બુધવાર, 24 ફેબ્રુઆરી, 2010
મોંઘવારી પર ચર્ચાથી બચતી યુપીએ સરકાર!!!
મોંઘવારી સામે મનમોહન સરકારની મજબૂરી છતી થઈ ગઈ છે. સંસદમાં આમ આદમીને છેલ્લા છ વર્ષથી ત્રસ્ત કરતાં મોંઘવારીના મુદ્દે યુપીએ સરકારે ચર્ચા કરવાની મંજૂરી આપી નહીં. જો કે મોંઘવારીની ચર્ચા ક્યાં નિયમોને આધારે થવી જોઈએ તેની ચર્ચા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે થઈ. જે બતાવે છે કે બંને પક્ષોની દિલચસ્પી મોંઘવારીનું સમાધાન શોધવાની બિલકુલ નથી. જો કે સત્તાપક્ષ જે પ્રકારે મતવિભાજનવાળા નિયમ હેઠળ ચર્ચા કરવાની વાતથી પાછો હઠયો તેના પરથી સ્પષ્ટ છે કે તે મોંઘવારી પર રોક લગાવવા માટે અક્ષમ તો છે જ, પણ વિપક્ષની ઘેરાબંધીથી ભયભીત પણ છે. જો કેન્દ્ર સરકાર માનતી હોય કે મોંઘવારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની સહિયારી કરણી છે. તો ચર્ચામાં પોતાની વાત સાબિત કરવા માટે તૈયાર શું કામ ન થઈ? એવું લાગે છે કે મોંઘવારીના મુદ્દે ક્યાંક તેમના સહયોગી પક્ષો સાથ છોડી ન દે તેનાથી તેઓ આશંકિત છે. જો તેમની આ આશંકા સાચી છે તો તેનો સ્પષ્ટ અર્થ છે કે મોંઘવારીના મામલે તેઓ પોતાના સાથી પક્ષોને એ વિશ્વાસ અપાવવામાં ઊણી ઉતરી છે કે જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુના અનિયંત્રિત ભાવવધારા પાછળ તેની કોઈ ભૂલ નથી કાર્ય સ્થગન પ્રસ્તાવ હેઠળ મોંઘવારી પર ચર્ચા કરવાની વિપક્ષની માગણીને સરકારે જે તર્કોના આધારે ખારિજ કરી તે કુલ મળીને હાસ્યાસ્પદ તર્કો હતા. મોંઘવારી ચર્ચા માટે નવો વિષય ન હોવાની વાત કરીને સરકારે પોતાની આમ આદમી તરફની સંવેદનહીનતા જ વ્યક્ત કરી છે. સંસદમાં જીવન-મરણનો બનેલો મોંઘવારીનો વિષ જૂનો હોવાથી ચર્ચા માટે યોગ્ય ઠરાવવાનો નિર્ણય કેટલો યોગ્ય છે? તે પણ એક અલગ ચર્ચાનો વિષય છે. આખરે જ્યારે મોંઘવારી મુદ્દે આના પહેલા વિવિધ નિયમો હેઠળ ચર્ચા થઈ ગઈ છે અને પરિણામ શૂન્ય આવ્યું છે, ત્યારે કોઈ નવા નિયમ હેઠળ સંસદમાં ચર્ચા કેમ થવી ન જોઈએ? દેશની જનતા મહેસૂસ કરી રહી છે કે મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર કંઈજ કરી રહી નથી. ત્યારે સત્તાપક્ષ મોંઘવારી મુદ્દે સ્થગન પ્રસ્તાવ હેઠળ ચર્ચાનો ઈન્કાર કરીને પોતાની કમજોર સ્થિતિ જ ઉજાગર કરી રહી છે. જો તે પોતાની જીદ્દ પર અક્કડ રહેશે તો તેની સમસ્યા હજી વધશે. પોતાના કાર્યવ્યવહારથી મોંઘવારી ચર્ચાનો વિષય ન હોવાની વાત પૂરવાર કરનારી કેન્દ્ર સરકાર અન્ય કોઈને દોષ આપી શકે તેમ નથી. પોતાના કૃષિ મંત્રી શરદ પવાર સામેની અસહાયતા મનમોહન સરકારની મજબૂરીની રહીસહી કસર પૂરી કરી રહી છે. ખાંડ સહીત જીવનજરૂરિયાતની વસ્તુઓના માઝા મૂકતા ભાવવધારાથી મોટા ગોટાળાની આશંકાથી પર રહી શકાય તેવી સ્થિતિ નથી. જો કે મોંઘવારી રોકવા માટેની રાજ્ય સરકારોની ભૂમિકા હોવા અંગેની કેન્દ્ર સરકારની દલીલને નિરાધાર ગણી શકાશે નહીં. પણ શું કોઈપણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ભાવવધારા પર અંકુશ લાગ્યો છે? કેન્દ્ર સરકાર માત્ર મોંઘવારીના મોરચે જ નહીં, અન્ય તમામ મોરચે પણ અસફળ રહી છે. ત્યારે આવી કેન્દ્ર સરકારની ઘેરાબંધી કરવામાં કોઈ હર્જ નથી, પણ વિપક્ષે એ પણ ધ્યાન રાખવું પડશે કે સંસદમાં કેવળ હંગામો જ ન થયા કરે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો