Monday, February 13, 2017

પાકિસ્તાન આઈએસઆઈએસથી વધુ ખતરનાક


આતંક સામેની લડાઈ જીતવા પાકિસ્તાનના પાપનો ખાત્મો જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી


અમેરિકાના ઘણાં રાજદ્વારીઓ, સેનેટરો, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ આતંકવાદની સામેની લડાઈમાં પાકિસ્તાનને ડબલ ક્રોસ માને છે. છતાં છેલ્લા અઢી દાયકાથી અમેરિકાના કોઈપણ રાષ્ટ્રપ્રમુખે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી નથી. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામિક આતંકવાદ અને આઈએસઆઈએસના આતંકવાદના ખાત્માના ઘણાં વાયદા કરીને સત્તામાં આવ્યા છે. ત્ચારે તેમની પાસે આશા રખાઈ રહી છે કે તેઓ દુનિયામાંથી ઈસ્લામિક આતંકવાદને સમાપ્ત કરવાની લડાઈને નિર્ણાયક મોડ તરફ દોરી જશે અને આતંકનો ખાતમો કરશે. પરંતુ જ્યારે ટ્રમ્પે સાત મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધી ફરમાવી ત્યારે તેમા આશ્ચર્યજનક રીતે પાકિસ્તાનનો સમાવેશ કરાયો નથી. જો કે ટ્રમ્પના ઓર્ડર પર અમેરિકન કોર્ટે રોક લગાવી છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદની લડાઈમાં પાકિસ્તાનની નકારાત્મક ભૂમિકાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવગણી શકે તેમ નથી. આવી અવગણના આતંકવાદના યુદ્ધમાં જીતના લક્ષ્યને વિલંબમાં નાખી શકે છે. 

અમેરિકાની 2001માં 9/11ની આતંકી હુમલાની ઘટના બાદ આતંકવાદ સામેની લડાઈ શરૂ થઈ હતી. પરંતુ તેના સોળ વર્ષ જેટલા સમયગાળામાં અફઘાનિસ્તાન અને ઈરાકમાં અબજો ડોલરનું આંધણ કરવા છતાં પરિણામ લગભગ શૂન્ય છે. તેનું એકમાત્ર કારણ પાકિસ્તાન નામનું પાપ છે. દુનિયામાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસને સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. પરંતુ ઈસ્લામિક આતંકવાદને પોતાની વ્યૂહાત્મક નીતિનું માધ્યમ બનાવનારા પાકિસ્તાનનો ખતરો આઈએસ કરતા અનેકગણો વધારે છે. પાકિસ્તાન દુનિયાનો માન્યતા પ્રાપ્ત દેશ છે અને તેની સાથે અમેરિકા અને ચીન જેવી મહાસત્તાનો હજીપણ ઘનિષ્ઠ વ્યૂહાત્મક સાથીદેશ છે. 

પરંતુ ઈસ્લામિક આતંકવાદની નીતિની રણનીતિથી પાકિસ્તાન અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ લઈ રહ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ જેવા દેશોમાં મજહબી આતંકવાદને પોત્સાહિત કરીને અહીં અસ્થિરતા અને હિંસા પેદા કરવાનું કામ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા થઈ રહ્યું છે. આશંકાઓ તો એવી પણ વ્યક્ત થઈ ચુકી છે કે આઈએસઆઈએસની ફંડિંગ ચેનલની પાછળ પણ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની અગ્રણી ભૂમિકા છે. મધ્ય-પૂર્વના મુસ્લિમ દેશોના નેતા બનવાની હોડમાં પાકિસ્તાને જ અહીં આતંકની આગ ભડકાવી હોવાના પણ વ્યૂહાત્મક પુરાવાઓની ચર્ચાઓ વૈશ્વિક થિન્ક ટેન્કો દ્વારા થતી રહે છે. 

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલકાયદાના આતંકી સામ્રાજ્યને કાયમ કરવાનું કામ તેમના આકાની ભૂમિકામાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ કર્યું હતું. તાલિબાનોને કથિત વૈશ્વિક જેહાદના નામે મજહબી આતંકનું અફીણ પાવાનું કામ આઈએસઆઈ દ્વારા થયું છે. પાકિસ્તાની સેના હજીપણ અફઘાનિસ્તાન અને તેની સરહદ નજીકના વિસ્તારોમાં તાલિબાની આતંકી નેટવર્કને પોષી રહ્યું છે અને તેમને આશ્રય પણ આપી રહ્યું છે. તેમા હક્કાની નેટવર્કની ઘણી કુખ્યાતી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના સંસ્થાનો સાથે ભારતીય મિશનોને પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનો થકી કાબુ મેળવવા માટે પાકિસ્તાન હવે નવી ચાલ હેઠળ ભારતને બહાર રાખવા માટે આઈએસઆઈએસનું કાર્ડ ખેલી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના નબળા પડવાથી તેમનું સ્થાન આઈએસ લઈ લેશે તેવી શક્યતાઓ દર્શાવીને રશિયા અને ચીનને પાકિસ્તાન ભોળવવાની કોશિશ કરી રહ્યું છે. 

