શનિવાર, 29 ઑક્ટોબર, 2022

ગુજરાતની 1980થી 2017 સુધીની ચૂંટણીઓ: ખામની જ્ઞાતિવાદી રાજરમતમાંથી મુક્ત થઈ હિંદુત્વનો ગઢ બની ગુર્જરધરા

 

-     આનંદ શુક્લ



1980ની વિધાનસભા ચૂંટણી- ખામ થિયરીની જ્ઞાતિવાદી રાજરમતનો પ્રારંભ

કટોકટી ઉઠાવાયા બાદ ગુજરાતના રાજકીય ઘટનાક્રમોમાં ઘણાં મોટા પરિવર્તનો જોવા મળ્યા હતા. ગુજરાત કૉંગ્રેસે ખામ થિયરી તરફ રાજકીય દોટ મૂકી હતી. ખામ થિયરી એટલે ક્ષત્રિય, હરિજન (એસસી), આદિવાસી અને મુસ્લિમ વોટરોના મત સમીકરણોથી ગાંધીનગરની ગાદી પર આસિન થવાની રાજરમત. આ રાજકીય શતરંજને ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઝીણાભાઈ દરજી, માધવસિંહ સોલંકી અને સનત મહેતાએ બિછાવી હતી. આ રાજકીય શતરંજ પર ચાલ ચાલવાનું મુખ્ય કામ માધવસિંહ સોલંકીના હાથમાં હતું. જેના પરિણામે ગુજરાતમાં જનતા મોરચાની સરકારના સત્તામાં આવ્યા બાદ 1980માં થયેલી પહેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ-આઈને 141 બેઠકો અને 61 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. જ્યારે જનતા પાર્ટીને 21 બેઠકો અને 22.8 ટકા વોટ મળ્યા હતા. તો જનતા પાર્ટીમાં બેવડા સભ્યપદના વિવાદને કારણે ભારતીય જનસંઘની કેડર અલગ થઈ હતી અને તેમણે બનાવેલી ભારતી જનતા પાર્ટીને 9 બેઠકો અને 14 ટકા વોટ મળ્યા હતા. જ્યારે જેએનપી-એસસી એટલે કે જનતા પાર્ટી સેક્યુલર ચરણસિંહને 1 બેઠક અને 0.6 ટકા વોટથી જ સંતોષ માનવો પડયો હતો. જ્યારે અપક્ષ તથા અન્યોને 10 બેઠકો અને 10 ટકા વોટ મળ્યા હતા.



TABLE- 1

1980ની ગુજરાત વિ.સભાની ચૂંટણીનું પરિણામ


વોટિંગ- 48.10 ટકા

પક્ષ                    બેઠક           વોટ

કૉંગ્રેસ-આઈ            141             61 ટકા

જનતા પાર્ટી            21              22.8 ટકા

ભાજપ                  09             14 ટકા

જેએનપી-એસસી        01              0.6 ટકા

અપક્ષ+અન્ય           10              10 ટકા

1980ની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ-

1980ની વિધાનસભાની ચૂંટણીમાં વોટિંગ 50 ટકાથી ઓછું થયું હતું અને તેમાં થયેલા કુલ વોટિંગના 61 ટકા જેટલા વોટ કોંગ્રેસ-આઈને મળ્યા હતા. જનતા મોરચાના ફાટફૂટ અને ભાજપના નવા રાજકીય ફેક્ટરે જનતા પાર્ટીની સ્થિતિ ગુજરાતની ચૂંટણીમાં નબળી બનાવી હતી. તો વગદાર અપક્ષ ઉમેદવારો પણ 10 ટકા વોટ લઈ ગયા હતા. એટલે કે જનતા પાર્ટીના બે ફાંટા અને ભારતીય જનતા પાર્ટીને 1980ની વિધાનસભાની ચૂંટણીમાં 30 ટકાથી પણ ઓછા વોટ મળ્યા હતા. કૉંગ્રેસને ખામ થિયરીનું જ્ઞાતિવાદી રાજકારણ અનુકૂળ સાબિત થયું હતું. જો કે આ રાજકારણથી ગુજરાત અને ગુજરાતના સામાજીક તાણાંવાણાને નવેસરથી નુકશાનની શરૂઆત થઈ ચુકી હતી.

---------------------------------0-

1985ની ગુજરાત વિધાનસભા ચૂંટણી: ખામ થિયરીની રાજરમતનો લોહિયાળ તબક્કો

1985ની વિધાનસભાની ચૂંટણી ખામ થિયરીથી સત્તામાં આવેલી માધવસિંહ સોલંકીની કૉંગ્રેસ સરકારે અમલી બનાવેલી નીતિઓ અને તેના કારણે ઉભા થયેલા અનામત સંબંધિત રાજકીય મતભેદો સામાજીક કડવાશ સુધી વિસ્તર્યા હતા. પહેલા માધવસિંહ સોલંકીની સરકારની અનામતની નીતિને લઈને તરફદારો અને વિરોધીઓ વચ્ચે લોહિયાળ ઘર્ષણોનો ઘટનાક્રમ ચાલ્યો અને બાદમાં આખો મામલો હિંદુ-મુસ્લિમ વચ્ચેના રમખાણો પર જઈને અટક્યો હતો. જો કે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાની 1962થી 2017 સુધીની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી વધુ 149 બેઠકો મેળવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. જો કે આ રેકોર્ડ ગુજરાતના સામાજીક તાણાવાણાંને અપાર નુકસાન બાદ બન્યો હોવાની ટીકાઓ ઘણાં રાજકીય વિશ્લેષકો કરી ચુક્યા છે.

1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ 50 ટકાથી ઓછું વોટિંગ થયું હતું. જો કે કૉંગ્રેસને 1980ની ચૂંટણી કરતા 5.4 ટકા ઓછા વોટ મળવા છતાં 149 બેઠકો બનાવવાનો વિક્રમ સ્થાપવાનો મોકો જરૂરથી મળ્યો હતો. 1985માં કૉંગ્રેસને 55.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે જનતા પાર્ટીના દેશ અને રાજ્ય બંનેમાં વળતા પાણી હતા અને તેને 14 બેઠકો તથા 19.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 1985ની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પ્રિ-ટેકઓફ તબક્કામાં હતી અને તેને 11 બેઠકો સાથે 15 ટકા વોટ મળ્યા હતા. જ્યારે અપક્ષને ફાળે 8 બેઠકો ગઈ હતી અને 9.3 ટકા વોટ પણ અપક્ષોએ અંકે કર્યા હતા.



TABLE-2

1985ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ-

વોટિંગ- 48.8 ટકા

પક્ષ                    બેઠક                   વોટ

કૉંગ્રેસ                  149                    55.6 ટકા

જનતા પાર્ટી            14                      19.3 ટકા

ભાજપ                  11                      15 ટકા

અપક્ષ                  08                     9.3 ટકા

1985ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ-

1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટકાથી વધુ વોટરો વોટિંગથી અળગા રહ્યા હતા. તો કૉંગ્રેસને 5 ટકાથી વધુ વોટનું નુકસાન થયું હોવા છતાં ગત ચૂંટણી કરતા આઠ બેઠકો વધુ મળી હતી. જ્યારે જનતા પાર્ટીની સ્થિતિ 1980ની ચૂંટણી કરતા નબળી જોવા મળી અને ભાજપ 1 ટકા વોટના ફાયદા સાથે વધુ બે બેઠકો મેળવીને રાજ્યમાં નવી રાજકીય શક્તિ તરીકે પ્રસ્થાપિત થવા લાગ્યું હતું.

-----------0-------

1990ની વિધાનસભાની ચૂંટણી: ખામ થિયરીને ધોબીપછાડ-કૉંગ્રેસનો કારમો રકાસ

1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને આંતરીક જૂથબંધી ખૂબ મોટાપ્રમાણમાં નડી હતી. 1985માં જીતનું સુકાન સંભાળનારા માધવસિંહ સોલંકીને થોડાક સમયમાં બદલીને અમરસિંહ ચૌધરીને ગુજરાતના પહેલા આદિવાસી સમુદાયમાંથી આવનારા મુખ્યમંત્રી તરીકે રાજ્યની બાગડોર સોંપવામાં આવી હતી. જો કે 1990ની વિધાનસભાની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ ફરીથી અમરસિંહ ચૌધરીના સ્થાને સરકારનું સુકાન કોંગ્રેસે માધવસિંહ સોલંકીને સોંપ્યું હતું. પરંતુ રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસની નબળી થઈ રહેલી સ્થિતિ અને એકજૂટતા તરફ આગળ વધી રહેલા વિપક્ષના બેવડાં પડકારો વચ્ચે 1990માં કૉંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી.

1990ની વિધાનસભાની ચૂંટણી ભાજપે જનતાદળ સાથે મળીને લડી હતી. આ ચૂંટણીમાં જનતાદળને 70 બેઠકો અને 29.4 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 67 બેઠકો અને 26.7 ટકા વોટ મળ્યા હતા. 1990ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 33 બેઠકો અને 30.7 ટકા વોટથી સંતોષ માનવો પડયો હતો. વાયવીપી એટલે કે યુવા વિકાસ પાર્ટીને 1 બેઠક અને 0.8 ટકા વોટ મળ્યા હતા. જ્યારે અપક્ષોને 11 બેઠકો અને 10.4 ટકા વોટ મળ્યા હતા.



TABLE- 3

1990ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ-  

 

વોટિંગ- 52.2 ટકા

પક્ષ                   બેઠક                   વોટ

જનતાદળ              70                     29.4 ટકા

ભાજપ                  67                     26.7 ટકા

કૉંગ્રેસ                  33                     30.7 ટકા

વાયવીપી               01                      0.8 ટકા

અપક્ષ                  11                      10.4 ટકા

1990ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ-

1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટકાથી વધુ વોટિંગ થયું હતું. જો કે વોટિંગમાં થયેલા વધારાનો તફાવત ખૂબ ઓછો હતો. પરંતુ વોટિંગ વધવાથી કૉંગ્રેસને નુકસાન થતું હોવાની થિયરી વધુ દ્રઢ બની હતી. કૉંગ્રેસ 149 બેઠકો પરથી સીધી 33 બેઠકો પર આવી ગઈ હતી. આમ કૉંગ્રેસને 1990માં 24.9 ટકા વોટના નુકશાન સાથે 116 બેઠકો પણ ગુમાવવી પડી હતી. જ્યારે જનતાદળ અને ભાજપને 137 બેઠકો અને 56.1 ટકા વોટ મળ્યા હતા. જો કે 1990માં જનતાદળ અને ભાજપ બંને ભેગા મળીને પણ કૉંગ્રેસનો 149 બેઠકોનો સૌથી વધુ બેઠકો પર જીતનો વિક્રમ તોડી શક્યા ન હતા. મહત્વપૂર્ણ છે કે 1985માં કૉંગ્રેસને મળેલા 55.6 ટકા વોટ કરતા 1990માં જનતાદળ અને ભાજપને મળેલા સંયુક્ત વોટની ટકાવારી 1.5 ટકા જેટલી વધારે હતી. આ સિવાય 1990ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના આગામી રાજકીય પરિદ્રશ્યમાં ગાંધીનગરની ગાદી પર ભાજપના સત્તાયોગના સંકેતો પણ મળી ગયા હતા. 1990માં ભાજપ ભલે જનતાદળ પછીના ક્રમાંકે હતું. પરંતુ જનતાદળે ઉતારેલા ઉમેદવારો કરતા ભાજપે ઓછી બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમ છતાં બંને પક્ષો વચ્ચે બેઠકોમાં તફાવત માત્ર ત્રણ બેઠકોનો રહી ગયો હતો. આ સિવાય રામજન્મભૂમિ આંદોલન જે રીતે આગળ વધી રહ્યું હતું અને તેને ગુજરાતમાં જેવા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો હતો, તેના પરથી જ 1995માં ભાજપને સત્તા મળવાના સંકેતોની ચર્ચા વધુ જોરશોરથી થવા લાગી હતી. આમા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના હ્રદયરોગથી થયેલા અવસાન બાદ છબીલદાસ મહેતાના મુખ્યમંત્રી બન્યા બાદ અને જનતાદળમાંથી બનેલા ચિમનભાઈ પટેલના જનતાદળ-ગુજરાતના કોંગ્રેસમાં વિલયની સાથે આને લઈને રાજકીય વિશ્લેષકો સતત ભાજપના ગાંધીનગરની ગાદી પરના સત્તા યોગને લઈને ચર્ચાઓ કરતા હતા.

-0-

1995ની વિધાનસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગરની ગાદી પર કેશુભાઈ પટેલ થયા આસિન

1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ભાજપ ગાંધીનગરની ગાદી પર આસિન થયું હતું. 1995ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં 1990 કરતા વધારે 64.4 ટકા વોટિંગ થયું હતું. 1995માં ભાજપને 121 બેઠકો અને 42.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસને 45 બેઠકો અને 32.9 ટકા વોટ જ મળ્યા હતા. 1995માં 16 અપક્ષો જીત્યા હતા અને તેમને 18.7 ટકા વોટ મળ્યા હતા.




