Friday, January 18, 2013

પાકિસ્તાન એટલે કૂતરાંની વાંકી પુંછડી


- આંનદ શુક્લ
આખરે ભારતીય નેતાઓની પાકિસ્તાન સાથે શું મજબૂરી છે? પાકિસ્તાન વારંવાર ગુસ્તાખી પર ગુસ્તાખી કરતું જાય છે અને ભારતની વિદેશ નીતિ વાતચીત કરીશું અને નહીં કરીએ, તેવા લોલક વચ્ચે ઝુલી રહી છે. 1947માં આઝાદી વખતથી ભારત માટે નાસૂર બનેલું પાકિસ્તાન 2012 સુધીમાં એટલી હદે વકરી ચુક્યું છે કે તેનું ઓપરેશન કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં મોટી મુશ્કેલી સર્જાશે.

2013ની શરૂઆતમાં 8મી જાન્યુઆરીએ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરના મેંઢર પાસેની અંકુશ રેખા પર જઘન્ય કસાઈ કાંડ કર્યો. જલ્લાદોની સંસ્કૃતિમાંથી પેદા થયેલા પાકિસ્તાની સૈનિકોએ ભારતના બે સૈનિકોની બર્બરતાથી હત્યા કરી. આ બંને ભારતીય સૈનિકોના મૃતદેહને અપમાનિત કર્યા અને તેની સાથે છેડછાડ કરી. જેમાંથી શહીદ લાન્સનાયક હેમરાજનું સિર કલમ કરીને તેઓ પોતાની સાથે લઈ ગયા. જ્યારે શહીદ લાન્સનાયક સુધાકરસિંહના મૃતદેહને પણ વિક્ષિપ્ત કરવામાં આવ્યો. અંકુશ રેખા પર બનેલી બર્બર ઘટના બાદ ભારતમાં જનાક્રોશ ચરમસીમાએ પહોંચ્યો. પરંતુ ભારતના વિદેશ મંત્રી સલમાન ખુર્શિદ હજી કહી રહ્યા છે કે પાકિસ્તાન સાથેની શાંતિપ્રક્રિયાને બાધિત થવા દેવાશે નહીં. આનાથી મોટું આશ્ચર્ય ભારતીય વિદેશ નીતિ માટે અન્ય બીજું કોઈ હોઈ શકે નહીં.

વિદેશ નીતિની વાત કરીએ તો તેનો જે-તે દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો અને પોતાના પાડોશી દેશો સાથેના સંબંધો સાથે સંબંધ છે. અમેરિકાની વિદેશ નીતિ છે કે તમે અમારી પર હુમલો કરશો, તો અમે તમારી પર હુમલો કરીશું. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા બાદ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. અફઘાનિસ્તામાં અમેરિકા પરના સૌથી મોટા આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકવાદી ઓસામા બિન લાદેનના છુપાયા હોવાની આશંકા હતી. વળી છેલ્લે અમેરિકાએ એક ગુપ્ત ઓપરેશનમાં પાકિસ્તાના એબટાબાદ ખાતે છુપાયેલા શેતાનોના સરદાર ઓસામા બિન લાદેનને ખતમ પણ કરી નાખ્યો.

ઈસ્લામિક દેશો વચ્ચે ઘેરાયેલા અને પોતાની રચનાથી અત્યાર સુધી સતત અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહેલા ઈઝરાયેલની વિદેશ નીતિ ઘણી આક્રમક છે. ઈઝરાયેલ કહે છે કે તમે અમારા પર હુમલો કરશો, તો અમે તમને તબાહ કરી દઈશું. ઈઝરાયેલથી ઈસ્લામિક દુનિયાના સરગના સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન સહીતના તમામ દેશો ડરે છે. 1968માં ઈઝરાયેલ પર તેની આસપાસના આરબ દેશો અને ઈજીપ્તે સામુહિક હુમલા કર્યા હતા. પરંતુ ઈઝરાયેલે આ તમામ દેશોને યુદ્ધમાં બોધપાઠ ભણાવ્યો છે. ઈઝરાયેલને ખતમ કરવા માટે ઈરાન અણુ બોમ્બ બનાવી રહ્યું છે, જ્યારે સાઉદી અરેબિયા હથિયારોનો ખડકલો કરી રહ્યું છે. પરંતુ ઈઝરાયેલ પોતાની પાસેની શક્તિમાં વિશ્વાસ રાખીને પોતાની વિદેશ નીતિના અસ્તિત્વ પર આધારીત સિદ્ધાંતો પર અડગ છે.

ઈસ્લામિક વિશ્વની આતંકી શક્તિઓથી જેને સૌથી વધારે ખતરો છે, તે ભારતની વિદેશ નીતિ છેલ્લા બે દાયકાથી અસ્તવ્યવસ્ત છે. આતંકની ફેક્ટ્રી પાકિસ્તાન ભારતના પાડોશમાં છે. પાકિસ્તાનમાંથી આખી દુનિયામાં આતંકવાદની નિકાસ થાય છે. તેની સૌથી વધારે અસર ભારતને થઈ રહી છે. ભારતના મસ્તક જમ્મુ-કાશ્મીરને કલમ કરવા માટે પાકિસ્તાને પોતાની સેના દ્વારા અને બાદમાં આતંકવાદની શેતાની શક્તિથી અનેક પ્રયત્નો કર્યા છે. જો કે પાકિસ્તાનને તેમા કોઈ સફળતા પ્રાપ્ત થઈ નથી. પરંતુ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સંદર્ભેની પોતાની નીતિથીઓથી ભારતને ખૂબ રંજાડયું છે. જો કે તેની પાછળ સૌથી મોટું કારણ ભારતના નપાણિયા નેતાઓની રાજકીય ઈચ્છાશક્તિ કારણભૂત છે.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સાથેની અંકુશ રેખા પર બનેલી ભારતીય સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પહેલા સેના દ્વારા ભારતીય સૈનિકોના મૃતદેહને વિક્ષત કરાયાની વાત પર પડદો રાખવાનો પ્રયત્ન થયો. પરંતુ મીડિયાની સક્રિય ભૂમિકાને કારણે ભારતીયો સામે પાકિસ્તાની સૈનિકોની જલ્લાદ વૃતિ સામે આવી. પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતના એક સૈનિકનું સિર કલમ કરી સાથે લઈ જવાની ઘટના બાદ જનાક્રોશ દેશમાં દેખાવા લાગ્યો. જનતાની માગણી છે કે પાકિસ્તાન સામે ભારત સરકાર સખત કાર્યવાહી કરે. પરંતુ ભારત સરકાર તોપગોળા ચલાવવાને બદલે માત્ર જીભ ચલાવી રહી છે અને તે પણ વિલંબથી.

ભારતીય સૈનિકના સિર કલમ કરવાની ઘટના બાદ સરહદે રાજપૂતના રાઈફલ્સની સંબંધિત બટાલિયનમાં સૈનિકો પણ આક્રોશિત હતા. તેમણે લગભગ બે દિવસ સુધી ભોજન પણ ગ્રહણ કર્યું ન હતું. તેઓ પોતાના સાથીદારોની શહીદીનો બદલો લેવા માંગતા હતા. આ સૈનિકોને તેમના કમાન્ડિંગ ઓફિસરે ઘણી મહેનતથી સમજાવ્યા છે. આ સિવાય ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે પાકિસ્તાની સેનાને તેની કાર્યવાહીનો જડબાતોડ જવાબ મળશે. તેના માટેનું સ્થાન અને સમય ભારતીય સેના નક્કી કરશે. તેમણે ઉત્તરી કમાન્ડના તમામ ભારતીય કમાન્ડરોને સંરક્ષણાત્મક નહીં, આક્રમક અભિગમ માટે ટકોર કરી છે. જેના પરથી ભારતીય સેનાનો હવે પછીનો પાકિસ્તાની સેના સામેનો મિજાજ સ્પષ્ટ થઈ રહ્યો છે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે 15મી જાન્યુઆરીએ સેના દિવસ પર પણ સ્પષ્ટ કર્યું કે ભારતીય સેનાએ અત્યાર સુધી દેશના લોકોની લાગણી પ્રમાણે કામ કર્યું છે અને આગળ પણ ભારતીય સેના કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.

ભારતીય સેનાધ્યક્ષના નિવેદન સિવાય ભારત સરકારના કોઈપણ નેતાનું વલણ સ્પષ્ટ દેખાતું ન હતું. વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ ભેદી મૌન જાળવ્યું. જો કે વડાપ્રધાન મનમોહનસિંહ મોડે મોડે બોલ્યા કે પાકિસ્તાન સાથે હવે પહેલા જેવા સંબંધો શક્ય નથી. પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હજી સુધી કંઈ જ બોલ્યા નથી. છેલ્લા બે દશકોથી ગોથા ખાઈ રહેલી ભારતીય વિદેશ નીતિ છેલ્લા બે વર્ષથી વધારે ખરાબે ચઢી છે. તેમા તાજેતરમાં સલમાન ખુર્શિદને વડાપ્રધાન મનમોહનસિંહે વિદેશ મંત્રીની નવી જવાબદારી આપી. હાલ વિદેશ મંત્રાલયમાં મુસ્લિમ મંત્રીઓ અને અધિકારીઓનો દબદબો છે. જેને ભારત તરફથી પાકિસ્તાન માટે અપનાવવામાં આવતા કૂણાં વલણ માટે મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન સાથે વિદેશ મંત્રાલય ક્રિકેટ ડિપ્લોમસીથી સંબંધો સુધારવા માટે કામ કરી રહી હોવાનું સ્પષ્ટ દેખાયું. પાકિસ્તાની ક્રિકેટ ટીમને ભારતમાં ક્રિકેટ માટે વિરોધ વચ્ચે આમંત્રિત કરવામાં આવી. ભારતના દુશ્મન દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વીઝા આપવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે માફિયા ડોનમાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમના વેવાઈ જાવેદ મિયાંદાદને ભારતીય વિદેશ મંત્રાલયે હજી સુધી બ્લેક લિસ્ટ કર્યો નથી. ભારતમાં મિયાંદાદને વીઝા આપવા સામે ઘણો વિરોધ થયો. અંતે દિલ્હીની મેચ પહેલા મિયાંદાદે ધાર્મિક કારણ બતાવી ભારત પ્રવાસ પોતાની મેળે જ પડતો મૂક્યો.

આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયના આમંત્રણ પર પાકિસ્તાનના આંતરીક બાબતના મંત્રી રહેમાન મલિક ભારત આવ્યા હતા. તેમણે ભારતમાં આવીને ડિપ્લોમેટિક ટેરરિઝમ ફેલાવ્યો. પોતાના નિવેદનોથી ભારતીય લાગણીઓને ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે મુંબઈ હુમલાની સરખામણી બાબરી ધ્વંસની ઘટના સાથે કરીને હદ કરી દીધી. તેમણે કહ્યુ કે હવે મુંબઈ હુમલા અને બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ નહીં બને. ત્યારે સવાલ એ છે કે રહેમાન મલિકની ભારત યાત્રાનો હેતુ શું હતો? મલિકની ભારત યાત્રા, મિયાંદાદને વીઝાનો વિવાદ અને અંકુશ રેખા પર ભારતીય સૈનિકોની બર્બર હત્યા ભારતીય વિદેશ મંત્રાલયની અને આખી ભારત સરકારની પાકિસ્તાન સંદર્ભેની નીતિના સૌથી મોટા બ્લન્ડર છે.

ભારતીય સૈનિકોની બર્બર હત્યા માટે સૌથી પહેલી શંકા પાકિસ્તાનની 29 બલોચ રેજીમેન્ટના સૈનિકો પર જઈ રહી છે. જ્યારે કેટલાંકના મતે પાકિસ્તાનની સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ એટલે કે એસએસજીની આ હરકત છે. જો કે ભારતમાં તે વખતે મીડિયામાં અચાનક સમાચાર આવ્યા કે આ ઘટના પહેલા પાકિસ્તાન તરફની સંબંધિત અંકુશ રેખાની મુલાકાતે લશ્કરે તોઈબાનો પ્રમુખ હાફિઝ સઈદ ગયો હતો. તેણે ત્યાં ઉશ્કેરણી કરી હતી. ત્યાર પછી પાકિસ્તાન તરફથી નિવેદન આવ્યું કે તેમના સૈનિકોએ ભારતીય સૈનિકોની હત્યા કરી નથી. પછી એવી થિયરી આવી કે ભારતીય સૈનિકોની હત્યા પાછળ સરહદે સક્રિય આતંકવાદી જૂથો હશે. ભારતના કેટલાંક ઉત્સાહી વિશ્લેષકોનું કહેવું છે કે ભારતીય સૈનિકોની હત્યા આતંકવાદીઓએ કરી છે અને આ આતંકવાદીઓ પાકિસ્તાનના એવા નોન સ્ટેટ એક્ટર્સ છે કે જેમના પર પાકિસ્તાની સરકારનું કોઈ નિયંત્રણ નથી. પરંતુ આ ઉત્સાહી વિશ્લેષકો ભૂલી જાય છેકે પાકિસ્તાનના તમામ નોન સ્ટેટ એક્ટર્સો (આતંકવાદી જૂથો વાંચવું) પર પાકિસ્તાનની શેતાની સેનાનો કાબુ છે. પાકિસ્તાનમાં બે પ્રકારના સૈનિકો છે. એક જેઓ પાકિસ્તાની સેનાના નિયમિત સૈનિકો છે. બીજા આવે જેઓ પાકિસ્તાન સેના સમર્થિત આતંકવાદી જૂથોમાં કામ કરી રહ્યા છે. હાફિઝ સઈદની સરહદી વિસ્તારની મુલાકાતની વાત જાણે-અજાણે પાકિસ્તાની સરકાર અને સેનાને બચાવવાનો પ્રયાસ માત્ર છે.

આ ઘટના પછી ભારતનું રાજકીય વાતાવરણ પણ થોડા અપવાદોને બાદ કરતા નિરાશાજનક અને નિર્લજ્જ રહ્યું. શહીદ હેમરાજ ઉત્તર પ્રદેશમાં મથુરા પાસેના શેરનગરના વતની હતા. તેમની અંત્યેષ્ટિમાં ઉત્તર પ્રદેશ સરકારના મુખ્યમંત્રી અખિલેશ યાદવની તો વાત જવાદો, એક મંત્રી સુદ્ધાં હાજર રહ્યો ન હતો. હેમરાજની અંત્યેષ્ટિ વખતે ગામમાં વીજળી ન હતી, પેટ્રોમેક્સના પ્રકાશમાં ચિતાને આગ આપવામાં આવી. શહીદની ઉપેક્ષાથી નારાજ હેમરાજના પરિવારજનોએ ઉપવાસ કર્યો. ત્યાર બાદ યૂપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે શેરનગરની મુલાકાત લઈને પરિવારજનોના ઉપવાસ તોડાવ્યા. ભાજપના નેતાઓ સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સૂર્યપ્રતાપ શાહી વગેરે પણ હેમરાજના પરિવારજનોની મુલાકાતે ગયા હતા. સિર કલમ કરીને લઈ જવાયાની બર્બરતાથી નારાજ પરિવારની લાગણીને માન આપીને સેનાધ્યક્ષ જનરલ વિક્રમસિંહે પણ શેરનગરમાં શહીદના પરિવારજનોની મુલાકાત લીધી. અહીં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે એક ભારતીય શહીદના માથાના બદલે દશ પાકિસ્તાનીઓના માથા લઈ આવવાનું બેબાક નિવેદન કર્યું. જેની કોંગ્રેસ તરફથી ટીકા પણ થઈ. બીજી તરફ મધ્ય પ્રદેશના વતની શહીદ સુધાકરસિંહની અંત્યેષ્ટિમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જોડાયા હતા.

કોંગ્રેસના એક નેતાએ સુષ્મા સ્વરાજના નિવેદનને ભારતના ચોક્કસ ધર્મના લોકોની ધાર્મિક ભાવના સાથે જોડીને કહ્યુ કે તેમણે આ લોકોની ધાર્મિક ભાવનાનો ખ્યાલ કરવો જોઈએ. તો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કહે છે કે ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ સંજોગોમાં યુદ્ધ કરવું જોઈએ નહીં. ભારતના રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાવનાને સૌથી વધારે ચોટ તથાકથિત સેક્યુલર લોકોના સેક્યુલારિઝમ અને ઉદારવાદે પહોંચાડી છે. પાકિસ્તાન સામે બોલવામાં ભારતના ક્યાં લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે? તેને તેમણે સ્પષ્ટ કરવું જોઈએ. પાકિસ્તાન ભારતના વિરોધમાંથી પેદા થયું છે. ભારતની આઝાદીના 65 વર્ષે પાકિસ્તાન સાથે લાગણી ધરાવનારા લોકોને શા માટે ભારત વિરોધી નહીં ગણવા, તેની વાત પણ આ તથાકથિત સેક્યુલરો અને ઉદારવાદીઓએ ભારતની રાષ્ટ્રવાદી જનતાને સમજવવી જોઈએ. પાકિસ્તાન સંદર્ભેના રાજકારણીઓના વલણથી આશંકા જાગે છે કે ભારતમાં પાકિસ્તાન માટે લાગણી ધરાવનારા ચોક્કસ લોકોની વોટબેંક અંકે કરવા માટેની આવા લોકોની કોઈ રાજકીય ગણતરી તો નથી ને?

કેટલાંક વિશ્લેષકો કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જ્યારે સારા થઈ રહ્યા હોય છે, ત્યારે જ પાકિસ્તાનના ભારત વિરોધી તત્વો દ્વારા સંબંધો બગડે તેવા કૃત્યો કરાય છે. પરંતુ જ્યારે હકીકતો તપાસવામાં આવે છે, તો પાકિસ્તાનનું બેવડું ચરિત્ર સામે આવે છે. 1999માં લાહોર બસ યાત્રા બાદ ત્રણ મહિને કારગીલ થયું. કારગીલમાં શરૂઆતમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાની વાતનો તત્કાલિન નવાઝ શરીફ સરકારે ઈન્કાર કર્યો. પરંતુ બાદમાં તેમણે સ્વીકારવું પડયું કે કારગીલ કાંડમાં પાકિસ્તાની સેના સામેલ છે. 2008માં પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતમાં વાતચીત માટે આવ્યા હતા, તેવા સમયે મુંબઈમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ભારત પર હુમલો કર્યો હતો. તાજેતરમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે શ્રેણી પુરી થઈ અને અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ બર્બરતા દેખાડી. ત્યારે પાકિસ્તાનનો બચાવ કરનારાઓએ જવાબ આપવો જોઈએ કે પાકિસ્તાની સેનાથી મોટો ભારત વિરોધી પાકિસ્તાનમાં બીજો કોઈ છે?

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સાથેની 772 કિલોમીટર લાંબી અંકુશ રેખાને હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા રેખા તરીકે વ્યવહારમાં જોવામાં આવે છે. સંયુક્તત રાષ્ટ્ર દ્વારા મૂળરૂપથી પરિભાષિત યુદ્ધવિરામ રેખાને 1972માં બંને દેશો વચ્ચે સિમલા સમજૂતીમાં અંકુશ રેખા નામ આપવામાં આવ્યું છે. ભારતીય નિયંત્રણમાં રહેનારો વિસ્તાર જમ્મુ-કાશ્મીર છે. જ્યારે પાકિસ્તાનના નિયંત્રણમાં રહેનારા વિસ્તારોમાં ગિલગિટ, બાલ્ટિસ્તાન અને ગુલામ કાશ્મીર છે. પાકિસ્તાન તરફથી આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતે 550 કિલોમીટરની અંકુશ રેખા પર કાંટાળા તારની વાડ લગાવી છે. આ અંકુશ રેખાનું 40 હજાર સૈનિકો દિવસરાત રક્ષણ કરી રહ્યા છે. અંકુશ રેખા પર દર 500 મીટરે ચેકપોસ્ટ લગાવવામાં આવી છે. તેમ છતા 2009માં યુદ્ધવિરામનું 28 વાર ઉલ્લંઘન થયું અને ચાર સૈનિકો શહીદ થયા હતા. 2010માં 44 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું અને ત્રણ સૈનિકો શહીદ થયા. 2011માં 51 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું, આ વર્ષે કોઈ ભારતીય સૈનિક શહીદ થયો નથી. 2012માં પાકિસ્તાને 117 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારતના 8 સૈનિકો શહીદ થયા છે. 2013માં અત્યાર સુધીમાં 7 વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. જેમાંથી પાંચ વખત પુંછના ચક્કન દા બાગની ફ્લેગ મિટિંગ બાદ યુદ્ધવિરામનો ભંગ થયો છે.

પાકિસ્તાન એક તરફ ભારતના ગાલ પર થપ્પડો પર થપ્પડો ઝીંકી રહ્યું છે અને બીજી તરફ પીઠમાં ખંજર ભોંકી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે તાજેતરમાં કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો છે. વળી તેમણે વાતચીતની વાત માટે પાકિસ્તાન તૈયાર હોવાનું કહીને સાથે ભારત પર યુદ્ધોન્માદી હોવાનો આક્ષેપ પણ કર્યો છે. પાકિસ્તાનની હરકતો અને તેના નિવેદનો તેની કરણી અને કથની વચ્ચેનું અંતર બતાવી રહ્યા છે. ત્યારે ભારતે પાકિસ્તાન સાથે વાતચીતની સંભાવનાનો હાલ ઈન્કાર કર્યો છે. પરંતુ ભારતના દર વખતના સ્ટેન્ડથી હવે અલગ અભિગમનો સમય પાકી ગયો છે. પરંતુ ભારત સરકારની ઢીલી નીતિ જનતામાં આક્રોશ પેદા કરવાનું કારણ બની શકે છે.

છેલ્લે-

દિલ્હીમાં ગેંગરેપની ઘટના બાદ સતત 15 દિવસ સુધી દેખાવો થયા. પરંતુ ભારતના બે સૈનિકોની બર્બરતાપૂર્ણ હત્યા બાદ આ કેન્ડલિયા ક્રાઉડે એક દિવસ પણ દેખાવો કર્યા નથી.

No comments:

Post a Comment