Wednesday, March 10, 2010

શા માટે સાધુત્વ પર નિશાન?

ધર્મ સનાતન અને શાશ્વત છે. પરબ્રહ્મ પણ ધર્મથી પર નથી. તેણે સર્જેલી માયારૂપ સૃષ્ટિ ધર્મ પ્રમાણે ચાલે તે માટે તેણે જ ચિંતા કરવાની હોય છે. ધર્મના આવા શાશ્વત અને સનાતન સ્વરૂપને હિંદુ એવું નામ મળ્યું છે. વિશ્વનો એકમાત્ર સનાતન ધર્મ હિંદુ છે. આવા ધર્મની કેટલીક આગવી વિશેષતા છે. જેમાની કેટલીક વિશેષતાઓ પાયારૂપ છે. જેમ કે ધર્મના પ્રચાર-પ્રસાર અને રક્ષણ માટે સ્વયંભૂ ઉભી થયેલી સાધુ-સંત પરંપરા. જનકલ્યાણ થકી વિશ્વ કલ્યાણનો ભેખ ધારણ કરીને સનાતન ધર્મના રક્ષણ માટે જીવન ખર્ચી નાખવું તેમા જ મોક્ષની ઝાંખી કરવી. આ સંત પરંપરા જ છે કે જેને કારણે ભારતમાં સનાતન ધર્મ અનેક પંથ-સંપ્રદાયોનું વહન કરીને જીવિત અને જીવંત રહ્યો છે. આગળ પણ જનકલ્યાણનું કામ કરનારા સંતો આ ધર્મના ધ્વજારોહક બનીને પોતાના કર્તવ્યો નિસ્વાર્થપૂર્વક પરમાર્થે નિભાવ્યે જશે. ભારતમાં વિધર્મીઓના આક્રમણ વખતે, તેમના શાસનકાળ વખતે સનાતન હિંદુ ધર્મની રક્ષા માટે આગળ આવનારા નામી-અનામી સંતોના નામની યાદીથી ઈતિહાસના પુસ્તકો ભરાયેલા પડયા છે. તેમા આતતાયી મોગલ સામ્રાજ્ય સામે હિંદુ પદપાદશાહીની સ્થાપના માટે શિવાજીને પ્રેરણા આપનારા સંત સ્વામી રામદાસનું યોગદાન કેમેય કરીને ભૂલાય તેમ નથી આવા સંતોનો સંદેશો ભારતીય રાષ્ટ્રવાદનું ઘડતર કરીને તેનો અભિન્ન અંગ બની ગયો છે. આવા સાધુ-સંતોના માર્ગદર્શન નીચે કામ કરવાનું આ દેશની પ્રજા ક્યારેય ચૂકી નથી. આવી સંત પરંપરા સદીઓથી ધર્મવિરોધીઓ અને વિધર્મીઓના નિશાના પર રહી છે. મુસ્લિમ આક્રમણખોરો અને શાસકોએ તલવારથી સનાતન હિંદુ ધર્મના ધ્વજારોહક સાધુ-સંતોને રંજાડવામાં કોઈ કસર રાખી નથી. તેમના લોકકલ્યાણ અર્થે સ્થપાયેલા મંદિરો-મઠોને તોડવામાં કોઈ કસર રાખી નથી. જો કે સંતોએ આવા આક્ર્મણ સામે ઝઝુમવાનું તે વખતે મૂક્યું ન હતું. ત્યાર બાદ અંગ્રેજોના શાસનકાળ વખતે ધર્માંતરણના કામ માટે સેવાનો આંચળો ઓઢીને આવેલી ખ્રિસ્તી મિશનરીઓએ અદભૂત સંત પરંપરાને તમામ પ્રકારે નિશાના પર લઈને તેને બદનામ કરીને હિંદુ ધર્મીઓની સાધુ-સંતો પરની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય એક મિશનની જેમ કર્યું છે. આવા લોકો હજી પણ આ કાર્ય ચાલુ જ રાખી રહ્યાં છે. કારણ કે તેમના મિશન ધર્માંતરણમાં સૌથી મોટી અડચણ ભારતના સાધુ-સંતો છે. વિધર્મીઓ સાથે ધર્મને અફીણ સમજનારા કમ્યુનિસ્ટો પણ ભળ્યા છે. દુનિયાને અર્થ આધારિત જોવાની ખામી ભરેલી તેમની દ્રષ્ટિ ધર્મના ધ્વજારોહક એવા સંતોની સાચી ભાવનાને જોઈ શક્તી નથી.
પ્રવર્તમાન સમયમાં દેશમાં સેક્યુલારિઝમના નામે આવા વિચારકો, દેશી-વિદેશી પ્રભાવી વિધર્મીનો દોરીસંચાર ચાલી રહ્યો છે. ત્યારે હિંદુ સમાજમાં સારી એવી માન-પ્રતિષ્ઠા ધરાવતા સાધુ-સંતોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈપણ મોકો તેવો છોડતા નથી. આ માટે તેમણે એક સબળ માધ્યમ શોધ્યું છે અને તે છે, દેશનું મીડિયા...તેમાંય ખાસ કરીને ટેલિવિઝન ચેનલો. ચેનલો હંમેશા મસાલેદાર ખબરો માટે તલપાપડ હોય છે. તેઓ કોઈપણ ઘટનાને સનસનાટીપૂર્ણ રીતે દર્શાવી શકે છે. થોડા સમય પહેલા બાબાઓ આવી ચેનલોની હડફેટે ચઢી ગયા હતા. દિલ્હીના ઈચ્છાધારી ભીમાનંદ નામના કથિત બાબા પર સાંઈબાબાના પરમ ભક્તના આંચળા નીચે દેશમાં સૌથી મોટું સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ છે. તેમના દિલ્હી સ્થિત આશ્રમ અને મંદિરમાંથી કોલગર્લના નામો સાથેની ડાયરી અને અન્ય પૂરાવા મળ્યા હોવાનો પોલીસ દાવો કરી રહી છે અને હજી તપાસનો દૌર ચાલુ છે. બીજી ઘટના હતી, તમિલનાડુ અને કર્ણાટક સહિત 33 દેશોમાં 1000 શાખાઓ ધરાવતા પ્રભાવી સંત નિત્યાનંદની પ્રસિદ્ધ તમિલ અભિનેત્રી રંજીતા સાથેની કથિત સેક્સ સીડીની. ટેલિવિઝન ચેનલો પર આમ તો અશ્લિલ દ્રશ્યો દર્શાવવા પર પ્રતિબંધિત હોય છે. પણ સ્વામી નિત્યાનંદની કથિત કામલીલાની સીડીના અશ્લિલ દ્રશ્યો સીડીમાં દેખાતી મહિલાના ચહેરા પર બ્લર મારીને ટેલિવિઝન ચેનલોએ સતત બે દિવસ સુધી બતાવતી રહી. ત્રીજી ઘટના ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં કૃપાળુ મહારાજ નામના કથાકાર-સંત દ્વારા તેમની ધર્મપત્નીના શ્રાદ્ધ વખતે ભેટ-સોગાદો વહેંચતી વખતે થયેલી ભાગદોડમાં 50થી વધારે લોકો માર્યા ગયા હતા. તો ચોથી ઘટના ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના કથિત સંત અનૂપકુમાર દ્વારા એમબીએની વિદ્યાર્થિનીને ગુમ કરી દેવાનો મામલો છે. જો મહિલા બિલના મામલે સંસદમાં વરવા દ્રશ્યો સર્જાયા ન હોત, તો મીડિયાનું ફોક્સ આ કથિત બાબાઓ પર ખેંચાયેલું હોત અને તેના દ્વારા હિંદુ ધર્મ પર આઘાત કરવાની તક તેમને મળત. ટેલિવિઝન ચર્ચા પર કહેવાતા સેક્યુલર ચિંતકો, વિચારકો અને કર્મશીલોનો હિંદુ ધર્મ અને તેની સંત પરંપરા પર તૂટી પડવાનો સિલસિલો લાંબો સમય સુધી ચાલ્યો હોત. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેટલીક ટેલિવિઝન ચેનલોએ અર્થપૂર્ણ ચર્ચા પણ કરી છે.
સાધુઓ પર તૂટી પડનારા આ જ લોકો મકબૂલ ફિદા હુસૈન નામના મનોવિકૃત ચિત્રકાર દ્વારા ભારતની નાગરિકતા છોડીને કતારની નાગરિકતા સ્વીકારવા બદલ હિંદુવાદી સંગઠનોને દોષ દેતા કાગારોળ કરી મૂકે છે. મકબૂલ ફિદા હુસૈનની મનોવિકૃતિથી કોણ અપરિચિત છે? તેણે ભારતમાતા, સરસ્વતી દેવી સહિત અન્ય હિંદુ દેવી-દેવતાની નગ્ન ચિત્રકારી કરીને હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડી છે. તેનો વિરોધ કરવામાં આવ્યો, તો હિંદુ સંગઠનોને માથે માછલા ધોવામાં કંઈ જ બાકી રાખવામાં આવ્યું નથી. એંસી વર્ષની ઉંમરે તેનાથી અડધાથી ઓછી ઉંમરની માઘુરી દીક્ષિત પ્રત્યે કામલોલુપતા દર્શાવીને ગજગામિની જેવી ફિલ્મ બનાવી તો તેને કળાનું નામ આ જ બુદ્ધિજીવીઓએ આપ્યું છે. ત્યારે મનથી વિકૃત મકબૂલ ફિદા હુસૈનના બેડરૂમમાં કેમેરો મૂકીને કોઈ ટીવી ચેનલે સ્ટીંગ ઓપરેશન કેમ ન કર્યું? જો આમ થયું હોત તો, હુસૈનની માનસિક વિકૃતિની સાથે અન્ય વિકૃતિઓ પણ સામે આવી હોત.
ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનનરીઓના મિશન ધર્માંતરણને પાર પડવા માટે અનેક મિશનરીઓ કાર્યરત છે. તેમના મિશનને સાઈઠ વર્ષ જેટલા લાંબા સમય સુધી ટક્કર આપનાર સંત સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા કરવામાં આવી. ત્યારે ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારમાં મિશન ધર્માંતરણમાં લાગેલા મિશનરીઓનું કોઈએ સ્ટીંગ ઓપરેશન કર્યું નથી. સ્વામી લક્ષ્મણાનંદની હત્યા પાછળ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓની સાંઠગાંઠ હોવાની શંકા હજી દૂર થઈ નથી. તેમની હત્યાના ગુનેગારોને સજા આપવાની હજી બાકી છે. ત્યારે સાધુ-સંતોના સ્ટીંગ ઓપરેશન કરનારા લોકો ખ્રિસ્તી મિશનરીઓના સ્ટીંગ ઓપરેશન કરીને તેમની હકીકત દેશ સામે લાવે, તો સેવાના આંચળા નીચે રહેલી શૈતનિયત લોકો સામે આવી શકે.
કોઈએ ગુનો કર્યો હોય, તો તેની પોલીસ તપાસ થાય અને અદાલતી કાર્યવાહી દ્વારા તે વ્યક્તિને તેના ગુનાની સજા મળે તેમા કોઈને કોઈ વાંધો ન હોય. પણ ગુનો સાબિત થયા પહેલા તેમના પર મીડિયા ટ્રાયલ ચલાવવામાં આવે. મીડિયા ટ્રાયલનો વિષય તેમના સુધી સિમિત ન રહેતા, સંત પરંપરા, સાઘુત્વ અને હિંદુ ધર્મને નિશાના પર લે. આ ગુનો નથી, તો શું છે?
શક્ય છે કે ઈચ્છાધારી જેવા પાખંડીઓ સંત બનીને લોકોને ઠગતા હોય. તેમના પ્રપંચને ખુલ્લો પાડવો જોઈએ. પણ તેની આડમાં સંત પરંપરા અને સાધુત્વ પર આંગળી ચિંધવી કેટલી યોગ્ય છે? સ્વામી નિત્યાનંદની કથિત સેક્સ સીડીની પૂરી તપાસ થવી જોઈએ. આ સીડી પાછળ તેમના જ અતિવિશ્વાસુ નિત્યધર્માનંદ ઉર્ફે કે. લેનિનનો હાથ હોવાનું પ્રારંભિક તપાસ અને તથ્યોથી બહાર આવ્યુ છે. ત્યારે તેની પાછળ આશ્રમની અંદરનું રાજકારણ કામ કરી ગયુ કે કોઈ બહારી તત્વોના આધારે આ કામ થયું કે સીડીમાં દેખાતી અભિનેત્રીની કોઈ મહત્વકાંક્ષા સીડીકાંડ માટે કારણભૂત છે? તેની તપાસ થવી જોઈએ. કોમ્પ્યુટર યુગમાં ડુપ્લિકેટ સીડી બનાવવી શક્ય છે. ત્યારે આ સીડીની સત્યતા ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસાય તે પણ જરૂરી છે. ગાઝિયાબાદના કથિત સંત અનુપકુમારે યુવતીનું અપહરણ કર્યું હોય, તો પુરાવાના આધારે તેની સામે કાર્યવાહી થાય તેનાથી કોઈને કોઈ વાંધો નથી. પણ આવા ત્રણ-ચાર કિસ્સાઓને આધારે ધર્મકાર્ય કરી રહેલા, જનકલ્યાણમાં લાગેલા સેંકડો સંતો સામે આંગળી ચિંધવાથી કોના હિતો પાર પાડવાની કોશિશ થઈ રહી છે? તે સંદર્ભે પણ વિચારવું જોઈએ.
કૃપાળુ મહારાજના પ્રતાપગઢના આશ્રમમાં થયેલી ભાગદોડ માટે આશ્રમનું વહીવટીતંત્ર અને રાજ્ય પ્રશાસન બેમાંથી એકેય છટકી શકે તેમ નથી. ત્યારે ઘટનાની યોગ્ય તપાસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. પણ તેને મુદ્દો બનાવીને દરેક ભંડારાઓ સામે આંગળી ચિંધવામાં આવે તે દુખદ છે. જો કે લોકો જ્યારે મંદિરો અને અન્ય ધાર્મિક મેળાવડામાં એકઠા થાય ત્યારે આ પ્રકારની દુખદ ઘટનાઓ ન બને તેની તકેદારી લેવાય તે જરૂરી છે.
