Monday, August 22, 2016

કાશ્મીરમાં હિંસાના કલાકાર પાકિસ્તાનનું બલુચિસ્તાનમાં પણ બખડજંતર

- પ્રસન્ન શાસ્ત્રી

સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ભારતની વિદેશ નીતિમાં એક મોટા સ્ટ્રેટજિક શિફ્ટ તરીકે જોવાઈ રહ્યું છે. આ ભાષણમાં બલુચિસ્તાનનો સંદર્ભ ટાંકવાના ગર્ભિત સંકેતો છે કે ભારત બલુચિસ્તાનની આઝાદીના આંદોલનને નૈતિક ટેકો આપશે અને અહીં પાકિસ્તાની સેનાના વંશીય નરસંહાર તરફ દુનિયાનું ધ્યાન પણ ખેંચશે. બલુચિસ્તાન ખાતેના જઘન્ય વંશીય નરસંહાર કરતા અભિયાનો પાકિસ્તાની સેના માટે કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પાકિસ્તાની સેના તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં આવા જ ભયાનક અત્યાચારો કરી ચુક્યું છે. જેના પરિણામે ડિસેમ્બર-1971માં બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. 1948થી પાકિસ્તાની સેના દ્વારા લોહિયાળ દમનચક્રોને કારણે બલુચિસ્તાનને હજારો જખમો મળી ચુક્યા છે. 

બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ રહ્યું નથી. કલાત સ્ટેટ તરીકે બલુચિસ્તાનની અલગ ઓળખ રહી છે. પરંતુ માર્ચ-1948માં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાના હુકમથી બલુચિસ્તાન પર આક્રમણ કરવામાં આવ્યું હતું. બલુચિસ્તાનના લોકો તરફથી પાકિસ્તાનમાં સામેલ થવાની બાબતનો આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે મોહમ્મદ અલી ઝીણા કલાત સ્ટેટના લિગલ એડવાઈઝર તરીકે ભારત વિભાજન પહેલા કામ કરી ચુક્યા હતા. 


બલુચિસ્તાનના લોકોએ ક્યારેય પાકિસ્તાનનો ભાગ બનવાની વાતને સ્વીકારી નથી. અહીં ત્રણ ટ્રાઈબલ જૂથો મુર્રી, મેન્ગલ અને બુગ્તીની આગેવાનીમાં બલોચી સ્વતંત્રતા આંદોલન ચલાવવામાં આવ્યું છે. ઝીણાથી લઈને ભુટ્ટો સુધી અને ત્યાર બાદ જનરલ ઝીયા ઉલ હક અને જનરલ મુશર્રફ સુધીના તમામ લોકોએ બલોચી સ્વતંત્રતા આંદોલને બેરહેમીથી કચડી નાખવા માટે બર્બરતાપૂર્વક પાકિસ્તાની સેનાનો ઉપયોગ કર્યો છે. હાલ પણ પાકિસ્તાની સેના પોતાનું દમનચક્ર ચલાવી રહી છે. પાકિસ્તાનના હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ નાસિરખાન ઝાંઝુઆ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કમાન્ડર તરીકે ઘણાં દમનચક્રો ચલાવી ચુક્યા છે. જનરલ નાસિરખાન ઝાંઝુઆને બુચર ઓફ બલુચિસ્તાન તરીકે ઘણી કુખ્યાતી મળી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બલોચ નેશનને ટેકો આપતા સંદર્ભોના મીડિયામાં મચક્યા બાદ પાકિસ્તાની અત્યાચારોનો ભોગ બનેલા બાંગ્લાદેશે પણ પાકિસ્તાનની સેના સામે મોઢું ખોલ્યું છે. બાંગ્લાદેશે પૂર્વ પાકિસ્તાન તરીકેની ઓળખના સમયગાળામાં થયેલા અમાનવીય અત્યાચારોની પૃષ્ઠભૂમિમાં બલોચ જનતા સાથે થઈ રહેલા પાકિસ્તાની સેનાના જુલ્મોસીતમને વખોડયા છે. 
પૂર્વ પાકિસ્તાનની પેટર્ન પર પાકિસ્તાની સેના બલુચિસ્તાન ખાતે કાળજીપૂર્વક પસંદગી યુક્ત અને લક્ષિત હિંસા કરી રહી છે. બલુચિસ્તાનમાં આઝાદી સમર્થક રાજકીય નેતાઓ, વકીલો, શિક્ષિત સંસ્થાઓને પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવાઈ રહી છે. બલુચિસ્તાનના પાટનગર ક્વેટામાં તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલામાં સિત્તેર જેટલા વકીલોએ જીવ ગુમાવ્યા છે. આઈસિસે આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. પરંતુ પાકિસ્તાનની સેના, ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, પાકિસ્તાની સેનાના સામરિક હથિયાર જેવા ઈસ્લામિક જેહાદી જૂથો અને આતંકી ગેંગ્સ દ્વારા આવા જ ટાર્ગેટેડ હિંસાચારને અંજામ આપે છે. 

લક્ષિત હિંસાચાર પાછળનો મુખ્ય ઉદેશ્ય બલોચ સ્વતંત્રતા સંગ્રામની આગેવાની કરતી નેતાગીરીની ક્ષમતા અને અસરકારકતાને ખતમ કરવાનો છે. બલુચિસ્તાનના મૂળ બલોચ લોકો પાકિસ્તાન પર સૌથી વધુ પ્રભાવ ધરાવતા પંજાબ સાથે કોઈપણ પ્રકારની રાજકીય, આર્થિક અથવા સાંસ્કૃતિક એકતા ધરાવતા નથી. વળી બલુચિસ્તાન પાકિસ્તાન પર પરાવલંબન પણ ધરાવતું નથી. પાકિસ્તાનથી સ્વતંત્રતા મેળવ્યા બાદ બલુચિસ્તાન પાસે રાજકીય, આર્થિક અને ભૂરાજકીય રીતે પોતાની જાતે ટકી રહેવા માટે ઊર્જા અને ખનીજ સંપત્તિની પુરતી ઉપલબ્ધતા છે. 

પાકિસ્તાનનો મુખ્ય સમુદ્રીતટ પણ બલુચિસ્તાન પાસે છે. બલુચિસ્તાનનો સમુદ્રતટ ચારસો સિત્તેર માઈલનો છે. પાકિસ્તાનનું એક માત્ર ડીપ-વોટર પોર્ટ ગ્વાદર બલુચિસ્તાનમાં આવેલું છે. બલુચિસ્તાનનો વિસ્તાર પાકિસ્તાનના કુલ વિસ્તારના 43 ટકા જેટલો છે. તેથી પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાનની સ્વતંત્રતાના સંગ્રામને કચડવા અહીં વંશીય હત્યાકાંડો કરીને પણ તેના પર કબજો ચાલુ રાખવો તેની રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો ભાગ છે. 

પાકિસ્તાન બન્યાના સિત્તેર વર્ષે પણ બલુચિસ્તાનને અલ્પવિકસિત રાખવામાં આવ્યું છે. તો પાકિસ્તાનની સેના અને સરકારનું તંત્ર અહીં બલોચ વસ્તીસંતુલનને ખોરવીને પૂર્વ પંજાબી સૈન્યકર્મીઓને અહીં વસાવી રહ્યું છે. તેની સાથે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે ગ્વાદર પોર્ટ સુધી બીજિંગનો કાયમી હસ્તક્ષેપ પણ પાકિસ્તાને સ્વીકારી લીધો છે. 

બલુચિસ્તાનને પાકિસ્તાની હૂકમરાનોએ એક ખાસ રણનીતિ હેઠળ અલ્પવિકસિત રાખ્યું છે. અહીં શૈક્ષણિક અને આરોગ્યની સુવિધાઓની કોઈ ખાસ વ્યવસ્થા ઉભી થવા દેવાઈ નથી. બલુચિસ્તાનમાં આઝાદી માટેના આંદોલનોને જોતા પાકિસ્તાની સેનાની અહીં ખૂબ મોટા પ્રમાણમાં તેનાતી છે. ગ્વાદર પોર્ટ સુધી પહોંચવા માટેના બલુચિસ્તાનના વિસ્તારોમાં બલુચીઓની જમીનો પંજાબીઓ અને પાકિસ્તાની સેનાના સેવાનિવૃત્ત થયેલા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને આપવામાં આવે છે. આની પાછળ પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનનું વસ્તીસંતુલન બદલવા માટેની એક વ્યૂહરચના હોવાનું પણ માનવામાં આવે છે. તેને કારણે પંજાબીઓને બલુચિસ્તાનમાં મોટા પ્રમાણમાં વસાવવાનું છેલ્લા ઘણાં દાયકાઓ પહેલા જ શરૂ કરી દેવાયું છે. પાકિસ્તાને બલુચિસ્તાનમાં તેના વ્યૂહાત્મક સાથીદાર ચીન પાસેથી પ્રેરણા લીધી છે. ચીને તિબેટ પર 1949માં કબજો જમાવ્યો ત્યારથી આવી જ રણનીતિને અમલી બનાવી છે. 


ગ્વાદર પોર્ટ સાથે જોડાયેલા ચીનના વ્યૂહાત્મક અને આર્થિક હિતોને કારણે બલુચિસ્તાન હાલ ખૂબ ચર્ચામાં આવ્યું છે. ગ્વાદર પોર્ટને ચીનને લાંબાગાળા માટે લીઝ પર આપવાની સાથે ગ્વાદરથી ચીનના શિનજિયાંગ પ્રાંતને જોડતા ઈકોનોમિક કોરિડોરની 46 અબજ ડોલરના રોકાણવાળી યોજનાને કારણે પણ બલુચિસ્તાનથી માંડીને પીઓકે સુધી ચીનની મોટી દખલગીરી અસ્તિત્વમાં આવી રહી છે. બલુચિસ્તાનનું ડીપવોટર પોર્ટ ગ્વાદર ચીનના નેવલ બેઝ તરીકે ઉભરી રહ્યું છે. ચીનને પણ બલુચિસ્તાનના ભૂરાજનીતિક મહત્વને કારણે તેમા ખાસો રસ છે. પાકિસ્તાને ચીનને બલુચિસ્તાનમાં ખાસી સુવિધાઓ આપી છે. આની પાછળ પાકિસ્તાન સાથે ચીનના ઘનિષ્ઠ વ્યૂહાત્મક અને લશ્કરી સંબંધોની પણ ઘણી મોટી ભૂમિકા છે. તેની સાથે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા અમેરિકાના વોર ઓન ટેરર અને વોશિંગ્ટન સાથે વણસેલા દ્વિપક્ષીય સંબંધોનો મામલો પણ એક મોટું પરિમાણ છે.


ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે પાકિસ્તાનના ધમપછાડા કોઈનાથી અજાણ્યા નથી. બલુચિસ્તાનમાં સીપીઈસીનો આકરો વિરોધ થઈ રહ્યો છે. તેમ છતાં પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફે કોઈપણ ભોગે આર્થિક કોરિડોરનું કામ પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતા રજૂ કરી છે. પાકિસ્તાની સેનાનો આરોપ છે કે ભારતીય એજન્સીઓ કોરિડોરના પ્રોજેક્ટને ખોરંભે પાડવા માટે અહીં સક્રિય છે. 

પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફે ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને પૂર્ણ કરવા માટે દર્શાવેલી સંકલ્પબદ્ધતામાં તેના વિરોધને બર્બરતાપૂર્ણ રીતે કચડી નાખવાનો ઈરાદો પણ ટપકી રહ્યો છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાન અને ચીન બંને સંયુક્તપણે ઉપનિવેશ ઉભું કરી રહ્યું છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફ બલુચિસ્તાન ખાતે મોટા બળપ્રયોગ અને વંશીય હિંસાચારની ગર્ભિત ધમકી પણ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં બલુચિસ્તાન ખાતેનો કોઈપણ પ્રકારનો હિંસાચાર પ્રાદેશિક સ્થિરતાની સાથે વૈશ્વિક સામરિક ગણતરીઓ પણ અસ્તવ્યસ્ત થશે. બલુચિસ્તાનના 60 લાખ બલૂચી લોકો પર પાકિસ્તાની સેના દ્વારા વંશીય હિંસાચારના ખતરા નીચે જીવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે બલુચિસ્તાનની કુલ વસ્તી એક કરોડ ત્રીસ લાખ જેટલી છે. જેના કારણે બહાદૂર બલોચ અને તેમનું બલુચિસ્તાન આઝાદ થવા માટે વૈશ્વિક અને ક્ષેત્રીય સમર્થન મેળવવાના હકદાર છે. 

બાંગ્લાદેશના મુસ્લિમો પર પાકિસ્તાની સેનાએ કર્યો હતો તેવો અત્યાચાર બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા આઝાદીના આંદોલનની તીવ્રતામાં વધારા સાથે ઉગ્રતા આવે તેવી શક્યતા છે. આમ કરતી વખતે પાકિસ્તાની સેનાની તરફેણમાં જીઓપોલિટિકલ અને જીઓસ્ટ્રેટજીક ફેક્ટર્સ મદદરૂપ થવાની શક્યતા છે. બલુચિસ્તાનમાં હિંસાચાર રોકવામાં અમેરિકાની સૌથી મોટી ભૂમિકા રહી છે. પરંતુ હવે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અત્યાચાર સામે અમેરિકા દ્વારા આંખ આડા કાન થઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બલુચિસ્તાનની આઝાદીને સમર્થન નહીં આપવાની ટીપ્પણી કરી હતી. બલુચિસ્તાનમાં હિંસાચારના વિરોધ મામલે અમેરિકાના વહીવટી તંત્ર અને અમેરિકાના સાંસદોના દ્રષ્ટિકોણમાં પણ મોટો વિરોધાભાસ છે. 

તો ચીનના ખૂબ મોટા ભૂરાજનીતિક અને સામરિક હિતો બલુચિસ્તાનમાં હોવાથી તેઓ પણ બલોચ લોકોના આઝાદીના આંદોલનને ઉગ્ર થવા દેવાની સ્થિતિ વિરુદ્ધ જ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યવહાર કરશે. પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનના આંદોલનોને કચડવાની કોઈપણ બર્બર કોશિશને ચીન સામેલ પણ થઈ શકે છે. પરંતુ આનાથી બલોચ લોકોએ નિરાશ થવાની જરૂરત નથી. અમેરિકા અને ચીન દ્વારા પૂર્વ પાકિસ્તાનમાં ચાલેલા બાંગ્લાદેશ મુક્તિ આંદોલનનો પણ વિરોધ કરાયો હતો. પરંતુ શું બંગ્લાદેશી મુસ્લિમોની પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી વંશીય હિંસા બાદ બાંગ્લાદેશને અસ્તિત્વમાં આવતું રોકી શકાયું?

બાંગ્લાદેશની જેમ જ બલૂચ લોકોએ પોતાની આઝાદી માટેની ઈચ્છાની જ્યોતને છેલ્લા છ દાયકાની જેમ આગળ પણ  પ્રજ્વલિત રાખવી જરૂરી છે. બલોચ લોકોની આઝાદીની લડાઈમાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પચ્ચીસ હજાર લોકો ગુમ થયા છે. બલુચિસ્તાનની 60 લાખની બલોચ લોકોની વસ્તી માટે આઝાદીની આ ઘણી મોટી કિંમત છે. તેમ છતાં બલુચિસ્તાન ખાતે બલોચ સ્વતંત્રતા આંદોલન વારંવાર પુનર્જિવિત થતું રહ્યું છે. 


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પરથી આઝાદી દિવસે કરેલા સંબોધનમાં બલુચિસ્તાનમાં માનવાધિકારના ઉલ્લંઘનના મામલાઓને હિંમતપૂર્વક ઉઠાવ્યો હતો. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને પ્રાદેશિક તથા ઉભરતી વૈશ્વિક તરીકે ક્ષેત્રીય હિંસાચારની ઉભરતી કોઈપણ શક્યતાને અવગણી શકે નહીં. વળી માનવતાની પુનર્સ્થાપના માટેની વિકસતા વૈશ્વિક સમાજની લડાઈમાં માનવાધિકારના આદારો અને માનવાધિકારની સુરક્ષાના મુદ્દે દુનિયા આંખ આડા કાન કરી શકે નહીં. તેથી પાકિસ્તાની સેનાને પૂર્વ પાકિસ્તાનમાં ભૂતકાળમાં કરવામાં આવેલા વંશીય હત્યાકાંડોને આંતરરાષ્ટ્રીય સમુદાયો પણ મંજૂર કરી શકે તેમ નથી. 

No comments:

Post a Comment