આનંદ શુક્લ (Anand Shukla) : લોકશાહી (Democracy) માં જનાદેશ સર્વોચ્ચ છે. સત્તાધારીને ક્યારેય સત્તા ગુમાવવી ગમતી નથી. પણ લોકશાહીનો સિરસ્તો છે કે ચૂંટણી પ્રક્રિયા (Election Process) થી ચૂંટાયેલા પક્ષને સત્તાની સોંપણી કરવી. પણ પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસ (Trunmool Congress) ની હાર બાદ પણ મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Benerjee) એ પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કર્યું છે કે તે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે.
Mamata Benerjee ની રાજકીય ત્રાગાબાજીનો એપિસોડ શરૂ
મમતા બેનર્જી ચૂંટણી પંચ (Election Commission) પર આરોપો લગાવીને કહ્યુ છે કે અમે હાર્યા નથી. અમારી 100 બેઠકો ચોરી લેવાઈ છે. અમારી લડાઈ ભાજપથી નથી, પણ ચૂંટણી પંચ સામે હતી. મમતા બેનર્જીએ કહ્યું છે કે હું હારી નથી, માટે હું રાજભવન જઈશ નહીં. હું રાજીનામું આપીશ નહીં.
મમતા બેનર્જીએ કહ્યું છે કે ન્યાયતંત્ર નહીં, ચૂંટણી પંચ પક્ષપાતી છે. ભારત સરકાર એક પાર્ટી રુલ જોવા ચાહે છે, તો લોકો કેવી રીતે ન્યાય કરશે. તમે બધું જોરજબરદસ્તીથી કબજે કરવા ચાહો છો. અમે બાઉન્સ બેક કરીશું. અમે લડાઈ ચાલુ રાખીશું.
ભારતના ઈતિહાસમાં આવી ઘટના ક્યારેય બની નથી કે ચૂંટણી પ્રક્રિયામાં હાર્યા પછી કોઈ મુખ્યમંત્રીએ રાજીનામું આપવાનો એટલે કે સત્તા છોડવાનો ઈન્કાર કર્યો હોય અને જનાદેશ (Mandate) નું અપમાન કર્યું હોય. મમતા બેનર્જીના જે પણ મુદ્દાઓ હતા, તે બધાં મુદ્દે તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. મામલો SIR નો હોય કે ચૂંટણી પંચને લગતો સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી જ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે SIR ની કાર્યવાહી બાદ ચૂંટણી પંચે તટસ્થ ચૂંટણીઓ કરાવવા માટે કેન્દ્રીય પોલીસ દળ - સીઆરપીએફ (CRPF) ને પણ ઘણી મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળમાં તહેનાત કર્યું હતું. ત્યારે બે તબક્કામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો પર ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં ભાજપને 207 અને કોંગ્રેસને 80 બેઠકો પ્રાપ્ત થઈ છે. કોંગ્રેસને 2 અને ડાબેરી મોરચાને 2 બેઠકો જ પ્રાપ્ત થઈ છે.
ભારતમાં સત્તાપરિવર્તન વખતે જનાદેશ (Mandate) નો હંમેશા થયો છે આદર
1977માં જ્યારે કોંગ્રેસ (Congress)ને હટાવીને સીપીએમ (CPM) ના નેતૃત્વમાં ડાબેરી મોરચો (Left Front) સત્તા પર આવ્યો, ત્યારે કૉંગ્રેસના નેતૃત્વે આ સત્તા પરિવર્તન સામે કોઈ સવાલ ઉઠાવ્યો ન હતો. તે સમયે પણ કૉંગ્રેસના નેતૃત્વ પર ખાસ કરીને તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને લઈને ચૂંટણી પ્રક્રિયાને લગતા ઘણાં આક્ષેપો થતા રહ્યા છે. 1977માં પશ્ચિમ બંગાળમાં જ્યારે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કટોકટી બાદ ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ના નેતૃત્વવાળા કાર્યવાહક પ્રશાસને જ આ ચૂંટણી કરાવી હતી અને પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થયું હતું.
જ્યારે ડાબેરીઓના શાસનને હટાવીને મમતા બેનર્જી ખુદ 2011માં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા, ત્યારે પણ ડાબેરીઓએ ક્યારેય ચૂંટણી પ્રક્રિયાને લઈને સવાલ ઉભાં કરીને મમતા બેનર્જી સામે ત્રાગાં કર્યા ન હતા.
રાષ્ટ્રીય રાજનીતિમાં પણ કટોકટી બાદ જનતા પાર્ટી (Janta Party) ની સરકાર સત્તામાં આવે અને તેના પછી યોજાનારી લોકસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન થકી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તામાં આવે. રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ 413 બેઠકોમાંથી વિપક્ષમાં ફેંકાય જાય અને વી. પી. સિંહ (V. P.Singh) ની જનતા મોરચા (Janta Morcho) ની સરકાર સત્તામાં આવે કે અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpeyee) ના નેતૃત્વવાળી એનડીએની સરકારો સત્તામાંથી દૂર થાય અને યુપીએ-1,2ની સરકારો ચાલે ત્યારે ઈવીએમ (EVM) ના વાંધાઓ જેવા મુદ્દે પણ ક્યારેય એનડીએ (NDA) ની નેતાગીરીએ જનાદેશનું અપમાન કરીને સત્તા છોડવાનો ઈન્કાર કર્યો ન હતો.
2014માં કેન્દ્રમાં ભાજપની લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે એનડીએની મોદી સરકાર સત્તામાં આવી, ત્યારે પણ યુપીએ કે કોંગ્રેસે જનાદેશનું અપમાન કરતા નિવેદનો કર્યા નથી.
મમતા બેનર્જીની 'દીદીગીરી' બની 'દાદાગીરી', CMO માંથી તાત્કાલિક તગેડો
મમતા બેનર્જી હાલ જે રાજકીય ત્રાગું કરી રહ્યા છે, તે પશ્ચિમ બંગાળમાં પોતાની દીદીગીરીની રાજનીતિને જીવતી રાખવાનો એક હથકંડો માત્ર છે. ચૂંટણી પ્રક્રિયા, મતગણતરી કે અન્ય કોઈ પ્રક્રિયાલક્ષી મુદ્દાઓ હોય, શંકા-કુશંકા હોય કે આશંકા હોય તેવા સંજોગોમાં મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ સુધીની ન્યાયિક વ્યવસ્થા સુધી પહોંચી શકે છે.
પણ પશ્ચિમ બંગાળની જનતાના જનાદેશનો આદર મમતા બેનર્જીએ કરવો જોઈએ. જો મમતા બેનર્જી જનાદેશનો આદર કરે નહીં, તો આવા સંજોગોમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પોતાની વિશેષ શક્તિઓનો ઉપયોગ કરીને હારેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું માંગવું જોઈએ અને તેનો ઈન્કાર કરવામાં આવે તો રાજ્યની વિધાનસભાને તાત્કાલિક ભંગ કરવાનો આદેશ આપીને મુખ્યમંત્રી મમતા બેનર્જીને વહેલી તકે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તગેડી મુકવા જોઈએ.
મુક્યમંત્રી તરફથી અન્ય કોઈ મોટું પગલું ઉઠાવવામાં આવે અથવા કોઈ મોટું સંકટ ઉભું કરવામાં આવે, તો રાજ્યપાલ અનુચ્છેદ-356નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. રાજ્યોમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતાના મામલામાં આમ કરી શકાય છે. જો કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો આવી ચુક્યા છે અને સ્પષ્ટ થઈ ચુક્યું છે કે રાજ્યમાં ભાજપની સરકાર બનવાની છે.
રાજ્યપાલ પાસે બંધારણ (Contitution) ના અનુચ્છેદ-164 (Article-164) હેઠળ રાજ્યમાં નવા મુખ્યમંત્રીને નિયુક્ત કરીને તેમને શપથ આપવાની શક્તિ ધરાવે છે. ચૂંટણી હારનારા પશ્ચિમ બંગાળના ત્રાગાંબાજ મુખ્યમંત્રી મમતા બેનર્જીને તાત્કાલિક બરખાસ્ત કરીને રાજ્યપાલ ધારાસભ્ય દળના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકે છે. હકીકત એ છે કે જે જનાદેશ પશ્ચિમ બંગાળની જનતાએ આપ્યો છે, તેના પછી મમતા બેનર્જી મુખ્યમંત્રી પદે રહી શકે નહીં.
ચૂંટણી પંચ સામે અવિશ્વાસ પેદા કરીને અરાજકતાની રાજનીતિનો આગાજ?
મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદ નહીં છોડવાની ઘોષણા કરીને ચૂંટણી પંચને નિશાને લેવાની રણનીતિના ઘણાં ઘેરા રાજકીય ગૂઢાર્થો છે. જેમાં ચૂંટણી પંચ પર ઈવીએમ (EVM) માં કથિત છેડછાડના આરોપોની હેલી જે વિપક્ષી નેતાઓએ બોલાવી હતી, તેની આ આગલી કડી છે. જેનાથી બંધારણીય સંસ્થા એવા ચૂંટણી પંચની વિશ્વસનીયતાને તાક પર રાખીને અવિશ્વાસનો માહોલ અસંતોષ અને અસંતોષથી અરાજકતામાં ફેરવી શકાય. દેશભરમાં 2029ની લોકસભાની ચૂંટણી એક ક્રાંતિકારી ઈલેક્શન હશે. આ ચૂંટણી બાદ ભારતમાં લોકશાહીની પદ્ધતિ, પ્રક્રિયા અને ચૂંટણીલક્ષી રાજકારણ વધુ તાર્કિક અને પરિપકવતા તરફની ગતિ પકડશે. મહિલાઓને સંસદ-વિધાનસભામાં 33 ટકા અનામત, નવું ડિલિમિટેશન, લોકસભાની બેઠકો વધારવા જેવા મોટા નિર્ણયો લેવાના થશે. આવા સંજોગોમાં ચૂંટણી પંચ પર અવિશ્વાસ પેદા કરવો કે તેવો માહોલ ઉભો કરવો એક એવી રાજનીતિ છે કે જેમાં લોકશાહી પ્રક્રિયામાં બહુમતીનું અસમ્માન કરીને તેને સત્તાથી દૂર રાખવાના રાજકીય હથકંડાને આગળ વધારી શકાય.
મમતા બેનર્જીને ખબર છે કે પશ્ચિમ બંગાળની હાર બાદ વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ તેમના હાથમાંથી હવે સરકી ગયું છે. આમ તો વિપક્ષી ગઠબંધન વેરવિખેર છે. પણ 2029ની લોકસભાની ચૂંટણી પહેલા તેને ફરીથી આકાર સાંપડે તો તેવા સંજોગોમાં આ વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ ફરી એકવાર કોંગ્રેસ પાસે જ જવાનું છે. મમતા બેનર્જી હાલ જે કરી રહ્યા છે, તે રાજનીતિમાં પોતાની પ્રાસંગિકતા બરકરાર રાખવાના હવાતિયાં મારી રહ્યા છે. મુસ્લિમ તુષ્ટિકરણવાદી સેક્યુલર વોટબેંક પોલિટિક્સ ખેલનારા વિપક્ષી દળો પણ મમતા બેનર્જી સાથે આવી કોરસમાં જોડાય તો નવાઈ નથી.
શપથગ્રહણ સમારંભ વખતે પણ રાજકીય ત્રાગાબાજી થશે?
9મી મેએ કોલકત્તામાં જ્યારે ભાજપ (BJP) ના નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરતા હશે, ત્યારે કે તે પહેલા મમતા બેનર્જીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ કોઈ મોટું રાજકીય ત્રાગું કરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પણ આમ કરીને રાજકીય ત્રાગાખોર જનાદેશનું અપમાન કરશે અને જેની લાઠી એની ભેંસ જેવી વ્યવસ્થા એટલે કે અસંતોષથી અરાજકતાના માર્ગ પર દેશને ધકેલવાની કોશિશ થશે. પણ ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. B.R. Ambedkar) એ આપેલું બંધારણ અને બંધારણીય વ્યવસ્થાઓ બંધારણ અપનાવ્યાના 76 વર્ષે પરિપકવ અને મજબૂત પણ થઈ ચુકી છે. જનતામાં પણ લોકશાહીને લઈને જાગૃત્તિ ઘણાં મોટા પ્રમાણમાં છે. ત્યારે મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલું રાજકીય ત્રાગું કંઈ લાંબુ ચાલવાનું પણ નથી અને તેને લાંબુ ચલાવવું પણ ન જોઈએ.