પરમાર્થમાં લાગેલા વ્યક્તિઓ પ્રત્યે લોકોને વિશેષ આસ્થા હોય છે. તેઓ આવા સંતો-સાધુઓને ઈશ્વરતુલ્ય ગણતા હોય છે. કેટલાક સંતો-સાઘુઓ ભગવાન તરીકે ઓળખાતા હોય છે. ત્યારે ધર્મનો વિરોધ કરનારા ભગવાન તરીકે ઓળખવા ઓળખાવાની વાતને અયોગ્ય ઠેરવે છે. પણ તે ભારતીય તત્વચિંતન પ્રમાણે અયોગ્ય નથી. મનુષ્ય પોતાના સત્કર્મો અને પુણ્યાય થકી દેવત્વને આંબી શકે છે. આપણે ત્યાં કણ કણમાં ભગવાનની સંકલ્પના છે. વળી અહં બ્રહ્માસ્મિની પણ વાત છે. ત્યારે કોઈ વ્યક્તિ પોતાને ઈશ્વર કે ઈશ્વરતુલ્ય ગણાવે અથવા આમ કરવામાં આવે ત્યારે તે ધર્મ વિરુદ્ધનું આચરણ ગણવામાં આવતું નથી. પણ આવે વખતે આપણે યાદ રાખવું જોઈએ કે જે ઈશ્વરીય તત્વ પોતાનામાં હોવાનો દાવો કરે છે, તેના જેવું જ ઈશ્વરીય તત્વ આપણા પોતાનામાં પણ છે. ઈશ્વર બહાર શોધવા કરતાં પોતાના અંતરમાં શોધવો જરૂરી છે. વળી દયાનંદ સરસ્વતી કે વિવેકાનંદ જેવા સંતોએ પોતે ઈશ્વર હોવાની વાત કરી નથી. ત્યારે પોતે ઈશ્વર હોવાની વાત કરનારના ઈશ્વરીય તત્વોની અનુભૂતિ કરીને તેને તે પદ આપવું વધારે યોગ્ય છે.
સેક્સ અને સેક્સની વાતોની દુનિયામાં સૌથી વધારે ખપત છે. તેને ધ્યાનમાં રાખીને આવી વાતોના સોદાગરો તેને ચગાવવાના છે. પણ એક વાત સમજવી જોઈએ કે જમીનથી અધ્ધર દોરી પર ચાલનારાને જોવો તો ખ્યાલ આવશે કે જ્યારે તે જમીન પર અડીને ચાલતો નથી, ત્યારે તેને ચાલવામાં સંતુલન જાળવવામાં વિશેષ પ્રયત્નો કરવા પડતા હોય છે. જો તે આ પ્રયત્નો યોગ્ય રીતે ન કરી શકે, તો તેનું જમીન પર પડવું નિશ્ચિત છે. કેટલાંક અભ્યાસુઓ માટે, સિદ્ધપુરુષો માટે જમીનથી અધ્ધર દોરી પર ચાલવું તેમના પ્રયત્નોના પરિપાક રૂપ સિદ્ધિથી સહજ બની જતું હોય છે. પણ આ સ્થિતિ બધાં દોરી પર ચાલનારા માટે શક્ય નથી. સાધુત્વ તો ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એકાદ બે પથભ્રષ્ટોના કિસ્સાથી સાધુત્વ પર શંકા કરવી યોગ્ય નથી.
આ દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવા ભારતવિરોધી આતંકવાદીઓને તક આપવામાં આવે છે. ત્યારે ભગવાના ગુણો પચાવવામાં ઉણાં ઉતરનારાઓને તક કેમ આપવામાં ન આવે? સ્વામી નિત્યાનંદને ઘણાં પ્રભાવી રાજકારણીઓ પગે લાગતા બતાવાયા છે. જો નિત્યાનંદની સેક્સ સીડી સાચી નીકળે તો તેમની તે સીડીમાં દેખાતી યુવતી સાથે તેમને પગે લાગનાર તમામ પ્રભાવી લોકોની હાજરીમાં લગ્ન કરીને નવજીવન શરૂ કરવાની તક આપવી જોઈએ.
આપણે ત્યાં સંતોને સંન્યાસ લેવા માટેની પદ્ધતિ અસ્તિત્વમાં છે. સાઘુપણું ક્યારેય કોઈ સમિતિ કે કમિટીની મોનોપોલી હોઈ ન શકે. સંન્યાસ ધર્મને આધિન જ હોઈ શકે છે. તેના માટે કોઈ મુઠ્ઠીભર લોકો નિર્ણય ન લઈ શકે. પણ ત્યારે સાધુઓએ પાખંડી, પ્રપંચી અને લેભાગુઓને ભગવા પહેરતા અટકાવવા માટે સંન્યાસના શાસ્ત્ર સંમત નિયમોને વધારે કડકાઈથી અમલી બનાવવા પડશે. સાથે આજના યુગમાં અનેક પ્રલોભનો વચ્ચે સાધુત્વનું નિર્વાહન ન કરી શકનારને સમાજ અને સંસારમાં પાછા ફરવાનો માર્ગ મોકળાશથી ખોલી આપવો પડશે કે જેથી કોઈ પ્રામાણિક વ્યક્તિ સાધુત્વના નિર્વાહનમાં અશક્ત માલૂમ પડે, તો પાછો ફરી શકે. સનાતન હિંદુ ધર્મની વ્યવસ્થા, વ્યવસ્થા મુક્ત છે. કોઈ એક પુસ્તક, એક વ્યક્તિ, એક પયગંબર કે એક ઈશ્વરપુત્ર સુધી બંધાયેલો બંધિયાર આ ધર્મ નથી. હિંદુ ધર્મ ચાર વેદો, 18 પુરાણો, 108 ઉપનિષદો અને રામાયણ-મહાભારત સહિત અનેક તત્વચિંતકો અને સંતોના વિચારોથી સમૃદ્ધ છે. સંન્યાસીઓના દસનામ અખાડાની વ્યવસ્થા પણ છે. પણ આ તમામ વ્યવસ્થાઓ મુક્તતાથી સમૃદ્ધ છે. સનાતન હિંદુ ધર્મનો મૂળભૂતવિચાર સ્વતંત્રતા અને મુક્તતાથી ઘડાયેલો છે. જો કે આ વિચારે ક્યારેય કોઈને સ્વછંદતાની સ્વતંત્રતા આપી નથી. ધર્મના નાશ વખતે, અધર્મથી ધર્મની રક્ષા માટે ભારતભૂમિ પર જન્મ લેનારા ઈશ્વરના અંશોને પણ ધર્મની મર્યાદાઓ બહાર જવાની પરવાનગી મળી નથી. ત્યારે ધર્મની મર્યાદાઓનું વહન ન કરી શકનાર માટે સાધુત્વ ન હોઈ શકે. પણ ત્યારે કેટલાંક પથભ્રષ્ટોના કિસ્સાઓને ટાંકીને દેશના એંસી લાખથી વધારે સાઘુ-સંતોનું તેમના સાધુત્વ અને સાઘુપણાંને અપમાનિત કરવું સર્વથા નિંદનીય અને જઘન્ય અપરાધ સમાન છે. આવા કિસ્સાઓની ચાતુષ્કોણીય તપાસ થવી જોઈએ. આવા કિસ્સાઓ કોઈની વ્યક્તિગત મહત્વકાંક્ષાને કારણે કે મઠોના પ્રભાવની ઈર્ષ્યા કે વિધર્મીઓના આસ્થા પર આક્રમણના રસ્તા તરીકે કે સમાજમાં સનસનાટીપૂર્ણ ખબરો વેચવાના કારોબારીઓની સામેલગીરી તો નથી ને. તે સ્પષ્ટ થવું જોઈએ. કોઈ ઉપવાસી વ્યક્તિને મનભાવતા ભોજન કરવાની છૂટ સાથે રસોડામાં છૂટો મકી દેવો કે તેને તેવા પ્રલોભનો આપવા કે રૂમમાં જુદીજુદી લજિજ વાનગીઓ સાથે પૂરી દેવામાં આવે, તો ઉપવાસ તૂટવાની શક્યતા વધી જાય છે. ત્યારે ધર્મકાર્યમાં લાગેલા સાધુ-સંતોના સાઘુપણાને કલંકિત કરવા માટે આવો કોઈ પ્રયાસ તો નથી થઈ રહ્યોને ? તેની તપાસ થવી અત્યંત જરૂરી છે.

No comments:

Post a Comment