને આધારે પેદા કરવામાં આવ્યો હોવાનું જ્યાં સુધી આવા કથિત ઉદારવાદીઓ અને સેક્યુલરપણાનો દંભ કરનારા લોકો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી જેહાદી આતંકવાદીઓની જીત થતી રહેશે. નીસ ખાતેના હુમલા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસ્વા ઓલાંદે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યુ છે કે તેમનો દેશ ઈસ્લામિક આતંકવાદનો સામનો કરી રહ્યો છે. તેની સાથે યુદ્ધને યુદ્ધની રીતે લડવાનું એલાન પણ તેમણે કર્યું છે. આટલી સ્પષ્ટતા અને તેની સાથેની પરિપક્વતા ભારતમાં પણ એટલી જ જરૂરી છે. 

ભારત માટે કાશ્મીરની સમસ્યા કોઈ નિવેદનબાજી અથવા રાષ્ટ્રીય રાજકીય ઘટનાક્રમોનું કારણ નથી. પાકિસ્તાન કાશ્મીરને પાર્ટીશનનો અનફિનિશ્ડ એજન્ડા ગણાવે છે. આવા સંજોગોમાં ભારતે પાકિસ્તાન અને વૈશ્વિક આતંકવાદીઓથી સાવધ રહેવાની જરૂર છે ઈન્ડોનેશિયા બાદ દુનિયામાં સૌથી વધારે મુસ્લિમો ભારતમાં છે. ભારતના મુસ્લિમ સમુદાયને પાકિસ્તાનવાદી તત્વો સેક્યુલારિઝમના નામે કટ્ટરપંથી બનાવી રાખવા રાજકીય ઝેર રેડતા રહે છે. તો જેહાદી આતંકવાદીઓ ઈસ્લામિક માન્યતાઓના આધારે ભારતની બહુમતી સામે તેમને ઉભા કરવાની કોશિશો પણ કરી રહ્યા છે. જેહાદી આતંકવાદીઓ માટે ભારત એક મોટું સોફ્ટ ટાર્ગેટ હોવાનું છેલ્લા બે દાયકાની આતંકી હુમલાની ઘટનાઓ દર્શાવી ચુકીછે. વળી ભારત હિંદુ બહુમતીવાળો દેશ છે અને જેહાદી આતંકવાદીઓ માટે કાફિરોને મારવા મજહબી કાર્ય હોવાનું ઠસાવાય છે. આરબ દેશોથી પાકિસ્તાન થઈને જેહાદી આતંકવાદની હવાઓ સલાફી અથવા વહાબી ઈસ્લામના કથિત ઉપદેશકો અને પ્રચારકો તેને ભારતમાં ફેલાવવાના પ્રયત્ન કરીરહ્યા છે. આવા સંજોગોમાં ભારતના શાસકોએ સજ્જતાપૂર્વક પરિપકવ વ્યવહાર કરવાની સાથે જનતાની અંદર આત્મવિશ્વાસ પેદા કરીને તેમને આત્મરક્ષા માટે પુરતા પ્રમાણમાં તૈયાર કરવાના પ્રયત્નો ઝડપથી શરૂ કરવાની પણ જરૂરી છે. 

No comments:

Post a Comment