લેબલ india સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ india સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 26 નવેમ્બર, 2025

સિંધનો ભારતમાં વિલય થાય તે સર્વોત્તમ, પણ 91% પાકિસ્તાનવાદીઓનું શું કરશો?

91% મુસ્લિમોવાળા સિંધને ભારતમાં ભેળવવું હાલ ભારત-હિંદુઓ માટે ખતરારૂપ !

- આનંદ શુક્લ


ભારતીય ઉપખંડ અથવા અખંડ ભારતના ક્ષેત્રમાં 1971માં ભૂગોળ બદલાઈ હતી. ત્યારથી અત્યાર સુધી એટલે કે 2025ના આખર સુધીમાં ભૂગોળ લગભગ યથાવત છે, પણ ધાર્મિક વસ્તી સંતુલનમાં ઘણાં મોટા ફેરફારો અવિરતપણે ચાલુ છે. આ ફેરફારો દુર્ભાગ્યે ધર્મનિરપેક્ષતાની ગુલબાંગો પોકારતા રાજનેતાઓના હાથમાં રહેલા ભારતીય વિસ્તારોમાં થઈ રહ્યા છે. ભારતના પાડોશી પાકિસ્તાનમાં હિંદુઓ નામશેષ થવાની અણિ પર છે. પાકિસ્તાનની કૂલ વસ્તીમાં હિંદુઓની સંખ્યા માંડ 1.5 ટકા જેટલી પણ નથી. હા, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુઓની પાડોશી દેશમાં સૌથી વધુ વસ્તી એટલે કે 8 ટકા વસ્તી સનાતનીઓની છે. પણ આ વસ્તી પણ કરાચી, હૈદરાબાદ અને નગરપારકર-થરપારકર જેવા જૂજ વિસ્તારોમાં છે. બાકીના સિંધમાં 91 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. આ મુસ્લિમોમાં સિંધી મુસ્લિમોની લગોલગ મુહાજિરો એટલે કે ભાગલા વખતે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલા મુસ્લિમો છે. પંજાબી, બલૂચી અને અફઘાની મુસ્લિમોની વસ્તી પણ ખાસી વધારે છે. આ તમામ પ્રાદેશિકતા ધરાવતા મુસ્લિમો બિનમુસ્લિમો ખાસ કરીને હિંદુ-શીખો પર અત્યાચાર કરવાના મામલે મૂકસંમતિ ધરાવે છે. જેને કારણે સિંધમાં હિંદુ-શીખો પર સતત એટ્રોસિટી થઈ રહી છે. 

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં  કહ્યુ હતુ કે સરહદો બદલાઈ શકે છે અને સિંધ કોઈ દિવસ ભારતમાં પાછું ફરી શકે છે. નવી દિલ્હીમાં સિંધી સમાજના સંમેલનમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ટાંકતા તેમણે કહ્યુ હતુ કે આજે સિંધની જમીન ભલે ભારતનો ભાગ ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિથી સિંધ હંમેશા ભારતનો હિસ્સો રહેશે અને જ્યાં સુધી જમીનનો સવાલ છે, સમીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે આવતીકાલે સંધ ફરીથી ભારતમાં પાછું આવે. રાજનાથસિંહે કહ્યુ હતુ કે હું એ પણ કહેવા માંગુ છું કે લાલકૃષ્ણ અડવાણીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિંદુ આજેપણ સિંધને ભારતથી અળગ કરવાને સ્વીકારી શક્યો નથી. આ વાત ઘણાં ભારતીયો માટે સાચી છે, જે સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધમાં જ નહીં, પરંતુ આખા ભારતમાં હિંદુ સિંધુ નદીને પવિત્ર માને છે. સિંધના ઘણાં મુસ્લિમ પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના આબ-એ-જમજમથી ઓછું પવિત્ર નથી. આ અડવાણીજીનું કથન છે. તેમણે આગળ ઉમેર્યું કે સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, હંમેશા આપણા પોતીકા રહેશે. તે ચાહે ક્યાંય પણ રહે, હંમેશા આપણા જ રહેશે. 

‘જન ગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્યવિધાત’, આપણું રાષ્ટ્રગાન અને તેની પંક્તિમાં સિંધનો ઉલ્લેખ આવે છે. કોઈપણ બાળક જ્યારે શાળામાં જવાનું શરૂ કરે અને જ્યારે તે રાષ્ટ્રગાન ગાય ત્યારે તેમાં સિંધનો ઉલ્લેખ આવે, જ્યારે તેને ખબર પડે કે સિંધ તો પાડોશી પાકિસ્તાનનું રાજ્ય છે અને તે ભારતમાં નથી. ત્યારે તેને પહેલો વિચાર આવે કે છતાં સિંધને ભારતીય રાષ્ટ્રગાનમાં શા માટે સામેલ કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ ભારતના એક રાષ્ટ્ર તરીકેના સનાતન ઐતિહાસિક પ્રવાહમાં છે. સિંધુ ઘાટીની સભ્યતા વિશ્વની પ્રાચીનત્તમ સભ્યતાઓમાંથી એક છે. ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ ભારતના સનાતન પ્રવાહને આકાર આપનારા વેદ-શ્રુતિ-સ્મૃતિના ઉલ્લેખોના આધારે સિંધુ ઘાટીની સભ્યતાથી પણ જૂનું છે. આમા કોઈ શંકા રાખવાની જરૂર નથી. ઐતિહાસિક બાબતોના પ્રવર્તમાન ઉલ્લેખો અને જૂના-નવા ઈતિહાસકારો તેમના વષયના માપદંડોના આધારે જે પણ કોઈ મુલવણી કરતા હોય, પણ એક ભારતીય તરીકે આપણા સૌની શ્રદ્ધા છે કે ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું અસ્તિત્વ સનાતન છે. 

પણ સિંધને પાછું લાવવાની વાત કરતી વેળાંએ સિંધ શા માટે ભારતમાં નથી, તેને વિસારી શકાય તેમ નથી. મજહબી આધારે ભારતના ભાગલા થયા અને તેમાં માત્ર સિંધ જ નહીં પણ અખંડ ભારતના ઘણાં વિસ્તારો પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનમાં ગયા હતા. અત્યારે પાકિસ્તાનના દક્ષિણ-પૂર્વમાં આવેલું સિંધ પાકિસ્તાનનું ત્રીજું મોટું રાજ્ય છે અને વસ્તી પ્રમાણે પાડોશી દેશનું બીજું મોટું રાજ્ય છે. સિંધી, સરાયકી અને બલૂચી સહિત ઘણી ભાષાઓ અહીં બોલાય છે. પંજાબી, ગુજરાતી અને રાજસ્થાની પણ બોલાય છે. શાળાઓમાં ઉર્દૂ અને સિંધી ભણાવાય છે. સિંધમાં 91 ટકા મુસ્લિમો અને માત્ર 8 ટકા હિંદુઓ છે. સિંધમાંથી હિંદુઓએ 1947માં મોટી હિજરતો કરી હતી અને ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુજાહિર તરીકે ઓળખતા મુસ્લિમોએ સિંધમાં જ વસવાટ કરવાનું શરૂ કર્યું હકતું. કરાચી સિંધની આર્થિક રાજધાની છે અને પાકિસ્તાનના સૌથી મોટા ઔદ્યોગિક ક્ષેત્રમાં તેનો (સિંધનો) સમાવેશ થાય છે. 2023ની વસ્તીગણતરી મુજબ સિંધની કૂલ વસ્તી 5.6 કરોડ છે અને તેમાં અંદાજે 49 લાખ જ હિંદુ છે. આવા સંજોગોમાં સિંધનો ભારતમાં વિલય ધાર્મિક વસ્તી સંતુલનના આધારે શક્ય લાગતો નથી. વળી સિંધને કબજે કરવામાં આવે, તો પણ 5 કરોડથી વધુ મુસ્લિમો કે જેઓ આઝાદીના 78 વર્ષ સુધી ઈસ્લામિક દેશ પાકિસ્તાનમાં ભારત અને હિંદુ વિરોધી ગણથૂથી પીને ઉછર્યા હોય, તેમને ભારતમાં ભારતના લોકોના સમોવડાં રાખીને સામેલ કરવા ભારતીયોની સુરક્ષા સામે જોખમો ઉભા કરી શકે છે. ભારતમાં આતંકવાદના હાથ બનનારાઓમાં પણ ભારતમાં રહેતા કટ્ટરવાદી મુસ્લિમોની ઘણી મોટી સંખ્યા રહે છે. છેલ્લે દિલ્હીમાં થયેલા ફિદાઈન એટેકમાં પણ કાશ્મીરી મુસ્લિમ ડોક્ટરની ભૂમિકા કોઈનાથી અજાણી નથી. 

એક અખબારમાં ડિફેન્સ એક્સપર્ટ લેફ્ટિનેન્ટ કર્નલ (રિ.) જે. એસ. સોઢીએ કહ્યુ છે કે સિંધના ભારતમાં વિલયનો મતલબ છે કે સૈન્ય કાર્યવાહી કરવી અને બિનજરૂરી ટૂ-ફ્રન્ટ વૉર કરવું. આવામાં ભારતે પાકિસ્તાનની સાથે સાથે ચીન સાથે પણ લડવું પડશે. હાલ, ભારત ટૂ-ફ્રન્ટ વૉરની સ્થિતિમાં નથી. આમ પણ સિંધ જો પાકિસ્તાનથી સ્વયં સ્વતંત્ર થાય છે, તો પણ તે ભારતની સાથે મળવા રાજી નહીં થાય, કારણ કે 1947 બાદથી સિંધની ડેમોગ્રાફી બદલાઈ ચુકી છે. 

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરડોર એટલે કે સીપેકના નામથી ચીને પાડોશી દેશમાં અબજો ડોલર રોક્યા છે. આ સીપેક પીઓજેકેથી છેક સિંધ-બલૂચિસ્તાનના ગ્વાદર બંદર સુધી પહોંચે છે. આવા સંજોગોમાં પાકિસ્તાનમાં પોતાના અબજો ડોલર ડૂબતા બચાવવા માટે ચીન ભારત સામે પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિંધને કબજે કરવા જેવી કોઈ વાત સામે આવે તો મોરચો ખોલે તેવી શક્યતાને અવગણી શકાય તેમ નથી. 

વળી વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પ જે રીતે ઓપરેશન સિંદૂર પછી નિવેદનો આપી રહ્યા છે, તેને જોતાં આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ભારતે ઘણી જહેમત ઉઠાવવી પડે તેવી શક્યતાઓ છે. આવા સંજોગોમાં સિંધ પર કબજો કરીને તેને ભારતમાં ભેળવી દેવું કે ભૂગોળ બદલવી તેના માટે સૈન્ય બાબતોની સાથે વૈશ્વિક કૂટનીતિક સ્તરે પણ ઘણું બધું હોમવર્ક કરવું પડે તેમ છે.સિંધને કબજે કર્યા પછી પણ તેના વિલિનીકરણને શાશ્વત બનાવવા માટે ડેમોગ્રાફિક સ્તરે પણ ઘણું કરવું પડશે. જો કે આવી ડેમોગ્રાફિક સ્તરની લડાઈ તો ભારતના નાના ગામડાંથી શરૂ કરીને છેક દિલ્હી સુધીના શહેરો સુધી લડવી પડે તેમ છે. 

જ્યાં સુધી વાત સિંધ અને અખંડ ભારતના પાકિસ્તાન બની ચુકેલા ભાગોનો સવાલ છે, તો તેના ભારતમાં સામેલ થવા કે વિલિનીકરણથી સાચા ભારતીયને હંમેશા ખુશી જ થશે. પણ એ યાદ રાખવું જોઈએ કે આવા જે પ્રદેશનું વિલિનીકરણ કરીશું, ત્યાં સાચો ભારતીય નહીં પણ પાકિસ્તાની છે. તેની માનસિકતા મોટેભાગે ભારત-હિંદુ વિરોધી છે. 

સિંધ ભારતમાં ગેટ વે ઓફ ઈસ્લામ છે, કારણ કે ઈ.સ. 712માં સિંધના છેલ્લા હિંદુ રાજા દાહિરસેનને હરાવીને મુહમ્મદ બિન કાસિમે ઈસ્લામિક રાજ્ય સ્થાપ્યું હતું. સિંધના ઈતિહાસની વાત કરીએ, તો સિંધની સિંધુ ઘાટી સભ્યતા 2300થી 1750 ઈ.સ. પૂર્વેની છે. સિંધ પર દારા પ્રથમને આધિન ઈરાનીઓનું શાસન પણ રહી ચુક્યું છે અને એલેક્ઝાન્ડરે પણ તેના પર વિજય મેળવ્યો હતો. સેલ્યૂકસ પ્રથમ નિક્ટર, ચંદ્રગુપ્ત મૌર્ય, ઈન્ડો-ગ્રીક  અને પર્શિયન, સીથિયન, કુષાણો અને સસ્સાનિયોએ પણ અહીં શાસન કર્યું હતું. સિંધ પર મુહમ્મદ બિન કાસિમની જીત બાદ ઉમ્મૈદ અને અબ્બાસિદ સામ્રાજ્યોનું તે ભાગ બન્યું. મુઘલો અને સિંધી રાજવંશોની પણ તેના પર સત્તા  સ્થપાઈ. 1843માં અંગ્રેજોએ તેના પર અધિકાર પ્રાપ્ત કરી લીધો હતો. 3 માર્ચ, 1943ના રોજ સિંધે પાકિસ્તાનની સ્થાપનાનો પ્રસ્તાવ પારીત કર્ય હતો. 26 જૂન, 1947ના રોજ સિંધ વિધાનસભાએ એક વિશેષ સત્ર દરમિયાન પાકિસ્તાન બંધારણીય સભામાં સામેલ થવાનો નિર્ણય કર્યો. વિભાજન બાદ સિંધમાંથી હિંદુ-શીખો નિરાશ્રિતો તરીકે ભારતમાં મોટી સંખ્યામાં પહોંચ્યા. 

રાજનાથસિંહની ટીપ્પણીની જેય સિંધ મુત્તહિદા મહાજના અધ્યક્ષ શફી બરકતે પ્રશંસા કરતા કહ્યુ છે કે અમે સિંધને ન માત્ર સિંધી રાષ્ટ્રની ઐતિહાસિક માતૃભૂમિ માનીએ છીએ, પરંતુ પ્રાચીન સભ્યતાઓની માતૃભૂમિ પણ માનીએ છીએ. સિંધ, જેના પરથી ભારતનું નામ પડયું છે, માનવ સભ્યતાનું ઉદગમ સ્થાન અને માનવતાની સૌથી પ્રાચીન સાંસ્કૃતિક ઓળખોમાંથી એકનું જન્મસ્થાન છે. તેમણે લખ્યું છે કે અમારો દ્રઢવિશ્વાસ છે કે સિંધના લોકો ઐતિહાસિક રીતે ક્યારેય પણ ધર્મ અથવા વિચારધારાના આધારે આરબ અથવા તુર્ક શક્તિઓ સાથે જોડાયેલા નથી રહ્યા. તેના સ્થાને, અમારા સભ્યતાગત, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂળિયા હંમેશા સપ્તસિંધુદેશ ભારતની જમીન સાથે પ્રગાઢપણે જોડાયેલા રહ્યા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંત સંદર્ભે ભારતીય સંરક્ષણ મંત્રીના ભ્રામક અને ખતરનાકપણે સંશોધનવાદી નિવેદનની આકરી ટીકા કરીએ છીએ. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું આ નિવેદન સ્વાભાવિક છે, પણ સવાલ એ છે કે  અવિભાજ્ય ભારતીય ક્ષેત્રો ખાસ કરીને  જમ્મુ-કાશ્મીર અને તેના ભાગ પીઓજેકે-ગિલગિત-બાલ્તિસ્તાનને લઈને કરવામાં આવતી નિવેદનબાજી અને પ્રાયોજિત ક્રોસ બોર્ડર ટેરરિઝ્મને લઈને પોતાના વલણને પાકિસ્તાન આયનામાં જોવા માટે તૈયાર છે?

શુક્રવાર, 14 નવેમ્બર, 2025

મજહબી આતંકના નવા સ્વરૂપનો પડકાર: ભારતે ‘2.5 ફ્રન્ટ વૉર’ માટે રહેવુ પડશે તૈયાર

- આનંદ શુક્લ



        ભારતમાં આતંકવાદના મૂળમાં રાજકારણને કારણે ઉભા થયેલા રાજકીય તત્વોના સ્થાપિત હિતો છે. જેને કારણે અલગાવવાદથી આતંકવાદની અનેક ઘટનાઓ સ્વતંત્રતાના 78 વર્ષોમાં ભારતે જોઈ છે. દિલ્હીમાં 10 નવેમ્બર, 2025ના રોજ થયેલો આતંકી હુમલો વિસ્ફોટકોથી ભરેલી કાર દ્વારા ડૉક્ટર ઉમર મોહમ્મદે કર્યો હતો. આ એક ફિદાઈન એટેક હોવાની ચર્ચા છે અને કારચાલક ડૉ. ઉમર મોહમ્મદ એ શંકાસ્પદ આતંકીઓનો સાથીદાર નીકળ્યો કે જેમના ઠેકાણાઓથી લગભગ ત્રણ હજાર કિલોગ્રામ વિસ્ફોટક અને ઘાતક હથિયારો જપ્ત થયા હતા. 

         સુરક્ષા એજન્સીઓ આતંકીઓ અને તેમના ઠેકાણાઓ સુધી તો પહોંચી ગઈ, પણ તે તેમનું સંપૂર્ણ નેટવર્કને નિષ્ફળ કરવામાં સફળ થઈ નહીં. કેન્દ્ર સરકારના કડક વલણને કારણે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ આતંકી નેટવર્કને ધ્વસ્ત કરવા સક્ષમ થઈ શકે છે. પરંતુ તાજેતરમાં એવા ઘણાં આતંકી નેટવર્કો ઝડપાયા છે કે જે દેશના વિભિન્ન વિસ્તારોમાં સક્રિય થઈને આતંકી ષડયંત્રો રચી રહ્યા હતા. કાશ્મીરના આતંકીઓએ હરિયાણાના ફરીદાબાદને પોતાનું ઠેકાણું બનાવ્યું અને આવા ઘણાં પોકેક્ટ્સ ભારતભરમાં આવા તત્વોને ઉપલબ્ધ થાય તેવી ઘણી શક્યતાઓ છાવરવામાં આવેલા કોમવાદીઓને કારણે હજીપણ યથાવત છે. 

         કચ્છથી જેસલમેર સરહદે ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો હોય, ત્યારે રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લાની નજીક આવેલા મંદિર પાસે થયેલો ફિદાઈન ગણાતો આતંકી હુમલો એક પડકાર છે અને પાકિસ્તાન સાથે પણ આવા આતંકી તત્વોના તાર જોડાયેલા હોઈ શકે છે, જેની તપાસ સુરક્ષા એજન્સીઓએ હાથ ધરી છે. પહેલગામમાં ધર્મ પુછીને કરાયેલી 28 જેટલા હિંદુ પ્રવાસીઓની હત્યા બાદ શરૂ કરાયેલું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું અને તેને બંધ નથી કરાયું. આ હકીકત જોતાં કોઈપણ પ્રકારની પાકિસ્તાની આતંકી હરકત પાડોશી દેશ માટે ખતરનાક સાબિત થવાની છે. 

       પરંતુ અહીં ભારતના દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહેલી વાત પણ યાદ કરવી જોઈએ. મોટાભાગે ભારતની સામે પાકિસ્તાન અને ચીન એમ બે મોરચે એકસાથે લડાઈનું જોખમ હોવાનું ઘણાં સંરક્ષણ નિષ્ણાતો કહેતા રહ્યા છે. પરંતુ જનરલ રાવતે 2.5 ફ્રન્ટ વૉરની વાત કરી છે. જેમાં બે મોરચે લડાઈ તો સમજમાં આવે છે, પરંતુ જે અડધા મોરચાની લડાઈ છે, તે ભારતની અંદર રહેલા પાંચમી કતારિયા એટલે કે વિદેશીઓના હાથમાં અને ખાસ કરીને પાકિસ્તાની જેહાદી નેટવર્ક સાથે સંબંધ ધરાવતા ભારતવિરોધી તત્વોની સામે હશે. આવા સંજોગોમાં દેશમાં રહીને જે તત્વો આતંકી હુમલા કરવાની હિમાકત કરી રહ્યા છે, તેવા કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના ભારતીય વિસ્તારોમાં સક્રિય આતંકી તત્વોના ખાત્માની લડાઈ ભારત સરકારની રાહબરીમાં તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રીય તથા પ્રાંતીય સુરક્ષા અને નાગરિક એજન્સીઓએ શરૂ કરી દેવી પડશે. જેથી 2.5 ફ્રન્ટ વૉરની સ્થિતિને ટુ ફ્રન્ટ વૉર સુધી મર્યાદિત કરી શકાય. 
દિલ્હીમાં થયેલા હુમલાએ એ પણ સાબિત કર્યું છે કે આતંકવાદને નિરક્ષરતા કે ઓછું ભણવા સાથે કોઈ સંબંધ નથી. દિલ્હી હુમલાના આરોપીઓ ડૉક્ટર થયેલા હતા અને તેમણે દર્દીઓના બચાવવાના સ્થાને ડોક કાપવાનું એટલે કે હિંસા કરવાનું મજહબી ઓઠાં હેઠળ પસંદ કર્યું છે. આ નવું આતંકી સ્વરૂપ મજહબી ઉન્માદના વ્યાપક સ્વરૂપને અત્યારથી જ રોકવાની જરૂરિયાત પર પણ ધ્યાન દોરી રહ્યું છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતાના વોટબેંકની રાજનીતિથી પ્રેરિત નરેટિવ્સમાંથી પણ બહાર આવવાની જરૂર છે. મૂળભૂત કારણ અને મૂળભૂત કારકોને ખુલ્લા પાડીને તેમની સામે વૈચારિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક અને સૈનિકીય લડાઈ લડવા માટેની વ્યાપક વ્યૂહરચના સરકાર, સમાજ અને તમામ ‘સ્ટેક હોલ્ડર્સે’ કરવી પડશે. ભારતમાં ચાલી રહેલા મજહબી આતંકવાદીઓની પ્રેરણા આસમાની કિતાબની છે. તેનું અર્થઘટન છે કે તેમાં ખરેખર આવું લખેલું છે, પણ ઘણાં વિદ્વાનો માની રહ્યા છે કે આવા તત્વોએ વિશ્વના ‘દારુલ અમન’, ‘દારુલ હરબ’ અને ‘દારુલ ઈસ્લામ’માં ફેરવી નાખી છે. ‘દારુલ અમન’ એટલે કે જ્યાં આસમાની કિતાબને અનુસરનારાઓની સંખ્યા 15થી 20 ટકા છે, આવા ક્ષેત્રોમાં ‘અલ-તકૈયા’ એટલે કે આસપાસના સમાજને લોકજીવનને અનુરૂપ થઈને રહીને પોતાની ઓળખ સાબૂત રાખવાની પદ્ધતિ અપનાવી પોતાનો પ્રભાવ વધારવો. ‘દારુલ હરબ’ એટલે કે એવા ક્ષેત્રો કે જ્યાં આસામાની કિતાબને માનનારાઓની સંખ્યા 30થી લઈને 60 ટકા વચ્ચે છે અને આવા સંજોગોમાં રાજકીય, સામાજીક વર્ચસ્વ વધારીને આવા ક્ષેત્રને સંપૂર્ણ ઈસ્લામની ભૂમિમાં બદલવા. 1947માં ભારતના ભાગલા એક ‘પાન-ઈસ્લામિક’ ઘટના હતી અને તેમાં મુસ્લિમોને વિશ્વમાં પહેલીવાર મજહબી આધારે અલગ દેશ મળ્યો. 
   
          712થી ભારત આવા મજહબી આક્રાંતાઓ સામે લડતું રહ્યું, પણ ક્યારેય પોતાના દેશ પરનો દાવો આવી રીતે જવા દીધો ન હતો. પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાનવાદને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનનારાઓ ભારતના જ બંધારણ-બંધારણીય વ્યવસ્થા, કાયદો અને અન્ય વ્યવસ્થાત્મક છીંડાનો ઉપયોગ કરીને ભારતને જ ખતમ કરીને જાણે કે પાકિસ્તાન કે તેના જેવા ક્ષેત્રમાં ફેરવવાની કોશિશો પાડોશી દેશના ઈશારે કરી રહ્યા છે. ભારતમાં ધર્મના આધારે ભેદભાવની ક્યારેય પરંપરા રહી નથી. ભારતમાં ધર્મ-મજહબ-પૂજાપદ્ધતિઓ પ્રત્યે હંમેશા લોકોનો સમાન વ્યવહાર રહ્યો છે. પરંતુ ભારત પ્રત્યે કેટલાક મજહબી તત્વોને તેમના દેશમાં ઉત્પતિકાળથી જ વાંધો છે. 

        ભારતમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વિભિન્ન સ્તરે સાંસ્કૃતિક એકતા, રાજકીય પરિપવકતા અને સ્વાભિમાનનો સંચાર જોવા મળી રહ્યો છે. તેને કારણે જ ભારત હવે આતંકવાદ સામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’, ‘બાલાકોટ એરસ્ટ્રાઈક’, ‘ઓપરેશન સિંદૂર’ જેવી કાર્યવાહીઓ કરે છે અને કરતું રહેશે. તેની સાથે પવિત્ર રામજન્મભૂમિ ખાતે 493 વર્ષોની અડગ, અવિરત લડાઈના પરિણામે ભવ્ય-દિવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતાકાળથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35એ જેવી વ્યવસ્થાઓને ભારત સરકારે જનમતની લાગણીના પ્રમાણે હટાવી-બિનઅસરકારક બનાવી. તેને કારણે પાકિસ્તાન અને પાકિસ્તાનવાદીઓના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે. આવા તત્વોની દુકાનો બંધ થવાને કારણે તેઓ હવે નીતનવા ઉંબાડિયા કરવા માટેના પ્રયોજનો શોધી રહ્યા છે. 
દિલ્હીમાં આતંકી ઘટના પહેલા ગુજરાતમાં ‘એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડે’ હૈદરાબાદના એક ડોક્ટર અને ઉત્તરપ્રદેશના 2 આતંકીઓને ઝડપ્યા. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ-કારતૂસની સાથે ઘાતક રાઈઝિન ઝેર બનાવવાની સામગ્રી પણ મળી. આ સિવાય જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે ત્રણ ડોક્ટરો સહિત 7 લોકોને એરેસ્ટ કર્યા. આ લોકો હરિયાણાના ફરિદાબાદમાં ત્રણ હજાર કિલોગ્રામ જેટલો વિસ્ફોટક એકઠો કરી ચુક્યા હતા. આમા એક મહિલા તબીબ પણ છે. આના થોડા દિવસો પહેલા કર્ણાટકની જેલમાં બંધ એક આતંકી મોબાઈલ દ્વારા ફંડ એકઠું કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તો ગ્રેટર નોઈડામાં એક મજહબી ઉન્માદ ભડકાવનારા પુસ્તકોનું પ્રકાશન કરનારો પણ ઝડપાયો. આતંકનો કોઈ મજહબ નથી હોતો તેવું કહેતી વેળાએ એ પણ યાદ રાખવું જોઈએ કે મજહબની આડ લઈને જ આતંકનો રસ્તો કંડારીને તેના પર આતંકીઓને દોડાવાઈ રહ્યા છે. આતંકના માર્ગ પર કોઈપણ ચાલતું-દોડતું જોવા મળી શકે છે, તે ચાહે અભણ હોય કે ઉચ્ચશિક્ષિત, નિર્ધન હોય કે ધનવાન. માત્ર કટ્ટર મજહબી તત્વોના ઝેરીલા નિવેદનો જ કોઈને આતંકી બનાવતા નથી. તેના માટે ઉભી થયેલી ‘ઈકો-સિસ્ટમ’ પણ એટલી જ જવાબદાર છે. 
   
     દિલ્હી હુમલામાં સામેલ તબીબ અલ ફલાહ યૂનિવર્સિટીમાં ભણેલો હતો. આ અલ ફલાહ યૂનિવર્સિટીને લઈને શંકા વધુ ઘેરી બની છે. તેમાં અપ્રમાણસર રીતે મોટી સંખ્યામાં કાશ્મીરી તબીબોની નિયુક્તિ થઈ રહી હતી. અન્ય સ્થાનો પર બરખાસ્ત કરવામાં આવેલા તબીબોને પણ નોકરી આપવામાં આવી છે. તેમાં એક કાશ્મીરી ડોક્ટર તો આતંકવાદ અને અલગાવવાદની ખુલ્લી તરફદારી બદલ બરખાસ્ત થયેલો હતો. આનો મતલબ એ છે કે અલ ફલાહનું પ્રબંધન કોઈની નિયુક્તિ પહેલા તેની પૃષ્ઠભૂમિની તપાસ કરતું ન હતું અથવા તેની અણદેખી કરવાનું પસંદ કરતું હતું. આવા સંજોગોમાં આવી શૈક્ષણિક સંસ્થાઓનીપણ તપાસ થવી જરૂરી છે. આવી સંસ્થાઓ પરની શંકાઓ સાચી સાબિત થાય, તો તે પણ આતંકી ઈકો-સિસ્ટમનો ભાગ છે. વોટબેંકની ભદ્દી રાજનીતિને કારણે પણ આતંકી ઈકો-સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. આવા રાજકીય તત્વોએ ઉભા કરેલા માહોલમાં આતંકી ઈકો-સિસ્ટમ નજરઅંદાજ થતી હોય છે. કૂલ મળીને દેશની રાજનીતિમાંથી વોટબેંકનું રાજકારણ સમાપ્ત કરવા માટે પણ તમામ રાજકીય પક્ષોએ એક સંમતિ પર પહોંચવા માટેની રાજકીય સંવાદની કવાયત હાથ ધરવી પડશે કે જેમાં દેશની આતંરિક-બાહ્ય સુરક્ષા, વિદેશ નીતિ, દૂરગામી રણનીતિના વિષયો પર સામાન્ય સંમતિનું ફ્રેમવર્ક ઉભું થઈ શકે.

બુધવાર, 6 જુલાઈ, 2011

ભારત ‘અગ્નિપથ’ પરથી ‘વિજયપથ’ પર આવશે?


ભારતની રાજકીય વ્યવસ્થા સંસદીય લોકશાહી પ્રકારની છે. આ રાજકીય વ્યવસ્થા અંતર્ગત ભારતમાં થોકબંધ રાજકીય પક્ષો દેશભરમાં ઉપલબ્ધ છે. પક્ષીય લોકશાહીમાં હંમેશા રાજકીય પક્ષો સત્તા પ્રાપ્ત કરવાનું, તેના પર નિયંત્રણ મેળવવાનું સાધન માત્ર છે. ભારતે પોતાની આઝાદીના 64 વર્ષોમાં સંસદીય લોકશાહી અંતર્ગત લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષોનો વત્તા-ઓછા પ્રમાણમાં અનુભવ કરી લીધો છે. જો કે આ તમામ મુખ્ય રાજકીય પક્ષોની સત્તાનો અનુભવ ભારતની જનતા માટે એકંદરે એક જેવો જ રહ્યો છે. ભારતમાં ગાંધીજીનો ઈન્કાર હોવા છતાં કોંગ્રેસને આઝાદી બાદ રાજકીય પાર્ટી તરીકે ચાલુ રાખવામાં આવી. કોંગ્રેસે દેશ પર લગભગ ત્રણ દશકથી વધારે સમય સુધી સત્તાનું સુખ ભોગવ્યું.

ભારતમાં પક્ષીય રાજકારણના આટાપાટા અને પ્રજાને કોંગ્રેસ કરતાં વધારે સારું શાસન મળશેની આશા હોવાથી સત્તા અન્ય પક્ષોના ભાગે પણ આવી. 1977માં સંપૂર્ણ ક્રાંતિના નારા સાથે જનતા પાર્ટીના નેજા નીચે બિનકોંગ્રેસી નેતાઓ અને પક્ષોએ એકઠા થઈને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરી. પરંતુ આ સત્તાસુખ ઘણું ઓછું રહ્યું હતું. 1989માં પણ જનતા દળ અને વી.પી.સિંહના નેતૃત્વમાં જનતાએ કેન્દ્રમાં બિનકોંગ્રેસી પાર્ટીઓને સત્તાની સોંપણી કરી. ત્યાર બાદ 1998માં ભાજપના નેતૃત્વવાળા એનડીએને જનતાએ સત્તાની સોંપણી કરી. પરંતુ જનતાને તમામ પક્ષો તરફથી મોહભંગ થવું પડયું છે. 2004થી જનતાએ કોંગ્રેસ કરતાં ખરાબ પુરવાર થનારા રાજકીય પક્ષો પાસેથી સત્તા આંચકીને કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને સત્તા આપી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ-1 અને યુપીએ-2 સરકાર ભ્રષ્ટાચારના ખદબદતા કીચડમાં ગળાડૂબ છે. ત્યારે અત્યારે જનતા સામે સૌથી મોટો પ્રશ્ન છે, જાયે તો જાયે કહાં? કારણ કે રાજકારણના હમામમાં બધાં પક્ષોની નગ્નતાનો અનુભવ જનતા કરી ચુકી છે.

લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. પરંતુ ભારતની સંસદીય લોકશાહી જે કાયદાને આધારે ચાલી રહી છે, તે 1935ના ભારતીય અધિનિયમને અંગ્રેજોએ પોતાના શાસન માટે બનાવેલો હતો. તેમા કહેવા માટે તો જનતાના પ્રતિનિધિઓ જનતાની પસંદ દ્વારા ચૂંટાય છે. પરંતુ અત્રે સવાલ એ છે કે આ ચૂંટાતા જનપ્રતિનિધિઓ ખરેખર જનતાના પ્રતિનિધિ છે? શું આ જનપ્રતિનિધિઓ માટે જનતાની આંકાક્ષાઓ અને દેશહિત, પાર્ટી અને સ્વહીતથી ઉપર હોય છે? હકીકતમાં અંગ્રેજોના કાયદા પ્રમાણેની અંગ્રેજોની શાસન પદ્ધતિની નકલમાં સૌથી મોટી ખામી છે કે કોઈપણ પક્ષના જનપ્રતિનિધિઓ જનતાના પ્રતિનિધિઓ ન રહેતા, માત્ર પક્ષના પ્રતિનિધિઓ બની જાય છે. જેના કારણે દેશમાં છેલ્લા 64 વર્ષથી દેશહિતની રાષ્ટ્રીય નીતિ હેઠળ શાસન થયું નથી. બસ આ દેશમાં પાર્ટીના એજન્ડા અને હિત સાધવા માટેના કાયદા બનાવીને કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર આવનારા પક્ષે શાસન ચલાવ્યું છે.

ભારતમાં ભ્રષ્ટાચાર અત્યારે તેના ચરમ પર છે, કારણ કે દેશની કહેવાતી લોકશાહીમાં વિકૃતિ તેના સર્વોચ્ચ શિખરે છે. કારણ કે જનપ્રતિનિધિઓ સંસદની અંદર જનતાનો અવાજ બનીને અભિવ્યક્ત થવાને બદલે પાર્ટીના પિઠ્ઠુઓ બનીને વર્તે છે. દેશની જરૂરતોને નજરઅંદાજ કરીને પોતાની પાર્ટીઓની હિતસાધનામાં તેના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ લાગેલા છે. બહુપક્ષીય સંસદીય લોકશાહી પદ્ધતિની તમામ વિકૃતિ ભારતની લોકતાંત્રિક વ્યવસ્થામાં હાલ ઉપલબ્ધ છે. આ વિકૃતિને દૂર કરવાની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવતી નથી. માત્ર સુધારાની વાત કરવામાં આવે છે. સુધારા હંમેશા થિંગડા જેવા હોય છે. કોઈ જીર્ણ વસ્ત્રને થિંગડા મારીએ તો પણ તે અન્ય જગ્યાએથી તો ફાટવાનું છે. તેના કરતા તો જીર્ણ વસ્ત્ર બદલીને નવું વસ્ત્ર પહેરવું વધારે સારું છે. આટલો સામાન્ય તર્ક પણ ભારતની રાજકીય વ્યવસ્થામાં લાગુ કરીને સુધારો નહીં પણ પરિવર્તનનો પ્રયાસ આદરવા માટે કોઈની તૈયારી નથી. કારણ કે જનતા મોંઘવારીથી મરે તો મરે, જનતાનું લોહી આતંકવાદીઓ, નક્સલવાદીઓ, ભાગલાવાદીઓ અને કટ્ટરતાવાદી વહેવડાવે તો વહેવડાવે, પરંતુ રાજકીય વ્યવસ્થામાં રહેલા દરેક રાજકીય પક્ષોની દુકાન પૂરજોરમાં ચાલે છે. તેઓ તેમની રાજકીય દુકાન હેઠળ ભારે નફો કરી રહ્યાં છે, તેનું સ્વરૂપ સત્તા, ભ્રષ્ટાચારના નાણાં અને અન્ય પ્રભાવો સ્વરૂપે સામે આવી રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં ભારતે વૈકલ્પિક રાજકીય વ્યવસ્થા સંદર્ભે પણ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર સામે આંદોલન કરતાં પહેલા તેના પ્રકારો, તેના કારણો અને તેમા સામેલ લોકો સંદર્ભે જનતાએ અને તેના નેતાઓએ વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચારનું એક વ્યવસ્થિત તંત્ર ક્યાંથી અને કેવી રીતે વિકસિત થયું, તેની પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને તેના પર વિચાર કરવો જોઈએ. ભ્રષ્ટાચાર હકીકતમાં 64 વર્ષથી દેશમાં ચાલતી વિકૃત લોકશાહી દ્વારા નિર્માણ પામેલા શોષણ અને દોહનના તંત્રનું પરિણામ છે. આ વિકૃત લોકશાહીથી સ્થાપિત શોષણ અને દોહનનું તંત્ર સમાપ્ત કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર અતિઆવશ્યક છે. રોગની તાત્કાલિક સારવાર સાથે તેના મૂળમાંથી ઉપચાર માટેની સારવાર પદ્ધતિ અખત્યાર કરવી પડશે.

ત્યારે હાલ બે પ્રકારની પદ્ધતિ સામે આવી શકે છે, જેમાં એક-બે પાર્ટીની લોકતાંત્રિક વ્યવસ્થા અથવા તો પક્ષવિહીન લોકતંત્રની વ્યવસ્થામાંથી એકનો વિચાર કરી શકાય તેમ છે. જો કે એક-બે પક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થાની અંદર અન્ય મતોને કોઈ સ્થાન ન હોવાથી અને તેમાં શોષણના ભ્રષ્ટ તંત્રની સંભાવનાઓ પ્રબળ હોવાના કારણે પક્ષવિહીન લોકતંત્ર જેવી વૈકલ્પિક વ્યવસ્થા સંદર્ભે વિચારવાની સંપૂર્ણ આવશ્યકતા છે.

લોકતંત્રમાં સર્વોચ્ચ સત્તા કોણ હોય? લોકો જ ને? લોકશાહીમાં તમામ શક્તિઓ શેને આધિન રહેવી જોઈએ? જનતાને જ ને? પરંતુ શું આપણી લોકતાંત્રિક વ્યવસ્થામાં સંસદીય પદ્ધતિને કારણે આવેલી વિકૃતિને કારણે શાસનની તમામ શક્તિઓ લોકોને આધિન છે? શું પ્રવર્તમાન લોકતંત્રમાં જનતા સર્વોચ્ચ સત્તા છે? તો તેનો જવાબ હશે, ના. કારણ કે જનપ્રતિનિધિ તરીકે ઓળખતા વ્યવસ્થા અને લોકો વચ્ચેના વચેટીયાઓ સર્વોચ્ચ સત્તાને પોતાની કરીને રાખી રહ્યાં છે. તેનો જનતાના હિતમાં જનતા માટે ઉપયોગ થઈ રહ્યો નથી, પરંતુ પાર્ટીના હિતમાં પાર્ટી માટે ઉપયોગ થઈ રહ્યો છે.

સંસદીય લોકશાહીના રાજપથથી રાજકારણીઓ સત્તાના શિખરો સુધી પહોંચી જાય છે. અહીં પહોંચીને તેઓ સત્તાનું દોહન કરીને રાષ્ટ્રમાં શોષણનું તંત્ર પ્રસ્થાપિત કરે છે અને તેમાં ભ્રષ્ટાચાર દ્વારા પોતાના હિતો સિદ્ધ કરે છે. આ ભ્રષ્ટાચાર માત્ર નાણાંના સ્વરૂપે જ હોય તે જરૂરી નથી. આવા રાજકારણીઓએ ભારતને અગનજ્વાળાઓથી છવાયેલા અગનપથ પર એકલું છોડી દીધું છે. આ અગ્નિપથને વિજયપથ બનાવવાનો રસ્તો માત્ર ભારતની જનતા પાસે છે. તેના માટે ભારતની રાજકીય વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ પરિવર્તન થવું જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે કાળાં ધન, લોકપાલ બિલ, ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર આંદોલન ચલાવી રહેલા નેતાઓની આ દ્રષ્ટિ છે? જો આ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે, તો તેની રીત શું હોઈ શકે? શું પ્રવર્તમાન રાજકીય વ્યવસ્થા અંતર્ગત તેમાં પરિવર્તન માટેનો કોઈ અવકાશ છે?

શનિવાર, 15 મે, 2010

વસ્તીગણતરી-2011 જાતિ આધારીત થવી જોઈએ?

જાતિ આધારીત વસ્તીગણતરી માટેની લાલુપ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સહીતના વિપક્ષી દળોની માગણી પર વિચાર કરવા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર સંમત થઈ છે. વડાપ્રધાને લોકસભામાં નિવેદન કરીને જાતિ આધારીત વસ્તીગણતરી કરાવવા સંદર્ભે ઝડપથી નિર્ણય લેવાશેની વાત કરી છે. જો વડાપ્રધાન મનમોહન સિંહ જાતિ આધારીત વસ્તીગણતરીનો નિર્ણય લેશે તો દેશમાં 1931 બાદ પહેલી વખત જાતિ આધારીત વસ્તી ગણતરી થશે. આ જાતિ આધારીત વસ્તીગણતરીનો અહેવાલ સેન્સસ-2011 તરીકે ઓળખાશે. આ અહેવાલ 2011-12માંઅથવા લોકસભાની 2014ની ચૂંટણી આસપાસ આવે તેવી સંભાવના છે.

યાદ રહે કે 2014માં લોકસભાની ટર્મ પૂરી થતાં લોકસભાની ચૂંટણી આવશે. જેના કારણે 2014 પહેલા પ્રકાશિત થવાની સંભાવનાવાળા સેન્સસ-2011ના રિપોર્ટનો દેશમાં અનામતનું રાજકારણ રમવા માટે ઉપયોગ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. અત્યારે દેશમાં પ્રવર્તી રહેલી અનામતની જોગવાઈઓનો મુખ્ય આધાર 1931ના જાતિ આધારિત અનામતના સેન્સસ રિપોર્ટના તે વખતના ડેટા છે. સુપ્રિમ કોર્ટે ભૂતકાળના એક ચુકાદામાં અનામતની મર્યાદા 50 ટકાથી વધવી જોઈએ નહીં, તેવો આદેશ આપ્યો હતો.

પરંતુ તાજેતરમાં આવેલા રંગનાથ મિશ્ર પંચના અહેવાલમાં મુસ્લિમોને 10 ટકા અને બાકીની લઘુમતીઓને 5 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે. એટલે કે દેશની મુસ્લિમ સહીતની લઘુમતીઓને 15 ટકા અનામતની જસ્ટિસ રંગનાથ મિશ્ર પંચે પોતાના અહેવાલમાં ભલામણ કરી છે. જો કે આ રિપોર્ટ ઘણા લાંબા સમયથી આવ્યો હોવા છતાં સંસદમાં તેના અમલીકરણ કરવા સંદર્ભે કોઈ પણ જાતની ચર્ચા થઈ નથી. કોંગ્રેસનના નેતૃત્વવાળી યુપીએ સરકાર રંગનાથ મિશ્ર પંચના અહેવાલની હાલ ચર્ચા કરવા માગતી ન હોવાનું સ્પષ્ટ પણે દેખાય આવે છે.

રંગનાથ મિશ્ર પંચની લઘમુતીઓને 15 ટકા અનામતની ભલામણને લાગુ કરવાની સૌથી મોટી અડચણ સુપ્રિમ કોર્ટ દ્વારા અનામત 50 ટકાની મર્યાદામાં હોવું જોઈએ સંદર્ભનો ચુકાદો બની શકે છે. આમ તો અનામતની જોગવાઈ સદીઓથી પશુથી બદતર જીંદગી જીવવા માટે મજબૂર બનેલા અને અસ્પૃશ્યતા તથા ઘૃણાનો શિકાર બનેલા હિંદુ અનુસૂચિત જાતિ વર્ગ માટે અને વિકાસથી વંચિત શોષિત એવા હિંદુ અનુસૂચિત જનજાતિ માટે દાખલ કરવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટે જ્યારે અનામતની મર્યાદા 50 ટકાની નક્કી કરી હતી, ત્યારે લઘુમતી અનામતની વાત હતી નહીં. પાછળથી ઓબીસી ક્વોટા હેઠળ 27.5 ટકા અનામતની જોગવાઈ પણ મંડલ કમિશન બાદ દાખલ કરવામાં આવી હતી. તેના કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીને 50 ટકા સુધી અનામત મળી શકે તેવી સંભાવના રહેલી છે. જો કે લઘુમતીઓને 15 ટકા અનામત હાલની પરિસ્થિતિમાં આપવામાં આવે, તો તેવા સંજોગોમાં તેમને 50 ટકાની મર્યાદામાં રહીને અનામત આપવું પડે. જેનો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોની વાત કરનારા સંગઠનો અને નેતાઓ વિરોધ કરી શકે તેમ છે.

ત્યારે તેવા સંજોગોમાં જાતિ આધારીત વસ્તીગણતરી થાય, તો તેવા સંજોગોમાં 1931ની જગ્યાએ 2011ના ડેટા ઉપલબ્ધ બનશે. દેશમાં 1931ની સરખામણીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યામાં અનેક ગણો વધારો થયો હશે. કારણ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વસ્તી વૃદ્ધિ દરો સવર્ણ જાતિઓના વસ્તી વૃદ્ધિના દરો કરતાં સામાન્ય રીતે વધારે રહ્યાં છે. જેના કારણે નવા જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ-2011માં સવર્ણો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ તેમજ અન્ય લઘુમતીઓના વસ્તીના પ્રમાણમાં પણ ધરખમ ફેરફારો આવે તેવી સંભાવના છે.

આવા સંજોગોમાં અનામત માટેની 50 ટકાની મર્યાદામાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના પણ ઉભી થઈ શકે છે. આ અનામત 50 ટકાથી ઉપર જાય તો જ રંગનાથ મિશ્ર પંચની ભલામણોને ઓછી અડચણોએ લાગુ કરી શકાય તેમ છે. જાતિ આધારીત વસ્તીગણતરીના સેન્સસ કરવાનો નિર્ણય લેવામાં આવશે, તો આગામી દિવસોમાં દેશમાં એસસી, એસટી અને મુસ્લિમ તેમજ લઘુમતી અનામતના નિમ્ન કક્ષાના રાજકારણની ખાઈમાં દેશ ધકેલાય તેવી સંભાવનાઓ વધી જશે.

સવાલ અત્રે એ છે કે રાજકીય પક્ષો પોતાના સ્થાપિત રાજકીય હિતો માટે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011નો ઉપયોગ કરવા માટેની તૈયારીઓને આરંભી દીધી છે. ત્યારે સવાલ એ છે કે સંભવિત જાતિ આધારીત સેન્સસ-2011માં રાજકીય પક્ષોના રાજકીય હિતો સમાયેલા છે, પણ દેશના લોકોનું હિત ક્યાં? દેશનું હિત ક્યાં? દેશે મંડળ કમિશન વખતે અનામત વિરોધી આત્મવિલોપનો અને આંદોલનો જોયો છે. ગુજરાતને પણ તેનો ઘણો લાંબો અનુભવ છે, ત્યારે જાતિ આધારીત સેન્સસ રીપોર્ટ બને તો ભલે બને, જાતિ આધારીત નવા ડેટા હોવાનો તર્ક પણ વજૂદ વાળો છે. પણ તેનો અનામતના રાજકારણમાં ઉપયોગ ન થાય તેવી કોઈ સાવધાની સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા લેવાશે કે કેમ?

બુધવાર, 30 સપ્ટેમ્બર, 2009

દક્ષિણ એશિયામાં બદલાતા સામરિક સમીકરણો અને ભારત

તાજેતરમાં ઈન્ડિયા ડિન્ફેન્સ રિવ્યૂના તંત્રી કેપ્ટન ભરત વર્માએ પોતાના તંત્રીલેખમાં આગાહી કરી છે કે હતાશ ચીન 2012 સુધીમાં ભારત પર હુમલો કરે તેવી સંભાવના છે. ત્યારે બીજી તરફ ચીનની થિંક ટેન્ક ગણાતી એક વેબસાઈટ પર ચીન થોડી કોશિશ કરે તો, તે ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે,તેવી ચર્ચા કરતાં લેખો પ્રકાશિત કરાયા છે. જેમાં કાશ્મીર, ઉત્તર-પૂર્વ ભારત અને તામિલનાડુમાં અલગતાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના ઈરાદાઓ વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ વેબસાઈટ પર વિખંડિત ભારતને દક્ષિણ એશિયા માટે લાભપ્રદ ગણાવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા કેટલાંક સમયથી ચીની લાલ સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણના સમાચાર આવી રહ્યાં છે.
તેમા લડાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ફિંગર પોઈન્ટ વિસ્તારનો તો, સમાવેશ થાય જ છે. સાથે ઉત્તરાખંડ અને હિમાલચલ પ્રદેશમાં પણ ચીની સેનાઓ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાને જુલાઈ માસમાં ભારત સરકારને પત્ર લખીને ચીની સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણ સંદર્ભે માહિતી આપી હતી. જો કે એકંદરે ભારત અને ચીન સરહદ ઘણાં વખતથી શાંત રહી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે ‘લાઈન ઓફ એક્ચુયલ કંટ્રોલ’ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતાઓ વધારી દીધી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે લાઈન ઓફ એકચયુલ કંટ્રોલ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. જેના કારણે ભારતે ચીની સરહદે વિશેષ સૈનિક પ્રબંધો આરંભ્યા છે. લડાખમાં ચીની સરહદથી માત્ર 23 કિલોમીટર દૂર જંગી હવાઈજહાજ ઉતરે તેવી હવાઈ પટ્ટીને સક્રિય બનાવી દીધી છે. જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારતીય સેના અને અન્ય સુરક્ષાદળોનું ધ્યાન હવે ભારત-પાકિસ્તાન સરહદ સાથે ભારત-ચીન સરહદ તરફ પણ વધી રહ્યું છે.
ભારત ચીન સરહદે આવેલી ગરમી વાતાવરણમાં આવેલા કોઈ અચાનક ફેરફારને કારણે તો આવી નથી. તેની પાછળ દક્ષિણ એશિયમાં બદલાઈ રહેલી સમારિક પરિસ્થિતિ અને સમીકરણોની બહુ મોટી ભૂમિકા રહેલી છે. તેનાથી કોઈપણ સામરિક બાબતોના નિષ્ણાતોએ ઈન્કાર કર્યો નથી. ભારત-ચીન વચ્ચે તાજેતરમાં ઉભી થયેલી સૈનિકી સરગર્મીઓ પાછળ દૂરોગામી અને શીઘ્રગામી સામરિક ગણતરીઓ કારણભૂત હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ચીન અને પાકિસ્તાનની ધરી છેલ્લા કેટલાંય સમયથી ભારત વિરુધ્ધ સક્રિય બની છે. જેમાં બંનેના અલગ-અલગ વ્યૂહાત્મક ગણિત કારણભૂત છે. એક તરફ અફધાનિસ્તાનમાં ચાલી રહેલી તાલિબાનો વિરુધ્ધની અમેરિકા અને ગઠબંધન સેનાની કાર્યવાહી અને તેમા પાકિસ્તાનનું મને-કમને ઢસડાવું એક બહુ મોટી સામરિક ઘટના છે. તો બીજી તરફ પાકિસ્તાન પર ભરોસો ડગમગી જવાને કારણે અને વોર ઓન ટેરરની પાકિસ્તાની સીમાડામાં પહોંચવાની ગણતરી સાથે જ અમેરિકાએ ભારત સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ એશિયામાં અમેરિકાની કૂટનીતિક અને સૈનિકી ઉપસ્થિતિ તથા તેની ભારત સાથે વધી રહેલી ઘનિષ્ઠતાઓના કારણે ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જ્યારે અમેરિકા-પાકિસ્તાન અને ચીનના સંબંધોમાં આવેલા કે આવી રહેલા પરિવર્તનને કારણે ભારત માટે આગામી સમયમાં નવા પ્રકારની સામરિક પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
26/11ની ઘટના બાદ ભારત અન્ય તેવા જ આતંકવાદી હુમલાની જાણે કે રાહ જોઈ રહ્યું છે. અમેરિકી અને ઈઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓએ પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં મુંબઈ હુમલા જેવો આતંકવાદી હુમલો થવાની સંભાવના દર્શાવતી ચેતવણી ભારત સરકારને આપી છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનાના એક લાખથી વધારે સૈનિકો સ્વાત ખીણમાં તાલિબાનો સામેની કાર્યવાહીમાં રોકાયેલા છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ તણાવમાં પાકિસ્તાનને ભારતીય સરહદ પર પોતાના સૈનિકો ગોઠવવા પડે, તો તેવી શક્યતાઓ વખતે સ્વાત ખીણમાં ચાલી રહેલા તાલિબાન વિરોધી ઓપરેશન્સને ઘણો મોટો ધક્કો પહોંચે તેમ છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની સેનાને તેના કરતાં સંખ્યા, શક્તિ અને સામર્થ્યમાં બેથી ત્રણ ગણી ભારતીય સેના સામે યુધ્ધનું જોખમ ખેડી લેવું કોઈપણ સંજોગોમાં પોષાય તેમ નથી. વળી અમેરિકાએ તાલિબાની સરગના મુલ્લા ઓમરને પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં શરણ અપાયાની શંકાને કારણે હવાઈ હુમલા કરવાની ચેતવણી આપી છે. જેના કારણે ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાને જોતા વોર ઓન ટેરરમાંથી કોઈપણ હોશિયારી કરીને ઢીલાશ દર્શાવવી પાકિસ્તાન માટે ભારે પડી શકે તેમ છે. આવે વખતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા કરાયેલું એક સૂચક નિવેદન મીડિયામાં ચમક્યું છે. જેમાં ઝરદારીએ ચીન સાથે સામરિક સંબંધોમાં સહકાર વધી રહ્યો હોવાની વાત કબૂલી છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના 60 વર્ષથી વધારે જૂના સંબંધોનું કારણ બંનેના સમાન શત્રુ ભારત વિરુધ્ધ મોરચાબંધી છે. હાલમાં પણ તેવી જ પરિસ્થિતિ આકાર પામી રહી છે. ચીન માટે ભારત અને અમેરિકા વચ્ચેના પરમાણુ કરારના કારણે વધી રહેલી ઘનિષ્ઠતા જોખમ રૂપ છે. વળી અફધાનિસ્તાનમાં અમેરિકી ગઠબંધન સેનાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ પણ ચીનના સામરિક હિતો માટે ઘાતક છે. આવા સંજોગોમાં ચીન તેના જૂના સામરિક સહયોગી પાકિસ્તાન સાથે મળીને કોઈ તિકડમ રચે તેવી સ્પષ્ટ સંભાવનાઓ ઉભી થઈ છે. અમેરિકા ભારત થકી ક્ષેત્રમાં ચીન સામે જટિલ સામરિક પડકાર ઉભો કરે તેવી સંભાવનાઓ ચીની વિશેષજ્ઞો દ્વારા દર્શાવાઈ રહી છે. તેવા સંજોગોમાં ચીન પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સેના દ્વારા ભારતીય સરહદે થઈ રહેલા અતિક્રમણ બે પ્રકારના છે. એક તો, ચીની સેના જે જગ્યાએ ભારતીય સેના સાથે સરહદ સંદર્ભે અલગ મત દર્શાવે છે, તેવી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે ચીની સત્તાવાળાઓ ભારત અને ચીન વચ્ચેની મેકમોહન રેખાને માન્યતા આપતા નથી અને ભારત ચીનની સરહદના પુન:સીમાંકનની માગણી કરી રહ્યાં છે. ભારત અને ચીન વચ્ચેની 4,057 કિલોમીટર લાંબી સરહદે મેકમોહન રેખા થકી વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે બંને દેશો વચ્ચે 14 જેટલી ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજવામાં આવી છે. તેમ છતાં પરિણામ નોંધપાત્ર આવ્યા નથી. વળી ચીની સેના અન્ય એવી જગ્યાએ ઘૂસણખોરી કરે છે કે જ્યાં બંને દેશોની સરહદ બાબતની સમજ સ્પષ્ટ છે. તેમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકારની હરકતમાં ચીનની સાથે સાથે પાકિસ્તાનના સામરિક હિતોની સંડોવણીની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે ચીનનો સ્વાર્થ જોઈએ, તો તેવો અરુણાચલ પ્રદેશના નેવું હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યાં છે. તેઓ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવીને તવાંગ સહિત અરુણાચલ પ્રદેશના મોટા ભાગના હિસ્સા પર પોતાનો દાવો મૂકી રહ્યાં છે. જો કે ભારતે અરુણાચલ પ્રદેશને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પણ ચીન ભારત સાથેની લાઈન ઓફ કંટ્રોલને વધારે વખત શાંત રહેવા દેવા માંગતુ ન હોવાની સ્પષ્ટતા તેની હરકતો દ્વારા કરી ચૂક્યું છે. આ સાથે ચીને સિક્કિમના ફિંગર પોઈન્ટમાં પણ ઘૂસણખોરીની કોશિશ કરી છે.જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વાજપેયીની ચીન યાત્રા દરમિયાન ભારતે તિબેટ ચીનનો હિસ્સો હોવાનું સ્વીકાર્યુ હતું. સાથે ચીની નેતાઓની વાતચીત પરથી 1963માં ભારતીય સંઘ સાથે જોડાયેલા સિક્કિમને ચીન ભારતનો ભાગ માને છે, તેવા મીડિયા અહેવાલો પણ પ્રસારિત થયા હતા. ત્યારે સિક્કિમ બાબતે ચીનનું વલણ ચિંતા ઉપજાવી રહ્યું છે.
આ તમામ સૈન્ય હરકતો દ્વારા ચીન સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે તે ભારત સાથેની લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પર વધારે સમય માટે જૈસે થે પરિસ્થિતિ ચાલુ રાખવા માટે તૈયાર નથી. તેના કારણે અત્યાર સુધી શાંત મનાતી ભારત-ચીન સરહદ પર લાલસેનાએ ઉબાડિયા કરવાનો પ્રારંભ કરી દીધો છે. ચીને જ્યાં બંને દેશોની સરહદો સ્પષ્ટ છે, તેવા કેટલાંક શાંત ગણાતા વિસ્તારોમાં અતિક્રમણની ઘટનાઓ કરીને પોતાના દાવાઓના વિસ્તરણનો ઈરાદો સ્પષ્ટ કરીને અરુણાચલ પ્રદેશ બાબતે ભારત પર દબાણ લાવવાનો કારસો છતો કર્યો છે. સાથે ભારત અને અમેરિકા વચ્ચેના અસૈનિક પરમાણુ કરાર અને તેના થકી બંને વચ્ચેની સામરિક નજદીકીઓ સંદર્ભે પણ ચીને પોતાની હરકતો દ્વારા નાપસંદગી જાહેર કરી છે. ચીન માટે ભારત પરંપરાગત ક્ષેત્રીય પ્રતિસ્પર્ધી છે. જ્યારે આર્થિક , રાજકીય અને સૈનિકી દ્રષ્ટિએ શક્તિસંપન્ન બની રહેલા ચીન માટે વૈશ્વિક ફલક પર અમેરિકા પણ પ્રતિસ્પર્ધી છે. તેવામાં દક્ષિણ એશિયામાં અમેરિકાની ઉપસ્થિતિ અને અમેરિકાની સામરિક સહાયતાથી ભારતની તાકાત વધે કે તેનો પાડોશી દેશો પર પ્રભાવ વધે તેવી કોઈપણ બાબત ચીન માટે અસ્વીકાર્ય છે. કારણ કે ચીને ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા સાથે સામરિક ઘનિષ્ઠતા કેળવીને ભારતની મોરચાબંધી કરી છે. તેવામાં ચીન અન્ય કોઈપણ સામરિક સમીકરણોની શક્યતાને સ્વીકારી શકે તેમ નથી. ભારતની વધી રહેલી આર્થિક તાકાત અને સૈન્ય શક્તિ પણ ચીની આંખોમાં ખટકી રહી છે. ભારતની શક્તિ આ જ પ્રકારે વધતી રહે તો, ચીન સાથેની સરહદો પર ચીની ઈચ્છાનુસાર પુન:સીમાંકનની પીએલએ(પીપલ્સ લિબરેશન આર્મી)ની ઈચ્છા બર આવે નહીં. જેના કારણે ચીન દૂરોગામી પરિણામો અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભારતની સામરિક શક્તિને ખોરવવા માટે જ સરહદો પર છમકલાં કરીને ભારતને દબાણમાં રાખવા માગે છે.
સ્વાત ખીણ અને અફધાનિસ્તાન સરહદે તાલિબાનો સામે સૈનિકી કાર્યવાહીમાં સપડાયેલા પાકિસ્તાન માટે ભારત પાકિસ્તાન સરહદે ચુસ્ત રહે તે પોસાય તેમ નથી. કારણ કે હવે મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટના બને તો તેવા સંજોગામાં ભારત તેની સામે કોઈ સૈનિકી કાર્યવાહી કે કડક પગલાં ભરે તેવી શક્યતા નકારી શકાય તમે નથી. જેના કારણે ભારત અને પાકિસ્તાન સરહદે તણાવભરી સ્થિતિ અવશ્યભાવી છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન તેનાથી બેથી ત્રણ ગણી વધારે સૈન્ય શક્તિ સામે ઝઝુમવાનું ગાંડપણ કરી શકે તેમ નથી. જેના કારણે શક્ય છે કે તેમણે તેમના પરંપરાગત સામરિક સહયોગી ચીન સાથે પોતાના સામરિક હિતો સંદર્ભે સહકાર માગ્યો હોય. આવા સંજોગોમાં આસિફ અલી ઝરદારી દ્વારા ચીન સાથે સામરિક સહયોગ વધી રહ્યો હોવાના નિવેદનનું મહત્વ ઘણું વધી જાય છે. કારણ કે ઘણાં સામરિક સહયોગમાંનું એક એવું પણ હોઈ શકે કે ભારતને પાકિસ્તાન સહીત અન્ય કોઈ સરહદે પણ ઉલઝાવી રાખવું. જેમાં ચીન તેમને સહકાર આપી શકે તેમ છે. કારણ કે ચીની લાલ સેનાઓના અતિક્રમણની ઘટનાઓ બાદ ભારતે ચીની સરહદો પર પોતાના સૈનિકો ગોઠવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ચીન સરહદે બે વધારાની પર્વતીય ડિવિઝન એટલે કે પચાસ હજાર જેટલા સૈનિકો ગોઠવવાની હિલચાલ શરૂ કરી દીધી છે. કેટલાંક ઠેકાણે ટી-72 ટેન્કોને પણ તૈનાત કરવામાં આવી છે. એરફોર્સે પણ સુખોઈ-30ની સ્કોવર્ડન અસમના તેજપુર ખાતે તૈનાત કરી છે. આમ ભારતીય સેનાઓને ચીની સરહદો પર હવે અતિક્રમણની ઘટનાઓ બાદ વિશેષ સૈનિકી પ્રબંધ કરવા પડયા છે. આમ તો ચીન 1965,1971 અને કારગીલ યુધ્ધ વખતે ભારત સરહદે શાંત રહ્યું હતું. પણ હાલની લાલ સેનાની લુચ્ચી હરકતો બાદ ભારત માટે ગાફેલ રહેવું પોષાય તેમ નથી. આમ ભારતને પોતાના સૈનિકી પ્રબંધ બે મોરચે કરવા પડયા છે. જેના કારણે પાકિસ્તાને ભારતનો સામનો કરવાનો વખત આવે, ત્યારે તેમને ભારતની અડધી સૈન્ય શક્તિનો સામનો કરવો પડે તેવી વ્યવસ્થા ચીને કરી આપી છે. વળી ચીની સામરિક હિતોને સમજીએ તો, પીપલ્સ લીબરેશન આર્મી કારાકોરમ હાઈવે અને હાઈડ્રોઈલેકટ્રીક પ્રોજેક્ટની દેખરેખ માટે ગીલગીટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે. સાથે તેઓ ગ્વાદર બંદરગાહ સુધી પોતાનો પ્રભાવ ધરાવે છે અને તેમાં તેમના પ્રત્યક્ષ અને પ્રછન્ન હિતો સમાયેલા છે. કેટલાંક આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, પાકિસ્તાન બાલ્કનાઈઝેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. આ સંજોગામાં તાલિબાનો સામેની પાકિસ્તાની સેનાની કાર્યવાહી લેબેનોનાઈઝેશનની પરિસ્થિતિ પેદા કરી રહી છે. તેવા સંજોગોમાં જો તાલિબાનો એનડબલ્યુએફપી કે ફાટા પર કબ્જો જમાવે, તેવી અરાજકતાભરી પરિસ્થિતિમાં ચીન પાકિસ્તાનમાં તેના હિતોને પાકિસ્તાનની સરકારની મરજી કે મરજી વગર સંરક્ષી શકે તે પ્રકારની હલચલ ચીન કરી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાની ઉભી થઈ રહેલી સામરિક ધરીને પાકિસ્તાનથી દૂર રાખવા માટે ચીનના ઉબાડિયા કામ આવે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. એવા સંજોગોમાં ભારત એલઓસી અને સીરક્રિક તેમજ સીયાચીન જેવા સરહદી મુદ્દાઓને હલ કરવાની લશ્કરી તક ગુમાવે તેવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે તેમ છે. જેના કારણે ચીન ભારતીય સેનાને ચીની સરહદે પોતાના અને પાકિસ્તાનના સામરિક હિતોની રક્ષા કરવા માટે વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
જો કે વિવાદ, સ્પર્ધા અને સહયોગના સંબંધોમાંથી પસાર થઈ રહેલા ભારત અને ચીનના સંબંધોમાં પરિસ્થિતિ સાવ 1962 જેવી નથી જ. 1962માં ચીને ભારતને હિંદી ચીની ભાઈ ભાઈના ધોખામાં નાખીને આક્રમણ કર્યું હતું. જેના કારણે ભારતે 38,000 ચો.કિમી.નો અક્સાઈ ચીનનો વિસ્તાર અને સાત હજાર જેટલા સૈનિકોનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ ચીને ભારત સામે એકતરફી યુધ્ધ વિરામ જાહેર કરીને લાઈન ઓફ એક્ચયુલ કંટ્રોલને અમલમાં આણવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ 1968માં ચીને અરુણાચલ પ્રદેશ પાસે ફરીથી લશ્કરી ઉબાડિયું ભર્યું પણ આ વખતે ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપીને ખામોશ થવા મજબૂર બનાવ્યું હતું. ત્યાર બાદ છેક 1987માં ચીને ફરીથી પૂર્વોત્તર સરહદે લશ્કરી જોખમ ઉભું કર્યું હતું. જેનો ભારતીય સેનાએ માકૂલ જવાબ આપીને ચીનને પોતાના ઈરાદા બર લાવતા રોક્યું હતું. ભારત ચીન માટે જટિલ સામરિક પડકાર છે. જ્યારે ભારત-ચીન વચ્ચે આગામી વર્ષ સુધીમાં સાઈઠ અબજ ડોલર સુધીનો જંગી વેપાર થાય તેવી સંભાવના રહેલી છે. ગ્લોબલ વોર્મિંગ અને વિકાસશીલ દેશોના હિતોના મામલે બંને દેશોના વલણ લગભગ સરખા છે. બંને દેશો દુનિયાના બજારોમાં એકબીજાને ટક્કર પણ આપી રહ્યાં છે. ત્યારે 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ભારત પાસે અતિવિનાશક પરમાણુ વિકલ્પ પણ ખુલ્લો છે. ભારતે તાજેતરમાં પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત બ્લુ સીમાં ઉતારીને પોતાની પ્રતિરક્ષા ક્ષમતા માટે કોઈને પણ ગાફેલ ન રહેવા માટેના સંકેતો પાઠવી દીધા છે. તેમ છતાં ભારતે પોતાની સીમા પાર વાર કરવાની પ્રતિરોધક ક્ષમતાઓમાં વધારો કરવા સંદર્ભે પોતાની સંકલ્પબધ્ધતા સતત વધારવી પડશે. હાલ પૂરતું લાગે છે કે વાજપેયી કાળને બાદ કરતાં ભારત પાસે ચીનનો સામનો કરવા માટે કોઈ ચોક્કસ સંકલ્પ નથી. પણ જો સંસદમાં આપસી સહયોગ કરીને સર્વસંમતિથી ચીન સામે કોઈ યોગ્ય નીતિ ઘડવામાં આવશે, તો તે ચીન માટે બહુ મોટો સંકેત બની રહેશે. ભારતે પોતાના સામરિક હિતોની રક્ષા માટે અમેરિકા અને ચીન બંનેથી સાવધાન રહીને એક ચોક્કસ સ્વતંત્ર નીતિ ઘડવી આવશ્યક છે. તેના માટે કૂટનીતિક પ્રયત્નો સાથે સાથે સૈન્ય ક્ષમતાઓ વધારવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની વ્યૂહરચના ઘડીને પાકિસ્તાન અને ચીનની સામરિક ઘરીને યોગ્ય જવાબ આપવો જરૂરી બન્યો છે. જો કે હાલ પૂરતો ચીનનો સામનો કરવાનો રસ્તો બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સતત વૃધ્ધિ છે. બંને દેશો પોતાની આર્થિક નિર્ભરતાને ખૂબ ઝડપથી વધારે તે યોગ્ય છે. સાથે ચીનને કૂટનીતિક વાતચીતમાં વ્યસ્ત રાખવું પણ એક ખૂબ સારો વિકલ્પ છે. હવે 2009માં ચીનને 1962નું પુનરાવર્તન કરતું રોકવા માટે પ્રતિરક્ષા ક્ષમતામાં વધારો કરતાં રહેવું પણ એક બહુ મોટું સામરિક લક્ષ્ય છે. જેના માટે ભારતના કર્ણધારોએ સાદગીના દેખાડામાંથી બહાર નીકળીને સામરિક હિતો સાચવવા માટે વૈશ્વિક અખાડામાં પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરવા તરફ ધ્યાન આપવું પડશે. ભારત અને પાકિસ્તાન સામરિક હિતોની દ્રષ્ટિએ એક બીજાના પ્રતિસ્પર્ધી છે. તો બીજી તરફ ચીન અને અમેરિકા વૈશ્વિક સ્તરે એકબીજાના વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી છે. જ્યારે ચીન ભારતને ક્ષેત્રીય સ્તરે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. જેના કારણે દક્ષિણ એશિયાના ફલક પર ભારત અને અમેરિકાની ધરી સામે ચીન અને પાકિસ્તાનની ધરી ઉભરી રહી છે. જેના કારણે દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલા સામરિક સમીકરણોથી ઉભી થઈ રહેલી પરિસ્થિતિ માટે ભારતે સાવધ રહીને પોતાના સામરિક હિતોની રક્ષા માટે સજ્જ બનવા માટે નવી નીતિ બનાવવી પડશે.