Friday, January 4, 2013

ભારતે પેટ ચોળી શૂળ ઉભી કરી!!


-આનંદ શુક્લ
નિયમોના નિયમન વગરની સ્વતંત્રતાની વાતે જાતિય ગુનાઓના પ્રમાણમાં વધારો કર્યો, ઉપભોગતાવાદે સ્ત્રીને ભોગનું સાધન બનાવી
ભારતમાં સૌનું કલ્યાણ કરતું રામરાજ હતું. મુસ્લિમ અને અંગ્રેજ શાસનમાં ભારતના રાજની તાસિર બદલાઈ. આઝાદીની લડાઈ વખતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ભારતમાં સૌના માટે કલ્યાણકારી રામરાજ લાવવા માંગતા હતા. પરંતુ રામ હિંદુઓના આરાધ્ય હોવાને કારણે મુસ્લિમ લીગે અને અન્ય તથાકથિત સેક્યુલર પાર્ટીઓએ તેને ધાર્મિક ચશ્માથી જોયું. સૌના કલ્યાણ માટેની ગાંધીજીની ભાવનાને દરકિનાર કરી. ભારતમાં 1947થી સ્થપાયેલું સેક્યુલરરાજ 2012 સુધીમાં રાવણરાજ બની ગયું છે. 1947 સુધી ભારતમાં ઈમાન, ધરમ, મૂલ્યો, નૈતિકતા, સારાસ જેવી સકારાત્મક ઊર્જા ખૂબ મોટા પ્રમાણમાં સચવાયેલી હતી. એવું પણ ન હતું કે આવી સકારાત્મક ઊર્જા કોઈ એક સમાજમાં જ હતી. જેને માનવતા કહેવામાં આવે છે, તે આઝાદી વખતે ભારતના તમામ લોકોમાં તમામ વર્ગોમાં સચવાયેલી અને ધરબાયેલી હતી. પરંતુ 1947માં ગાંધીજીના રામરાજની જગ્યાએ સેક્યુલરરાજ સ્થાપવામાં આવ્યું અને તેમાં સકારાત્મક ઊર્જાને નકારાત્મક રીતે જોવાની શરૂઆત કરવામાં આવી.
દુનિયામાં બ્રિટિશરો પછી અમેરિકનોએ અલગ પ્રકારનો સામ્રાજ્યવાદ ચલાવ્યો. અમેરિકન મલ્ટિનેશનલ્સો અને કોર્પોરેટ કલ્ચરના ભારતમાં વધી રહેલા પ્રભાવમાં સકારાત્મક ઊર્જા સમા ભારતીય મૂલ્યો અડચણરૂપ હતા. આ મૂલ્યોને દૂર કરવા માટે તેનો પ્રભાવ ઘટાડવા માટે ધીમેધીમે લોકોને અલગ પ્રકારે વાળવાની વિવિધ રીતે કોશિશો થઈ. આધુનિકતા તો દરેક સમાજનો અધિકાર છે. પરંતુ આધુનિકતાને નામે અન્ય સંસ્કૃતિને ઓઢી લેવાની ચાલ માત્ર ભારતમાં જ દેખાઈ. ભારતે પોતાનો પહેરવેશ બદલ્યો, ખાણીપીણી બદલી અહીં સુધી વાંધો આવ્યો નહીં. પરંતુ કેળવણીમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાને પોષતી વાતો દાખલ કરવામાં આવી. જીવન સૌનો અધિકાર છે, તેમ સમજાવવામાં આવ્યું. પરંતુ જીવન કેવી રીતે જીવવું તેની સમજણ આપવાનું બંધ કરવામાં આવ્યું. આને કારણે સમાજમાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાથી મનફાવે તેમ જીવનારો એક વર્ગ ઉભો થયો. તેનો પ્રભાવ સમાજના ઉપરના વર્ગમાં ખૂબ ઝડપથી સ્થપાયો. તો નીચલા વર્ગના લોકોએ પણ આવા લોકોનું અનુકરણ કરવાનું ચાલુ કર્યું. લોકોએ મૂલ્યો અને નૈતિકતાઓ સાથે ઈમાન-ધરમ સાથે બાંધછોડ કરવાની શરૂઆત કરી. બસ અહીંથી ભારતની તમામ મુસીબતોનો પ્રારંભ થયો.
90ના દાયકામાં ભારત વૈશ્વિકરણ અને ઉદારીકરણના રસ્તે બેફામ દોડવા લાગ્યું. સમાજમાં નાણાંની લિક્વિડિટી વધી. ભારતનો મિડલ ક્લાસ ખૂબ વધ્યો અને ફૂલ્યો ફાલ્યો. મિડલ ક્લાસની પહોંચ એશોઆરામ અને આરામદાયક વસ્તુઓ સુધી પહોંચી. પરંતુ ત્યારે મિડલ ક્લાસ વર્ગને વૈશ્વિકરણ અને ઉદારીકરણમાં પોતાના મૂલ્યો અને નૈતિકતાને આધારે સ્વતંત્રતાનો કેવી રીતે ઉપયોગ કરવો તેની કેળવણી આપવાની કોઈ સામાજિક, સાંસ્કૃતિક અથવા રાજકીય વ્યવસ્થા થઈ નહીં. આ સમયગાળામાં આવેલો ઉપભોગતાવાદ બેધારી તલવાર સાબિત થયો. ભારતની અંદર 90ના દાયકાથી કહેવાતા વિકાસની સાથે સાથે ક્રાઈમ રેટ વધવા લાગ્યો. ભ્રષ્ટાચાર, ગુનાખોરી, બળાત્કાર, લૂંટફાટ, ખૂનામરકીની ઘટનાઓ પણ ઝડપથી વધવા લાગી. આજે ભારતમાં અંદાજે અડધો કલાકે એક બળાત્કારની ઘટના બની રહી છે. તેની પાછળ ફિલ્મ અને ટેલિવિઝન સિરિયલ્સના માધ્યમથી પિરસવામાં આવતું સેક્સ અને હિંસા પણ ઘણાં મોટા પ્રમાણમાં કારણભૂત છે. આજે ટેલિવિઝન સામે બેસનારી પેઢીને જે સિરિયલ્સો જોવા મળે છે, તેમાં ઉપભોગતાવાદને પ્રમોટ કરતી થીમની જ રજૂઆત હોય છે. પ્રેમના નામે અનૈતિકતા અને મૂલ્યહીનતાને વધારે પ્રમાણમાં ટીવી સિરિયલ્સોમાં પ્રાધાન્ય મળી રહ્યું છે. ભારતીય સમાજનો પાયો લગ્ન સંસ્થા છે. પરંતુ તેના પાયા હચમચી જાય તેવી વાતો ફિલ્મો અને ટેલિવિઝનના માધ્યમથી બોમ્બમારાની જેમ દર્શાવવામાં આવે છે.
માનવીય સંબંધોમાં નૈતિકતા ખલાસ થવાની પ્રક્રિયાનો પ્રારંભ 1995ની ટેલિવિઝન શોપઓપેરા અને ફિલ્મોમાં એનઆરઆઈ પૃષ્ઠભૂમિની પટકથાઓના ચલણથી થયો. ફિલ્મોમાં ખુલ્લેઆમ સેક્સ સીનો અને બોલાતી અશ્લિલ ભાષા નાનપણથી બાળક સાંભળી રહ્યો છે અને તેને જોઈ રહ્યો છે. માબાપ પાસે પણ બાળકને ફિલ્મની વાત સાચા અર્થમાં સમજવાની સમજ અને સમય નથી. તેના કારણે 90ના દાયકા પછીની પેઢીમાં સ્વતંત્રતાના નામે જાતીય છૂટછાટ લેવાની વૃતિ પણ વધી છે. સ્વછંદતા તરફ લઈ જતી સ્વતંત્રતા ખતરનાક છે અને તેનો અનુભવ ભારત કરી રહ્યું છે. કોઈપણ વસ્તુ નિયમ વગરની હોતી નથી. સ્વતંત્રતાનું નિયમન પણ નિયમોથી થવું જોઈએ. પરંતુ સ્વતંત્રતાની વાત કરનારા 99 ટકા લોકો નિયમોના નિયમન વગરની સ્વતંત્રતાની માગણી કરી રહ્યા છે. ત્યારે તેવા સમયમાં અનૈતિકતા, મૂલ્યહીનતાનું પ્રમાણ વધે તે સ્વાભાવિક છે. જેના કારણે જાતીય છૂટછાટોના વધવાને કારણે જાતીય હુમલા અને ગુનાઓની સંખ્યામાં પણ વધારો થાય તે સ્વાભાવિક છે.
બળાત્કાર જઘન્ય અપરાધ છે. આ માત્ર સ્ત્રીના શરીરને જ ચૂંથવાનો ગુનો નથી, પણ તેના આત્માને આઘાત પહોંચાડવાનો ગુનો છે. સંસ્કૃત સમાજમાં બળાત્કાર જેવા જાતીય ગુનાને કોઈ સ્થાન હોઈ શકે નહીં. પરંતુ બળાત્કારની વધી રહેલી સંખ્યા અને મહિલાઓ તરફનો દ્રષ્ટિકોણ દર્શાવી રહ્યો છે કે સમાજ સંસ્કૃત અને સભ્ય બનવાની જગ્યાએ વિકૃતિઓ તરફ આગળ વધી રહ્યો છે. બળાત્કારના ગુનાઓ સામે સડકો પર આંદોલન થયા. પરંતુ શું સડકો પર ઉતરવા માત્રથી બળાત્કાર રોકાઈ જશે? બળાત્કાર માણસની અંદર રહેલા શેતાની તત્વોની નિપજ છે. આ શેતાની તત્વો માણસ કેવી રીતે નષ્ટ કરી શકે કે નિયંત્રિત કરી શકે તેની કોઈ સિસ્ટમ આજના સમાજમાં સાબૂત બચી છે ખરી? બળાત્કાર રોકવા માટે દરેક માણસે આત્મવિશ્લેષણ કરવું પડશે. તેનો મહિલાઓને જોવાનો તેમની સાથે વર્તવાનો દ્રષ્ટિકોણ ક્યો છે. ભારતની સંસ્કૃતિ રહી છે કે પારકી સ્ત્રીને માતા સમાન ગણવી. પરંતુ આ પ્રકારનો દ્રષ્ટિકોણની વાત જ જવા દો. નારીને ઉપભોગનું સાધન માત્ર સમજવાનો દ્રષ્ટિકોણ સમાજમાં વધારે પ્રભાવી બન્યો છે. નારીને એક વ્યક્તિ તરીકેનું સમ્માન આપવા માટે પણ લોકો વ્યક્તિગત અને સામાજિક રીતે તૈયાર દેખાતા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યુ છે કે બળાત્કાર ઈન્ડિયામાં વધારે થાય છે, ભારતમાં ઓછા થાય છે. ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભારતને ઈન્ડિયા બનાવીને તેને વિકાસ કહેનારા આપણે બધાં જ છીએ. ભારતમાં ભારત બચ્યું ક્યાં છે? આપણે શું ભારતને ભારતમાં જીવતું રહેવા દીધું છે? ભારત એટલે શું? દરેક ભારતીય એક ભારત છે. તેમના દરેકમાં જો ભારત જીવતું હોય, તો ભારતને ભારત ગણી શકાય. પરંતુ શું દરેક ભારતીયમાં આપણે ભારતને જીવાડી શક્યા છીએ? શહેરોમાં પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થયું છે. પરંતુ શહેરની મહિલાઓની સ્થિતિ ગ્રામીણ મહિલાઓની સરખામણીએ સારી છે. ગામડામાં સ્ત્રીઓ પર થતા અત્યાચારની ઘણી વાતો બહાર પણ આવતી નથી. આવી સ્થિતિમાં ગામડામાં સ્ત્રીઓની સ્થિતિ સારી કેવી રીતે કહી શકાય? શહેરો ઈન્ડિયા અને ગામડા ભારત હોવાના માઈન્ડ સેટ સાથે પણ સહમત થવાય તેવું નથી. ભારતને ભારત બનાવવા માટે હજી ઘણું કરવું પડે તેમ છે.
મધ્ય પ્રદેશના ઉદ્યોગ મંત્રી કૌલાસ વિજયવર્ગીયે પણ આઘાતજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે એક મર્યાદા હોય છે, જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થાય છે, તો સીતાનું હરણ થઈ જાય છે. લક્ષ્મણરેખા દરેક વ્યક્તિની ખેંચવામાં આવી છે. આ લક્ષ્મણરેખાને જે પણ પાર કરશે, તો રાવણ સામે બેઠો છે, તે સીતાનું હરણ કરીને લઈ જશે. મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો ગુનો મહિલાઓ માથે જ શા માટે ઢોળવામાં આવે છે? શું કોઈ સ્ત્રી સાથે અણછાજતું બળાત્કારી વર્તન કરનાર પુરુષ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી? મર્યાદા દરેક વ્યક્તિને લાગુ પડે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય. એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિએ કઈ રીતે વર્તવું તેની મર્યાદાઓ વ્યક્તિએ વ્યક્તિએ અલગ-અલગ હોય છે. આ મર્યાદાનું પાલન દરેક વ્યક્તિ કરે, તો આવા ગુના થવાનું અટકી જાય. પરંતુ સ્ત્રી પુરુષ કરતા શારીરિક રીતે કમજોર હોવાથી મર્યાદાનું પાલન માત્ર તેમણે જ કરવાનું અને મર્યાદાનો ભંગ કરવો પુરુષોનો જન્મસિદ્ધ અધિકાર હોવાની માનસિકતા પણ ખોટી છે. પ્રશ્ન એ છે કે મર્યાદાનું ઉલ્લંઘન કરનાર સીતાનું હરણ થાય છે, પરંતુ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર રાવણનો નાશ થતા લાંબો સમય કેમ લાગે છે?
સમાજમાં વિફરેલી ઉપભોગતાવાદી માનસિકતાના શમન માટેના રસ્તાઓ શોધવાનો સમય હવે પાકી ગયો છે. આ છેલ્લી ટ્રેન છે. બળાત્કારની વધી રહેલી ઘટનાઓ અને વધી રહેલો જાતીય સ્વેચ્છાચાર બંને સમાજ માટે ખતરનાક છે. મનફાવે તેમ જીવવું સ્વતંત્રતા નથી, પણ આજુબાજુના સૌને ફાવે તેમ જીવવું સ્વતંત્રતા છે. સહઅસ્તિત્વ માનવજીવનનો પાયો છે. સહઅસ્તિત્વને ખતમ કરતી કોઈની પણ સ્વતંત્રતા નકામી છે. ત્યારે સ્વતંત્રતાનું નિયમોના આધારે નિયમન થાય તેવી વ્યવસ્થા પણ જરૂરી છે. 65 વર્ષના સેક્યુલરરાજે ભારતને ક્યાં પહોંચાડયું તેનું પણ આત્મવિશ્લેષણ થવું અત્યારે બેહદ જરૂરી છે. 

No comments:

Post a Comment