Saturday, May 15, 2010

વસ્તીગણતરી-2011 જાતિ આધારીત થવી જોઈએ?

જાતિ આધારીત વસ્તીગણતરી માટેની લાલુપ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સહીતના વિપક્ષી દળોની માગણી પર વિચાર કરવા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સંમત થઈ છે. વડાપ્રધાને લોકસભામાં નિવેદન કરીને જાતિ આધારીત વસ્તીગણતરી કરાવવા સંદર્ભે ઝડપથી નિર્ણય લેવાશેની વાત કરી છે. જો વડાપ્રધાન મનમોહન સિંહ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેશે તો દેશમાં 1931 બાદ પહેલી વખત જાતિ આધારીત વસ્તી ગણતરી થશે. આ જાતિ આધારીત વસ્તીગણતરીનો અહેવાલ સેન્સસ-2011 તરીકે ઓળખાશે. આ અહેવાલ 2011-12માંઅથવા લોકસભાની 2014ની ચૂંટણી આસપાસ આવે તેવી સંભાવના છે.

યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.

પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.

રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.

ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.

આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.

સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, જાતિ આધારીત નવા ડેટા હોવાનો તર્ક પણ વજૂદ વાળો છે. પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?

No comments:

Post a Comment