લેબલ ભાજપ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ભાજપ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 12 જુલાઈ, 2014

રાજકીય એજન્ડા માટે ગડકરી નહીં, તો સંઘ માટે અમિત શાહ હી સહી

આનંદ શુક્લ

સંઘ પરિવારમાં  કોંગ્રેસના પોલિટિકલ મોડલને ખતમ કરીને ભાજપને માધ્યમ બનાવીને પોતાના આદર્શો પ્રમાણેની રાજનીતિ ઉભી કરવા માટેની મહત્વકાંક્ષા છે. જેના માટે રાજકીય ઈમાનદારી અને વફાદારી ઉભી કરવા અને કોઈને પણ રાજકીય નફો નહીં આપવાના નવા મોડલ સાથે ખામોશીથી કામ થઈ રહ્યું છે. જો કે તેના માટે પણ સંઘ પરિવારને માધ્યમ તરીકે ચોક્કસ વ્યક્તિઓની જરૂર હોય છે. સંઘ જે પ્રયોગને નીતિન ગડકરી દ્વાર અંજામ સુધી પહોંચાડવા માંગતો હતો.. હવે તેને અમિત શાહ સંઘની મહત્વકાંક્ષાઓની ક્ષિતિજ પર મોદીના માર્ગદર્શનમાં પહોંચાડશે.

ભૂતપૂર્વ પાર્ટી અધ્યક્ષ ગડકરી દિલ્હીના ન હતા. તેમને નાગપુરથી ભાજપને કેમોથેરપી આપવા મોકલાયા હતા. તેવી રીતે અમિત શાહ પણ દિલ્હીના નથી અને ભાજપના સમગ્ર દેશમાં કાયાકલ્પ માટેના મિશન સાથે અધ્યક્ષ બન્યા છે. ગડકરી કોઓપરેટિવથી કોર્પોરેટ સુધીને સમજનારા વેપારી પણ છે. અમિત શાહે પણ કેશુભાઈના શાસનકાળમાં નાણાંકીય કોર્પોરેશન દ્વારા રાજકારણને સાધ્યું. તેમના આ હુન્નરનો મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ખૂબ મોટો પ્રમાણમાં ઉપયોગ કર્યો. સંઘે પણ આ વાસ્તવિકતાને ઝીણવટથી પારખી છે.

મોદીની ભાજપના ઈતિહાસમાં મળેલી સૌથી મોટી જીતથી સંઘના મહત્વકાંક્ષી એજન્ડાઓને હાલ તો ઓક્સિજન મળ્યો છે. બાકી પહેલા દિલ્હીની રાજનીતિથીના કાદવમાંથી ભાજપને બહાર કાઢવા માટે સંઘે મોદીને હથિયાર જ બનાવ્યા હતા. પરંતુ જ્યારે મોદીને પ્રચંડ જનાદેશ મળ્યો.. તો સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે દિલ્હીની સત્તા મળી શકે .. તો દરેક રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર કેમ બનાવી શકે નહીં?

પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં પણ પ્રભાવ વધારવાનો વિચાર સંઘની અંદર હવે જાગી ચુક્યો છે. સંઘનું માનવું છે કે કલમ-370 અને કાશ્મીરી પંડિતોના પુનર્વાસનો મુદ્દો સામાજિક રીતે ઉઠાવતા પહેલા રાજકીય સ્તરે ઉઠાવવો જરૂરી છે. તેવી જ રીતે કમ્યુનિસ્ટ વિચારધારાના ખાત્મા બાદ મમતા બેનર્જીના રાજકારણને મુસ્લિમ તુષ્ટિકરણ સાથે જોડવાની જરૂર છે. તેના દ્વારા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય પ્રભાવને ઘટાડી પણ શકાય છે. મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરની છ લોકસભા બેઠકમાંથી ત્રણ પર ભાજપને જીત મળી છે અને પશ્ચિમ બંગાળમાં સારા પ્રમાણમાં મત પણ મળ્યા છે.

કેન્દ્રની સત્તા ભાજપને મળે તેના માટે સંઘ પરિવાર ખૂબ જ અધીરો બન્યો હતો. સંઘે મનમોહન સરકારના કાર્યકાળમાં પોતાના અસ્તિત્વ સામે મોટું જોખમ આવતું દેખાયું હતું. જ્યારે સરસંઘચાલકથી લઈને ઈન્દ્રેશ કુમાર સહીત ડઝનબંધ શીર્ષસ્થ પદાધિકારીઓની આસપાસ આતંકના નામે ઉભી થયેલી આરોપોની જાળ ગુંથાઈ હતી. તેથી લોઢું લોઢાને કાપેના અંદાજથી મોદી અને તેમની સાથે અમિત શાહને ભાજપમાં શીર્ષસ્થ સ્તરે આગળ વધારવા માટે સંઘની મદદથી ખુલ્લુ મેદાન આપવામાં આવ્યું. કંઈક આ જ અંદાજમાં સંઘ હવે રાજકીય શુદ્ધિકરણનું મિશન આગળ વધારી રહ્યો છે. તેની એક બાજી પર મોદી સર્વેસર્વા છે... તો બીજી તરફ મોદીના વજીર અમિત શાહ સુપ્રીમો છે. 


અમિત શાહ: ખામોશીથી કાર્યવાહીની શૈલી ધરાવતા ભાજપના નવા અધ્યક્ષ

આનંદ શુક્લ

9 જુલાઈ-2014ના રોજ ભાજપની જીતના ચાણક્ય અને સૌથી અસરકારક વ્યૂહરચનાકાર અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. પરંતુ દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલયમાં અમિત શાહ મહદ અંશે ખામોશ રહ્યા. દોઢ વર્ષ પહેલા 23 જાન્યુઆરી-2014ને યાદ કરીએ તો જશ્નના માહોલમાં રાજનાથસિંહની અધ્યક્ષ પદે તાજપોશી થઈ હતી. ભાજપમાં પરંપરા છે કે અધ્યક્ષ બન્યા બાદ તુરંત કાયકર્તાઓને મીડિયા દ્વારા દરેક અધ્યક્ષ સંબોધિત કરે છે. પરંતુ અમિત શાહે અમદાવાદ આવીને પોતાના સ્વાગત કાર્યક્રમમાં પોતાની વાત રજૂ કરી.

અમિત શાહનો આત્મવિશ્વાસ અને લક્ષ્ય માટેની લગન તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે આસિન કરી શકી છે. જાણકારો પ્રમાણે, અમિત શાહની ખામોશી તેમની વ્યૂહરચનાકાર તરીકેની કાર્યશૈલીનું સૌથી મોટું હથિયાર છે. તેઓ યોગ્ય સમયે યોગ્ય વિષય પર બોલવા માટે ખૂબ પંકાયેલા છે. અમિત શાહ બોલે છે, તેના કરતા સંગઠન માટે જે જરૂરી હોય તે ખામોશીથી કરી નાખે છે. યૂપીના ભાજપ પ્રભારી તરીકે અમિત શાહે આ વાત પ્રસ્થાપિત પણ કરી છે. ભારતના દરેક રાજ્યોમાં લોકસભાની જ્વલંત જીતનું પુનરાવર્તન કરીને ભાજપના કાયાકલ્પનું મિશન અમિત શાહને સોંપવામાં આવ્યું છે.

ભાજપના સંગઠનમાં રાજ્ય સ્તરે નવસંચાર માટે અમિત શાહનો પહેલો રાજકીય મંત્ર મોટાભાગના રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલવાની કવાયત બની રહેવાની શક્યતા છે. એટલું જ નહીં.. નરેન્દ્ર મોદીના ખાસમખાસ સેનાતપિત અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ ભાજપ મુખ્યમથકના નાના-નાના ઓરડામાં કબજો જમાવીને બેઠેલા કેટલાંય નેતાઓની ખુરશીના પાયા પણ હચમચશે.

સંઘના નેતાઓ અને અમિત શાહ વચ્ચે તેમની અધ્યક્ષ પદે નિયુક્તિ પહેલા ઘણી મહત્વની બેઠક થઈ છે. માનવામાં આવે છે કે સંઘના ત્રણ મંત્રો આગામી સમયમાં ભાજપમાં જોવા મળશે. પહેલું..દરેક રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે. જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂનો સમાવેશ થાય તો નવાઈ નથી. બીજું...સંઘની શાખાઓ સાથે સંબંધિત અથવા એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશનારાઓને નંબર-1 અને નંબર-2 માટે મહત્વ આપવામાં આવશે. આમાથી પ્રદેશ પ્રમુખ પસંદ થાય તેવી શક્યતાઓ રહેશે. ત્રીજું.. ગઠબંધનના રાજકારણ હેઠળ ભાજપને સત્તામાં લાવવાના સપના પિરસતા નેતાઓને હાંસિયામાં ફેકી દેવા.

17 વર્ષ સુધી એનડીએ ગઠબંધનનો યુગ ચાલ્યો. ત્યારે સંઘ પરિવારમાં મંથન ચાલ્યું કે રાજકીય પ્રચાર દ્વારા સંઘનો સ્વયંસેવક ભાજપ માટે રાજકીય જમીન તૈયાર કરે છે.. પરંતુ તેનો લાભ ગઠબંધનના પક્ષોને શા માટે મળવો જોઈએ? તેથી 2014ની લોકસભાની ચૂંટણીમાં સંઘ અને મોદી-અમિત શાહનું લક્ષ્ય ભાજપને પોતાના દમ પર સત્તાએ પહોંચાડવાનું હતું. હવે અધ્યક્ષ તરીકે અમિત શાહ ભાજપને મહારાષ્ટ્ર.. હરિયાણા અને ઝારખંડમાં પોતાના દમ જીત મળે તેવા લક્ષ્ય સાથે કામ કરશે.


પરંતુ આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીવાળા ત્રણેય રાજ્યોમાં લોકસભા ચૂંટણી જેવી જીત દોહરાવવાના અમિત શાહના મિશનમાં ત્રણ અડચણો પણ છે. .એક.. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ પાસે એવો કોઈ નેતા નથી કે જેની પાછળ આખી પાર્ટી ચાલવા તૈયાર હોય. બીજું... ત્રણેય રાજ્યોમાં ભાજપના કાર્યકર્તાઓ પોતાના નેતાઓને લઈને જૂથબંધીનો ભોગ બન્યા છે. ત્રીજુ.. ભાજપ વંશવાદનો વિરોધ કરે છે.. પરંતુ તેના સાથીપક્ષો વંશવાદમાં ગળાડૂબ છે. 

કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં રાષ્ટ્રીય સ્તરે મોદીનું પોલિટિકલ મોડલ લાગુ થયું

આનંદ શુક્લ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગવું પોલિટિકલ મોડલ છે. આ પોલિટિકલ મોડલનો અનુભવ ગુજરાતના ભાજપના સંગઠન અને સરકારી તંત્ર-રાજકીય વર્તુળોને 13 વર્ષથી થયો છે. આ મોદી મોડલ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં પણ લાગુ થવાનું શરૂ થઈ ગયું છે. થોડા સમય પછી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચાપલુસીની હદ સુધી કરતી પ્રશસ્તિ રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને ભાજપના સંગઠનમાં જોવા મળે તો નવાઈ પામવા જેવું નથી.

ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપ પર મોદીની પક્કડ-

મોદીના પોલિટિકલ મોડલ પ્રમાણે, સંગઠનની બાબતમાં મજબૂત ગણાતા કેડરબેઝ ગુજરાતા ભાજપમાં વ્યક્તિવાદ પ્રભાવી બન્યો અને મોદી તારણહાર તરીકે પ્રસ્થાપિત થયા છે. ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ છે. પરંતુ આમાના કોઈપણ નરેન્દ્ર મોદીનો કોઈપણ પ્રકારે ક્યારેય વિરોધ કર્યો નથી. આ બધાં મોદીના યસમેન બનીને રહ્યા અને હજીપણ મોદીના યસમેન છે.
તો ગુજરાતમાં ચાલેલી મોદી સરકારની વાત કરીએ તો તેમાં પણ મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 13 વર્ષમાં જાહેરાતોમાં, સભાઓમાં, સરઘસોમાં, પ્રચારોમાં છવાયેલા રહ્યા. કેટલાંક પ્રસંગે ધાર્મિક ઉત્સવો દરમિયાન શુભેચ્છા સંદેશની જાહેરાતોમાં ધાર્મિક બાબતો સાથે સંકળાયેલા ભગવાન કે આધ્યાત્મિક પુરુષ કરતા પણ મોદીની મોટી તસવીરો લાગતી હતી.
ગુજરાતના રસ્તાઓ, બસો, કેટલીક જગ્યાએ ભીંતો પર મોદીના અલગ-અલગ મુદ્રામાં ફોટોગ્રાફ રાજ્ય સરકારની જુદીજુદી યોજનાઓની જાહેરાત સાથે અઢળક પ્રમાણમાં દેખાઈ હતી. જો સરકારના સંચાલનની વાત કરીએ, તો જાણકારો પ્રમાણે, મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની જાણ બહાર એક પણ મંત્રી કે અધિકારી કંઈપણ કરી શક્તો ન હતો. વિધાનસભામાં અને સભા-ભાષણોમાં ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદીની પ્રશસ્તિ ચાપલુસીની કક્ષાએ કરવાનું ચુક્તા ન હતા.

મોદીનું પોલિટિકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું

નરેન્દ્ર મોદી સીએમથી પીએમ બન્યા છે. મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમનું આગવું પોલિટીકલ મોડલ રાષ્ટ્રીય સ્તરે સરકાર અને સંગઠનમાં લાગુ થવાની શરૂઆત થઈ ચુકી છે.

કેન્દ્ર સરકારમાં મંત્રાલયો-નોકરશાહી પર પ્રભાવ પાથર્યો

જો કેન્દ્રની સરકારમાં મોદી મોડલના પ્રસ્થાપિત થવાની પ્રક્રિયા પણ રસપ્રદ બની છે. નરેન્દ્ર મોદીએ પહેલા કેબિનેટની બેઠક બોલાવીને તમામ મંત્રીઓને તેમની આદત પ્રમાણે મંત્રાલયના એજન્ડાઓ નક્કી કરીને જણાવવા માટે કહ્યુ હતું.

બાદમાં તેમણે સચિવો સાથે બેઠક કરી અને સરકાર તેમની સાથે રહેશે તેઓ નિર્ભયપણે કામ કરે તેમ જણાવ્યું. પીએમ મોદીએ સચિવોને તેમની સાથે સીધા વાત કરવાની છૂટ આપી છે. તેનાથી કેટલાંક જાણકારો મોદી સરકારના મંત્રીઓનો નોકરશાહી પર પ્રભાવ ઘટવાની અને વડાપ્રધાનની બ્યૂરોક્રસી પર અસર વધવાની સંભાવનાઓ દર્શાવે છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે દેશના 674 જિલ્લાના કલેક્ટરો સાથે સીધો સંપર્ક બનાવવાના મિકેનિઝમ પર કામ કરી રહ્યા છે. તેનો સીધો અર્થ છે કે પીએમ મોદી ભૂતપૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલા મોડલની જેમ પોતાના મોડલને સરકારી તંત્રમાં સ્થાપિત કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે ઈન્દિરા ગાંધીની પકડ બ્લોક લેવલ પર પણ હતી. તેવી જ પકડ મોદી જમાવવાની શરૂઆત કરી ચુક્યા છે. જાણકાર પત્રકારો પ્રમાણે, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં ઈન્દિરા ગાંધી બાદ હવે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અધિકારીઓમાં ખોફ દેખાઈ રહ્યો છે.

ભાજપના સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે મોદીની જ પક્કડ રહેશે

સરકારની સાથે ભાજપના સંગઠન પર પણ મોદી પોતાનો પ્રભાવ વધુ પ્રગાઢ બનાવીને તેમની કામગીરીમાં સંગઠન તરફથી કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. વડાપ્રધાન મનમોહનસિંહની સરકારમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું બેકસીટ ડ્રાઈવિંગ હતું. તો મોદી ભાજપ સંગઠન પર રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ગુજરાત પ્રદેશ એકમની જેમ પાથરીને આ સમસ્યા ઉભી થાય નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. તેના માટે ભાજપના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા મોદીના ખાસ અમિત શાહ ઘણી મોટી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ભાજપના એવા અધ્યક્ષ છે કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરામાં પગે લાગીને આદર આપવાનું ક્યારેય ચુક્યા નથી.

તેના ભાગરૂપે ઘણી રાજકીય કવાયતો બાદ ના-ના કરતા ભાજપના તત્કાલિન અધ્યક્ષ રાજનાથસિંહ મોદી સરકારમાં નંબર-ટુ એટલે કે ગૃહમંત્રી બની ગયા છે. તેના કારણે સંગઠનમાં બીજા સત્તાકેન્દ્રના ઉદભવની સંભાવના પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે.

તેની સાથે મોદીના ખાસમખાસ અને ગુજરાતમાં મોદી સાથે ખભેખભો મિલાવાની દરેક મિશન પાર પાડનારા અમિત શાહને 50 વર્ષની ઉંમરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેના કારણે મોદી સરકાર અને સંગઠન વચ્ચે અમિત શાહ વડાપ્રધાનના સંકેતો અને એજન્ડાઓ બાબતે કડીરૂપ કામ કરશે. જેના કારણે મોદી સરકારને તેમના કામકાજમાં અડચણ ઉભી થાય નહીં તેની તકેદારી રખાશે. હિંદુત્વવાદી મુદ્દાઓ, એફડીઆઈ-ડીસઈન્વેસ્ટમેન્ટની નીતિ, સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે કામ કરતા સંઘ પરિવારના સંગઠનોને પણ અમિત શાહના સંઘના શીર્ષસ્થ નેતાઓ સાથે ઘનિષ્ઠતાના આધારે કાબુમાં રાખવામાં આવશે.

હાલ સત્તાવાર રીતે ભાજપના નેતાઓ કંઈપણ બોલવા તૈયાર નથી. પરંતુ પાર્ટીમાં શીર્ષસ્થ નેતાઓમાં આંતરીક બેચેની ખૂબ વધી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ એક સપ્તાહની અંદર જ નરેન્દ્ર મોદીએ સંગઠન સ્તર પર બે મોટી પહેલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. જેનાથી ભાજપના શીર્ષસ્થ નેતાઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે તેઓ આ મુદ્દે જાહેરમાં કંઈપણ કહી રહ્યા નથી.

સૌથી પહેલા વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 7-આરસીઆર ખાતેના પીએમ નિવાસમાં ભાજપના મહાસચિવોની બેઠક બોલાવી હતી. મોદી ખુદ ભાજપમાં લાંબા સમય સુધી મહાસચિવ રહ્યા હતા. માટે તેમનો મહાસચિવો પ્રત્યે લગાવ સ્વાભાવિક છે. પરંતુ ભાજપના સંગઠનાત્મક માળખામાં મહાસચિવ ઉપાધ્યક્ષથી વધારે સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. માટે વડાપ્રધાન નિવાસ પર પાર્ટીના મહાસચિવોની બેઠકથી મોદીએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવોસમાં તેઓ મળેલી સફળતાને નબળી નહીં પડવા દે.

આ બેઠકથી પણ વધારે ચોંકાવનારું તથ્ય એ છે કે પાર્ટી અધ્યક્ષ તરીકે આ બેઠકની માહિતી રાજનાથસિંહને આપવામાં આવી ન હતી. બેઠક બાદ જ્યારે સમાચાર આવ્યા, ત્યારે રાજનાથસિંહે મહાસચિવોને ટેલિફોન કરીને જાણકારી પ્રાપ્ત કરી હતી. કે બેઠકમાં મોદીએ શું વાતચીત કરી છે. જો કે રાજનાથસિંહ તે વખતે પાર્ટી અધ્યક્ષ સાથે મોદી સરકારના ગૃહમંત્રી પણ હતા. પરંતુ મોદીની આ પહેલથી તેઓ પણ ચોંકી ગયા હતા.

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ બીજી પહેલ કરીને નવી દિલ્હી ખાતેના 11 અશોકા રોડ પરના ભાજપના મુખ્યમથક પર પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટી મુખ્યાલયમાં કામ કરનારા કર્મચારીઓને મળ્યા અને પોતાના હાથે કર્મચારીઓને બોનસ પણ આપ્યું. અહીં તેમણે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાજનાથસિંહની સાથે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું.

બીજી પહેલનો સંકેત સ્પષ્ટ હતો કે તેઓ ભલે પાર્ટી અધ્યક્ષને કિનારે કરે, પણ પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનને મહત્વ આપતા રહેશે. આનો ઈશારો સ્પષ્ટ છે કે ભાજપમાં મોદી નિર્વિવાદ રીતે સુપ્રીમો છે ને બીજો કોઈ નેતા તેમની આ છબીની આડે આવી શકે નહીં.

આનાથી વધારે ચોંકવાનારી વાત એ છે કે વડાપ્રધાન તરીકે તમામ જિલ્લા કલેક્ટર સાથે મોદી જોડાશે. તેની સાથે ભાજપના સંગઠન સ્તરે પણ તેઓ એક એવું તંત્ર વિકસિત કરવા જઈ રહ્યા છે કે જેનાથી દેશભરમાં જિલ્લા સ્તર પર મોદી પોતાની પકડ બનાવી રાખી શકે. તેના માટે તેઓ દરેક જિલ્લામાં એક સીઈઓ નિયુક્ત કરવાની યોજના અમલી બનાવવાની વિચાર પ્રક્રિયા ચાલુ કરી ચુક્યા છે. આ પાર્ટી સીઈઓ જિલ્લા સ્તરે સત્તા અને સંગઠન વચ્ચે સમન્વયનું કામ કરશે અને ભાજપના અધ્યક્ષ અને મોદીના ખાસ અમિત શાહને સીધો રિપોર્ટ કરશે. એ કહેવાની જરૂર નથી કે આમાની મહત્વની બાબતો ભાજપના અધ્યક્ષ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાન પર જરૂરથી મૂકતા રહેશે.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ વ્યૂહાત્મક બની 100% મતદાન કરે

-         પ્રસન્ન શાસ્ત્રી
ભારતનું રાજકારણ ઘણું જટિલ છે. ભારતમાં બ્રિટિશ મોડેલ પ્રમાણેની સંસદીય લોકશાહી અમલમાં છે. દેશની લોકશાહીને લૂંટશાહીમાં તબ્દીલ કરનારા સત્તાના દલાલો તેને શ્રેષ્ઠ ગણાવતા થાકતા નથી. પરંતુ કેટલાંક કરોડની વસ્તી ધરાવતા યૂરોપિયન દેશ ઈંગ્લેન્ડની રાજવ્યવસ્થાને કરોડોની આબાદીવાળા એશિયન દેશ ભારતમાં અમલી બનાવતા કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. બ્રિટિશ મોડેલની ઉજાગર થયેલી ખામીઓ ભારતની રાજવ્યવસ્થા દેશને સંપૂર્ણપણે અનુકૂળ નહીં હોવાની અથવા તેમા હજી પણ આ શાસનવ્યવસ્થાને રાષ્ટ્ર માટે યોગ્ય બનાવવા માટે ઘણો અવકાશ હોવાની વાત તરફ ઈશારો કરે છે. જાણકારો જણાવે છે કે ભારતના લોકતંત્રને રાજકારણના વચેટિયાઓએ ભ્રષ્ટતંત્ર બનાવી દીધું છે. જેના કારણે દેશની જનતામાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભારતની લોકશાહીની ખામી કહો કે દેશના રાજકારણીઓની કરણી કહો, પણ આપણી લોકશાહીમાં રાજકીય વિકલ્પો વચ્ચે પણ લોકોને સતત વિકલ્પવિહીનતાનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે એક રોષનું વાતાવરણ છે.

આઝાદીની ચળવળ વખતે મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના પરિણામે દેશના ભાગલા થયા. કોંગ્રેસની નીતિઓને કારણે મુસ્લિમો દેશના ખાસ આદમી બની ગયા. જ્યારે બહુમતી હિંદુઓ દેશના (બિચારા!!) આમ આદમી બની રહ્યા. આઝાદીની ચળવળ વખતે દેશનો હિંદુ કોંગ્રેસને રાષ્ટ્રવાદી હિંદુ વિકલ્પ તરીકે જોતો હતો. પરંતુ ગાંધી-નહેરુની રાહબરી હેઠળ કોંગ્રેસે પોતાની મુસ્લિમોમાં સ્વીકાર્યતા દેખાડવા માટે હિંદુઓના ભોગે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ચાલુ રાખી હતી. દેશના આમ આદમી હિંદુઓને તત્કાલિન કોંગ્રેસી નેતાઓએ રાજકીય રીતે ભરમાવી રાખ્યા. બીજું એક હજાર વર્ષની તુર્ક-અફઘાન-મોગલ-બ્રિટિશ ગુલામીમાં હિંદુઓમાં રાજકારણ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પણ પેદા થયો હતો. હિંદુઓની ઉપેક્ષા અને બેધ્યાનપણાને કારણે દેશની રાજનીતિ મનસ્વી બની. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ ઉચ્ચ સાક્ષરતા ધરાવતો હિંદુ સમાજ પોતાના સામૂહિક રાજકીય હિતોને જોઈ શકે તેવી બહાદૂરીભરી રાજકીય સાક્ષરતા દાખવી શક્યો નહીં.

જેના કારણે રાષ્ટ્રવાદી હિંદુનું મહોરુ પહેરેલા, પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને વરેલા નેતાઓ અને કોંગ્રેસ-કમ્યુનિસ્ટ પાર્ટી જેવા રાજકીય પક્ષો વચ્ચે હિંદુ સમાજ અટવાતો રહ્યો. તેમ છતા પાકિસ્તાનના પેદા થયા પછી હિંદુઓમાં કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પની એક આકાંક્ષા હતી. પરંતુ દેશના રાજકીય માળખા અને વ્યવસ્થા પર ઉપરથી નીચે સુધી ગાંધીવાદી દંભમાં ડૂબેલા કોંગ્રેસી મોડલે પકડ જમાવી દીધી. જેના કારણે 1947થી 1977 સુધી કેન્દ્રની એકહથ્થુ સત્તા કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી-નહેરુ પરિવારના જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી કેન્દ્રીત બની ગઈ હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લોકશાહીને ટૂંપો દેવાયો અને કટોકટી જાહેર થઈ હતી. પરંતુ તે પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશમાં નવા રાજકીય વિકલ્પ માટે વાતાવરણ પેદા કર્યું હતું.

કટોકટી વિરુદ્ધના આંદોલનોમાં સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોની મોટી ભૂમિકા હતી. તો કોંગ્રેસ સામે અન્ય રાજકીય પક્ષો જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ એકઠા થયા હતા. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા મનસ્વીપણે લાગુ કરાયેલી કટોકટી જનવિરોધના કારણે પાછી ખેંચીને લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આ ચૂંટણીમાં પહેલી વખત દેશની જનતાએ કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે મુખ્યત્વે જનતા પાર્ટીને પસંદ કરી હતી. પરંતુ સત્તાની સાઠમારીના કોંગ્રેસી મોડલમાં ઉછરેલા નેતાઓ કોંગ્રેસનો વિકલ્પ બની શક્યા નહીં. તેણે સાબિત કર્યું કે દેશમાં કોંગ્રેસ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય મોડલ છે. 1980ની ચૂંટણીમાં ફરીથી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તા પર આવી. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સિમ્પથી વેવમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસ બહુમતી મળી. ત્યારે લાગતું હતું કે કોંગ્રેસનો રાજકીય વિકલ્પ પેદા થઈ શકશે નહીં.

પરંતુ બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધીનું નામ ઉછળ્યા બાદ સંરક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપનારા વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં ફરીથી કોંગ્રેસના રાજકીય વિકલ્પની શોધ શરૂ થઈ. વી. પી. સિંહની આગેવાની હેઠળ જનતાદળ-ભાજપનું ગઠબંધન થયું. 1989માં વી. પી. સિંહ વડાપ્રધાન બન્યા. જો કે ભાજપની સફળતા પાછળ તેની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની હિંદુ વિચારધારાનો ઘણી મોટી ભૂમિકા હતી. એક તરફ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં દેશના આમ આદમી હિંદુઓએ આપેલી અભૂતપૂર્વ બહુમતીના જારે મુસ્લિમો ઈચ્છા પ્રમાણે તેમની તરફેણમાં પલટાવી નાખ્યો હતો. તેની સામે હિંદુઓમાં વિરોધનું વાતાવરણ હતું. આ સાથે ભાજપે હિંદુઓની રાજકીય આકાંક્ષાઓને વાચા આપવાની શરૂઆત કરી. અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે શિલાપૂજનના કાર્યક્રમોએ હિંદુત્વવાદી વાતાવરણ તૈયાર કર્યું હતું. જેની અસર દેશના રાજકારણ પર પડી રહી હતી. હિંદુ લાગણીઓને તત્કાલિન ભાજપ થકી રાજકીય મંચ ઉપલબ્ધ થઈ રહ્યો હતો.
જો કે વી. પી. સિંહએ હિંદુત્વવાદી વાતાવરણનો તોડ અનામતના મંડલ કમિશનના રાજકારણમાં શોધ્યો. તેની સામે ભાજપે પણ હિંદુત્વની રાજનીતિને તેજ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદના રામજન્મભૂમિ આંદોલનને લાલકૃષ્ણ અડવાણીએ ટેકો જાહેર કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની 10 હજાર કિલોમીટરની રામરથયાત્રા ચાલુ કરી હતી. જેના કારણે તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહની સરકાર હલબલી ઉઠી હતી. જનસમર્થન પોતાની પાસેથી ખસીને હિંદુત્વના રામરથ પર સવાર ભાજપ તરફ ખસી રહ્યું હતું. બિહારના સમસ્તીપુર ખાતે તત્કાલિન જનતાદળના લાલુપ્રસાદ યાદવે અડવાણીની રથયાત્રાને રોકીને તેમની ધરપકડ કરી. તેની સાથે ભાજપે ટેકો પાછો ખેંચતા વી. પી. સિંહની જનતાદળ સરકારનું પતન થયું. ચંદ્રશેખરના નેતૃત્વમાં કોંગ્રેસના ટેકાવાળી સરકાર ટૂંકાગાળા માટે સત્તા પર આવી. 1991-92માં જનતાએ ફરીથી વિકલ્પો વચ્ચે વિકલ્પવિહીનતાની સ્થિતિમાં જનતાદળથી મોહભંગ થઈને કોંગ્રેસને મત આપ્યા.

જો કે આ સમયગાળામાં દેશમાં હિંદુ લાગણીઓ જોર પર હતી અને હિંદી બેલ્ટમાં અસરકારક હિંદુ વોટબેંક અસ્તિત્વમાં હતી. જેના કારણે અહીં ભાજપને ઘણું સારું સમર્થન મળ્યું હતું. પરંતુ કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી સારો ટેકો મળ્યો. તેની પાછળ તમિલનાડુના શ્રીપેરામ્બદૂર ખાતે રાજીવ ગાંધીની એલટીટીઈની આત્મઘાતી દ્વારા કરાયેલી હત્યાની ઘણી મોટી ભૂમિકા હતી. જો કે રાજીવ ગાંધીની હત્યા કોંગ્રેસ માટે ઈન્દિરા ગાંધીની હત્યા જેવો સિમ્પથી વેવ પેદા કરી શકી નહીં. કારણ કે હિંદી બેલ્ટમાં રામજન્મભૂમિ આંદોલનના કારણે હિંદુત્વવાદી વોટબેંક તૈયાર થઈ ચુકી હતી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર લઘુમતી સરકાર હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી. પણ તેને પૂર્ણ બહુમતી મળી ન હતી. 1996માં ભાજપ હિંદુ વોટબેંકના આધારે સૌથી મોટો પક્ષ બન્યો. ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. વાજપેયી ભારતમાં સૌથી પહેલા બિનકોંગ્રેસી મૂળ ધરાવતા વડાપ્રધાન હતા. અહીંથી દેશના આમ આદમી એવા હિંદુઓએ મુસ્લિમોને ખાસ બનાવતી રાજનીતિ કરતી કોંગ્રેસને જાકારો આપવાની રાષ્ટ્રનીતિને પ્રભાવીપણે લાગુ કરી.

1998-99માં ભાજપ ફરીથી દેશનો સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટણીમાં જીત મેળવી. ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો અને સમાન નાગરીક ધારો લાગુ કરવાની વાત સામેલ હતી. પરંતુ 24 પક્ષોના ટેકા સાથે આ ત્રણેય મુદ્દાને એનડીએના નેજા નીચે કોમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા દૂર રાખવામાં આવ્યા. તેની પાછળનો હેતુ કોંગ્રેસને સત્તાથી દૂર રાખીને દેશહિતોનું વધુ નુકસાન અટકાવવાનો હતો. વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર છ વર્ષ ચાલી. કોંગ્રેસના રાજકીય વિકલ્પ તરીકે ભાજપની આ સફળતા હતી.