અમેરિકા આ વિસ્તારમાં છેલ્લા દોઢ દાયકાથી લશ્કરી રાહે સક્રિય છે. તેથી તેમની ગુપ્તચર સંસ્થા સીઆઈએના એજન્ટ્સ આઈએસઆઈના કારનામાઓથી સારી રીતે વાકેફ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા અફઘાનિસ્તાનમાં આતંકનો ખેલ ચાલુ રાખીને અમેરિકા પાસેથી અબજો ડોલરનું ફંડ ઓકાવી રહી છે. તો બીજી તરફ પોતાનું વ્યૂહાત્મક વર્ચસ્વ વિસ્તારવા માટે આતંકનો ખેલ અફઘાનિસ્તાન અને કાશ્મીર એમ બંને ઠેકાણે ખેલી રહ્યું છે. 

ડબલ ક્રોસ પાકિસ્તાન અને તેની જાસૂસી સંસ્થા આઈએસઆઈની કરમકુંડળીથી ઘણાં અમેરિકન સેનેટેરો હવે વાકેફ થઈ ચુક્યા છે. આવા અમેરિકન સેનેટરોનું માનવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકી જૂથોને સમર્થન બંધ નહીં કરે, ત્યાં સુધી અમેરિકા વોર ઓન ટેરર જીત જીતી નહીં શકે. પાકિસ્તાનમાં જમાત-ઉદ-દાવાના આતંકી ચીફ હાફિઝ સઈદની કથિત નજરકેદને ડોનાલ્ડ ટ્રમ્પની અસર તરીકે જોવામાં આવે છે. તો અમેરિકાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી ચીફ મસૂદ અઝહરને યુએનમાં આતંકવાદી જાહેર કરાવવાની ભારતની પહેલને પોતાના હાથમાં લઈ લીધી છે. તો તાજેતરમાં પાકિસ્તાનની સેનેટના ડેપ્યુટી સ્પીકરને અમેરિકાએ વીઝાઆપવાનો ઈન્કાર કર્યો છે. 

પરંતુ આવી કેટલીક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચુકી છે. ત્યારે વ્યૂહાત્મક અને સંરક્ષણ બાબતોના જાણકારોનો અભિપ્રાય છે કે જ્યાં સુધી પાકિસ્તાનને સામરિક અને નાણાંકીય મદદ બંધ કરવામાં નહીં આવે..ત્યાં સુધી પાકિસ્તાનની સેનાના ટોચના કમાન્ડરોના વલણમાં કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. પરંતુ અમેરિકાની હંમેશા દુવિધા રહીછે કે પાકિસ્તાનનો હક્કાની નેટવર્ક અને તાલિબાનો વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનો ઈન્કાર તેને શકમંદ બનાવી દે છે. પરંતુ બીજી તરફ લેન્ડ-લૉક અફઘાનિસ્તાનમાં શાંતિઅને સ્થિરતા માટે અમેરિકાને પાકિસ્તાનનો સહયોગ જરૂરી પણ લાગે છે. આ સિવાય દુનિયા અને દક્ષિણ એશિયાના ઈસ્લામિક જગત પર પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા માટે અમેરિકાને પાકિસ્તાનને પોતાની અસર હેઠળ રાખવું જરૂરી દેખાઈ રહ્યું છે. 

તેને કારણે પરમાણુ હથિયારોથી સજ્જ પાકિસ્તાન બાબતે અમેરિકા કોઈ નિર્ણય લઈ શકતું નથી. પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાનના અસ્તિત્વ વગરની દુનિયા ખરેખર વધુ શાંતિ ધરાવતી બની શકે છે. પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન.. મુલ્લા ઓમર જેવા અલકાયદા અને તાલિબાની આતંકવાદીઓને વર્ષો સુધી છુપાવીને રાખવામાં આવ્યા હતા. તો અલકાયદાનો નવો પ્રમુખ અલ ઝવાહીરી પણ પાકિસ્તાનમાં છૂપાયો હોવાની આશંકા છે. આ સિવાય 2015માં કેટલાંક આઈએસઆઈએસના ટોચના આતંકવાદીઓને પાકિસ્તાનમાં આશ્રય મળે તેવી શક્યતાઓ વહેતી થઈ હતી. આવા સંજોગોમાં આતંકના જનક પાકિસ્તાનનું વિખંડન એક ઉકેલ હોવા બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે. આ દિશામાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન સહીતની વૈશ્વિક શક્તિઓએ વિચારવી જરૂરી છે. દક્ષિણ એશિયામાં સંતુલન સ્થાપિત કરવા માટે પાકિસ્તાનની વ્યૂહાત્મક ઓકાત ઘટાડવી જરૂરી છે. ભારતને પ્રાદેશિક અને ગ્લોબલ પાવર તરીકે અમેરિકા સહીતના સુપરપાવરોએ વધુ વ્યૂહાત્મક મજબૂતાઈ આપવાની જરૂર છે. આના માટે અમેરિકાએ પોતાના વૈશ્વિક વર્ચસ્વનો નિર્ણાયક ઉપયોગ કરવાની પણ જરૂર છે. 

અમેરિકા ખાતેના પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ પાકિસ્તાનની દશકાઓ જૂની કાશ્મીર નીતિને નિશાને લેતા તેના વ્યૂહાત્મક હથિયાર સમા ઈસ્લામિક આતંકવાદ પર સવાલ પણ ઉઠાવ્યા છે. હુસૈન હક્કાનીનું માનવું છે કે કાશ્મીરનો મામલો ઉકેલાવાથી પણ મજહબી આતંકવાદ અને કોમવાદી ઘર્ષણોના પડકારો યથાવત રહેવાના છે. તાલિબાનો અફઘાનિસ્તાનમાં પોતાની જૂની ઈસ્લામિક વ્યવસ્થા કાયમ કરવાનું લક્ષ્ય છોડવાના નથી. તેમણે કહ્યુ છે કે મજહબી આતંકવાદનો અર્થ છે કે તમારા ધાર્મિક પંથમાં નહીં માનનારા લોકોની હત્યા કરવી. પાકિસ્તાનમાં મજહબી આતંકવાદને એક અતિ-રાષ્ટ્રવાદી દલીલ તરીકે રજૂ કરીને તેનું સમર્થન પણ કરવામાં આવે છે. તેથી આવા દ્રષ્ટિકોણના ચરમસીમા તરફ આગળ વધવાની સ્થિતિ પાકિસ્તાનના ખતરાનો સામનો કરવાનો યુદ્ધ એકમાત્ર વિકલ્પ રહી જશે. 

ભારત વિરોધી માનસિકતા અને આતંકની નીતિને કારણે પાકિસ્તાનનું વ્યૂહાત્મક ચિંતન ન તો અમેરિકાના હિતોની પૂર્તિ કરીરહ્યું છે અને ન તો તેનાથી પ્રાદેશિક સ્થિરતાનું લક્ષ્ય પૂર્ણ થઈ રહ્યું છે. આવા સંજોગોમાં પાકિસ્તાનને આતંકવાદની તેની નીતિ છોડવા માટે બાધ્ય કરવા માટે આર્થિક-રાજદ્વારી-કૂટનીતિક અને જરૂરપડે લશ્કરી દબાણોની વળતી રણનીતિ જરૂરી બની જાય છે. 

અમેરિકા દ્વારા દાયકાઓથી પાકિસ્તાની સેનાને મજબૂત કરવાની એક નીતિ અપનાવવામાં આવી છે. તેનું દુષ્પરિણામ એ આવ્યું છે કે કાશ્મીરને બળપૂર્વક તફડાવી લેવાની શેખી મારનારા આતંકી જૂથોની શક્તિમાં વધારો થયો છે. આવા સંજોગોમાં ઈરાક-સીરિયા અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાન સામે ટ્રમ્પ વહીવટી તંત્રે વધુ કડક બનીને કાર્યવાહી કરવી પડશે. આના માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ટ્રમ્પે પોતાના દેશની બેવડી નીતિ છોડવાના સંકેત આપતા પાકિસ્તાનનનો મેજર નોન-નાટો એલાયનો દરજ્જો લઈ લેવાની અને તેને તેની હરકતો બદલ આતંકવાદી દેશ જાહેર કરાવવાના પગલા પણ ભરવાની તૈયારી રાખવી પડશે. 

No comments:

Post a Comment