બુધવાર, 15 જૂન, 2011

ભ્રષ્ટાચાર સામેના અનશનમાં ધર્મ અને દંભ

-આનંદ શુક્લ
દેશ ધર્મના માર્ગે છે કે દંભના માર્ગે તે તાજેતરની અનશનની ઘટનાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ શું છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડનાર વ્યક્તિ? દંભી સમાજના લોકોનો દંભ સ્વામી નિગમાનંદના મૃત્યુની ઘટનામાં છુપાયેલા બેવડાં ધારાધોરણોથી સામે આવી ગયો છે. નિગમાનંદ ગત 115 દિવસોથી અનશન પર હતા. પરંતુ તેઓ લોકોની, મીડિયાની, રાજકારણીઓની અને સાધુ-સંતોની જમાતથી ગુમનામ જ રહ્યાં. તેમના અનશન તોડાવવા માટે કોઈ સાધુ-સંતોએ થોડો પણ પ્રયત્ન કર્યો નહીં. કોઈ નેતાએ અપીલ કરીને પોતાની સંવેદનશીલતા પણ દર્શાવી નહી. નિગમાનંદ પણ હરિદ્વારના સંન્યાસી હતા. તેઓ ગંગામૈયાની લડાઈ લડી રહ્યાં હતા. ગેરકાયદેસરનું ખનન વધારે નક્કર મુદ્દો છે. તેમા નરી આંખે સામે થઈ રહેલો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. પરંતુ સ્વામી નિગમાનંદના મૃત્યુ પહેલા તેમની ક્યાંય કોઈ ચર્ચા થઈ નથી?

આપણા દેશમાં દરેક વ્યક્તિના અનશનને મહાન સંઘર્ષનો દરજ્જો મળતો નથી. આપણા દેશમાં અનશન અને અનશનમાં ઘણો મોટો ફર્ક સ્વામી રામદેવના અનશન અને સ્વામી નિગમાનંદના અનશન પરથી સ્પષ્ટ બની જાય છે. અનશન કરનાર દરેક વ્યક્તિની બગડી રહેલી તબિયત પ્રત્યે આપણા દેશના લોકો, નેતાઓ, મીડિયા અને અધિકારીઓના મનમાં કરુણા ઉપજતી નથી. પૂર્વોત્તર ભારતના મણિપુર રાજ્યમાં ઈરોમ શર્મિલા ગત દસ વર્ષોથી અનશન પર છે. તે નાગરીક જીવનને સેનાના નિયંત્રણ બહાર રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. તે સ્ત્રી છે અને મનુષ્યના મૂળભૂત હકો માટે લડી રહી છે.

ભ્રષ્ટાચાર તો તેનાથી આગળની વાત છે. પરંતુ સ્વામી નિગમાનંદ અને ઈરોમ શર્મિલાનો આમરણાંત સંઘર્ષ દેશવાસીઓ, મીડિયાની અંદર કોઈ ઉતેજના પેદા કરતો નથી. આપણા માટે અનશન અથવા સંઘર્ષ ત્યારે જ મહત્વપૂર્ણ બને છે કે જ્યારે તે કોઈ માટો ટ્રસ્ટ અથવા સંગઠનના પ્રમુખ દ્વારા શરૂ કરવામાં આવે. આવા પ્રમુખ જેટ વિમાનથી ઉતરીને દિલ્હીના રામલીલા મેદનામાં પોતાના નાણાંથી પંડાલ લગાવીને ભાષણ આપી શકે છે. આ બંને પ્રકારની ઘટનાઓને સામે રાખીને ભારતવાસીઓએ આત્મચિંતન કરવું જોઈએ.

ઉંચ-નીચના જાતિગત ભેદભાવો તો ભારતમાં દરેક ક્ષેત્રમાં વત્તા-ઓછા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં પણ આપણે લોકોએ ઉંચી અને નીચી એવી શ્રેણીઓ બનાવી રાખી છે. મુદ્દો ચાહે જેટલો પણ કાલ્પનિક હોય, પરંતુ કોઈ ઉચ્ચ અધિકારી અથવા નેતા પોતાની સેવાનિવૃતિ બાદ કોઈ સભામાં ઉભો રહીને સંઘર્ષનું એલાન કરે છે અને તે મુદ્દો અચાનક મોટો સંઘર્ષ બની જાય છે. તેની રાજનેતાઓ અને મીડિયા નોંધ લે છે. આપણે આવા લોકોના મોટા કદથી વશીભૂત થઈ જઈએ છીએ. જો કે હકીકતમાં આવા લોકોના નેતૃત્વમાં આગળ વધતા સંઘર્ષમાં લોકો તેમની ચમચાગીરી વધારે કરે છે. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર નાથી શકાય તેમ નથી-આવા મતલબની ઘણી વાતો છતાં આમ આદમી પોતાની સામે થતાં ભ્રષ્ટાચારને જોવે છે અને તેની સામે પોતાની શક્તિ અને મર્યાદામાં રહીને લડાઈ લડે છે. જો કે આપણે જનતા આમ આદમીની શક્તિ વધારવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. ત્યારે આપણા માટે જરૂરી બને છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ અને અનશન બાબા રામદેવના નેતૃત્વમાં થાય કે અન્ના હજારે દેશવાસીઓને દિશા-નિર્દેશ કરે. પરંતુ તેવે વખતે ઈરોમ શર્મિલા અને સ્વામી નિગમાનંદ જેવા ખરા સંઘર્ષકર્તાઓને યાદ કરીને આત્મમંથન કરીએ તે જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો