Tuesday, February 21, 2017

જવાનોના ભોગે કાશ્મીરના પથ્થરબાજો પ્રત્યે હમદર્દી કેમ ?

માનવાધિકારના દંભમાં રાષ્ટ્રીય સુરક્ષા નેવે મૂકી શકાય નહીં

-     પ્રસન્ન શાસ્ત્રી


કાશ્મીરના બાંદીપોરાના પારી મોહલ્લા ખાતે એન્કાઉન્ટર વખતે જ પથ્થરબાજો દ્વારા સેનાના જવાનો પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજોના ભારે પથ્થરમારાને કારણે ત્રણ જવાનોને શહીદ થવાનો વારો આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટના કંઈ નવી નથી અને કદાચ છેલ્લી પણ નથી. પરંતુ આમા પથ્થરબાજોનો ઈરાદો બેહદ ખતરનાક હતો. એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડનારી બચાવ ટીમને રોકી રાખવા માટે ભારે પથ્થરમારો થયો હતો. આ જવાનો એટલા માટે શહીદ થયા.. કારણ કે પથ્થરબાજોના પાપે તેમને સમયસર સારવાર મળી શકી નહીં. ભાગલાવાદીઓના પિઠ્ઠુઓ એવા પથ્થરબાજો દ્વારા સેના અને સુરક્ષાદળોની બેહદ મોટી ઉશ્કેરણી કરવામાં આવી હતી. જેના પરિણામે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતને આકરી ચેતવણી આપવી 
પડી છે.

15 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પથ્થરબાજોને ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી હતી. કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી અભિયાનો દરમિયાન સુરક્ષાદળો પર પથ્થરો ફેંકનારાઓને આતંકવાદી ગણીને તેમની વિરુદ્ધ આતંકીઓ સામે કરાતી કાર્યવાહી કરવામાં આવશે. જનરલ રાવતની ચેતવણીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય,જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી તરફથી સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરન રિજિજૂ દ્વારા ભારતીય સેનાધ્યક્ષની ટીપ્પણીને ટેકો આપતા કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે અને પથ્થરબાજો સામે કાર્યવાહી થવી જોઈએ. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી તરફથી પણ કહેવામાં આવ્યુ છે કે જો પથ્થરબાજો એન્કાઉન્ટરના સ્થળોથી દૂર જવાનું નકારશે તો તેમને પણ ખતમ કરવામાં આવશે. ભારતીય સેનાધ્યક્ષ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીરના ડીજીપી એકસૂરમાં બોલી રહ્યા છે.. તેનો અર્થ એ છે કે ભાગલાવાદી તત્વો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ અને પથ્થરબાજોના કરતૂતો હદ વળોટી ચુક્યા છે.

બીજી તરફ જનરલ બિપિન રાવતની ચેતવણી ભારતની કથિત મુખ્યપ્રવાહની પાર્ટીઓ અને કાશ્મીરના ભાગલાવાદી તત્વોને પચી નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓ સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઈઝ ઉમર ફારુક અને યાસિન મલિકે પથ્થરબાજોની તરફદારી કરીને ભારતીય સેનાધ્યક્ષના નિવેદનને તાત્કાલિક પડકાર્યું હતું. ભાગલાવાદી પિઠ્ઠુઓએ એકસૂરમાં જનરલ રાવતના નિવેદનને નાગરિકોની કથિત હત્યાની ધમકી તરીકે જોયું છે અને પાકિસ્તાનના દોરીસંચાર હેઠળ હિંસાની જમીન તૈયાર કરનારા નાપાક તત્વોએ કાશ્મીરની કથિત આઝાદીની લડાઈ ચાલુ રાખવાની ગુલબાંગો પણ પોકારી છે.

ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને મુખ્ય પ્રવાહની ગણાતી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓનો ટેકો મળ્યો છે. તો જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી ગઠબંધનની આગેવાની કરતી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા પણ પથ્થરબાજોનું સમર્થન કરાયું છે. આ સૌથી મોટી આઘાતજનક બાબત છે. નેશનલ કોન્ફરન્સના નેતા દ્વારા પથ્થરબાજોને જાણે કે એન્કાઉન્ટર વખતે પથ્થરો ફેંકવાનો અધિકાર હોય તેવી અદામાં જનરલ બિપિન રાવત સામે અણછાજતી ટીપ્પણી પણ કરવામાં આવી છે.

કોંગ્રેસના દ્રષ્ટિકોણનું સ્પષ્ટીકરણ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ તરફથી આપવામાં આવ્યું છે. ગુલામ નબી આઝાદે પથ્થરબાજોને બાળકો ગણાવ્યા છે. તેની સાથે ભારતીય સેનાધ્યક્ષ દ્વારા એન્કાઉન્ટરો વખતે હસ્તક્ષેપ કરનારા કાશ્મીરના આવા યુવાનો સામે કડક કાર્યવાહી કરવાના નિર્ણય સામે પણ ગુલામ નબી આઝાદે સવાલ ઉભો કર્યો છે. આઝાદે કહ્યુ છે કે ગત વર્ષ એકસોથી વધારે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે બસ્સોથી વધારે બાળકોએ પોતાની આંખો ગુમાવી છે. બાર હજાર લોકોને જેલમાં ધકેલી દેવાયા હતા. શું કેન્દ્ર સરકાર આનું પુનરાવર્તન કરવા માંગે છે? આઝાદે કાશ્મીરમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાનું જણાવીને કોઈપણ પ્રકારની ઉશ્કેરણીને કારણે સ્થિતિ વધુ વણસવાની ભવિષ્યવાણી પણ કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સાથે ગઠબંધન સરકારની આગેવાની કરનારી પીડીપી પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસથી પાછળ નથી. પીડીપીએ ભારતીય સેનાને આવી સ્થિતિમાં શિસ્તબદ્ધ ફોર્સની જેમ સંયમ જાળવવાની સલાહ આપી છે. આ સલાહ આપનારા નિઝામુદ્દીન ભટ પીડીપીના મહાસચિવ અને ઉપાધ્યક્ષ છે.

બીજી તરફ પાડોશી દેશની વાત કરીએ. આ પાડોશી દેશ કાશ્મીરની હિંસાનો પ્રાયોજક અને પ્રોત્સાહક છે. તેની એક ઘટનાની વાત કરીએ. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક મુસ્લિમ દરગાહ ખાતે આત્મઘાતી હુમલામાં એકસો લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ માત્ર ચોવીસ કલાકમાં એકસોથી વધુ આતંકવાદીઓને ઠાર કરવાનો દાવો કર્યો છે. તો અફઘાનિસ્તાન બોર્ડર પર પાકિસ્તાની સેનાને શૂટ એટ સાઈટના ઓર્ડર આપવામાં આવ્યા છે. જો કે આ પાકિસ્તાનના ચમચા જેવા ભાગલાવાદીઓ અને તેમના આતંકવાદીઓ માટે ભારતમાં માનવાધિકારના હોબાળા કરવામાં આવે છે. 

બુરહાન વાની નામના હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીને જમ્મુ-કાશ્મીર પોલીસે ઠાર કર્યો અને તેના બહાને પાકિસ્તાની આતંકવાદીઓ અને ભાગલાવાદીઓએ કાશ્મીર ખીણને બાનમાં લીધી હતી. માનવાધિકારના નામે આતંકવાદીઓના સમર્થનમાં ભાગલાવાદીઓના એજન્ટો જ નહીં, ભારતની કથિત મુખ્યપ્રવાહની રાજકીય પાર્ટીઓના નાના-મોટા નેતાઓએ સીધી કે આડકતરી રીતે આતંકવાદી બુરહાન વાનીના બહાને ખૂબ રાજકારણ ખેલ્યું છે. હવે તેમણે ભારતીય સેનાધ્યક્ષના જનરલ બિપિન રાવતના નિવેદન પર દેશદ્રોહી “ટોન” અખત્યાર કર્યો છે. શું પાકિસ્તાનમાં આવી સ્થિતિની કોઈ કલ્પના પણ કરી શકે છે? શું 100 આતંકવાદીઓને મારવા બદલ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ બાજવા સામે કોઈએ વાવટા ફરકાવ્યા?  કોઈએ પાકિસ્તાની સેના અને સરકારને માનવાધિકારનો ઉપદેશ આપ્યો છે?

શુક્રવારે 17 ફેબ્રુઆરીએ શ્રીનગરમાં ફરીથી પાકિસ્તાનના વાવટા લહેરાવામાં આવ્યા અને ભાગલાવાદીઓએ સુરક્ષાદળો પર પથ્થરમારો પણ કર્યો હતો. તમે ટેલિવિઝન પર આવેલા કેટલાક ફૂટેજ જોવો તો સુરક્ષાકર્મીઓ ગિલોલમાં પથ્થર ભરાવીને ભાગલાવાદી પથ્થરબાજોનો સામનો કરી રહ્યા છે. શું આ પથ્થરબાજોને ગિલોલમાંથી પથ્થર મારવા જોઈએ કે ભડાકે દેવા જોઈએ? આ સ્થિતિ ત્યારે છે કે જ્યારે જનરલ બિપિન રાવતે પથ્થરબાજોને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ભારત માટે કાશ્મીર એક જમીનનો ટુકડો નથી. ભારત માટે કાશ્મીર દેશની ઓળખ સાથે જોડાયેલો અભિન્ન હિસ્સો છે. કાશ્મીર મજહબી રાહે જોનારા પાડોશી દેશ માટે તે એક જમીનનો ટુકડો છે કે જે તેમણે 1947માં પાકિસ્તાન તરીકે મેળવ્યો છે. પાકિસ્તાની આતંકવાદ અને હિંસાવાદથી ત્રસ્ત કાશ્મીર ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ નિર્ણાયક છે.

જમ્મુ-કાશ્મીરનો મજહબી આતંકવાદ ભારત કોઈપણ હિસાબે ચલાવી શકે નહીં. જેવી રીતે ભારતે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને 1947માં નામંજૂર કર્યો હતો, તેવી જ રીતે ભારતે પાકિસ્તાનના મજહબી આતંકવાદનો પણ અસ્વીકાર કરવો જરૂરી છે. તેના માટે કાશ્મીરના ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને પાકિસ્તાનના મજહબી આતંકવાદની જમીન તૈયાર કરવા માટેની પરિસ્થિતિ પેદા કરવાની મંજૂરી આપી શકાય નહીં. તેના માટે આવા તત્વો સામે ભારતીય સેના અને સુરક્ષાકર્મીઓએ નિશ્ચિતપણે કડક હાથે કામ લેવું પડશે.

માનવાધિકારની વાતો રાષ્ટ્રના ભોગે બોલવી, સાંભળવી કે વ્યવહારમાં ઉતારવી અયોગ્ય પણ છે અને દેશના લોકોની સાથે આવું વર્તન અન્યાય પણ છે. રાષ્ટ્રહિત છે કાશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો અને દેશના ખૂણેખૂણામાંથી મજહબી કટ્ટરવાદની સમાપ્તિ. વિકસિત બનવા તરફ આગળ વધી રહેલા ભારતના વિકાસને ટકાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બેહદ જરૂરી છે. સુરક્ષા વગરના વિકાસનો પણ કોઈ અર્થ રહેશે નહીં. દેશની રાષ્ટ્રીય સુરક્ષા મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ થઈ શકે નહીં. આવી નીતિ સૌના સાથ અને સૌના વિકાસમાં અડચણરૂપ છે.

No comments:

Post a Comment