લેબલ હિંદુત્વ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ હિંદુત્વ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

ચૂંટણીના પ્રચારમાં હિંદુત્વ કેન્દ્રસ્થાને રહેશે


-         પ્રસન્ન શાસ્ત્રી
આમ તો દરેક અરુણોદય કેસરિયો જ હોય છે. કેસરી રંગને પસંદ કે નાપસંદ કરનારા તમામ પર સૂર્ય પોતાના કેસરિયા કિરણોથી અભિષેક કરે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના અરુણોદયને કેસરિયો ગણવાનો ઈન્કાર કરી દેવાયો. ભારતની પહેલી પરોઢના દિવસે જ પ્રભાત કેસરિયા રંગનું હોય છે, તે વાતને મોટા-મોટા નેતાઓ દ્વારા નકારવામાં આવી. ભારતની આઝાદીની સવાર કેસરી હોવા છતાં તેનો ઈન્કાર કરવા માટે તત્કાલિન કોંગ્રેસી નેતાઓમાં હોડ જામી. આજે આઝાદીના 66 વર્ષે પણ હિંદુસ્થાનને, લોકોને દેખાય, લોકોને અનુભવાય અને લોકો માનવા બાધ્ય થવું પડે તેવા કેસરિયા પ્રભાતનો ઈન્તજાર છે. હિંદુઓ આ દેશમાં બહુમતી છે. હિંદુઓ આ દેશનો આત્મા છે. હિંદુઓ આ દેશની ઓળખ છે. હિંદુસ્થાનની ઓળખાણ હિંદુ છે. હિંદુસ્થાનમાંથી હિંદુઓ અને તેમના વિચારોને બાકાત કરી નાખવામાં આવે, તો હિંદુસ્થાન હિંદુસ્થાન રહેતું નથી. આ દેશના રાષ્ટ્રત્વનો વિચાર અને તેની પ્રક્રિયા સમગ્રપણે હિંદુ ધર્મ અને હિંદુ જીવન પદ્ધતિ છે. આ દેશની ઓળખને પુનર્પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો છેલ્લા એક હજાર વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ હિંદુસ્થાનને તેની સાચી રાષ્ટ્રીય ઓળખ હજી સુધી મળી નથી.

પરંતુ છેલ્લા 25 વર્ષથી દેશનું વાતાવરણ બદલાયું છે. હિંદુઓમાં દેશની ઓળખને પ્રતિષ્ઠિતપણે પુન:પ્રસ્થાપિત કરવાની લલક લાગી છે. હિંદુત્વના વિચારને ટેકો આપનારા નેતાઓ અને પક્ષને ભારતના લોકોએ છ વર્ષ સુધી સત્તાના શિખરે પણ બેસાડયા છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી હિંદુ વિચારને મજબૂત બનાવવાની વાત વિકાસના નામે બાજૂ પર મૂકવામાં આવી. જેને કારણે દેશના લોકોએ વાયદા નહીં નિભાવનારાઓને સત્તા બહાર કર્યા. જો કે દેશમાં છેલ્લા 10 વર્ષથી હિંદુઓને સતત અપખોડતી અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર સત્તા પર છે. દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો હોવાનું નિવેદન કરીને વડાપ્રધાન મનમોહનસિંહે હદ કરી નાખી. મુસ્લિમોના ઉત્કર્ષ માટે વડાપ્રધાને સચ્ચર સમિતિ બનાવી. સચ્ચર સમિતિએ ભારતના ન્યાયતંત્રથી માંડીને લશ્કરમાં મુસ્લિમોના આંકડા મેળવ્યા. તેમણે મુસ્લિમોને અનામત આપવાની ભલામણ કરી. વડાપ્રધાને મુસ્લિમોના ઉત્કર્ષ માટે 15 સૂત્રીય કાર્યક્રમ લાગુ કરાવ્યો. મુસ્લિમોને અલગ શિષ્યવૃતિ અને આર્થિક મદદો સરકારી રાહે અપાવા લાગી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા પક્ષોમાં મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટેની ટકાવારીમાં હરિફાઈ જામી. સેતુસમુદ્રમ નામના પ્રોજેક્ટ માટે રામાયણકાલીન રામસેતુ તોડવા માટે સરકાર તૈયાર થઈ અને ભગવાન શ્રીરામ તથા રામાયણ કપોળકલ્પિત હોવાનું એફિડેવિટ સુપ્રીમકોર્ટમાં કર્યું.
દેશમાં ચાલી રહેલા મુસ્લિમ તુષ્ટિકરણના વાતાવરણમાં ક્યારેક હિંદુહિતની વાત કરનાર રાજકીય પક્ષ ખામોશ રહ્યો. જેના પરિણામે પરિસ્થિતિ વધારે વકરી. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી મળી રહેલા સંકેતો જણાવી રહ્યા છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દો પ્રચારના કેન્દ્રસ્થાને રહેશે. દેશના હિંદુઓ સુધી સચ્ચાઈથી વાતો પહોંચાડવામાં આવશે, તો દેશનું રાજકીય તકદીર બદલાય તેવી પ્રબળ શક્યતા છે. એક ગઠબંધનના નામે હિંદુત્વના વિચાર સાથે સંકળાયેલા મુદ્દાઓને 17 વર્ષ સુધી બાંધી રાખવામાં આવ્યા. જેના કારણે હિંદુ સમાજમાં આક્રોશનો અંડરકરંટ ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં કટ્ટર હિંદુત્વવાદી તરીકે મીડિયા દ્વારા લોકોમાં જાણીતા બનેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. બસ, ત્યારે હિંદુત્વ વિરોધી રાજકીય શક્તિઓને કરંટનો ઝાટકો લાગ્યો હોય, તેવું વાતાવરણ પેદા થયું. જેડીયૂએ ગઠબંધન છોડીને ભાજપથી અલગ થયું.

ત્યાર પછી ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રીશ્યામાપ્રસાદ મુખર્જીના શહીદ દિવસે પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સીમા પર આવેલા માધોપુરમાં ભાજપની રેલી થઈ. પરંતુ આ રેલીમાં ભાજપની પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને દૂર કરવાની વાત પર મૌન રહ્યા. તેમણે કોંગ્રેસના કારનામા અને વિકાસની વાતો કરી. પરંતુ તેના બીજા દિવસે ભાજપના સંસ્થાપક સભ્ય અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાની પુરજોર તરફેણ કરી. એનડીએ ગઠબંધનના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બાકાત રખાયેલા પહેલા મુદ્દા પર ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ પહેલી વખત પોતાના વિચારો રજૂ કર્યા. એક તરફ વિશ્વ હિંદુ પરિષદ રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપ પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા ભાજપના મહાસચિવ અમિત શાહે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના દર્શન કર્યા છે. કપડાના મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રીરામ સમક્ષ અમિત શાહે પ્રાર્થના કરી કે રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થાય. અમિત શાહના ભવ્ય રામમંદિર નિર્માણના નિવેદન પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, જેડીયૂ સહીતની પોતાને સેક્યુલર ગણાવતી રાજકીય પાર્ટીઓના નેતાઓ અકરાંતિયાની જેમ ટીકા કરવા તૂટી પડયા.
વાત એટલેથી અટકતી નથી, ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો એક વિદેશી ન્યૂઝ એજન્સીએ ઈન્ટરવ્યૂ લીધો. જેમાં તેમને હિંદુ રાષ્ટ્રવાદ પરનો સવાલ પુછવામાં આવ્યો. ત્યારે નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેઓ હિંદુ છે, રાષ્ટ્રવાદી છે અને હિંદુ રાષ્ટ્રવાદી છે. મોદીએ ન્યૂઝ એજન્સીને કહ્યુ કે તમે મને હિંદુ રાષ્ટ્રવાદી કહી શકો છો. હિંદુ રાષ્ટ્ર અને પરમ વૈભવશાળી ભારતની આકાંક્ષાઓમાં કોઈ અંતર નથી. પુરા એક હજાર વર્ષથી હિંદુ રાષ્ટ્રને તેની ઓળખ અપાવવા માટે કરોડો હિંદુ રાષ્ટ્રવાદીઓ પાંપળ પટપટાવ્યા વગર બલિદાનો પર બલિદાનો આપી રહ્યા છે. પરંતુ મોદીના આ નિવેદનથી હિંદુ શબ્દથી નફરત કરનારા લોકોના પેટમાં ઉકળતું તેલ રેડાયું. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે મોદીને રાષ્ટ્રવાદી હિંદુ બનવાની સલાહ આપી. બીજી તરફ સતત સંઘ અને હિંદુ સંગઠનો વિરુદ્ધ ક્ષોભજનક નિવેદનબાજી કરનાર હિંદુત્વ વિરોધી દિગ્વિજયે બ્લોગ લખીને પોતે કેટલા મોટા હિંદુ છે, તેનું ગાણું ગાઈ આગામીચૂંટણીમાં હિંદુત્વનો મુદ્દે કેન્દ્રસ્થાને જ રહેશે તેમ પરોક્ષ રીતે સૂચવ્યું છે.

મોદીના ઉપરોક્ત ઈન્ટરવ્યૂમાં 2002ની ઘટનાઓ પર સવાલ પુછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે તમે ગાડી ચલાવતા હોવ અથવા પાછળની સીટમાં બેઠા હોવ અને ગાડી નીચે કૂતરાંનું બચ્ચું આવી જાય તો પણ દુ:ખ થાય. મોદીના આ નિવેદન પર પણ વિવાદ પેદા કરીને તથાકથિત સેક્યુલર પાર્ટીઓના નેતાઓએ કહ્યુ કે મોદીએ મુસ્લિમો સમુદાયની સરખામણી કૂતરાંના બચ્ચા સાથે કરી. આ નિવેદન પર મોદી સાથે હિંદુત્વને પણ નિશાન પર લેવામાં આવ્યું. પૂણેની એક જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરી ટીપ્પણી કરતા કહ્યુ કે સંકટ સમયે કોંગ્રેસ બુરખો ઓઢીને બંકરમાં છુપાય જાય છે. આ નિવેદનને બરાબર સમજીએ તો કોંગ્રેસ હંમેશા ચૂંટણી સમયે ભ્રષ્ટાચાર,મોંઘવારી, આતંકવાદ, માઓવાદ, મુસ્લિમ તુષ્ટિકરણ જેવા સળગતા મુદ્દા ભૂલવાડવા માટે સેક્યુલારિઝમનું ગાણું ગાય છે. કોંગ્રેસ હંમેશા પોતે સેક્યુલરવાદી હોવાનું જણાવીને મુસ્લિમોને ભાજપ, સંઘ, વીએચપી, બજરંગદળ અને મોદીનો ડર દેખાડે છે. આ વખતે પણ મોદીના ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર થયા બાદ કોંગ્રેસે પ્રચાર શરૂ કર્યો છે કે મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આમ કરીને કોંગ્રેસ દેશના 20 કરોડ મુસ્લિમ મતદાતાઓને કોઈપણ પ્રકારના પ્રચાર વગર પોતાની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસને લાગી રહ્યું છે કે દેશમાં હાલ 90ના દશક જેવું હિંદુત્વનું મોજું નથી કે જેથી હિંદુ મતો વોટબેંકનું સ્વરૂપ લઈ શકે. જેના કારણે 66 વર્ષથી વોટબેંક તરીકે વર્તી રહેલા મુસ્લિમ સમાજનો કોંગ્રેસ સહારો લઈ રહી છે.
મોદીના આ નિવેદન પર કોંગ્રેસ તરફથી તેમના મીડિયા પ્રમુખ અજય માકનની પ્રતિક્રિયા આવી કે નગ્ન કોમવાદ કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. તો અમર્યાદિત ભાષાપ્રયોગ માટે જાણીતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શશી થરુરે કહ્યુ છે કે ખાખી ચડ્ડી કરતા સેક્યુલારિઝમનો બુરખો સારો છે. ત્યારે કોંગ્રેસે જવાબ આપવો પડશે કે નગ્ન કોમવાદ કોણ ફેલાવે છે? આ દેશમાં આઝાદી પછી 50 હજાર જેટલા કોમી હુલ્લડો થયા છે. આ હુલ્લડોમાં કોનો વાંક હતો અને કોણે શું ભૂમિકા નિભાવી તેની સૌથી વધારે ખબર દેશની સત્તા પર 47 વર્ષ ભોગવટો કરનાર કોંગ્રેસને વધારે ખબર હોય. હિંદુત્વની વાત કરવી, હિંદુ એકતાની વાત કરી અને હિંદુત્વની શક્તિથી દેશને તાકતવર બનાવવાની આકાંક્ષા સેવવી કોઈપણ હિસાબે નગ્ન કે કપડા પહેરેલો કોમવાદ નથી, પરંતુ તે કરોડો હિંદુઓની નસોમાં વહેનારો તેજસ્વી હિંદુ રાષ્ટ્રવાદ છે. આ દેશના ટુકડા થવા માટે મુસ્લિમ કોમવાદ જવાબદાર હતો. આ મુસ્લિમ કોમવાદ સામે ઘૂંટણિયા ટેકવીને થાબડભાણા કરનારા કોંગ્રેસ પાર્ટીના વારસોને આજે હિંદુ રાષ્ટ્રવાદ નગ્ન કોમવાદ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ ભારતના અત્યાર સુધીના અસ્તિત્વ માટે ભગવદ ગીતાને પ્રેરણા બનાવનારા અનેક દૂધમલ યુવાનોના બલિદાન જવાબદાર હોવાની વાત કોંગ્રેસને સ્વીકારવી નથી. કોંગ્રેસ જણાવે કે સેક્યુલારિઝમના બુરખામાં પેસીને તેણે દેશને નુકસાન કરતા કેવા કારનામા કર્યા છે?

શશી થરુરે એ જ રીતે ખાખી ચડ્ડીની વાત કરી આરએસએસ અને તેમની ભગિની સંસ્થાઓને વિવાદમાં ઘસડી. જેનાથી હિંદુત્વનું વાતવરણ ગાઢ બનશે. થરુરને આ સંસ્થાઓના બલિદાનની ખબર નથી. જેનું રાજકારણ કાસ્ટીઝમ ઉપર સ્થિર થયું છે, તે હિંદુત્વની લહે જો ચૂંટણીમાં આવશે તો સમાપ્ત થઈ જસે,તેવી બીકે બીએસપી અધ્યક્ષ કુ. માયાવતીએ સંઘ અને વીએચપી ઉપર પ્રતિબંધની વાત કી છે. જ્યારે મુલાયમે આવી રહેલા હિંદુત્વના પવનને ખાળવા માટે કારસેવકે ઉપરના ગોળીબારની પરોક્ષ માફી માંગી છે.

શ્રીમોદીના કે શ્રીઅડવાણીના કે શ્રી અમીત શાહના નિવેદનોના કારણે રાજકીય ક્ષેત્રે જે ગરમી આવી છે, તેનો પવન હિંદુત્વ તરફ જ ફેંકાશે તેવું દેખાઈ રહ્યું છે. વિરોધીઓ આ નિવેદનોની ટીકા કર હિંદુત્વના પવનને વાવાઝોડું બનાવી રહ્યા છે. આ બધું જોતા લાગે છે કે ભલે બધા પક્ષો વિકાસની વાત કરતા હોય, પણ ચૂંટણીમાં હિંદુત્વની લહેર ફરી વળશે તેવું દેખાઈ રહ્યું છે. સેક્યુલારિઝમનો બુરખો ઓઢનારા રાજકીય પક્ષોએ એ વાત યાદ રાખવી પડશે કે ભારતમાં કેસરિયું પ્રભાત આવશે અને તેના મૂળ આ લોકસભાની ચૂંટણીમાં નખાશે.


હિંદુ સમાજ સક્ષમ છે. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ પણ આવશ્યક છે. આવા સંજોગોમાં હિંદુઓની લાગણીને સમજનાર રાજકીય પક્ષ કે પક્ષોને ફાયદો થઈ શકે છે. પરંતુ આવી સ્થિતિમાં તેમણે પોતાના કરેલા વાયદા પુરા કરવા પડશે. જો આમ નહીં થાય, તો હિંદુ સમાજ રાજકીય અભિવ્યક્તિ માટે કોઈ બીજો રસ્તો પણ શોધી શકે છે. 