TABLE- 4

વોટિંગ- 64.4 ટકા

પક્ષ                    બેઠક                   વોટ

ભાજપ                  121                     42.5 ટકા

કૉંગ્રેસ                  45                     32.9 ટકા

અપક્ષ                  16                      18.7 ટકા

1995ની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ-

1995માં ભાજપને સત્તા મળી, પરંતુ કેશુભાઈ પટેલની સરકાર શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે વધુ લાંબો સમય ટકી નહીં. ખજૂરાહો કાંડ અને તેના પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી એટલે કે રાજપા બનાવીને શંકરસિંહ વાઘેલાઓ કૉંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી. જો કે બાદમાં તેમના સ્થાને દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવવા પડયા હતા. કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધા પછી ગુજરાતમાં વચગાળાની ચૂંટણીઓ આવી હતી.

-----------0----

1998ની વિધાનસભાની ચૂંટણી: ભાજપને ફરીથી બહુમતી, શંકરસિંહ વાઘેલાને બળવાનો જનતાએ આપ્યો હતો દંડ

1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શંકરસિંહ વાઘેલા દ્વારા બળવો કરીને કૉંગ્રેસની સાથે સરકાર બનાવવાના મામલે મતદારોની સહાનુભૂતિ મળી હતી. જેના કારણે 59.3 ટકા વોટિંગ છતાં ભાજપને 117 બેઠકો અને 44.8 ટકા વોટ મળ્યા હતા. કૉંગ્રેસને 53 બેઠકો અને 34.8 ટકા વોટ મળ્યા હતા. જ્યારે શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટીને માત્ર 4 બેઠકો અને 11.7 ટકા વોટથી જ સંતોષ માનવો પડયો હતો. જ્યારે જનતાદળને 4 બેઠકો અને 2.6 ટકા વોટ મળ્યા હતા. અપક્ષને 3 બેઠકો અને 5.2 ટકા વોટ મળ્યા હતા. જ્યારે અન્યના ખાતામાં 1 બેઠક અને 0.9 ટકા વોટ ગયા હતા.




TABLE- 5

1998ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ

વોટિંગ- 59.3 ટકા

પક્ષ                    બેઠક                   વોટિંગ

ભાજપ                  117                     44.8 ટકા

કૉંગ્રેસ                  53                     34.8 ટકા

આરજેપી               04                     11.7 ટકા

જનતા દળ             04                     2.6 ટકા

અપક્ષ                  03                     5.2 ટકા

અન્ય                   01                      0.9 ટકા

1998ની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ -

1998ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાને વોટરોએ નકાર્યો હતો. ભાજપને ફરી એકવાર પૂર્ણ બહુમતી સાથે વોટર્સે સત્તા સોંપી હતી. જો કે બાદમાં રાજપાનું કોંગ્રેસમાં વિલનીકરણ કરીને શંકરસિંહ વાઘેલા સોનિયા ગાંધીના ગુજરાત ખાતેના સેનાપતિ બની ગયા હતા. 2001ના કચ્છ ભૂકંપ બાદ પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ રાજ્યમાં ફરી એકવાર મુખ્યમંત્રી બદલાયા હતા. 7 ઓક્ટોબર-2001ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીને પાર્ટી હાઈકમાન્ડે ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી હતી. એટલે કે કેશુભાઈ પટેલ ફરી એકવાર પોતાની મુખ્યમંત્રી તરીકેની ટર્મ પુરી કરી શક્યા નહીં. 

--------------0--------------

2002ની ચૂંટણી: ગોઝારા ગોધરાકાંડ અને અનુગોધરાકાંડની દુર્ઘટનાઓ બાદ રાજ્યની અસ્મિતા પર ચોટનો ગુજરાતીઓએ આપ્યો વોટથી જવાબ

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના ત્રણ કોચમાં આગને કારણે 58 રામસેવકોના નિધનની ઘટનાએ ગુજરાત અને દેશને હચમચાવી દીધો હતો. ગોધરાકાંડ બાદ રાજ્યમાં હુલ્લડો થયા હતા. આ સમયગાળામાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારની મીડિયા અને વિપક્ષ દ્વારા બેહદ ટીકાઓ થવા લાગી હતી. જેના કારણે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ભારતની લોકશાહીના હાઈકમાન્ડ એવી જનતાની અદાલતમાં જવાનો નિર્ણય કર્યો હતો. નરેન્દ્ર મોદી સંગઠનાત્મક બાબતોમાં તો કુશળ હતા જ. પણ તેની સાથે તેમણે પોતાની માસ લીડર તરીકેની ક્ષમતાઓનો પરિચય કરાવીને તેને પ્રસ્થાપિત પણ કરી હતી. નરેન્દ્ર મોદીએ ગૌરવ યાત્રા પણ યોજી હતી. આ ગૌરવ યાત્રાને ગુજરાતની જનતાએ ગુજરાતની અસ્મિતાના મુદ્દે ખૂબ મોટો પ્રતિસાદ આપ્યો હતો.

2002ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 61.5 ટકા વોટિંગ કર્યું હતું. ભાજપને 2002માં 127 બેઠકો અને 49.9 ટકા વોટ મળ્યા હતા. કૉંગ્રેસને 51 બેઠકો અને 39.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે જનતાદળ-યુનાઈટેડને 2 બેઠકો અને 0.9 ટકા વોટ મળ્યા હતા. અપક્ષોને 2 બેઠકો અને 5.7 ટકા વોટ મળ્યા હતા.



TABLE- 6

2002ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ

વોટિંગ- 61.5 ટકા

પક્ષ                    બેઠક                   વોટ

ભાજપ                  127                    49.9 ટકા

કૉંગ્રેસ                  51                      39.3 ટકા

જનતાદળ-યુ           02                     0.9 ટકા

અપક્ષ                  02                     5.7 ટકા

2002ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ-

2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત સાથે નરેન્દ્ર મોદી એક માસ લીડર તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યા હતા. આખા દેશમાં તેમને નવી રાજકીય સંભાવનાઓ સાથે સાંકળીને જોવાની શરૂઆત થઈ ચુકી હતી. ગુજરાતના લોકો સાથે નરેન્દ્ર મોદીનો સીધો સંવાદ પ્રસ્થાપિત થઈ ચુક્યો હતો. આ સિવાય દેશભરમાં ગુજરાત અને નરેન્દ્ર મોદીને લઈને અલગ-અલગ પરિપ્રેક્ષ્યમાં ચર્ચાઓ અને રાજકારણ ખેલાવા લાગ્યું હતું. જેના કારણે પ્રસ્થાપિત તથાકથિત સેક્યુલર રાજનીતિના માપદંડો પર પણ નવેસરથી ચર્ચા શરૂ થઈ ચુકી હતી. ગુજરાતમાં હિંદુત્વની રાજનીતિ વધુ ગાઢ બની હતી. જો કે કૉંગ્રેસના વોટ શેયરમાં 1998ની ચૂંટણીની સરખામણીએ વધારો થયો હતો. પરંતુ તેની સાથે જ કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર ભાજપે રાજકીય સ્થિતિમાં પરિવર્તન કરવામાં સફળતા મેળવી હોવાનું પણ જોવા મળ્યું હતું.

------------0---

2007ની વિધાનસભાની ચૂંટણી: નરેન્દ્ર મોદી હિંદુ હ્રદયસમ્રાટમાંથી વિકાસપુરુષ તરીકે થયા પ્રસ્થાપિત

2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો અને 49.1 ટકા વોટ મળ્યા હતા. કૉંગ્રેસને 59 બેઠકો અને 38 ટકા વોટ મળ્યા હતા. એનસીપીને 3 બેઠકો અને 1.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે જનતાદળ-યુનાઈટેડને 1 બેઠક અને 0.7 ટકા વોટ મળ્યા હતા. તો અપક્ષને 2 બેઠકો અને 6.6 ટકા વોટ મળ્યા હતા.




TABLE- 7

2007ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ

વોટિંગ- 59.8 ટકા

પક્ષ                    બેઠક           વોટિંગ

ભાજપ                  117           49.1 ટકા

કૉંગ્રેસ                  59             38 ટકા

એનસીપી               03             1.1 ટકા

જનતાદળ-યુ           01              0.7 ટકા

અપક્ષ                  02             6.6 ટકા

2007ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ-

2007ની વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય છબી હિંદુ હ્રદયસમ્રાટમાંથી વિકાસપુરુષ તરીકે પ્રસ્થાપિત થઈ ચુકી હતી. હિંદુત્વ પ્લસ વિકાસની રાજનીતિ સાથે નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય સ્થિતિ ખાસી મજબૂત કરી રહી હતી અને કૉંગ્રેસ માટેની રાજકીય સંભાવનાઓ ઘટી ચુકી હતી. જો કે ગોરધન ઝડફિયાએ બળવો કરીને બનાવેલી મહાગુજરાત જનતા પાર્ટી આગળ જતા ભાજપના કોર વોટર્સ ગણાતા પાટીદાર સમુદાયમાં અસંતોષની દિશામાં મંડાયેલું પહેલું પગલું બની ચુકી હતી.

------------0---------

2012ની વિધાનસભાની ચૂંટણી: નરેન્દ્ર મોદીની હિંદુત્વ પ્લસ વિકાસની રાજનીતિને સતત ત્રીજી વખત ગુજરાતીઓએ આપી માન્યતા

2012માં પાટીદાર નેતા કેશુભાઈ પટેલે ભાજપ છોડયા બાદ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી હતી. ગુજરાત પરિવર્તન પાર્ટીમાં ગોરધન ઝડફિયાએ મહાગુજરાત જનતા પાર્ટીને ભેળવી દીધી હતી. આમ નરેન્દ્ર મોદીના નેતૃત્વને પડકારવા માટે કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાની પાટીદાર નેતાઓની રાજકીય ધરી અસ્તિત્વમાં આવી હતી.

જો કે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો અને 47.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસને 61 બેઠકો અને 38.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 બેઠકો અને 3.6 ટકા વોટથી જ સંતોષ કરવો પડયો હતો. એનસીપીને 2 બેઠકો અને 0.9 ટકા વોટ મળ્યા હતા. અપક્ષને 1 બેઠક અને 5.8 ટકા વોટ મળ્યા હતા. જ્યારે અન્યોના હાથમાં 1 બેઠક અને 2.9 ટકા વોટ જ આવી શક્યા હતા.




TABLE- 7

2012ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ

વોટિંગ – 72.5 ટકા

પક્ષ                    બેઠક                  વોટ

ભાજપ                  115                     47.9 ટકા

કૉંગ્રેસ                  61                      38.9 ટકા

જીપીપી                 02                     3.6 ટકા

એનસીપી               02                     0.9 ટકા

અપક્ષ                  01                      5.8 ટકા

અન્ય                   01                      2.9 ટકા

2012ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ-

2012ની વિધાનસભાની ચૂંટણીએ સાબિત કરી દીધું કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કોઈ રાજકીય રીતે પડકારી શકે તેમ નથી. તેની સાથે 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના દાવેદાર તરીકે તેમને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચુકી હતી. જો કે ગુજરાતમાં પાટીદાર સમુદાયમાં ભાજપ સામે રાજકીય અસંતોષ વધવા લાગ્યો હતો.

----------0-----------

2017ની વિધાનસભાની ચૂંટણી: પાટીદાર અનામત આંદોલનની આંચથી ભાજપની સ્થિતિ થઈ હતી નબળી

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો અને 50 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસને 77 બેઠકો અને 42.2 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 બેઠકો અને 0.8 ટકા વોટ મળ્યા હતા. એનસીપીને 1 બેઠક અને 0.6 ટકા વોટ મળ્યા હતા. અપક્ષને 3 બેઠકો અને 4.4 ટકા વોટ મળ્યા હતા. તો નોટાને 5 લાખ 51 હજાર 615 એટલે કે 1.8 ટકા વોટ મળ્યા હતા.

TABLE- 8

2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામ

વોટિંગ- 69.2 ટકા

પક્ષ                    બેઠક                   વોટ

ભાજપ                  99                     50 ટકા

કૉંગ્રેસ                  77                     42.2 ટકા

બીટીપી                 02                     0.8 ટકા

એનસીપી               01                      0.6 ટકા

અપક્ષ                  03                     4.4 ટકા

નોટા                   551615 વોટ           1.8 ટકા

2017ની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ -

2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબહેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ પાટીદાર અનામત આંદોલનના પગલે તેમને ખસેડીને વિજય રૂપાણીને સત્તા સોંપવામાં આવી હતી. વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાયેલી ચૂંટણીમાં ભાજપને 1995 બાદ સૌથી પહેલી વખત 100 કરતા ઓછી બેઠકો મળી હતી. કૉંગ્રેસને 1990 બાદ રાજ્યમાં સૌથી વધુ 77 બેઠકો મળી હતી. 2017માં કૉંગ્રેસની ગુજરાત ખાતે સ્થિતિ મજબૂત થતી હોવાની ચર્ચા શરૂ થઈ હતી.

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો