Wednesday, July 20, 2022

કચ્છ બોર્ડર પર પાકિસ્તાની સેનાને ભારે પડનાર ભારતીય સેનાના રાહબર વાવના વીર રણછોડ પગીની વીરગાથા

 

-0-

પેથાપુર ગઢડોથી ઉચાળા ભરીને વાવના લિંબળામાં સ્થાયી થયા-

નડાબેટથી થોડાક કિલોમીટરના અંતરે આવેલા વાવ તાલુકાના લિંબાળા ગામના રણછોડભાઈ રબારી ઉર્ફે રણછોડ પગી ભારત અને પાકિસ્તાનની સરહદના રખેવાળ, સેનાના રાહબર અને ભોમિયા હતા. 1965 અને 1971માં ભારતીય સેનાની જીતમાં રણછોડ રબારીની રાહબરી ઘણી મહત્વની સાબિત થઈ હતી. 1901માં રણછોડ પગીનો જન્મ અવિભાજીત ભારતના થરપારકર જિલ્લાના પેથાપુર ગઢડો ગામમાં થયો હતો અને ત્યાં જ તેઓ મોટા થયા હતા. જો કે સ્વતંત્રતા બાદ પાકિસ્તાન બન્યા પછી થરપારકર જિલ્લો પાકિસ્તાનમાં ગયો હતો. પાકિસ્તાન બન્યા પછી પાકિસ્તાની સેનાના સૈનિકોએ હિંદુ બહુલ સિંધ પ્રાંતના નગરપારકર અને થરપારકર જિલ્લામાં સ્થાનિકો પર જુલ્મો ગુજારવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી પોતાના બાપદાદાઓના ઘરબાર છોડવા મજબૂર થયેલા હિંદુઓમાં રણછોડભાઈ રબારી પણ સામેલ હતા. તેઓ પેથાપુર ગઢડો ગામમાં પોતાની જમીન અને પશુ છોડીને બનાસકાંઠાના વાવના રાધાનેસડા ગામમાં નિરાશ્રિત બનીને આવ્યા હતા. બાદમાં રણછોડ પગી તેમના મોસાળના ગામ લિંબાળામાં સ્થાયી થયા હતા.

સુઈગામ પોલીસ સ્ટેશનમાં રણછોડભાઈ રબારીની પગી તરીકે નિમણૂક-

બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકા મથક છે. સુઈગામ કચ્છના રણથી 10 કિલોમીટર દૂર નાની ટેકરી પર વેસલું છે અને રણની પેલેપાર થરપારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે. સુઈગામથી 35થી 40 કિલોમીટરના અંતરે ભારતની સીમા પુરી થાય છે. આ સ્થાન પર બીએસએફની બોર્ડર પોસ્ટ આવેલી છે. બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ પોલીસ મથક સૌથી સંવેદનશીલ માનવાં આવે છે. સુઈગામ પોલીસ સ્ટેશનની હદ છેક ઝીરોલાઈન સુધી છે. સ્વતંત્રતા બાદ પાકિસ્તાનથી ભારતમાં સીમાનું ઉલ્લંઘન કરીને પગપાળા ઘૂસણખોરી, ચોર-લૂંટારાનો ત્રાસ સૂઈગામ અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળતો હતો.

રણછોડ પગી પાકિસ્તાનથી ભારત નિરાશ્રિત બનીને આવ્યા હતા. તેમની પાસે પાકિસ્તાની ક્ષેત્રોની ખૂબ ચોક્કસ અને સારી માહિતી હતી. પગલા પારખવામાં તેઓ નિષ્ણાત હતા. તેમની આવી વિશેષતાઓને કારણે સૂઈગામ પોલીસ સ્ટેશનમાં તેમની પગી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સુઈગામ પોલીસને પગલાનો પારખું, રણનો ભોમિયો અને પગલાની છાપ પરથી ઘૂસણખોરોને શોધી કાઢનારા અને સરહદી વિસ્તારમાં પાકિસ્તાનીઓની હિલચાલની ખબર આપનાર જાંબાજ પગી તરીકે રણછોડ રબારી મળી ગયા હતા. જો કે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા આ દુર્ગમ રણવિસ્તારમાં અનેક કિલોમીટરો સુધી ચાલવું પડતું હતું.

1965ના યુદ્ધમાં 1200 પાકિસ્તાની સૈનિકો પર ભારે પડયા રણછોડ પગી-

1965ના યુદ્ધમાં રણછોડ પગીનું આગવું કૌશલ્ય ભારતીય સેનાને જીતમાં ઘણું કામ આવ્યું હતું. એપ્રિલ, 1965 પાકિસ્તાની સેનાએ કચ્છના રણમાં ઘૂસણખોરી શરૂ કરી દીધી હતી. ઓગસ્ટ, 1965 સુધીમાં તો ભારત અને પાકિસ્તાનની સીમા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ચુકી હતી. આ યુદ્ધમાં રણછોડ પગીનું પગલાની છાપ જોઈને સૈન્ય ગતિવિધિઓની ચોક્કસ જાણકારી મેળવવાની લાક્ષણિકતા ભારતીય સેનાની જીતમાં રાહબર બની હતી. રણછોડ પગીને ભારતીય ફોર્સિસમાં ઑલ્ડ વૉર કેમલના હુલામણા નામે બોલાવવામાં આવતા હતા. તેઓ ઉંટ પર બેસીને પોતાની નજરો સરહદ પર જમાવતા ને પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની ચોક્કસ જાણકારી આપતા હતા. તેઓ પગલાની છાપ પરથી ઘૂસણખોરોની સંખ્યા, ઉંટ પર કોઈ સામાન છે કે નહીં અને તેમની ઝડપ-દિશા-રોકાણ સહીતની જણાવતા હતા.

1965ના યુદ્ધ પહેલા પાકિસ્તાની સૈનિકોએ કચ્છની રણનીતિક દ્રષ્ટિએ મહત્વની વિઘાકોટ સીમા પોસ્ટ પર કબજો કર્યો હતો. બાદમાં થયેલી લડાઈમાં 100 ભારતીય સૈનિકો વીરગતિ પામ્યા હતા. આ પોસ્ટને મુક્ત કરાવવા માટે 10 હજાર ભારતીય સૈનિકોની એક ટુકડી મોકલવામાં આવી હતી. પરંતુ આ સૈન્ય અભિયાનની સફળતા માટે માત્ર ત્રણ દિવસમાં દુર્ગમ સીમા ક્ષેત્રમાં આવેલી છારકોટ ખાતે પહોંચવું જરૂરી હતી, કારણ કે આમા જો વધુ સમય લાગે તો પાકિસ્તાનની સેનાને રિઈન્ફોર્સમેન્ટ મળી જાય અને તે પોતાની સ્થિતિ મજબૂત કરી લે તેવી શક્યતા હતી. જો પાકિસ્તાની સેનાની સ્થિતિ મજબૂત થઈ જાય, તો ભારતીય સેનાને અભિયાનમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા હતી. આ મિલિટ્રી મિશન માટે ભારતીય સેનાએ પોતાના સૌથી મહત્વપૂર્ણ અને કાબેલ જાસૂસને તહેનાત કર્યા અને તે હતા રણછોડ પગી. રણછોડભાઈ પગીએ પોતાના જીવની પરવાહ કર્યા વગર ભારતીય સેનાને છારકોટ પહોંચવાનો ટૂંકો રરસ્તો બતાવ્યો હતો. આ રસ્તે રણછોડ પગીએ ભારતીય સેનાના 10 હજાર સૈનિકોને નિર્ધારીત સમયના 12 કલાક પહેલા છારકોટ પહોંચાડી દીધા હતા. આ સિવાય રેતના દરિયામાં થઈને અંધારામાં વિઘાકોટમાં છૂપાયેલા 1200 પાકિસ્તાની સૈનિકોની ચોક્કસ જાણકારી પણ ભારતીય સેનાને આપી હતી. જેના પરિણામે ભારતીય સેનાએ વિઘાકોટ પોસ્ટ મુક્ત કરાવીને જીત પ્રાપ્ત કરી હતી.

1971માં પાલીનગર પર તિરંગો ફરકાવવામાં મહત્વની ભૂમિકા-

1965માં પોતાનું રણકૌશલ દેખાડનારા રણછોડભાઈ પગીએ 1971ના યુદ્ધમાં તો કમાલ કરી હતી. 1971ના યુદ્ધમાં રણછોડ પગીએ બેરિયાબેટથી ઊંટ પર પાકિસ્તાન જઈને ધોરા વિસ્તારમાં છૂપાયેલા પાકિસ્તાની સૈન્યની માહિતી ભારતીય સેનાને પહોંચાડી હતી. તેના આધારે ભારતીય સેનાએ આક્રમણ કર્યું અને પાકિસ્તાની સેનાની ચાલને ધોબીપછાડ આપ્યો હતો. તે વખતે ભીષણ બોમ્બમારો ચાલુ હતો અને ભારતીય સેનાનો દારૂગોળો ખૂટી ગયો હતો. ત્યારે ભારતીય સેનાની 50 કિલોમીટર દૂર આવેલી બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટો પર દારૂગોળાનો જથ્થો લાવીને સેનાને આપ્યો હતો. સમયસર દારૂગોળો પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાનોએ ધોરા અને ભાલવા થાણા પર હુમલા કરીને તેને ભારતના નિયંત્રણ હેઠળ લાવી દીધા હતા. રણછોડ પગી દારૂગોળો ઝડપથી પહોંચાડતી વખતે ઘાયલ પણ થયા હતા. 1971ના યુદ્ધમાં સેનાને પાલીનગર પોસ્ટ પર રણછોડ પગી દ્વારા પહોંચાડવામાં આવેલી મદદ અવિસ્મરણીય છે. રણછોડ રબારી ઉર્ફે રણછોડ પગીની પગલા પારખવાની આગવી કુશળતા અને સરહદી વિસ્તારમાં રાહબરીના કારણે ભારતીય સેનાના 10 હજારથી વધુ જવાનોના જીવ બચ્યા હતા અને ભારતને પાકિસ્તાનના બદઈરાદાઓને ધોબીપછાડ આપવામાં સફળતા મળી હતી. 1971ના યુદ્ધમાં ભારતીય સેનાએ નગરપારકરના વિસ્તારમાં પહોંચીને પાકિસ્તાનનો 10 હજાર ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો હતો.

જનરલ સેમ માનેકશૉ રણછોડ પગીના હુન્નરના હતા કાયલ-

16 ડિસેમ્બર, 1971ના રોજ ઢાકામાં પાકિસ્તાની સેનાના 93 હજાર સૈનિકોએ જાહેરમાં હથિયારો હેઠાં મૂકીને સરન્ડર કર્યું હતું. આ યુદ્ધ બાદ તત્કાલિન ભારતીય સેનાધ્યક્ષ જનરલ સેમ માનેકશૉએ રણછોડ પગીને ઢાકામાં મળવા માટે બોલાવ્યા હતા. રણછોડ પગીના હુન્નરના જનરલ માનેકશૉ કાયલ હતા. તેમણે પગીને લાવવા માટે એક હેલિકોપ્ટર મોકલ્યું હતું. રણછોડ પગી હેલિકોપ્ટરમાં બેઠા અને હેલિકોપ્ટરે ઉડાણ ભરી. ત્યારે અચાનક રણછોડભાઈને યાદ આવ્યું કે તેમની થેલી તો નીચે જ રહી ગઈ છે. બાદમાં રણછોડ પગીએ થેલીને લેવા માટે હેલિકોપ્ટરને ફરીથી લેન્ડ કરવા જણાવ્યું હતું. હેલિકોપ્ટર લેન્ડ થયું અને થેલી લેવામાં આવી હતી. જ્યારે ઢાકામાં જનરલ માનેકશૉ સાથે ડિનર કરવાનું હતું. ત્યારે રણછોડ પગીએ થેલી ખોલી તો તેમાથી બે બાજરીના રોટલા, ડુંગળી અને ગાંઠિયા હતા. આ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. પરંતુ જનરલ માનેકશૉએ રણછોડ પગી સાથે મળીને તેઓ થેલીમાં જે ભોજન લાવ્યા હતા તેને ખૂબ ખુશી સાથે આરોગ્યું હતું. જનરલ માનેકશૉએ પગીને તેમના બહેતરીન કામ માટે પોતાની પાસેથી 300 રૂપિયાનું ઈનામ પણ આપ્યું હતું.

રણછોડ પગી જીવતી વીરગાથા બન્યા-

રણછોડ પગીને તેમની પ્રશંસનીય કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને સંગ્રામ પદક, પોલીસ પદક અને ગ્રીષ્મકાલિન સેવા પદક પણ આપવામાં આવ્યા છે. તેમને તેમના સાથીદારો દ્વારા ગામમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવવાનું પણ સમ્માન આપવામાં આવ્યું હતુ. બનાસકાંઠા બોર્ડર પર બીએસએફે રણછોડદાસ પગીના નામે પોસ્ટનું નામકરણ પણ કર્યું છે. આ પહેલો બનાવ છે કે ભારત-પાકિસ્તાન બોર્ડર પરની કોઈ પોસ્ટનું નામ કોઈ વ્યક્તિના નામ પરથી આપવામાં આવ્યું હોય. અહીંના લોકગીતોમાં પણ રણછોડ પગીના કામનો ઉલ્લેખ કરવામાં આવે છે.

1965 અને 1971ના યુદ્ધો બાદ પણ રણવિસ્તારના ભોમિયા એવા રણછોડ પગીએ બીએસએફ અને ભારતીય સેનાની રાહબરી કરવાની સેવાઓ ચાલુ રાખી હતી. 1998માં મુશર્રફ નામના ઉંટને પકડવામાં સફળતા મેળવી હતી અને તેના પરથી 22 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેના એક વર્ષ બાદ રણછોડ પગીએ ભગત વેરી પાસે 24 કિલોગ્રામ આર્ડીએક્સ સાથે પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડયા હતા અને હાજીપીરમાં છૂપાવાયેલા 46 કિલોગ્રામના વિસ્ફોટકો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

જનરલ માનેકશૉના નિધન પછી સેનામાંથી લીધી પગીએ સ્વૈચ્છિક નિવૃત્તિ-

27 જૂન, 2008ના રોજ ભૂતપૂર્વ સેનાધ્યક્ષ ફીલ્ડમાર્શલ સેમ માનેકશૉનું નિધન થયું  હતું. કહેવામાં આવે છે કે તેમને પોતાના અંતિમ દિવસો સુધી રણછોડ પગી યાદ કરતા રહ્યા હતા. ફીલ્ડમાર્શલ માનેકશૉના નિધન બાદ 2009માં રણછોડ પગીએ સેનામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને 18 જાન્યુઆરી- 2013માં 112 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી હતી. તેમના નિધન બાદ બીએસએફે બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય સીમા પરની એક ચોકીને રણછોડ ચોકી નામ આપ્યું છે. ગુજરાત પોલીસે પણ તેમને અનોખું સમ્માન આપતા તેમના સમુદાયના અન્ય જાસૂસોને પોલીસ પગીનું ઉપનામ આપ્યું છે.

સરહદના રખોપાની જવાબદારી રણછોડ પગીએ પુત્ર-પૌત્રને વારસામાં આપી-

રણછોડભાઈ સવાભાઈ રબારી ઉર્ફે રણછોડ પગીને જનરલ સેમ માનેકશૉ સેનાના હીરો કહેતા હતા. રણછોડ પગીએ સુઈગામ પોલીસ ચોકીમાં પગી તરીકે કામગીરી શરૂ કરી અને બાદમાં યુદ્ધ વખતે સેનામાં સ્કાઉટ્સ તરીકે જોડાયા હતા. રણછોડભાઈના પુત્ર માનજીભાઈ રબારી પણ સુઈગામ પોલીસમાં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે. હવે સુઈગામ પોલીસ મથકમાં પોલીસ પગી તરીકે રણછોડ પગીના પૌત્ર મહેશભાઈ પગી સેવા આપી રહ્યા છે.

No comments:

Post a Comment