Saturday, September 19, 2009

ફેક કરન્સી: પાકિસ્તાન દ્વારા ભારતમાં આર્થિક આતંકવાદ

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી ભારત અવાર-નવાર લોહીલુહાણ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાને પોતાની નાપાક હરકતો દ્વારા ભારતના વિકાસદરના નવા માનાંકો હાસિલ કરતાં અર્થતંત્રને નિશાના પર લીધું છે. ભારત સરકારે સંસદના બંને ગૃહોમાં આધિકારિકપણે કબૂલાત કરી છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, આતંકવાદી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય માફિયા દાઉદ ઈબ્રાહીમના નેટવર્ક થકી ભારતમાં પાકિસ્તાનથી નકલી નોટોનો ધોધ વહેવડાવવામાં આવે છે. ભારતમાં નકલી નોટોના પાકિસ્તાન દ્વારા વધી રહેલા પ્રવાહ પાછળ બે બાબતોની શક્યતા દર્શાવાય છે. એક તો ભારતીય અર્થતંત્રની રેલને વિકાસના પાટા પરથી ઉતારવી અને ભારત વિરોધી આતંકવાદી જૂથોની નાણાંકીય જરૂરિયાતો પૂરી પાડવી. એક અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2000 સુધીમાં 1,69,000 કરોડ રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરી રહી છે. જેના કારણે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. અધૂરામાં પૂરું બેંકોની શાખાઓ અને એટીએમમાં પણ નકલી નોટો ગ્રાહકોનેં નહીં મળે, તેની કોઈ ખાતરી નથી. ભારતમાં પેટ્રોલપંપોથી માંડીને શાકભાજીવાળા ફેરિયાઓ 500 અને 1000 રૂપિયાની નોટો સ્વીકારતા અચકાય છે. મોટાભાગે ફેક ઈન્ડિયન કરન્સી નોટ(એફઆઈસીએન)ને સાચી નોટોથી અલગ કરવી કઠિન છે. જો કે નકલી નોટોના નેટવર્કનો સ્વીકાર કરતી ભારત સરકાર અને આરબીઆઈ 1,69,000 કરોડ રૂપિયાની નકલી નોટો ચલણમાં ફરતી હોવાના અહેવાલોને નકારે છે. ભારતીય અર્થતંત્રને વૈશ્વિક મંદીની અસર મોડી નડી હોવાનો દાવો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ એ પણ સત્ય છે કે 8થી 9 ટકાનો વિકાસદર હાલ 6 ટકાની આસપાસ સ્થિર થયો છે. ત્યારે નકલી નોટોના નાપાક નેટવર્ક થકી ભારતીય અર્થતંત્રને કેટલું નુકસાન થયું છે, તે સંશોધનનો વિષય બને છે. કારણ કે ફૂગાવાનો દર વધારે હતો, ત્યારે તેને દેશમાં ભાવવધારા માટે કારણભૂત ગણવામાં આવતો હતો. જો કે હાલમાં ફૂગાવાનો દર અત્યંત નીચો છે, તેમ છતાં જીવનજરૂરિયાતની વસ્તુઓનો ભાવવધારો કાબૂમાં આવ્યો નથી. તેથી પ્રશ્ન અવશ્ય ઉદભવે છે કે નકલી નોટોના નાપાક નેટવર્કને કારણે ભારતીય અર્થતંત્ર આવા ભાવવધારાને કાબૂમાં લેવાની ક્ષમતા ગુમાવી ચૂક્યું તો નથી ને?

આર્થિક આતંકવાદ થકી ભારતીય અર્થતંત્ર પર હુમલો કરીને તેની વિકાસ યાત્રા ખોરવવા માટે પાકિસ્તાન ઘણી બધી તૈયારીઓ કરીને બેઠું છે. પાકિસ્તાને લંડન સ્થિત કંપની પાસેથી નાણાંના છાપકામ માટેના સ્તરના કાગળો અને શાહીની મોટાપ્રમાણમાં આયાત કરી છે. જે તેની નોટો છાપવાની જરૂરિયાત કરતાં ઘણી વધારે છે. વળી આ કંપની પાસેથી ભારત પણ નાણાંના છાપકામ માટેની વસ્તુઓ મેળવે છે. ત્યારે પાકિસ્તાનનો હેતુ સ્પષ્ટ છે કે તે નકલી ભારતીય નાણું છાપીને પોતાના નાપાક ઈરાદાઓ પાર પાડવાની વેતરણમાં છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓની માહિતી પ્રમાણે, પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટાના સરકારી પ્રિન્ટિંગ પ્રેસ, કરાચીના સિક્યુરીટી પ્રેસ અને લાહોર તથા પેશાવરના અન્ય બે પ્રિન્ટિંગ પ્રેસમાં નકલી ભારતીય નાણું છાપવામાં આવી રહ્યું છે. ગત નવેમ્બર માસમાં થયેલા મુંબઈ હુમલા બાદ પોલીસની નકલી નોટો ઝડપવાની કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નકલી નોટોનું પ્રમાણ વધારે હોવાના અખબારી અહેવાલો પણ પ્રકાશિત થયા છે. આરબીઆઈના આંકડાઓ પ્રમાણે, 18 જુલાઈ, 2008 સુધીમાં 6,03,000 કરોડનું નાણું ચલણમાં છે. તેની સામે 1,69,000 કરોડની નકલી નોટ હોવાના આઈબીના અહેવાલને કારણે કુલ ચલણી નાણાંની 28 ટકા જેટલી ચલણી નોટો નકલી હોવાનો અંદાજો લગાવાય છે. જે ભારતની આર્થિક સ્થિરતા સામે મોટો ખતરો છે. નકલી ભારતીય ચલણી નાણાં સંદર્ભે 2008માં સીબીઆઈએ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સ્તરે 13 જેટલાં કેસો નોંધ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે, જાન્યુઆરી અને ઓગસ્ટ,2008 વચ્ચે નકલી નોટો સંદર્ભે 1,170 કેસો નોંઘાયા છે, જ્યારે 2007માં 2,204 બોગસ નોટોના કેસો નોંધાયા છે. નકલી ચલણ દ્વારા આતંકવાદી પ્રવૃતિઓને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. હૈદરાબાદમાં 2007માં થયેલા ટ્વીન બ્લાસ્ટ, ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગલુરુ પરના હુમલા, અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટો અને નવેમ્બર માસમાં થયેલા મુંબઈ હુમલાની તપાસમાં નકલી નોટોના નેટવર્ક સાથે આતંકવાદીઓના તાર ગાઢપણે જોડાયા હોવાનું ખુલ્યુ છે. નિશ્ચિતપણે આઈએસઆઈ ભારતમાં હોશિયારીપૂર્વક પ્રોક્સી વોર લડી રહી છે. તે એક તરફ આતંકવાદી હુમલા કરાવીને નિર્દોષોના લોહી વહેવડાવે છે, તો બીજી તરફ તે નકલી ભારતીય ચલણ દ્વારા નાણાં વ્યવસ્થાને આર્થિક આતંકવાદ થકી લોહીલુહાણ કરી રહી છે. આઈએસઆઈ દર વર્ષે આતંકવાદી પ્રવૃતિમાં 1,800 કરોડ રૂપિયાનું ફંડ ઉપલબ્ધ કરાવે છે. જેનો મોટો હિસ્સો નકલી ચલણ થકી પૂરો કરવામાં આવે છે.

મોટાભાગે નોટોની સત્યતા માટે 37 જેટલા સિક્યુરીટી ફિચર્સ ઉપલબ્ધ છે, પણ નકલી નોટોની સમસ્યાથી ત્રસ્ત ભારત દ્વારા તેમાંથી માત્ર આઠ સિક્યુરીટી ફિચર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે નકલી ભારતીય નોટોનું છાપકામ વધારે સરળ બન્યું છે. કારણ કે જેટલા સિક્યુરીટી ફિચર્સ વધારે ઉપયોગમાં લેવાય તેટલું નકલી નોટો છાપવાનું કામકાજ મુશ્કેલ બને છે. જો કે છેલ્લે 2005માં નોટો પરના સિક્યુરીટી ફિચર્સને સુધારવામાં આવ્યા હતા. પણ હાલમાં ચલણમાં ફરતી નકલી નોટોને અલગ કરવી તાલીમબધ્ધ બેંકિંગ એજન્ટો માટે પણ માથાનો દુખાવો છે. જેના કારણે બેંકો અને એટીએમ દ્વારા આવી નકલી નોટોની ફેરવહેંચણી થવી આશ્ચર્યની વાત રહી નથી. હકીકતમાં મોટી કિંમતની નકલી નોટો કરતાં ઓછી કિંમતની નકલી નોટો ચલણમાં વધારે પ્રમાણમાં ફરી રહી છે. કારણ કે મોટી કિંમતની નોટો વધારે ચીવટથી તપાસાય છે. જ્યારે ઓછી કિંમતની નોટો પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, નેપાળ હાલમાં નકલી નોટોના ભારતમાં પ્રવેશ માટેનું મોટું હબ બન્યું છે. નેપાળથી ઉત્તરપ્રદેશમાં સિધ્ધાર્થનગર-મહારાજગંજ માર્ગે અને બિહાર થઈને એમ બે માર્ગે નકલી નાણું પ્રવેશે છે. 1000 રૂપિયાની નોટ 500થી 600માં અને 500 રૂપિયાની નોટ 300થી 400 રૂપિયામાં ઉપલબ્ધ થાય છે. આરોપીઓના જણાવ્યા પ્રમાણે, સો અને પચાસ રૂપિયાની નકલી નોટો પણ ઉપલબ્ધ છે. જો કે તેની પડતર કિંમત મોટી કિંમતની નોટોની સરખાણીએ વધારે હોય છે. જો કે નાની કિંમતની નોટોને ચલણમાં ફરતી કરવાનું સરળ હોવાની વાત તેઓ કબૂલે છે.

માત્ર નેપાળમાંથી જ નહીં, નકલી ભારતીય નાણું પાકિસ્તાન દ્વારા પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની મદદથી બાંગ્લાદેશ, શ્રીલંકા અને દુબઈમાં પણ મોકલવામાં આવે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી થાર એક્સપ્રેસમાં પણ નકલી નાણાંની દાણચોરી થાય છે. ગુજરાતની દરિયાઈ અને ભૂમિ સરહદેથી મોટા પ્રમાણમાં નકલી નોટોની હેરાફેરી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. આ સિવાય દાઉદ ઈબ્રાહીમના દુબઈ ખાતેના નેટવર્કનો ઉપયોગ કરીને આઈએસઆઈ ત્યાં રહેતા એનઆરઆઈને પોતાના શિકંજામાં ફસાવીને નકલી નોટો ભારતમાં ઘૂસાડે છે. આ સિવાય થાઈલેન્ડ, મલેશિયામાંથી પણ નકલી નાણું ભારતમાં ઘૂસાડવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં જૈશે મહોમ્મદ તથા લશ્કરે તૈયબ્બા અને હુજી જેવા આતંકવાદી સંગઠનો દ્વારા નકલી નોટો ભારતમાં દાખલ કરાવાય. છે. ભારતમાં દાખલ થતી નકલી નોટોનો ખૂબ ઓછો હિસ્સો પોલીસની પકડમાં આવે છે. 2002માં 5.57 કરોડ, 2003માં 5.29 કરોડ, 2004માં 6.81 કરોડ રૂપિયાની નોટો ઝડપવામાં આવી હતી. આરબીઆઈના નિયમો પ્રમાણે, દર દસ લાખે સો રૂપિયાની 15 નકલી નોટો મળવી ગંભીર સ્થિતિને દર્શાવે છે અને હાલમાં આવી ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે. આરબીઆઈના વાર્ષિક અહેવાલ પ્રમાણે, છેલ્લા ત્રણ વર્ષમાં 100 રૂપિયાની નકલી નોટો પકડાવવાનું પ્રમાણ ઘટીને 60 ટકા થયું છે. જ્યારે 500 રૂપિયાની નોટો પકડાવવાનું પ્રમાણ વધીને 75 ટકા અને 1000 રૂપિયાની નોટોનું પ્રમાણ વધીને 300 ટકા થયું છે. પંજાબ, ઉત્તરપ્રદેશ અને પુણેમાં નકલી નોટો ઝડપાવાનું પ્રમાણ બમણું થયું છે. વળી, ભારતમાં દાઉદના નેટવર્કનો પાકિસ્તાન ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. હવે તો બેંક કર્મચારીઓને પણ નકલી ચલણના ફેલાવવા માટે પોતાની સાથે ભેળવવામાં આવી રહ્યાં છે. એસબીઆઈની દોમારીઆગંજની શાખાના ચીફ કેશિયર પાસેથી ચાર કરોડ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે. નકલી નાણાંને સાર્વજનિક અને ખાનગી બેંકોના માધ્યમ થકી આઈએસઆઈના મળતિયાંઓ વ્યવસ્થિત રીતે અસલી નોટોમાં નકલી નોટો ભેળવીને દેશભરમાં ફેલાવી રહ્યાં છે.

નકલી નોટોનું નેટવર્ક દેશની સુરક્ષા માટે ખતરનાક છે. અસલી જેવી નકલી નોટો થકી ભારતમાં આતંકવાદીઓ પોતાનું નેટવર્ક અને લોજિસ્ટિક સપોર્ટ વધારી શકે છે. તેના માટે તેમને નકલી નોટો થકી નાણાંકીય સુવિધા ઉપલબ્ધ રહે છે. વળી આતંકવાદીઓ માટે ફંડ ઉપલબ્ધ કરાવતી આઈએસઆઈને ખાલી નકલી નોટો છાપવાનો જ ખર્ચ ઉઠાવવો પડે છે. નકલી નોટોના ધંધાની અવેજીમાં મળતા અસલી ભારતીય નાણાં થકી આતંકવાદી સંગઠનો માટે સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં તેમને સરળતા રહે છે. ઈન્ટેલિજન્સ અધિકારીઓના માનવા પ્રમાણે, પ્રોપર્ટી માર્કેટમાં નકલી નાણાંનું ચલણ વધારે છે. અહીં 30થી 60 ટકા પેમેન્ટ કાળાં નાણાંથી કરવામાં આવે છે. જેમાં નકલી ચલણનો છૂટથી ઉપયોગ કરાવાય છે.

નકલી નોટોના વધી રહેલા નેટવર્કથી દેશની પ્રજાનો વિશ્વાસ દેશના ચલણમાંથી ડગી રહ્યો છે. હાલમાં 500 કે 1000ની નોટો લોકો ભારે મુશ્કેલી અને ચીવટ દાખવીને હાથમાં પકડે છે. જો કે અસલી જેવી જ નકલી નોટોને ઓળખવી ભારે મુશ્કેલ છે. ભારતમાં આતંકવાદ ફેલાવવા સાથે ભારતીય અર્થતંત્રને હલબલાવી નાખવા માટે આઈએસઆઈનો દાવ સફળ થતો દેખાય રહ્યો છે. ત્યારે ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરીને ખર્ચાઓ પર કાપ રાખવાની વાત કરતા નાણાંપ્રધાન પ્રણવ મુખર્જી માટે નકલી નોટોના વિકસેલા તંત્રથી ભારતના અર્થતંત્રને બચાવવું એક મોટો પડકાર બની ગયો છે. એક તરફ જનતા કહેવાતી મંદીની અસર તળે મોંઘવારીની સમસ્યાથી પીડાઈ રહી છે, તો બીજી તરફ નકલી નોટોની બ્રહ્મજાળ મોં ફાડીને ઉભી છે. ત્યારે આસમાને પહોંચેલા ભાવોને નિયંત્રિત નહીં કરી શકવાની સરકારની મજબૂરી મજબૂત ગણાતા ભારતીય અર્થતંત્રની પાકિસ્તાનના નકલી નોટોના નેટવર્કથી ખોખલા થયાની ચાડી તો નથી ખાતી ને ? જો કે આરબીઆઈએ ભારતીય ચલણમાં સિક્યુરીટી મેજર્સ વધારવાનો નિર્ણય લીધો છે. સાથે 1996થી 2000 વચ્ચેની નોટો તબક્કાવાર ચલણમાંથી પાછી ખેંચીને નવી સિરીઝની નોટો ચલણમાં અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે પાકિસ્તાની સરકાર ઈંગ્લેન્ડ, સ્વીઝરલેન્ડ, અનને સ્વીડન પાસેથી નોટોની પ્રિન્ટીંગ સામગ્રી મોટા પ્રમાણમાં મેળવી રહ્યું છે. ત્યારે નકલી નોટોના સાત કોઠાને ભેદવા માટે કેન્દ્ર સરકારન આગવી ફૂલપ્રુફ યોજનાની જરૂર પડશે. કારણ કે નકલી નોટોના નેટવર્કનો સમગ્ર મામલો દેશની સુરક્ષા અને વિકાસ પ્રક્રિયા સાથે જોડાયેલો છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં વિસ્તારવામાં આવેલા ફેક ઈન્ડિયન કરન્સી નેટવર્કને વિશેષજ્ઞો આર્થિક આતંકવાદ તરીકે જોઈ રહ્યાં છે. ત્યારે આતંકવાદને નાથવા માટે જેવી રીતે વિશેષ દળની જરૂર પડે છે, તેવી જ રીતે પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આર્થિક આતંકવાદને નાથવા માટે સ્પેશ્યલ બેન્કિંગ એરેન્જમેન્ટસ અને મિકેનિઝમની જરૂર છે.

No comments:

Post a Comment