શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018

ભારતના હિંદુઓ સાથે વધુ એક છેતરપિંડી: આરએસએસનું ગાંધીકરણ

આરએસએસ કેશવ-માધવના માર્ગે જ ચાલે....

ભારતના હિંદુઓ સાથે વધુ એક છેતરપિંડી: આરએસએસનું ગાંધીકરણ

-    પ્રસન્ન શાસ્ત્રી


-     (નોંધ- આરએસએસના હાલના સરસંઘચાલક મોહન ભાગવત મુસ્લિમો વગરના હિંદુત્વને અધુરું ગણાવી રહ્યા છે. ત્યારે આશા રાખું કે મારા આર્ટિકલના સવાલો અને તેમા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા અને કેટલાક તથ્યો પ્રત્યે પણ હિંદુત્વના સમાવેશક તત્વોને ધ્યાનમાં રાખીને તેના પર ડાયલોગની સ્થિતિ પેદા કરે. આ આર્ટિકલ આરએસએસ અને તેના સરસંઘાચલકની કોઈપણ રીતે અવમાનના અથવા અનાદર નથી. પરંતુ હિંદુત્વને લઈને ચિંતા કરનારા એક યુવાનનું ચિંતન છે. )


ભારત હિંદુ રાષ્ટ્ર હોવાની ઘોષણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવ બલિરામ હેડગેવારે કરી હતી. ભારતના લોકોની એક રાષ્ટ્ર તરીકે હિંદુ તરીકેની ઓળખ તેમની અંદર રહેલા મૂળતત્વ હિંદુત્વના આધારે છે. આ ઓળખ કોઈ પાંચ-પચ્ચીસ વર્ષોમાં પ્રાપ્ત થયેલી નથી. ભારતના રાષ્ટ્રત્વની હિંદુત્વ તરીકેની ઓળખ યુગોથી તેની સાથે જોડાયેલી અને વણાયેલી છે. અધર્મ સામે ધર્મને જીતાડવા માટે મહાભારત કરવું ભારતના હિંદુત્વની ઓળખ છે. ધર્મની સાબૂત રહેવાથી જ હિંદુત્વ યુગોથી ટક્યો છે. જ્યારે ભારતની ઓળખ સામે આયોજનબદ્ધ રીતે આક્રમણો થઈ રહ્યા હતા, ત્યારે ડૉ. હેડગેવારે કોંગ્રેસના ગરમદળને છોડીને વિજયાદશમીના પાવનપર્વે નાગપુર ખાતે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી, ત્યારે ભારત એક હિંદુરાષ્ટ્ર હોવાની અપાર શ્રદ્ધા તેમના મન અને હ્રદયમાં હતી. આ અપાર શ્રદ્ધા થકી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતના હિંદુ સમુદાય અને હિંદુત્વની આરાધના કરનારા લોકોના મન અને હ્રદયમાં સ્થાન પામી શક્યું છે.

ચર્ચા કરવામાં આવે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ હિંદુ સ્વયંસેવક સંઘ અથવા અન્ય કોઈ નામ રાખવામાં આવ્યું નથી. પરંતુ ડૉ. હેડગેવારના કાર્યદર્શન અને ચિંતનનો નિચોડ છે કે ભારત એક હિંદુ રાષ્ટ્ર છે અને હિંદુત્વ ભારતનું રાષ્ટ્રત્વ છે. જેને કારણે કદાચ હિંદુ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 1923માં સ્વતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર દ્વારા લખવામાં આવેલા હિંદુત્વના વિચારદર્શનની સાથે પણ ડૉ. હેડગેવાર સંપૂર્ણપણે સંમત હતા. 

પરંતુ તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક મોહનરાવ ભાગવતના નિવેદન ડૉ. હેડગેવારના હિંદુત્વના વિચાર અને હિંદુ રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખની પુનર્સ્થાપનાની આકાંક્ષાઓને ભૂંસીને આરએસએસના ગાંધીકરણની પ્રક્રિયા વધુ વેગવંતી બનવા તરફ ઈશારો કરી રહ્યા છે. ભાજપનું કોંગ્રેસીકરણ દેશની રાજનીતિના હિંદુકરણની પ્રક્રિયાને ખોરવી ચુક્યું છે. તેવી જ રીતે ભારતની હિંદુ રાષ્ટ્રની ઓળખ પુનર્પ્રસ્થાપિત કરવા માટેની પ્રક્રિયાને આરએસએસના ગાંધીકરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવી નાખશે. ભારતની હિંદુ રાષ્ટ્ર તરીકેની રાષ્ટ્રીય ઓળખ પ્રસ્થાપિત થયા બાદ ભારતને હિંદુ રાજ્ય તરીકે બંધારણીય માન્યતા સાથેની વૈશ્વિક ઘોષણાની પ્રક્રિયા આગળ વધી શકે તેમ છે. પરંતુ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના દિલ્હી ખાતે ભારતનું ભવિષ્ય- આરએસએસના દ્રષ્ટિકોણ કાર્યક્રમમાં કરેલા નિવેદનથી હિંદુત્વ સાથે સારોકાર ધરાવતા તમામ સંગઠનો અને વ્યક્તિઓમાં ખળભળાટ સાથે ચિંતનની સ્થિતિ છે અને આ ચિંતન એક ચિંતા સાથે સંબંધિત છે. સવાલ ઉઠી રહ્યો છે કે શું ડૉ. હેડગેવારના હિંદુત્વનિષ્ઠ સંગઠન પરિવર્તનના નામે સિદ્ધાંતોથી દૂર જઈ રહ્યું છે અને તેને છોડવાની પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યું છે?
 
દિલ્હી ખાતેના કાર્યક્રમમાં મોહન ભાગવતે બંધારણની પ્રસ્તાવનામાં ભાતૃત્વ ભાવનાના વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે વિવિધતામાં એકતા, સમભાવ અને એકબીજા પ્રત્યે આદર હિંદુત્વનો પણ સાર છે. ભાગવતે આગળ સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે જો કોઈ કહેશે કે મુસ્લિમો નથી જોઈતા, તો હિંદુત્વ પણ ખતમ થઈ જશે. આરએસએસ બંધારણની પ્રસ્તાવનાના એક-એક શબ્દ સાથે માત્ર સંમત જ નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેનું પાલન પણ કરે છે. 

ભારતના હિંદુઓ જેને દેશના રાષ્ટ્રત્વ અને હિંદુત્વના સંરક્ષક તરીકે જોઈ રહ્યા છે, તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના છઠ્ઠા સરસંઘચાલક મોહન ભાગવતના નિવેદનથી મોટી ચિંતાઓ સાથે ચિંતન માટેના કેટલાક ગંભીર સવાલો પણ પેદા થયા છે. શું મુસ્લિમો વગર હિંદુત્વને અધુરું કહેવું મુસ્લિમો દ્વારા આઠ સદીઓ સુધી અપમાનિત થયેલા ભારતના હિંદુઓનું અપમાન નથી? શું સરસંઘચાલક મોહન ભાગવતે હિંદુત્વની વિચારધારાને છોડી દીધી છે અને સૈદ્ધાંતિક ઘાલમેલ કરીને આરએસએસને પણ માર્ગ ભ્રમિત કરીને અવળે રસ્તે લઈ જવાની કોઈ તૈયારી થઈ રહી છે? અથવા 2014માં ભાજપના જીત્યા બાદ દેશમાં હિંદુત્વને કારણે રાજકીય એકતા દર્શાવનારા હિંદુ સમાજની આકાંક્ષાઓને પુરી નહીં કરવાને કારણે 2019માં ભાજપને હારતું જોઈને મુસ્લિમ વોટર્સને જોડવા માટેની કોઈ તૈયારીના ભાગરૂપે ભાગવતને આવું નિવેદન કરવા માટે બાધ્ય બનવું પડયું છે? બારમી સદી પહેલા ભારતમાં મુસ્લિમો ન હતા, બારમી સદી પહેલા પણ ભારતમાં હિંદુત્વ હતું અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. ત્યારે મુસ્લિમો વગર હિંદુત્વ અધુરું કેવી રીતે રહેશે? શું કોઈ મુસ્લિમે એમ કહ્યું છે કે હિંદુઓ વગર ઈસ્લામ અધુરો છે? વાત તો પાકિસ્તાન વગર ભારત અધુરું હોવાની હતી. પાકિસ્તાનનું બનવું હિંદુત્વના અનાદરનું પરિણામ હતું. ફરી એકવાર ચિકણી વાતોમાં હિંદુ સમાજને લપસાવીને દેશમાં ઠેરઠેર પાકિસ્તાનની માનસિકતા ધરાવતા લોકોને આવા નિવેદનોથી પ્રોત્સાહન નહીં મળે?

દિલ્હી ખાતેના કાર્યક્રમમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે સમાવેશી વિચારધારાને લઈને એક મોટું નીતિગત એલાન પણ કર્યું હતું. આ એલાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે સૈદ્ધાંતિક લાગણીઓ સાથે જોડાયેલા તમામ સ્વયંસેવકો માટે એક આંચકા સમાન હશે. મોહન ભાગવતે કહ્યુ હતુ કે આરએસએસના દ્વિતિય સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરનું પુસ્તક બંચ ઓફ થોટ્સ શાશ્વત નથી. ભારતમાં રહેતા બિનહિંદુઓ પરના સંઘના વિચાર મામલે ભાગવતે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે આવી વાતો કેટલીક પરિસ્થિતિઓમાં કોઈ ખાસ સંદર્ભમાં કહેવામાં આવી છે, તે શાશ્વત નથી. વિઝન એન્ડ મિશન- ગુરુજી નામના પુસ્તકમાં ગુરુજીના શાશ્વત વિચારોને સામેલ કરવામાં આવ્યા છે. કોઈ ખાસ પરિસ્થિતિઓમાં પેદા થયેલા એવા તમામ વિચારોને હટાવી દેવામાં આવ્યા છે.

2006માં આરએસએસના નાગપુર ખાતેના મુખ્યમથકથી જાહેર કરવામાં આવેલી એક બુકલેટ દ્વારા વી એન્ડ અવર નેશનહુડ ડિફાઈન્ડ પુસ્તકનો પહેલા જ અસ્વીકાર કરવામાં આવ્યો છે. 2006માં નાગપુરથી જાહેર કરવામાં આવેલી બુકલેટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોલવલકરે આ પુસ્તકમાં જણાવ્યુ હતુ કે આમા તેમના પોતાના વિચાર સામેલ નથી, પરંતુ આ પુસ્તક બાબારાવ સાવરકરના પુસ્તક રાષ્ટ્ર મિમાંસાની સંક્ષિપ્ત પ્રતિ હતું.

જો કે બંચ ઓફ થોટ્સ ગુરુજીના વિચારોનું સંપુટ હોવાથી કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. ભાગવતે આના સંદર્ભે કહ્યુ હતુ કે આરએસએસ કોઈ સંકીર્ણ સંગઠન નથી. સમયની સાથે સંઘના વિચાર અને તેનું પ્રગટીકરણ પણ બદલાય છે. મહત્વપૂર્ણ છે કે ત્રણ દિવસીય લેક્ચર સીરિઝમાં ભાગવતે એકપણ વખત ગોલવલકરનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી. જો કે તેમણે આરએસએસના સંસ્થાપક ડૉ. હેડગેવારના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે સવાલ એ પણ છે કે શું આરએસએસનું સૌથી વધુ લાંબો સમય સુધી માર્ગદર્શન કરનારા શ્રીગુરુજીના વિચારો સંકીર્ણ હતા? શું હેડગેવાર અને ગોલવલકરની હિંદુત્વની વિચારધારામાં કોઈ તફાવત હતો? શું ગુરુજીના હિંદુત્વનિષ્ઠ ચિંતનમાં કોઈ ખામી હતી અને તેઓ શું સંઘને કોઈ અન્ય માર્ગે લઈ ગયા હતા? એ કદાપિ ભૂલવું જોઈએ નહીં કે શ્રીગુરુજીએ ત્રેવીસ વર્ષો સુધી પોતાના જીવનના આખરી શ્વાસ સુધી આરએસએસની આગેવાની કરી હતી. આરએસએસ વર્ષોથી જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરી રહ્યું છે, તે વિચાર ગોલવલકરના ભારત રાષ્ટ્રની અવધારણામાંથી લેવામાં આવ્યો છે. આરએસએસ હવે સંગઠનના ગુરુ રહેલા એમ. એસ. ગોલવલકરના કેટલાક વિચારો સાથે સંમતિ ધરાવતું નથી અને ખુદમાં પરિવર્તન કરી રહ્યું હોવાનું કહેવું બિલકુલ એવું નથી કે જાણે કે કોઈ સંગઠન પોતાના પાયા ઉખાડી રહ્યું હોય?


પ્રવર્તમાન હિંદુત્વ આંદોલનને મજબૂત વૈચારીક ધરાતળ પુરું પાડવામાં વિનાયક દમોદર સાવરકરના 1923માં લખાયેલા પુસ્તક હિંદુત્વની ભૂમિકા રહેલી છે. સાવરકરે સિંધુ નદીથી સિંધુસાગર સુધી ફેલાયેલી ભારતભૂમિને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ ધરાવતા તથા માનનારાઓને હિંદુ ગણાવ્યા છે. સાવરકરની હિંદુત્વની સંકલ્પનામાં સમાન રાષ્ટ્ર અને સમાન જાતિ પિતૃભૂમિ શબ્દમાં અને સમાન સંસ્કૃતિ પુણ્યભૂમિ શબ્દમાં અભિપ્રેત છે. હિંદુત્વ આંદોલન સાથે સંબધિત સૌ કોઇનું કહેવું છે કે હિંદુ શબ્દ સર્વસમાવેશક છે. હિંદુ શબ્દ ખુદમાં જ એટલો વ્યાપક છે કે તેની કોઈ સીમા હોવાનું માનવું માત્ર એક તર્ક છે. પરંતુ સાવરકર આના સંદર્ભે બિલકુલ સ્પષ્ટ હતા. સાવરકરે દ્રઢતાપૂર્વક મુસ્લિમો, ખ્રિસ્તીઓ, પારસીઓ અને યહુદીઓને હિંદુની પરિઘિથી બહાર રાખ્યા હતા. તેઓ કહેતા કે આ લોકોના શાસ્ત્રગ્રંથ, સંતગણ, વિચાર અને મહાપુરુષો આ ભૂમિમાં પેદા થયા નથી. તેમના નામ અને જીવનદ્રષ્ટિ વિદેશી મૂળની હોય છે. તેમની નિષ્ઠા પણ વિભાજીત હોય છે. સાવરકરે બિનહિંદુઓ માટે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે તેઓ બધાં મૂળ પ્રવાહમાં આવે, માર્ગ-વિચલિત સ્નેહીજનોના સ્વાગત માટે તત્પરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તમારે માત્ર આપણા બધાની માતૃભૂમિ પ્રત્યે શ્રદ્ધા સમર્પિત કરીને આ ધરતીને પોતાની પુણ્યભૂમિ અને પિતૃભૂમિ તરીકે સ્વીકાર કરવાની છે. તમારા બધાનું હિંદુ સમાજમાં સ્વાગત છે. સાવરકરે ચેતવણી પણ આપી હતી કે જ્યાં સુધી આ લોકો હિંદુની વ્યાખ્યામાં નથી આવતા, ત્યાં સુધી માત્ર પક્ષગત ફાયદાઓ માટે તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. 

હિંદુત્વની વ્યાખ્યા સંદર્ભે પણ સાવરકર હંમેશા કહેતા હતા કે આ રાષ્ટ્રની વિશાળ બહુમતી પ્રજાએ હિંદુત્વને જે અર્થમાં સ્વીકાર્યું છે. તેના આધારે જ હિંદુત્વના મૂળતત્વને નિર્ધારીત કરવાનું છે. હિંદુઓને અસ્વીકાર્ય હોય તેવા કોઈપણ શાબ્દિક અર્થ આપવાથી સાવરકર દૂર રહ્યા હતા. આનું પ્રમાણ એ છે કે ભારતના બંધારણ પ્રમાણેના હિંદુ કોડમાં પણ પરોક્ષપણે સાવરકરની હિંદુત્વની વ્યાખ્યાનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. 

સાવરકર સ્પષ્ટપણે હિંદુત્વ હિંદુઈજમથી વધુ વ્યાપક હોવાનું જણાવી ચુક્યા છે અને તેમણે હિંદુત્વને હિંદુઈજમ નહીં, પણ હિંદુનેસ એટલે કે હિંદુપણું ગણાવ્યું છે. હિંદુત્વને વ્યાપક અર્થમાં હિંદુડોમ એટલે કે સમગ્ર હિંદુ સમાજના હિંદુવિશ્વને ઈંગિત કરનાર ગણાવ્યું છે. સાવરકર દ્વારા હિંદુત્વ પુસ્તક કારાવાસ દરમિયાન લખાયું હતું અને 1923માં નાગપુર ખાતે યોગાનુયોગ તે પુસ્તક સાવરકરના અભિનવ ભારતના નિકટવર્તી સહયોગી અને હેડગેવારના ઘનિષ્ઠ સાથીદાર વિશ્વનાથ વિનાયક કેલકરના હાથમાં સૌથી પહેલા પહોંચ્યું હતું. આ પુસ્તકને વિશ્વનાથ વિનાયક કેલકરે સૌથી પહેલા પ્રકાશિત કરાવ્યું અને હિંદુત્વ પુસ્તકથી ડૉ. હેડગેવાર અત્યંત પ્રભાવિત હતા. સંઘના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારની અધિકૃત જીવનકથાના લેખક ના. હ. પાલકરે પણ લખ્યુ છે કે નિશંકપણે ડોક્ટરજીના હિંદુત્વ અને હિંદુ રાષ્ટ્રીયતાના વિચારોમાં તથા આ પુસ્તક (હિંદુત્વ)માં વ્યક્ત કરવામાં આવેલા તર્કશુદ્ધ, સરળ અને સ્પષ્ટ વિચારોમાં જે સમાનતા હતી, તેનાથી ડૉ. હેડગેવારના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેઓ આ પુસ્તકથી અત્યંત પ્રભાવિત થયા હતા અને તેઓ તમામ સ્થાનો પર આ પુસ્તકના વખાણ કરતા હતા.
 
વર્તમાન પરિપ્રેક્ષ્ય મેં હિંદુત્વ પુસ્તકમાં હિંદુત્વ કી વિભાવના- સાવરકર એવમમ સંઘ કા વર્તમાનકાલીન અભિપ્રાય નામના લેખમાં ડૉ. શ્રીરંગ ગોડબોલેએ જણાવ્યુ છે કે ડૉ. હેડગેવાર સાવરકરના વિચારો સાથે સંપૂર્ણપણે સંમત હતા. તેઓ બંને (સાવરકર અને હેડગેવાર) બે શરીર અને એક આત્મા હતા તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. બંને વચ્ચે માત્ર કોઈ મતભિન્નતા હતી, તો તે માત્ર ધ્વજની પસંદગે લઈને હતી. સાવરકર કૃપાણ, કુણ્ડલિની યુક્ત ભગવાધ્વજના પક્ષમાં હતા. તો ડૉ. હેડગેવાર પરંપરાગત ભગવા ધ્વજા પક્ષમાં હતા. ડૉ. શ્રીરંગ ગોડબોલેએ પોતાના લેખમાં સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે સાવરકરની હિંદુત્વની સંકલ્પના સાથે સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવાર સંપૂર્ણપણે સંમત હતા. ડૉ. હેડગેવારની વૈચારિક સ્પષ્ટતા તેમના આ ઉગ્ર શબ્દોમાં પ્રદર્શિત થાય છે. શ્રીરંગ ગોડબોલેએ પોતાના લેખમાં ડૉ. હેડગેવારને ટાંકીને જણાવ્યુ છે કે આજ સુધી જે પણ કોઈ વિદેશી પ્રજા ભારતમાં આવી, તે માત્ર અન્યાય, લૂંટફાટ, આક્રમણ અને દમનના ઈરાદે જ આવી હતી. તેમણે પોતાની આસૂરી વૃત્તિની ભૂખને તૃપ્ત કરવા માટે, આપણા તમામ સુંદર અને પવિત્ર સ્થાનોને નષ્ટ કરી દીધા. આ જ તેમનો ઈતિહાસ છે. આપણી જમીન હડપનારા આવા વિદેશીઓને આ દેશના અંગભૂત તથા હિંદુસ્થાનના સંતાન માનીને તેમને આપણા દેશવાસી તરીકે ગળે લગાવવાનો અર્થ છે કે આપણે આપણી બુદ્ધિ ગિરવે મૂકી છે. લેખમાં હેડગેવારને ટાંકીને મુસ્લિમો સંદર્ભે કહેવામાં આવ્યું છે કે હિંદુઓના કલ્યાણથી તેમના હિતોની હાનિ થાય છે, આવું માનનારા આપણા ભાઈઓ અથવા મિત્રો નથી, સચ્ચાઈ તો એ છે કે તેઓ આપણા પાડોશી બનવાની પણ યોગ્યતા ધરાવતા નથી. મુસ્લિમો માટે હેડગેવારે વિશ્વાસઘાતી શબ્દપ્રયોગ સંદર્ભે અસંમતિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે વિશ્વાસઘાતી મૂળભૂત રીતે આપણી અંદરનો હોય છે, મુસ્લિમો તો આ રાષ્ટ્રના મૂળ નિવાસી જ નથી. માટે તેમને આ રાષ્ટ્રના વિશ્વાસઘાતી નહીં, પરંતુ રાષ્ટ્રના શત્રુ કહેવા જ યોગ્ય છે. આ શબ્દોથી સ્પષ્ટ છે કે સંઘના સંસ્થાપક ડૉ. કે. બી. હેડગેવાર અત્યાધિક સમાવેશક હિંદુત્વના પક્ષધર ન હતા.
 
જો કે હેડગેવારની મૂળભાવનાને દરકિનાર કરીને સાઠના દશકથી લઈને ખાસ કરીને 1977 પછી સંઘની વિચારધારામાં હિંદુત્વ શબ્દને વધુ સમાવેશક બનાવવાની હોડ લાગી હતી. આની પાછળનો ઈરાદો કદાચ સંઘને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃતિની કોઈ લલક હોવાની સંભાવના છે અથવા તો હિંદુત્વના સમર્થકોના સંગઠનને માર્ગભ્રમિત કરનારા તત્વોના વધી રહેલા પ્રભાવની કોઈ અસર હોવાની શક્યતા છે. સર્વસમાવેશક હિંદુત્વની વ્યાખ્યા કરવામાં અલગ-અલગ તબક્કે સંઘના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતની સાથે એકાત્મતા રાખનાર કોઈપણ હિંદુ છે- જેવાકે મુસ્લિમ હિંદુ, ખ્રિસ્તી હિંદુ. ભારતમાં  નિવાસ કરનારા અને ભારતીય સંસ્કૃતિને અનુસરનારા હિંદુ.. તમામ ભારતીયો હિંદુ છે.. ભારતીયત્વ જ હિંદુત્વ છે. માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તી હોવાને કારણેજ કોઈની રાષ્ટ્રીયતામાં પરિવર્તન થતું નથી. પોતાને હિંદુ માનતા, હિંદુ ગણાતા તમામ હિંદુ..

ત્યારે સવાલ એ છે કે સંઘમાં તો ભગવાધ્વજ બાદ ડૉ. હેડગેવારનું જ આદરણીય સ્થાન છે. ત્યારે અતિસમાવેશક હિંદુત્વનો વિચાર નહીં કરનારા હેડગેવારની વિચારધારાથી વિચલિત થવાની જરૂરિયાત પર આરએસએસ મનોમંથન કરશે કે શુ આજની પરિસ્થિતિઓમાં એવું કોઈ પરિવર્તન આવ્યું છે કે મોટી સંખ્યામાં ભારતના મુસ્લિમો અને ખ્રિસ્તિઓ ફરીથી હિંદુ બનવા માટે ઈચ્છુક અને ઉત્સુક હોય? ખુદને હિંદુ કહેવડાવા માટે તૈયાર નથી તેવા મુસ્લિમો અને ખ્રિસ્તીઓને હિંદુ કહેવું અતિરેકની પરાકાષ્ઠા નથી? શું માત્ર સંઘની ઈચ્છાને કારણે હિંદુ સમાજ પોતાની માનસિકતામાં કોઈપણ અણછાજતું પરિવર્તન કરી લેશે? ખ્રિસ્તી અને મુસ્લિમ મજહબમાં પોતાના પંથને નહીં માનનારાઓને દુશ્મન તરીકે માન્યતા આપવામાં આવી છે અને શું સંઘ આવી સચ્ચાઈની સામે આંખ આડા કાન કરીને હિંદુ સમાજને વધુ મુસીબતમાં ધકેલી રહ્યું નથી? શું સંઘને અતિ સમાવેશક હિંદુત્વના મામલે સંતો અને ધર્માચાર્યો સહીતના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંગઠનોનું સમર્થન પ્રાપ્ત થઈ શક્યું છે? જો તમામ ભારતીય હિંદુ હોય, તો ઘરવાપસી જેવા કાર્યક્રમો શા માટે ચાલી રહ્યા છે? જો હિંદુઓ વગર ઈસ્લામ અધુરો નથી, તો મુસ્લિમો વગર હિંદુત્વ કેવી રીતે અધરું ગણી શકાય? આઝાદી વખતે પશ્ચિમ પાકિસ્તાનમાં 20 ટકા આસપાસ હિંદુઓ હતા અને હાલ ત્યાં હિંદુઓની વસ્તી બે ટકાથી પણ નીચે છે. તો પૂર્વ પાકિસ્તાન અટલે કે હાલના બાંગ્લાદેશમાં પણ આઝાદી વખતે 25 ટકાની આસપાસ હિંદુઓ હતા અને હાલ અહીં માત્ર સાત કે આઠ ટકા હિંદુઓ બાકી બચ્યા છે. શું અતિ સમાવેશક હિંદુત્વના નામે આરએસએસ આવા તથ્યોની અણદેખી કરી શકે?

ભાજપનું કોંગ્રેસીકરણ અને આરએસએસનું ગાંધીકરણ ભારતના હિંદુઓ સામેના બે મોટા પડકાર છે. કોંગ્રેસીકરણ થકી ભાજપ દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણનો ખેલ સદભાવનાના આડંબર હેઠળ કોંગ્રેસ કરતા પણ વિશેષ લગાવની સાથે થઈ રહ્યો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકાર્યતાની લલકમાં મહાત્માપણું ઓઢવા મથતુ આરએસએસ ખુદનું ગાંધીકરણ કરી રહ્યું છે. જ્યારે સેનાપતિની જરૂર હોય, ત્યારે મહાત્માની નેતાગીરી નુકસાનકારક હોય છે. 1947માં ભારતના વિભાજન થકી સેનાપતિના સ્થાને મહાત્માને નેતા બનાવીને દેશ આની કિંમત ચુકવી ચુક્યો છે. આરએસએસની ઓળખ અને ઉદેશ્ય હિંદુ એટલે રાષ્ટ્રીયતા, હિંદુત્વ એટલે રાષ્ટ્રત્વ અને બળશાળી હિંદુઓથી સમર્થ ભારત માટેની હતી. કોંગ્રેસ અને મહાત્મા ગાંધીની ચિલાચાલુ નીતિઓના નુકસાનને અનુભવ્યા બાદ રાજનીતિના હિંદુકરણમાં અડચણ પેદા કરનાર ભાજપનું કોંગ્રેસીકરણ અને આરએસએસના ગાંધીકરણ ભારત અને ભારતના હિંદુ સમાજ સાથે 1947 જેવી જ એક વધુ છેતરપિંડીના મંડાણ છે. 


(નોંધ- આરએસએસના હાલના સરસંઘચાલક મોહન ભાગવત મુસ્લિમો વગરના હિંદુત્વને અધુરું ગણાવી રહ્યા છે. ત્યારે આશા રાખું કે મારા આર્ટિકલના સવાલો અને તેમા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા અને કેટલાક તથ્યો પ્રત્યે પણ હિંદુત્વના સમાવેશક તત્વોને ધ્યાનમાં રાખીને તેના પર ડાયલોગની સ્થિતિ પેદા કરે. આ આર્ટિકલ આરએસએસ અને તેના સરસંઘાચલકની કોઈપણ રીતે અવમાનના અથવા અનાદર નથી. પરંતુ હિંદુત્વને લઈને ચિંતા કરનારા એક યુવાનનું ચિંતન છે. )

1 ટિપ્પણી:

  1. संघके सरसंघचालक श्रीमोहनजी भागवतके तीन दिवसीय विचार विमर्श श्रृंखला सुनने के बाद और आपके द्वारा प्रस्तुत किए गए यह विचार पढकर, लगता है कि आप एक गुप्त एजेंडा हमारे पर थोप रहे हैं या हो सकता है कि अप कोई हिडन एजेंडा के शिकार हो गए हैं.
    जो बात सरसंघचालकजी ने नहीं कही... उसको उनके ऊपर थोप रहे हैं. जिसने अपनी जिंदगी "हिंदूत्व" के लिए खपा दी, उस लोगों पर आप "गांधी वादी" विचारधारा अपनाने का आरोप लगा रहे हैं
    मुझे लगता है कि आप .. You are misinformed or You are misunderstood ..

    जो भी हो हम आपके विचारों के साथ सहमत नहीं हैं.

    🌹 धन्यवाद और शुभकामनाएं

    જવાબ આપોકાઢી નાખો