ગુરુવાર, 14 મે, 2026

Caste Based Census: જાતિગત વસ્તીગણતરી બાદ હિંદુ રાજકીય એકતાને જોખમ, દેશની રાજનીતિમાં યૂટર્ન?

આનંદ શુક્લ (Anand Shukla) : ભારતીય રાજનીતિ (Indian politics) દુનિયામાં આગવી છાપ ધરાવે છે. ભારતની રાજનીતિના છેલ્લા 1000 વર્ષના સમયગાળાનું વિહંગાવલોકન કરીએ તો વિવિધતામાં એકતા આપણા દેશમાં જરૂર છે. પરંતુ એકતાના સૂત્રો રાજનીતિમાં વિખેરાયેલા જોવા મળે છે.

 

ઘર ફૂટે ઘર જાય...

 

આંતરીક ફૂટ (internal discord) ને કારણે રાજનીતિક એકતાની સ્થિતિ નહીં હોવાને કારણે 712થી ભારતમાં વિદેશી આક્રમણખોરોએ એક યા બીજી રીતે દેશમાં પોતાની સત્તા જમાવી. આ સત્તા જમાવનારા વિદેશી આક્રમણખોરોને અમુક અપવાદોને બાદ કરતા ભારતના જ કેટલાક લોકોનો સાથ મળી રહ્યો. આ એવા લોકો હતા જેઓ અંદરોઅંદર લડીને સત્તા મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. એકબીજા પર આધિપત્યની લડાઈમાં મુસ્લિમ સલ્તનતકાળ (Muslim Sultanate) અને મુઘલકાળ (Mughal era) ની સત્તાઓ ટકી ગઈ. પણ સચ્ચાઈ એ પણ છે કે ભારતના આત્માનું વિદેશી આક્રાંતાઓને ક્યારેય સમર્પણ થયું ન હતું.

 

જ્યારે રાજપૂત (Rajput) , જાટ (Jat) , શીખ (Shikh) અને મરાઠા (Maratha) શક્તિઓ ફરી એકવાર વિદેશી મૂળના વિચારોવાળી સત્તાને પ્રભાવહિન બનાવી રહી હતી, ત્યારે ભારતની રાજનીતિમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની (East India Company) થકી આવ્યો. તેનાથી પહેલા કંપની રાજ અને પછી 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ બાદ સીધું બ્રિટિશ તાજનું રાજ્ય ભારતમાં સ્થપાયું. ભારતના મોટાભાગના રાજા-મહારાજાઓ-નવાબો-સુલ્તાનોની સત્તા અંગ્રેજી સલ્તનતે એક પછી એક હસ્તગત કરી લીધી હતી. ભારત ગુલામ બન્યું. અંગ્રેજો દેશની આંતરીક ફૂટથી પરિચિત હતા અને તેમણે જાતિ-ધર્મના નામે ભાગલા કરો અને રાજ કરોની નીતિ આગળ વધારી હતી.

 

1931નો જાતિગત સેન્સસ (Census) - અનામત (Reservation) ની બંધારણીય જોગવાઈ

 

અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં સેન્સસની શરૂઆત થઈ હતી. ભારતમાં તે વખતે ધીરેધીરે જાતિગત વસ્તીગણતરી પણ થવા લાગી હતી. 1931માં થયેલા સેન્સસમાં જાતિગત વસ્તીગણતરી થઈ હતી. તેના પછી સ્વતંત્ર ભારતમાં ક્યારેય જાતિગત વસ્તીગણતરી થઈ ન હતી. હવે દેશમાં 2027માં જાતિગત વસ્તીગણતરીના આંકડા સામે આવશે.

 

સ્વતંત્ર ભારતમાં બંધારણનો જ્યારે સ્વીકાર કરાયો, ત્યારે ડૉ. બી. આર. આંબેડકરે (Dr. B. R. Ambedkar)  અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત (Reservation) ની વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા ભારતના મૂળ બંધારણ (Constitution) ની મૂળ વ્યવસ્થા છે. જેમાં આર્થિક નહીં, પણ સામાજિક કારણોથી અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સામાજિક કારણોમાં અસ્પૃશ્યતા સૌથી મોટું કારણ હતું. અત્યારે કોઈને પણ આશ્ચર્ય થાય કે કોઈ વ્યક્તિને અડી જવાથી કથિતપણે અભડાઈ કેવી રીતે જવાય? પણ આવી સ્થિતિ તે સમયે હતી અને તેમાં અનામતની વ્યવસ્થા કરવી જરૂરી હતી. આની પાછળનો ઉદેશ્ય સામાજિક ન્યાય સ્થાપિત કરવાનો હતો. ત્યારે અનુસૂચિત જાતિ માટે 15 ટકા અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી અને આ વ્યવસ્થામાં કોઈ ખોટ પણ નથી.

 

હિંદુ (Hindu) સમાજના જાતિમાં ભાગલા કરો- રાજ કરવાની મજા મેળવો!

 

પરંતુ સામાજિક ન્યાયને સ્થાપિત કરવાની કોશિશમાં દેશમાં ખુરશીનો ખેલ જે રીતે આગળ વધ્યો તેમાં ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા તરીકે વોટ સમીકરણો બનવા લાગ્યા હતા.

ગુજરાતની વાત કરીએ તો ખામ થિયરી (KHAM Theory) એટલે ક્ષત્રિય, હરિજન (SC) , આદિવાસી (ST), મુસ્લિમ મતોથી ચૂંટણી જીતવાનું સમીકરણ. ખામ થિયરીના રાજકારણે ગુજરાતમાં અનામતને લઈને અસંતોષ અને હિંસા પણ ઘણાં મોટા પ્રમાણમાં ફેલાવી હતી. તેવામાં મંડલ કમિશને ઓબીસીને પણ અનામતમાં સામેલ કર્યા અને 27 ટકા અનામત આપવાની શરૂઆત કરી હતી. સામાજિક ન્યાય માટે અનામત આપવું કોઈ ખરાબ વાત નથી. પરંતુ એવી વ્યવસ્થા ઉભી કરવી કે અનામતની લાલચ આપીને વોટ અંકે કરીને સત્તા કબજે કરવાની ખોરી દાનત હોય તો તે પાર્ટીને અવશ્ય જીતાડે છે, પણ દેશ-સમાજને હરાવી દે છે. આ તમામ અનામતની વ્યવસ્થા વચ્ચે દેશમાં ત્યારે જાતિગત વસ્તીગણતરીના એકમાત્ર આંકડા 1931નો કાસ્ટ બેઝ સેન્સસ જ ઉપલબ્ધ હતો.

 

અનામતનો મુદ્દો જ્યારે જ્યારે રાજકારણમાં બહાર આવ્યો છે, ત્યારે ત્યારે સામાજિક કડવાશ ફેલાવાનું કારણ બન્યો છે. કદાચ એટલા માટે જ દેશની સત્તામાં આવનારી કૉંગ્રેસ અને ભાજપ સહીતની કોઈપણ સરકારે 1931 બાદ જાતિગત વસ્તીગણતરી કરાવી ન હતી.

 

પરંતુ દેશમાં 2012થી લઈને 2018 સુધીના સમયગાળામાં અલગ-અલગ રાજ્યોમાં બિનઅનામત વર્ગ-જૂથમાં આવતી જાતિઓએ પોતાના માટે વસ્તીના પ્રમાણમાં અનામતની માગણીથી શરૂ કરીને તેમને ઓબીસી કે અન્ય જાતિ વર્ગ હેઠળ અનામત કેટેગરીમાં સામેલ કરવાની માગણીઓ શરૂ કરી હતી.

 

ગુજરાતમાં પાટીદાર (Patidar) અનામત આંદોલન, મહારાષ્ટ્રમાં મરાઠા (Maratha) અનામત આંદોલન, રાજસ્થાનમાં ગુર્જર (Gurjar) અનામત આંદોલન અને હરિયાણામાં જાટ (Jat) અનામત આંદોલન તેના મોટા ઉદાહરણો છે. આ તમામ અનામત આંદોલનોમાં વત્તાઓછા પ્રમાણમાં હિંસા થઈ હતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખોરવવાની સાથે સામાજિક તાણાંવાણામાં પણ કડવાશ ભળી હતી.

 

103મા બંધારણીય સુધારાને આધારે 14 જાન્યુઆરી, 2019ના રોજ 10 ટકા ઈકોનોમિકલી વીકર સેક્શન (EWS) કેટેગરીમાં અનામત આપવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, 50 ટકા અનામત હોઈ શકે નહીં. હા આ આદેશ પહેલા જ્યાં 50 ટકા અનામત હતું, ત્યાં તે રહેવા દેવાયું છે. આવા રાજ્યોમાંથી એક તમિલનાડુ પણ છે.

 

રામજન્મભૂમિ આંદોલન થકી હિંદુ પોલિટિકલ યૂનિટી સ્થપાય

 

પણ જ્યારે ભારતમાં જાતિવાદી રાજકારણને રામજન્મભૂમિ આંદોલન (RamJanmaBhoomi Movement) દ્વારા હિંદુત્વવાદી રાજનીતિએ હરાવવાનું ચાલુ કર્યું, ત્યારથી દેશમાં ફરી એકવાર અનામતની માગણીઓને લઈને રાજકારણ ખેલાવાનું શરૂ થયું. આવા સંજોગોમાં જાતિગત સમીકરણો સાથેના પ્રાદેશિક પક્ષો યુપી અને બિહાર જેવા રાજ્યોની સત્તામાં આવ્યા. દક્ષિણમાં પણ ઘણાં પ્રાદેશિક પક્ષોનું રાજકારણ જાતિવાદી રાજનીતિની આસપાસ છે. મંડલ કમિશનની ભલામણો પણ રામજન્મભૂમિ આંદોલન તેજ થઈ રહ્યું હતું, ત્યારે માનવામાં આવી હતી. આની પાછળનો ઉદેશ્ય દેશમાં ઉભી થઈ રહેલી હિંદુ પોલિટિકલ યૂનિટીને તોડવી.

 

પણ હિંદુત્વવાદી રાજનીતિમાં ઉતાર-ચઢાવ વચ્ચે પહેલા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગઠબંધન સરકારો બની. આની પાછળનું કારણ હતું દેશમાં ત્યારે હિંદુ પોલિટિકલ યુનિટી (Hindu Political Unity) એટલા પ્રમાણમાં ન હતી કે જેનાથી હિંદુ હિતની વાત કરનાર પક્ષ પોતાના દમખમ પર સરકાર બનાવી શકે. જેના કારણે ફરી એકવાર રામમંદિર નિર્માણ, અનુચ્છેદ-370ની જમ્મુ-કાશ્મીરમાંથી નાબૂદી અને યુનિફોર્મ સિવિલ કોડના વાયદા પુરા નહીં થવાને કારણે હિંદુ પોલિટિકલ યૂનિટી (Hindu Political Unity)  તૂટી અને જાતિવાદી સમીકરણો (Caste Based Equatons) અને મુસ્લિમ વોટબેંક પોલિટિક્સ (Muslim Votebank Politics) ની ફોર્મ્યુલાઓથી સત્તાનું કેન્દ્ર બદલાયું હતું.

 

2014માં હિંદુ પોલિટિકલ યુનિટી થકી ટર્નિંગ પોઈન્ટ

 

પણ 2014માં દેશની રાજનીતિમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ (Turning Point) આવ્યો હતો. લોકસભામાં કોઈ એક પક્ષને લગભગ ત્રણ દાયકા પછી બહુમતી મળી રહી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના લોકોમાં જગાવેલો વિશ્વાસ સૌનો સાથ-સૌનો વિશ્વાસ બનીને ચૂંટણીના પરિણામો દેખાવા લાગ્યો હતો. તેમની સરકારોએ પહેલા ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ઠેરવતી કાયદાકીય જોગવાઈ કરી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પુલવામા (Pulwama) માં સીઆરપીએફ (CRPF) ના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા અને તેનો બદલો બાલાકોટ એરસ્ટ્રાઈક (Balakot Airstrike) થકી લીધો. આ પહેલા ઉરી એટેક (Uri Attack) બાદ સર્જિકલ સ્ટ્રાઈક (Surgical Strike) કરી હતી. આતંકવાદ સામે કડક હાથ કામ લેવાની શરૂઆત થઈ હતી. મોદી સરકારે બીજા કાર્યકાળમાં 300થી વધુ બેઠકો સાથે સત્તામાં આવીને પ્રથમ 100 દિવસમાં જ 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીર (Jammu- Kashmir) માંથી અનુચ્છેદ-370 (Article - 370) અને અનુચ્છેદ-35-એ (Article - 35 (A)) ને બિનઅસરકારક કર્યા.

 

તેવામાં સુપ્રીમ કોર્ટનો રામજન્મભૂમિ વિવાદમાં આદેશ આવ્યો અને આદેશ મુજબ 5 ઓગસ્ટ, 2020થી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ શરૂ થયું અને તેની 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામના બાળ સ્વરૂપ વિગ્રહની ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.

 

જાતિગત વસ્તીગણતરીનું રાજકારણ

 

રામજન્મભૂમિ આંદોલન એક ધાર્મિક આંદોલન કરતા વધારે સાંસ્કૃતિક ઓળખને પુનર્સ્થાપિત કરવાની ભારતીયોની આકાંક્ષાનું આંદોલન હતું. જેના કારણે દેશભરમાં હિંદુ પોલિટિકલ યૂનિટી સ્થાપિત થઈ શકી હતી. પણ તેની સાથે ફરી એકવાર અનામતની માગણીઓ થવા લાગી. વસ્તીના પ્રમાણમાં અનામત આપવાની માગણીઓ થવા લાગી. 50 ટકાની અનામત પરની કેપ હટાવવાના વાયદાઓ પણ થવા લાગ્યા અને છેલ્લે જાતિગત વસ્તીગણતરી માટે રાજનીતિ પણ રમાઈ.

 

કોરોનાનો સમયગાળો હોવાને કારણે 2021નો સેન્સસ થઈ શક્યો નહીં. તેના પછી ઘણાં આરોપ-પ્રત્યારોપ વચ્ચે જાતિગત વસ્તીગણતરીને સરકારે મંજૂરી આપી હતી. હવે આ વસ્તીગણતરીના આંકડા જ્યારે દેશની સામે આવશે, ત્યારે ફરી એકવાર રાજકારણનું મોડલ બદલાશે. હાલ જાતિ આધારીત ટિકિટ વહેંચણી સહીતના રાજકીય ક્રિયાકલાપો થાય છે. પણ તેની સાથે હિંદુ પોલિટિલ યૂનિટીના પરચા પણ પરિણામોમાં મળતા રહે છે.

 

5 રાજ્યોની ચૂંટણી Caste based Census પહેલાની ચૂંટણી હતી

 

તાજેતરમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કેટલાક આંકડા ઉડીને આંખે વળગે છે. આસામમાં 126માંથી 22 મુસ્લિમ ધારાસભ્યો બન્યા. આસામમાં કોંગ્રેસના કુલ 19 ધારાસભ્યોમાંથી 18 મુસ્લિમ છે. પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી 40 મુસ્લિમ ધારાસભ્યો છે અને તેમાંથી ટીએમસીના 34 મુસ્લિમ ધારાસભ્યો છે. ટીએમસીએ અહીં કુલ 80 બેઠકો જીતી છે.

 

તમિલનાડુમાં 234માંથી 9 મુસ્લિમ ધારાસભ્યો જીત્યા છે અને તેમાંથી ડીએમકેના 3, ઈન્ડિયન મુસ્લિમ લીગના 2, કોંગ્રેસના 1 અને ટીવીકેના 3 મુસ્લિમ ધારાસભ્યો છે.

કેરળમાં 140માંથી 35 મુસ્લિમ ધારાસભ્યો છે અને તેમાં 30 ધારાસભ્યો સત્તાધારી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના છે. જેમાં 8 કોંગ્રેસના અને 22 ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના ધારાસભ્યો છે.

 

પુડ્ડુચેરીમાં પણ 30માંથી 1 ધારાસભ્ય મુસ્લિમ છે અને તેઓ ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા છે.

 

4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપના એકપણ મુસ્લિમ ધારાસભ્ય નથી.

 

આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપે સરકાર બનાવી છે. આ બંને રાજ્યોની સરકારમાં પણ એકપણ મુસ્લિમ મંત્રી મંત્રીમંડળમાં સામેલ નથી. આ ભાજપની સૌની સાથે ન્યાય- તુષ્ટિકરણ કોઈનું નહીં નીતિનો ભાગ છે.

 

ગુજરાતનું પોલિટિકલ મૉડલ (Gujarat Political Model)

 

જ્યારે દેશમાં જાતિવાદી રાજકારણ પ્રત્યક્ષપણે ખેલાતું હતું, ત્યારે વોટ સમીકરણો સાધવા માટે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ પણ તેની સર્વોચ્ચ રાજકીય સપાટીને સ્પર્શી ગઈ હતી. પણ આ વોટબેંકના પોલિટિક્સને નિશાન બનાવતા ભાજપે હિંદુ પોલિટિકલ યુનિટી થકી તુષ્ટિકરણ વિરોધી એક પોલિટિકલ મોડલ ગુજરાતથી તૈયાર કર્યું હતું. ગુજરાતમાં કેશુભાઈ પટેલના વખતમાં એક મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઈ હતી. પણ તેના પછી ભાજપે અત્યાર સુધી ગુજરાતમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં કોઈપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. સામાન્ય રીતે માનવામાં આવતું હતું કે મુસ્લિમોના મત વગર કોઈ પક્ષ જીતી શકે નહીં અને મુસ્લિમોને મંત્રી બનાવ્યા વગર સરકાર પણ બનાવી શકાય નહીં. તેના માટે ઠેકઠેકાણે જુદાજુદા પક્ષો મુસ્લિમ વોટબેંકને પોતાની તરફ ખેંચવા આકાશ-પાતાળ એક કરતા હતા. પણ ગુજરાતમાં ભાજપના પોલિટિકલ મોડલે હિંદુ પોલિટિકલ યૂનિટી થકી સાબિત કરી દીધું હતું કે મુસ્લિમોના નગણ્ય મત છતાં જીતી શકાય છે અને મુસ્લિમને મંત્રી બનાવ્યા વગર પણ સરકાર બનાવી પણ શકાય છે અને ચલાવી પણ શકાય છે.

 

ઈમરજન્સી બાદ ભારતની રાજનીતિમાં રામજન્મભૂમિ આંદોલનના બે પડાવ-1990ની કારસેવા (Karseva) અને 1992ની બાબરી ધ્વંસ (Babri Demolition) ની ઘટના એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ ઘટનાઓ બાદ દેશના રાજકીય પક્ષોએ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાનું પણ ઘટાડયું અને વિધાનસભા (Asembly) -લોકસભા (Loksabha) ઓમાં પણ મુસ્લિમ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યા ઘટવા લાગી. જેમાં બંગાળમાં બંને તબક્કામાં 92 ટકાથી વધુનું મતદાન વોટબેંક પોલિટિક્સ (Votebank Politics) સામેના હિંદુ પોલિટિકલ યૂનિટીના સફળ થવાની સૌથી મોટી રાજકીય ઘટના છે.

 

જાતિગત વસ્તીગણતરી બાદ રાજનીતિના યુટર્ન (U-turn) ની શક્યતાથી સાવધાની જરૂરી

 

પણ હવે આ ટર્નિંગ પોઈન્ટ યૂટર્ન બની ન જાય તેના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. એટલા માટે કારણ કે આ ચૂંટણીઓ કાસ્ટ બેઝ સેન્સસ એટલે કે જાતિગત વસ્તીગણતરી પહેલાની ચૂંટણીઓ છે. કદાચ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ કાસ્ટ બેઝ સેન્સસના રજૂ થયા પહેલા કે તેના આંકડા આવે તેના પહેલા યોજાય. પણ 2029ની લોકસભાની ચૂંટણી દેશના 1931 બાદના બીજા જાતિગત વસ્તીગણતરીના આંકડા સાથેની ચૂંટણી હશે. આ ચૂંટણીમાં હિંદુ પોલિટિકલ યૂનિટીની ખરેખર અગ્નિપરીક્ષા થશે. હિંદુ પોલિટિકલ યૂનિટીની ફોલ્ટ લાઈન અનામતનો મુદ્દો છે. જાતિગત વસ્તીગણતરીના આંકડા બાદ દેશમાં જાતિના પ્રમાણમાં અનામતની માગણીઓથી માંડીને 50 ટકા અનામતની કેપ હટાવવા સુધીની માગણીઓ પર વાયદાઓનું રાજકારણ ખેલાશે. આવા સંજોગોમાં 2029ની લોકસભાની ચૂંટણીમાં હિંદુ પોલિટિકલ યૂનિટી 2014 પછીની ચૂંટણીઓમાં જોવા મળી છે, તેમાં ઘટાડો થઈ શકે અને તેવા સંજોગોમાં હિંદુઓના જાતિસમીકરણો સાથે મુસ્લિમ વોટની ઈક્વેશન્સ ચૂંટણી પરિણામો પર મોટી અસર કરી શકે છે.

 

સામાજિક પરિપવકતાનો પરિચય આપવો જરૂરી

 

આમ દેશમાં ફરી એકવાર તુષ્ટિકરણની રાજનીતિના માર્ગે રાજકીય પક્ષો દોડવા લાગે તો નવાઈ પામવા જેવું નથી. આ બધાંમાં માત્ર એક જ બાબત પરિપકવતાથી કરવી જરૂરી છે કે અનામતના મુદ્દે તથ્યાત્મક અને તાર્કિક મંથન થાય, એક રાષ્ટ્રીય ડાયલોગ થાય. તેમાં ધર્મ-મજહબના આધારે મુસ્લિમ-ખ્રિસ્તી ધર્માંતરિતોને અનામત આપવા સુધીની માગણીઓ પર પણ ચર્ચા થાય અને એક રાષ્ટ્રીય નિષ્કર્ષ સામે લાવીને દેશની રાજનીતિમાં જાતિવાદ (Castism) -સેક્યુલારિઝમ (Secularism) ના નામે તુષ્ટિકરણના રાજકારણના વાગનારા યુટર્નને રોકીને ઘડિયાળના ઉંધા ફરતા કાંટાને અટકાવવા જોઈએ. નહીંતર સ્થિતિ એવી થશે કે 100મા પગથિયે પહોંચેલું ભારત 1000મા પગથિયે પહોંચવાના સ્થાને ફરીથી પહેલા પગથિયા તરફ દોડવા લાગશે. હવે આ દેશ કોઈપણ જાતિવાદી રાજકીય શતરંજમાં ફસાયા વગર સામાજિક ન્યાય અને સમતા સાથે દુનિયામાં આગળ વધતો રહે તે જ લક્ષ્યાંક હોવું જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો