લેબલ punjab સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ punjab સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 29 ઑક્ટોબર, 2022

AAP ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરે, તો 2024 પહેલા રાષ્ટ્રીય પાર્ટી તરીકેની માન્યતા પ્રાપ્ત કરી શકશે

 

-આનંદ શુક્લ



આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રાજકીય મહત્વકાંક્ષાઓ કોઈનાથી છૂપાયેલી નથી. દિલ્હીમાં ત્રણ ટર્મથી ચૂંટાતી કોંગ્રેસને સત્તામાંથી ઉખાડી ફેંકનારા કેજરીવાલને પંજાબમાં મોટી જીત બાદ એવી આશા બંધાય છે કે તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ 2024માં આવો કરિશ્મો કરી શકે છે. આના માટે અરવિંદ કેજરીવાલની પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય અને હિંદુત્વવાદી રાજનીતિના ગઢ ગુજરાતમાં ભાજપને પડકારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી અરવિંદ કેજરીવાલે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકાર્યા હતા. જો કે કેજરીવાલ નરેન્દ્ર મોદીને મહાવિજયથી અટકાવી શક્યા ન હતા. પરંતુ હવે અરવિંદ કેજરીવાલ 2024માં ભાજપને ફરીથી સત્તામાં આવતી અટકાવવાના વિપક્ષી એકતાના પ્રયાસો વચ્ચે ગુજરાતમાં પ્રભાવી રાજકીય પરિબળ બનીને વિપક્ષી મોરચાના નેતૃત્વની દાવેદારીને મજબૂત બનાવવાની રાજકીય ગણતરી ધરાવે છે. જો કે આમ આદમી પાર્ટીને હજી સુધી રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળી નથી. પરંતુ ત્રણ રાજ્યોમાં આમ આદમી પાર્ટીને સ્ટેટ પાર્ટી તરીકેના માન્યતા મળી છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી આઠ રાષ્ટ્રીય પાર્ટીઓની હરોળમાં આવવાની નેમ ધરાવે છે. તેના કારણે તેનું ગુજરાત પર વધુ ધ્યાન કેન્દ્રીત છે. આવો જાણીએ રાષ્ટ્રીય પાર્ટી બનવા માટેની શરતો શું છે?

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં શું ઘટે છે?

ભારતમાં રાષ્ટ્રીય પક્ષ માટે નીચેની ત્રણ શરતોમાંથી એક પૂર્ણ થવી જરૂરી છે.

(1) જો કોઈ પક્ષ ત્રણ રાજ્યોમાંથી લોકસભાની 2 ટકાથી વધુ બેઠકો મેળવે

(2) જો કોઈ પક્ષ લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમમાં ચાર કે તેનાથી વધુ રાજ્યોમાં 6 ટકા વોટ મેળવે અને લોકસભાની 4 બેઠકો પણ જીતે

(3) જો કોઈ પક્ષ 4 રાજ્યોમાં પ્રાદેશિક એટલે કે સ્ટેટ પાર્ટી તરીકેની માન્યતા મેળવે.

ટીએમસી, બીએસપી, ભાજપ, કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, એનસીપી, નેશનલ પીપલ્સ પાર્ટી હાલ દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ છે.

------------0--------

આમ આદમી પાર્ટીનું લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં પરફોર્મન્સ--------------------

આમ આદમી પાર્ટીની બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં સરકાર છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, ગોવામાં સ્ટેટ પાર્ટી તરીકે માન્યતા મેળવી ચુકી છે. તેને રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે ચાર કે તેથી વધારે રાજ્યોમાં સ્ટેટ પાર્ટીની માન્યતા મળવી જરૂરી છે.

ભારતના 31માંથી 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.

રાજ્યસભાની245 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી પાસે 10 બેઠકો છે

દેશની 4036 વિધાનસભા બેઠકોમાંથી 156 બેઠકો આમ આદમી પાર્ટી પાસે છે.

 

આમ આદમી પાર્ટીનું લોકસભાની ચૂંટણીમાં પરફોર્મન્સ--------------------------

આમ આદમી પાર્ટીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં 35 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને માત્ર એક બેઠક પર જીત મેળવી હતી. 2019માં આમ આદમી પાર્ટીને માત્ર 0.4 ટકા વોટ જ મળ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીને 2014માં 432 બેઠકો પર ઉમેદવારી કરવા છતાં 4 બેઠકો પર જ જીત મળી હતી અને 414 બેઠકો પર તેની ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર 2.1 ટકા વોટ જ મળ્યા હતા.

આમ આદમી પાર્ટીનું વિધાનસભાની ચૂંટણીઓમાં પરફોર્મન્સ------------------

દિલ્હી---( આપ સ્ટેટ પાર્ટી)

2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખતના ચૂંટણી યુદ્ધમાં જ 28 બેઠકો અને 29.7 ટકા વોટ મેળવ્યા હતા

2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 બેઠકો અને 54.5 ટકા વોટ સાથે અભૂતપૂર્વ જીત મેળવીને સરકાર બનાવી હતી

2020માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો અને 53.8 ટકા વોટ મેળવ્યા હતા.

 

પંજાબ----------(આપ સ્ટેટ પાર્ટી )

આમ આદમી પાર્ટીએ 2017માં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં 20 બેઠકો અને 23.9 ટકા વોટ મેળવીને મુખ્ય વિપક્ષી દળ તરીકેનું સ્થાન મેળવ્યું હતું

આમ આદમી પાર્ટીએ 2022માં 92 બેઠકો અને 42.3 ટકા વોટ સાથે પંજાબમાં સરકાર બનાવી હતી.

 

ગોવા------------------ (આપ- સ્ટેટ પાર્ટી)

આમ આદમી પાર્ટીએ ગોવામાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ બેઠકો મેળવી નહીં, પરંતુ 6.3 ટકા વોટ જરૂરથી મેળવ્યા હતા.

જ્યારે આમ આદમી પાર્ટીએ ગોવામાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 2 બેઠકો પર જીત મેળવી હતી અને તેની સાથે 6.8 ટકા વોટ પણ મેળવ્યા હતા.

ઉત્તરપ્રદેશ---

2022ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 349 ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ એકપણ બેઠક મેળવવામાં સફળતા મળી ન હતી. 2022માં યુપી ખાતે આમ આદમી પાર્ટીને માત્ર 0.4 ટકા વોટ મળ્યા હતા.

-------------0-----------------------------------------0---------------0-------------------------