Tuesday, January 22, 2013

હિંદુ આતંકવાદનો મુદ્દો કોંગ્રેસ માટે આત્મઘાતી


-          -  આનંદ શુક્લ
રાજહિતથી રાષ્ટ્રહિત સર્વોપરી હોય છે. દરેક દેશની રાજનીતિ રાષ્ટ્રહિતને આગળ કરીને ચલવાની હોય છે. પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો અહીંથી છેલ્લા 25 વર્ષથી ભારત સહીત દુનિયાભરમાં ઈસ્લામિક આતંકવાદની નિકાસ થતી રહી છે. પરંતુ પાકિસ્તાને ક્યારેય સ્વીકાર્યું નથી કે દુનિયાભરમાં તેમને ત્યાંથી આતંકવાદની નિકાસ થઈ રહી છે. ભારત છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરતું આવ્યું છે. પરંતુ ભારતના ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેને એક નિવેદને પાકિસ્તાનના આતંકવાદી તત્વોનો જુસ્સો વધારી દીધો છે. સુશિલકુમાર શિંદેએ કહ્યુ છે કે ભાજપ અને આરએસએસની શિબિરોમાં હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતનું સૌથી મોટું સામાજિક-સાંસ્કૃતિક સંગઠન છે અને ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. જ્યારે ભારતનો ગૃહમંત્રી આવા બંને સંગઠનો પર હિંદુ આતંકવાદ ભડકાવાનો આરોપ લગાવતો હોય, ત્યારે પાકિસ્તાનના ભારત પર આકરા હુમલા સ્વાભાવિક છે. લશ્કરે તોઈબાના સંસ્થાપક અને જમાત-ઉદ-દાવા નામના કટ્ટરપંથી સંગઠનના વડા હાફિઝ સઈદે શિંદેના નિવેદનનો લાભ લઈ ભારતને આતંકવાદી દેશ ઘોષિત કરવાની માગણી કરી છે. તેણે કહ્યુ છે કે ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો છે. શિંદેના એક નિવેદનથી પાકિસ્તાન સામેની ભારતની વ્યૂહરચના નેસ્તોનાબૂદ થઈ ગઈ.
ભારતને આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી કરનારો હાફિઝ સઈદ ખુદ એક આતંકવાદી છે. લશ્કરે તોઈબા જેવા ભારતમાં અનેક આતંકવાદી હુમલામાં સામેલ સંગઠનનો તે સર્વેસર્વા રહ્યો છે. હાફિઝ સઈદ પર મુંબઈ પરના 26/11ના હુમલાનો માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ છે. આ આતંકવાદી હાફિઝ સઈદ ભારતના સેક્યુલારિઝમનો ભાંડો ફૂટી ગયો હોવાની વાત કરે છે. પરંતુ તેણે ભુલવું ન જોઈએ કે અખંડ ભારતના ધર્મના નામે ભાગલા કરાવનારા મુસ્લિમ લીગી માનસિકતાવાળા મુસ્લિમોના મગજની પાકિસ્તાન પેદાશ છે. ભારત આઝાદીના 65 વર્ષ બાદ પણ બંધારણીય રીતે સેક્યુલર છે. દુનિયાના ઘણાં સમાજશાસ્ત્રીઓ અને રાજકીય વિશ્લેષકોના મતે, ભારત સેક્યુલર હોવા પાછળ આ દેશના 84 ટકા હિંદુઓ કારણભૂત છે. આ દેશ બંધારણથી નહીં, આ દેશના હિંદુઓને કારણે સેક્યુલર રહી શક્યો છે. પોતાનું, પોતાના સમાજનું કે પોતાના દેશનું નહીં વિશ્વના તમામ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હિંદુઓને ગળથૂથીમાં પાવામાં આવે છે. આવો હિંદુ અકારણ લોહી વહાવાની થિયરીમાં માની શકે નહીં. હિંદુ વિચારને મન અને આત્માથી માનનારા વ્યક્તિ શાંતિ માટે ક્રાંતિ કરી શકે, પણ આતંક ફેલાવી શકે નહીં. હિંદુઓની માનસિકતા આતંકવાદી હોત, તો 1947 સુધી દેશમાં ધર્મના નામે થયેલી કત્લેઆમનો જવાબ તેના ફેલાવનારાઓને ધર્મના નામે જ મળ્યો હોત. 1946ના ડાયરેક્ટ એક્શનના મુસ્લિમ લીગી આતંકી ફરમાનનો જવાબ હિંદુઓએ હિંસક રસ્તે આપ્યો હોત. હિંદુઓ ખુલ્લુ યુદ્ધ કરી શકે, કાયરની જેમ આતંક ફેલાવી શકે નહીં તે તો ઐતિહાસિક તથ્ય છે.
શિંદેનું નિવેદન દેશના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન પર હિંદુ આતંકવાદને પ્રોત્સાહાન આપવાનો આરોપ કરે છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 55 હજારથી વધારે શાખાઓ આખા દેશમાં સવારે અને સાંજે, દરરોજ અને સાપ્તાહિક સમયે નિશ્ચિત જગ્યાએ મળે છે. સંઘની શાખાની પ્રવૃતિ ભારતમાં ખુલ્લા મેદાનમાં થાય છે. સંઘની શિબિરો પણ ભારતમાં ઘોષિત કાર્યક્રમો પ્રમાણે ખુલ્લા મેદાનમાં થાય છે. આ દેશમાં સંઘ સાથે જોડાયેલા હોય તેવા અટલ બિહારી વાજપેયી અપાર લોકપ્રિયતાથી 6 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હતા. શું તેમણે દેશમાં આતંકવાદ ફેલાવ્યો? શું તેમણે પાકિસ્તાન સાથે અકારણ યુદ્ધની કોઈ ચેષ્ટા કરી? સંઘની તમામ પ્રવૃતિઓ ખુલ્લેઆમ અને ઘોષિત થાય છે. જો તેમા કોઈ ગુનાખોરી હોય અને તેના ગૃહમંત્રી પાસે પુરાવા હોય તો તેમણે તાત્કાલિક પગલા લેવા જોઈએ. પરંતુ સંઘની પ્રવૃતિની વાત કરીએ તો 1947માં ભાગલા વખતે સ્વયંસેવકોએ સરહદે વિસ્થાપિતોને મદદ કરી હતી. 1962ના ચીન યુદ્ધ વખતે જાન જોખમમાં નાખીને સંઘના સ્વયંસેવકોએ ભારતીય સેનાને મદદ કરી હતી. જેના પરિણામે 1963ની 26મી જાન્યુઆરીએ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કર્યા હતા. દેશમાં ભૂકંપ, પુર કે અન્ય કુદરતી આફતો આવે, ત્યારે સંઘના સ્વયંસેવકો દેશવાસીઓની મદદ કરવા માટે દોડી જતા હોય છે. શું આ સંઘનો હિંદુ આતંકવાદ છે?
કોંગ્રેસી ગૃહમંત્રી શિંદે ભાજપને આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ ગણી રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે ભાજપ આ દેશનો સૌથી મોટો વિપક્ષ છે. ભાજપ સાથે રાજકીય મતભેદો કોંગ્રેસી મંત્રી તરીકે હોય તે સ્વાભાવિક છે. ભાજપની વિચારધારા સાથે શિંદે સહમત ન થાય તે પણ યોગ્ય છે. પરંતુ ભાજપને હિંદુ આતંકવાદને પ્રોત્સાહન આપતો પક્ષ ગણવો તેમની મોટી ભૂલ છે. ભારતની લોકશાહીના સ્વાસ્થ્ય માટે આ સારી વાત નથી. શું ગૃહમંત્રી શિંદે ડાબેરી વિચારધારા હેઠળ ચાલી રહેલા નક્સલવાદને ડાબેરી પક્ષોનો લાલ આતંક કહેશે? દેશના 200થી વધારે જિલ્લામાં ચાલી રહેલા વિકૃત અને હિંસક નક્સલી આતંકવાદને રોકવાની ગૃહમંત્રીની ફરજ છે. પરંતુ તેઓ જેનું અસ્તિત્વ નથી, તેવા કાલ્પનિક હિંદુ આતંકવાદને નાથવામાં પડયા છે. 1984થી પંજાબમાં આતંકવાદ શરૂ થયો. શિંદેએ જવાબ આપવો જોઈએ કે આ આતંકવાદ કેમ ચાલુ થયો અને તેનો રંગ શું ભગવો હતો? કાશ્મીર ખીણ 1990થી હિંદુવિહીન બની છે. શું કાશ્મીર ખીણમાં ચાલી રહેલો આતંકવાદ હિંદુ આતંકવાદ છે?
જે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ દેશમાં ચાલી રહેલા જેહાદી આતંકવાદને કોઈ ધર્મ સાથે નહીં જોડવાનો તર્ક આપે છે. તે જ તુષ્ટિકરણની નીતિ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા હિંદુ આતંકવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો તર્ક આપી રહી છે. કોંગ્રેસના મુસ્લિમ વોટબેંકના રાજકારણે રાષ્ટ્રહિતની રાજહિતને કારણે બલિ લીધી છે. સમજૌતા એક્સપ્રેસ કાંડ, અજમેર બ્લાસ્ટ, મોડાસા-માલેગાંવના વિસ્ફોટો અને હૈદરાબાદ મક્કા મસ્જિદ બોમ્બ કાંડના કેસોમાં કેટલાંક હિંદુઓને એનઆઈએએ જુદાજુદા આરોપો હેઠળ ઝડપ્યા છે. જો કે તેમની સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને હજી સુધી તેના પર કોઈ ચુકાદો આવ્યો નથી. ત્યારે આ બધાં હિંદુ આતંકવાદના કિસ્સા હોવાની વાત હાસ્યાસ્પદ લાગે છે. બની શકે તેમની પૃષ્ઠભૂમિ આરએસએસ સાથે જોડાયેલી હોય. પરંતુ તેઓનો તર્ક શું છે, તેઓ ખરેખર આવા કિસ્સાઓમાં સંડોવાયેલા છે, સંડોવાયેલા છે તો કેટલી હદે સંડોવાયેલા છે. તેના સંપૂર્ણ જવાબો લોકો સામે લાવવા જોઈએ. 90ના દાયકામાં શરૂ થયેલા પાકિસ્તાન પરસ્તોના મુસ્લિમ લીગી માનસિકતાવાળા આતંકવાદ સામે તત્કાલિન શાસકોની કૂણી નજર અને ઢીલી નીતિએ જનતામાં એક આક્રોશ પેદા કર્યો હતો. ત્યારે એ તપાસનો વિષય બને છે કે આવા આક્રોશથી કોઈ દોરવાયા તો નથી ને? તેવા સંજોગોમાં આ હિંદુ આતંકવાદની ઘટનાઓ પણ નથી. ભારત સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓ જ તેના માટે જવાબદાર છે. જો કે આવી હિંસાનું ક્યારેય કોઈ સમર્થન ન હોઈ શકે. પરંતુ આવી હિંસાને સરકારે કારણ આપ્યું તેમ તો ચોક્કસ કહી શકાય.
આતંકવાદ પર આ દેશમાં બહુકોણીય રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેહાદી આતંકવાદ પ્રત્યે કૂણી નીતિના પગલે કોંગ્રેસ શાસિત સરકારો ભીંસમાં આવતી હતી. હવે કોંગ્રેસે ભાજપ અને સંઘને ભીંસમાં લેવા માટે તેમની સામે હિંદુ આતંકવાદના મુદ્દાને ઉછાળ્યો છે. પરંતુ આમ કરે તેઓ દેશનું તો નુકસાન કરી રહ્યા છે, પરંતુ તેઓ ખુદ પોતાનું નુકસાન પણ કરી રહ્યા છે. 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે દિગ્વિજય સિંહે હિંદુ આતંકવાદને મુદ્દે બેફામ નિવેદનો કર્યા અને જનતાએ કોંગ્રેસને નકારી હતી. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હિંદુ આતંકવાદના મુદ્દાને આગળ કરવાની નીતિ કદાચ તેમને મુસ્લિમોના વોટ અપાવે, પરંતુ હિંદુઓના વોટોથી દૂર કરે તો નવાઈ પામવા જેવી નથી. આવા સંજોગોમાં કોંગ્રેસનું સત્તા પર ફરીથી કાબિજ થવું લગભગ અશક્ય બની જશે.
જ્યાં સુધી ભગવા આતંકવાદનો સવાલ છે. ભગવો આ દેશની આધ્યાત્મિકતાનો રંગ છે. આધ્યાત્મિકતા ઉગ્ર હોઈ શકે, આતંકી નહીં. આ દેશના રાષ્ટ્રધ્વજમાં પણ સૌથી પહેલો રંગ ભગવો કે કેસરી છે. આ દેશના ત્યાગી અને સમર્પિત લોકોનું તે પ્રતીક છે. ત્યારે આતંકવાદને ભગવા રંગ સાથે જોડવો આ દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન છે. કોંગ્રેસી નેતા મણિશંકર ઐય્યરના મત પ્રમાણે, પાકિસ્તાન નહીં, હિંદુત્વ તેમનું દુશ્મન છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આતંકી સંગઠન માને છે, પરંતુ પ્રતિબંધિત સીમીને આતંકી ગણવા માટે તેઓ પુરાવા માંગી રહ્યા છે. કોંગ્રેસના આવા ચરિત્રવાળા નેતાઓ તેને પ્રજાથી વિમુખ બનાવે તો આગામી સમયમાં કોઈને આશ્ચર્ય થશે નહીં.  

No comments:

Post a Comment