લેબલ pm modi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ pm modi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 મે, 2026

પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી ભારત ન આવે તો સારું!

 

આનંદ શુક્લ : અમેરિકાના ઉદ્યોગપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પ (Donald J. Trump) અમેરિકા (America) ના સૌથી જૈફવયે રાષ્ટ્રપ્રમુખ બનનારા વ્યક્તિ છે. રાષ્ટ્રપ્રમુખ તરીકેની ટ્રમ્પ (Trump) ની આ બીજી ટર્મ છે, સારું છે કે અમેરિકામાં બે ટર્મથી વધારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ રહી શકતો નથી.

 

વિશ્વ પર "ટ્રમ્પકાળ" (Trump Kal)

 

જ્યોતિષમાં વ્યક્તિના કઠિનકાળ માટે રાહુકાળ જેવી સમયની ગણતરી હોય છે. તેવી રીતે જ જાણે કે વિશ્વ પર ટ્રમ્પકાળ બેસ ગયો છે અને વિશ્વના ઘણાં દેશો તેની દહેશતમાં છે.  ટ્રમ્પે દશ માસમાં આઠ યુદ્ધો રોકાવાનો દાવો કરીને જે રીતે નોબલ શાંતિ પુરસ્કારની માગણી કરતું દબાણ કર્યું હતું અને તેના પછી વેનેઝુએલા (Venezuela) ના રાષ્ટ્રપ્રમુખને તેમની પત્ની સહિત ઉઠાવીને અમેરિકા લઈ ગયા હતા, તે ઘટનાક્રમ બાદ દુનિયા આખી દહેશતમાં છે. ટ્રમ્પ ક્યારે શું કરે તે કોઈ વિચારી શકે તેમ નથી. કેનેડા (Canada) ને અમેરિકાના 51મા રાજ્ય તરીકે પોતાના દેશમાં ભેળવવા સુધીની વાતો ટ્રમ્પ (Trump)  કે ટ્રમ્પના ટેકેદારો કરી ચુક્યા છે. ગ્રીનલેન્ડ (Greenland) પર કબજો કરવાની ટ્રમ્પ નેમ ધરાવે છે અને તેને કારણે આખું યુરોપ દહેશતમાં છે. યુક્રેન - રશિયા યુદ્ધને પાંચ વર્ષ થયા છે અને ટ્રમ્પ કથિતપણે તેમાં શાંતિ સ્થાપવા માટે વાટઘાટોમાં મધ્યસ્થી તરીકે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેંસ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી રહ્યા છે.

 

ટ્રમ્પ ઈરાન (Iran) ને પરમાણુ હથિયાર નહીં બનાવવા દેવાનું કહીને તેની સાથે ઓમાનમાં વાટાઘાટો સાથે મોટો સૈન્ય કાફલો ખડકીને તેને યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. બે-બે વિમાનવાહક જહાજો અને 1991-92 બાદ ખાડી દેશો (Gulf Countries) માં સૌથી મોટો યુદ્ધવિમાનોનો કાફલો ખડકી દેવાનું કામ કર્યું છે.  વેનેઝુએલા બાદ તેઓ પનામા (Panama) , ક્યૂબા (Quba) અને મેક્સિકો (Maxico) સહીતના લેટિન અમેરિકન (Latin American) દેશોને ધમકાવી ચુક્યા છે અને પશ્ચિમી ગોળાર્ધમાં અમેરિકાના પ્રભુત્વને અખંડ રાખવાનો સંકલ્પ કરી ચુક્યા છે. વિશ્વમાં આવું ક્યારેય જોવા મળ્યું નથી કે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ દુનિયા આખીને પોતાની લશ્કરી તાકાતથી ડરાવી રહ્યો હોય. આવી દહેશતને જોતા લાગે છે કે દુનિયા પર ટ્રમ્પકાળ ચાલે છે.

 

Tarrif Terror નો ભારત સામે પણ ઉપયોગ!

 

આમ તો ભારત અમેરિકાનું એક રણનીતિક ભાગીદાર છે. ભારત અને અમેરિકાની વચ્ચે છેલ્લા બે દાયકાથી ઘનિષ્ઠતા વધી છે. તેમ છતાં આ ટ્રમ્પકાળમાં ભારતે અમેરિકાના પ્રવર્તમાન રાષ્ટ્રપ્રમુખથી બચીને રહેવાની જરૂરત છે, કારણ કે પહેલા તો ટ્રમ્પે રશિયા (Russia) પાસેથી ખનીજતેલ (Crude Oil) ની ખરીદીના મામલે ભારત પર 25 ટકાનો ટેરિફ લગાવ્યો અને તેના પહેલા તેઓ રેસિપ્રોકલ ટેરિફ (Tarrrif) ના નામે આમા વધારો કરી જ ચુક્યા હતા. હવે ઈરાન (Iran) સાથે જ્યારે યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યારે અચાનક અમેરિકા-ભારત વચ્ચે વચગાળાની વ્યાપારિક ટ્રેડ ડીલ પણ કરી લીધી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટેરિફના મામલે પાછી પાની થયા પછી પણ તેમણે દુનિયાના તમામ દેશો પર પહેલા 10 ટકા ટેરિફ અને પછી 15 ટકા ટેરિફ કરી દીધો છે. હવે તેઓ અમેરિકાના નાગરિકોને કહી રહ્યા છે કે ટેરિફના કારણે તેમના પર ટેક્સનો બોજો નહીં રહે.

 

ટ્રમ્પની ઈતિહાસમાં અમર થવાની મનસા

 

બીજી ટર્મમાં ટ્રમ્પની જીત ઘણી કટોકટ રહી છે અને આવા સંજોગોમાં ટ્રમ્પ પોતાની છેલ્લી ટર્મમાં ઈતિહાસમાં અમર થઈ જવાની મનસા સાથે મોટી ઉથલ-પાથલો દેશ-દુનિયામાં કરી રહ્યા છે. તેની સાથે તેમણે પોતે વધુ લાંબું જીવશે નહીં તેવી વાત પણ કરીને પોતાની સરખામણી અમેરિકાના બે અસરકારક રાષ્ટ્રપ્રમુખો અબ્રાહમ લિંકન અને જહોન એફ. કેનેડી સાથે કરી છે. લિંકન અને કેનેડીની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી હતી. આવી જ ભીતિ ટ્રમ્પને પણ સતાવી રહી છે. જો કે ટ્રમ્પની વય હાલ 80 વર્ષની છે.

 

જમ્મુ-કાશ્મીર વિવાદમાં ટ્રમ્પે કરી હતી મધ્યસ્થતાની ઓફર

 

પહેલી ટર્મ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની હેસિયતથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના જમ્મુ-કાશ્મીરના વિવાદમાં મધ્યસ્થતા કરવાની ઘણી ઓફરો કરી હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુદ્દે સિમલા કરાર મુજબ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો સ્વીકાર નહીં કરવાની નીતિ સાથે ભારતે આ ઓફર ફગાવી હતી. આતંકવાદને લઈને ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ અને વાતચીત સાથે ચાલી શકે નહીં.

 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફરને દરકિનાર કરીને ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણના અનુચ્છેદ-370ની જોગવાઈઓને બિનઅસરકારક કરી અને તેની સાથે જ બંધારણના અનુચ્છેદ-35-એને પણ સમાપ્ત કર્યો.

 

ભારતમાં હિંદુત્વવાદીઓને ટ્રમ્પથી હતી મોટી આશા

 

ટ્રમ્પ જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની પહેલીવાર ચૂંટણી લડયા તો તેમણે પોલિટિકલ ઈસ્લામ અને ઈસ્લામિક ટેરરિઝમ સામે લડવાની વાત કરી હતી. પાકિસ્તાનની પણ આકરી ટીકા કરી હતી. ત્યારે ભારતમાં ઘણાં હિંદુત્વવાદી સંગઠનો અને લોકોએ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બને તેના માટે હવન કરીને ભાવનાત્મક સમર્થન આપ્યું હતું.

 

અફઘાનિસ્તાન તાલિબાનોને સોંપી અમેરિકા નીકળી ગયું

 

પરંતુ ટ્રમ્પ જેવા સત્તામાં આવ્યા તેવું જ તેમણે પોતાની નીતિ-રણનીતિઓને બદલી હતી. અફઘાનિસ્તાનમાં આતંક સામે યુદ્ધમાં ફસાયેલી અમેરિકાની સેનાને કાઢવા માટે તેમણે પ્લાન પણ બનાવ્યો અને તેને પોતાની બીજી ટર્મમાં લાગુ પણ કર્યો. અફઘાનિસ્તાનનું શાસન ડેઝિગ્નેટે઼ડ આતંકવાદી જૂથ તાલિબાનને સોંપીને અમેરિકા-નાટો સેનાઓ અહીંથી દક્ષિણ એશિયા કે ભારતની પરવાહ કર્યા વગર બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાના બહાર નીકળ્યા પછી ટ્રમ્પે સૈન્યશક્તિની દાદાગીરી તબક્કાવાર શરૂ કરી.

 

પાકિસ્તાની સેનાધ્યક્ષ મુનીરને ટ્રમ્પ લડાવ્યા લાડ

 

ખેર, બીજી ટર્મમાં સત્તા પર આવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે પરોક્ષપણે ભારત માટે કડવાશ સાથે ટેરિફવારથી શરૂઆત કરી અને પાકિસ્તાનને વધુ મહત્ત્વ આપવાની શરૂઆત પણ કરી. પાકિસ્તાનના સેનાધ્યક્ષને ક્યારેય વૈશ્વિક સ્તરે પાડોશી દેશના કર્તા-ધર્તા તરીકેની પ્રત્યક્ષ માન્યતા મળી ન હતી. પરંતુ પાકિસ્તાનના સર્વિંગ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને હવે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત ડીનર કરાવીને વ્હાઈટ હાઉસમાં આવભગત કરી છે. પાકિસ્તાન સાથે અમેરિકાએ ઘણાં મોટા કરારો પણ કર્યા છે અને ભારત કરતા પહેલા ટ્રેડ ડીલ પણ કરી હતી.

 

ભારત-પાકિસ્તાનના યુદ્ધને રોકવાના દાવા પર દાવા

 

પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે અને પહેલગામમાં ધર્મ પુછીને 26 લોકોને મોતને ઘાટ ઉતારવાનું કામ પાકિસ્તાન પ્રેરીત આતંકીઓએ કર્યું. આનો બદલો લેવા માટે ભારત સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને ચાર દિવસ સુધી ભારત -પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ચાલ્યો. પાકિસ્તાન પર ભારતે સરસાઈ સ્થાપી દીધી હતી. ત્યારે અચાનક ટ્રમ્પે સોશયલ મીડિયા પર જાહેર કર્યું કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થઈ ચુક્યું છે. તેની સાથે તેમણે પોતાના કાર્યકાળના 10 માસમાં 8 યુદ્ધોને રોકવાનો દાવો કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી.

 

ટ્રમ્પ શરૂઆતથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યાનો દાવો કરીને કરોડોના જીવ બચાવવાની વાત કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં ટ્રમ્પે સ્ટેટ ઓફ યૂનિયનમાં ક્હ્યુ છે કે તેમણે ભારતના ઓપરેશન સિંદૂરનેરોકવા માટે હસ્તક્ષેપ કરીને 3.5 કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને કહ્યુ કે જો તેઓ હસ્તક્ષેપ ન કરત, તો 3.5 કરોડ લોકો માર્યા જાત. મહત્ત્વપૂર્ણ છે કે ટ્રમ્પ ગત વર્ષ 10 મે બાદથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ રોકવાનો શ્રેય 80થી વધુ વખત લઈ ચુક્યા છે.  જો કે ભારત સાથેના સંઘર્ષને રોકવામાં કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ભારત દ્વારા સતત ઈન્કાર કરાય રહ્યો છે. તેની સાથે ટેરિફ પર અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાના કેટલાક કલાકો બાદ પત્રકાર પરિષદમાં પણ ટ્રમ્પે કહ્યુ હતુ કે મે જે આઠ યુદ્ધોને સમાપ્ત કરાવ્યા, તેમાંથી પાંચને સમાપ્ત કરાવવા માટે પણ ટેરિફનો ઉપયોગ કર્યો. મેં આઠ યુદ્ધો અઠકાવ્યા, ચાહે તમને પસંદ હોય કે ન હોય, જેમાં ભારત, પાકિસ્તાનનું મોટું યુદ્ધ કે પરમાણુ યુદ્ધની આશંકાવાળું યુદ્ધ પણ સામેલ છે.

 

ટ્રમ્પ 2029 સુધી ભારત ન આવે તો કેવું ?

 

હવે વિચારો કે અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરના કહેવા મુજબ, ટ્રમ્પ જલ્દી ભારત આવવા માંગતા હોય અને તેઓ આવી જાય તથા જાહેરમાં ભારત-પાકિસ્તાનના યુદ્ધ કે ટેરિફ કે ભારતની આંતરિક બાબતોને લઈને કંઈ બોલશે, તો આવા સંજોગોમાં ભારત અને ભારતના નેતાઓની સ્થિતિ કેવી થાય? ટ્રમ્પ ડિપ્લોમેટિક રીત-રસમોને માનતા પણ નથી અને પાળતા પણ નથી. નીતિગત સ્તરે વિદેશ નીતિલક્ષી સંમતિઓની પણ ઘણીવાર અવગણના તેઓ કરી શકે છે. જેમ કે જમ્મુ-કાશ્મીરને લઈને ભૂતકાળમાં તેમના દ્વારા મધ્યસ્થતાની આપવામાં આવેલી ઓફર છે. આવા સંજોગોમાં ભારત માટે ટ્રમ્પથી સુરક્ષિત અંતર જ બહેતર વિકલ્પ બની શકે છે. હવે ભારતની કૂટનીતિક કુશળતા જ દેશને ટ્રમ્પકાળની વક્રદ્રષ્ટિથી બચાવી શકે છે.તેથી ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2029 સુધી ભારત આવે નહીં તો સારું, કારણ કે ત્યારે તેમની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મ પૂર્ણ થશે. બાકી ટ્રમ્પ તો દુનિયાને હવે ટ્રમ્પલેન્ડ તરીકે જ ટ્રીટ કરી રહ્યા છે.

Trump’s Announcements: ટ્રમ્પ દ્વારા ભારતની નીતિગત ઘોષણાઓ કૂટનીતિક સ્વાયત્તતા પર સંકટ?

 

આનંદ શુક્લ : બીજા વિશ્વયુદ્ધ (Second World War) પછી અમેરિકા (US) અને સોવિયત રશિયા (USSR) ની મહાસત્તાઓની જંગમાં 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત કરનાર ભારત ક્યારેય સામેલ થયું ન હતું. ભારતે (India) બિનજોડાણવાદી (Non-Alignment) વિદેશ નીતિ હેઠળ કોઈના પણ બગલબચ્ચા બનવાનું પસંદ કર્યું ન હતું. ભારતની આ વ્યૂહાત્મક અને વિદેશ નીતિમાં એક સાતત્ય છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક કૂટનીતિક બાબતો ભારત માટે વિચારણાનું કારણ બની ચુકી છે.

 

જ્યારે ભારતમાં જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માંથી અનુચ્છેદ-370 (Article- 370) અને અનુચ્છેદ-35-એ (Article-35 (A)), ને 5 ઓગસ્ટ 2019ના રોજ હટાવવામાં આવ્યા, તેના થોડાક દિવસો પહેલાથી જ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની પોતાની પહેલી ટર્મમાં કાશ્મીર વિવાદમાં મધ્યસ્થતા કરવાની ખેવના ધરાવતા નિવેદનો એકથી વધુ વખત કર્યા હતા.

 

જો કે કાશ્મીરનો મામલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો હોવાથી ભારતે આ મામલે ટ્રમ્પને ત્યારે કોઈ ભાવ આપ્યો ન હતો. પરંતુ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની બીજી ટર્મમાં તમામ કૂટનીતિક મર્યાદાઓને વટાવી ચુક્યા છે અને તેમની આ હરકતનો ઘણા દેશ ભોગ બની ચુક્યા છે. તાજેતરના કેટલાક ઉદાહરણો ભારતને પણ વિચારવા માટે મજબૂર કરે તેવા છે.

 

વેનેઝુએલા (Venezuela) ના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખની PM Modi સાથેની વાતચીત

 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) બે દિવસ પહેલા જણાવ્યુ હતુ કે ભારત હવે વેનેઝુએલા  (Venezuela) પાસેથી ખનીજતેલની ખરીદી કરી શકશે. તેમના એલાનથી બે દિવસ પહેલા વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કર્યો અને બંને વચ્ચે સારી વાતચીતથઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ઘનિષ્ઠતા આપવા બાબતે વાત કરી. ત્યારે પણ સંભાવના દર્શાવવામાં આવી હતી કે વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપ્રમુખે ટ્રમ્પના કહેવાથી જ ફોન કર્યો હશે, કારણ કે વેનેઝુએલાનું પ્રશાસન તો હાલ ટ્રમ્પની બનાવેલી કમિટી સંભાળી રહી છે. આ કમિટીના પ્રમુખ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો છે. તેથી માનવામાં આવે છે કે ડેલ્સી રોડ્રિગ્સે અમેરિકાના કહેવાથી ટેલિફોન કર્યો હશે. ડેલ્સી અને પીએમ મોદી વચ્ચે નિશ્ચિતપણે ખનીજતેલની ખરીદી પર વાત થયાનું માનવામાં આવે છે. પરંતુ આની ઘોષણા ભારતે કરવી જોઈતી હતી. પરંતુ આના પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઘોષણા કરી દે છે. મહત્વપૂર્ણ છે કે વેનેઝુએલા પાસે દુનિયાનું સૌથી વધુ ખનીજતેલ છે અને ત્યાંના રાષ્ટ્રપ્રમુખને તેમના પત્ની સાથે કિડનેપ કરીને અમેરિકાની સ્પેશયલ ફોર્સ પોતાના દેશમાં લઈ ગઈ છે. હવે અમેરિકાની કંપનીઓ જ વેનેઝુએલાનો ખનીજતેલનો ખજાનો સંભાળશે. ભારતમાં ખનીજતેલની ખરીદી એક નીતિગત મામલો છે અને તેને લઈને ઘોષણા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થાય તેનાથી ઘણાંની ભ્રમરો ચડી ગઈ છે.

 

Russia પાસેથી OIL ની ખરીદીનો મામલો

 

ભારત અને રશિયાના સંબંધો સદાબહાર મૈત્રીના છે. સોવિયત સંઘના જમાનાથી ભારતને દરેક પ્રકારના કટોકટીના સમયે અહીંથી જ મદદ મળી છે. પણ હવે બદલાઈ રહેલા વૈશ્વિક પરિમાણો વચ્ચે ભારત અને રશિયાની સદાબહાર મૈત્રી સૌથી વધુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂંચી રહી છે. યૂક્રેન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર ભારતને રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી બંધ કરવા જણાવી ચુક્યા છે. છેલ્લે થોડાક દિવસો પહેલા ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારત હવે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી નહીં કરે. આ નિવેદન અમેરિકા દ્વારા રશિયન ખનીજતેલની ખરીદીના મામલે ભારત પર ટેરિફ ઝીંકાયા બાદ વ્યાપારિક-કૂટનીતિક તણાવ વચ્ચે ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યું હતું. ભારત તરફથી આને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહીં, પણ ખરેખર ભારતે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી ઘટાડી દીધી. હવે રશિયા પાસેથી ખનીજતેલની ખરીદી કરનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમાંકે આવી ગયું છે, જે થોડાક દિવસો પહેલા પહેલા ક્રમાંકે હતું.

 

જ્યારે ભારતે રશિયાનું ખનીજતેલ ખરીદવાનું ઓછું કર્યું, તો અમેરિકાના નાણાં મંત્રી સ્કૉટ બેસેન્ટે કહ્યું છે કે હવે ભારત પર લગાવવામાં આવેલો 25 ટકા વધારોનો ટેરિફ હટાવી શકાય છે. છેલ્લે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (India-Us Trade Deal) ની ઘોષણા પણ ટ્રમ્પ પોતાની સોશયલ મીડિયા પોસ્ટ દ્વારા કરે છે અને તેમાં પણ ભારત હવે અમેરિકા પાસેથી ખનીજતેલની ખરીદી નહીં કરે તેવું જણાવે છે.

 

Operation Sindoor વખતે યુદ્ધવિરામને લગતા દાવાઓ

 

જ્યારે પહેલગામમાં ધર્મ પુછીને આતંકીઓએ નિર્દોષ ભારતીયોના જીવ લીધા હતા, તેના પછી ઓપરેશન સિંદૂર શરુ કરાયું. ભારત પાકિસ્તાન (Pakistan) પર પુરેપુરું હાવી હતું. પણ અચાનક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. 10 મે, 2025ના રોજ ટ્રમ્પે એલાન કર્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે અને હવે યુદ્ધ થંભી જશે.

 

ટ્રમ્પની ઘોષણાના અડધો કે એક કલાક બાદ ભારત તરફથી એક મિનિટ ઓછીની એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે યુદ્ધવિરામ થઈ ગયું છે. ભારતે સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાનના અનુરોધ પર યુદ્ધવિરામનો નિર્ણય ભારતે ખુદ કર્યો છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામનું એલાન સોશયલ મીડિયા પર કર્યા બાદ અનેકવાર કહી ચુક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તેમણે યુદ્ધવિરામ કરાવ્યું.

 

કૂટનીતિક મર્યાદાઓનું ઉલ્લંઘન!

 

કૂટનીતિકની રીતરસમોને પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશયલ મીડિયા પર નીતિગત બાબતોની ઘોષણા અનુકૂળ નથી. પાકિસ્તાન સાથેનું યુદ્ધવિરામ હોય કે રશિયા પાસેથી ખનીજતેલ (OIl) ની ખરીદી બંધ કરવાની હોય કે વેનેઝુએલા પાસેથી ખનીજતેલની ખરીદી હોય, આ બધાંની ઘોષણા પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. ટ્રમ્પ વેનેઝુએલા પર કબજાનો દાવો કરી ચુક્યા છે. કેનેડા (Canada) ની સાથે તેમનો વર્તાવ અમેરિકાના 51મા રાજ્ય જેવો છે. ડેનમાર્કનો હિસ્સો ગણાતા ગ્રીનલેન્ડ (Greenland) ને અમેરિકામાં તાબામાં લેવાની ટ્રમ્પની હસરત છે. ઈરાનના આંતરિક મામલામાં દખલ કરીને તેના પર હુમલો કરવા માટેની તૈયારી પણ ટ્રમ્પ કરી ચુક્યા છે. આવા સંજોગોમાં ભારતના નીતિગત મામલાની તેમના સોશયલ મીડિયા પર ઘોષણા કૂટનીતિક, નીતિગત, વિદેશ નીતિગત, આંતરિક બાબતો સહીતની તમામ પ્રકારની સાર્વભૌમતા માટે એક ગંભીર વિચારણા માંગી લે તેવી બાબત છે. શું ટ્રમ્પ આખી દુનિયાને અમેરિકાની સત્તા હેઠળ જ ગણીને ચાલી રહ્યા છે અને શું ભારત પણ આમાથી બાકાત નથી?

શનિવાર, 7 જાન્યુઆરી, 2023

2024માં રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડવાનું હશે મોદીનું લક્ષ્ય, PMને વારાણસી સાથે દ.ભારતમાંથી ઉમેદવારી કરાવવાની રણનીતિ?

 


2024માં ભાજપનું સૂત્ર હશે- અબ કી બાર 415 કે પાર!

1984માં કોંગ્રેસને 415 લોકસભા બેઠકો પર મળી હતી જીત

દક્ષિણ ભારતમાં ભાજપ વિશેષ રાજનીતિથી 100થી વધુ બેઠકો માટે કરશે પ્રયાસ

અમદાવાદ, 7 જાન્યુઆરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે માધવસિંહ સોલંકી વખતનો કોંગ્રેસનો સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડીને 156 બેઠકો પર જીત મેળવી હતી. હવે 2014 અને 2019માં સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં 2024માં રાજીવ ગાંધી વખતનો કોંગ્રેસનો સૌથી વધુ લોકસભા બેઠકો જીતવાનો રેકોર્ડ તોડવા પર નજર રાખી રહ્યું છે. આના માટે ભાજપ ઉત્તર અને પશ્ચિમ ભારત સાથે દક્ષિણ અને પૂર્વ-પૂર્વોત્તર ભારતમાં પોતાના ચૂંટણી સમીકરણો સાધવાની કોશિશ કરી રહ્યું છે.

આના માટે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 પારના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દક્ષિણ ભારતમાં ઓછામાં ઓછી 100 બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. પરંતુ કર્ણાટક સિવાય ભાજપનો બેઠકોની દ્રષ્ટિએ દક્ષિણ ભારતના અન્ય કોઈ રાજ્યમાં સારો દેખાવ જોવા મળ્યો નથી. તેથી  2024ની રણનીતિને ધ્યાનમાં રાખીને ભાજપની કેન્દ્રીય નેતાગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી સિવાય દક્ષિણ ભારતના રાજ્યમાંથી પણ ઉમેદવારી કરાવવા પર વિચારણા કરી રહી છે. એવી અટકળો છે કે મોદી વારાણસી સાથે તેલંગાણામાંથી પણ 2024માં ઉમેદવારી કરે તેવી કોશિશ કરાય રહી છે. ગ્રેટ આંધ્રાના અહેવાલને ટાંકીને ચર્ચા છે કે આના માટે ભાજપે ઈન્ટરનલ સર્વેમાં મલ્કાજગિરી અને મહબૂબનગર બેઠકો પર નજર ઠેરવી છે.

સોશયલ મીડિયા હવે મુખ્ય પ્રવાહના મીડિયા પર પણ અસર પાડી રહ્યું છે. સોશયલ મીડિયા પર વહેતા થતા દરેક પ્રકારની કલ્પનારૂપ લાગતી વાતો ઘણીવાર જિજ્ઞાસા પેદા કરનારી અને લોકોને ગુંચવાડામાં નાખનારી પણ હોય છે. આવી વાતોને માનવી કે નહીં તેને લઈને લોકોમાં ગુંચવાડા છતાં આવી વાતો સોશયલ મીડિયા પર ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જતી હોય છે. કેટલીક વાર સોશયલ મીડિયાની આવી વાતો સાચી પણ પડે છે અને ખોટી પણ પડે છે.

આવી જ એક વાતની ચર્ચા હવે થઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વારાણસીની સાથે જ તેલંગાણાની બેઠક પરથી પણ ઉમેદવારી કરી શકે છે. ગ્રેટ આંધ્રાની ગોસિપ કોલમમાં આના સંદર્ભેની શક્યતાઓને લઈને વાત કરવામાં આવી છે.

અહેવાલો પ્રમાણે, ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી ઈચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે દક્ષિણ ભારતમાંથી પણ લોકસભાની ચૂંટણીમાં ઝુકાવે. આની પાછળની ગણતરી એવી છે કે દક્ષિણ ભારતમાંથી નરેન્દ્ર મોદી લડે,તો તેની અસર ભાજપની બેઠકોની જીતમાં વધારામાં રૂપાંતરીત કરી શકાય.

ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનું કાઠું કાઢવામાં હજીપણ સંઘર્ષરત છે. ભાજપને માત્ર કર્ણાટકમાં આમા સફળતા મળી છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દક્ષિણ ભારતમાં પણ 100 બેઠકો જીતવાનું લક્ષ્ય ધરાવે છે. આવી સ્થિતિમાં ભાજપના રણનીતિકારો માને છે કે વારાણસીની સાથે જ દક્ષિણ ભારતની કોઈ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી એક મોટી અસર ઉભી કરી શકે છે.

આ વર્ષના ઉતરાર્ધમાં તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપને સત્તામાં આવવાના સારા અવસરો હોવાનું માનવામાં આવે છે. ત્યારે જો પરિણામો તેલંગાણમાં ભાજપની તરફેણમાં રહે અથવા ભાજપ ખૂબ સારો દેખાવ કરે તો તેવા સંજોગોમાં વડાપ્રધાન મોદીની તેલંગાણીની લોકસભા બેઠક પરથી ઉમેદવારીની શક્યતાઓ વધી જશે, તેવી પણ ચર્ચા છે.

રિપોર્ટ્સ પ્રમાણે, ભાજપ આવી બે લોકસભા બેઠકો તારવવા માટે ગુપ્ત સર્વે કરી રહ્યું છે. તેની પાછળનો ઉદેશ્ય એ છે કે આ બે બેઠકો દ્વારા દક્ષિણ ભારતમાં ભાજપની જીતવાની તકોને વધુ ગાઢી બનાવી શકાય. વળી આ બંને બેઠકો પર જીતની ઉજળી તકો તો ભાજપ જોશે જ.

માનવામાં આવે છે કે ભાજપ  મલ્કાજગિરી બેઠક પર નજર ઠેરવી રહ્યું છે, કારણ કે મલ્કાજગિરી બેઠક આખા ભારતની સૌથી મોટો લોકસભા મતવિસ્તાર છે અને અહીં કોસ્મોપોલિટન મતદાતાઓ છે. તો બીજી બેઠક મહેબૂબનગર છે- આ પછાત લોકસભા મતવિસ્તાર છે અને જાતિ-ધર્મના ધ્રુવીકરણને કારણે ખાસી અનુકૂળ બેઠક છે.

સૂત્રોને ટાંકીને ગ્રેટ આંધ્રાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાથી લડવાની લીલી ઝંડી આપે, તો ભાજપ અહીં જીત માટેની જમીન તૈયાર કરવાના મિશન પર લાગી જશે. આ પહેલા તમિલનાડુમાંથી પણ મોદીના લોકસભા ચૂંટણી લડવાને લઈને અટકળો વહેતી થઈ હતી. પરંતુ ડીએમકેની તમિલનાડુ પરની મજબૂત પકડને જોતા ભાજપ કોઈ જોખમ લેવા માગતું નથી. સૂત્રો મુજબ, તેલંગાણામાં ભાજપ માટે ઘણી ઉજળી તકો છે અને મોદી તેથી આ રાજ્યને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે.