Monday, August 22, 2016

પાકિસ્તાનને કાશ્મીરમાં ઉંબાડિયા પર પીઓકે-બલૂચિસ્તાનથી જવાબ

- પ્રસન્ન શાસ્ત્રી

પાકિસ્તાનની સમસ્યા તેના નાપાક ઉદભવના પાંચ-સાડા પાંચ દાયકા સુધી માત્ર અને માત્ર ભારતની સમસ્યા જ માનવામાં આવી હતી. પરંતુ જેહાદી આતંકવાદના નીત-નવા વિચારોના સંસ્કરણો પેદા કરનારું પાકિસ્તાન આખી દુનિયામાં આતંકવાદ અને આતંકવાદીઓનું નિકાસકાર બની ચુક્યું છે. જો કે દુનિયાએ ભારતને લોહીલુહાણ થતું અને બાદમાં અફઘાનિસ્તાનને બરબાદ થતું જોવાનું ચાલુ રાખ્યું હતું. કમ્યુનિસ્ટ વિચારધારાના વાહક સોવિયત સંઘ સામે લડવામાં પાકિસ્તાનનો અમેરિકા અને યુરોપના દેશોએ ખૂબ ઉપયોગ કર્યો છે. પરંતુ 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાએ સાબિત કરી દીધું કે પાકિસ્તાનમાં 1979થી 1991 સુધીમાં સોવિયત સેનાઓ સામે ઉભું કરાયેલું આઈડિયોલોજિકલ વેપન તેના અમેરિકા અને યુરોપ સહીતના આકાઓ માટે ભસ્માસુર સાબિત થવાનું શરૂ થઈ ચુક્યું છે. મજહબી કટ્ટરવાદનો અતિરેક અને તેના થકી ઉભો થયેલો રાજ્ય પ્રાયોજિત પાકિસ્તાની આતંકવાદ દુનિયામાં ઠેરઠેર કાળો કહેર વર્તવી રહ્યો છે. 

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હામિદ કરજાઈએ તો ત્યાં સુધી કહ્યુ છે કે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ એટલે કે દાઈશને પાકિસ્તાનમાંથી ટેકો મળી રહ્યો છે અને તેના અફઘાનિસ્તાન પાસે પુરાવા છે. મહત્વપૂર્ણ છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા હવે માત્ર ઈસ્લામિક સ્ટેટ બનીને સ્ટેટ ઓફ ખોરોસાન જીતવા માટે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત સુધી પોતાના જેહાદી આતંકના ઈરાદા વિસ્તારવા માંગે છે. અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પોતાની જાળ વિસ્તારી રહ્યા છે. કેટલાંક આતંકવાદી જૂથોએ આઈએસ પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી છે. પાકિસ્તાનમાં ઘણાં આતંકવાદી હુમલામાં છેલ્લા બે વર્ષથી આઈએસ પોતાની જવાબદારી લઈ રહ્યું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટો દેશોની સેનાઓ છેલ્લા સોળ વર્ષથી આતંકના ખાત્મા માટે યુદ્ધ લડી રહી છે. પરંતુ આતંકવાદ અહીં સમાપ્ત થયો નથી. તેના સ્થાને તાલિબાનો અને અન્ય આતંકવાદીઓ અલકાયદાના નબળા પડવા છતાં અહીં ખાસા સક્રિય છે. 

વૈશ્વિક આતંકવાદને સમાપ્ત કરવા માટે સૌથી મોટી જરૂર તેના મૂળ સ્ત્રોતને ખતમ કરવાની છે. આમ તો તેના મૂળ સ્ત્રોતની ચર્ચામાં ઉતરીશું, તો છેક ઈસ્લામના મૂળ ઉપદેશો સુધીની ચર્ચા કરવી પડશે. પરંતુ હાલ માત્ર દેખીતી અભિવ્યક્તિ તરીકે ઈસ્લામના ઉપદેશોનો ઉપયોગ કરીને દુનિયાભરમાં હિંસાનો ખેલ ખેલનારો એકમાત્ર અનિયંત્રિત સ્ત્રોત કોઈ હોય, તો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન છે. વિશ્લેષકોના મતે મજબૂત અને સ્થિર પાકિસ્તાન ભારત માટે સારું હોવાનું કહેવાતું રહ્યું છે. પરંતુ મજબૂત અને સ્થિર પાકિસ્તાને ભારતને યુદ્ધ અને આતંકની પીડા જ આપી છે. તેથી હવે ભારત અને દુનિયાના નેતાઓએ પાકિસ્તાનને પાકિસ્તાનવાદી વિચારધારા નબળી પાડીને તેને તોડી નાખીને અહીં કેદમાં સબડતા લોકોને તેમની વંશીય, પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખ પાછી અપાવવી જરૂરી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વિવિધતાને ફરીથી સજીવ કરવામાં આવશે, તો ઈસ્લામિક આતંકવાદીની સમસ્યા આપોઆપ સમાપ્ત થઈ જશે. 

આમ તો પાકિસ્તાની સેના જેહાદી જોકરોનું એક સરકસ ચલાવી રહી છે અને આ સરકસમાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ એક રિંગમાસ્ટર છે. માનવતાને ખતમ કરવા મથતા જેહાદી આતંકવાદીઓનો મેળાવડો સમાપ્ત થવો જરૂરી છે. પાકિસ્તાન છેલ્લા સાત દાયકાથી કાશ્મીરનું ગાણું ગાયે રાખે છે. આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ પાકિસ્તાન પ્રેરીત ભાગલાવાદીઓ કાશ્મીર ખીણમાં દેખાવોના નામે હિંસાચાર કરીને જનજીવન ઠપ્પ કરીને બેઠાં છે. આ ભાગલાવાદીઓ છેલ્લા દોઢ વર્ષથી કાશ્મીર ખીણમાં હિંસા અને આતંકવાદીને બેઠો કરવા માટેની કોશિશો કરી રહ્યા છે. જેમાં દર શુક્રવારે નમાજ બાદ પાકિસ્તાની, લશ્કરે તોઈબા અને આઈએસના વાવટા ફરકાવવાની ભાગલાવાદીઓની ઈબાદતોને આખા દેશે જોઈ છે. જો કે તે વખતે આવી હરકતોને ડામવા માટેની કોઈ અસરકારક કોશિશો સમયસર હાથ નહીં ધરાયાનું પણ દેશના લોકોને લાગી રહ્યું છે. કાશ્મીરની પરિસ્થિતિ સંદર્ભે આઝાદી દિવસ પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠકમં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલુચિસ્તાન અને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા કાશ્મીરના વિસ્તારોમાં પાડોશી દેશના અત્યાચારનો મુદ્દો ઉજાગર કરવાનો વખત આવી ગયો હોવાનું એલાન કર્યું હતું. તેની સાથે છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન સાથેની નિષ્ફળ રહેલી પરંપરાગત ઉદારવાદી નીતિની સમીક્ષા પણ જરૂરથી શરૂ કરાઈ હશે. સ્વતંત્રતાદિવસે લાલકિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલુચિસ્તાન, પાકિસ્તાનના ગેરકાયદેસર નિયંત્રણમાં રહેલા કાશ્મીર અને તેના જ અલગ કરાયેલા હિસ્સા ગિલગિત-બાલ્તિસ્તાનમાં માનવાધિકાર ભંગના મામલાને ઉઠાવીને પાકિસ્તાન નીતિની ચાલઢાલ બદલવાનીનું એલાન પણ કર્યું છે. તો સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે પાકિસ્તાન જવું નરક સમાન ગણાવ્યું છે. જ્યારે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે પીઓકેમાં તિરંગો ફરકાવવાની વાત કહી છે.


આતંકવાદી બુરહાન વાનીને શહીદ જાહેર કરીને પાકિસ્તાને ભારતને છંછેડવાની મોટી ભૂલ કરી છે. કાશ્મીર પર વાટાઘાટોની વાત કરતું પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદીને ચાલુ રાખવો પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે હવે ભારત અને પાકિસ્તાનના સંબંધો એક નવા યુગમાં પ્રવેશી ચુક્યા છે. ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારાઓમાં પાકિસ્તાનના વડાપ્રધાનના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અઝીઝ, પાકિસ્તાનના ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને પાકિસ્તાની સેનાપ્રમુખ જનરલ રાહીલ શરીફ સુધીના તમામનો સમાવેશ થાય છે. હવે ભારત તરફથી પણ તેના જવાબમાં સંવાદની ભાષામાં આવેલું પરિવર્તન સંબંધોનો નવો દ્રષ્ટિકોણ દર્શાવી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાન સાથે શાંતિના કબૂતરો ઉડાડવાની તુષ્ટિકરણની નીતિનો શું અંત આવશે? તેવી એક આશા પણ ભારતના લોકોમાં જાગી છે. પાકિસ્તાનના આતંકવાદી હુમલાઓ છતાં શાંતિના કબૂતરો ઉડાડનારી ભારત સરકારોની ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય મંચો પર ખૂબ વાહવાહી થઈ છે. પણ આવી વાહવાહી લૂંટવા માટે જનતા અને સૈનિકોએ અવિરત બલિદાન આપવા પડયા છે.. પણ દુખદ વાત એ રહી છે કે વાહવાહી લૂંટવાની લ્હાયમાં ભારતના ભૂતકાળના શાસકોને તેની બિલકુલ યાદ આવી નથી. 

ભારત સામે એકસાથે ઘણાં કૂટનીતિક મોરચાઓ પાકિસ્તાને ખોલ્યા છે. પહેલા ચીનના પ્રોક્સિ તરીકે ભારતના ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં પ્રવેશને વિલંબિત કરવાના કામમાં પાકિસ્તાને બીજિંગનો સાથ આપ્યો હતો. તો બાદમાં કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રથી માંડીને 56 ઈસ્લામિક દેશોના સમૂહ ઓઆઈસી ખાતે પણ પાકિસ્તાન તરફથી રજૂઆતો કરવામાં આવી છે. ઈસ્લામિક દેશોના જૂથે કાશ્મીરને ભારતનો આંતરીક મામલો ગણવાનો ઈન્કાર કર્યો છે. ત્યારે ભારત તરફથી પણ ઓઆઈસીને કહેવામાં આવ્યું છેકે ધીરજની પરીક્ષા કરવાનું રહેવા દો. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાર્ક દેશોના ગૃહપ્રધાનોની બેઠકમાં ઈસ્લામાબાદ જઈને પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘણું સંભળાવી આવ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં રાજનાથસિંહ સાથે પ્રોટોકોલ તોડીને ગેરવર્તન કરાયું અને તેમના ભાષણથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. રાજનાથસિંહે પણ પાકિસ્તાનને સંભાળાવ્યા બાદ લંચ કર્યા વગર ભારત પાછા ફર્યા હતા. રાજનાથસિંહે યાદ અપાવ્યુ કે તેઓ પાકિસ્તાન લંચ કરવા ગયા ન હતા. પાકિસ્તાનથી મળેલી ધમકીઓને કારણે તેમણે ઈસ્લામાબાદ જઈને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને દુનિયા સામે બેનકાબ કરવાનું નક્કી કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ અને શિષ્ટાચારની પરવાહ કર્યા વગર 25 ડિસેમ્બર-2015ના રોજ કાબુલથી લાહોર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને જન્મદિવસની મુબારકબાદ આપવા ગયા હતા. પરંતુ પાકિસ્તાન તરફથી ભારતના ગૃહ પ્રધાન સાથે દેખાડવામાં આવેલો ખોખલો અહંકાર દર્શાવી રહ્યો છેકે પાડોશી દેશને વિવેકની ભાષા સમજમાં આવતી નથી. રાજનાથસિંહ સાથેનો અશોભનીય વ્યવહાર પાકિસ્તાનની દ્વિપક્ષીય સંબંધોની ગરિમા અને કૂટનીતિક ઔપચારીકતાઓ પણ નહીં જાળવાની પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. 
પાકિસ્તાનમાં લોકશાહી માત્ર દેખાડા પુરતી છે. હકીકતમાં પાકિસ્તાન તેની સેના અને આઈએસઆઈ દ્વારા સંચાલિત થાય છે.  ભારતમાં પોતાને સેક્યુલર અને ઉદારવાદી ગણાવતી એક ખાસ ટોળકી પત્રકાર જગત અને રાજકારણમાં સક્રિય છે. પાકિસ્તાનની આતંકી હરકતો વિરુદ્ધ દ્રઢતાપૂર્વક બોલનારાઓને આવી ટોળકીના સરગનાઓ અતિરાષ્ટ્રવાદી અથવા ઉગ્રવાદી ગણાવીને તેમને ઉતારી પાડવાની કોશિશ પણ કરતા રહે છે. પાકિસ્તાની આતંકના ખેલ સામે અમન કી આશાઓના નામે શાંતિના કબૂતરો ઉડાડનારાઓની ફોજ કેવી રીતે ભારતના લોકોના રાષ્ટ્રવાદની હદ નક્કી કરી શકે? આવા દંભીઓને પણ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાની આતંકી નીતિઓને ચુપચાપ સહન કરવી રાષ્ટ્રવાદ હોઈ શકે નહીં. આના માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના રાષ્ટ્રવાદીઓને ઉતારી પાડવાની તમારી હરકતોની પણ એક હદ છે, તેનું ધ્યાન નહીં રાખવામાં આવે તો આવી હરકતો કરનારા દંભીઓના શંભુમેળા સામે ઘણી તકલીફો પણ ઉભી થવાની છે. આખરે ભારતના લોકોની રાષ્ટ્રવાદી લાગણીઓને ગાળ આપવાની તમારી હરકતો ક્યાં સુધી ચાલશે? એનો પણ અંત આવશે.

પાકિસ્તાનમાં તાજેતરમાં પીઓકે અને ગિલગિત-બાલ્તિસ્તાન ખાતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ અને આ ચૂંટણીઓમાં પાકિસ્તાની સેનાની ગડબડ બાદ નવાઝ શરીફની પાર્ટીને જીત મળી. આ ગોલમાલથી સ્થાનિક પ્રજામાં ખૂબ રોષની લાગણી છે. તો ચીન-પાકિસ્તાન વચ્ચેના ઈકોનોમિક કોરિડોર સામે પીઓકે, ગિલગિત-બાલ્તિસ્તાન અને બલુચિસ્તાનમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ભારત સાથેની સરહદ અને અંકુશ રેખા પર આક્રમક રહેતી પાકિસ્તાની સેના આ વિસ્તારોમાં પણ દમનચક્રો ચલાવી રહી છે. બલુચિસ્તાન અને સિંધ સહીતના પાકિસ્તાનના તમામ પ્રાંતોમાં પાકિસ્તાન સામે આક્રોશ અને પોતાની ઓળખ માટેની સભાનતા હવે વ્યક્ત થઈ રહી છે. કેટલાંક પાકિસ્તાની વિશ્લેષકો પણ સવાલ કરી રહ્યા છે કે પાકિસ્તાન ક્યાં છે? હકીકતમાં તો પાકિસ્તાની સેના જ પાકિસ્તાનના નામે ભારત અને હિંદુ વિરોધી મજહબી લાગણીઓથી કોઈક રીતે પોતાના જમીનના ટૂકડાઓ એક રાખવાની કોશિશમાં લાગેલી છે. નવેમ્બર માસમાં પાકિસ્તાનનો નવો સેના પ્રમુખ આવશે. જનરલ રાહીલ શરીફ બાદ આવનારો પાકિસ્તાની સેના પ્રમુખ પણ કાશ્મીર કાર્ડ ખેલીને પાકિસ્તાનમાં સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. તો 2018માં પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે પણ કાશ્મીર મુદ્દે વોટ માંગવાની કોશિશમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ પોતાનો કઠપૂતળી વડાપ્રધાન સત્તામાં લાવશે. તેના પહેલા પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ પડખું બદલશે તો નવાઝ શરીફના સ્થાને પાકિસ્તાનના ગૃહ પ્રધાન ચૌધરી નિસાર અલી ખાનના આવવાની શક્યતાઓ જાણકારો નકારતા નથી. મહત્વપૂર્ણ છેકે ભારતના ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે કૂટનીતિક વિવેકના સ્થાને ગેરવર્તન કરીને નિવેદનબાજી કરનાર ચૌધરી નિસાર અલી ખાન જ હતા. તેની પાછળ ચૌધરી નિસારની પાકિસ્તાની સેનાની આંખોના તારા બનવાની લલક સ્પષ્ટ છલકતી હતી. યાદ રાખવું જોઈએ કે વૈશ્વિક આતંકવાદી ઓસામા બિન લાદેનને સંરક્ષણ આપનારી પાકિસ્તાની સેના માટે મજહબી કટ્ટરવાદ સર્વોપરી છે અને ભારત વિરોધી લાગણીઓ તેમનું મોટું મોટિવેશનલ ફેક્ટર છે. 

કાશ્મીરમાં અશાંતિ પેદા કરવાની પાકિસ્તાની સેના અને આઈએસઆઈની મેલીમુરાદ સામે માત્ર કાશ્મીરીયત, જમ્હુરિયત અને ઈન્સાનિયતની રટ લગાવવી પુરતી નથી. પાકિસ્તાનની કઠપૂતળી સરકારને જમ્હૂરિયત સાથે કઈ લેવા દેવા નથી? તો ભારતના સત્તાધીશોએ પણ કાશ્મીરીયતની સાથે જમ્મુઈયત અને લડાખિયતને પણ માન્યતા આપવી પડશે. જો કે તેના માટે જમ્મુ-કાશ્મીરને વિભાજિત કરવું જરૂરી નથી. કાશ્મીર ખીણને પોતાની જાગીર સમજીને અશાંતિ ફેલાવનારા પાકિસ્તાન-પરસ્ત તત્વોને જમ્મુઈયત અને લડાખિયત પણ જમ્મુ-કાશ્મીરનો ભાગ હોવાનું સ્પષ્ટપણે અહેસાસ કરાવવાનો પણ સમય હવે પાકી ગયો છે. 

ભારતનું હાલનું વલણ સ્પષ્ટ છેકે પાકિસ્તાન કાશ્મીર પર વાટાઘાટો કરવા ઈચ્છતું હોય.. તો તેણે પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર,ગિલગિત-બાલ્તિસ્તાન અને બલુચિસ્તાનના માનવાધિકાર ભંગના મામલાઓ પર પણ આંતરરાષ્ટ્રીય મંચો પર જવાબ આપે. ભારત સાથે વાટાઘાટો કરવી જ હોય, તો પોતે ગેરકાયદેસર રીતે હડપેલા ગિલગિત-બાલ્તિસ્તાન સહીતના પીઓકે પર પાકિસ્તાન વાત કરે. ભારત સરકારની વાટાઘાટો માટેની નીતિમાં આવેલું પરિવર્તન પાકિસ્તાનની આતંકવાદને પોતાનો હક માનતી નીતિ સામે બિલકુલ ખોટી પણ નથી લાગતી. ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારના નિવેદનોમાં બે વર્ષની પાકિસ્તાન પ્રત્યેની ઉદરતા બાદ કડકાઈ આવી છે. તેનો સીધો અર્થ એવો કાઢી શકાય કે પાકિસ્તાનના આતંકવાદને સહન કરવાની ભારતની પણ એક સીમા છે. જો કે પાકિસ્તાનની સામેની નીતિમાં કેન્દ્ર સરકારના શબ્દોમાં આવેલું પરિવર્તન વાસ્તવિકતાના સ્તરે પણ દેખાવું જરૂરી છે. કાશ્મીરની સમસ્યાનું પાકિસ્તાને પકાવેલું ગુમડું ભારતને આઝાદીના સમયથી પીડા આપી રહ્યું છે અને તેથી કાશ્મીરમાંથી પાકિસ્તાન પરસ્તી ખતમ કરવા માટેના નીતિગત પરિવર્તનોની પણ તાતી જરૂરિયાત છે. 

પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની રણનીતિ અને કૂટનીતિ અપનાવવા માટે બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ બરહમદાગ બુગ્તીનું તાજેતરમાં કરાયેલું કથન પણ સમજવું જરૂરી છે. બલૂચ નેતા બરહમદાગ બુગતીએ કહ્યુ છે કે એક જવાબદાર પાડોશી અને દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ભારતે બલુચિસ્તાનમાં દખલગીરી કરવી જોઈએ. કાશ્મીરમાં પાકિસ્તાનની વિધ્વંસકારી ભૂમિકા અને ભારતમાં મુંબઈ તથા પઠાનકોટ જેવા આતંકવાદી હુમલામાઓમાં પાકિસ્તાનનો સીધો સંબંધ સામે આવી ચુક્યો છે. પાકિસ્તાન કાશ્મીરમાં તો આત્મનિર્ણય અને સ્વશાસનની માગણી કરે છે. પરંતુ બલુચિસ્તાનમાં પાકિસ્તાન પોતાની સૈન્ય શક્તિના જોરે બલૂચ નેતાઓની આવી માગણીને કચડી રહ્યું છે. આનાથી પાકિસ્તાનના બેવડા માપદંડો ઉજાગર થાય છે અને તેના ક્ષેત્રીય શાંતિ-સ્થિરતાને ખતમ કરવાના બદઈરાદાઓ પણ સામે આવી રહ્યા છે.

No comments:

Post a Comment