પરંતુ હિંદુત્વના મુદ્દાઓ પર બાંધછોડે ફરીથી હિંદુ વોટબેંકને વિહવળ બનાવી દીધી. જો કે તેની પાછળ દેશમાં રૂઢિગત બનેલુ કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હતું. ભારતની રાજનીતિમાં મૂળથી માંડીને ટોચ સુધી કોંગ્રેસના ડીએનએ ધરાવતા નેતાઓની સતત પકડ રહી છે. જેના કારણે કોંગ્રેસના સત્તા પરથી જવા છતાં કોંગ્રેસનું રાજકીય મોડલ પ્રભાવી રહે છે. જેનો અનુભવ બિનકોંગ્રેસી રાજકીય મૂળ ધરાવતા અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારને પણ થયો હતો. હિંદુ આકાંક્ષાઓને કેટલીક ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં દબાવી દેવાની પ્રવૃતિ રાજકીય સ્તરે તેજ બની હતી. જેના કારણે રામજન્મભૂમિ આંદોલન વખતે તૈયાર થયેલી હિંદુત્વવાદી વોટબેંક હિંદી બેલ્ટથી આગળ વધવાને સ્થાને વિખેરાવા લાગી. 2004ની લોકસભાની ચૂંટણીમાં તેના માઠા પરિણામ ભાજપને ભોગવવા પડયા. 2004થી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી. વિખેરાયેલી હિંદુ વોટબેંક ફરીથી પ્રભાવી બનાવવા માટે પ્રયત્ન નહીં કરાતા 2009માં પણ ફરીથી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી.
2014ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના ઓવરડોઝથી આમ હિંદુ ત્રસ્ત બન્યો છે. તેની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી સહીતના મુદ્દાઓ પણ આમ હિંદુઓમાં કોંગ્રેસ વિરોધી લહેર પેદા કરનારા બન્યા છે. જેના કારણે રાજકીય ઉપેક્ષાનો ભોગ બનેલી હિંદુ આકાંક્ષાઓ ફરીથી એકજૂટ બની છે. દેશમાં ફરીથી કટોકટી સમયની લહેર હોવાની વાત રાજકીય જાણકારો કરી રહ્યા છે.

આ હિંદુ આકાંક્ષાઓ ફરીથી વોટબેંકનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 2011માં અણ્ણા હજારેના નેતૃત્વમાં શરૂ થયેલા ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટેના આંદોલને જનઆકાંક્ષાઓને ફરીથી સડકથી સંસદ સુધી આંદોલિત કરી હતી. આ જનઆકાંક્ષાઓમાં હિંદુ રાજકીય વિકલ્પનો અંડરકરંટ પણ દેખાયો હતો. જો કે અણ્ણા હજારેના આંદોલનનો ઉપયોગ કરીને ભાજપ અને કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે કમ્યુનિસ્ટ વિચારસરણી તરફ ઝોક ધરાવતા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 માસ જૂની આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી. ભાજપ દિલ્હીમાં 32 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ટેકાથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બનીને દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવી. ત્યાર બાદ જનલોકપાલ બિલ દિલ્હીની વિધાનસભામાં રજૂ કરવાના મુદ્દે ઉભી થયેલી બંધારણીય અંટસના પરિણામે તેમણે રાજીનામું આપ્યું. આ વખતેની લોકસભની ચૂંટણીમાં તેઓ પણ મેદાનમાં છે.

પરંતુ ભારતના આમ હિંદુ મતદાતાઓએ પોતાના વિવેક પ્રમાણે વિચારવાનો સમય છે કે શું દેશમાં હાલ કોઈ હિંદુ રાજકીય વિકલ્પ ઉપલબ્ધ છે અથવા આગામી સમયમાં કોઈ હિંદુત્વવાદી રાજકીય વિકલ્પનો ગર્ભ  બની શકે છે? તેવા સંજોગોમાં હાલ ઉપલબ્ધ રાજકીય વિકલ્પોમાંથી હિંદુ મતદાતાઓએ રાષ્ટ્રહિતમાં મહત્વનો નિર્ણય કરવાનો છે. આમ આદમી પાર્ટીની પૃષ્ઠભૂમિમાં રહેલા અણ્ણા હજારેના આંદોલન વખતે કોંગ્રેસી મોડેલ હેઠળની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ દેખાઈ હતી. એક તરફ અણ્ણા હજારે અનશન કરી રહ્યા હતા અને બીજી તરફ મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા માટે અણ્ણાના તત્કાલિન ટેકેદારો અનશન સ્થાને ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. અણ્ણાના મંચ પર મુસ્લિમ પ્રતિનિધિત્વ દેખાડવાનો પ્રયત્ન કરાયો હતો. અણ્ણાના આંદોલનની શરૂઆતમાં મંચ પર દેખાયેલી ભારતમાતાના તસવીર આંદોલનના છેલ્લા તબક્કામાં ગાયબ થઈ હતી...તો દિલ્હીની જમા મસ્જિદના ઈમામ બુખારીનું સમર્થન લેવા માટે અરવિંદ કેજરીવાલે અંદાજે અઢી કલાક સુધી રાહ જોઈ હતી. જો કે ત્યાર બાદ પણ તેમને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.


આમ આદમી પાર્ટીની જાહેરાત બાદ પણ મુસ્લિમ સમર્થન માટે અરવિંદ કેજરીવાલના હવાતિયાં જગજાહેર છે. મુઝફ્ફરનગર ખાતેના હુલ્લડો બાદ કેજરીવાલ હુલ્લડખોર મનાતા તૌકીર રજા નામના શખ્સને રાજકીય ટેકા માટે મળ્યા હોવાનું મનાય છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે સોગંદવિધિ દરમિયાન સેક્યુલર દેખાવા માટે કેજરીવાલે પોતાના ભાષણમાં ઈશ્વર સાથે અલ્લાહનો વારંવાર ઉપયોગ કર્યો હતો. જો કે મુસ્લિમ અનામતની તરફદારી કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના પક્ષોની એક અલગ પ્રકારની રાજકીય સંસ્કૃતિ પેદા થઈ છે. આ દોડમાં ભાજપે પણ મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે થોડાઘણાં પ્રયત્નો કર્યા હોવાનું ઘણાં લોકો માની રહ્યા છે. આમાના ઘણાની લાગણી છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે અને કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ બની ગઈ છે. પરંતુ આ તમામની પાછળ ભારતમાં મૂળ સુધી પ્રસરેલું કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હોવાની વાત હિંદુ મતદારોએ ધ્યાનમાં રાખવા જેવી છે. અત્યારે ઘણાં હિંદુ મતદારો ઘોષિત હિંદુ રાજકીય વિકલ્પનો અભાવ અનુભવી રહ્યા છે. તેમ છતાં તેમણે કોંગ્રેસના રાજકીય મોડેલને ખતમ કરવા માટે વ્યૂહાત્મક મતદાન કરવાની રાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ બિનકોંગ્રેસી રાજકીય વિકલ્પ માટે ફરીથી સક્રિય બને તે જરૂરી છે. ત્યારે દેશના હિંદુ મતદારોએ રાષ્ટ્રીય હિતમાં વ્યૂહાત્મક રીતે વિચારવું આવશ્યક છે. ત્યારે હિંદુઓનું વ્યૂહાત્મક રીતે પ્રવર્તમાન રાજકીય વિકલ્પોમાંથી હિંદુ રાજકીય વિકલ્પ તરીકે નજીકના પક્ષ કે મોરચાના ઉમેદવારની તરફેણમાં 100 ટકા મતદાન ભારતને નવી સંભાવનાઓ તરફ આગળ લઈ જઈ શકશે.

રવિવાર, 2 ડિસેમ્બર, 2012

2012નો ગુજરાતનો જંગ: નરેન્દ્ર મોદી Vs. કેશુભાઈ પટેલ

-આનંદ શુક્લ

ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારોની દોડમાં આગળ દોડી રહેલા નરેન્દ્ર મોદી માટે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરવા મહત્વની સાબિત થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત જીત તેમની ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારની દાવેદારી મજબૂત બનાવશે. પરંતુ આ ચૂંટણીમાં થોડી પણ ઉંચ-નીચ તેમની રાષ્ટ્રીય રાજકારણમાં જેટ ગતિએ આગળ વધવાની ક્ષમતાને ગ્રહણ લગાવી શકે છે. 2002માં હિંદુત્વના રાજકારણથી 2012માં સદભાવનાનું રાજકારણ રમી રહેલા નરેન્દ્ર મોદી માટે આ ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. તેમના માટે કોંગ્રેસ કરતા કેશુભાઈ પટેલને ભાજપના મત કાપતા રોકવાનો મોટો પડકાર છે.
હિંદુત્વ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની જમીન છે. હિંદુત્વનું રાજકારણ ખેલનારા તમામ પક્ષો અને સંગઠનોમાં નરેન્દ્ર મોદી સૌથી મોટા હીરો છે. નરેન્દ્ર મોદીની આ લોકપ્રિયતા જ્યાં સુધી સાબૂત રહેશે. તેમને કોઈ વાંધો આવવાનો નથી. આ કહેવું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારજીતની ચર્ચા કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તાનું.
ડીસેમ્બર માસમાં રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 20 ડીસેમ્બરે મતગણતરી બાદ નક્કી થશે કે નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના નાથ બનશે કે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીના ચાહકોને તેમના ફરીથી મુખ્યમંત્રી બનવાની પ્રબળ આશા છે. જો કે આ વખતે 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણી જેવો સીધો મામલો દેખાતો નથી.
2012ની ચૂંટણી 1998 બાદ રાજ્યમાં પહેલો ત્રિપાંખિયો જંગ છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ, શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ અને કેશુભાઈ પટેલના વડપણ નીચે ગુજરાત પરિવર્તન પાર્ટી ચૂંટણી જંગમાં ઝુકાવશે. જનસંઘ અને ભાજપમાં 60 વર્ષ કામ કરનારા સંઘના સનિષ્ઠ સ્વયંસેવક એવા કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડયો છે. તેમણે 6 ઓગસ્ટ, 2012ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સીધો રાજકીય પડકાર ફેંક્યો છે.
2002 અને 2007ની ચૂંટણી મોદી વિરુદ્ધ કોંગ્રેસનો જંગ હતો. પરંતુ જાણકારો 2012ના ચૂંટણી જંગને મોદી વિરુદ્ધ કેશુભાઈ પટેલનો સીધો જંગ માની રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનીએ તો કેશુભાઈ પટેલ 10 વર્ષ સુધી ચુપ રહ્યા, તે મોદીની સ્થિરતાનું સૌથી મોટું કારણ છે. ભાજપના ચૂંટણી સમીકરણો કેશુભાઈ પટેલના ખુલીને વિરોધમાં નહીં આવવાથી મોદીને બહુ નડયા નથી.
કેશુભાઈ પટેલ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 6 વખત તેઓ ધારાસભ્ય રહ્યા અને એક-એક વખત લોકસભા તથા રાજ્યસભાના સાંસદ રહ્યા છે. તેમને ચૂંટણી દરમિયાન જ્ઞાતિ સમીકરણો બનાવવાની આગવી સૂઝ હોવાનું પણ માનવામાં આવે છે. કેશુભાઈ પટેલ ગુજરાતની પ્રભાવી પટેલ જ્ઞાતિના નેતા છે. તેમનો સૌરાષ્ટ્રમાં ઘણો મોટો બેઝ છે. વધારે માઈક્રો લેવલે વાત કરીએ તો કેશુભાઈ લેઉવા પટેલ જ્ઞાતિના નેતા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પટેલોની વસ્તી 1.20 લાખની છે અને તેમના મતદાતાઓની સંખ્યા અંદાજે 80 લાખની છે. તેમા લેઉવા પટેલોની સંખ્યા 65 ટકા થવા જાય છે.
ગત વર્ષ ખોડલધામ ખાતે પટેલ જ્ઞાતિએ બિનરાજકીય ગણાતો કાર્યક્રમ કર્યો હતો. ત્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીની સામે ખુલીને વિરોધમાં આવ્યા ન હતા. પરંતુ ખોડલધામના કાર્યક્રમની એક વિશિષ્ટતા હતી કે બોલાવવામાં આવેલા તમામ પટેલ નેતાઓને મંચની નીચે બેસાડવામાં આવ્યા હતા અને મંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ખોડલધામના સંમેલન બાદ કેશુભાઈ પટેલ મોદી સામે નવી પાર્ટી બનાવવાના વિચાર સાથે ખુલ્લેઆમ વિરોધમાં ઉતર્યા.
જો વાત કરીએ 2007ની તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 117 અને કોંગ્રેસને 59 બેઠકો મળી છે. જ્યારે 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 11 અને ભાજપને 15 બેઠકો મળી છે. 2009ની લોકસભાની ચૂંટણી નવા ડિલિમિટેશન પ્રમાણે થઈ હતી. જેમા વિધાનસભા બેઠકના મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો ભાજપને 107 બેઠકો પર અને કોંગ્રેસને 75 બેઠકો પર સરસાઈ મળી હતી. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દેખીતો 16 બેઠકોનો ફાયદો થયો અને ભાજપને 10 બેઠકોનું નુકસાન થયું છે.
જો કે ત્યાર બાદ 2010માં યોજાયેલી મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોની ચૂંટણીમાં ભાજપને 479 અને કોંગ્રેસને 144 કોર્પોરેશનોમાં સત્તા મળી છે, જ્યારે અન્યોના ખાતામાં 19 કોર્પોરેશનો ગઈ છે. ભાજપના હાથમાં 549 અને કોંગ્રેસના હાથમાં 240 જિલ્લા પંચાયતો છે, જ્યારે અન્યની પાસે 12 જિલ્લા પંચાયતો છે. ભાજપના હાથમાં 2456 અને કોંગ્રેસના હાથમાં 1438 તથા અન્યની પાસે 154 તાલુકા પંચાયત છે. આમ જોવો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ પરિણામો કેશુભાઈ પટેલના ભાજપમાંથી અલગ થયા પહેલાના છે. વળી ગ્રામ પંચાયતોની ચૂંટણી ભાજપ કે કોંગ્રેસના નિશાન પર નહીં લડાતી હોવા, છતાં કોંગ્રેસના ટેકેદાર સરપંચોની સંખ્યા વધારે હોવાનું માનવામાં આવે છે. ત્યારે કેશુભાઈ પટેલના ભાજપથી અલગ થયા બાદ તેના પરિણામો પર અલગ-અલગ પ્રકારના ક્યાસો લગાવાય રહ્યા છે.
ગુજરાતમાં 1975માં કોંગ્રેસના નેતાઓ ઝીણાભાઈ દરજી, સનત મહેતા અને માધવસિંહ સોલંકીએ ખામ થિયરી નામે જાણીતુ જ્ઞાતિ સમીકરણ રજૂ કર્યું હતું. તેનો મુખ્ય હેતુ રાજ્યની 20 ટકાથી વધારે વસ્તી ધરાવતી પટેલ જ્ઞાતિને સત્તામાંથી દૂર કરવાનું હતું. 1962ની ગુજરાતની પ્રથમ વિધાનસભાથી 1975 સુધીમાં ગુજરાતને ત્રણ વખત પટેલ મુખ્યમંત્રી મળ્યા. જો કે ત્યાર પછી કોંગ્રેસમાં પટેલ જ્ઞાતિ સિવાયના મુખ્યમંત્રી માટે ગણગણાટ શરૂ થઈ ગયો હતો. KHAM (થિયરી)માં 24 ટકા ક્ષત્રિય, 8 ટકા હરિજન, 15 ટકા આદિવાસી અને 12 ટકા મુસ્લિમોના મતોનું નવું જ્ઞાતિ સમીકરણ રજૂ કરીને તેના પર કામ કરવામાં આવ્યું. કોંગ્રેસને 1980માં 141 અને 1985માં 149 બેઠકો જીતવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. જેના પરિણામે માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનવાના મોકા મળ્યા હતા. માધવસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી અને અમરસિંહ ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા હતા. પરંતુ 1990માં વી. પી. સિંહના કોંગ્રેસ વિરોધી આંદોલન અને રામજન્મભૂમિથી ઉભી થયેલી રામલહેરમાં ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ થયું. 1990માં જનતાદળે ચિમનભાઈ પટેલ અને ભાજપે કેશુભાઈ પટેલના વડપણ નીચે ચૂંટણીમાં ગઠબંધન કરીને કોંગ્રેસને 149 બેઠકો પરથી સીધી 33 બેઠકો પર લાવી દીધી હતી. અહીંથી ફરી પાછો ગુજરાતના રાજકારણમાં પટેલ યુગ શરૂ થયો હતો. રાજકારણમાં ફરીથી પટેલ પાવર છવાવા લાગ્યો. પરંતુ પટેલ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ બે વખત મુખ્યમંત્રી બન્યા, પણ લાંબો સમય સત્તા પર રહી શક્યા નહીં.
1995માં શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલની સરકાર સામે બળવો કરીને અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટી સ્થાપી હતી. કેશુભાઈ પટેલની સરકાર ગણતરીના મહીનાઓમાં પડી ગઈ હતી. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા, તેમના પછી દિલીપ પરીખ મુખ્યમંત્રી બન્યા. પરંતુ કેશુભાઈ પટેલને 1998માં ફરીથી સત્તા મળી. જો કે ઓક્ટોબર-2001માં ભાજપ હાઈકમાન્ડે સત્તા પરિવર્તન કરીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેની પાછળ ભૂકંપ બાદ રાહત અને પુનર્વસનની કામગીરીમાં થનારા વિલંબને કારણ ગણવામાં આવ્યો. વળી બે પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડયો. જેના કારણે ભાજપ હાઈકમાન્ડ સામે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવા માટે રજૂઆતો થવા લાગી હતી.
કેશુભાઈ પટેલે સત્તા પરિવર્તનને સંઘના શિસ્તબદ્ધ સ્વયંસેવકની રાહે સ્વીકારી લીધું હતું. જો કે દશ વર્ષ સુધી તેમની થયેલી ઉપેક્ષાએ તેમને સંઘ પરિવારમાં મોદી વિરોધીઓનું નેતૃત્વ કરવા માટે મજબૂર બનાવી દીધા. રાજકીય વિશ્લેષકો પ્રમાણે, નરેન્દ્ર મોદી સામે ખુલ્લો બળવો કરવાની સૌથી પહેલી હિંમત શંકરસિંહ વાઘેલાએ કરી હતી. કેશુભાઈ પટેલની પહેલી સરકારમાં નરેન્દ્ર મોદી સુપર ચીફમિનિસ્ટર તરીકે વર્તતા હતા. વાઘેલાએ પોતાની થતી ઉપેક્ષા સામે બળવો પોકાર્યો હતો. જે કેશુભાઈ પટેલથી વધારે નરેન્દ્ર મોદી સામે હતો. વાઘેલા દ્વારા કરાયેલા બળવા બાદ નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી ખસેડી કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા.
સંઘ વર્તુળોમાં ચર્ચા છે કે કેશુભાઈ પટેલે 1995માં જ નરેન્દ્ર મોદીથી ચેતી જવાની જરૂરત હતી. વળી મુખ્યમંત્રી પદેથી કોઈપણ પ્રકારની આંતરીક સમજૂતી વગર હટવું પણ કેશુભાઈની ભૂલ હતી. સંઘ વર્તુળોના માનવા પ્રમાણે કેશુભાઈએ 10 વર્ષ કરતા વધારે સમય પોતાની ઉપેક્ષા સહન કરીને મોદીને શક્તિશાળી થવા દીધા છે. આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ, કિસાનસંઘ અને સંઘ પરિવારની અન્ય સંસ્થાઓમાં નરેન્દ્ર મોદીની આપખુદશાહી કાર્યશૈલી સામે અસંતોષ 2003થી શરૂ થયો હતો. જેના કારણે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ ગૌરવયાત્રા થકી ગોધરાકાંડના રમખાણોની પૃષ્ઠભૂમિમાં જ્વલંત જીત મેળવી હોવા છતાં, 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી માત્ર 14 બેઠકો અપાવી હતી. આના માટે ભાજપ અને સંઘ પરિવારના નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોદીના વિરોધમાં થયેલું કામ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
જાણકારોના માનવા પ્રમાણે, ગુજરાતમાં વિધાનસભા બેઠકો પર જીતના સમીકરણો લોકસભા બેઠકોથી સાવ અલગ છે. વળી મોદી વિધાનસભા બેઠકો જેટલી સિફતપૂર્વક મેનેજ કરી શકે છે, તેટલી સમજથી લોકસભા બેઠકોનું અંકગણિત ગોઠવી શકતા નથી. 2009ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને 15 અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. હાલ પોતાને વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર તરીકે પ્રસ્તુત કરવાની ઉઠાપઠકમાં મોદી માટે 2012ની વિધાનસભા ચૂંટણી રાજકીય જીવન-મરણનો પ્રશ્ન છે. નરેન્દ્ર મોદીએ ગત વર્ષે સદભાવના મિશન થકી પોતાની રાષ્ટ્રીય છબી સેક્યુલારિઝમના ઢોળથી ચમકાવાનો પ્રયત્ન કરી જોયો. જો કે ગોધરાકાંડ બાદના રમખાણો માટે મુસ્લિમ સમાજમાં નરેન્દ્ર મોદીની છાપ હજી પણ ખાસ વધારે સુધરી નથી. તેના કારણે મોદીના સદભાવના મિશનને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ માનવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીએ હજી સુધી કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. પરંતુ ચર્ચા હતી કે 2012માં સદભાવના મિશનની રાજનીતિમાં પડેલા નરેન્દ્ર મોદી બે-ત્રણ મુસ્લિમ નેતાઓને ભાજપની ટિકિટ આપે પણ ખરા.જો કે ભાજપે 2012માં યોજાનારી ચૂંટણીમાં પણ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. 
પરંતુ રાજકીય વિશ્લેષકો નરેન્દ્ર મોદીના સદભાવના મિશનને અડવાણીના જિન્ના પ્રકરણ સાથે સરખાવે છે. તેમનું એમ પણ માનવું છે કે મોદીએ સદભાવના ઉપવાસ ચૂંટણીના વર્ષ પહેલા કર્યા છે, તેથી તેની ચૂંટણીમાં તાત્કાલિક અસર પડશે નહીં. પરંતુ સંઘ પરિવારમાં મોદીની મુસ્લિમ તરફી રાજનીતિની ભારે ટીકા થઈ રહી છે. કેટલાંક નેતાઓ કહી રહ્યા છે કે 200 કરોડના ખર્ચે 33 સ્થાનો પર મુસ્લિમોને ગળે લગાડવા ભૂખ્યા રહેવાના તાયફા આજ સુધી ગુજરાતના કોઈ મુખ્યમંત્રીએ કર્યા નથી. મુસ્લિમોને ગળે લગાડનારા મુખ્યમંત્રીએ સ્ટેજ પર આરએસએસના પ્રાંત પ્રચારક અને પ્રાંત સંઘચાલકનું માન જાળવ્યું નથી, તેમને બીજી લાઈનમાં બેસાડયા હતા. વળી મંચ પર ઉપસ્થિત સાધુ-સંતોના ચરણસ્પર્શ કરવાની પણ મુખ્યમંત્રીએ દરકાર લીધી ન હતી. સદભાવના મિશનને કારણે મોદી પર પણ મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ સંઘ પરિવારમાંથી છાને ખૂણે લગાવવામાં આવી રહ્યો છે.
તેની સામે કેશુભાઈ પટેલની રાજનીતિ પણ સ્પષ્ટ છે તેમણે કહ્યુ છે કે તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી સંઘ વિચારની પૃષ્ઠભૂમિમાં આગળ વધશે. ગુજરાત જેવા ડાર્ક હિંદુત્વવાળા રાજ્યની રાજનીતિને ધ્યાનમાં રાખીને કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી સંદર્ભે ખાસ કાળજી લીધી છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપના વખતે મંચ પર કોઈ મુસ્લિમ નેતાને હાજર રાખ્યો નથી. કેશુભાઈની પાર્ટીમાં હજી સુધી લઘુમતી સેલ બનાવવામાં આવ્યો નથી. તેની પાછળનું કારણ મોદી દ્વારા કેશુભાઈની પાર્ટીને મુસ્લિમો તરફ ઝોકવાળી પાર્ટી ગણાવવાનો ડર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યાત્રા અને કેશુભાઈ પટેલની પરિવર્તન યાત્રા ગુજરાતે જોઈ છે. વિવેકાનંદ યાત્રામાં સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો છે, જ્યારે પરિવર્તન યાત્રામાં આવી કોઈ તૈયાર મશીનરી વપરાય નથી. તેની સામે કોંગ્રેસે આ બંને યાત્રા પહેલા આદિવાસી વિસ્તારો અને દરિયાકિનારાના વિસ્તારોમાં યાત્રાઓ કરી છે અને ક્ષત્રિય સંમેલનો પણ કર્યા છે. પરંતુ કોંગ્રેસ એટલી સક્રિય દેખાતી નથી. તેની પાછળનું કારણ એ છે કે તેમણે પણ માની લીધું છે કે જંગ મોદી અને કેશુભાઈ વચ્ચેનો છે. કેશુભાઈ પટેલ ભાજપના મત તોડે અને તેનો કોંગ્રેસને ફાયદો થશે તેવી પણ તેમને આશા છે. પરંતુ સ્થિતિ ઊંટનો લબડતો હોઠ જોઈને તેની નીચે ચાલતા શિયાળ જેવી છે.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલનો બેઝ ભાજપના વોટરો છે. પટેલો પરંપરાગત રીતે ભાજપના વોટર રહ્યા છે. કેશુભાઈ પટેલ પટેલ વોટરો અને સંઘ વિચારધારા સાથે સંકળાયેલા વોટરોને પોતાની તરફ ખેંચશે. આ સિવાય તેઓ ઠાકોર સમાજને પણ પોતાની સાથે જોડવા માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છમાં કચ્છી પટેલોનું મોટું મોબીલાઈઝેશન કરવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ આદિવાસી સમાજો સાથે જ્ઞાતિ સમીકરણો બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
એક ગણતરી પ્રમાણે, ભાજપ-કોંગ્રેસ વચ્ચે 1995થી 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં સરેરાશ 10 ટકાનું અંતર રહ્યું છે. કેશુભાઈ પટેલ ભાજપના 10થી 15 ટકા વોટ પણ તોડે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર ઘટે અને ભાજપને બેઠકોનું નુકસાન જઈ શકે છે. જો કે તેનો ફાયદો કોંગ્રેસને કહી શકાય તેમ નથી. કારણ કે ગુજરાત પરિવર્તન પાર્ટી 20થી 25 બેઠકો જીતવા માટે જ લડશે. જ્યારે 30 બેઠકોમાં ભાજપ કપાય તેવો પણ પ્રયત્ન કરી શકે છે. આવા સંજોગોમાં ગુજરાતમાં ગુજરાત પરિવર્તન પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે. પરંતુ તેમની નીતિ સ્પષ્ટ છે કે તેઓ જીત્યા પછી કોંગ્રેસને ટેકો નહીં આપે. પરંતુ ભાજપને ટેકાની જરૂર હશે, તો મોદી અને તેમના મળતિયા વગરની સરકાર બનાવવાની શરત ગુજરાત પરિવર્તન પાર્ટી મુકી શકે છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વીએચપીની ઝીણવટભરી નજર છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નાગપુર સંઘના મુખ્યમથકે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. તો તેના બીજા દિવસે કેશુભાઈ પટેલે અમદાવાદમાં પ્રાંત સંઘ કાર્યાલય અને વીએચપી મુખ્યાલયની મુલાકાતો લીધી છે. માનવામાં આવે છે કે કેશુભાઈ પટેલ માટે વીએચપીમાં લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે સંઘના પ્રાંત સંગઠનમાં કેશુભાઈ માટે કોઈ છોછ નથી.
જાણકારોના માનવા પ્રમાણે, શંકરસિંહ વાઘેલાના ભાજપમાં બળવા સમયે સંઘ પરિવારની સંસ્થાઓ સંપૂર્ણપણે તેમની વિરુદ્ધ હતી. જ્યારે કેશુભાઈ પટેલને સંઘ પરિવારમાંથી ઘણો મોટો સાથ-સહકાર મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલા સાથે 45 ધારાસભ્યો હતા. પરંતુ ક્ષત્રિય વોટરો ભાજપના પરંપરાગત વોટરો ન હતા. તેથી 1998ની ચૂંટણીમાં વાઘેલાની રાજપાએ 11.86 ટકા વોટ મેળવ્યા. જેમાં મોટા ભાગના કોંગ્રેસી વોટ હતા. જેને કારણે કોંગ્રેસને તે ચૂંટણીમાં સીધું નુકસાન ગયું. જ્યારે કેશુભાઈ પટેલ સાથે હાલ કોઈ ધારાસભ્ય કે ભાજપના મોટા પદાધિકારીઓ ખુલીને સાથે આવ્યા નથી. પરંતુ પટેલ સમુદાયના તેઓ નિર્વિવાદ કદ્દાવર નેતા છે. ત્યારે પટેલ વોટરોની સિમ્પથી ઘણો મોટો ઉલટફેર કરે તેવી શક્યતા છે. કારણ કે પટેલ વોટરો મોટેભાગે ભાજપના વોટર છે. તેની સાથે સંઘની વિચારધારાને માનનારા ગુજરાતના ઘણાં લોકો નરેન્દ્ર મોદીથી ગોચર,ગોહત્યા જેવા મુદ્દાઓ પર નારાજ છે. તેથી તેમને પણ કેશુભાઈ રાજકીય વિકલ્પ પુરો પાડી રહ્યા છે.
આમ છતા નરેન્દ્ર મોદીની સ્થિતિ એટલા માટે મજબૂત માનવામાં આવે છેકે સંઘ પરિવારની સંસ્થાઓએ ગુજરાતમાં હિંદુત્વનો પ્રચાર કરતી વખતે કોંગ્રેસનો વિલન અને મુસ્લિમ લીગ સમાન ગણાવી છે. લોકો હજી પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, તેવું વ્યાપકપણે ઈચ્છી રહ્યા નથી. ત્યારે કેશુભાઈ પટેલ સરકાર ન બનાવી શકવાના હોય, તો તેવા સંજોગોમાં તેમના માટે હિંદુત્વના હીરો રહેલા નરેન્દ્ર મોદી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના પ્રસંગો બાદ નરેન્દ્ર મોદી હિંદુ હ્રદય સમ્રાટ બન્યા હતા. તેઓ હજી પણ ગુજરાતના આમ હિંદુઓમાં હ્રદય સમ્રાટનું સ્થાન ભોગવી રહ્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય જમીન તેમની હિંદુત્વવાદી ઈમેજ છે. ત્યારે 20મી ડીસેમ્બરના પરિણામો જ બતાવશે કે હિંદુત્વની ટ્રેનમાંથી વિકાસરથ પર બેસીને હવે સદભાવનાના રાજકારણનો રસ્તો પકડનારા મોદીની ઈમેજ કેટલી બદલાઈ છે. 

ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

કેશુભાઈની પાર્ટી દ્વારા સંઘ પરિવારની રાજકીય દિશા બદલાઈ શકે



- આનંદ શુક્લ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતના રાજકારણમાં હિંદુત્વના પોતાના એજન્ડાને આગળ વધારવા માટે બે રાજકીય વિકલ્પો અત્યાર સુધીમાં આપ્યા છે. 1952માં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વમાં ભારતીય જનસંઘની સ્થાપના આરએસએસના તત્કાલિન સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી. પરંતુ કટોકટી બાદની રાજકીય પરિસ્થિતિમાં જનસંઘ સામુહિક રીતે જનતા પાર્ટીમાં વિલિન થઈ ગયું. જનસંઘમાંથી જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓના બેવડા સભ્યપદના મામલે ઉઠેલા વિવાદમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1979-80માં ભાજપની સ્થાપના થઈ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારત વિભાજન બાદ દેશની સેક્યુલર રાજનીતિને હિંદુત્વના રસ્તે ચઢાવવાના એજન્ડાને આગળ વધારવા માટે ઉભા કરવામાં આવેલા રાજકીય વિકલ્પો એક યા બીજા કારણોસર નકામા સાબિત થયા. ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતના વર્ષોમાં પોતાની વિચારધારાનો આધાર ગાંધિયન સોશ્યાલિઝમને રાખ્યો. જો કે તેના આધારે તેમને 1984ની લોકસભા ચૂંટણીમાં માત્ર બે બેઠકો મળી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા કરવામાં આવેલી હત્યાને કારણે સિમ્પથી વેવનો ભરપૂર લાભ મળ્યો હતો.

પરંતુ રામજન્મભૂમિ આંદોલનને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ હિંદુ પરિષદના હાથમાંથી રાજકીય એજન્ડા સાથે લઈને ભારતીય રાજનીતિમાં સત્તાસ્થાને પહોંચવામાં કામિયાબી મેળવી. 1996, 1998, 1999માં અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં અનુક્રમે 13 દિવસ, 13 માસ અને એક ટર્મ માટે સત્તામાં રહેવાનો એનડીએના નેજા નીચે ભાજપને મોકો મળ્યો. રામજન્મભૂમિના રથ પર સવાર થનારા ભાજપે રામરથની સવારી સત્તા માટે છોડી દીધી. તેની સાથે 2004 સુધીમાં હિંદુત્વની વિચારધારાના મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળ હિંદુત્વવાદી એજન્ડાને પુરા કરવાની તાકાત પણ ગુમાવતી નજરે પડી. ભાજપને સુધારવાની અથવા કોઈ મજબૂત રાજકીય વિકલ્પ ઉભો કરવા માટે સંઘ પરિવારમાં ગણગણાટ શરૂ થઈ ગયો. 2009ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપના નેતૃત્વવાળું એનડીએ હાર્યું. ત્યારે સંઘના નવનિર્વાચિત સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરપી અથવા સર્જરીની જરૂર હશે, તો તેને કરવાની વાત સાર્વજનિક રીતે કરી.

હિંદુત્વવાદી એજન્ડાને આગળ વધારનારા રાજકીય વિકલ્પના તૂટવાનો અફસોસ ઉંડે ઉંડે સંઘ પરિવારના નેતાઓમાં નવું ચિંતન, મનન અને મંથન પેદા કરનારો સાબિત થયો. જો કે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટપણે ભાજપના રાજકીય વિકલ્પ તરીકે નવો રાજકીય પક્ષ સ્થાપવાની વાતને દ્રઢતાથી નકારી નાખી હતી. પરંતુ તેમ છતાં સંઘ પરિવારમાં રાજકીય વિકલ્પ તરીકે અપ્રાસંગિક બનતા જતા ભાજપ અને તેના નેતાઓ પ્રત્યે અસંતોષનું પ્રમાણ કાયમ રહ્યું છે. સંઘના રોજિંદા કામમાંથી દૂર થયેલા નેતાઓએ ભાજપનો રાજકીય વિકલ્પ શોધવાની કવાયત ક્યારની શરૂ કરી દીધી છે. ક્યારેક બાબા રામદેવને રાજકીય એજન્ડા માટે તૈયાર કરવાની કોશિશ થઈ, તો ક્યારેક અણ્ણા હજારેના મુસ્લિમ તરફી ધર્મનિરપેક્ષતાવાદી આંદોલનને હાઈજેક કરવાનો પુરો પ્રયત્ન કરવામાં આવ્યો.

જો કે અણ્ણા હજારે કોંગ્રેસ વિરોધી વાતાવરણ અને આંદોલન બંને ઉભું કરવામાં નિષ્ફળ ગયા. અણ્ણા ખુદ રાજકીય વિકલ્પ આપવાની વાત કરી ચુક્યા છે. પરંતુ અરવિંદ કેજરીવાલ આણિ મંડળીના રાજકીય વિકલ્પમાં સંઘ પરિવારના એજન્ડાને જરાપણ સ્થાન નહીં મળે તે સ્પષ્ટ થઈ ચુક્યું છે. તેને કારણે સંઘ પરિવાર હવે આ સંદર્ભે કોઈ મહેનત કે કડાકૂટમાં પડવા માંગતો નથી. અણ્ણાના અનુભવ પછી બાબા રામદેવને વિકલ્પ તરીકે જોવામાં ખૂબ સાવચેતીઓ દાખવવામાં આવી રહી છે.

જો કે અત્યાર સુધી હિંદુત્વવાદી રાજનીતિનું પ્રબળ કેન્દ્ર રહેલા ગુજરાતમાં પ્રાંતિય સ્તરે ભાજપનો રાજકીય વિકલ્પ ઉભો થયો છે. 4 ઓગસ્ટે ભાજપમાં 60 વર્ષ કામ કરનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રવર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિના વિરોધમાં રાજીનામું આપીને 6 ઓગસ્ટે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. આ પાર્ટીમાં કેશુભાઈ ઉપરાંત કાશીરામ રાણા, સુરેશ મહેતા, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયા સહીતના ઘણાં નેતાઓ છે. હજી ઘણાં નેતાઓ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને સંઘના વરિષ્ઠ પ્રચારક ભાસ્કરરાવ દામલે અને નેતા પ્રવિણ મણિયારના આશિર્વાદ પણ પ્રાપ્ત છે.

કેશુભાઈ પટેલનુ કહેવુ છે કે તેમની નવી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શો પર ટકેલી હશે અને અસલી ભાજપની ભૂમિકા નિભાવશે. તેઓ આ વાત જ્યારે કહી રહ્યા હતા, ત્યારે સંઘના દિગ્ગજ નેતા પ્રવિણ મણિયાર અને ભાસ્કરરાવ દામલે હાજર હતા. એક સચ્ચાઈ એ પણ છે કે જ્યારથી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાનો સિક્કો ચલાવ્યો છે, ત્યારથી બાકીના તમામ સિક્કાઓનું ચલણ બંધ થઈ ગયું છે, પછી તે સિક્કો સંઘ પરિવારના સંગઠનોનો કેમ ન હોય.

નરેન્દ્ર મોદી અત્યારે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી વધારે આગળ છે. ભાજપના ઘણાં કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા ઈચ્છી રહ્યા છે. પરંતુ નરેન્દ્ર મોદી સામે બે મુશ્કેલી છે, પહેલી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજું ભાજપની કેન્દ્રીય નેતાગીરી સાથે અહમનો ટકરાવ. 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો બાદ મોદીને કોમવાદી ગણવાની ભારતીય રાજનીતિમાં ફેશન ચાલી છે, આને હિંદુત્વ ગણવાની ફેશન ચાલી છે. મોદીના વધેલા રાજકીય કદનો સામનો કરવા અને તેમને દેશની રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવા માટે ખુબ વ્યૂહાત્મક રીતે ભાજપના જ કેટલાંક કેન્દ્રીય નેતાઓની મિલીભગતથી મોદી કોમવાદી હોવાની વાત વારંવાર ગણતરીપૂર્વક ઉછાળવામાં આવી. ઘણાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2004 સુધીમાં મોદીની દેશમાં લોકપ્રિયતાથી ગભરાઈને જ ભાજપે હિંદુત્વના એજન્ડાને છોડીને વિકાસ અને અટલજીના નામે વોટ માંગ્યા હતા, કારણ કે જો ભાજપ હિંદુત્વના એજન્ડા પર આગળ વધત તો અટલજીના રાજનીતિમાંથી નિવૃત થયા બાદ નરેન્દ્ર મોદીને જ તેમના વધેલા રાજકીય કદને કારણે કેન્દ્રમાં મોટી ભૂમિકા આપવી પડે.

બીજી તરફ સેક્યુલરવાદના નામે મુસ્લિમ તરફી રાજનીતિમાં ગળાડૂબ નીતિશ કુમારે એક અખબારના આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે એનડીએનો વડાપ્રધાન પદનો ઉમેદવાર સેક્યુલર છબીવાળો હોવો જોઈએ. તાજેતરમાં અખબારી અહેવાલ પ્રમાણે નીતિશ કુમારે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પાસે ખાતરી માંગી છે કે નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ નહીં કરે. જો કે ગડકરીએ કહ્યુ છે કે એનડીએના તમામ પક્ષો સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. પરંતુ આ તમામ કવાયતમાં એક વાત સ્પષ્ટ છેકે નરેન્દ્ર મોદી પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા માટે જોર લગાવશે અને નીતિશ કુમાર તેના કારણે જેડીયૂ સાથે એનડીએમાંથી બહાર નીકળી જશે.

બીજી તરફ ગુજરાતમાં મોદી અને ભાજપની મુશ્કેલી એ છે કે કેશુભાઈની નવી પાર્ટી તમામ મોદી વિરોધીઓનું કેન્દ્ર તો બનશે જ, સાથે સંઘની વિચારધારાત્મક શક્તિઓ પણ સાથે આવી જશે. મોદી માટે સૌથી વધારે ચિંતાજનક કોઈ બાબત હશે, તો તે હશે કે ગત બે દશકમાં પહેલીવાર શક્તિશાળી 1 કરોડ 68 લાખની વસ્તી ધરાવતા પટેલ સમુદાયને ભાજપનો એક સ્પષ્ટ રાજકીય વિકલ્પ મળશે. મહત્વપૂર્ણ છે કે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પટેલ સમુદાયના ભાજપ તરફ ઝુકવાના પહેલા 80ના દાયકામાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી દ્વારા પ્રચલિત ખામ (ક્ષત્રિય, આદિવાસી, મુસ્લિમ અને હરિજન) થિયરીની ગુજરાતની રાજનીતિમાં બોલબાલા હતી.

રાજ્યના પટેલ સમુદાયને કોંગ્રેસના હાથમાંથી સત્તા છિનવીને ખામ થિયરીને અપ્રસ્તુત બનાવીને ભાજપને સત્તામાં આગળ વધારવાનું શ્રેય જાય છે. પરંતુ પાર્ટીની અંદરની રાજનીતિમાં કેશુભાઈ જેવું સશક્ત પટેલ નેતૃત્વ મોદી હાથે પરાસ્ત થયું તે પણ એક હકીકત છે. પરંતુ હવે કેશુભાઈ પટેલ પોતાના તમામ દમખમથી પાર્ટી બહાર ખુલ્લા રાજકીય મેદાનમાં ચૂંટણી જંગ ખેલવાના છે.  જો કે આ પરિસ્થિતિ છતાં નરેન્દ્ર મોદી ગુજરાતની સત્તા પર પકડ જમાવી રાખશે, તો ભાજપના હાઈકમાન્ડ માટે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રોકવાનું કોઈ કારણ બાકી રહેશે નહીં.

આવી પુરી શક્યતા છે, કારણ કે મોદી  સામે ભાજપના વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વધારે કંઈ થઈ રહ્યું નથી. રાજકીય વર્તુળોની ચર્ચા પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસ જેમના હાથમાં છે, તેમણે પીઠ પાછળ મોદી સાથે હાથ મિલાવી રાખ્યા છે. સંઘ પરિવારની શક્તિઓના નારાજ થવાનું એક કારણ એ પણ છે કે તેમના દ્વારા સૂચવવામાં આવેલા કામ મોદી કરતા નથી, પરંતુ કોંગ્રેસીઓના કામ ફટાફટ કરી નાખે છે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે શું કેશુભાઈની નવી પાર્ટી આટલી જલ્દી પોતાનું સંગઠન ઉભું કરીને મોદીના નેતૃત્વમાં ચાલનારી સક્ષમ ચૂંટણી મશનરીને ટક્કર આપી શકશે કે જે ગત બે ચૂંટણીમાં જીતનો સ્વાદ ચાખી ચુકી છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે ભાજપને સત્તાની બહાર કરવામાં કેશુભાઈ પટેલ સફળ થશે, તો નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન પદ માટેનો રથ ગુજરાતમાં જ થંભી જશે.

પટેલ, મોદી અને નીતિશનો ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે અને કચ્ચરઘાણ ભાજપના ખુદના હિતોનો નીકળી રહ્યો છે. આ જંગમાં જીતનાર પોતપોતાના હિત સાધી શકશે, પરંતુ ભાજપના હિત કોરાણે મૂકાશે. આ દુવિધાના પરિણામો દૂરગામી હોઈ શકે . જો ગુજરાતમાં ભાજપને કેશુભાઈ પટેલની નવી પાર્ટી ટક્કર આપી શકશે, તો સંઘ પરિવારના રાજકીય વિકલ્પ શોધનારા જૂથ માટે નવી દિશા ખુલશે. કેશુભાઈ પટેલની પાર્ટીને સંઘ પરિવારની વિચારધારાની વધારે નજીક માનવામાં આવી રહી છે, ત્યારે તેની કોઈપણ પ્રકારની સફળતા સંઘ માટે એકદમ નવો અનુભવ હશે. આ અનુભવ પછી કદાચ સંઘ રાષ્ટ્રીય સ્તરે પણ વિચારધારાત્મક રીતે વધારે કટિબદ્ધ એક રાજકીય વિકલ્પ સંદર્ભે પણ વિચાર કરી શકશે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીનું સારું પ્રદર્શન સંઘ પરિવારની રાજનીતિની દશા અને દિશા સ્થાયીપણે બદલી શકે છે.

મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

ગુજરાત પરિવર્તન પાર્ટીએ “પરિવર્તન પથ” તૈયાર કરવો પડશે


-          આનંદ શુક્લ
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, શાશ્વત નિયમ છે. પરિવર્તનથી અસ્તિત્વ ટકે છે. પરિવર્તન વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની અગ્રિમ જરૂરિયાત છે. દુર્પરિવર્તનો સામે પરિવર્તનો પોતાની ઓળખ સાથે આગળ વધવા માટે જરૂરી છે. ભારત માટે કહેવામાં આવે છે કે પરિવર્તનો સામે સુમેળ સાધવાની ભારતીય સમાજની વૃતિ અને પ્રવૃતિએ ભારતનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે વાવાઝોડાંમાં અક્કડ રહેનારા ઝાડ મૂળમાંથી ઉખડી જાય છે અને ઝુકી જનારા પોતાનું અસ્તિત્વ ટકાવી જાણે છે.
પરિવર્તનો હંમેશા સ્થાપિત બાબતોમાં થતા હોય છે. પછી તેમાં સુધારા માટે હોય કે તેમા ફેરફાર કરવા માટેના હોય. સ્થાપિત બાબતોમાં પરિવર્તનો તેનો ઢાંચો અને તેમા રહેલા લોકો સહન કરી શકતા નથી. તેથી પરિવર્તનોનો જોરશોરથી વિરોધ થતો હોય છે કે પરિવર્તનો સંદર્ભેની તેઓ ખુદ વાતો શરૂ કરી દેતા હોય છે. આ બંને પરિસ્થિતિ પરિવર્તનો સામેના પડકાર છે. ગુજરાતમાં સત્તા પરિવર્તન અને વ્યવસ્થા પરિવર્તનના ખુલ્લા ઉદેશ્ય સાથે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની 6 ઓગસ્ટ, 2012ના રોજ ઘોષણા કરી છે. તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક અધ્યક્ષ બન્યા છે. ટૂંક સમયમાં પદાધિકારીઓ અને અન્ય સંગઠનાત્મક બાબતોની ઘોષણા પણ થવાની છે.
કેશુભાઈ પટેલ 83 વર્ષની જૈફવયે ફરીથી પરિવર્તન માટેનું નિમિત્ત બનવા તૈયાર થયા છે. તેમણે પોતાની 60 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલા ભારતીય જનસંઘ અને બાદમાં ભાજપમાં પૂર્ણ સમર્પણથી કામ કર્યું. ગુજરાતના ગામડેગામડે જનસંઘ અને ભાજપને પહોંચાડવા માટે કેશુભાઈ પટેલે પોતાની સંગઠનાત્મક શક્તિથી સિંહફાળો આપ્યો હોવાની વાત તમામે સ્વીકારવી પડે તેમ છે. ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલનું કદ ભીષ્મ પિતામહ જેવું છે. પરંતુ આ એક એવા ભીષ્મ પિતામહ છે કે જેમણે દુર્યોધન બની ચુકેલા શાસકોના દુશાસનવાળા હસ્તિનાપુરને છોડી દીધું છે. તેમણે પ્રજાધર્મ નિભાવવા માટે સત્તા પરિવર્તનથી વ્યવસ્થા પરિવર્તનની હાકલ કરી છે.
જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે બે માસ લીડર હતા, પહેલા કેશુભાઈ પટેલ અને બીજા શંકરસિંહ વાઘેલા. ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય વ્યૂહરચનાકારની ભૂમિકા નિભાવતા હતા. ભાજપે પોતાને પાર્ટી વિથ ડિફરન્સ ગણાવ્યો છે. પરંતુ તેમા એટલા બધાં ડિફરન્સ ઉભા થયા છે કે કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને નરેન્દ્ર મોદી ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી પદે છે. ભાજપના ત્રણેય મોટા કદના નેતાઓ જેના કારણે ભાજપ ગુજરાતમાં મજબૂત બની તેઓ આજે ત્રણ અલગ-અલગ ખેમામાં છે.
શંકરસિંહ વાઘેલાએ 1996માં બળવો કર્યો ત્યારે તેમની સાથે 46 ધારાસભ્યોએ ભાજપ છોડયું હતું. શંકરસિંહ વાઘેલાના ત્યારથી અત્યાર સુધી આવેલા નિવેદનો એક વાતની ચાડી ખાય છે કે તેમને વાંધો કેશુભાઈ પટેલ સામે ન હતો. તેમનો મુખ્ય વાંધો કેશુભાઈ પટેલની સરકાર વખતે સુપર ચીફ મિનિસ્ટર તરીકે વર્તતા નરેન્દ્ર મોદી સામે વાંધો હતો. કેશુભાઈ પટેલે ભાજપમાંથી રાજીનામું આપીને ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી છે. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાક્ષસ ગણાવ્યા છે અને તેમનો જીવ વોટોમાં હોવાનું પણ કહ્યુ છે. તેમણે ભાજપ વ્યક્તિલક્ષી પાર્ટી બની ગઈ હોવાની હૈયાવરાળ પણ ઠાલવી છે.
કેશુભાઈ પટેલનું ભાજપ છોડવું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કદાચ દુ:ખદ ઘટના નહીં હોય, પરંતુ ભાજપ માટે ચોક્કસ દુ:ખદ ઘટના છે અને તેમણે આ બાબતે આત્મચિંતન કરવું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ચુક્યું છે. કહેવાય છે કે ગુજરાતમાં આજ સુધી બનેલા ત્રીજા મોરચાના બાળમરણના પુનરાવર્તનનું જોખમ ગુજરાત જનતા પાર્ટી પર પણ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી ચિમનભાઈ પટેલ, રતુભાઈ અદાણી અને ભાજપમાંથી શંકરસિંહ વાઘેલાએ બિનકોંગ્રેસી-બિનભાજપી ત્રીજા મોરચા માટે ગંભીરતાથી પ્રયત્ન કરી જોયા, પરંતુ આ કોશિશો સરેઆમ નાકામ ગઈ છે.
કેશુભાઈ પટેલના ત્રીજા વિકલ્પને જનતા સ્વીકારશે કે નહીં તેનો પ્રશ્ન ઉભો છે. પરંતુ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના પહેલા યોજાયેલા છ પરિવર્તન મહાસંમેલનોમાં ઉમેટેલા લોકોને જોતા લાગે છે કે કેશુબાપાની પરિવર્તનની હાકલ ઝીલનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. સોમવારે ગાંધીનગર ખાતે તેમના બંગલે ઉપસ્થિત અઢીથી ત્રણ હજારની ભીડમાં 50 વર્ષથી નીચેના લોકો મોટા પ્રમાણમાં દેખાતા હતા.
રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે, કેશુભાઈ પટેલ જમીન સાથે જોડાયેલા માણસ છે. 60 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં તેમણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ખુંદીને જાતેસંપર્ક ઉભો કર્યો છે. 50 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને કેશુભાઈ પટેલ માટે સહજ રીતે લાગણી છે. ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે 2012ની ચૂંટણીમાં મોટા પડકાર સાબિત થશે.
તેમના માનવા પ્રમાણે, ગુજરાતમાં અત્યારે ખરેખર પરિવર્તનની જરૂર છે. અહીં વિકાસ થયો છે, પરંતુ તેનું ગ્લેમરાઈઝેશન થયું છે અને તેનો સૌથી મોટો ફાયદો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો છે. વિકાસ કરતા વિકાસની વાતો ઘણી વધારે અને મોટી થઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સૂરત જેવા શહેરોમાં વિકાસના કામો થયા છે, પણ આમ આદમીને તેની કિંમત પણ ચુકવવી પડી છે. ગુજરાતના અંતરિયાળ ગામડામાં હજી પરિસ્થિતિ સુધરી નથી. શિક્ષણની બાબતમાં રાજ્ય પાછળ છે, બાળકોમાં કુપોષણની બાબતમાં પણ ખરાબ સ્થિતિ છે, માનવવિકાસ સૂચકાંકમાં પણ ગુજરાત પાછળના ક્રમે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક રાષ્ટ્રીય સામાયિકે સતત પાંચ વર્ષ સુધી નંબર વન ગણાવ્યા છે. રાજ્યમાં ચોરી, લૂંટ, બાળકોના અપહરણની ઘટનાઓ બહુમોટા પ્રમાણમાં થઈ છે. લાખોની લૂંટને કાયદો અને વ્યવસ્થાની ઢીલ ગણવાને બદલે વિકાસનું કારણ બનાવીને ગૌરવ લેવાય રહ્યું છે.
આ સિવાય રાજ્યમાં ઉદ્યોગો આવી રહ્યા હોવાનું દેખાડવા માટે વાઈબ્રન્ટ ગુજરાતના નામે મોટા વૈભવી અને ગ્લેમરસ તામજામ દર બે વર્ષે યોજવામાં આવે છે. પરંતુ આંકડા જણાવી રહ્યા છે કે વાઈબ્રન્ટ ગુજરાત નહીં યોજતા રાજ્યો વિદેશી મૂડી રોકાણના મામલે ગુજરાત કરતા આગળ છે. 2002ના કોમી રમખાણોની ઘટનામાં પોતાની કલંકિત છબી સાફ કરવા માટે મુખ્યમંત્રી મોદી વિકાસની માળા જપી રહ્યા છે અને તેનું ગ્લેમરાઈઝેશન કરી રહ્યા છે. જો કે હકીકત એ છે કે ગુજરાતમાં આવનારા ઉદ્યોગોને પાણીના ભાવે જમીનો અને સવલતો આપવામાં આવી રહી છે. તેમાંથી ઉભી થતી રોજગારી ગુજરાતીઓને સ્થાને બહારના રાજ્યોના લોકોને વધારે પ્રમાણમાં મળી રહી છે. ઉદ્યોગો માટે ગોચરની જમીનોના પણ કેટલેક ઠેકાણે વહીવટ થયા છે, તો કેટલેક ઠેકાણે ખેતીલાયક જમીનો પણ કાઢી આપવામાં આવી છે.
રાજકીય નિરીક્ષકોના માનવા પ્રમાણે, ગુજરાતને વિકાસ દોડમાં આગળ દેખાડીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વિકાસપુરુષની છબી ચમકાવીને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વોચ્ચ પદે જવા માટે વ્યૂહાત્મક રીતે કામ કરી રહ્યા છે અને તેમાં ગુજરાતના હિતોની બલિ આપવાની વૃતિ પણ રાજ્યની અસ્મિતાની વાતો કરનારા મુખ્યમંત્રી ધરાવે છે.
આ સિવાય ગુજરાતમાં હિંદુત્વની રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે જ ભાજપ 1995થી અઢી વર્ષના ગાળાને બાદ કરતા ગુજરાતમાં સત્તા પર રહ્યો છે. હિંદુત્વ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા ગાય અને ગોચરના મુદ્દે મોદી સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ તાજેતરમાં કહ્યુ છે કે 1990 બાદ ગુજરાતમાં ગોહત્યા સદંતર બંધ હતી. ગોભક્ષકો અને ગોહત્યારાઓ ફફડતા હતા, પરંતુ રાજ્યમાં હવે છેલ્લા એક વર્ષમાં 68 હજાર કિલોગ્રામ ગોમાંસ ઝડપાયું છે. તેમનો કહેવાનો અર્થ રાજ્યમાં ગાય અને ગોવંશની હત્યાઓ થઈ રહી છે. રાજ્યમાં 187 લાખ હેક્ટર જમીનમાંથી માત્ર સાડા આઠ લાખ ગોચરની જમીન બાકી રહી છે. રાજ્યના અઢી કરોડ ઢોરઢાંખરના પાલન માટે કુલ 40 લાખ હેક્ટર જમીનની જરૂરત છે. ત્યારે આ સાડા આઠ લાખ ગોચરમાંથી જમીનોનો વહીવટ કરવાનો પ્લાન સરકાર બનાવતી હોવાના આક્ષેપો તેજ બન્યા છે. ત્યારે હિંદુત્વવાદી વિચારધારા ધરાવતા સંગઠનોમાં મોદી સરકાર સામે વિચારધારાત્મક સ્તરે પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
આ સિવાય ધાર્મિક સ્થાનો હટાવવાના કોર્ટના આદેશ બાદ ગુજરાત સરકારે ગાંધીનગરમાં 300 જેટલા મંદિરો હટાવ્યા છે. આ કાર્યવાહી અમદાવાદ, ભાવનગર, વડોદરા જેવા સ્થાનો પર સીમિત રીતે કરવામાં આવી છે. પરંતુ ધાર્મિક સ્થાનો હટાવવાની કાર્યવાહીમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ છે કે હિંદુ ધાર્મિક સ્થાનનો મોદી સરકારે કચ્ચરઘાણ વાળ્યો છે, પરંતુ મુસ્લિમ ધાર્મિક સ્થાનો પ્રત્યે ખૂબ સદભાવનાજાળવી છે. ધર્મ ગુજરાતની પ્રજાની નસેનસમાં છે. ધાર્મિક સ્થાનો હટાવવા જેવી સંવેદનશીલ બાબતો સંદર્ભે મોદી સરકારે ધાર્મિક-સાંસ્કૃતિક અને સામાજિક સંગઠનો તથા લોકોને વિશ્વાસમાં લેવાનું જરાપણ યોગ્ય માન્યું નથી.
આ સિવાય અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રોના થયેલા કામોમાં કુલ 80 હજાર વૃક્ષોનો કચ્ચરઘાણવાળી દેવામાં આવ્યો છે. કુલ અંદાજે 4500 જેટલા મકાનોને વિકાસના કામોની નકારાત્મક અસરો પહોંચી છે. આ મકાનોમાંથી મોટાભાગના હિંદુ વિસ્તારમાં આવેલા છે. વિકાસના કામો મુસ્લિમ વિસ્તારો પાસે એટલા માટે રોકી દેવામાં આવે છે કે સરકાર અહીં કોઈ વિવાદ કે ઘર્ષણ કરવા માંગતી નથી. અમદાવાદ અને સૂરત જેવા ગુજરાતના મહાનગરો ખૂબ ચમકે તેની સામે કોઈને વાંધો નથી. પરંતુ વિકાસ માટે દંડાની જગ્યાએ લોકોને સહમત કરીને ભેદભાવ વગર કામો કરવામાં આવે તે સૌથી વધારે ઈચ્છનીય છે.
આ તમામ બાબતોમાં પરિવર્તનોની તાતી જરૂરિયાત છે. વિકાસના નામે ઉભા કરવામાં આવેલા ગ્લેમરના અંધાપામાંથી પ્રજાને બહાર કાઢવી જરૂરી છે. વિકાસના નામે આમ આદમીના લેવાતા ભોગ બાબતે પણ લોકોને જાગૃત કરવાની જરૂરિયાત છે. ગુજરાતના મુખ્યમંત્રી નંબર વન રહ્યા હશે, પરંતુ ગુજરાત ઘણી બાબતોમાં પાછળના ક્રમે ધકેલાયું હોવાની વાત પણ જનતા સામે મૂકવી પડશે. પરિવર્તનો ક્યારેય એમને એમ થયા નથી. તેના માટે ચોક્કસ બલિદાનો પણ આપવા પડે છે. ત્યારે કેશુભાઈની અધ્યક્ષતાવાળી ગુજરાત પરિવર્તન પાર્ટીએ આના માટે પણ તૈયારી દાખવીને લોકોને મોટા પ્રમાણમાં પોતાની સાથે જોડીને તાત્કાલિક પરિવર્તન પથ તૈયાર કરીને તેના પર મક્કમ પગલે ઝડપથી આગળ વધવું પડશે. 

શુક્રવાર, 1 જૂન, 2012

વ્યક્તિત્વ પ્રભાવથી ગેરશિસ્ત “પાર્ટી વિથ ડિફરન્સ”ની વ્યથા


-    આનંદ શુક્લ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મૃત્યુ પછી સંગઠનમાં તૃતિય પંક્તિના ગણાતા લાલકૃષ્ણ અડવાણીને ભારતીય જનસંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. (તેમણે તે વખતે અટલ બિહારી વાજપેયી સાથે છત્રીસનો આંકડો ધરાવતા પ્રખર હિંદુત્વવાદી નેતા અને જનસંઘના ભૂતપૂર્વ પ્રમુખ બલરાજ માધોકને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો.) જે સ્થિતિ 2009માં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના આશિર્વાદથી ગડકરીની બની હતી. પ્રાદેશિક સ્તરના નેતા નીતિન ગડકરી કે જેમને ચૂંટણી જીતવાનો અનુભવ નથી, તેમને ભાજપને કેમોથેરપી આપવા માટે પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સંઘના જ દોરીસંચાર હેઠળ ભાજપના બંધારણમાં ફેરફાર કરીને નીતિન ગડકરીને બીજી ટર્મ માટે પાર્ટી અધ્યક્ષ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. એટલે કે 2014ની લોકસભાની ચૂંટણી ભાજપ ગડકરીની આગેવાનીમાં જ લડશે.
ભારતીય જનસંઘ અને ભાજપ પોતાની અલગ પ્રકારની સંગઠન શૈલીને કારણે ભારતની અન્ય તમામ પાર્ટીઓથી અલગ પડતી આવી છે. (જો કે હાલ આ પાર્ટી વિથ ડિફરન્સમાં ખરેખર ડિફરન્સિસ છે!)  ભાજપનું પૂરોગામી ભારતીય જનસંઘ અને તેમની માતૃસંસ્થા આરએસએસ હંમેશા વ્યક્તિત્વની આભામાં નહીં રહેનારા સંગઠનો તરીકે જાણીતા છે. પરંતુ આ સંગઠનો પર ચોક્કસ વ્યક્તિત્વોનો પ્રભાવ શરૂઆતથી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર તેના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારનો તો પ્રભાવ હોય જ. પરંતુ સૌથી લાંબો સમય સુધી સંઘના સરસંઘચાલક રહેલા માધવરાવ સદાશિવરાવ ગોલવલકર એટલે કે ગુરુજીનો પ્રભાવ પણ ઘણો મોટો છે. તો ભારતીય જનસંઘમાં તેના સંસ્થાપક અધ્યક્ષ શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાલ ઉપાધ્યાય એમ બે અધ્યક્ષોની તેના અનુગામી ભાજપના સમારંભોમાં તસવીરી અર્ચના થાય છે.
ભાજપની વાત કરીએ તો તે પણ પહેલા અટલ બિહારી વાજપેયીના દમદાર વ્યક્તિત્વ અને રામજન્મભૂમિ આંદોલનથી અડવાણીના વ્યક્તિત્વોના પ્રભાવમાં રહ્યું છે. જો કે હવે આ વ્યક્તિત્વનો પ્રભાવ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફે રૂપાંતરીત થઈ રહ્યો છે. એટલે કે આરએસએસ, ભારતીય જનસંઘ અને ભાજપ વ્યક્તિત્વ પ્રભાવથી અળગા રહેવાનો પ્રયત્ન કરતા  હોવા છતાં જાણે-અજાણે વ્યક્તિત્વોની અસર નીચે જ કામ કરતા દેખાયા છે. (ઉલ્લેખનીય છે કે વ્યક્તિપૂજા ટાળવા માટે આરએસએસમાં ગુરુસ્થાને ભગવા ધ્વજને સ્થાપવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે જીવિત વ્યક્તિમાં દોષ હોઈ શકે.)
કળિયુગમાં સંઘમાં શક્તિ રહેલી હોવાની વાતનું આ તમામ સંગઠનોમાં વારંવાર રટણ કરવામાં આવે છે. સંગઠનમાં વ્યક્તિની સર્વોપરીતા હોતી નથી, સર્વોપરીતા સંગઠનની હોય છે. જો કે જ્યારે વ્યક્તિના સંગઠનથી સર્વોપરી હોવાની પરિસ્થિતિ ઉભી થાય છે, તો સંગઠનમાં આંતરીક વિખવાદો સપાટી પર આવી જાય છે. જ્યાં સુધી આ સંગઠનોનું નિયંત્રણ પ્રબળ વ્યક્તિત્વોના હાથમાં હતું, ત્યાં સુધી તેના આંતરીક વિખવાદો લોકો સામે આવ્યા ન હતા.
પરંતુ ભારતીય જનતા પાર્ટી હાલ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરોએ તેના નેતાઓના પ્રભાવ સ્થાપિત કરવાની લડાઈઓનો અખાડો બની ગઈ છે. જેની અસર મુંબઈ ખાતેની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં જોવા મળી. રાષ્ટ્રીય કારોબારી પછી સપાટી પર આવેલા આંતરીક વિખવાદો સંદર્ભે ભાજપના મુખપત્ર કમલ સંદેશના તંત્રીલેખમાં તંત્રી પ્રભાત  ઝાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમની આકરી ઝાટકણી કાઢી છે. સમગ્ર તંત્રીલેખનો અર્થ નીકળી  રહ્યો છે કે મોદીની (વડાપ્રધાન બનવાની) ઉતાવળ ભાજપનું વહાણ ડૂબાડી રહી છે. એનડીએ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, તે દિવસે જ અડવાણીએ બ્લોગ લખીને ભાજપના બીજી ટર્મ માટે અધ્યક્ષ બનેલા નીતિન ગડકરી તરફ નારાજગી વ્યક્ત કરી છે. તો કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ નિશાન તાક્યું છે. આમ તો મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ પ્રભાત ઝા અને ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીનો ધરોબો  પણ કોઈનાથી છુપો નથી.
કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાએ તંત્રીલેખમાં લખ્યું છે કે જ્યારે ટ્રેનમાં ભીડ હોય છે, ત્યારે ઉતાવળમાં હોય તેવા વ્યક્તિએ પણ રોકાવું પડે છે. પોતાની ઉતાવળમાં આવી વ્યક્તિ બીજા મુસાફરને નીચે ખેંચતી નથી, ન તો ટ્રેન તોડે છે અથવા ન તો તેના પર પથ્થરમારો કરે છે. જો તે પોતાની બનાવેલી ટ્રેનને તોડવા લાગે છે, તો પોતાની મંજિલે કેવી રીતે પહોંચશે? પાર્ટી કોઈ એક વ્યક્તિના યોગદાનથી ચાલતી નથી. પાર્ટી બધાંના સહયોગથી ચાલે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં થયેલી રાષ્ટ્રીય કારોબારીમાં  મોદી એ શરતે જ પહોંચ્યા કે તેમના પહોંચવાથી  પહેલા સંજય જોશી પાસેથી રાજીનામું લેવામાં આવે. મોદીએ જે પ્રકારે સંજય જોશીને રાષ્ટ્રીય કારોબારીમાંથી દૂર કરાવ્યા તેનાથી પાર્ટીની કામ કરવાની પદ્ધતિ પર પણ સવાલ ઉભા થયા છે. મોદીની ધમકી સામે પાર્ટી અધ્યક્ષ ગડકરીએ  ઘૂંટણિયા ટેકવ્યા અને ભાજપમાં થયું એ કે જે મોદી ઈચ્છતા હતા! સવાલ ત્યારથી ઉભા થઈ રહ્યાં છે કે શું મોદી પાર્ટી સંગઠનથી પણ મોટા થઈ ગયા છે?
તંત્રીલેખમાં મોદીની જોહૂકમી સંદર્ભે લખવામાં આવ્યું છે કે એ કહેવું કે માત્ર મારી વાત ચાલશે, તેનાથી પાર્ટી અથવા સંસ્થા તો દૂર પરિવાર પણ ચાલતો નથી. આપણે બધાં જાણીએ છીએ કે શક્તિ સંસ્થાથી આવે છે ન કે વ્યક્તિ વિશેષથી. નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર તંત્રી પ્રભાત ઝાએ ઉમેર્યુ છે કે જ્યારે કોઈ કામિયાબીની સીડીઓ ચઢે છે તો તેમની સમજ પણ વધવી જોઈએ. પરંતુ એ વિડંબણા છે કે જે શિખર પર પહોંચી  જાય છે, તે બીજાને નીચું દેખાડવાની કોશિશ કરે છે, એ જાણવા છતા કે એક દિવસ તેને પણ નીચે આવવાનું છે.
તંત્રીલેખમાં અટલ બિહારી વાજપેયી, અડવાણી અને મુરલી મનોહર જોશીની પ્રશંસા કરવામાં  આવી છે અને કહેવામાં આવ્યું છે કે ત્રણેય ભારતીય રાજકારણની ક્ષિતિજ પર એટલા માટે વર્ષો સુધી ચમકતા  રહ્યા છે કે તેમણે હંમેશા સંગઠનને સર્વોપરી માન્યુ છે. તેમનું કદ ઘણું મોટું હોવા છતાં તેમણે પોતાની જાતને ભાજપની અંદર જ રાખી. તેમણે પોતાના કદને પાર્ટીના  કદથી ઉંચુ કર્યું નહીં.
અડવાણીના બ્લોગ અને કમલ સંદેશના તંત્રીલેખ પરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે ભાજપમાં મોદીની જોહૂકમી સામે મોરચાબંધીનો પ્રયત્ન થઈ રહ્યો છે.

સ્પષ્ટ છે કે જે પાર્ટીમાં સંગઠન સર્વોપરી હોય, તેને મોદીની  પાર્ટીથી મોટા થવાની કોશિશ અનુકૂળ આવશે નહીં. આવી જ કોશિશમાં ભાજપે પહેલા ઉમા ભારતીને બે વખત પાર્ટીમાંથી બરખાસ્ત કર્યા હતા. જો કે અત્યારે ઉમા ભારતી નીચું માથું કરીને પાર્ટીમાં પાછા ફર્યા છે. તો કલ્યાણસિંહ જેવાં રામજન્મભૂમિ આંદોલનના
હીરો રહેલા વરિષ્ઠ નેતાને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તો વાજપેયી સામે મુખૌટા જેવો શબ્દપ્રયોગ કરવાના મામલે 1996માં અસરકારક સંગઠન મંત્રી ગણાતા અને સોશ્યલ એન્જિનિયરીંગના મહારથી ગણાતા ગોવિંદાચાર્યને પણ બહાર કરવામાં  આવ્યા હતા. એટલે કે ભાજપમાં મોદીથી પહેલા પાર્ટીએ કોઈની પણ ગેરશિસ્ત સહન કરી નથી. પરંતુ રાષ્ટ્રીય કારોબારીમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પર સવાલ ઉઠવાના ચાલુ થઈ ગયા છે કે તે પણ દેશની અન્ય રાજકીય પાર્ટીઓના રસ્તે જ આગળ વધી રહી છે?

જો કે અત્રે સવાલ અડવાણીના બ્લોગ અને કમલ સંદેશના તંત્રી પ્રભાત ઝાના તંત્રીલેખમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સંદર્ભે પણ ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે જો તંત્રીલેખમાં પાર્ટીની ગેરશિસ્ત અને બ્લોગમાં ખુદની ફરીયાદોની વાત લખી શકાય છે, તો પછી પાર્ટીની અંદર આ મુદ્દાઓ પર ચર્ચા કેમ થતી નથી? જમીની સ્તરે શિસ્ત લાગુ કરવામાં અધ્યક્ષ ગડકરી મોદી જેવા વ્યક્તિત્વના પ્રભાવમાં કાચા શા માટે પડે છે

રવિવાર, 8 એપ્રિલ, 2012

32મો સ્થાપના દિવસ: ભાજપની સફર હિંદુત્વથી ચાલતા ચાલતા ક્યાં પહોંચી?


ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે..........

દેશની રાજનીતિના બીજા ધ્રુવ તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટીનો આજે 32મો સ્થાપના દિવસ છે. પરંતુ 32મા સ્થાપના દિવસે ભારતની રાજનીતિમાં સ્વતંત્રતા આંદોલનનો તમામ જશ ખાટી જનારી કોંગ્રેસ પાર્ટીની મોનોપોલી તોડનાર ભાજપે ઉજવણીની સાથે સાથે થોડું આત્મમંથન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ 32 વર્ષના ગાળામાં ત્રણ વખત કેન્દ્રની સત્તા પર આવવામાં સફળ થઈ અને હાલ નવ રાજ્યોમાં તેની અથવા તેના વડપણ હેઠળના એનડીએની સરકાર છે. 2014માં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના ખરાબ પ્રદર્શન અને ગોટાળાના વિક્રમો વચ્ચે ભાજપને ખૂબ મોટો ફાયદો થાય તેવી શક્યતા રહેલી છે.

પરંતુ હાલ જૂથબંધી અને નેતાઓના અહમની સમસ્યાઓથી ઘેરાયેલા ભાજપે અટલ બિહારી વાજપેયી જેવા કરિશ્માઈ નેતાનો વિકલ્પ ઉભો કરવા, હાલના સૌથી મોટા માસ લીડર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નારાજગી દૂર કરવા અને યેદિયુરપ્પાની દાદાગીરીનો તોડ મેળવવાની સમસ્યાથી તો સમાધાન મેળવવું પડશે. પરંતુ તેની સાથે યૂપી સહીતના હિંદી બેલ્ટમાં ફરીથી પોતાના પ્રભાવ દ્રઢ બનાવવા માટે પણ વિચાર કરવો પડશે. હાલ બિહાર અને મધ્ય પ્રદેશમાં ભાજપનો ખાસો પ્રભાવ છે અને તે ત્યાં સરકારમાં છે. પરંતુ હિંદી બેલ્ટમાંથી રાજસ્થાન અને યૂપીની આમાથી બાદબાકી કરી શકાય તેમ નથી. વળી ઉત્તરાખંડમાં પણ પાતળી બહુમતીથી કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા એક સર્વસંમત નેતાની પસંદગી ભાજપની હાલની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય વિચારધારાનું સંકટ પણ ભાજપ પર ઘણાં લાંબા સમય એટલે કે 2004ની લોકસભાની ચૂંટણીથી મંડરાઈ રહ્યું છે. ભાજપની પૂર્વવતી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના 1951-52માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. ભારતીય જનસંઘની સ્થાપના કોંગ્રેસ સાથેની કેટલીક વૈચારીક અસહમતિઓ સંદર્ભે ભારતીય રાજકારણમાં જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી હતી.

ભારતીય જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમાં બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને અડવાણી સહીતના ઘણાં મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ પાર્ટીમાં ઉતારવામાં આવ્યા હતા. તેથી સ્વાભાવિક છે કે ભારતીય જનસંઘ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ ઘણો મોટો હતો.

ભારતીય જનસંઘની સ્થાપના સમયે આઝાદી સમયે વિભાજનની વેદના પણ સમાજમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. વિભાજન માટે કોંગ્રેસની કેટલીક નીતિઓને અને રાજકારણને જવાબદાર માનનાર ઘણો મોટો વર્ગ હતો. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ ન હતી. તેથી ભારતીય જનસંઘ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે મેદાનમાં આવ્યો હતો. જો કે તેના સંસ્થાપક પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જીનું 1953માં કાશ્મીર સત્યાગ્રહ દરમિયાન જમ્મુ-કાશ્મીરની જેલમાં વિવાદાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. જેને કારણે ભારતીય જનસંઘને લોકો સુધી પહોંચાડવામાં ઘણો મોટો ફટકો પડયો હતો. પરંતુ ત્યાર બાદ જનસંઘની બાગડોર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દીનદયાળ ઉપાધ્યાયના હાથમાં આવી હતી.

પોતાની સ્થાપનાના પહેલા દશકમાં ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘે જમ્મુ-કાશ્મીરના ભારતમાં અર્થપૂર્ણ જોડાણ, ગૌહત્યા પ્રતિબંધ, ક્ષેત્રીય અખંડતા, હિંદુત્વ જેવા મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત રહ્યુ હતું. આ સિવાય જમીનદારી અને જાગીરદારી વિરુદ્ધ આ પાર્ટીએ વિરોધનું બ્યૂગલ વગાડયું હતું. પરમિટ લાઈસન્સ રાજ વિરુદ્ધ પણ આ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો હતો. ભારત પરમાણુ શક્તિ બને તેના પક્ષમાં પણ ભારતીય જનસંઘ તેની શરૂઆતના ગાળાથી જ હતો.

આ મુદ્દાઓને કારણે જનતામાં ભારતીય જનસંઘની લોકપ્રિયતા વધવા લાગી હતી. જેના કારણે 1967માં કોંગ્રેસને સત્તા પરથી હટવું પડયું. પંજાબથી લઈને બંગાળ સુધી તમામ જગ્યાએ કોંગ્રેસ વિરોધી સરકાર અને અમૃતસરથી લઈને કોલકત્તા સુધી કોંગ્રેસનું ક્યાંય નામોનિશાન ન હતું.

પંડીત દીનદયાળ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કાલીકટમાં અભૂતપૂર્વ સંમેલન આયોજિત કરવામાં આવ્યું. અહીં રાષ્ટ્રીય ભાષા નીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ભારતીય ભાષાઓનો સમાદર કરતા, દેશમાં રાજભાષાની ગંગા વહેવડાવામાં આવશે.

પરંતુ આ ઐતિહાસિક સંમેલન બાદ પં. દીનદયાળ ઉપાધ્યાયની કેટલાંક દિવસોમાં હત્યા કરી દેવામાં આવી અને તેમની લાશ મુગલસરાય રેલવે સ્ટેશન પર પડેલી મળી હતી. ભારતીય જનસંઘને દીનદયાળ ઉપાધ્યાયની હત્યાથી ઘણો મોટો ફટકો પડયો હતો. તે વખતે સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવી પરંતુ જે પ્રકારની તપાસ કરવામાં આવી તે રાજકારણથી પ્રેરીત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.

ત્યાર બાદ જનસંઘમાં બલરાજ મધોક અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના રાજકીય દંગલમાં મધોકને જનસંઘ છોડવું પડયું. અટલ બિહારી વાજપેયીના હાથમાં ભારતીય જનસંઘની બાગડોર આવી હતી. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશના મુક્તિ આંદોલન માટે આ પક્ષે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જનસંઘે જેપી આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. કટોકટી વખતે પણ જનસંઘી નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડો કરવામાં આવી હતી. જનસંઘના કટોકટી સામેના પ્રયત્નોને દેશભરમાં ઘણી પ્રશંસા મળી હતી. 1977માં ઈન્દિરા ગાંધીની સરકારના પતન બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં જનસંઘ પણ જોડાયું હતું. તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી અને એલ. કે. અડવાણી માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા હતા. જો કે આ સરકાર 30 માસના ટૂંકાગાળામાં આંતરીક ડખાને કારણે પડી ગઈ હતી.

પરંતુ આ સમયગાળામાં જનસંઘની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સદસ્યતાના મુદ્દે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. પરંતુ ચૌધરી ચરણસિંહની ટૂંકાગાળાની સરકારના પણ ઘર ભેગા થયા બાદ જનતા પાર્ટીનું વિખંડન થયું અને 1980ની 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવલામાં આવી.

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે તેને પાર્ટી વિથ ધ ડિફરન્સ હોવાનો દાવો કરવામાં આવ્યો. તેની સાથે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગાંધીયન સોશ્યાલિજમની વિચારધારા હેઠળ 1984માં ચૂંટણીમાં ઉતરી. પરંતુ ઓપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ કોંગ્રેસને સિમ્પથી વોટ મળ્યા અને ત્રણ ચતુર્થાંસ બહુમતી સાથે રાજીવ ગાંધી કોંગ્રેસ તરફથી વડાપ્રધાન બન્યા. જો કે ઓપરેશન બ્લૂ સ્ટાર અને શીખ વિરોધી રમખાણોનો ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ 1984ની ચૂંટણીમાં ગાંધીયન સોશ્યલિજમ સાથે અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં આખા દેશમાંથી ભાજપને માત્ર બે બેઠકો મળી હતી.

આ હાર બાદ ભાજપની નેતાગીરીમાં ખૂબ આત્મમંથનનો દોર ચાલ્યો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી, સમાન નાગરીક ધારા સહીત રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને આગળ વધારવા માટે સહમતિ બની. રામજન્મભૂમિ આંદોલનમાં વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટેકામાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ કમાન સંભાળી. જો કે 1984થી 1989 સુધી રામજન્મભૂમિ આંદોલને એટલી તીવ્રતા પકડી ન હતી. બોફોર્સ કાંડને કારણે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપને કારણે લોકજુવાળ ઉભો થયો હતો. અને વી. પી. સિંહની બગાવતે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં સફળતા મેળવી. 1989માં કેન્દ્રમાં જનતાદળની મોરચા સરકાર સત્તા પર આવી.

પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સરકાર દ્વારા કારસેવકો પર ગોળીબારની ઘટના અને વી. પી. સિંહના વડપણ હેઠળની જનતાદળ મોરચા સરકારને બહારથી ટેકો આપી રહેલા ભાજપના હિંદુત્વના કાર્ડના તોડ માટે મંડલની રાજનીતિ શરૂ કરવામાં આવી. અનામતની રાજનીતિને આગળ વધતી રોકવા માટે ભાજપને તે વખતે નિર્ણય લેવો જરૂરી હતો. જો મંડલ રાજનીતિને આગળ વધારવામાં તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સફળ થઈ જાત તો કદાચ ભાજપ માટે હિંદુત્વના કાર્ડ હેઠળ રામજન્મભૂમિ મુદ્દાને આગળ વધારવો અઘરો પડે તેમ હતું.

આથી અડવાણીએ આરએસએસ અને વીએચપીની સહમતિથી રામરથ યાત્રાની જાહેરાત કરી અને બિહારમાં સમસ્તીપુર ખાતે ધરપકડ વ્હોરી. ત્યાર બાદ વી. પી. સિંહની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચતા તેને ઘર ભેગા થવું પડયું હતું.

રામજન્મભૂમિ આંદોલનમાં અગ્રિમ ભૂમિકાને કારણે અને અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધનને પરિણામો ભાજપે 1989માં 89 બેઠકો પર જીત મેળવી અને 1991માં અયોધ્યા મુદ્દાના પરિણામે 119 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો.

1996માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી અને તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જો કે આ સરકાર બહુમતી સાબિત ન કરી શકતા 13 દિવસ જ ચાલી હતી. ત્યાર બાદ 1998માં ભાજપ 13 માસ માટે ગઠબંધનથી સત્તામાં આવી. પરંતુ જયલલિતા દ્વારા ટેકો પાછો ખેંચાતા, ગૃહમાં મતદાન વખતે એક વોટથી વાજપેયી સરકાર બહુમત હારી ગઈ.

1999માં એનડીએ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ નીચે પાંચ વર્ષ શાસન ટકાવી રાખવામાં સફળતા મેળવી. અટલ બિહારી વાજપેયીની પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી કે જેણે કેન્દ્રમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જો કે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામમાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરીક ધારા જેવાં ત્રણ તેની વૈચારિક ધરાતલ સાથે સંકળાયેલા મુદ્દાને બહાર રાખ્યા.

જેના કારણે વીએચપી અને આરએસએસમાં અંદરખાને નારાજગી પ્રવર્તી રહી હતી. જો કે લોકોને પણ ભાજપ દ્વારા કરવામાં આવેલું રાજકીય સમાધાન ગમ્યુ ન હતું. તેનો જવાબ જનતાએ 2004ની ચૂંટણીમાં આપ્યો. 2004માં ભાજપ હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા સિવાય ફીલ ગુડ સાથે ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન હેઠળ અટલ બિહારી વાજપેયી અને વિકાસના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી. પરંતુ જનતાએ 2004માં એનડીએને બહુમતી આપી નહીં. ત્યાર બાદ 2009માં પણ એનડીએ હેઠળ ભાજપને સત્તા મળી નહીં.

જેના પરિણામો ભાજપમાં બેક ટુ ધ બેસિક્સની ચર્ચા ફરીથી શરૂ થઈ. પરંતુ લોકોમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પરથી વિશ્વાસ તદ્દન હટી ગયો હોય તેવી ઘટનાઓ એક પછી એક બનવા લાગી. લોકોએ ભ્રષ્ટાચાર વિરોધી અને કાળા ધનના મુદ્દે અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે શરૂઆતમાં ઉભા રહેવાનું પસંદ કર્યું પણ ભાજપને ટેકો આપ્યો નહીં. તો મોંઘવારી જેવા મુદ્દાને પણ ભાજપ સારી રીતે ઉઠાવી શક્યું નહીં. મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદની અડવાણીની ભારત સુરક્ષા યાત્રા પણ નિષ્ફળ ગઈ. જે કામ વિરોધ પક્ષમાં રહીને ભાજપે કરવાનું હતું, તે કામ અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યા છે. આ ભાજપની વિરોધ પક્ષ તરીકેની અત્યાર સુધીની સૌથી મોટી નિષ્ફળતા છે.

ત્યારે ભાજપને આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસ અને યુપીએની તરફેણમાં એકપણ સ્થિતિ નહીં હોવા છતાં તેને યૂપીમાં સફળતા કેમ મળતી નથી? મોંઘવારીથી ત્રસ્ત જનતા તેના મોંઘવારી વિરોધી આંદોલનમાં કેમ સાથ આપતી નથી? ભ્રષ્ટાચાર અને કાળા ધન જેવાં આંદોલનના વિષયો અણ્ણા હજારે અને બાબા રામદેવના હાથમાં કેવી રીતે જવા દીધા?

ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે.

ભાજપમાં હાલ વિચારધારાના સંકટની સાથે સાથે નેતૃત્વનું પણ સંકટ ચાલી રહ્યું છે. નીતિન ગડકરીને સંઘના દોરીસંચાર નીચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેઓ માસ લીડર તો જવા દો, રાજ્ય સ્તરના પણ કદ્દાવર નેતા નથી. તેમને રાષ્ટ્રીય રાજનીતિનો અનુભવ નથી. પરંતુ અડવાણી, સુષ્મા, જેટલી, વેંકૈયાની ચોકડીના પ્રભાવને દૂર કરવાની જવાબદારી ગડકરીને સોંપવામાં આવી.

વાજપેયીની સક્રિય રાજકારણમાંથી દૂર થયા બાદ કરિશ્માઈ નેતૃત્વ માટે ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી તરફ આશાથી જોવામાં આવતું હતું. પરંતુ ઉમા ભારતીને ભાજપમાંથી વનવાસ આપી દેવામાં આવ્યો અને હવે છેક 2011-12માં તેમની ઘરવાપસી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતાગીરી સાથે સંજય જોશીને ફરીથી પક્ષમાં લેવા માટે વિવાદના વાવડ છે. વળી કેન્દ્રીય નેતાગીરી ઈચ્છતી હોય તેમ લાગતું નથી કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક પર મોટી ભૂમિકામાં આવે. તેમને પાર્ટીમાં રહેલા વિરોધીઓ એક ચોક્કસ ઈમેજ હેઠળ ગુજરાત સુધી જ સીમિત રાખવા માંગે છે.

દક્ષિણ ભારતમાં યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારના મામલામાં નામ આવવાથી કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા. પરંતુ હવે તેમણે ફરીથી કર્ણાટકના મુખ્મમંત્રી બનાવાના ઉધામા શરૂ કર્યા છે. જેના કારણે કર્ણાટકમાં ભાજપ માટે કફોડી સ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતાઓ સેવાય રહી છે. તો બીજી તરફ પાંચ રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ગોવા અને પંજાબના બાદ કરતા ભાજપ સત્તામાં અન્ય ત્રણ રાજ્યોમાં પહોંચી શકી નથી. યૂપીમાં સંજય જોશી અને ઉમા ભારતીના સંપૂર્ણ કમાન્ડ છતાં ભાજપને સફળતા મળી નથી.

બીજી તરફ તાજેતરના પશ્ચિમ બંગાળ, યૂપી, બિહારની વિધાનસભાના પરિણામો પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોને વધારે સફળતા મળી છે. યૂપીમાં સમાજવાદી પાર્ટીના ખૂબ મોટી બહુમતીથી સત્તામાં આવ્યા બાદ મુલાયમ સિંહને પણ વડાપ્રધાન બનવાના સપના આવવા લાગ્યા છે. દેશમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા વિકલ્પનો મુદ્દો પણ જોરશોરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગ્યો છે. ત્યારે લાગી રહ્યું છે કે ભાજપ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે લાંબુ ખેડાણ કરવાનું હજી બાકી છે.

બુધવાર, 4 એપ્રિલ, 2012

સેમ પિત્રોડાને પ્રેસિડેન્ટ નહીં, CM પદના ઉમેદવાર બનાવવા જોઇએ


ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી ભારતના પીએમ બને તેવી રાજ્ય અને દેશની જનતાની ઈચ્છા હોવાની વાતો ઘણાં વખતથી ચાલતી રહી છે, ત્યારે ગુજરાતમાં મોદીના કોંગ્રેસી વિકલ્પ તરીકે વિકાસની ગતિને આગળ વધારવા માટે સેમ પિત્રોડાના નામનો વિચાર થાય અને તેઓ મુખ્મમંત્રી બની જાય તો ગુજરાતની પ્રજા ખુશ થાય. પરંતુ મોદી માટે દિલ્હીની સલ્તનત મેળવવી ખૂબ કઠિન છે, ગુજરાત આપતા તો આપી દે, પણ દિલ્હી મળે તેવી સંભાવનાઓ ઓછી જણાય છે. કારણ કે ગુજરાત કરતા દિલ્હીમાં મોદીના ઘરના દુશ્મનો ઘણાં છે.

ગુજરાતમાં આગામી ડીસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ટાઈમ મેગેઝીન પ્રમાણે લોકપ્રિયતામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. ટાઈમ મેગેઝીન ગુજરાતના વિકાસપુરુષની પ્રશંસા કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગાંધી, સરદાર પટેલ બાદ ત્રીજા ગુજરાતી છે કે જેમણે ટાઈમ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મેળવ્યું છે. ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી પાંચ-છ વડાપ્રધાન પદના વિચારણા હેઠળના ઉમેદવારોમાંથી એક છે.

મુખ્યમંત્રી પદના ભાજપના સક્ષમ ઉમેદવાર સામે કોંગ્રેસ તરફથી 2002થી અત્યાર સુધીની ચૂંટણીમાં કોઈ સર્વસંમત મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. વળી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની રાજનેતા સિવાયની અન્ય કાબેલિયત સાથે સ્પર્ધા કરે તેવો કોઈ કોંગ્રેસી નેતા ગુજરાતના પ્રદેશ સ્તરની નેતાગીરીમાં હાલ ઉપલબ્ધ નથી. પરંતુ કોંગ્રેસ માટે હવે આ શોધ ખતમ થઈ ગઈ હોય તેમ લાગે છે.

કોંગ્રેસના ઓબીસી નેતા ગણતા ટેક્નોક્રેટ સેમ પિત્રોડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવા માટે વિચારી શકે છે. જો સેમ પિત્રોડા કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે, તો મોદી વિરુદ્ધ પિત્રોડાનો જંગ વધારે રસપ્રદ અને ટક્કરનો પણ બની શકે તેમ છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રતિષ્ઠિત પત્રકારની ન્યૂઝ સ્ટોરી જોવા મળી. તેના પ્રમાણે જાણીતા ટેક્નોક્રેટ અને ગાંધી પરિવારના ખૂબ નજીકના અને વિશ્વાસુ ગણાતા ગુજરાતી સેમ પિત્રોડા જુલાઈ માસમાં યોજનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં યુપીએ તરફથી ઉમેદવારી મામલે ‘ડાર્ક હોર્સ’ સાબિત થઈ શકે છે.

સત્યનારાયણ ગંગારામ પંચાલ ઉર્ફે સેમ પિત્રોડા ભારતની સંચાર ક્રાંતિમાં ઘણું મોટું કામ કરી ચુક્યા છે. તેમને ભારતના સૌથી યુવાન વડાપ્રધાન રાજીવ ગાંધીએ કોંગ્રેસમાં સામેલ કરાવ્યા હતા અને ભારતમાં કમ્પ્યુટર વિકાસ માટે તેમને અમેરિકાથી ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે તે આમંત્રણ સ્વીકારીને ઘણી ટેકનોલોજીકલ બાબતોમાં દેશને હરણફાળ ભરાવી છે. હવે ગુજરાતનું સૂકાન તેમને સોંપવું જોઇએ. તેઓ હળવદથી ચૂંટણી લડી શકે છે.

જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પદના યુપીએ તરફથી ઉમેદવારોના લિસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, લોકસભા સ્પીકર મીરાકુમાર, નાણાંમંત્રી પ્રણવ મુખર્જી અને કર્ણ સિંહ જેવા કોંગ્રેસીઓના નામ લોકોની જબાન પર આવી રહ્યા છે. તેમની સાથે ગુજરાતી મૂળના સેમ પિત્રોડાનું નામ મુકાય તે ગુજરાત માટે ગર્વની વાત છે. એક ગુજરાતી તરીકે સૌને તેના માટે ગર્વ થવું જોઈએ. વળી તે રાષ્ટ્રપતિ બની જાય તો રાષ્ટ્રપતિ બનનાર તેઓ પહેલા ગુજરાતી હશે.

પરંતુ વિકાસ ક્રાંતિ રથ પર બિરાજમાન ગુજરાતને વિકાસ પથ પર બમણી ગતિથી દોડાવવા માટે સેમ પિત્રોડાની ગુજરાતમાં વધારે જરૂરત છે. આમ તો ગુજરાતમાં કોંગ્રેસની નેતાગીરીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ સર્વસંમત નેતા નક્કી થઈ શકતો નથી. શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન વગેરે નામો દેખાય છે. પરંતુ ગુજરાતના હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ટાઈમ મેગેઝીનમાં ચમકતા હોય અને સોશ્યલ મીડિયા અને ટેકનોલોજીમાં પણ આ કોંગ્રેસી નેતાઓ કરતા ખૂબ આગળ દેખાતા હોય, ત્યારે જરૂરથી કોંગ્રેસની ગુજરાત પ્રદેશની નેતાગીરીએ ડીસેમ્બર-2012માં આવનારી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સક્ષમ કોંગ્રેસી નેતાને મુખ્યમંત્રી પદ માટે પ્રોજેક્ટ કરવા જોઈએ.

કદાચ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવામાં ડાર્ક હોર્સ ગણાતા સેમ પિત્રોડા ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસ તરફથી સૌથી સક્ષમ ઉમેદવાર બની શકે છે. કારણ કે તેઓ વિકાસની વાતો જ નથી કરતા પણ દેશને ટેક્નોલોજીના આધારે વિકાસ પથ પર ચાલતુ કરનારા વ્યક્તિઓમાંના એક છે. 2004માં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર બન્યા બાદ પિત્રોડા નોલેજ કમિશનના ચેરમેન બનાવાયા છે.

તાજેતરમાં પિત્રોડા તરફ લોકોનું ધ્યાન ત્યારે જવાનું શરૂ થયું કે જ્યારે યૂપીમાં રાહુલ ગાંધીએ ચૂંટણી ઢંઢેરો જારી કરવા માટે તેમને મોકલ્યા. તેમના નામને આગળ વધારીને કોંગ્રેસે પોતાના દલિત-પછાત એજન્ડાને પણ વધારવા ચાહે છે. મહત્વપૂર્ણ છે કે પિત્રોડા મિસ્ત્રી સમુદાયમાંથી આવે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસી સમુદાયમાંથી આવે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીની ગણતરી ઓબીસી નેતા તરીકે પણ થાય છે. તેમને યૂપીમાં ચૂંટણી પ્રચાર વખતે ઓબીસી વોટને ખેંચવા માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરી ઉતરાવા માંગતી હતી. જો કે તેઓ યૂપી સહીત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ઉતર્યા ન હતા, તે ચર્ચાનો અલગ મુદ્દો છે. પરંતુ જ્યારે ભાજપ તરફથી ડીસેમ્બર-2012માં મુખ્યમંત્રી પદના નિર્વિવાદ ઉમેદવાર નરેન્દ્ર મોદી છે અને તેમની ગણતરી ભાજપ તરફથી વિચારણા હેઠળના પાંચ-છ વડાપ્રધાન પદના ઉમેદવારોમાં થઈ રહી છે.

ત્યારે કોંગ્રેસ માટે પણ તેમની સામે સક્ષમ ઉમેદવાર મુખ્યમંત્રી પદ માટે ઉતરવો એ ગુજરાતના ચૂંટણી ગણિતને અસર કરનાર મહત્વનું પરિબળ સાબિત થઈ શકે છે. 2012ની ચૂંટણી પહેલા માણસામાં 17 વર્ષે કોંગ્રેસને મળેલી જીત ઘણી આશાઓ સર્જી રહી છે. પરંતુ મોદી સામે લડવા માટે થનગનતી કોંગ્રેસની સેના હાલ સેનાપતિ વગરની છે. પરંતુ સેમ પિત્રોડા ગુજરાત કોંગ્રેસને સક્ષમ નેતાગીરી પુરી પાડવાના તમામ ગુણધર્મો ધરાવે છે.

મોદી ટેક્નોક્રેટ મુખ્યમંત્રી ગણાય છે, સેમ પિત્રોડા ખુદ દેશના અગ્રણી અને નિવડેલ ટેક્નોક્રેટ છે. મુખ્યમંત્રી મોદી વિકાસપુરુષ છે, તો સેમ પિત્રોડાએ દેશના વિકાસમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી દેખાડયો છે. મોદી ઓબીસી સમુદાયમાંથી હોવા છતાં લોકોમાં સ્વીકૃત છે. તો સેમ પિત્રોડા પણ ઓબીસી સમુદાયમાંથી આવવા છતાં માત્ર તેમના સમુદાયમાં કેદ થઈને રહ્યા નથી.

સેમ પિત્રોડાને કોંગ્રેસ બહાર મમતા બેનર્જી, શરદ પવાર અને નવીન પટનાયકના પણ નજીકના માનવામાં આવે છે. જેવી રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ સિવાય જયલલિતા, પ્રકાશસિંહ બાદલ અને એમએનએસના રાજ ઠાકરે પસંદ કરે છે. જો કે મોદીને હાલ ભાજપના કેન્દ્રીય નેતાગીરી સાથે ખટરાગના અણસાર છે.

મોદીને ચૂંટણી ગણિત બેસાડવામાં અને ચૂંટણી જીત માટેના ખૂબ સારા સ્ટ્રેટર્જીસ્ટ ગણવામાં આવે છે. ત્યારે સેમ પિત્રોડાએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પોલિટિકલ કેમ્પેઈનની યોજના બનાવી હતી. આ યોજનાને સફળતા મળતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી બન્યા છે.

જો કે સેમ પિત્રોડા માટે એક વાત થોડી અલગ છે. તેમના પિતા ગુજરાતમાંથી ઓડિશામાં સ્થાયી થયા હતા. એટલે કે તેઓ એનઆરજી છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત બાદ એનઆરજીઓને ઘણું સારું મહત્વ મળી રહ્યું છે. ત્યારે બની શકે કે ગુજરાતના મુખ્યમંત્રી મોદી પણ પોતાની સામે કોંગ્રેસના એનઆરજી ઉમેદવારથી કોંગ્રેસ સામે થોડું કૂણું વલણ દાખવે. કારણ કે મુખ્યમંત્રી એનઆરજીઓને દેશ-વિદેશમાંથી ગુજરાતના વિકાસ માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં આમંત્રે છે.

જો સેમ પિત્રોડાને કોંગ્રેસ તરફથી ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, તો ગુજરાતમાં વિકાસ પુરુષ સામે વિકાસપુરુષની ટક્કર જોવા મળે. વળી પરિણામ કોઈપણ આવે ગુજરાત વિકાસના માર્ગ પર આગળ વધે તેવી ગુજરાતની પ્રજાને હૈયા ધારણ બંધાય શકે છે. શું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ સંદર્ભે વિચાર કરી શકે? ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના હિત માટે રાષ્ટ્રપતિ પદના સંભવિત કોંગ્રેસી ઉમેદવાર એવા સેમ પિત્રોડાને ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને મોદીને જવાબ આપવા માટે કંઇક નવો પ્રયોગ સરાહનિય છે.