Sunday, March 4, 2012

નાગપુરમાં ભાજપનું મુસ્લિમ લીગ સાથે જોડાણ, ગડકરીની સંઘને કેમોથેરાપી


gadkari's chemotherapy to rss bjp and muslim leage coalation in nagpur corporation

આરએસએસના સરસંઘચાલકે ભાજપને કેમોથેરપી આપવા માટે નીતિન ગડકરીને પાર્ટીના અધ્યક્ષ તરીકે આગળ કર્યા. પરંતુ પરિસ્થિતિ એવી આવી રહી છે કે નીતિન ગડકરી સંઘને કેમોથેરપી આપી રહ્યા હોય...!! પોતાની રાષ્ટ્રવાદી નીતિ અને દ્રષ્ટિકોણનો ઢોલ પીટી રહેલા સંઘના મુખ્યમથક નાગપુર ખાતે મહાનગરપાલિકામાં સત્તા લેવા માટે ભાજપે મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ લીધો છે.

વળી આમા મોટી વાત એ છે કે ભાજપે પોતાના લગભગ બે દાયકા જૂના સાથીપક્ષ શિવસેનાના 6 કોર્પોરેટરોના સાથને દરકિનાર કર્યો છે. સંઘના મુખ્યમથક નાગપુરની 145 સભ્યોવાળી નગરપાલિકામાં ભાજપને 62 બેઠકો મળી છે. રાજકારણમાં સત્તાકારણ ચલાવી રહેલા ગડકરીએ શિવસેનાને દરકિનાર કરીને 10 અપક્ષ અને મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોનો સાથ મેળવીને 74ની સંખ્યા મેળવી નાગપુર નગરપાલિકા પર સત્તાની દાવેદારી નોંધાવી દીધી છે.

આમ તો સંઘના મુખ્યમથક નાગપુરમાં જ તેની રાજકીય પાંખ ગણાતા ભાજપનું જોર ધીમું રહ્યું છે. અહીંના 18 લાખ વોટરોમાં સાડા ચાર લાખ દલિત અને ચાર લાખ મુસ્લિમ વોટરો છે. એટલે કે કુલ સાડા આઠ લાખ વોટરો મહદ અંશે ભાજપ વિરુદ્ધ વોટિંગ કરે છે. જેને કારણે નાગપુરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપનો દેખાવ ઘણો નિરાશાજનક રહે છે. પરંતુ પ્રત્યક્ષ રીતે રાજનીતિમાં નહીં એવો સંઘ ભાજપમાં સ્વયંસેવકો મોકલીને રાજનીતિ કરે છે, તે કોઈનાથી છૂપું નથી.

1998માં એનડીએના નેજા નીચે સત્તાના રસચટકા ભરવા દિલ્હી પહોંચેલા સંઘના સ્વયંસેવકોએ ધીમેધીમે કરીને 2004 બાદ સંઘને ભાવ આપવાનું બંધ કરી દીધું. તેથી 2009માં સરસંઘચાલક પદે આસિન થતાંની સાથે જ સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપની કેમોથેરપીની વાત કરી. તે વખતે ચર્ચા હતી કે ભાજપ ફરીથી હિંદુત્વના રાષ્ટ્રવાદી મુદ્દાઓને હાથ પર લેશે. પરંતુ એક પછી એક વિચારધારાના ધરાતલ પર રાજકીય સમાધાનો નીતિન ગડકરીએ શરૂ કર્યા છે.

ગડકરીએ ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને હત્યાના કેસમાં સપડાયેલા શિબૂ સોરેન સાથે સમજૂતી કરીને શરમજનક સ્થિતિમાં સરકાર બનાવી છે. તેની પાછળ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંઘની શીર્ષસ્થ નેતાગીરીને એવી રીતે વિશ્વાસમાં લેવામાં આવી છે કે ઝારખંડ આદિવાસી ક્ષેત્ર છે અને ત્યાં ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરણનું કામ કરી રહી છે અને નક્સલવાદી પ્રવૃતિઓને પણ ટેકો આપી રહી છે. તેથી જો ઝારખંડમાં ભાજપ સત્તામાં હશે તો તેને પર અંકુશ મૂકીને પરિસ્થિતિ વણસવા નહીં દેવામાં સફળતા પ્રાપ્ત થશે.

ઉત્તર પ્રદેશમાં પણ નીતિન ગડકરીએ પહેલા ભાજપમાંથી કાઢી મૂકાયેલા ઉમા ભારતીને પાર્ટી તરફથી ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા અને સીડીકાંડમાંથી બેઈજ્જત બરી થયેલા નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી સંજય જોશીને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને ગડકરીએ કદાચ સંઘના દોરીસંચાર નીચે જ મોદીને કદ પ્રમાણે વેતરવાનો તખ્તો તૈયાર કર્યો છે. માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ સારો રહેશે, તો સંજય જોશીને ભાજપમાં સંઘના ફૂલ-ટાઈમર માટે અનામત એવી સૌથી ઉંચા રાષ્ટ્રીય મહાસચિવના પદે ગોઠવી દેવામાં આવશે.

બીજી તરફ માયાવતી સરકારમાં રહીને એનએચઆરએમ કૌભાંડમાં શંકાના દાયરામાં આવનારા ભૂતપૂર્વ મંત્રી બાબુસિંહ કુશવાહાને ભાજપમાં લેવાના એપિસોડમાં પણ ગડકરીની ભૂમિકા પર ભારે હોબાળો મચ્યો હતો. જો કે ગડકરીએ સ્પષ્ટીકરણના ટોનમાં કુશવાહાના માધ્યમથી ઓબીસી કાર્ડ ખેલવાની રણનીતિ યૂપીના નેતાઓને સમજાવાની કોશિશ કરી હતી. પરંતુ યોગી આદિત્યનાથ અને મેનકા ગાંધીના પુરજોર વિરોધને કારણે કુશવાહાએ ભાજપમાં પોતાનું સભ્યપદ સ્થગિત રાખવાની નીતિન ગડકરીને વિનંતી કરીને મામલો થાળે પાડવાની કોશિશ કરી.

હવે થોડા સમય પહેલા સમાચાર ચમક્યા હતા કે ડીસેમ્બરમાં ભાજપ અધ્યક્ષ તરીકે નીતિન ગડકરીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. તેવા સંજોગોમાં ભાજપના નવા અધ્યક્ષની શોધખોળ તેજ બની છે. પરંતુ સંઘ નીતિન ગડકરીના કામથી ખુશ હોવાથી 2014ની ચૂંટણી તેમના અધ્યક્ષ પદ હેઠળ લડવામાં આવે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે.

પરંતુ નીતિન ગડકરીની નબળી બાજુ એ રહેલી છે કે સંઘે ભાજપ પર પોતાની સર્વોપરીતા સિદ્ધ કરવા માટે એવા વ્યક્તિને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે કે જેઓ વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકતા નથી. તેની પાછળનો હેતુ સ્વયંસેવકોના માધ્યમથી રાજનીતિ કરી રહેલા સંઘનું તેની લાઈનની બહાર ગયેલા સ્વયંસેવકોને ઠેકાણે લાવવાનો હતો. ત્યારે એવી ચર્ચા છે કે ગડકરી દ્વારા ભાજપની રાજનીતિ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ધડા માટે ગડકરીનું કદ વધે તે ઘણું જરૂરી છે. આ ત્યારે શક્ય બને કે નીતિન ગડકરી જ્યારે નાગપુરથી લોકસભાની ચૂંટણી જીતી લે. ચર્ચા એવી પણ છે કે ભાજપના પાંચ-છ વડાપ્રધાન પદના મુરતિયાંમાં છાને ખૂણે નીતિન ગડકરીની પણ ગણતરી થઈ રહી છે. તેવામાં તેઓ જો લોકસભાની ચૂંટણી જીતે તો તેમનું રાજકીય કદ વધે અને દિલ્હીના રાજકારણમાં તેમને માન્યતા પણ મળે.

નાગપુરમાં મહાનગરપાલિકામાં મુસ્લિમ લીગના બે કોર્પોરેટરોને સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાની શરતે સમજૂતી કરનારા ગડકરીએ આખી શતરંજની બાજી એવી રીતે બિછાવી છે કે જેનાથી સંઘ પરિવારની અંદર પહેલો સંકેત એ જાય કે સંઘના વિચારને નાગપુરમાં જ્યાં સુધી માન્યતા મળશે નહીં, ત્યાં સુધી દેશનો રસ્તો પાર કરવો સપનાથી આગળનો કિસ્સો નથી. તેથી મુસ્લિમ લીગના કોર્પોરેટરોના ટેકા પર આરએસએસની અંદર સવાલ ઉઠે તે પહેલા સરસંઘચાલક મોહન ભાગવતે તેના સંદર્ભે ચુપકીદી સેવવાના સંકેતો આપી દીધા છે.

નાગપુરમાં સંઘના મુખ્યમથકના ઈશારે જેમણે જિન્નાની કબર પર માથું ટેકવીને તેમને સેક્યુલર કહેવાના કસૂર બદલ લાલકૃષ્ણ અડવાણીને પાર્ટી અધ્યક્ષ પદેથી ખસેડવાની કવાયત કરી હતી, તેઓ પણ ગડકરીના આ પગલાં સંદર્ભે કદમતાલ કરી શક્યા નથી. કારણ કે અડવાણીને જિન્નાહ એપિસોડમાં ભારે પડનારા સંજય જોશી અત્યારે નીતિન ગડકરીના પડખામાં બેઠા છે. જો કે સ્વયંસેવકોમાં ચર્ચા છે કે જિન્નાહની કબરે માથું ટેકવનારા લોકોનો કોઈ ભરોસો નથી, તેઓ મુસ્લિમ લીગ સાથે ગઠબંધન ન કરત તો પણ નવાઈ લાગે. કદાચ 2014માં નાગપુર જેવી પરિસ્થિતિ કેન્દ્રમાં પેદા થાય તો તેવા સંજોગોમાં પણ ભાજપ પોતાના જૂના હિંદુત્વવાદી સાથી શિવસેનાને દરકિનાર કરીને મુસ્લિમ લીગ સાથે બેસવામાં શરમ અનુભવે નહીં.

જો કે સંઘ કાર્યકર્તાઓના રોષ સિવાય યા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખુદને પરિવર્તિત કરી ચુક્યું છે અથવા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ ચૂંટણીની શતરંજમાં સત્તા માટે સંઘની વિચારધારાને દરકિનાકર કરી નાખી છે. જે પણ કંઈ હોય પરંતુ આરએસએસના ગઢ નાગપુરમાં જ મહાનગરપાલિકામાં ભાજપની સત્તા થકી પોતાનું વર્ચસ્વ સિદ્ધ કરવા ગડકરીએ જે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેનાથી કોંગ્રેસ સુદ્ધાંની હવા નીકળી ગઈ છે. ત્યારે હવે એ દિવસો પણ દૂર નથી કે ભાજપ અને મુસ્લિમ લીગ એકસાથે ઉભા રહી શકે છે અને સંઘની વિચારધારા જ નહીં સંઘના સ્વયંસેવકોની જમાત સાથે મુસ્લિમ લીગ અથવા મુસ્લિમ લીગી માનસિકતાવાળા વ્યક્તિઓ અને સંગઠનો પણ સત્તામાં એકસાથે ભાગીદારી કરી શકે છે. ત્યારે સવાલ એ છે કે સત્તા પર પહોંચવા માટે હિંદુત્વનો સહારો લઈને શું ભાજપને અત્યાર સુધી રામમંદિરના નામે ઉધામા કરીને સ્યૂડો હિંદુત્વનું રાજકારણ ખેલ્યું? હવે જ્યારે હિંદુત્વના મુદ્દાઓ સુષુપ્ત થઈ ગયા છે, જ્યારે સેક્યુલારિઝમના નામે મુસ્લિમ લીગીઓ સાથે જોડાણ કરવા સુધીનું રાજકારણ ખેલીને શું ભાજપ પોતાનું વૈચારીક ધરાતલ ગુમાવી રહ્યું હોવાનું મનાય છે.

No comments:

Post a Comment