- આનંદ શુક્લ
ગુજરાતે બ્રાન્ડ મોદી તૈયાર કરી અને હિંદુ રાજનીતિને 2014થી દેશનું કેન્દ્રબિંદુ પણ બનાવી છે. દેશની રાજનીતિ સેક્યુલરમાંથી હિંદુ રાજનીતિ પણ બની છે અને મુસ્લિમ વોટના સમીકરણોથી જાતિવાદી રાજકારણ થકી સત્તા મેળવનારાઓને હિંદુઓની પોલિટિકલ યૂનિટીની શક્તિ પણ દેખાડી છે.પણ જુલાઈ-2026 દર્શાવે છે કે બ્રાન્ડ મોદીની એક્સપાયરી હવે નજીક આવી ચુકી છે અને હિંદુ રાજનીતિએ જલ્દી બ્રાન્ડ મોદીનો વિકલ્પ જનતા સામે લાવવો પડશે. આવો વિકલ્પ જનતા સામે લાવવામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિંદુ રાજનીતિના વ્યૂહરચનાકારોને મદદ કરવી પડશે. જો આવી સ્થિતિ પેદા નહીં થાય તો કદાચ ભારતની રાજનીતિનું હાલ કેન્દ્ર બિંદુ બનેલી હિંદુ રાજનીતિ ફરી એકવાર દૂર ફેંકાય જાય અને દેશની રાજનીતિ ફરીથી યુટર્ન લઈ શકે છે. બ્રાન્ડ મોદી બનવાની કહાની 7 ઓક્ટોબર, 2001ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભાજપના સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવનારા નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરાકાંડ અને તેના પછી અનુગોધરાકાંડની દુર્ઘટનાઓ રાજ્યમાં ચાલી. આ દરમિયાન હિંદુ રાજનીતિ, રા.સ્વ.સંઘ, ભાજપ, મોદી સહીતના તમામ દક્ષિણપંથીઓની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીકાઓનો વરસાદ વરસ્યો. આ દરમિયાન ગુજરાતના વિકાસને વાઈબ્રન્ટ બનાવવા માટે વાઈબ્રન્ટ ગુજરાતની પહેલ થકી ગુજરાતના વિકાસ મોડલને વિકસિત કરીને દેશ-દુનિયામાં પ્રોજેક્ટ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. ગુજરાતમાં 2002, 2007, 2012ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને જીત અપાવીને રાજ્યમાં તેના મૂળિયા વધુ ઉંડા અને વધુ મજબૂત બનાવવાનું કામ પણ બ્રાન્ડ મોદી થકી થયું. ગુજરાત મોડલ અને બ્રાન્ડ મોદી થકી રાષ્ટ્રીય સ્તરે નિરાશાના વાતાવરણ વચ્ચે હિંદુ રાજનીતિને 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીમાં એક આશાનું નવું કિરણ જોવા મળ્યું. ભાજપે અનેક વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદીને પીએમ પદનો ચહેરો જાહેર કરવા પડયા અને તેમના નેતૃત્વમાં 2014માં 1984 બાદ પહેલીવાર લોકસભામાં કોઈ એક પક્ષને બહુમતી મળીી હોય તેવી રાજકીય ઘટના આકાર પામી. બ્રિટશ અખબાર ધ ગાર્ડિયને પણણ 18 મે, 2014ના રોજ પોતના તંત્રીલેખમાં -અનઅધર ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની- (India: another tryst with destiny) લખીને જણાવ્યું કે આજનો, 18 મે, 2014નો દિવસ ઈતિહાસમાં એવી રીતે અંકિત થશે કે જ્યારે બ્રિટને આખરે ભારત છોડયું. બ્રાન્ડ મોદી હવે એક્સપાયરીની નજીક-રામમંદિરમાં દાનચોરી મોટો મુદ્દો પણ જુલાઈ-2026ની ઘટનાઓ જમાવી રહી છે કે બ્રાન્ડ મોદીની કદાચ હવે એક્સ્પાયરી નજીક આવી ચુકી છે. આમ પણ નરેન્દ્ર મોદી 75 વર્ષથી વધુ વયના થઈ ચુક્યા છે. મોદી સરકારના 2014થી અત્યાર સુધીના સમયગાળામાં ભારતના લોકો ખાસ કરીને હિંદુઓએ અને ખાસ કરીને મિલેનિયલ, ઝેન-ઝેડ અને અલ્ફા પેઢીએ, હિંદુ રાજનીતિનો ચાલ, ચરિત્ર અને ચહેરો જોયો છે. તેમાં પણ 493 વર્ષના અથગ-અણનમ સંઘર્ષ બાદ બનેલા રામજન્મભૂમિ પરના પવિત્ર રામમંદિરમાં દાનચોરીના મુદ્દે હિંદુ આસ્થાઓ હચમચી ઉઠી છે. આમ તો બ્રાન્ડ મોદી એક્સપાયરી તરફ હોવાના સંકેત આપવાની શરૂઆત રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાાદ યોજાયેલી 2024ની લોકસભાની ચૂંટણીમાં એનડીએ-ભાજપને બહુમતીથી દૂર રાખીને ભારતના લોકોએ કરી દીધી હતી. તેવામાં કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ધર્મ પુછીને હિંદુઓને નિશાન બનાવીને કરાયેલા આતંકીઓના હત્યાકાંડે દેશના હિંદુઓમાં આક્રોશ પેદા કરી દીધો હતો. મે-2025થી જુલાઈ-2025 દરમિયાન ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. પણ આ તમામ ઘટનાક્રમો વચ્ચે હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, આસામમાં ભાજપને મોટી જીત મળી. જેના કારણે હિંદુ રાજનીતિના ખિલ્લે કૂદનારા વેંતિયાઓના ચાલ, ચરિત્ર અને ચહેરા વધુ લથડયા. આને કારણે બ્રાન્ડ મોદી વધુ ઘસાવા લાગી. ઓપરેશન સિંદૂરને રોકાવાનો દાવો અમેરિકાના રાષટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અઢળકવાર કરી ચુક્યા છે. પાકિસ્તાનના સેનાધ્યક્ષ ફીલ્ડ માર્શલ આસિમ મુનિરને વ્હાઈટ હાઉસમાં ડીનર પણ કરાવી ચુક્યા છે. ટ્રમ્પ ભારત કરતા પાકિસ્તાનની વધુ નજીક ગયા હોય તેવું આંતરરાષ્ટ્રીય મંચો પર ઓપરેશન સિંદૂર બાદ લાગી રહ્યું છે. આવું લાગવાને પણ કારણ છે, ભારત પર ટ્રમ્પના ટેરિફ એટેક ટેરર એટેકની જેમ થયા છે. ભારતમાં ચીફ જસ્ટિસે 15 મે, 2026ના રોજ જે એક શબ્દ કહ્યો તેના આધારે અમેરિકાથી કૉકરોચ જનતા પાર્ટી ડિજિટલી લોન્ચ થઈ અને તેના લાખો સમર્થકો થોડાક સમયગાળામાં બની ગયા. ભારતમાં કોકરોચોનો જ્વાળામુખી ફૂટી પડયો. મુદ્દો હતો નીટ-યુજીના પેપર લીકનો મામલો. આ આંદોલન જંતર-મંતરમાં ચાલ્યું અને અનેક આંટાપાટા છતાં ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી પદ છોડવું પડયું. ભારતમાં 35થી ઓછી વયના યુવાઓની સંખ્યા 65 ટકા છે. તેમાંથી 15થી 29 વર્ષની જેન-ઝેડ તરીકે ઓળખાતી પેઢીની સંખ્યા 37 કરોડ જેટલી છે. તેમાં આ આંદોલન સાથે જોડાનારી 15 વર્ષથી ઓછી વયની પેઢીના કરોડો લોકો 2029 અને 2034ની લોકસભા ચૂંટણીમાં વોટ આપશે. એક સમય હતો કે ઘર-ઘર મોદી, હર-હર મોદી-ના સૂત્રો પોકારાતા હતા. ત્યારે જુલાઈ-2026માં દિલ્હીમાં જંતર-મંતરથી દુર્ભાગ્યે પીએમ મોદી અને તેમના સ્વર્ગસ્થ માતાને અપશબ્દો અને ગાળો બોલાતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવું કરનારાઓને માફ કર્યા છે. પણ સવાલ એ છે કે આવું થવાનું કારણ શું હતું? શું બ્રાન્ડ મોદીની એક્સપાયરી હવે નજીક આવી ચુકી છે... નીટ-યુજી પેપર લીક કાંડ સામેના સીજેપીના આંદોલન અને તેના સંસ્થાપક અભિજીત દીપકેને લઈને ઘણાં નરેટિવ બનાવવામાં આવ્યા. પાકિસ્તાન-બાંગ્લાદેશથી સપોર્ટ સહીતના ફેક્ટરોની ચર્ચા થઈ અને ફોરેન ફંડિંગ સુધી વાત પહોંચી હતી. છતાં કેન્દ્રીય મંત્રીઓ જે. પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહને સીજેપીના પ્રતિનિધિમંડળ સાથે વાત કરવી પડી. જે સોનમ વાંગ્ચુકને લઈને પાકિસ્તાનના એન્ગલથી દેશદ્રોહી ચિતરવાની વાત થઈ હતી, તેમને પારણા કરાવવા માટે પણ કેન્દ્રીય મંત્રી નડ્ડાને હોસ્પિટલમાં જવું પડયું. મતલબ કે પહેલા જે ચાલતા હતા તેવા નરેટિવને પણ પબ્લિક સપોર્ટ મળ્યો નહીં. ભારતમાતા કી જય બોલીને ખોટું બોલનારા અને ખોટું કરનારાઓએ બ્રાન્ડ મોદીને ઘસી નાખી છે, તેને એક્સપાયરી નજીક લાવી દીધી છે. દેશદ્રોહી, ખાલિસ્તાની કે ટુકડે-ટુકડે ગેંગ ઘોષિત કરીને યુવાઓને ડરાવવાની કોશિશ થઈ, પણ તે અસફળ રહી. જે સોશયલ મીડિયા બ્રાન્ડ મોદીની શક્તિ હતી. તે સોશયલ મીડિયા હવે બ્રાન્ડ મોદી માટે પાણિપતનું મેદાન બની ચુક્યું છે. જે રામમંદિર આંદોલને ભાજપને 6 વખત (1996માં 13 દિવસ, 1998માં 13 માસ, 1999-2014-2019-2024માં પાંચ વર્ષ માટે) સત્તા સુધી પહોંચાડયું. તે જ રામમંદિર બન્યા બાદ આંદોલનમાં સામેલ લોકોના નાક નીચે થયેલી દાનચોરીએ હિંદુ આસ્થા-હિંદુ વિશ્વાસને હચમચાવી નાખ્યો છે. ડીપ સ્ટેટના નિશાને છે બ્રાન્ડ મોદી- અંદરના ભેદિયાઓનો આવા તત્વોને મળી રહ્યો છે સાથ? આ સિવાય મોદી સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને 35-એ બિનઅસરકારક કરીને પાકિસ્તાન સહીતના મુસ્લિમ દેશોના ડીપ સ્ટેટના નિશાને આવી ચુકીી હતી. 5 ઓગસ્ટ, 2020ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરીને ભારતમાં રાજનીતિના હિંદુકરણનો શંખનાદ કરવામાં આવ્યો, કે જે સોમનાથ મંદિરના પુનર્સ્થાપન વખતે થઈ શક્યો ન હતો. ટ્રિપલ તલાક સામે કાયદો અને હવે યુનિફોર્મ સિવિલ કોડની વાત થઈ રહી છે. રશિયાની સાથે સંબધોના સંતુલન અને ચીન સામે અમેરિકાની લાઈનદોરી પ્રમાણેનો વર્તાવ નહીં કરવાની વિદેશ નીતિએ ટ્રમ્પને ખાસા છંછેડયા છે એટલે અમેરિકાના ડીપ સ્ટેટના નિશાને પણ મોદી સરકાર છે. આવા સંજોગોમાં જો યાદ કરીએ કે 2012થી લઈને 2015 વચ્ચે ઘણાં એશિયન-આફ્રિકન મુસ્લિમ દેશોમાં સરકારો-શાસકો બદલાયા કે તેઓ ગૃહયુદ્ધમાં પહોંચ્યા હતા. તાજેતરમાં ભારતના પાડોશમાં અમેરિકાની વિરુદ્ધ બોલવું પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન ઈમરાનખાનને ભારે પડયું અને હવે તે જેલમાં છે. બાંગ્લાદેશમાંથી શેખ હસીનાને સત્તા છોડીને ભારતમાં શરણ લેવી પડી છે. શ્રીલંકામાં પણ સત્તા પરિવર્તનો થયા છે. નેપાળમાં પણ અચાનક આખી સરકારને ભાગવું પડયું અને નવી સરકાર સત્તામાં આવી છે. આ તમામ ઘટનાક્રમો કોઈ મોટી બહારી શક્તિ કે ડીપ સ્ટેટ વગર શક્ય લાગતી નથી. આવી કોઈ સ્થિતિ જેમને મોદી સરકાર ગમતી નથી તેવી શક્તિઓ દ્વારા આકાર આપવાની કોશિશો થઈ રહી હોય તો તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. આને લગતો કોઈ કારસો દેશની બહાર ઘડાયો હોય અને દેશની અંદર રહેલા બ્રાન્ડ મોદીના વિરોધીઓને તેમની જાણથી કે જાણ બહાર એકછત્ર નીચે લાવવાનું કામ કરાયું હોય તેવી આશંકાને પણ કારણ છે. બ્રાન્ડ મોદીના વિરોધીઓ હિંદુત્વની રાજનીતિ કરનારાઓમાં ઘણાં છે. તેમાં એનડીએના ભૂતપૂર્વ ઘટકદળોથી માંડીને સંઘ-ભાજપના અસંતુષ્ટ નેતાઓ-કાર્યકર્તાઓ પણ સામેલ છે. આ એક આખો ખેલ શતરંજની જેમ ચાલી રહ્યો છે અને ખેલાડીઓ કદાચ અદ્રશ્ય છે. બ્રાન્ડ મોદીનો વિકલ્પ જલદી સામે આવે- નહીંતર ખોટો વળાંક ભારે પડશે જનતાએ સમજવા કરતા હવે દેશના હિંદુ રાજનીતિ કરનારા વ્યૂહરચનાકારોએ બ્રાન્ડ મોદીની નજીક આવી રહેલી એક્સપાયરી જોતા હવે તેના વિકલ્પો કે વિકલ્પ જનતાની સામે લાવવાનો સમય આવી ચુક્યો છે. આ વિકલ્પમાં ગૃહ મંત્રી અમિત શાહ હોઈ શકે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોઈ શકે કે બીજા કોઈ ચર્ચામાં ન હોય અને હાલ ઓજલ હોય તેવા નેતા પણ હોઈ શકે છે.ભારત માટે હાલનો સમય એક નવો ટર્નિંગ પોઈન્ટ છે. આ ટર્નિંગ પોઈન્ટમાં ખોટો વળાંક દેશની રાજનીતિમાં હિંદુ પોલિટિકલ યુનિટીનું શીર્ષાસન કરાવી શકે છે. કાસ્ટ સેન્સસ વચ્ચે હવે અનામત હટાવો અને અનામત બચાવોની બૂમરાણો સંભળાઈ રહી છે. આવા સંજોગોમાં કાસ્ટ સેન્સસ બાદ હિંદુ પોલિટિકલ યુનિટી કે જે બ્રાન્ડ મોદીની મજબૂતાઈનું કારણ છે, તેના પર મોટું સંકટ છે. દેશનું રાજકારણ ફરી એકવાર જાતિવાદમાં સબડશે અને મુસ્લિમ વોટ સમીકરણો દ્વારા સત્તાનો ખેલ ફરીથી એવોને એવો જ ચાલુ થશે કે જે સ્વતંત્રતા બાદ 1998 સુધી બદલાયો ન હતો.