રવિવાર, 2 ડિસેમ્બર, 2012

2012નો ગુજરાતનો જંગ: નરેન્દ્ર મોદી Vs. કેશુભાઈ પટેલ

-આનંદ શુક્લ

ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારોની દોડમાં આગળ દોડી રહેલા નરેન્દ્ર મોદી માટે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા મહત્વની સાબિત થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત જીત તેમની ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારી મજબૂત બનાવશે. પરંતુ આ ચૂંટણીમાં થોડી પણ ઉંચ-નીચ તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જેટ ગતિએ આગળ વધવાની ક્ષમતાને ગ્રહણ લગાવી શકે છે. 2002માં હિંદુત્વના રાજકારણથી 2012માં સદભાવનાનું રાજકારણ રમી રહેલા નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. તેમના માટે કોંગ્રેસ કરતા કેશુભાઈ પટેલને ભાજપના મત કાપતા રોકવાનો મોટો પડકાર છે.
હિંદુત્વ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની જમીન છે. હિંદુત્વનું રાજકારણ ખેલનારા તમામ પક્ષો અને સંગઠનોમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા હીરો છે. નરેન્દ્ર મોદીની આ લોકપ્રિયતા જ્યાં સુધી સાબૂત રહેશે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. આ કહેવું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારજીતની ચર્ચા કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તાનું.
ડીસેમ્બર માસમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 20 ડીસેમ્બરે મતગણતરી બાદ નક્કી થશે કે નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના નાથ બનશે કે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીના ચાહકોને તેમના ફરીથી મુખ્યમંત્રી બનવાની પ્રબળ આશા છે. જો કે આ વખતે 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણી જેવો સીધો મામલો દેખાતો નથી.
2012ની ચૂંટણી 1998 બાદ રાજ્યમાં પહેલો ત્રિપાંખિયો જંગ છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ, શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ અને કેશુભાઈ પટેલના વડપણ નીચે ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણી જંગમાં ઝુકાવશે. જનસંઘ અને ભાજપમાં 60 વર્ષ કામ કરનારા સંઘના સનિષ્ઠ સ્વયંસેવક એવા કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડયો છે. તેમણે 6 ઓગસ્ટ, 2012ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સીધો રાજકીય પડકાર ફેંક્યો છે.
2002 અને 2007ની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસનો જંગ હતો. પરંતુ જાણકારો 2012ના ચૂંટણી જંગને મોદી વિરુદ્ધ કેશુભાઈ પટેલનો સીધો જંગ માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો કેશુભાઈ પટેલ 10 વર્ષ સુધી ચુપ રહ્યા, તે મોદીની સ્થિરતાનું સૌથી મોટું કારણ છે. ભાજપના ચૂંટણી સમીકરણો કેશુભાઈ પટેલના ખુલીને વિરોધમાં નહીં આવવાથી મોદીને બહુ નડયા નથી.
કેશુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 6 વખત તેઓ ધારાસભ્ય રહ્યા અને એક-એક વખત લોકસભા તથા રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેમને ચૂંટણી દરમિયાન જ્ઞાતિ સમીકરણો બનાવવાની આગવી સૂઝ હોવાનું પણ માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ ગુજરાતની પ્રભાવી પટેલ જ્ઞાતિના નેતા છે. તેમનો સૌરાષ્ટ્રમાં ઘણો મોટો બેઝ છે. વધારે માઈક્રો લેવલે વાત કરીએ તો કેશુભાઈ લેઉવા પટેલ જ્ઞાતિના નેતા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પટેલોની વસ્તી 1.20 લાખની છે અને તેમના મતદાતાઓની સંખ્યા અંદાજે 80 લાખની છે. તેમા લેઉવા પટેલોની સંખ્યા 65 ટકા થવા જાય છે.
ગત વર્ષ ખોડલધામ ખાતે પટેલ જ્ઞાતિએ બિનરાજકીય ગણાતો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીની સામે ખુલીને વિરોધમાં આવ્યા ન હતા. પરંતુ ખોડલધામના કાર્યક્રમની એક વિશિષ્ટતા હતી કે બોલાવવામાં આવેલા તમામ પટેલ નેતાઓને મંચની નીચે બેસાડવામાં આવ્યા હતા અને મંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ખોડલધામના સંમેલન બાદ કેશુભાઈ પટેલ મોદી સામે નવી પાર્ટી બનાવવાના વિચાર સાથે ખુલ્લેઆમ વિરોધમાં ઉતર્યા.
જો વાત કરીએ 2007ની તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 અને કોંગ્રેસને 59 બેઠકો મળી છે. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી છે. 2009ની લોકસભાની ચૂંટણી નવા ડિલિમિટેશન પ્રમાણે થઈ હતી. જેમા વિધાનસભા બેઠકના મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ભાજપને 107 બેઠકો પર અને કોંગ્રેસને 75 બેઠકો પર સરસાઈ મળી હતી. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દેખીતો 16 બેઠકોનો ફાયદો થયો અને ભાજપને 10 બેઠકોનું નુકસાન થયું છે.
જો કે ત્યાર બાદ 2010માં યોજાયેલી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોની ચૂંટણીમાં ભાજપને 479 અને કોંગ્રેસને 144 કોર્પોરેશનોમાં સત્તા મળી છે, જ્યારે અન્યોના ખાતામાં 19 કોર્પોરેશનો ગઈ છે. ભાજપના હાથમાં 549 અને કોંગ્રેસના હાથમાં 240 જિલ્લા પંચાયતો છે, જ્યારે અન્યની પાસે 12 જિલ્લા પંચાયતો છે. ભાજપના હાથમાં 2456 અને કોંગ્રેસના હાથમાં 1438 તથા અન્યની પાસે 154 તાલુકા પંચાયત છે. આમ જોવો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ પરિણામો કેશુભાઈ પટેલના ભાજપમાંથી અલગ થયા પહેલાના છે. વળી ગ્રામ પંચાયતોની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસના નિશાન પર નહીં લડાતી હોવા, છતાં કોંગ્રેસના ટેકેદાર સરપંચોની સંખ્યા વધારે હોવાનું માનવામાં આવે છે. ત્યારે કેશુભાઈ પટેલના ભાજપથી અલગ થયા બાદ તેના પરિણામો પર અલગ-અલગ પ્રકારના ક્યાસો લગાવાય રહ્યા છે.
ગુજરાતમાં 1975માં કોંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને માધવસિંહ સોલંકીએ ખામ થિયરી નામે જાણીતુ જ્ઞાતિ સમીકરણ રજૂ કર્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજ્યની 20 ટકાથી વધારે વસ્તી ધરાવતી પટેલ જ્ઞાતિને સત્તામાંથી દૂર કરવાનું હતું. 1962ની ગુજરાતની પ્રથમ વિધાનસભાથી 1975 સુધીમાં ગુજરાતને ત્રણ વખત પટેલ મુખ્યમંત્રી મળ્યા. જો કે ત્યાર પછી કોંગ્રેસમાં પટેલ જ્ઞાતિ સિવાયના મુખ્યમંત્રી માટે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. KHAM (થિયરી)માં 24 ટકા ક્ષત્રિય, 8 ટકા હરિજન, 15 ટકા આદિવાસી અને 12 ટકા મુસ્લિમોના મતોનું નવું જ્ઞાતિ સમીકરણ રજૂ કરીને તેના પર કામ કરવામાં આવ્યું. કોંગ્રેસને 1980માં 141 અને 1985માં 149 બેઠકો જીતવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનવાના મોકા મળ્યા હતા. માધવસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી અને અમરસિંહ ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા હતા. પરંતુ 1990માં વી. પી. સિંહના કોંગ્રેસ વિરોધી આંદોલન અને રામજન્મભૂમિથી ઉભી થયેલી રામલહેરમાં ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ થયું. 1990માં જનતાદળે ચિમનભાઈ પટેલ અને ભાજપે કેશુભાઈ પટેલના વડપણ નીચે ચૂંટણીમાં ગઠબંધન કરીને કોંગ્રેસને 149 બેઠકો પરથી સીધી 33 બેઠકો પર લાવી દીધી હતી. અહીંથી ફરી પાછો ગુજરાતના રાજકારણમાં પટેલ યુગ શરૂ થયો હતો. રાજકારણમાં ફરીથી પટેલ પાવર છવાવા લાગ્યો. પરંતુ પટેલ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા, પણ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહીં.
1995માં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલની સરકાર સામે બળવો કરીને અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટી સ્થાપી હતી. કેશુભાઈ પટેલની સરકાર ગણતરીના મહીનાઓમાં પડી ગઈ હતી. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા, તેમના પછી દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈ પટેલને 1998માં ફરીથી સત્તા મળી. જો કે ઓક્ટોબર-2001માં ભાજપ હાઈકમાન્ડે સત્તા પરિવર્તન કરીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેની પાછળ ભૂકંપ બાદ રાહત અને પુનર્વસનની કામગીરીમાં થનારા વિલંબને કારણ ગણવામાં આવ્યો. વળી બે પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો. જેના કારણે ભાજપ હાઈકમાન્ડ સામે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે રજૂઆતો થવા લાગી હતી.
કેશુભાઈ પટેલે સત્તા પરિવર્તનને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકની રાહે સ્વીકારી લીધું હતું. જો કે દશ વર્ષ સુધી તેમની થયેલી ઉપેક્ષાએ તેમને સંઘ પરિવારમાં મોદી વિરોધીઓનું નેતૃત્વ કરવા માટે મજબૂર બનાવી દીધા. રાજકીય વિશ્લેષકો પ્રમાણે, નરેન્દ્ર મોદી સામે ખુલ્લો બળવો કરવાની સૌથી પહેલી હિંમત શંકરસિંહ વાઘેલાએ કરી હતી. કેશુભાઈ પટેલની પહેલી સરકારમાં નરેન્દ્ર મોદી સુપર ચીફમિનિસ્ટર તરીકે વર્તતા હતા. વાઘેલાએ પોતાની થતી ઉપેક્ષા સામે બળવો પોકાર્યો હતો. જે કેશુભાઈ પટેલથી વધારે નરેન્દ્ર મોદી સામે હતો. વાઘેલા દ્વારા કરાયેલા બળવા બાદ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
સંઘ વર્તુળોમાં ચર્ચા છે કે કેશુભાઈ પટેલે 1995માં જ નરેન્દ્ર મોદીથી ચેતી જવાની જરૂરત હતી. વળી મુખ્યમંત્રી પદેથી કોઈપણ પ્રકારની આંતરીક સમજૂતી વગર હટવું પણ કેશુભાઈની ભૂલ હતી. સંઘ વર્તુળોના માનવા પ્રમાણે કેશુભાઈએ 10 વર્ષ કરતા વધારે સમય પોતાની ઉપેક્ષા સહન કરીને મોદીને શક્તિશાળી થવા દીધા છે. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, કિસાનસંઘ અને સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં નરેન્દ્ર મોદીની આપખુદશાહી કાર્યશૈલી સામે અસંતોષ 2003થી શરૂ થયો હતો. જેના કારણે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ ગૌરવયાત્રા થકી ગોધરાકાંડના રમખાણોની પૃષ્ઠભૂમિમાં જ્વલંત જીત મેળવી હોવા છતાં, 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી માત્ર 14 બેઠકો અપાવી હતી. આના માટે ભાજપ અને સંઘ પરિવારના નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોદીના વિરોધમાં થયેલું કામ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
જાણકારોના માનવા પ્રમાણે, ગુજરાતમાં વિધાનસભા બેઠકો પર જીતના સમીકરણો લોકસભા બેઠકોથી સાવ અલગ છે. વળી મોદી વિધાનસભા બેઠકો જેટલી સિફતપૂર્વક મેનેજ કરી શકે છે, તેટલી સમજથી લોકસભા બેઠકોનું અંકગણિત ગોઠવી શકતા નથી. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. હાલ પોતાને વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવાની ઉઠાપઠકમાં મોદી માટે 2012ની વિધાનસભા ચૂંટણી રાજકીય જીવન-મરણનો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સદભાવના મિશન થકી પોતાની રાષ્ટ્રીય છબી સેક્યુલારિઝમના ઢોળથી ચમકાવાનો પ્રયત્ન કરી જોયો. જો કે ગોધરાકાંડ બાદના રમખાણો માટે મુસ્લિમ સમાજમાં નરેન્દ્ર મોદીની છાપ હજી પણ ખાસ વધારે સુધરી નથી. તેના કારણે મોદીના સદભાવના મિશનને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીએ હજી સુધી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. પરંતુ ચર્ચા હતી કે 2012માં સદભાવના મિશનની રાજનીતિમાં પડેલા નરેન્દ્ર મોદી બે-ત્રણ મુસ્લિમ નેતાઓને ભાજપની ટિકિટ આપે પણ ખરા.જો કે ભાજપે 2012માં યોજાનારી ચૂંટણીમાં પણ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 
પરંતુ રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને અડવાણીના જિન્ના પ્રકરણ સાથે સરખાવે છે. તેમનું એમ પણ માનવું છે કે મોદીએ સદભાવના ઉપવાસ ચૂંટણીના વર્ષ પહેલા કર્યા છે, તેથી તેની ચૂંટણીમાં તાત્કાલિક અસર પડશે નહીં. પરંતુ સંઘ પરિવારમાં મોદીની મુસ્લિમ તરફી રાજનીતિની ભારે ટીકા થઈ રહી છે. કેટલાંક નેતાઓ કહી રહ્યા છે કે 200 કરોડના ખર્ચે 33 સ્થાનો પર મુસ્લિમોને ગળે લગાડવા ભૂખ્યા રહેવાના તાયફા આજ સુધી ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કર્યા નથી. મુસ્લિમોને ગળે લગાડનારા મુખ્યમંત્રીએ સ્ટેજ પર આરએસએસના પ્રાંત પ્રચારક અને પ્રાંત સંઘચાલકનું માન જાળવ્યું નથી, તેમને બીજી લાઈનમાં બેસાડયા હતા. વળી મંચ પર ઉપસ્થિત સાધુ-સંતોના ચરણસ્પર્શ કરવાની પણ મુખ્યમંત્રીએ દરકાર લીધી ન હતી. સદભાવના મિશનને કારણે મોદી પર પણ મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ સંઘ પરિવારમાંથી છાને ખૂણે લગાવવામાં આવી રહ્યો છે.
તેની સામે કેશુભાઈ પટેલની રાજનીતિ પણ સ્પષ્ટ છે તેમણે કહ્યુ છે કે તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી સંઘ વિચારની પૃષ્ઠભૂમિમાં આગળ વધશે. ગુજરાત જેવા ડાર્ક હિંદુત્વવાળા રાજ્યની રાજનીતિને ધ્યાનમાં રાખીને કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી સંદર્ભે ખાસ કાળજી લીધી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપના વખતે મંચ પર કોઈ મુસ્લિમ નેતાને હાજર રાખ્યો નથી. કેશુભાઈની પાર્ટીમાં હજી સુધી લઘુમતી સેલ બનાવવામાં આવ્યો નથી. તેની પાછળનું કારણ મોદી દ્વારા કેશુભાઈની પાર્ટીને મુસ્લિમો તરફ ઝોકવાળી પાર્ટી ગણાવવાનો ડર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યાત્રા અને કેશુભાઈ પટેલની પરિવર્તન યાત્રા ગુજરાતે જોઈ છે. વિવેકાનંદ યાત્રામાં સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો છે, જ્યારે પરિવર્તન યાત્રામાં આવી કોઈ તૈયાર મશીનરી વપરાય નથી. તેની સામે કોંગ્રેસે આ બંને યાત્રા પહેલા આદિવાસી વિસ્તારો અને દરિયાકિનારાના વિસ્તારોમાં યાત્રાઓ કરી છે અને ક્ષત્રિય સંમેલનો પણ કર્યા છે. પરંતુ કોંગ્રેસ એટલી સક્રિય દેખાતી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેમણે પણ માની લીધું છે કે જંગ મોદી અને કેશુભાઈ વચ્ચેનો છે. કેશુભાઈ પટેલ ભાજપના મત તોડે અને તેનો કોંગ્રેસને ફાયદો થશે તેવી પણ તેમને આશા છે. પરંતુ સ્થિતિ ઊંટનો લબડતો હોઠ જોઈને તેની નીચે ચાલતા શિયાળ જેવી છે.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલનો બેઝ ભાજપના વોટરો છે. પટેલો પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. કેશુભાઈ પટેલ પટેલ વોટરો અને સંઘ વિચારધારા સાથે સંકળાયેલા વોટરોને પોતાની તરફ ખેંચશે. આ સિવાય તેઓ ઠાકોર સમાજને પણ પોતાની સાથે જોડવા માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છમાં કચ્છી પટેલોનું મોટું મોબીલાઈઝેશન કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજો સાથે જ્ઞાતિ સમીકરણો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
એક ગણતરી પ્રમાણે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે 1995થી 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં સરેરાશ 10 ટકાનું અંતર રહ્યું છે. કેશુભાઈ પટેલ ભાજપના 10થી 15 ટકા વોટ પણ તોડે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘટે અને ભાજપને બેઠકોનું નુકસાન જઈ શકે છે. જો કે તેનો ફાયદો કોંગ્રેસને કહી શકાય તેમ નથી. કારણ કે ગુજરાત પરિવર્તન પાર્ટી 20થી 25 બેઠકો જીતવા માટે જ લડશે. જ્યારે 30 બેઠકોમાં ભાજપ કપાય તેવો પણ પ્રયત્ન કરી શકે છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. પરંતુ તેમની નીતિ સ્પષ્ટ છે કે તેઓ જીત્યા પછી કોંગ્રેસને ટેકો નહીં આપે. પરંતુ ભાજપને ટેકાની જરૂર હશે, તો મોદી અને તેમના મળતિયા વગરની સરકાર બનાવવાની શરત ગુજરાત પરિવર્તન પાર્ટી મુકી શકે છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વીએચપીની ઝીણવટભરી નજર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાગપુર સંઘના મુખ્યમથકે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. તો તેના બીજા દિવસે કેશુભાઈ પટેલે અમદાવાદમાં પ્રાંત સંઘ કાર્યાલય અને વીએચપી મુખ્યાલયની મુલાકાતો લીધી છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ માટે વીએચપીમાં લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે સંઘના પ્રાંત સંગઠનમાં કેશુભાઈ માટે કોઈ છોછ નથી.
જાણકારોના માનવા પ્રમાણે, શંકરસિંહ વાઘેલાના ભાજપમાં બળવા સમયે સંઘ પરિવારની સંસ્થાઓ સંપૂર્ણપણે તેમની વિરુદ્ધ હતી. જ્યારે કેશુભાઈ પટેલને સંઘ પરિવારમાંથી ઘણો મોટો સાથ-સહકાર મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલા સાથે 45 ધારાસભ્યો હતા. પરંતુ ક્ષત્રિય વોટરો ભાજપના પરંપરાગત વોટરો ન હતા. તેથી 1998ની ચૂંટણીમાં વાઘેલાની રાજપાએ 11.86 ટકા વોટ મેળવ્યા. જેમાં મોટા ભાગના કોંગ્રેસી વોટ હતા. જેને કારણે કોંગ્રેસને તે ચૂંટણીમાં સીધું નુકસાન ગયું. જ્યારે કેશુભાઈ પટેલ સાથે હાલ કોઈ ધારાસભ્ય કે ભાજપના મોટા પદાધિકારીઓ ખુલીને સાથે આવ્યા નથી. પરંતુ પટેલ સમુદાયના તેઓ નિર્વિવાદ કદ્દાવર નેતા છે. ત્યારે પટેલ વોટરોની સિમ્પથી ઘણો મોટો ઉલટફેર કરે તેવી શક્યતા છે. કારણ કે પટેલ વોટરો મોટેભાગે ભાજપના વોટર છે. તેની સાથે સંઘની વિચારધારાને માનનારા ગુજરાતના ઘણાં લોકો નરેન્દ્ર મોદીથી ગોચર,ગોહત્યા જેવા મુદ્દાઓ પર નારાજ છે. તેથી તેમને પણ કેશુભાઈ રાજકીય વિકલ્પ પુરો પાડી રહ્યા છે.
આમ છતા નરેન્દ્ર મોદીની સ્થિતિ એટલા માટે મજબૂત માનવામાં આવે છેકે સંઘ પરિવારની સંસ્થાઓએ ગુજરાતમાં હિંદુત્વનો પ્રચાર કરતી વખતે કોંગ્રેસનો વિલન અને મુસ્લિમ લીગ સમાન ગણાવી છે. લોકો હજી પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, તેવું વ્યાપકપણે ઈચ્છી રહ્યા નથી. ત્યારે કેશુભાઈ પટેલ સરકાર ન બનાવી શકવાના હોય, તો તેવા સંજોગોમાં તેમના માટે હિંદુત્વના હીરો રહેલા નરેન્દ્ર મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના પ્રસંગો બાદ નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટ બન્યા હતા. તેઓ હજી પણ ગુજરાતના આમ હિંદુઓમાં હ્રદય સમ્રાટનું સ્થાન ભોગવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય જમીન તેમની હિંદુત્વવાદી ઈમેજ છે. ત્યારે 20મી ડીસેમ્બરના પરિણામો જ બતાવશે કે હિંદુત્વની ટ્રેનમાંથી વિકાસરથ પર બેસીને હવે સદભાવનાના રાજકારણનો રસ્તો પકડનારા મોદીની ઈમેજ કેટલી બદલાઈ છે. 

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

બાળાસાહેબ ઠાકરે: હિંદુત્વના આંદોલનના સેનાપતિ

- ક્રાંતિવિચાર

વ્યક્તિને પોતાના પરનો વિશ્વાસ પોતાના વિચારો અને માન્યતાઓમાં અસીમ શ્રદ્ધા પ્રગટાવે છે. શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે પણ આવા જ વ્યક્તિ હતા. તેમણે પોતાના પરના વિશ્વાસને કારણે જ પોતાના વિચારો અને માન્યતાઓને દ્રઢતાથી વળગી રાખવાનું વલણ મૃત્યુ સુધી જાળવી રાખ્યું. શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબને હકીકતમાં હિંદુત્વના સેનાપતિ કહેવું વધારે યોગ્ય છે. જ્યારે દેશમાં હિંદુત્વના પંથને કટ્ટરપંથ તરીકે વગોવવામાં આવતો હોય, ત્યારે બાળાસાહેબ ઠાકરેની ત્રાડે તમામ હિંદુવિરોધીઓને સીધા દોર રાખ્યા છે. આનાથી પણ મોટી ઘટના એ છે કે જ્યારે રામરથયાત્રીઓ અને હિંદુત્વના આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનારા કંઈક હિંદુ હ્રદયસમ્રાટોની નકલી છબીઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં ભષ્મીભૂત બની છે. જ્યારે બાળાસાહેબ ઠાકરેની હિંદુ હ્રદયસમ્રાટની છબી તેમના મૃત્યુ પછી પણ અકબંધ રહી છે. તેમને હિંદુ હ્રદયસમ્રાટની ઉપાધિ દેશના કરોડો હિંદુઓના પ્રેમને કારણે મળી છે, તેમને તેના માટે કોઈ ગોબેલ્સ પ્રચારનો સહારો લેવો પડયો નથી. તેમની વાતમાં હિંદુત્વનો પડઘો હતો અને તેના કારણે દેશના કરોડો હિંદુઓ તેમને દિલથી ચાહતા હતા.
17મી નવેમ્બરે બાળાસાહેબ ઠાકરેનું અવસાન થયું. 18મી નવેમ્બરે રવિવારે મુંબઈની સડકો પર હિંદુત્વના સેનાપતિની અંતિમ યાત્રામાં માનવ મહેરામણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયું હતું. કહેવાય છે કે બાલાસાહેબની અંતિમ યાત્રામાં અંદાજે 20 લાખ લોકોએ ભાગ લીધો અને શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર વખતે બે લાખથી વધારે લોકો હાજર હતા. હિંદુત્વની દ્રઢતાથી વાત કરનારા બાળાસાહેબને કટ્ટર ગણાવાયા. હિંદુત્વને આજીવન વળગી રહેનારા બાળાસાહેબને કોમવાદી રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યા. હિંદુત્વના હિતની વાત કરનારા બાળાસાહેબને જલ્લાદ દર્શાવવામાં આવ્યા. પરંતુ તેમ છતાં તેમની અપાર લોકપ્રિયતાએ મીડિયાને પણ મજબૂર કર્યું કે તેઓ હિંદુત્વના સેનાપતિને છાજે તેવી તેમને શ્રદ્ધાંજલિ આપે. 1966માં કાર્ટૂનિસ્ટ બાળ ઠાકરેએ મરાઠી માનુષના હિત અને શિવશાહી સ્થાપિત કરવા માટે શિવસેનાની સ્થાપના કરી. મરાઠી માનુષની રાજનીતિ કરતી વખતે તેમને હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને તેમની હિંદુ પદપાદશાહીની વાતો યાદ રહેતી હતી. રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી જ બાળ ઠાકરેએ હિંદુ હિતની વાતોને રાષ્ટ્રીય સ્તરે મહત્વની ગણીને તેના પર દ્રઢતાથી અભિપ્રાય આપવાનું શરૂ કર્યું. મરાઠી માનુષના હિતની રાજનીતિ બાળ ઠાકરેની રાજનીતિનું મહત્વનું અંગ હતું, તો હિંદુત્વના મુદ્દે દ્રઢતા તેનો આત્મા હતો.
દેશમાં 90ના દાયકામાં હિંદુઓના શ્રદ્ધાકેન્દ્રો પર આઘાત કરવાની ફેશન ચાલતી હતી. ત્યારે મીડિયા પણ આવા તત્વોને સાથ આપતું નજરે પડતું હતું. મુંબઈના એક અગ્રણી અખબારમાં છત્રપતિ શિવાજી મહારાજ સંદર્ભે અયોગ્ય વાત પ્રકાશિત થઈ. બાળ ઠાકરેને આની ખબર પડી, તુરંત તેમણે શિવસૈનિકોને આદેશ આપ્યો કે શિવાજી વિશે અભદ્ર વાતો પ્રકાશિત કરનારા અખબારની એકપણ નકલ વાચકો સુધી પહોંચે નહીં. શિવસૈનિકોએ તેમના સેનાપતિની વાતને અક્ષરશ માની અને આવી ગલીચ હરકત કરનારા અખબારની એકપણ નકલને મુંબઈની બહાર જવા દીધી નહીં.
1992માં બાબરી ઢાંચાને કારસેવાના અંતે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બાબરી ઢાંચો ધ્વસ્ત થવાથી આંદોલનમાં સામેલ નેતાઓ દુ:ખ વ્યક્ત કરી રહ્યા હતા અને સંગઠનો સંરક્ષણાત્મક સ્ટેન્ડ લઈ રહ્યા હતા. ત્યારે બાળ ઠાકરેએ કહ્યુ કે જો શિવસૈનિકોએ બાબરી ઢાંચો ધ્વસ્ત કર્યો હોય, તો તેનો તેમને ગર્વ છે. બાળ ઠાકરેની આ બેબાકી જ હતી કે જેણે તેમને હિંદુ હ્રદય સમ્રાટના પદે સ્થાપિત કર્યા હતા.
બાલ ઠાકરેએ દેશમાં વધી રહેલા ઈસ્લામિક આત્મઘાતી બોમ્બરોના હુમલાની સામે સરકારના ઉદાસિન વલણની છડેચોક ટીકા કરી હતી. 2002માં તેમણે કહ્યુ હતુ કે આવા ફિદાયિનોના જવાબમાં હિંદુ આત્મઘાતી બોમ્બરોની ટુકડી બનાવવી જોઈએ. મુંબઈ રમખાણો વખતે બાળ ઠાકરેએ મુસ્લિમોને દેશમાં કેન્સર સમાન ગણાવ્યા હતા. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભારતના દરેક મુસ્લિમોના વિરોધી નથી, પરંતુ ભારતમાં રહીને ભારતના કાયદાનું પાલન નહીં કરતા મુસ્લિમોના તેઓ વિરોધી છે. તેમણે આવા લોકોને દેશદ્રોહી ગણાવ્યા હતા. તેમણે 2008માં ફરીથી કડક નિવેદન આપતા કહ્યુ હતુ કે ઈસ્લામિક આતંકવાદનો જવાબ હિંદુ આતંકવાદમાં છુપાયેલો છે. હિંદુઓ અને ભારતીયોની રક્ષા માટે દેશને હિંદુ આત્મઘાતી બોમ્બ સ્ક્વોર્ડની જરૂર છે. બાળ ઠાકરેના વિચારો ઉદ્દામવાદી લાગી શકે છે. પરંતુ તેમના વિચારો ભારત સરકારની ઈસ્લામિક આતંકવાદ સંદર્ભેની ઢીલી નીતિઓ સામેના રોષમાંથી પ્રગટયા હતા. નિર્દોષ ભારતીયો અને સુરક્ષાકર્મીઓના રક્તસ્ત્રાવથી બાળ ઠાકરે નારાજ હતા. જેના પરિણામે તેમણે ઉદ્દામવાદી વિચારો પુરી બેબાકીથી રજૂ કર્યા હતા.
પાકિસ્તાન સાથેના સંબંધો બાબતે પણ તેમના વિચારોની ધાર સ્પષ્ટ અને તેજ રહેતી. પાકિસ્તાન સાથે થોડું પણ નમતું મૂકવાના મતના તેઓ ન હતા. તેમણે કહ્યુ હતુ કે તેમને એક દિવસ માટે દેશની સત્તા સોંપવામાં આવે, તો તેઓ કાશ્મીર સમસ્યા એક દિવસમાં જ ઉકેલી બતાવશે. તેમણે વાજપેયીની પાકિસ્તાન સાથેની પીસ પ્રોસેસની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે પાકિસ્તાની દોરીસંચાર હેઠળ ભારતમાં આતંકવાદી હુમલા છતાં પાકિસ્તાની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવાની ભારતીય નીતિની આકરી ટીકા કરી છે. ઠાકરેએ ભૂતકાળમાં પાકિસ્તાનની ટીમ ભારતમાં કોઈપણ સ્થાને ક્રિકેટ મેચ રમી શકે નહીં તેની તકેદારી રાખવા શિવસૈનિકોને જણાવ્યુ હતુ. જેના પરિણામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનની પીચ શિવસૈનિકોએ ભારત-પાકિસ્તાનની મેચના આગલા દિવસે જ ખોદી નાખી હતી. તાજેતરમાં પાકિસ્તાનની ટીમ ભારત ક્રિકેટ રમવા આવવાની છે. ત્યારે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ કહ્યુ છે કે ભૂતકાળ ભૂલીને પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવી જોઈએ. આ નિવેદનની બાળાસાહેબે આકરી ઝાટકણી કાઢી હતી અને પાકિસ્તાનની ટીમને ભારત નહીં બોલાવવાનો મત વ્યક્ત કર્યો હતો.
સંસદ પરના આતંકવાદી હુમલામાં ફાંસી પામેલા આતંકવાદી અફઝલ ગુરુની દયા અરજી નકારીને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈતિહાસ રચે તેવી બાળ ઠાકરેને ઈચ્છા હતી. મહત્વપૂર્ણ છે કે બાળ ઠાકરે એનડીએમાં હોવા છતાં રાષ્ટ્રપતિ પદના યુપીએના ઉમેદવાર પ્રણવ મુખર્જીને ટેકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળ ઠાકરેના મોતના ચોથા દિવસે ભારત સરકારે મુંબઈ પરના આતંકવાદી હુમલાના એકમાત્ર જીવિત પાકિસ્તાની આતંકવાદી અજમલ આમિર કસાબને ફાંસીને માંચડે લટકાવી દીધો છે.
મુંબઈમાં મુસ્લિમ ગુંડા દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલની દાદાગીરી ચાલતી હતી. પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે, બંનેને ભારત છોડવા માટે મજબૂર કરનારા બાળ ઠાકરે હતા. મુસ્લિમ ડોન દાઉદ સામે હિંદુ ડોન અરુણ ગવળીની વાત પણ બાળ ઠાકરેએ ભૂતકાળમાં કરી છે. ઉલ્લેખનીય છે કે અરુણ ગવળી શરૂઆતના સમયમાં શિવસૈનિક હતો.
બાળ ઠાકરેએ હિંદુત્વના મોટામોટા સિદ્ધાંતો અને વિચારધારાની ક્યારેય ચર્ચા કરી નથી. તેમણે હિંદુત્વને વ્યવહારીકતામાં કેવી રીતે સર્વોપરી બનાવી શકાય તેની સતત ચિંતા કરી છે. જેને કારણે સેક્યુલર માઈન્ડ સેટમાં ઘડાયેલા સેક્યુલરમેનિયાથી પીડાતા બુદ્ધિજીવીઓને બાળાસાહેબ કોમવાદી લાગી શકે છે, તેમને બાળાસાહેબ દબંગ લાગી શકે છે, તેમને બાળાસાહેબ મુંબઈના દાદા લાગી શકે છે. પરંતુ બાળાસાહેબ શું હતા, તે તો તેમની અંતિમ યાત્રામાં સામેલ 20 લાખ લોકો અને દેશમાં ટેલિવિઝન પર નિહાળનારા કરોડો હિંદુઓ સારી રીતે જાણતા હતા.
બાળાસાહેબને શિવસેનાના તાનાશાહ ગણવામાં આવતા હતા. જો કે હકીકત તેનાથી વિપરીત હતી. શિવસૈનિકોના અપાર પ્રેમે તેમને શિવસેનના સર્વોચ્ચ સ્થાને 45 વર્ષોથી બેસાડયા હતા. જો કે તેમણે દુનિયાના સૌથી કુખ્યાત તાનાશાહ હિટલરની એક મુલાકાતમાં પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ હિટલરના બહુ મોટા પ્રશંસક છે અને તેમને આવું કહેવામાં કોઈ શરમ અનુભવાતી નથી. હિટલરની તમામ પદ્ધતિથી તેઓ સહમત પણ ન હતા. તેમણે કહ્યુ કે હિટલર સારો આયોજક અને વક્તા હતો.તેમને લાગે છેકે તેમના બંનેમાં ઘણું સામ્ય છે. ભારતને લોખંડી હાથે કામ પાર પાડે તેવા સરમુખત્યારની જરૂર છે.
બાળાસાહેબ હંમેશા પોતાને સાચી લાગતી વાત કરતા, પોતાની સાચી વાતને અંતિમ ક્ષણ સુધી વળગી રહ્યા. તેમણે ક્યારે પોતાની વ્યક્તિગત મર્યાદાને પડદામાં રાખીને દંભ કર્યો નથી. તેઓ બિયર અને વાઈન પીતા હતા, સિંગાર અને ચિરુટના ભૂતકાળમાં બંધાણી હતા. આવી કોઈ વાત તેમણે ક્યારેય પડદામાં રાખી નથી. તેઓ હિંદુત્વની વાત કરતા હતા, પરંતુ માંસાહાર કરતા હોવાની વાતને ક્યારે છુપાવી નથી. બાળાસાહેબે પોતાના જીવન દરમિયાન રાજકીય સમજૂતીઓ પોતાની રાજનીતિ પ્રમાણે કરી હશે, પરંતુ હિંદુત્વના મુદ્દે આજીવન એકપણ સમજૂતી તેમણે કરી નથી. આવા દંભ વગરના દ્રઢ જીવને જ તેમને હિંદુ હ્રદય સમ્રાટ બનાવ્યા છે. 

ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

કેશુભાઈની પાર્ટી દ્વારા સંઘ પરિવારની રાજકીય દિશા બદલાઈ શકે



- આનંદ શુક્લ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતના રાજકારણમાં હિંદુત્વના પોતાના એજન્ડાને આગળ વધારવા માટે બે રાજકીય વિકલ્પો અત્યાર સુધીમાં આપ્યા છે. 1952માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં ભારતીય જનસંઘની સ્થાપના આરએસએસના તત્કાલિન સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી. પરંતુ કટોકટી બાદની રાજકીય પરિસ્થિતિમાં જનસંઘ સામુહિક રીતે જનતા પાર્ટીમાં વિલિન થઈ ગયું. જનસંઘમાંથી જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓના બેવડા સભ્યપદના મામલે ઉઠેલા વિવાદમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1979-80માં ભાજપની સ્થાપના થઈ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત વિભાજન બાદ દેશની સેક્યુલર રાજનીતિને હિંદુત્વના રસ્તે ચઢાવવાના એજન્ડાને આગળ વધારવા માટે ઉભા કરવામાં આવેલા રાજકીય વિકલ્પો એક યા બીજા કારણોસર નકામા સાબિત થયા. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતના વર્ષોમાં પોતાની વિચારધારાનો આધાર ગાંધિયન સોશ્યાલિઝમને રાખ્યો. જો કે તેના આધારે તેમને 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા કરવામાં આવેલી હત્યાને કારણે સિમ્પથી વેવનો ભરપૂર લાભ મળ્યો હતો.

પરંતુ રામજન્મભૂમિ આંદોલનને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ હિંદુ પરિષદના હાથમાંથી રાજકીય એજન્ડા સાથે લઈને ભારતીય રાજનીતિમાં સત્તાસ્થાને પહોંચવામાં કામિયાબી મેળવી. 1996, 1998, 1999માં અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં અનુક્રમે 13 દિવસ, 13 માસ અને એક ટર્મ માટે સત્તામાં રહેવાનો એનડીએના નેજા નીચે ભાજપને મોકો મળ્યો. રામજન્મભૂમિના રથ પર સવાર થનારા ભાજપે રામરથની સવારી સત્તા માટે છોડી દીધી. તેની સાથે 2004 સુધીમાં હિંદુત્વની વિચારધારાના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળ હિંદુત્વવાદી એજન્ડાને પુરા કરવાની તાકાત પણ ગુમાવતી નજરે પડી. ભાજપને સુધારવાની અથવા કોઈ મજબૂત રાજકીય વિકલ્પ ઉભો કરવા માટે સંઘ પરિવારમાં ગણગણાટ શરૂ થઈ ગયો. 2009ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપના નેતૃત્વવાળું એનડીએ હાર્યું. ત્યારે સંઘના નવનિર્વાચિત સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરપી અથવા સર્જરીની જરૂર હશે, તો તેને કરવાની વાત સાર્વજનિક રીતે કરી.

હિંદુત્વવાદી એજન્ડાને આગળ વધારનારા રાજકીય વિકલ્પના તૂટવાનો અફસોસ ઉંડે ઉંડે સંઘ પરિવારના નેતાઓમાં નવું ચિંતન, મનન અને મંથન પેદા કરનારો સાબિત થયો. જો કે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટપણે ભાજપના રાજકીય વિકલ્પ તરીકે નવો રાજકીય પક્ષ સ્થાપવાની વાતને દ્રઢતાથી નકારી નાખી હતી. પરંતુ તેમ છતાં સંઘ પરિવારમાં રાજકીય વિકલ્પ તરીકે અપ્રાસંગિક બનતા જતા ભાજપ અને તેના નેતાઓ પ્રત્યે અસંતોષનું પ્રમાણ કાયમ રહ્યું છે. સંઘના રોજિંદા કામમાંથી દૂર થયેલા નેતાઓએ ભાજપનો રાજકીય વિકલ્પ શોધવાની કવાયત ક્યારની શરૂ કરી દીધી છે. ક્યારેક બાબા રામદેવને રાજકીય એજન્ડા માટે તૈયાર કરવાની કોશિશ થઈ, તો ક્યારેક અણ્ણા હજારેના મુસ્લિમ તરફી ધર્મનિરપેક્ષતાવાદી આંદોલનને હાઈજેક કરવાનો પુરો પ્રયત્ન કરવામાં આવ્યો.

જો કે અણ્ણા હજારે કોંગ્રેસ વિરોધી વાતાવરણ અને આંદોલન બંને ઉભું કરવામાં નિષ્ફળ ગયા. અણ્ણા ખુદ રાજકીય વિકલ્પ આપવાની વાત કરી ચુક્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ આણિ મંડળીના રાજકીય વિકલ્પમાં સંઘ પરિવારના એજન્ડાને જરાપણ સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. તેને કારણે સંઘ પરિવાર હવે આ સંદર્ભે કોઈ મહેનત કે કડાકૂટમાં પડવા માંગતો નથી. અણ્ણાના અનુભવ પછી બાબા રામદેવને વિકલ્પ તરીકે જોવામાં ખૂબ સાવચેતીઓ દાખવવામાં આવી રહી છે.

જો કે અત્યાર સુધી હિંદુત્વવાદી રાજનીતિનું પ્રબળ કેન્દ્ર રહેલા ગુજરાતમાં પ્રાંતિય સ્તરે ભાજપનો રાજકીય વિકલ્પ ઉભો થયો છે. 4 ઓગસ્ટે ભાજપમાં 60 વર્ષ કામ કરનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિના વિરોધમાં રાજીનામું આપીને 6 ઓગસ્ટે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. આ પાર્ટીમાં કેશુભાઈ ઉપરાંત કાશીરામ રાણા, સુરેશ મહેતા, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા સહીતના ઘણાં નેતાઓ છે. હજી ઘણાં નેતાઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને સંઘના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલે અને નેતા પ્રવિણ મણિયારના આશિર્વાદ પણ પ્રાપ્ત છે.

કેશુભાઈ પટેલનુ કહેવુ છે કે તેમની નવી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શો પર ટકેલી હશે અને અસલી ભાજપની ભૂમિકા નિભાવશે. તેઓ આ વાત જ્યારે કહી રહ્યા હતા, ત્યારે સંઘના દિગ્ગજ નેતા પ્રવિણ મણિયાર અને ભાસ્કરરાવ દામલે હાજર હતા. એક સચ્ચાઈ એ પણ છે કે જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાનો સિક્કો ચલાવ્યો છે, ત્યારથી બાકીના તમામ સિક્કાઓનું ચલણ બંધ થઈ ગયું છે, પછી તે સિક્કો સંઘ પરિવારના સંગઠનોનો કેમ ન હોય.

નરેન્દ્ર મોદી અત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી વધારે આગળ છે. ભાજપના ઘણાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા ઈચ્છી રહ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી સામે બે મુશ્કેલી છે, પહેલી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજું ભાજપની કેન્દ્રીય નેતાગીરી સાથે અહમનો ટકરાવ. 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો બાદ મોદીને કોમવાદી ગણવાની ભારતીય રાજનીતિમાં ફેશન ચાલી છે, આને હિંદુત્વ ગણવાની ફેશન ચાલી છે. મોદીના વધેલા રાજકીય કદનો સામનો કરવા અને તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવા માટે ખુબ વ્યૂહાત્મક રીતે ભાજપના જ કેટલાંક કેન્દ્રીય નેતાઓની મિલીભગતથી મોદી કોમવાદી હોવાની વાત વારંવાર ગણતરીપૂર્વક ઉછાળવામાં આવી. ઘણાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2004 સુધીમાં મોદીની દેશમાં લોકપ્રિયતાથી ગભરાઈને જ ભાજપે હિંદુત્વના એજન્ડાને છોડીને વિકાસ અને અટલજીના નામે વોટ માંગ્યા હતા, કારણ કે જો ભાજપ હિંદુત્વના એજન્ડા પર આગળ વધત તો અટલજીના રાજનીતિમાંથી નિવૃત થયા બાદ નરેન્દ્ર મોદીને જ તેમના વધેલા રાજકીય કદને કારણે કેન્દ્રમાં મોટી ભૂમિકા આપવી પડે.

બીજી તરફ સેક્યુલરવાદના નામે મુસ્લિમ તરફી રાજનીતિમાં ગળાડૂબ નીતિશ કુમારે એક અખબારના આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે એનડીએનો વડાપ્રધાન પદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. તાજેતરમાં અખબારી અહેવાલ પ્રમાણે નીતિશ કુમારે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પાસે ખાતરી માંગી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નહીં કરે. જો કે ગડકરીએ કહ્યુ છે કે એનડીએના તમામ પક્ષો સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ તમામ કવાયતમાં એક વાત સ્પષ્ટ છેકે નરેન્દ્ર મોદી પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા માટે જોર લગાવશે અને નીતિશ કુમાર તેના કારણે જેડીયૂ સાથે એનડીએમાંથી બહાર નીકળી જશે.

બીજી તરફ ગુજરાતમાં મોદી અને ભાજપની મુશ્કેલી એ છે કે કેશુભાઈની નવી પાર્ટી તમામ મોદી વિરોધીઓનું કેન્દ્ર તો બનશે જ, સાથે સંઘની વિચારધારાત્મક શક્તિઓ પણ સાથે આવી જશે. મોદી માટે સૌથી વધારે ચિંતાજનક કોઈ બાબત હશે, તો તે હશે કે ગત બે દશકમાં પહેલીવાર શક્તિશાળી 1 કરોડ 68 લાખની વસ્તી ધરાવતા પટેલ સમુદાયને ભાજપનો એક સ્પષ્ટ રાજકીય વિકલ્પ મળશે. મહત્વપૂર્ણ છે કે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમુદાયના ભાજપ તરફ ઝુકવાના પહેલા 80ના દાયકામાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી દ્વારા પ્રચલિત ખામ (ક્ષત્રિય, આદિવાસી, મુસ્લિમ અને હરિજન) થિયરીની ગુજરાતની રાજનીતિમાં બોલબાલા હતી.

રાજ્યના પટેલ સમુદાયને કોંગ્રેસના હાથમાંથી સત્તા છિનવીને ખામ થિયરીને અપ્રસ્તુત બનાવીને ભાજપને સત્તામાં આગળ વધારવાનું શ્રેય જાય છે. પરંતુ પાર્ટીની અંદરની રાજનીતિમાં કેશુભાઈ જેવું સશક્ત પટેલ નેતૃત્વ મોદી હાથે પરાસ્ત થયું તે પણ એક હકીકત છે. પરંતુ હવે કેશુભાઈ પટેલ પોતાના તમામ દમખમથી પાર્ટી બહાર ખુલ્લા રાજકીય મેદાનમાં ચૂંટણી જંગ ખેલવાના છે.  જો કે આ પરિસ્થિતિ છતાં નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તા પર પકડ જમાવી રાખશે, તો ભાજપના હાઈકમાન્ડ માટે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રોકવાનું કોઈ કારણ બાકી રહેશે નહીં.

આવી પુરી શક્યતા છે, કારણ કે મોદી  સામે ભાજપના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વધારે કંઈ થઈ રહ્યું નથી. રાજકીય વર્તુળોની ચર્ચા પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસ જેમના હાથમાં છે, તેમણે પીઠ પાછળ મોદી સાથે હાથ મિલાવી રાખ્યા છે. સંઘ પરિવારની શક્તિઓના નારાજ થવાનું એક કારણ એ પણ છે કે તેમના દ્વારા સૂચવવામાં આવેલા કામ મોદી કરતા નથી, પરંતુ કોંગ્રેસીઓના કામ ફટાફટ કરી નાખે છે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે શું કેશુભાઈની નવી પાર્ટી આટલી જલ્દી પોતાનું સંગઠન ઉભું કરીને મોદીના નેતૃત્વમાં ચાલનારી સક્ષમ ચૂંટણી મશનરીને ટક્કર આપી શકશે કે જે ગત બે ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખી ચુકી છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે ભાજપને સત્તાની બહાર કરવામાં કેશુભાઈ પટેલ સફળ થશે, તો નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન પદ માટેનો રથ ગુજરાતમાં જ થંભી જશે.

પટેલ, મોદી અને નીતિશનો ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે અને કચ્ચરઘાણ ભાજપના ખુદના હિતોનો નીકળી રહ્યો છે. આ જંગમાં જીતનાર પોતપોતાના હિત સાધી શકશે, પરંતુ ભાજપના હિત કોરાણે મૂકાશે. આ દુવિધાના પરિણામો દૂરગામી હોઈ શકે . જો ગુજરાતમાં ભાજપને કેશુભાઈ પટેલની નવી પાર્ટી ટક્કર આપી શકશે, તો સંઘ પરિવારના રાજકીય વિકલ્પ શોધનારા જૂથ માટે નવી દિશા ખુલશે. કેશુભાઈ પટેલની પાર્ટીને સંઘ પરિવારની વિચારધારાની વધારે નજીક માનવામાં આવી રહી છે, ત્યારે તેની કોઈપણ પ્રકારની સફળતા સંઘ માટે એકદમ નવો અનુભવ હશે. આ અનુભવ પછી કદાચ સંઘ રાષ્ટ્રીય સ્તરે પણ વિચારધારાત્મક રીતે વધારે કટિબદ્ધ એક રાજકીય વિકલ્પ સંદર્ભે પણ વિચાર કરી શકશે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીનું સારું પ્રદર્શન સંઘ પરિવારની રાજનીતિની દશા અને દિશા સ્થાયીપણે બદલી શકે છે.

શનિવાર, 7 જુલાઈ, 2012

ભાજપે ગુજરાતમાં ક્યારેય વિકાસના મુદ્દાઓ પર સરકાર બનાવી નથી

-          આનંદ શુક્લ
ગુજરાતમાં ભાજપે 1995થી દોઢ દાયકા જેટલા લાંબા સમય સુધી કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી છે. ભાજપને 1990થી દરેક વિધાનસભાની ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દાથી કોંગ્રેસ પર સરસાઈ મેળવવાની તક મળતી રહી છે. 2012ના અંત ભાગમાં ગુજરાતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ પ્રેરીત ત્રીજો મોરચો પણ ભાગ લે તેવી સંભાવના છે. ત્યારે ગુજરાતમાં રાજકીય પરિદ્રશ્યમાં કેવા ફેરફાર થઈ શકે તેની ચર્ચા ઘેરી બની છે. પરંતુ મામલો કેશુભાઈ પટેલ જેવા ભાજપના વરિષ્ઠ નેતાનો હોવાથી મોદી માટે 2002 અને 2007 જેવી સરળ પરિસ્થિતિ નહીં હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

જો કે 1995થી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા વોટિંગની ટકાવારી 55 ટકાથી ઉપર રહી છે. 1995માં 64.39 ટકા અને 2002માં 61.54 ટકા મતદાન થયું છે. વોટિંગની ટકાવારી ઉંચી રહેવાનો ફાયદો હંમેશા ભાજપને મળ્યો છે. પરંતુ 1990થી લઈને 2007ની ચૂંટણીમાં જનમતને અસર કરતા મુદ્દા પર નજર કરવી જરૂરી છે. કારણ કે આ મુદ્દા કોઈને કોઈ રીતે હિંદુત્વના મુદ્દાઓની આસપાસના મુદ્દાઓ હતા. ગુજરાત હિંદુત્વનો ગઢ મનાય છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીના સંભવિત મુદ્દાઓ સામે ભૂતકાળની ચૂંટણીમાં ભાજપને જીત અપાવનારા મુદ્દાઓ પર એક નજર કરવી જરૂરી બને છે.

(1)    1990ની વિધાનસભા ચૂંટણીમાં વી.પી.ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને રામલહેરે કોંગ્રેસની નાવ ડૂબાડી:

1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળની યુતિએ કોંગ્રેસના બારે વહાણ ડૂબાડયા હતા. આખા દેશમાં કોંગ્રેસમાંથી અલગ થયેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે પરિવર્તનનો પવન ફૂંક્યો હતો. બોફોર્સ ડીલમાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજીવ ગાંધીની સરકારમાં સંરક્ષણ મંત્રી પદેથી વી. પી. સિંહે રાજીનામું આપીને આખા દેશમાં કોંગ્રેસને કેન્દ્રની સત્તામાંથી મુક્ત કરાવવા માટે આંદોલન ચલાવ્યું. તેમણે જનતાદળ અને ભાજપ સહીતના અન્ય બિનકોંગ્રેસી પક્ષોનો મોરચો બનાવ્યો. જેના પરિણામે ગુજરાતમાં પણ કોંગ્રેસ વિરુદ્ધ પરિવર્તનનો પવન ફૂંકાયો. જેમાં ભાજપે કેશુભાઈ પટેલ અને જનતાદળે ચિમનભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોરચો માંડયો હતો. તે વખતે યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો હતો.

1990માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતના માત્ર 30.74 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસના ભાગે 182માંથી માત્ર 33 વિધાનસભાની બેઠકો ભાગે આવી હતી. જ્યારે જનતાદળને ચિમનભાઈ પટેલની આગેવાનીમાં સૌથી વધારે 70 બેઠકો અને 29.36 ટકા મત મળ્યા હતા. ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં 26.69 ટકા મતો મેળવીને ત્રીજા સ્થાને 67 બેઠકો મેળવી હતી. આ ચૂંટણીમાં જનતાદળ અને ભાજપના સંયુક્ત મતની ટકાવારી 56.05 ટકા હતી, તે કોંગ્રેસના મતો કરતા 25.31 ટકા વધારે હતી.

ઉલ્લેખનીય વાત એ પણ છે કે 1990ના ગાળામાં અયોધ્યા આંદોલન ગતિ પકડી રહ્યું હતું. રામજન્મભૂમિ આંદોલનના કારણે દેશભરમાં રામલહેર પણ પકડ જમાવી રહી હતી. જેના કારણે ભાજપને સારો એવો ફાયદો બેઠકોની જીતમાં મળ્યો હતો.

(2)    1995માં હિંદુત્વની લહેર પર સવાર થઈને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા:

1990માં ગુજરાતમાં સત્તા પર આવેલી ચિમનભાઈ પટેલના વડપણ હેઠળની જનતાદળ અને ભાજપની સરકાર રામજન્મભૂમિ આંદોલન સંદર્ભે કાઢવામાં આવેલી અડવાણીની રામરથયાત્રાના વિવાદમાં તૂટી પડી. બિહારના સમસ્તીપુર ખાતે અડવાણીની રામરથયાત્રાને બિહારના તત્કાલિન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે અટકાવી હતી. જેના કારણે કેન્દ્રમાં વી. પી. સિંહની સરકારને આપેલો ટેકો ભાજપે પાછો ખેંચ્યો હતો. તેના પરિણામ ગુજરાતની ગઠબંધન સરકાર પર પણ પડયા હતા. જો કે ભાજપનો ટેકો પાછો ખેંચાયા બાદ ચિમનભાઈ પટેલની સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો. ત્યાર બાદ ચિમનભાઈ પટેલે જનતાદળમાંથી અલગ થઈને જનતાદળ-ગુજરાત નામનો પ્રાદેશિક પક્ષ પણ સ્થાપ્યો. જો કે ચિમનભાઈ પટેલનું મુખ્યમંત્રી પદેજ અવસાન થયું અને ગુજરાતમાં જનતાદળ-ગુજરાતે વિધિવત કોંગ્રેસમાં સામેલ થવાનું નક્કી કર્યું. એટલે ગુજરાતની રાજનીતિ દ્વિધ્રુવીય બની.

દેશમાં બાબરી ધ્વંસની 6 ડિસેમ્બર, 1992ની ઘટના પછી ચાર રાજ્યોમાં ભાજપની સરકારને બરતરફ કરવાના કેન્દ્રના નિર્ણય સામે જનાક્રોશ ચરમ પર હતો. તેવામાં ભાજપના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ જમ્મુ-કાશ્મીરની શીતકાલિન રાજધાની શ્રીનગરમાં પ્રજાસત્તાક દિવસે લાલચોકમાં તિરંગો ફરકાવાના આતંકવાદીઓના પડકારને જીલ્યો. તેમણે કન્યાકુમારીથી કાશ્મીરના શ્રીનગરના લાલચોક સુધીની એકતાયાત્રા કાઢી. તે સમયે કોંગ્રેસ વિરોધી વાતાવરણ દેશભરની તાસિર બની ચુકી હતી. ગુજરાત પણ તેમાથી બાકાત ન હતું. રામજન્મભૂમિ, કાશ્મીર સહીતના હિંદુત્વવાદી તરીકે ઓળખાતા રાષ્ટ્રવાદી મુદ્દાઓ પર ગુજરાતની જનતા ભાજપની પડખે હતી. જનતાદળ-ગુજરાતનું સ્વતંત્ર અસ્તિત્વ ન હતું. તેથી હિંદુત્વની ગુજરાતમાં ચાલી રહેલી લહેરના પરિણામે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર ગાંધીનગરની ગાદીએ આવી.

1995ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કુલ વોટના 42.51 ટકા મત મળ્યા અને 121 બેઠકો પર જીત મેળવી. જ્યારે કોંગ્રેસે 32.86 ટકા મત સાથે માત્ર 45 બેઠકો પર જીત મેળવી. ભાજપને કોંગ્રેસ કરતા 9.65 ટકા મત વધારે મળ્યા. જેનાથી સ્પષ્ટ બને છે કે 1990ની ચૂંટણીમાં જનતાદળ સાથે રહેલા ઘણાં વોટ કોંગ્રેસની વિરુદ્ધ ભાજપને મળ્યા હતા. જેના પરિણામે ભાજપ કોંગ્રેસ પર સરસાઈ મેળવવામાં કામિયાબ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હિંદુત્વના પ્રચંડ મોજા સાથે ગુજરાતની ગાદીએ આવેલી ભાજપની કેશુભાઈ પટેલની સરકારને બે વર્ષમાં ઘરભેગા થવું પડયું. ભાજપના અન્ય વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ખજૂરાહો કાંડ કરાવ્યો. શંકરસિંહ દ્વારા કેશુભાઈની સરકાર સામે કરવામાં આવેલા બળવાના પરિણામે કેશુભાઈને બે વર્ષમાં જ રાજીનામું આપવું પડયું. શંકરસિંહ વાઘેલાએ ભાજપ હાઈકમાન્ડ તરફથી મળેલી શોકોઝ નોટિસને અમદાવાદમાં જાહેરમાં ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી હતી.

ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાની સરકારને કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો. જો કે શંકરસિંહની રાજપા અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાતા 1998માં ફરીથી વિધાનસભા ચૂંટણી આવી.

(3)    1998માં શંકરસિંહ વાઘેલાના બળવા સામેના લોકોના રોષે ભાજપને જીત અપાવી:

ખજૂરાહો કાંડ બાદ શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલા બળવાથી ગુજરાતની જનતામાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો હતો. તેમ છતાં ગુજરાતમાં લગભગ અઢી વર્ષ સુધી શંકરસિંહ વાઘેલાના પક્ષ રાજપાની સરકાર સત્તા પર રહી. આ સમયગાળા દરમિયાન સંઘપરિવારના સંગઠનો પ્રત્યે શંકરસિંહ વાઘેલાએ દમનચક્ર ચલાવ્યું હતું. જેના પરિણામે સંઘપરિવારની કેડર વધારે આક્રમક બની હતી. તે સમયે સંઘપરિવારની આરએસએસ અને વીએચપી સહીતની સંસ્થાઓની ગુજરાતના ગામેગામ વ્યાપક પકડ હતી. જેના પરિણામે જનમતને શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ કરવામાં ભાજપને સફળતા મળી.

ગુજરાતની જનતામાં શંકરસિંહ વાઘેલા પર હિંદુત્વવાદી આંદોલનને કમજોર કરવાનો આરોપ લાગી રહ્યો હતો. રાધનપુરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શંકરસિંહ વાઘેલાને તે સમયે શંકરઉલ્લાહખાન તરીકે ચિતરવામાં આવ્યા હતા.

જેના પરિણામે 1998ની ચૂંટણીમાં 44.81 ટકા મતો સાથે ભાજપને 117 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 34.85 ટકા મતો સાથે માત્ર 53 બેઠકો મળી હતી. જો કે શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપાને 11.68 ટકા વોટ સાથે માત્ર 4 બેઠકો મળી હતી. જો કે માનવામાં આવે છે કે રાજપાએ મોટાભાગે કોંગ્રેસ પાર્ટીના વોટ તોડયા હતા. 1998ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 9.96 ટકા મતોનું અંતર હતું. જો 1998માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને રાજપા સંયુક્ત રીતે લડયા હોત, તો પરિણામ ભાજપ માટે આટલા ગુલાબી રહ્યા ન હોત.

જો કે 1998ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના થોડા વખતમાં શંકરસિંહ વાઘેલાએ રાજપાનું કોંગ્રેસમાં વિધિવત વિલિનીકરણ કર્યું.

ઉલ્લેખનીય છે કે કેટલાંક સુધારવાદી પગલાઓ અને આમ આદમીને રાહત આપતા નિર્ણયો સંદર્ભે કેશુભાઈ પટેલ સરકારની પ્રારંભિક ગાળામાં પ્રશંસા થઈ હતી. જો કે 26 જાન્યુઆરી, 2002ના રોજ આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં રાહત અને પુનર્વસનના કામમાં મંથરતા અને ગડબડોની વાતોએ કેશુભાઈ પટેલ તરફ અણગમો શરૂ કર્યો હતો. મીડિયામાં ટીકાઓ આવવાની પણ શરૂ થઈ હતી. તેવામાં બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની હાર થતા નેતૃત્વ પરિવર્તન માટે ભાજપ હાઈકમાન્ડ અને સંઘના સર્વોચ્ચ નેતૃત્વને રજૂઆતો થવા લાગી હતી. જેના પરિણામે સંઘના દોરીસંચાર નીચે પ્રચારક એવા નરેન્દ્ર મોદીને એક્ટોબર-2001માં મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

(4)    2002ની વિધાનસભા ચૂંટણીમાં ગોધરાવેવે મોદીને હિંદુહ્રદય સમ્રાટ બનાવી જ્વલંત જીત આપી:

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા જંકશન નજીક અયોધ્યાથી આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના ત્રણ કોચ સળગાવી દેવાની ઘટના બની. સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6માં લાગેલી આગમાં અયોધ્યાથી આવી રહેલા 58 જેટલા કારસેવકો ભડથું થયા. જેના કારણે આખા ગુજરાતમાં રોષ વ્યાપી ગયો હતો. મુસ્લિમોના ટોળા દ્વારા આગચંપી થઈ હોવાના વહેતા થયેલા સમાચારો અને અફવા-અટકળો વચ્ચે રાજ્યની સ્થિતિ વિસ્ફોટક બની. ત્યાર પછીના ત્રણ દિવસ ગુજરાતના ઈતિહાસના કેટલાંક લોહિયાળ પૃષ્ઠોમાંના એક બની ગયા.

આ સમયગાળામાં મીડિયા ખાસ કરીને ન્યૂઝ ચેનલો પર નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરુદ્ધ ન્યૂઝ સ્ટોરીનો મારો ચલાવવામાં આવ્યો. તમામ ન્યૂઝ ચેનલોએ નરેન્દ્ર મોદીની અવાસ્તવિક ગણી શકાય તેવા તર્કોના આધારે ટીકાઓ કરી. જેને ગુજરાતની જનતાએ પક્ષપાતી ગણી. ગુજરાતમાં તે સમયે ન્યૂઝચેનલો અને મીડિયાના નકારાત્મક પ્રચાર વિરુદ્ધ પણ વાતાવરણ બની રહ્યું હતું. જેના પરિણામે ગુજરાતની જનતામાં નરેન્દ્ર મોદીની તારણહારની છબી ગાઢ બની રહી હતી.

ગુજરાતની ચૂંટણી વહેલી જાહેર કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગૌરવ યાત્રા કાઢી હતી. તેને ગુજરાતની જનતાએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. તમામ અટકળબાજીઓ વચ્ચે 2002ની ચૂંટણીમાં તારણહારની છબી સાથે નરેન્દ્ર મોદીએ ભાજપને જ્વલંત જીત અપાવી.

2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 49.85 ટકા વોટ સાથે 127 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39.28 ટકા મત સાથે 51 બેઠકો મળી હતી. ભાજપને કોંગ્રેસ કરતા 10.57 ટકા મત વધુ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે 1990થી થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજા ક્રમે સૌથી વધારે મતદાન 2002ની ચૂંટણીમાં થયું હતું. એટલે કે આ ચૂંટણીમાં 61.54 ટકાનું ભારે મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છેકે 2004ની લોકસભાની ચૂંટણી સુધી જનતાના હીરો બનેલા નરેન્દ્ર મોદી તેમની તથાકથિત કાર્યશૈલીના કારણ સાથે પક્ષ અને સંઘપરિવારમાં અસંતુષ્ટો તરફથી ટીકાને પાત્ર બન્યા. 2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 12 અને ભાજપને 14 બેઠકો મળી હતી. જેના કારણે નરેન્દ્ર મોદીનું તેમના વિરોધીઓ પ્રત્યેનું વલણ ઘણું કઠોર બનવા લાગ્યું. પરિણામે ભાજપમાં જ નવી ભાંજગડના મંડાણ થયા. ગોરધન ઝડફિયા ભાજપમાંથી અલગ થયા અને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી. તો કેશુભાઈ પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતાઓની સમજાવટ બાદ 2007ની વિધાનસભા ચૂંટણી વખતે પોતાને શિસ્તબદ્ધ સ્વયંસેવક ગણાવ્યા.

(5)    2007માં સોનિયા ગાંધીની મોદી માટેની મોત કા સોદાગરની ટીપ્પણીએ જીતનું શઢ મોદી તરફ ફેરવ્યું:

2002થી નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં તારણહારની છબી સાથે પ્રસ્થાપિત થઈ ચુક્યા હતા. પરંતુ તેમની કડક કાર્યશૈલીના પરિણામે કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નેતાઓની પાંખો કપાવા લાગી. જેના પરિણામે પક્ષમાં તેમની સામેના વિરોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગોરધન ઝડફિયાએ 2005માં કેબિનેટ વિસ્તરણ વખતે કેશુભાઈ પટેલ સાથે ચર્ચાવિચારણા થઈ ન હોવાથી મંત્રીપદ સ્વીકારવાનો જાહેરમાં ઈન્કાર કરીને નરેન્દ્ર મોદીને અપમાનિત અવસ્થામાં મૂકી દીધા હતા. ઝડફિયાએ ભાજપથી અલગ થઈને મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી હતી. કાશીરામ રાણા, સુરેશ મહેતા અને કેશુભાઈ પટેલ પણ મોદી વિરોધને હવા આપી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. મોદી વિરુદ્ધ થયેલા પટેલ જ્ઞાતિના સંમલનોથી બહુ મોટી અસર થાય તેવી ગણતરી ચાલી રહી હતી.

જોકે પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરના મુદ્દે મોદીનું નામ લીધા વગર તેમને મોત કા સોદાગર ગણાવ્યા. ગુજરાતની જનતામાં મોદી પ્રત્યે સહાનુભૂતિની લહેર દોડી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ સહાનુભૂતિની લહેરને વધારે ઉગ્ર બનાવવા ઝડપી અને અસરકારક પ્રચાર કર્યો.
 
જેના પરિણામે 2007માં ભાજપને 49.12 ટકા મત સાથે 117 બેઠકો મળી. કોંગ્રેસને 38 ટકા મત સાથે 59 બેઠકો મળી છે. ભાજપને કોંગ્રેસ કરતા 11.12 ટકા મત વધારે મળ્યા હતા. જો કે 33 બેઠકો એવી છે કે જેના પર ભાજપને 5 હજાર વોટ કરતા ઓછા મતથી જીત મળી હોય.

(6)    પ્રવર્તમાન પરિસ્થિતિ:

ઉલ્લેખનીય છે કે હાલમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના બગાવતી તેવરથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં ભૂકંપની હલચલ શરૂ થઈ છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ મહાગુજરાત જનતા પાર્ટી સાથે મળીને અથવા નવો પક્ષ રચીને ગુજરાતની જનતાને મોદી અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો વિકલ્પ આપવા ઈચ્છી રહ્યા છે. 24મી જુલાઈએ સૂરત ખાતેના સંમેલનમાં કેશુભાઈ પટેલ પોતાના જન્મદિવસે ત્રીજા મોરચાની જાહેરાત કરે તેવી સંભાવના છે.

કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણે અને ગોરધન ઝડફિયાના મોદી વિરોધી સૂર તીખા થઈ રહ્યા છે. કેશુભાઈ પટેલે પહેલા રાજ્યના પટેલો દસ વર્ષથી ભયભીત હોવાની વાત કરી. તેના થોડા સમય બાદ ગુજરાતમાં તમામ જ્ઞાતિના લોકો ભયભીત હોવાનું નિવેદન પણ તેમણે કર્યું. પટેલ જ્ઞાતિના સંમેલનોમાં કેશુભાઈએ મોદી સરકાર વિરુદ્ધ ઉચ્ચારણો કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. છેલ્લે દિલ્હી ખાતે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાતમાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરી હતી. તેમણે સાથે ઉમેર્યુ હતુ કે જો હાઈકમાન્ડ નેતૃત્વ પરિવર્તન નહીં કરે, તો જનતા પરિવર્તનનો માર્ગ પકડશે.

કેશુભાઈ પટેલ 6 મહાનગર સહીત ગુજરાતમાં કુલ આઠ સંમેલનો કરવાના છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચા સંદર્ભે ચર્ચાએ જોર પકડયું છે.

રાજકીય વિશ્લેષકોના માનવામાં પ્રમાણે, ગુજરાતની રાજનીતિમાં ત્રીજા મોરચાનું કોઈ વજન પડયું નથી. ચિમનભાઈ પટેલે 1975માં રચેલા કિસાનમજદૂર લોકપક્ષને 12 બેઠકો મળી હતી. રતુભાઈ દેસાઈની રાષ્ટ્રીય કોંગ્રેસ જીતી શકી ન હતી. છેલ્લે શંકરસિંહ વાઘેલાની રાજપાને પણ 1998માં માત્ર 4 બેઠકો મળી હતી. એટલે કે ગુજરાતમાં ત્રીજા મોરચાની જીતને કોઈ અવકાશ નથી.

રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે કેશુભાઈનો ત્રીજો મોરચો પોતાની જીત માટે નહીં પરંતુ મોદીના નેતૃત્વવાળા ભાજપને હરાવવા માટે છે. છેલ્લી ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સરેરાશ 10 ટકાનો તફાવત રહ્યો છે. ત્યારે તેવા સમયે કેશુભાઈ પટેલનો મોરચો 4થી 5 ટકા ભાજપના વોટ કાપવામાં કામિયાબ થઈ જાય તો ભાજપને 25થી 30 બેઠકો ગુમાવવાનો વારો આવે. તેવા સંજોગોમાં નવા સત્તા સમીકરણોને ગુજરાતમાં અવકાશ મળશે. 

શુક્રવાર, 29 જૂન, 2012

કેશુભાઈ પટેલે હિંદુત્વ વિચારધારાની દ્રષ્ટિએ મોદી કરતા સુપિરિયર સાબિત થવું પડશે

- આનંદ શુક્લ
રાજનીતિ વ્હાલા અને દવલા, માનીતા અને અણમાનીતા વચ્ચે શક્તિ સંતુલનનું તંત્ર છે. દરેક પક્ષ-સંગઠનમાં નેતાના વ્હાલા અને દવલા, માનીતા અને અણમાનીતા જૂથ-કાર્યકરો હોય છે. જ્યારે શક્તિ સંતુલન બગડે છે, ત્યારે સત્તાના સમીકરણોમાં પરિવર્તન આવે છે. વ્યક્તિપૂજા હંમેશા શક્તિ સંતુલનોને અસર પહોંચાડીને સત્તાના સમીકરણો બગાડે છે. ગુજરાતમાં હાલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કદાચ નહીં ચાહવા છતાં તેમની વ્યક્તિપૂજાનો એક દાયકો વીતી ગયો છે. ગુજરાત ભાજપના સંગઠનમાં કેશુભાઈ પટેલ સરીખા નેતાને પણ હવે લાગવા માંડયુ છે કે તેમની ઉપેક્ષા થઈ રહી છે. ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભૂતપૂર્વ કરવા માટે મોરચો ખોલી નાખ્યો છે.

આઝાદી પહેલા કોંગ્રેસ પક્ષમાં તત્કાલિન સર્વોચ્ચ નેતા ગાંધીજીની આસપાસના નેતાઓનું જબરૂ વર્ચસ્વ હતું. જેના કારણે પહેલા મહંમદ અલી ઝીણા અને ત્યાર બાદ સુભાષચંદ્ર બોઝ જેવા કદાવર નેતાઓએ કોંગ્રેસ છોડીને પોતપોતાના રસ્તા પકડવા પડયા. મહંમદ અલી ઝીણાએ મુસ્લિમ લીગના અધ્યક્ષ બનીને ભારતને તોડનારી પાકિસ્તાન ઉભું કરનારી ચળવળ ચલાવી. જ્યારે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સ્વીકારીને દ્વિતિય વિશ્વ યુદ્ધમાં અંગ્રેજો સામે જાપાની અને જર્મની સત્તાધીશોની મદદથી મોરચો ખોલ્યો હતો. ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યારે સરોજિની નાયડુએ તેમને હિંદુ-મુસ્લિમ એકતાના દૂત ગણાવ્યા હતા. પરંતુ 1947 સુધીમાં ગાંધીજીની ઉપેક્ષાના પરિણામે મુસ્લિમ લીગના અધ્યક્ષ મહંમદ અલી ઝીણા હિંદુ-મુસ્લિમ એકતાના દૂત મટીને પાકિસ્તાનના સર્જક થઈ ચુક્યા હતા. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના મતે ઝીણા સેક્યુલર હતા. અડવાણી સહીતના ઘણાં સંઘવિચારકોનું માનવુ છે કે ઝીણા ગાંધીજીની ઉપેક્ષાને કારણે મુસ્લિમ લીગ તરફ ખેંચાયા, કારણ કે ગાંધીજી ઝીણા જેવા આધુનિક અને સાક્ષર મુસ્લિમ નેતાઓની જગ્યાએ ખિલાફત આંદોલનમાં રૂઢીવાદી મુસ્લિમ નેતાગીરીને આગળ કરી રહ્યા હતા.

બીજી તરફ સુભાષચંદ્ર બોઝ ગાંધીજીના અતિઅહિંસાવાદી વિચારો સાથે સંપૂર્ણપણે અસહમત હતા. ગાંધીજીનો વ્યક્તિ તરીકે પૂર્ણ આદર કરતા હોવા છતાં સૈદ્ધાંતિક રીતે મહાત્મા સાથે સુભાષબાબુ મતભેદ ધરાવતા હતા. ગાંધીજીના ઉમેદવારને હરાવીને સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. જો કે ગાંધીજી માટે આંધળો અહોભાવ ધરાવતા નેતાઓના અસહકારપૂર્ણ વલણને કારણે સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવી પડી હતી. તેમણે ભારતની બહાર અફઘાનિસ્તાનના રસ્તે જર્મની અને જાપાન જઈને ભારતીય યુદ્ધકેદીઓની સેના તૈયાર કરીને અંગ્રેજી હકૂમત સામે જંગનું બ્યૂગલ વગાડયું હતું. આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ પોતાના હાથમાં લેતી વખતે ભારતીયોને કરાયેલા સંબોધનમાં સુભાષબાબુએ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે આદરપૂર્વક સંબોધ્યા હતા.

આમ તો ભારતની કેટલીક સદીઓથી તાસિર રહી છે કે સિદ્ધાંત અને મૂલ્યો કરતા વ્યક્તિને મહત્વ વધારે આપવામાં આવે છે. વ્યક્તિપૂજાને કારણે ભારતે ઘણું ગુમાવ્યું છે અને હજીપણ ઘણું ગુમાવી રહ્યું છે. જ્યારે વ્યક્તિપૂજા કરવામાં સમાજ આંધળો બની જાય છે, ત્યારે તે વ્યક્તિના સંમોહનમાં પોતાના હિત-અહિતને જોઈ શકતો નથી. માત્ર મુંગે મોઢે પૂજનીય વ્યક્તિનું અનુસરણ કરે જાય છે, પછી ભલે પોતાને ખાડા કે ખાઈમાં પડવું પડે.

ગુજરાત ભાજપમાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એકહથ્થુ સત્તા છેલ્લા એક દાયકાથી ચાલી રહી છે. એક રીતે જોઈએ તો ગુજરાત ભાજપમાં નરેન્દ્ર મોદીની વ્યક્તિપૂજા થઈ રહી છે. અહીં મોદીજૂથના વ્યક્તિઓએ સંગઠનનો કબજો લઈ લીધો છે. રાજકારણમાં વ્હાલાં-દવલાં, માનીતાં-અણમાનીતાં વચ્ચે શક્તિ તથા સત્તાનું સંતુલન નથી. જેને કારણે સંગઠનમાં ઘર્ષણ અને સંઘર્ષની શક્યતાઓ ઘણી વધી જાય છે. 2007માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં આવો પ્રયત્ન થયો હતો. જો કે સંઘના વરિષ્ઠ નેતાઓના પ્રયત્નોથી કેશુભાઈએ સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવક હોવાની વાત કહીને પોતાના સંઘર્ષને વિરામ આપ્યો હતો. છતાં સત્તા-શક્તિનું સંતુલન નહીં જળવાતા ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ભાજપમાં નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ છે.

ગુજરાતમાં ભાજપને પોતાના લોહીપાણીથી પોષનારા વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે 2007 પછી ઘણાં લાંબા સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ ખુલ્લેઆમ આક્રમકશૈલીમાં અણગમો વ્યક્ત કર્યો છે. પહેલા કેશુભાઈ પટેલે સૂરત ખાતેના સંમેલનમાં ગુજરાતમાં એક દશકાથી પટેલો ભયભીત હોવાનું નિવેદન આપ્યું. તેના થોડા સમય બાદ તેમણે કહ્યુ કે રાજ્યના બધાં સમાજના લોકો ભયભીત છે. ગુજરાતમાં પટેલ સંમેલનોનો તબક્કો ચાલ્યો. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પટેલ નેતાઓને સાઈડલાઈન કરાયા હોવાની પ્રત્યક્ષ અને પરોક્ષ ચર્ચા પણ ઉભરી. કેશુભાઈ પટેલે રોહિત સમાજના સંમેલનમાં પણ મોદીને નિશાના પર લીધા. કેશુભાઈ પટેલ સાથે મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ દરેક મંચ પર દેખાવા લાગ્યા.

કેશુભાઈ સાથે મોદી વિરોધી ગણાતા સુરેશ મહેતા, કાશીરામ રાણા સહીતના નેતાઓ જોડાવા લાગ્યા. કેશુભાઈ તાજેતરમાં દિલ્હી ખાતે ભાજપના કેન્દ્રીય નેતાઓને મળ્યા અને ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને હટાવીને નેતૃત્વ પરિવર્તન કરવાની રજૂઆતો કરી. કેશુભાઈએ પોતાની રજૂઆતમાં મોદી સામેના વાંધા રજૂ કરતો 10 પાનાનો પત્ર પણ રજૂ કર્યો. તેમણે ભાજપના નેતાઓને એમ પણ કહ્યુ છે કે જો તેઓ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરશે નહીં, તો જનતા પરિવર્તન માટે મજબૂર બનશે. કેશુભાઈ પટેલે એક અગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે મોદીને વડાપ્રધાન બનાવો પણ ગુજરાતમાંથી હટાવો. ગુજરાતની પ્રજા મોદીથી થાકી ગઈ છે. મુલાકાતમાં કેશુભાઈએ મુખ્યમંત્રી બનવાનો અથવા કોઈ પદ સ્વીકારવાનો ઈરાદો હોવાના સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે.

કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમાજ અને ખાસ કરીને લેઉવા પાટીદારો મોદી વિરુદ્ધ ઘરી ઉભી કરે તેવી શક્યતા દેખાય રહી છે. 2001ના ઓક્ટોબર માસમાં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે તેઓ પોતાને હિંદુ નેતા તરીકે જ ઓળખાવા માંગતા હતા. પોતાને બક્ષીપંચના નેતા તરીકે ઓળખાવા બાબતે તેમને સખત અણગમો હતો. જો કે પરિસ્થિતિ બદલાતા તેમને પણ પોતે બક્ષીપંચના બેટા હોવાની વાત કહેવી પડી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, મોદીએ પોતાના શાસનમાં પટેલ સમાજના પોતાની વિરુદ્ધના મજબૂત નેતાઓનો રાજકીય આંકડો કાઢી નાખ્યો છે. જેની સામે મોદીએ નવી પટેલ નેતાગીરીને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. જો કે વિશ્લેષકોના મતે સામાજિક રીતે સક્રિય રાજનેતાઓના નવા વિકલ્પ ઘણાં સીમિત હોય છે. જાણકારોનું માનીએ તો મોદીના શાસનમાં ભૂતકાળની પ્રભાવી બ્રાહ્મણ અને પટેલ લોબીને ગણતરીપૂર્વક શાસનથી દૂર રાખવામાં આવી છે. તેની સામે ગુજરાતના 24 ટકા પટેલ સમુદાયના વોટરોને એકજૂથ કરવા માટે પટેલ સમાજના નેતાઓ વિવિધસ્તરે પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્નની અંતિમ રણનીતિના ભાગરૂપે કેશુભાઈ પટેલ ખુલીને મોદી વિરુદ્ધ બહાર આવી ગયા છે.

અખબારોના અહેવાલો પ્રમાણે, કેશુભાઈ પટેલ પોતાના ખૂનપસીનાથી સિંચેલા ભાજપને છોડીને નવી પાર્ટી બનાવે અથવા તો મહાગુજરાત જનતા પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ વહેતી થઈ છે. જો કે આનો જવાબ ભવિષ્યના ગર્ભમાં જ છુપાયેલો છે. તેથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોવી જ યોગ્ય રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેની ભાજપની પ્રદેશ કારોબારીમાં ગુજરાતમાં જ્ઞાતિવાદી રાજકારણ સંદર્ભે કેશુભાઈનું નામ લીધા વગર બિહાર-યૂપીની સ્થિતિ માટે ત્યાંનું જ્ઞાતિવાદી રાજકારણ જવાબદાર હોવાનું નિવેદન કર્યુ હતુ. જેનો રાષ્ટ્રીય સ્તરે ભડકો થયો અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સામા નિવેદનો કર્યા. પરંતુ સવાલ એ છે કે ગુજરાતમાં શું જ્ઞાતિવાદી રાજકારણ છેલ્લા દોઢ દાયકામાં દૂર થયું છે? ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં રાજકીય પક્ષો ટિકિટ વહેંચણી વખતે જે-તે બેઠકના જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખે છે. રામજન્મભૂમિ આંદોલન વખતે પણ યૂપીમાં જ્યારે ભાજપે લોકસભાની 60 બેઠકો કબજે કરી હતી, ત્યારે પણ ટિકિટની વહેંચણી જ્ઞાતિના આધારે જ કરી હતી. ગુજરાતમાં 1989થી લઈને 2007 સુધીની વિધાનસભા ચૂંટણીમાં દર વખતે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે. તો શું આ જ્ઞાતિવાદી રાજકારણ ન કહેવાય?

ગુજરાતમાં ઝીણાભાઈ દરજી અને માધવસિંહ સોલંકી જેવા કોંગ્રેસી નેતાઓના વખતે પટેલ પાવરને ગુજરાતના રાજકારણમાંથી દૂર કરવા માટે ખામ થિયરીની રચના કરીને અમલીકરણ કરવામાં આવ્યું હતું. ખામ (KHAM)) થિયરી એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ મતદારોના મત મેળવીને સત્તા કબજે કરવાના સમીકરણો ઉભા કરવા. ગુજરાતમાં ક્ષત્રિય 24 ટકા, આદિવાસી 12 ટકા, હરિજન 14 ટકા અને મુસ્લિમો 9 ટકા છે. ખામ થિયરીને કારણે ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રી આવવો ઘણી અઘરી વાત બની ગઈ હતી. જો કે કોંગ્રેસ સામેના રોષને કારણે ખામ થિયરીના સમીકરણો અસંતુલિત બનતા અને પટેલ સમુદાયના વોટ જનતાદળ અને ભાજપ તરફ જતાં ચિમનભાઈ પટેલ 1990માં મુખ્યમંત્રી બન્યા. ત્યાર બાદ કેશુભાઈ પટેલ પણ મુખ્યમંત્રી બન્યા. ઓક્ટોબર-2001માં કેશુભાઈ પટેલને હટાવીને નરેન્દ્ર મોદી સંઘના આશીર્વાદથી મુખ્યમંત્રી બન્યા, તો ફરીથી સ્થાપિત થઈ ચુકેલા પટેલ પાવરના હટાવવા માટે પ્રયત્ન થવા લાગ્યા. જેના માટે કેશુભાઈ પટેલ જેવા સ્થાપિત નેતાઓથી માંડીને ગોરધન ઝડફિયા સુધીના નેતાઓને પાર્ટીમાં કોરાણે મૂકવાની શરૂઆત થઈ. જેના પરિણામે ઝડફિયાએ ભાજપ છોડીને મહાગુજરાત પાર્ટીની રચના કરી. જો કે તેમને હજીસુધી ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવતા નથી.

પરંતુ કેશુભાઈ પટેલ દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલો મોદી વિરોધી મોરચો કાર્યરત થતા મહાગુજરાત પાર્ટી માટે રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સામે આવવાની તકો વધી ગઈ છે. ગુજરાતની 40થી 45 બેઠકો પર પટેલ સમુદાયનો પ્રભાવ છે. આ સિવાય ઘણી બેઠકો પર પટેલ સમુદાયના થોકબંધ વોટ છે. જેને કારણે કેશુભાઈ દ્વારા પાર્ટી છોડવાની સ્થિતિમાં પટેલ વોટ મોદી વિરોધી વોટમાં રૂપાંતરીત થાય તેવી શક્યતા વધી જાય છે. કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે, મહાગુજરાત જનતા પાર્ટી કેટલીક બેઠકો પર જીતે તેના કરતા ભાજપની 25-30 બેઠકો કાપે તેવી શક્યતા વધારે છે. તેવી સ્થિતિમાં ભાજપ માટે 151 બેઠકો લાવવાનું લક્ષ્ય અઘરું બનશે.

પરંતુ ગુજરાત રામજન્મભૂમિ આંદોલનની શરૂઆતથી ડાર્ક હિંદુત્વનો ગઢ રહ્યું છે. ગુજરાતમાં હિંદુત્વના મોજા નીચે જ્ઞાતિવાદ પ્રભાવી હોવા છતાં પ્રછન્ન થઈ જાય છે. પરંતુ હાલ આવું કોઈ મોજું દેખાતું નથી જેના કારણે 2012ની ચૂંટણી 2002 પછીની વિધાનસભાની ચૂંટણીઓ બાદની પહેલી ચૂંટણી હશે કે જેમાં મતદારો ઉમેદવારને જોઈને વોટિંગ કરશે. એટલે કે દરેક પાર્ટી માટે મજબૂત ઉમેદવાર જરૂરી બની જશે.

જો કે કેશુભાઈ પટેલની તમામ રાજકીય કવાયતો રાજ્યમાં પટેલ મુખ્યમંત્રી લાવવાની રહેશે, તો તેમની સફળતા માટે શંકા ઉપજવી સ્વાભાવિક છે. એક તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત દેશમાં હિંદુત્વવાદી વડાપ્રધાન કેમ ન બનવા જોઈએ? તેમ કહેતા હોય અને બીજી તરફ ગુજરાતમાં પટેલ મુખ્યમંત્રીની ચળવળ ચાલશે તો તેનાથી સૌથી મોટું નુકસાન સંઘપરિવારની હિંદુત્વાદી ચળવળને જ પહોંચશે. આવી સ્થિતિમાં કેશુભાઈ પટેલે શંકરસિંહ વાઘેલા બનવાથી બચવું પડશે. ભૂતકાળમાં ખજૂરાહો કાંડ વખતે હિંદુત્વના મુદ્દા પર સંઘ પરિવારે શંકરસિંહ વાઘેલા સામે કેશુભાઈ પટેલને સાથ આપ્યો હતો. હવે જ્યારે પરિસ્થિતિ કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી વચ્ચેના ઘર્ષણની છે. તો તેવા સમયે વિચારધારાની દ્રષ્ટિએ કેશુભાઈ પટેલનો મોરચો નરેન્દ્ર મોદીની સામે સુપિરિયર છે, તેવું પણ સાબિત કરવું પડશે. આમ થશે તો સંઘ પરિવારની સાથે લોકોનો ટેકો તેમને આપોઆપ મળી જશે.


શનિવાર, 23 જૂન, 2012

હિંદુત્વ: સાવરકર, સંઘ અને મોદી

-આનંદ શુક્લ

હિંદુત્વ ફરીથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતીશ કુમારને જવાબ આપતા કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન હિંદુત્વવાદી નેતા કેમ બની શકે નહીં? નીતીશ કુમારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ધર્મનિરપેક્ષ છબી ધરાવતા હોવા જોઈએ. નીતીશ કુમારનો સ્પષ્ટ ઈશારો તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની મહત્વકાંક્ષામાં અડચણ ઉભી કરવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની લોકછબી હિંદુત્વવાદી છે. 2002ના ગુજરાત રમખાણોને કારણે તેમની છબીને કોમવાદી પણ ગણવામાં આવી છે. અવાર-નવાર ભાજપની અંદરના અને બહારના રાજકીય નેતાઓ દ્વારા મોદીની કોમવાદી છબીને ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીને ગુજરાત સુધી સીમિત રાખવામાં 2002ના રમખાણોના કલંકિત પૃષ્ઠોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીને મુસ્લિમ વિરોધી હિંદુત્વવાદી નેતા તરીકે પ્રચારીત કરવામાં આવે છે.

પરંતુ જ્યાં સુધી હિંદુત્વનો સવાલ છે, તે કોઈની પ્રતિક્રિયામાં ઉભી થયેલી વિચારધારા નથી. સનાતન સંસ્કૃતિના ગર્ભમાંથી દેશની ઓળખ અને અસ્તિત્વ માટે ઉભી થયેલી વિચારધારા હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ ઉપાસના પદ્ધતિ અથવા પંથની ઓળખ સુધી સીમિત નથી. તેમાં ભારતની બહુમતી હિંદુ પ્રજાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક જેવાં તમામ પાસાંઓનો સમાવેશ કરતા ભાવ અને લાગણીઓનું નામ હિંદુત્વ છે. હિંદુત્વની વિચારધારાનું ઉદ્ગમસ્થાન વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, ઉપનિષદો અને પુરાણ છે. શિવ, રામ, કૃષ્ણ તેના આદ્યદેવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ,મહારાજા રણજીતસિંહ, મહારાષ્ટ્રની પેશ્વાઈ તમામ હિંદુત્વની અવિરત વિચારધારામાં આવેલા ઘાટ છે.

હિંદુત્વની વિચારધારાને સૌથી પહેલી આધુનિક ઓળખ વિનાયક દામોદર સાવરકરે 1923માં આપી. વીર સાવરકર તરીકે ઓળખાતા વી. ડી. સાવરકરે પોતાના જેલમાંથી લખાયેલા હિંદુત્વ નામના પુસ્તકમાં હિંદુની વ્યાખ્યા સ્પષ્ટ કરીને હિંદુત્વની વિચારધારા લોકો સામે મૂકી. હિંદુ નામ ભારતીયોને 8મી સદીની આસપાસ મળ્યું. ઈરાની અને અરબી લોકોએ સિંધુ પાર રહેતા લોકોને શબ્દ ઉચ્ચારણની મર્યાદાને કારણે આપણને હિંદુ તરીકે ઓળખ્યા. મોટાભાગે નામ પારકા પાડતા હોય છે. પરંતુ આ નામ આપણી ઓળખ બની જાય છે. હિંદુ શબ્દોના કેટલીક ઉર્દૂ ડિક્શનેરીમાં ઉતરતા અર્થો કરવામાં આવ્યા છે. તેમ છતા આપણે ભારતના સનાતન ધર્મીઓએ હિંદુ શબ્દને આપણી ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવથી માથે ઓઢી રાખ્યો છે. વીર સાવરકરની હિંદુની વ્યાખ્યા પ્રમાણે, ભારતને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ માનનારા તમામ લોકો હિંદુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર સાવરકરની હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યા સાથે સંપૂર્ણપણે સહમત હતા. 1923માં હિંદુત્વ પુસ્તકની નકલ જેલમાંથી બહાર આવી, ત્યારે તેને હેડગેવારે લોકોમાં ગુપ્તરાહે પ્રચારીત પણ કરી હતી. જો કે 1925થી સંઘની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યામાં ઘણી નરમાશ આવી ગઈ છે. સાવરકર જેવી ધારદાર વાત હવે આરએસએસની વ્યાખ્યાઓમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે આસિન થયા બાદ મોહન ભાગવતે ખુદ કહ્યુ છે કે જે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે તમામ હિંદુ છે. હિંદુની વ્યાખ્યાનું સરળીકરણ થયું. હિંદુમાં ભારતીય મૂળના ન હોય તેવા ધર્મના અનુયાયીઓને પણ હિંદુ માનવા માટેના તર્કો દાખલ કરવામાં આવ્યા. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા સાવરકરની મૂળ હિંદુત્વની વિચારધારા કરતા ઘણી નરમ બની ગઈ છે.

સંઘને નખશિખ હિંદુત્વવાદી ગણવામાં આવે છે. પરંતુ જે હિંદુત્વના વિચારની ધારાની ઓળખ સાવરકરે કરી હતી તેનાથી તે હવે યોજનો દૂર પહોંચી ગઈ છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ પણ બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પોતાની સાથે હોવાની વાત પણ હિંદુત્વની વિચારધારાના ઝંડાધારીઓ અવાર-નવાર કરતા રહે છે. સેક્યુલર વિચારધારાના આક્રમણોમાં સંઘનું હિંદુત્વ કોકટેલ બની ગયું છે. તેના પર સેક્યુલર પ્રભાવ સ્પષ્ટ જોવામાં આવે છે. સંઘના કેટલાંક વિચારકોના મતે, ભારતમાં રહેનારા દરેક લોકો હિંદુ છે, જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પંથના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે, એવું લાગ્યા વગર રહે નહીં કે તેઓ કેટલાંક પ્રચલિત શબ્દોના સ્થાને હિંદુ શબ્દનો ઉપયોગ માત્ર કરવા માંગે છે. આમ હિંદુત્વનો મૂળ સાવરકર દ્વારા ઓળખ પામેલો વિચાર સંઘના વિચારકોએ તબક્કાવાર નરમ કરી દીધો છે. કેટલાંક સંઘ વિચારકોના મતે સાવરકર પ્રવર્તમાન ભારતમાં પ્રસ્તુત નથી. તેમને સાવરકરના નામ અને વિચારોની એલર્જી પણ છે.

જ્યારે હિંદુત્વના વિચારોને વિચારધારાત્મક સંગઠનોની બહાર રહેલા લોકો એક સંકુચિત ધાર્મિક વિચાર માત્ર ગણે છે. હિંદુત્વવાદી એટલે કટ્ટર ધાર્મિક, મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધી, કોમવાદી, હુલ્લડખોર. દેશમાં રામજન્મભૂમિ આંદોલન અને બાબરી ધ્વંસ બાદ હિંદુત્વવાદીની આવી છબીને કોંગ્રેસી અને તથાકથિત સેક્યુલર રાજકારણીઓએ મીડિયાની મદદથી વધારે દ્રઢ બનાવી. તેમાં 2002ની ગોધરકાંડની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોને પણ હિંદુત્વની વિચારધારા સાથે જોડવામાં આવ્યા. જો કે હકીકત એવી છે કે દેશમાં થતા હુલ્લડોને હિંદુત્વના વિચાર સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. આ દેશમાં કોમી રમખાણોનો એક ઘણો મોટો અને વિકરાળ ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ સાવરકરના પુસ્તક હિંદુત્વના પ્રકાશન પહેલાથી ચાલ્યો આવે છે. હિંદુત્વવાદી ગણાતી સરકારોના કાર્યકાળ કરતા વધારે રમખાણો પોતાને સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસના કાર્યકાળમાં થયા છે. એટલે કે હિંદુત્વના વિચાર અને કોમી રમખાણોને કોઈ લેવાદેવા નથી. કોમી રમખાણો માટે તુષ્ટિકરણની સરકારી નીતિ હંમેશા કારણભૂત રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હિંદુત્વના સાચા અર્થને જાણતા નથી. તેમના મતે હિંદુત્વ કોમવાદી, સંકુચિત, મુસ્લિમ વિરોધી વિચાર છે.

પરંતુ તથાકથિત ધર્મનિરપેક્ષો અહીં ગોથું ખાઈ જાય છે. હિંદુત્વ આ દેશનો આત્મા છે. આ દેશના સમાજજીવનમાંથી હિંદુવિચારને બહાર કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ જ બચતું નથી. આ દેશની ઉદારતાનું પણ એક મોટું કારણ અહીંની હિંદુ બહુમતી છે. દેશના ભાગલા પડયા અને પાકિસ્તાન-બાંગ્લાદેશ નામના બે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓની હાલત અત્યંત કફોડી છે. જેના માટે સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારી ઈસ્લામિક વિચારધારા છે. જ્યારે હિંદુ બહુમતી ધરાવતા ધર્મનિરપેક્ષ ભારતમાં મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ સેક્યુલરવાદના નામે પૂરજોર ચાલી રહી છે. આને હિંદુઓની ઉદારતા કરતાં તેમની કમજોરી અને નાસમજ ગણવી વધારે યોગ્ય છે. પોતાના હક છોડવાએ ઉદારતા નથી, પરંતુ અસ્તિત્વ અને ઓળખ સામેનું મહાસંકટ છે. ભારતમાં હિંદુઓએ પોતાના આર્થિક, શૈક્ષણિક, રોજી-રોટીના હકો તથાકથિત સેક્યુલર રાજનીતિમાં છોડી દીધા છે અથવા છોડવા માટે મજબૂર બનવું પડયું છે. હવે રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર પણ મુસ્લિમ અને ખ્રિસ્તી તરફી રાજકારણીઓની નજર છે. હિંદુઓ પોતાના હક છોડે તે ઉદારતા નથી. ઉદારતા એને કહેવાય કે પોતાના હક જાળવીને બીજાના અધિકારો પર તરાપ ન મારવી. જો કે મુસ્લિમ-ખ્રિસ્તીના અધિકારો જાળવવા માટે ભારતની સરકારો હિંદુઓના અધિકારો પર તરાપ મારતી હંમેશા નજરે પડી છે. હિંદુત્વ આ દેશની જીવનપદ્ધતિ હોવાની વાત ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહી છે. જીવનપદ્ધતિ હંમેશા પંથનિરપેક્ષ હોય છે. જીવનપદ્ધતિ કોમવાદી ને સંકુચિત હોતી નથી. જીવનપદ્ધતિ કોઈના વિરોધમાં ઉભી થતી નથી. માટે હિંદુત્વની જીવનપદ્ધતિ મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી.

પરંતુ હવે સવાલ એ છે કે મોદી ઉપરોક્ત ક્યાં ત્રણ પ્રકારના હિંદુત્વમાંથી ક્યાં પ્રવાહને અનુસરી રહ્યા છે? મોદીનું હિંદુત્વ મૂળ સનાતની વિચાર પર રચાયેલું સાવરકરનું હિંદુત્વ છે કે સંઘનું નરમ કરી દેવાયેલું હિંદુત્વ છે અથવા હિંદુત્વ એટલે કોમવાદી એવી છાપ ધરાવતું હિંદુત્વ છે? હિંદુત્વની વિચારધારામાં ગોહત્યા ઘણો મોટો મોટો મુદ્દો રહ્યો છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ગોહત્યાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. જો ગુજરાતમાં ગોહત્યાઓ થતી હોય, તો મોદીના શાસનને હિંદુત્વવાદી કેવી રીતે ગણવું? ગુજરાતમાં 250 જેટલા મંદિરો મોદી સરકારે તોડાવી નખાવ્યા. મોદીને વીએચપીના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે ગઝની સાથે સરખાવ્યા. નિરીક્ષક નામના વિચારપત્રમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથેની વ્યક્તિગત ચર્ચાને ટાંકીને લખ્યુ છે કે મોદીના શાસનમાં સૌથી વધારે હિંદુ મંદિરો તૂટયા, છતાં મોદીને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. ગુજરાતામાં મુસ્લિમ ધાર્મિક સ્થાનોને આ સરકારે ઉની આંચ પણ આવવા દીધી નથી. ગુજરાતમાં હિંદુઓ સુખી હોય કે ન હોય પણ સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે રાજ્યના મુસ્લિમો દેશમાં સૌથી વધારે સુખી હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. હિંદુ તીર્થસ્થાનોની યાત્રામાં ક્વોટા સંદર્ભે મોદી સરકાર ચિંતિત નથી, તેટલી ચિંતિત હજયાત્રાના ક્વોટા માટે ચિંતિત છે. ભારતમાં ક્રિકેટ જોવા આવતા પાકિસ્તાનીઓને અજમેરની યાત્રા કરાવવાની ભાવના ગુજરાતના હિંદુત્વવાદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. રાજ્યમાં ગોચરની જમીનો ખતમ કરવા માટે પણ મોદી સરકાર સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન સંદર્ભેના રાજ્યસ્તરના રેકોર્ડો 2006-07 બાદ હજીસુધી ઉપલબ્ધ નથી. જેના લીધે ખેતીલાયક, બિનખેતીલાયક, વન્ય અને ગોચરની જમીનના આંકડા હાલ અધ્ધરતાલ જ છે.

આમ જોવો તો મોદીનું હિંદુત્વ માત્ર ગુજરાતની ગાદી પર પહોંચીને ટકવા માટેનું તકવાદી હિંદુત્વ છે. ગાંધીનગરથી દિલ્હી જવામાં હિંદુત્વ નડતું હોવાથી મોદીએ સદભાવના મિશન કરીને પોતાની સેક્યુલર છબી બનાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમા તેઓ નિષ્ફળ ગયા છે. નીતીશ કુમાર સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓએ મોદીના સેક્યુલર ગિલેટને નકારી કાઢયો છે. હાલ એનડીએ તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેડીયૂ ધર્મનિરપેક્ષતાના મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. એટલે કે ભાજપ મોદી સાથે આગળ વધશે તો તેમને જેડીયૂનો સેક્યુલર સાથ મળશે નહીં. તેવા સંજોગોમાં એનડીએમાં ભાજપ, શિવસેના અને અકાલીદળ એમ ત્રણ પક્ષો જ બચશે. ભાજપ ફરીથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીને આગળ કરીને હિંદુત્વનો વંટોળ જગાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ તેમાં તેમને ફરી વખત જનતાને છેતરવામાં સફળતા મળશે કે કેમ તેના વિશે વિશ્લેષકોને શંકા છે. હાલ હિંદુત્વનું દોઢ દાયકા પહેલા ઉઠેલું મોજું શાંત છે. એવી કોઈ હિંદુત્વની લહેર નથી કે લોકો ફરીથી આંદોલિત થાય. તેમ છતાં ભાજપ મોદીને આગળ કરીને હિંદુત્વના મુદ્દે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે, તો ત્યાર પછી તેમને ગઠબંધન બનાવતી વખતે હિંદુત્વના મુદ્દા કોરાણે જ મૂકવા પડશે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એક વખત જનતાની ભાવનાને છેહ આપશે.

ગુરુવાર, 21 જૂન, 2012

એનડીએ તૂટી જશે?:'હિંદુત્વવાદી' મોદીની ઈમેજ પર નીતીશ કુમારનું રાજકારણ

-આનંદ શુક્લ

એનડીએમાં હાલની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ઉમેદવારની ચર્ચા ઓછી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવારની ચર્ચા વધારે થઈ રહી છે. ગુજરાતમાં 2012ના આખરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. ગુજરાતમાં હાલની પરિસ્થિતિ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને અન્ય અસંતુષ્ટોની વિરોધમાં સક્રિય થયેલી રાજકીય ધરીથી નરેન્દ્ર મોદી માટે ગત વિધાનસભા ચૂંટણીઓ જેવી સરળ પરિસ્થિતિ નથી. કેશુભાઈ પટેલના ગઢ રાજકોટની કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાતિવાદી રાજકારણ પર નિશાન સાધવા માટે નીતીશ કુમારના બિહાર પર ટીપ્પણી કરી હતી. નરેન્દ્ર મોદીએ કેશુભાઈ અને અન્ય અસંતુષ્ટો દ્વારા ચલાવવામાં આવતા પટેલ અને અન્ય જ્ઞાતિઓના સંમેલનો પર નિશાન સાધવા બિહાર અને યૂપીના જાતિવાદી રાજકારણનો દાખલો આપીને તેને તેમની દુર્દશા માટે જવાબદાર ઠેરવ્યા હતા.

પરંતુ તેના કારણે ત્રણ વર્ષ પહેલા અંગારા નીચે ધરબાયેલી મોદી વિરોધી આગ બિહાર ખાતેથી ફરીથી ભભૂકી ઉઠી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને છેલ્લા કેટલાંક સમયથી નિવેદનો આપવાના શરૂ કર્યા છે. તેમણે કહ્યુ છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા વ્યક્તિ હોવા જોઈએ. નીતીશ કુમારની પાર્ટી જેડી-યૂ સેક્યુલર છબીવાળા વડાપ્રધાનપદના ઉમેદવાર સંદર્ભે કોઈપણ જાતની સમજૂતી કરવા માટે તૈયાર નથી. તેના માટે તેઓ 1997થી ભાજપ સાથેના પોતાના ગઠબંધનનું બલિદાન આપવા માટે પણ તૈયાર છે. જેડીયૂના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યુ છે કે બિહારની સરકાર સત્તામાં રહે કે ન રહે, પરંતુ ધર્મનિરપેક્ષતાના મુદ્દે તેમની પાર્ટી કોઈ સમજૂતી કરશે નહીં.

ભાજપમાં મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ઘટેલા રાજકીય ઘટનાક્રમ પરથી એવો સંદેશ જાય છે કે પાર્ટીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવાનું મન બનાવી લીધું છે. જો કે સંજય જોશી પ્રકરણ બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં મોદીનું નામ લીધા વગર ટીકા કરવામાં આવી. પાંચજન્યમાં સંઘના વરિષ્ઠ વિચારક દેવેન્દ્ર સ્વરૂપે મોદીની સંગઠનાત્મક ક્ષમતા પર સવાલ ઉભા કર્યા. ત્યારે બિહારમાંથી પણ એક અવાજ ઉઠયો હતો કે પાર્ટીને કોઈ હાઈજેક કરી શકે નહીં. આ અવાજ હતો બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીનો. ભાજપમાં પ્રદેશ સ્તરથી માંડીને રાષ્ટ્રીય સ્તરે મોદી તરફી અને મોદી વિરોધી જૂથ હોવાનું કોઈનાથી હવે છુપું નથી. મોદી તરફી જૂથ મોદીને કોઈપણ ભોગે વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાવવા માટે તત્પર છે. જ્યારે મોદી વિરોધી જૂથ મોદીના 2002ના ગુજરાત રમખાણોના કલંકિત ઈતિહાસ પૃષ્ઠને આગળ કરીને તેમના રાજકીય ઈરાદાઓ ધરાશાયી કરવાનો પ્રયત્ન કરે છે.

એનડીએમાં જેડીયૂના નીતીશ કુમાર સાથે ભાજપના મોદી વિરોધી જૂથને ખાસો ધરોબો છે. નીતીશ કુમારે તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર સેક્યુલર છબીવાળા હોવા જોઈએ. આ મુલાકાતમાં નીતીશ કુમારે મોદીનું નામ તો લીધુ નથી. પરંતુ સમીક્ષકોના માનવા પ્રમાણે, નિવેદન નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચાલી રહેલી રાજકીય ઉઠાપઠક અને કવાયત સામે છે. નીતીશ કુમારને નરેન્દ્ર મોદીના વિરોધી ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સૌથી મોટી રાજકીય અડચણ પણ નીતીશ કુમારને ગણવામાં આવે છે. કોસી નદીમાં આવેલા વિનાશક પૂર વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાની મદદ કરી હતી. બિહારમાં રાષ્ટ્રીય કારોબારી વખતે મોદીની મુલાકાતના ટાણે અખબારોમાં આની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મોદી અને નીતીશ કુમારની સાથે તસવીર પણ પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ બિહારમાં ટાંકણે વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે નીતીશ કુમાર મુસ્લિમ વોટબેંકને લઈને ખાસા સતર્ક હતા. તેમણે તાત્કાલિક મોદી સરકારને બિહારને આપવામાં આવેલી પાંચ કરોડ રૂપિયાની મદદ પાછી આપી. ભાજપની કારોબારીમાં આવેલા નેતાઓ માટેનો રાત્રિભોજનનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો. જેને નરેન્દ્ર મોદીની હાજરી સાથે જોડીને જોવામાં આવ્યો.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર ચૂંટણી પ્રચારક નરેન્દ્ર મોદીને દૂર રાખવામાં આવ્યા. જેનું સીધું કારણ નરેન્દ્ર મોદી માટે નીતીશ કુમારનો અણગમો હતો. જો કે જાણકારોના માનવા પ્રમાણે, મોદી અને નીતીશ વચ્ચેના સંબંધો 2010 બાદ જ બગડયા. વાજપેયી સરકારમાં 2002ના ગુજરાત રમખાણો બાદ પણ કેન્દ્રીય મંત્રી તરીકે નીતીશ કુમારે ઘણી વખત રાજ્યની મુલાકાત લીધી છે અને મોદી સાથે મંચ પર પણ બેઠા છે. સમીક્ષકો પ્રમાણે, મોદીનું હિંદુત્વ અને નીતીશ કુમારનો સેક્યુલરવાદ બંને તકવાદી છે. મોદીને જ્યાં સુધી હિંદુત્વની મદદથી ગુજરાતની ગાદી પર બેસવામાં મદદ મળતી હતી, ત્યાં સુધી તેના એજન્ડાને આગલ વધાર્યા. જ્યારે તેમને વડાપ્રધાનપદે પહોંચવાની રાજકીય મહત્વાકાંક્ષામાં હિંદુત્વ અડચણ લાગવા લાગ્યું, તો તેમણે સદભાવના મિશન હેઠળ ઉપવાસો કર્યા. પોતાની રાજકીય ઈમેજ બદલવા માટે પુરજોર કોશિશ કરી. જ્યારે નીતીશ કુમારે ગુજરાત રમખાણો બાદ મોદી સરકારને બરખાસ્ત નહીં કરવાના મુદ્દે વાજપેયીની સરકારના મંત્રીપદનું બલિદાન આપ્યું ન હતું. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે 2002ની ઘટનાઓ બાદ પણ મંચ ઘણી વખત બેઠાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના 16 ટકા મુસ્લિમ મતોને નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને કારણ બનાવીને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરી.

નીતીશ કુમારના મોદી સામેના મનાતા નિવેદન મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જવાબ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યુ છે કે કોઈ હિંદુત્વવાદી ભારતના વડાપ્રધાન કેમ બની શકે નહીં? જો કે તેમણે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે મોદીની દાવેદારીના ટેકામાં સંઘ ખુલીને સામે આવી ગયો છે. ભાજપે પણ સંઘના સૂરમાં સૂર મિલાવતા જેડીયૂ પર હુમલો કરતા કહ્યું છે કે પાર્ટીને કોના સર્ટિફિકેટની જરૂરત નથી. અહીં મુદ્દો છે કે ભારતમાં 82 ટકા હિંદુ વસ્તી છે. હિંદુત્વ ભારતની જીવન પદ્ધતિ છે. આ તથ્યને સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. ભારતની ધર્મપરાયણ પ્રજાને ધર્મનિરપેક્ષ બનાવવી હકીકતમાં પાપ છે. ધર્મ ભારતના અસ્તિત્વની મુખ્ય ધરી છે. ભારતમાં સંપ્રદાય-પંથ નિરપેક્ષતા આવે તે જરૂરી છે. પરંતુ ભારત ધર્મનિરપેક્ષ બની શકે નહીં. હિંદુત્વ જીવન પદ્ધતિ હોવાને કારણે આપમેળે જ તે સેક્યુલર છે. ત્યારે દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બનાવવા માટે રાજકીય પાર્ટીના નેતાઓ ઉંબાડિયા કરતા રહે છે. પરંતુ હિંદુત્વના નામ પર દેશના વડાપ્રધાન બનવા જોઈએ નહીં તેમ કહેનારા નેતાઓની અહીં ભરમાર છે. દેશમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બને, સેનાધ્યક્ષ બને, મુખ્ય ન્યાયાધીશ બને, અરે વડાપ્રધાન બનવાનું વ્યક્તિત્વ ધરાવનારો મુસ્લિમ વડાપ્રધાન બને તો પણ કોઈને વાંધો નથી. તો હિંદુત્વવાદી વ્યક્તિના વડાપ્રધાન બનવા બાબતે વાંધો શા માટે ઉઠાવવામાં આવે છે?

જો કે સમગ્ર રાજકીય ઘટનાક્રમનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે નીતીશ કુમાર હાલ ભલે વડાપ્રધાનપદની દાવેદારી રજૂ કરતા ન હોય. પરંતુ તેમની ધરબાયેલી રાજકીય મહત્વકાંક્ષા જોર મારી રહી છે. ગુજરાત રમખાણો બાદ રાજ્યમાં મોદીના શાસન નીચે વિકાસ યાત્રા થઈ. કેટલાંક સર્વેમાં ગુજરાતના વિકાસને અવ્વલ દરજ્જાનો ગણાવવામાં આવ્યો. મોદી વિરોધીઓએ ગુજરાત રમખાણોની ચર્ચા કરી અને મોદીએ વિકાસના કામો કર્યા હોવાની છાપ પણ હાલ પ્રવર્તી રહી છે. બિહારના મુખ્યમંત્રી બનતા પહેલા નીતીશ કુમારે મોદી સંદર્ભેના કેટલાંક ભ્રમ દૂર કરી દીધા. મોદી વગર ભાજપ માટે ચૂંટણીમાં સારો દેખાવ કરવો શક્ય નથી. નીતીશ કુમારે બિહાર વિધાનસભાની ગત ચૂંટણીમાં મોદીને પ્રચાર અભિયાનથી દૂર રખાવ્યા હતા. છતાં જેડીયૂ અને ભાજપનું ગઠબંધન ત્રણ ચતુર્થાંસ બહુમતીથી સત્તામાં આવ્યું. મુસ્લિમ મતો મોદીના કારણે ભાજપથી દૂર થાય છે, તેવી માન્યતાને દ્રઢીભૂત કરી. કારણ કે મોદીના નહીં આવવાથી ભાજપ-જેડીયૂ ગઠબંધનને મુસ્લિમોએ ખોબલેને ખોબલે મત આપ્યા.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત હિંદુત્વવાદી છાપને નીતીશ કુમારે પોતાની રાજનીતિનો મહત્વનો ભાગ બનાવ્યો. મોદીને પોતાની વડાપ્રધાન બનવાની રાજકીય મહત્વકાંક્ષામાં કટ્ટર ઈમેજ અડચણરૂપ લાગતા તેમણે પણ હિંદુત્વની કાંચળી ઉતારવાની શરૂઆત કરી. દરેક ઠેકાણે ગુજરાતની વિકાસ યાત્રાની વાતો પુરજોર કરવા માંડી. ઈમેજ મેકઓવર માટે સુપ્રીમ કોર્ટની કથિત ક્લિનચીટવાળા ગુલમર્ગ કાંડ સંદર્ભેના ઓર્ડર બાદ સદભાવના મિશન શરૂ કર્યું. તેના હેઠળ તેમણે કુલ 33 જગ્યાએ 36 ઉપવાસો કર્યા. આ સમગ્ર તામજામમાં 200 કરોડનો ખર્ચો થયો. પરંતુ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત દ્વારા મોદીને હિંદુત્વવાદી નેતા ગણાવતું તેમના નામ લીધા વગરનું નિવેદન ઘણી મોટી અસર પેદા કરશે. સંઘ જેને હિંદુત્વવાદી ગણતું હશે,તેને રાજકીય પક્ષો કેવી રીતે સેક્યુલર ગણશે? એટલે ચર્ચા એવી પણ છે કે મોહન ભાગવતે મોદીને કોથળામાં પાંચશેરી મારીને એનડીએના ગઠબંધનમાં તેમની વડાપ્રધાનપદની ઉમેદવારીને હાલ બ્રેક મારી દીધી છે.

હાલની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને ભાજપમાં વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની પ્રવૃતિ સામે એનડીએના ભાજપ પછીના સૌથી મોટા પક્ષ જેડીયૂના વાંધા બાદ તિરાડ વધુ પહોળી બની છે. રાજકીય વિશ્લેષકોના મતે મોદીને આગળ કરવાથી 2014 પહેલા એનડીએ તૂટી જશે. મોદીના હિંદુત્વવાદી ચહેરાથી એનડીએમાં ભાજપ બાદ શિવસેના સિવાયના તમામ પક્ષોને કોઈને કોઈ વાંધો છે. આવી પ્રવાહી પરિસ્થિતિમાં હિંદુત્વવાદી નરેન્દ્ર મોદીને 2014ની વડાપ્રધાનપદની ઉમેદવારી કરાવવા માટે ભાજપે એનડીએનું વિસર્જન કરીને હિંદુત્વવાદી એજન્ડા પર પાછા ફરવું પડે તેમ છે. રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવી અને સમાન નાગરિક ધારાનો અમલ જેવા મુદ્દાઓ ફરીથી જીવિત કરવા પડે. આ મુદ્દાઓ દોઢ દશકથી કોમન મિનિમમ પ્રોગ્રામના નામે કોલ્ડ બોક્ષમાં મૂકી દેવામાં આવ્યા છે. બીજી તરફ સંઘ પરિવારના વિશ્વ હિંદુ પરિષદ જેવા સંગઠનના કેટલાંક વરિષ્ઠ નેતાઓનો મોદી સામેનો અણગમો જગજાહેર છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ગજગ્રાહ પણ ઘણો મોટો છે. વળી પ્રખર હિંદુત્વવાદી સંગઠન મોદી દ્વારા ગાંધીનગરમાં તોડવામાં આવેલા 250થી વધારે મંદિરોના મુદ્દે નારાજ છે. વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે મોદીની સરખામણી મહંમદ ગઝની સાથે કરી હતી.

આવા સંજોગોમાં મોદીની હિંદુત્વવાદી છબી દુનિયામાં યથાવત છે, પરંતુ સંઘપરિવારમાં તેને ગ્રહણ લાગેલું છે. ગુજરાતના વિચારપત્ર નિરીક્ષકના એક અંકમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથે થયેલી ખાનગી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મોદીએ તેમને જણાવ્યુ કે તેમણે મોટીસંખ્યામાં હિંદુ મંદિરો તોડયા હોવા છતાં તેમને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. (શબ્દશ વાત યાદ નથી, બાકી જે વાત હતી તેનો મર્મ આવો કંઈક હતો) આનો અર્થ એ થયો કે મોદી પોતાની હિંદુત્વવાદી છબી તોડવા માટે ખૂબ ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ 2002ની ગુજરાત રમખાણોની ઘટનામાં તેમની ઉભી થયેલી ઈમેજ વધારે ગાઢ સાબિત થઈ છે. આવા સંજોગોમાં મોદીની વડાપ્રધાનપદ માટેની એનડીએમાં દાવેદારીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની રાજનીતિથી ગ્રહણ લાગી રહ્યું છે.


રવિવાર, 8 એપ્રિલ, 2012

32મો સ્થાપના દિવસ: ભાજપની સફર હિંદુત્વથી ચાલતા ચાલતા ક્યાં પહોંચી?


ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે..........

દેશની રાજનીતિના બીજા ધ્રુવ તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટીનો આજે 32મો સ્થાપના દિવસ છે. પરંતુ 32મા સ્થાપના દિવસે ભારતની રાજનીતિમાં સ્વતંત્રતા આંદોલનનો તમામ જશ ખાટી જનારી કોંગ્રેસ પાર્ટીની મોનોપોલી તોડનાર ભાજપે ઉજવણીની સાથે સાથે થોડું આત્મમંથન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ 32 વર્ષના ગાળામાં ત્રણ વખત કેન્દ્રની સત્તા પર આવવામાં સફળ થઈ અને હાલ નવ રાજ્યોમાં તેની અથવા તેના વડપણ હેઠળના એનડીએની સરકાર છે. 2014માં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના ખરાબ પ્રદર્શન અને ગોટાળાના વિક્રમો વચ્ચે ભાજપને ખૂબ મોટો ફાયદો થાય તેવી શક્યતા રહેલી છે.

પરંતુ હાલ જૂથબંધી અને નેતાઓના અહમની સમસ્યાઓથી ઘેરાયેલા ભાજપે અટલ બિહારી વાજપેયી જેવા કરિશ્માઈ નેતાનો વિકલ્પ ઉભો કરવા, હાલના સૌથી મોટા માસ લીડર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નારાજગી દૂર કરવા અને યેદિયુરપ્પાની દાદાગીરીનો તોડ મેળવવાની સમસ્યાથી તો સમાધાન મેળવવું પડશે. પરંતુ તેની સાથે યૂપી સહીતના હિંદી બેલ્ટમાં ફરીથી પોતાના પ્રભાવ દ્રઢ બનાવવા માટે પણ વિચાર કરવો પડશે. હાલ બિહાર અને મધ્ય પ્રદેશમાં ભાજપનો ખાસો પ્રભાવ છે અને તે ત્યાં સરકારમાં છે. પરંતુ હિંદી બેલ્ટમાંથી રાજસ્થાન અને યૂપીની આમાથી બાદબાકી કરી શકાય તેમ નથી. વળી ઉત્તરાખંડમાં પણ પાતળી બહુમતીથી કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા એક સર્વસંમત નેતાની પસંદગી ભાજપની હાલની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય વિચારધારાનું સંકટ પણ ભાજપ પર ઘણાં લાંબા સમય એટલે કે 2004ની લોકસભાની ચૂંટણીથી મંડરાઈ રહ્યું છે. ભાજપની પૂર્વવતી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના 1951-52માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. ભારતીય જનસંઘની સ્થાપના કોંગ્રેસ સાથેની કેટલીક વૈચારીક અસહમતિઓ સંદર્ભે ભારતીય રાજકારણમાં જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી હતી.

ભારતીય જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમાં બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને અડવાણી સહીતના ઘણાં મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ પાર્ટીમાં ઉતારવામાં આવ્યા હતા. તેથી સ્વાભાવિક છે કે ભારતીય જનસંઘ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ ઘણો મોટો હતો.

ભારતીય જનસંઘની સ્થાપના સમયે આઝાદી સમયે વિભાજનની વેદના પણ સમાજમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. વિભાજન માટે કોંગ્રેસની કેટલીક નીતિઓને અને રાજકારણને જવાબદાર માનનાર ઘણો મોટો વર્ગ હતો. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ ન હતી. તેથી ભારતીય જનસંઘ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે મેદાનમાં આવ્યો હતો. જો કે તેના સંસ્થાપક પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જીનું 1953માં કાશ્મીર સત્યાગ્રહ દરમિયાન જમ્મુ-કાશ્મીરની જેલમાં વિવાદાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. જેને કારણે ભારતીય જનસંઘને લોકો સુધી પહોંચાડવામાં ઘણો મોટો ફટકો પડયો હતો. પરંતુ ત્યાર બાદ જનસંઘની બાગડોર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દીનદયાળ ઉપાધ્યાયના હાથમાં આવી હતી.

પોતાની સ્થાપનાના પહેલા દશકમાં ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘે જમ્મુ-કાશ્મીરના ભારતમાં અર્થપૂર્ણ જોડાણ, ગૌહત્યા પ્રતિબંધ, ક્ષેત્રીય અખંડતા, હિંદુત્વ જેવા મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત રહ્યુ હતું. આ સિવાય જમીનદારી અને જાગીરદારી વિરુદ્ધ આ પાર્ટીએ વિરોધનું બ્યૂગલ વગાડયું હતું. પરમિટ લાઈસન્સ રાજ વિરુદ્ધ પણ આ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો હતો. ભારત પરમાણુ શક્તિ બને તેના પક્ષમાં પણ ભારતીય જનસંઘ તેની શરૂઆતના ગાળાથી જ હતો.

આ મુદ્દાઓને કારણે જનતામાં ભારતીય જનસંઘની લોકપ્રિયતા વધવા લાગી હતી. જેના કારણે 1967માં કોંગ્રેસને સત્તા પરથી હટવું પડયું. પંજાબથી લઈને બંગાળ સુધી તમામ જગ્યાએ કોંગ્રેસ વિરોધી સરકાર અને અમૃતસરથી લઈને કોલકત્તા સુધી કોંગ્રેસનું ક્યાંય નામોનિશાન ન હતું.

પંડીત દીનદયાળ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કાલીકટમાં અભૂતપૂર્વ સંમેલન આયોજિત કરવામાં આવ્યું. અહીં રાષ્ટ્રીય ભાષા નીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ભારતીય ભાષાઓનો સમાદર કરતા, દેશમાં રાજભાષાની ગંગા વહેવડાવામાં આવશે.

પરંતુ આ ઐતિહાસિક સંમેલન બાદ પં. દીનદયાળ ઉપાધ્યાયની કેટલાંક દિવસોમાં હત્યા કરી દેવામાં આવી અને તેમની લાશ મુગલસરાય રેલવે સ્ટેશન પર પડેલી મળી હતી. ભારતીય જનસંઘને દીનદયાળ ઉપાધ્યાયની હત્યાથી ઘણો મોટો ફટકો પડયો હતો. તે વખતે સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવી પરંતુ જે પ્રકારની તપાસ કરવામાં આવી તે રાજકારણથી પ્રેરીત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.

ત્યાર બાદ જનસંઘમાં બલરાજ મધોક અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના રાજકીય દંગલમાં મધોકને જનસંઘ છોડવું પડયું. અટલ બિહારી વાજપેયીના હાથમાં ભારતીય જનસંઘની બાગડોર આવી હતી. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશના મુક્તિ આંદોલન માટે આ પક્ષે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જનસંઘે જેપી આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. કટોકટી વખતે પણ જનસંઘી નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડો કરવામાં આવી હતી. જનસંઘના કટોકટી સામેના પ્રયત્નોને દેશભરમાં ઘણી પ્રશંસા મળી હતી. 1977માં ઈન્દિરા ગાંધીની સરકારના પતન બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં જનસંઘ પણ જોડાયું હતું. તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી અને એલ. કે. અડવાણી માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા હતા. જો કે આ સરકાર 30 માસના ટૂંકાગાળામાં આંતરીક ડખાને કારણે પડી ગઈ હતી.

પરંતુ આ સમયગાળામાં જનસંઘની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સદસ્યતાના મુદ્દે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. પરંતુ ચૌધરી ચરણસિંહની ટૂંકાગાળાની સરકારના પણ ઘર ભેગા થયા બાદ જનતા પાર્ટીનું વિખંડન થયું અને 1980ની 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવલામાં આવી.

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે તેને પાર્ટી વિથ ધ ડિફરન્સ હોવાનો દાવો કરવામાં આવ્યો. તેની સાથે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગાંધીયન સોશ્યાલિજમની વિચારધારા હેઠળ 1984માં ચૂંટણીમાં ઉતરી. પરંતુ ઓપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ કોંગ્રેસને સિમ્પથી વોટ મળ્યા અને ત્રણ ચતુર્થાંસ બહુમતી સાથે રાજીવ ગાંધી કોંગ્રેસ તરફથી વડાપ્રધાન બન્યા. જો કે ઓપરેશન બ્લૂ સ્ટાર અને શીખ વિરોધી રમખાણોનો ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ 1984ની ચૂંટણીમાં ગાંધીયન સોશ્યલિજમ સાથે અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં આખા દેશમાંથી ભાજપને માત્ર બે બેઠકો મળી હતી.

આ હાર બાદ ભાજપની નેતાગીરીમાં ખૂબ આત્મમંથનનો દોર ચાલ્યો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી, સમાન નાગરીક ધારા સહીત રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને આગળ વધારવા માટે સહમતિ બની. રામજન્મભૂમિ આંદોલનમાં વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટેકામાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ કમાન સંભાળી. જો કે 1984થી 1989 સુધી રામજન્મભૂમિ આંદોલને એટલી તીવ્રતા પકડી ન હતી. બોફોર્સ કાંડને કારણે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપને કારણે લોકજુવાળ ઉભો થયો હતો. અને વી. પી. સિંહની બગાવતે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં સફળતા મેળવી. 1989માં કેન્દ્રમાં જનતાદળની મોરચા સરકાર સત્તા પર આવી.

પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સરકાર દ્વારા કારસેવકો પર ગોળીબારની ઘટના અને વી. પી. સિંહના વડપણ હેઠળની જનતાદળ મોરચા સરકારને બહારથી ટેકો આપી રહેલા ભાજપના હિંદુત્વના કાર્ડના તોડ માટે મંડલની રાજનીતિ શરૂ કરવામાં આવી. અનામતની રાજનીતિને આગળ વધતી રોકવા માટે ભાજપને તે વખતે નિર્ણય લેવો જરૂરી હતો. જો મંડલ રાજનીતિને આગળ વધારવામાં તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સફળ થઈ જાત તો કદાચ ભાજપ માટે હિંદુત્વના કાર્ડ હેઠળ રામજન્મભૂમિ મુદ્દાને આગળ વધારવો અઘરો પડે તેમ હતું.

આથી અડવાણીએ આરએસએસ અને વીએચપીની સહમતિથી રામરથ યાત્રાની જાહેરાત કરી અને બિહારમાં સમસ્તીપુર ખાતે ધરપકડ વ્હોરી. ત્યાર બાદ વી. પી. સિંહની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચતા તેને ઘર ભેગા થવું પડયું હતું.

રામજન્મભૂમિ આંદોલનમાં અગ્રિમ ભૂમિકાને કારણે અને અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધનને પરિણામો ભાજપે 1989માં 89 બેઠકો પર જીત મેળવી અને 1991માં અયોધ્યા મુદ્દાના પરિણામે 119 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો.

1996માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી અને તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જો કે આ સરકાર બહુમતી સાબિત ન કરી શકતા 13 દિવસ જ ચાલી હતી. ત્યાર બાદ 1998માં ભાજપ 13 માસ માટે ગઠબંધનથી સત્તામાં આવી. પરંતુ જયલલિતા દ્વારા ટેકો પાછો ખેંચાતા, ગૃહમાં મતદાન વખતે એક વોટથી વાજપેયી સરકાર બહુમત હારી ગઈ.

1999માં એનડીએ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ નીચે પાંચ વર્ષ શાસન ટકાવી રાખવામાં સફળતા મેળવી. અટલ બિહારી વાજપેયીની પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી કે જેણે કેન્દ્રમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જો કે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામમાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરીક ધારા જેવાં ત્રણ તેની વૈચારિક ધરાતલ સાથે સંકળાયેલા મુદ્દાને બહાર રાખ્યા.

જેના કારણે વીએચપી અને આરએસએસમાં અંદરખાને નારાજગી પ્રવર્તી રહી હતી. જો કે લોકોને પણ ભાજપ દ્વારા કરવામાં આવેલું રાજકીય સમાધાન ગમ્યુ ન હતું. તેનો જવાબ જનતાએ 2004ની ચૂંટણીમાં આપ્યો. 2004માં ભાજપ હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા સિવાય ફીલ ગુડ સાથે ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન હેઠળ અટલ બિહારી વાજપેયી અને વિકાસના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી. પરંતુ જનતાએ 2004માં એનડીએને બહુમતી આપી નહીં. ત્યાર બાદ 2009માં પણ એનડીએ હેઠળ ભાજપને સત્તા મળી નહીં.

જેના પરિણામો ભાજપમાં બેક ટુ ધ બેસિક્સની ચર્ચા ફરીથી શરૂ થઈ. પરંતુ લોકોમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પરથી વિશ્વાસ તદ્દન હટી ગયો હોય તેવી ઘટનાઓ એક પછી એક બનવા લાગી. લોકોએ ભ્રષ્ટાચાર વિરોધી અને કાળા ધનના મુદ્દે અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે શરૂઆતમાં ઉભા રહેવાનું પસંદ કર્યું પણ ભાજપને ટેકો આપ્યો નહીં. તો મોંઘવારી જેવા મુદ્દાને પણ ભાજપ સારી રીતે ઉઠાવી શક્યું નહીં. મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદની અડવાણીની ભારત સુરક્ષા યાત્રા પણ નિષ્ફળ ગઈ. જે કામ વિરોધ પક્ષમાં રહીને ભાજપે કરવાનું હતું, તે કામ અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યા છે. આ ભાજપની વિરોધ પક્ષ તરીકેની અત્યાર સુધીની સૌથી મોટી નિષ્ફળતા છે.

ત્યારે ભાજપને આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસ અને યુપીએની તરફેણમાં એકપણ સ્થિતિ નહીં હોવા છતાં તેને યૂપીમાં સફળતા કેમ મળતી નથી? મોંઘવારીથી ત્રસ્ત જનતા તેના મોંઘવારી વિરોધી આંદોલનમાં કેમ સાથ આપતી નથી? ભ્રષ્ટાચાર અને કાળા ધન જેવાં આંદોલનના વિષયો અણ્ણા હજારે અને બાબા રામદેવના હાથમાં કેવી રીતે જવા દીધા?

ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે.

ભાજપમાં હાલ વિચારધારાના સંકટની સાથે સાથે નેતૃત્વનું પણ સંકટ ચાલી રહ્યું છે. નીતિન ગડકરીને સંઘના દોરીસંચાર નીચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેઓ માસ લીડર તો જવા દો, રાજ્ય સ્તરના પણ કદ્દાવર નેતા નથી. તેમને રાષ્ટ્રીય રાજનીતિનો અનુભવ નથી. પરંતુ અડવાણી, સુષ્મા, જેટલી, વેંકૈયાની ચોકડીના પ્રભાવને દૂર કરવાની જવાબદારી ગડકરીને સોંપવામાં આવી.

વાજપેયીની સક્રિય રાજકારણમાંથી દૂર થયા બાદ કરિશ્માઈ નેતૃત્વ માટે ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી તરફ આશાથી જોવામાં આવતું હતું. પરંતુ ઉમા ભારતીને ભાજપમાંથી વનવાસ આપી દેવામાં આવ્યો અને હવે છેક 2011-12માં તેમની ઘરવાપસી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતાગીરી સાથે સંજય જોશીને ફરીથી પક્ષમાં લેવા માટે વિવાદના વાવડ છે. વળી કેન્દ્રીય નેતાગીરી ઈચ્છતી હોય તેમ લાગતું નથી કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક પર મોટી ભૂમિકામાં આવે. તેમને પાર્ટીમાં રહેલા વિરોધીઓ એક ચોક્કસ ઈમેજ હેઠળ ગુજરાત સુધી જ સીમિત રાખવા માંગે છે.

દક્ષિણ ભારતમાં યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારના મામલામાં નામ આવવાથી કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા. પરંતુ હવે તેમણે ફરીથી કર્ણાટકના મુખ્મમંત્રી બનાવાના ઉધામા શરૂ કર્યા છે. જેના કારણે કર્ણાટકમાં ભાજપ માટે કફોડી સ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતાઓ સેવાય રહી છે. તો બીજી તરફ પાંચ રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ગોવા અને પંજાબના બાદ કરતા ભાજપ સત્તામાં અન્ય ત્રણ રાજ્યોમાં પહોંચી શકી નથી. યૂપીમાં સંજય જોશી અને ઉમા ભારતીના સંપૂર્ણ કમાન્ડ છતાં ભાજપને સફળતા મળી નથી.

બીજી તરફ તાજેતરના પશ્ચિમ બંગાળ, યૂપી, બિહારની વિધાનસભાના પરિણામો પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોને વધારે સફળતા મળી છે. યૂપીમાં સમાજવાદી પાર્ટીના ખૂબ મોટી બહુમતીથી સત્તામાં આવ્યા બાદ મુલાયમ સિંહને પણ વડાપ્રધાન બનવાના સપના આવવા લાગ્યા છે. દેશમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા વિકલ્પનો મુદ્દો પણ જોરશોરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગ્યો છે. ત્યારે લાગી રહ્યું છે કે ભાજપ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે લાંબુ ખેડાણ કરવાનું હજી બાકી છે.