Wednesday, September 30, 2009

દક્ષિણ એશિયામાં બદલાતા સામરિક સમીકરણો અને ભારત

તાજેતરમાં ઈન્ડિયા ડિન્ફેન્સ રિવ્યૂના તંત્રી કેપ્ટન ભરત વર્માએ પોતાના તંત્રીલેખમાં આગાહી કરી છે કે હતાશ ચીન 2012 સુધીમાં ભારત પર હુમલો કરે તેવી સંભાવના છે. ત્યારે બીજી તરફ ચીનની થિંક ટેન્ક ગણાતી એક વેબસાઈટ પર ચીન થોડી કોશિશ કરે તો, તે ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે,તેવી ચર્ચા કરતાં લેખો પ્રકાશિત કરાયા છે. જેમાં કાશ્મીર, ઉત્તર-પૂર્વ ભારત અને તામિલનાડુમાં અલગતાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાના ઈરાદાઓ વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ વેબસાઈટ પર વિખંડિત ભારતને દક્ષિણ એશિયા માટે લાભપ્રદ ગણાવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા કેટલાંક સમયથી ચીની લાલ સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણના સમાચાર આવી રહ્યાં છે.
તેમા લડાખ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ફિંગર પોઈન્ટ વિસ્તારનો તો, સમાવેશ થાય જ છે. સાથે ઉત્તરાખંડ અને હિમાલચલ પ્રદેશમાં પણ ચીની સેનાઓ દ્વારા ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાને જુલાઈ માસમાં ભારત સરકારને પત્ર લખીને ચીની સેના દ્વારા ભારતીય સરહદના અતિક્રમણ સંદર્ભે માહિતી આપી હતી. જો કે એકંદરે ભારત અને ચીન સરહદ ઘણાં વખતથી શાંત રહી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે ‘લાઈન ઓફ એક્ચુયલ કંટ્રોલ’ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતાઓ વધારી દીધી છે. તેમ છતાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારતીય સરહદે લાઈન ઓફ એકચયુલ કંટ્રોલ પર ચીની સૈનિકોની આક્રમક હરકતોએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. જેના કારણે ભારતે ચીની સરહદે વિશેષ સૈનિક પ્રબંધો આરંભ્યા છે. લડાખમાં ચીની સરહદથી માત્ર 23 કિલોમીટર દૂર જંગી હવાઈજહાજ ઉતરે તેવી હવાઈ પટ્ટીને સક્રિય બનાવી દીધી છે. જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારતીય સેના અને અન્ય સુરક્ષાદળોનું ધ્યાન હવે ભારત-પાકિસ્તાન સરહદ સાથે ભારત-ચીન સરહદ તરફ પણ વધી રહ્યું છે.
ભારત ચીન સરહદે આવેલી ગરમી વાતાવરણમાં આવેલા કોઈ અચાનક ફેરફારને કારણે તો આવી નથી. તેની પાછળ દક્ષિણ એશિયમાં બદલાઈ રહેલી સમારિક પરિસ્થિતિ અને સમીકરણોની બહુ મોટી ભૂમિકા રહેલી છે. તેનાથી કોઈપણ સામરિક બાબતોના નિષ્ણાતોએ ઈન્કાર કર્યો નથી. ભારત-ચીન વચ્ચે તાજેતરમાં ઉભી થયેલી સૈનિકી સરગર્મીઓ પાછળ દૂરોગામી અને શીઘ્રગામી સામરિક ગણતરીઓ કારણભૂત હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ચીન અને પાકિસ્તાનની ધરી છેલ્લા કેટલાંય સમયથી ભારત વિરુધ્ધ સક્રિય બની છે. જેમાં બંનેના અલગ-અલગ વ્યૂહાત્મક ગણિત કારણભૂત છે. એક તરફ અફધાનિસ્તાનમાં ચાલી રહેલી તાલિબાનો વિરુધ્ધની અમેરિકા અને ગઠબંધન સેનાની કાર્યવાહી અને તેમા પાકિસ્તાનનું મને-કમને ઢસડાવું એક બહુ મોટી સામરિક ઘટના છે. તો બીજી તરફ પાકિસ્તાન પર ભરોસો ડગમગી જવાને કારણે અને વોર ઓન ટેરરની પાકિસ્તાની સીમાડામાં પહોંચવાની ગણતરી સાથે જ અમેરિકાએ ભારત સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ એશિયામાં અમેરિકાની કૂટનીતિક અને સૈનિકી ઉપસ્થિતિ તથા તેની ભારત સાથે વધી રહેલી ઘનિષ્ઠતાઓના કારણે ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જ્યારે અમેરિકા-પાકિસ્તાન અને ચીનના સંબંધોમાં આવેલા કે આવી રહેલા પરિવર્તનને કારણે ભારત માટે આગામી સમયમાં નવા પ્રકારની સામરિક પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
26/11ની ઘટના બાદ ભારત અન્ય તેવા જ આતંકવાદી હુમલાની જાણે કે રાહ જોઈ રહ્યું છે. અમેરિકી અને ઈઝરાયેલી ગુપ્તચર સંસ્થાઓએ પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં મુંબઈ હુમલા જેવો આતંકવાદી હુમલો થવાની સંભાવના દર્શાવતી ચેતવણી ભારત સરકારને આપી છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનાના એક લાખથી વધારે સૈનિકો સ્વાત ખીણમાં તાલિબાનો સામેની કાર્યવાહીમાં રોકાયેલા છે. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈપણ તણાવમાં પાકિસ્તાનને ભારતીય સરહદ પર પોતાના સૈનિકો ગોઠવવા પડે, તો તેવી શક્યતાઓ વખતે સ્વાત ખીણમાં ચાલી રહેલા તાલિબાન વિરોધી ઓપરેશન્સને ઘણો મોટો ધક્કો પહોંચે તેમ છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની સેનાને તેના કરતાં સંખ્યા, શક્તિ અને સામર્થ્યમાં બેથી ત્રણ ગણી ભારતીય સેના સામે યુધ્ધનું જોખમ ખેડી લેવું કોઈપણ સંજોગોમાં પોષાય તેમ નથી. વળી અમેરિકાએ તાલિબાની સરગના મુલ્લા ઓમરને પાકિસ્તાનના બલુચિસ્તાનની રાજધાની ક્વેટામાં શરણ અપાયાની શંકાને કારણે હવાઈ હુમલા કરવાની ચેતવણી આપી છે. જેના કારણે ભારત અને અમેરિકાની વધી રહેલી ઘનિષ્ઠતાને જોતા વોર ઓન ટેરરમાંથી કોઈપણ હોશિયારી કરીને ઢીલાશ દર્શાવવી પાકિસ્તાન માટે ભારે પડી શકે તેમ છે. આવે વખતે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા કરાયેલું એક સૂચક નિવેદન મીડિયામાં ચમક્યું છે. જેમાં ઝરદારીએ ચીન સાથે સામરિક સંબંધોમાં સહકાર વધી રહ્યો હોવાની વાત કબૂલી છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના 60 વર્ષથી વધારે જૂના સંબંધોનું કારણ બંનેના સમાન શત્રુ ભારત વિરુધ્ધ મોરચાબંધી છે. હાલમાં પણ તેવી જ પરિસ્થિતિ આકાર પામી રહી છે. ચીન માટે ભારત અને અમેરિકા વચ્ચેના પરમાણુ કરારના કારણે વધી રહેલી ઘનિષ્ઠતા જોખમ રૂપ છે. વળી અફધાનિસ્તાનમાં અમેરિકી ગઠબંધન સેનાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ પણ ચીનના સામરિક હિતો માટે ઘાતક છે. આવા સંજોગોમાં ચીન તેના જૂના સામરિક સહયોગી પાકિસ્તાન સાથે મળીને કોઈ તિકડમ રચે તેવી સ્પષ્ટ સંભાવનાઓ ઉભી થઈ છે. અમેરિકા ભારત થકી ક્ષેત્રમાં ચીન સામે જટિલ સામરિક પડકાર ઉભો કરે તેવી સંભાવનાઓ ચીની વિશેષજ્ઞો દ્વારા દર્શાવાઈ રહી છે. તેવા સંજોગોમાં ચીન પાકિસ્તાનને પોતાના પડખામાં લે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સેના દ્વારા ભારતીય સરહદે થઈ રહેલા અતિક્રમણ બે પ્રકારના છે. એક તો, ચીની સેના જે જગ્યાએ ભારતીય સેના સાથે સરહદ સંદર્ભે અલગ મત દર્શાવે છે, તેવી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે ચીની સત્તાવાળાઓ ભારત અને ચીન વચ્ચેની મેકમોહન રેખાને માન્યતા આપતા નથી અને ભારત ચીનની સરહદના પુન:સીમાંકનની માગણી કરી રહ્યાં છે. ભારત અને ચીન વચ્ચેની 4,057 કિલોમીટર લાંબી સરહદે મેકમોહન રેખા થકી વિવાદ ચાલી રહ્યો છે. જેના માટે બંને દેશો વચ્ચે 14 જેટલી ઉચ્ચ સ્તરીય બેઠકો પણ યોજવામાં આવી છે. તેમ છતાં પરિણામ નોંધપાત્ર આવ્યા નથી. વળી ચીની સેના અન્ય એવી જગ્યાએ ઘૂસણખોરી કરે છે કે જ્યાં બંને દેશોની સરહદ બાબતની સમજ સ્પષ્ટ છે. તેમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકારની હરકતમાં ચીનની સાથે સાથે પાકિસ્તાનના સામરિક હિતોની સંડોવણીની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. કારણ કે ચીનનો સ્વાર્થ જોઈએ, તો તેવો અરુણાચલ પ્રદેશના નેવું હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યાં છે. તેઓ અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ ગણાવીને તવાંગ સહિત અરુણાચલ પ્રદેશના મોટા ભાગના હિસ્સા પર પોતાનો દાવો મૂકી રહ્યાં છે. જો કે ભારતે અરુણાચલ પ્રદેશને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પણ ચીન ભારત સાથેની લાઈન ઓફ કંટ્રોલને વધારે વખત શાંત રહેવા દેવા માંગતુ ન હોવાની સ્પષ્ટતા તેની હરકતો દ્વારા કરી ચૂક્યું છે. આ સાથે ચીને સિક્કિમના ફિંગર પોઈન્ટમાં પણ ઘૂસણખોરીની કોશિશ કરી છે.જેના કારણે ભારતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે વાજપેયીની ચીન યાત્રા દરમિયાન ભારતે તિબેટ ચીનનો હિસ્સો હોવાનું સ્વીકાર્યુ હતું. સાથે ચીની નેતાઓની વાતચીત પરથી 1963માં ભારતીય સંઘ સાથે જોડાયેલા સિક્કિમને ચીન ભારતનો ભાગ માને છે, તેવા મીડિયા અહેવાલો પણ પ્રસારિત થયા હતા. ત્યારે સિક્કિમ બાબતે ચીનનું વલણ ચિંતા ઉપજાવી રહ્યું છે.
આ તમામ સૈન્ય હરકતો દ્વારા ચીન સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે કે તે ભારત સાથેની લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પર વધારે સમય માટે જૈસે થે પરિસ્થિતિ ચાલુ રાખવા માટે તૈયાર નથી. તેના કારણે અત્યાર સુધી શાંત મનાતી ભારત-ચીન સરહદ પર લાલસેનાએ ઉબાડિયા કરવાનો પ્રારંભ કરી દીધો છે. ચીને જ્યાં બંને દેશોની સરહદો સ્પષ્ટ છે, તેવા કેટલાંક શાંત ગણાતા વિસ્તારોમાં અતિક્રમણની ઘટનાઓ કરીને પોતાના દાવાઓના વિસ્તરણનો ઈરાદો સ્પષ્ટ કરીને અરુણાચલ પ્રદેશ બાબતે ભારત પર દબાણ લાવવાનો કારસો છતો કર્યો છે. સાથે ભારત અને અમેરિકા વચ્ચેના અસૈનિક પરમાણુ કરાર અને તેના થકી બંને વચ્ચેની સામરિક નજદીકીઓ સંદર્ભે પણ ચીને પોતાની હરકતો દ્વારા નાપસંદગી જાહેર કરી છે. ચીન માટે ભારત પરંપરાગત ક્ષેત્રીય પ્રતિસ્પર્ધી છે. જ્યારે આર્થિક , રાજકીય અને સૈનિકી દ્રષ્ટિએ શક્તિસંપન્ન બની રહેલા ચીન માટે વૈશ્વિક ફલક પર અમેરિકા પણ પ્રતિસ્પર્ધી છે. તેવામાં દક્ષિણ એશિયામાં અમેરિકાની ઉપસ્થિતિ અને અમેરિકાની સામરિક સહાયતાથી ભારતની તાકાત વધે કે તેનો પાડોશી દેશો પર પ્રભાવ વધે તેવી કોઈપણ બાબત ચીન માટે અસ્વીકાર્ય છે. કારણ કે ચીને ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા સાથે સામરિક ઘનિષ્ઠતા કેળવીને ભારતની મોરચાબંધી કરી છે. તેવામાં ચીન અન્ય કોઈપણ સામરિક સમીકરણોની શક્યતાને સ્વીકારી શકે તેમ નથી. ભારતની વધી રહેલી આર્થિક તાકાત અને સૈન્ય શક્તિ પણ ચીની આંખોમાં ખટકી રહી છે. ભારતની શક્તિ આ જ પ્રકારે વધતી રહે તો, ચીન સાથેની સરહદો પર ચીની ઈચ્છાનુસાર પુન:સીમાંકનની પીએલએ(પીપલ્સ લિબરેશન આર્મી)ની ઈચ્છા બર આવે નહીં. જેના કારણે ચીન દૂરોગામી પરિણામો અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભારતની સામરિક શક્તિને ખોરવવા માટે જ સરહદો પર છમકલાં કરીને ભારતને દબાણમાં રાખવા માગે છે.
સ્વાત ખીણ અને અફધાનિસ્તાન સરહદે તાલિબાનો સામે સૈનિકી કાર્યવાહીમાં સપડાયેલા પાકિસ્તાન માટે ભારત પાકિસ્તાન સરહદે ચુસ્ત રહે તે પોસાય તેમ નથી. કારણ કે હવે મુંબઈ હુમલા જેવી આતંકવાદી ઘટના બને તો તેવા સંજોગામાં ભારત તેની સામે કોઈ સૈનિકી કાર્યવાહી કે કડક પગલાં ભરે તેવી શક્યતા નકારી શકાય તમે નથી. જેના કારણે ભારત અને પાકિસ્તાન સરહદે તણાવભરી સ્થિતિ અવશ્યભાવી છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન તેનાથી બેથી ત્રણ ગણી વધારે સૈન્ય શક્તિ સામે ઝઝુમવાનું ગાંડપણ કરી શકે તેમ નથી. જેના કારણે શક્ય છે કે તેમણે તેમના પરંપરાગત સામરિક સહયોગી ચીન સાથે પોતાના સામરિક હિતો સંદર્ભે સહકાર માગ્યો હોય. આવા સંજોગોમાં આસિફ અલી ઝરદારી દ્વારા ચીન સાથે સામરિક સહયોગ વધી રહ્યો હોવાના નિવેદનનું મહત્વ ઘણું વધી જાય છે. કારણ કે ઘણાં સામરિક સહયોગમાંનું એક એવું પણ હોઈ શકે કે ભારતને પાકિસ્તાન સહીત અન્ય કોઈ સરહદે પણ ઉલઝાવી રાખવું. જેમાં ચીન તેમને સહકાર આપી શકે તેમ છે. કારણ કે ચીની લાલ સેનાઓના અતિક્રમણની ઘટનાઓ બાદ ભારતે ચીની સરહદો પર પોતાના સૈનિકો ગોઠવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. ચીન સરહદે બે વધારાની પર્વતીય ડિવિઝન એટલે કે પચાસ હજાર જેટલા સૈનિકો ગોઠવવાની હિલચાલ શરૂ કરી દીધી છે. કેટલાંક ઠેકાણે ટી-72 ટેન્કોને પણ તૈનાત કરવામાં આવી છે. એરફોર્સે પણ સુખોઈ-30ની સ્કોવર્ડન અસમના તેજપુર ખાતે તૈનાત કરી છે. આમ ભારતીય સેનાઓને ચીની સરહદો પર હવે અતિક્રમણની ઘટનાઓ બાદ વિશેષ સૈનિકી પ્રબંધ કરવા પડયા છે. આમ તો ચીન 1965,1971 અને કારગીલ યુધ્ધ વખતે ભારત સરહદે શાંત રહ્યું હતું. પણ હાલની લાલ સેનાની લુચ્ચી હરકતો બાદ ભારત માટે ગાફેલ રહેવું પોષાય તેમ નથી. આમ ભારતને પોતાના સૈનિકી પ્રબંધ બે મોરચે કરવા પડયા છે. જેના કારણે પાકિસ્તાને ભારતનો સામનો કરવાનો વખત આવે, ત્યારે તેમને ભારતની અડધી સૈન્ય શક્તિનો સામનો કરવો પડે તેવી વ્યવસ્થા ચીને કરી આપી છે. વળી ચીની સામરિક હિતોને સમજીએ તો, પીપલ્સ લીબરેશન આર્મી કારાકોરમ હાઈવે અને હાઈડ્રોઈલેકટ્રીક પ્રોજેક્ટની દેખરેખ માટે ગીલગીટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે. સાથે તેઓ ગ્વાદર બંદરગાહ સુધી પોતાનો પ્રભાવ ધરાવે છે અને તેમાં તેમના પ્રત્યક્ષ અને પ્રછન્ન હિતો સમાયેલા છે. કેટલાંક આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, પાકિસ્તાન બાલ્કનાઈઝેશનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે. આ સંજોગામાં તાલિબાનો સામેની પાકિસ્તાની સેનાની કાર્યવાહી લેબેનોનાઈઝેશનની પરિસ્થિતિ પેદા કરી રહી છે. તેવા સંજોગોમાં જો તાલિબાનો એનડબલ્યુએફપી કે ફાટા પર કબ્જો જમાવે, તેવી અરાજકતાભરી પરિસ્થિતિમાં ચીન પાકિસ્તાનમાં તેના હિતોને પાકિસ્તાનની સરકારની મરજી કે મરજી વગર સંરક્ષી શકે તે પ્રકારની હલચલ ચીન કરી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાની ઉભી થઈ રહેલી સામરિક ધરીને પાકિસ્તાનથી દૂર રાખવા માટે ચીનના ઉબાડિયા કામ આવે તેવી સંભાવનાઓ પણ નકારી શકાતી નથી. એવા સંજોગોમાં ભારત એલઓસી અને સીરક્રિક તેમજ સીયાચીન જેવા સરહદી મુદ્દાઓને હલ કરવાની લશ્કરી તક ગુમાવે તેવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે તેમ છે. જેના કારણે ચીન ભારતીય સેનાને ચીની સરહદે પોતાના અને પાકિસ્તાનના સામરિક હિતોની રક્ષા કરવા માટે વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
જો કે વિવાદ, સ્પર્ધા અને સહયોગના સંબંધોમાંથી પસાર થઈ રહેલા ભારત અને ચીનના સંબંધોમાં પરિસ્થિતિ સાવ 1962 જેવી નથી જ. 1962માં ચીને ભારતને હિંદી ચીની ભાઈ ભાઈના ધોખામાં નાખીને આક્રમણ કર્યું હતું. જેના કારણે ભારતે 38,000 ચો.કિમી.નો અક્સાઈ ચીનનો વિસ્તાર અને સાત હજાર જેટલા સૈનિકોનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ ચીને ભારત સામે એકતરફી યુધ્ધ વિરામ જાહેર કરીને લાઈન ઓફ એક્ચયુલ કંટ્રોલને અમલમાં આણવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ 1968માં ચીને અરુણાચલ પ્રદેશ પાસે ફરીથી લશ્કરી ઉબાડિયું ભર્યું પણ આ વખતે ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપીને ખામોશ થવા મજબૂર બનાવ્યું હતું. ત્યાર બાદ છેક 1987માં ચીને ફરીથી પૂર્વોત્તર સરહદે લશ્કરી જોખમ ઉભું કર્યું હતું. જેનો ભારતીય સેનાએ માકૂલ જવાબ આપીને ચીનને પોતાના ઈરાદા બર લાવતા રોક્યું હતું. ભારત ચીન માટે જટિલ સામરિક પડકાર છે. જ્યારે ભારત-ચીન વચ્ચે આગામી વર્ષ સુધીમાં સાઈઠ અબજ ડોલર સુધીનો જંગી વેપાર થાય તેવી સંભાવના રહેલી છે. ગ્લોબલ વોર્મિંગ અને વિકાસશીલ દેશોના હિતોના મામલે બંને દેશોના વલણ લગભગ સરખા છે. બંને દેશો દુનિયાના બજારોમાં એકબીજાને ટક્કર પણ આપી રહ્યાં છે. ત્યારે 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ભારત પાસે અતિવિનાશક પરમાણુ વિકલ્પ પણ ખુલ્લો છે. ભારતે તાજેતરમાં પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત બ્લુ સીમાં ઉતારીને પોતાની પ્રતિરક્ષા ક્ષમતા માટે કોઈને પણ ગાફેલ ન રહેવા માટેના સંકેતો પાઠવી દીધા છે. તેમ છતાં ભારતે પોતાની સીમા પાર વાર કરવાની પ્રતિરોધક ક્ષમતાઓમાં વધારો કરવા સંદર્ભે પોતાની સંકલ્પબધ્ધતા સતત વધારવી પડશે. હાલ પૂરતું લાગે છે કે વાજપેયી કાળને બાદ કરતાં ભારત પાસે ચીનનો સામનો કરવા માટે કોઈ ચોક્કસ સંકલ્પ નથી. પણ જો સંસદમાં આપસી સહયોગ કરીને સર્વસંમતિથી ચીન સામે કોઈ યોગ્ય નીતિ ઘડવામાં આવશે, તો તે ચીન માટે બહુ મોટો સંકેત બની રહેશે. ભારતે પોતાના સામરિક હિતોની રક્ષા માટે અમેરિકા અને ચીન બંનેથી સાવધાન રહીને એક ચોક્કસ સ્વતંત્ર નીતિ ઘડવી આવશ્યક છે. તેના માટે કૂટનીતિક પ્રયત્નો સાથે સાથે સૈન્ય ક્ષમતાઓ વધારવી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાની વ્યૂહરચના ઘડીને પાકિસ્તાન અને ચીનની સામરિક ઘરીને યોગ્ય જવાબ આપવો જરૂરી બન્યો છે. જો કે હાલ પૂરતો ચીનનો સામનો કરવાનો રસ્તો બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સતત વૃધ્ધિ છે. બંને દેશો પોતાની આર્થિક નિર્ભરતાને ખૂબ ઝડપથી વધારે તે યોગ્ય છે. સાથે ચીનને કૂટનીતિક વાતચીતમાં વ્યસ્ત રાખવું પણ એક ખૂબ સારો વિકલ્પ છે. હવે 2009માં ચીનને 1962નું પુનરાવર્તન કરતું રોકવા માટે પ્રતિરક્ષા ક્ષમતામાં વધારો કરતાં રહેવું પણ એક બહુ મોટું સામરિક લક્ષ્ય છે. જેના માટે ભારતના કર્ણધારોએ સાદગીના દેખાડામાંથી બહાર નીકળીને સામરિક હિતો સાચવવા માટે વૈશ્વિક અખાડામાં પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરવા તરફ ધ્યાન આપવું પડશે. ભારત અને પાકિસ્તાન સામરિક હિતોની દ્રષ્ટિએ એક બીજાના પ્રતિસ્પર્ધી છે. તો બીજી તરફ ચીન અને અમેરિકા વૈશ્વિક સ્તરે એકબીજાના વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી છે. જ્યારે ચીન ભારતને ક્ષેત્રીય સ્તરે પોતાનું પ્રતિસ્પર્ધી માને છે. જેના કારણે દક્ષિણ એશિયાના ફલક પર ભારત અને અમેરિકાની ધરી સામે ચીન અને પાકિસ્તાનની ધરી ઉભરી રહી છે. જેના કારણે દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલા સામરિક સમીકરણોથી ઉભી થઈ રહેલી પરિસ્થિતિ માટે ભારતે સાવધ રહીને પોતાના સામરિક હિતોની રક્ષા માટે સજ્જ બનવા માટે નવી નીતિ બનાવવી પડશે.

No comments:

Post a Comment