
ભારતમાં લોકોને જશના માથે જૂતાં પડવાના. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર કેટલું સારું કામ કરી રહી છે. જે દેશને ગાંધીજી સદેહે હોવા છતાં ગાંધીવાદી બનાવી શકાયા નહીં. આઝાદીના 63 વર્ષ સુધી જે કામ થયું નહીં, તે કામ મેડમ સોનિયા ગાંધીના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમના કેબિનેટ મંત્રીઓએ ચપટી વગાડતામાં કરી નાખ્યું છે. ગાંધીજીના તમામ આદર્શો લોકોના દિલો-દિમાગમાં કોતરાઈ જાય તેવી વ્યવસ્થા અર્થશાસ્ત્રી મનમોહન સિંહની સરકાર કરી રહી છે. ગાંધીજી લાકડીના ટેકે પગપાળા ચાલતા, ગાંધીજી ઉપવાસ કરતાં, ગાંધીજી અહિંસાને વરેલા હતા. આ બધાં મહાન સિદ્ધાંતો ભારતની પ્રજામાં પણ ઉતરવા જોઈએ, તેવી કોંગ્રેસની વર્ષોથી દિલની તમન્ના હતી.
કોંગ્રેસ વર્ષોથી ગાંધીજીના નામે સરકાર બનાવતી રહી છે. પરંતુ તેમણે અનુભવ્યું કે આપણા દેશના લોકો ગાંધીજીના બતાવેલા રસ્તા પર બિલકુલ ચાલી રહ્યા નથી, માટે લોકો ગાંધીજીને પોતાના જીવનમાં ઉતારે તેવી કોશિશ કોંગ્રેસે 2004થી શરૂ કરી છે. આ સંદર્ભે ડૉ. મનમોહન સિંહે લોકોના જીવનમાં ગાંધીજીનો સાક્ષાત્કાર કરાવવાનું બીડું ઝડપ્યુ છે. પરંતુ કેટલાંક બુદ્ધિ વગરના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે!
કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની હાલની નીતિ જોતા લાગે છે કે તેમને હકીકતે આટલા વર્ષો સુધી સરકાર ચલાવ્યા બાદ માલૂમ પડયું છે કે લોકો સ્વેચ્છાથી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે નહીં. તેમને મજબૂર કરવા પડશે, ત્યારે જ તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે. માટે જ મનમોહન સિંહ અને તેમના મંત્રીઓની ફોજ પાછલા કેટલાંક વર્ષોથી આ મિશન પર છે. હવે તમામ લોકો ધીરે-ધીરે ગાંધીજીની જીવન શૈલી પોતાનામાં ઉતારતા દેખાઈ રહ્યાં છે.
હવે જોઓ સ્કૂટર, બાઈક, કારો અને બીજા ઘણાં પ્રકારના સ્વચાલિત વાહનોમાં લોકો બિન્દાસ્ત ફરી રહ્યાં છે, જ્યારે ગાંધીજી હંમેશા પગે ચાલીને જ જતા. પરંતુ લોકો પગે ચાલવા માટે તૈયાર થઈ રહ્યા ન હતા, પરંતુ જીઓએમમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે પેટ્રોલના ભાવ એટલા વધારી દો કે લોકો પેટ્રોલ ભરાવી જ ન શકે અને મજબૂરીથી પગે ચાલવાનું શરૂ કરી દે. કેટલાંક લોકો હજીપણ વાહનોમાં ફરી રહ્યાં છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે પેટ્રોલ પાંચ સો રૂપિયા લીટર થઈ જશે, તો આ લોકો પણ પગે ચાલવા માટે મજબૂર બનશે.
આ સિવાય લોકોને ગાંધીજીની જેમ હંમેશા ઓછા કપડામાં રહેવા માટે તૈયાર કરવા શક્ય ન હતા. તેથી મનમોહન સરકારે લોકો પર એટલા ટેક્સ લગાવી દીધા કે તેને ભરવાના ચક્કરમાં પબ્લિકના કપડા ઉતરી જાય.
ગાંધીજી ઘણાં ઉપવાસ કરતા હતા, તો મનમોહનોમિક્સ હેઠળ યુપીએ સરકારે મોંઘવારી એટલી વધારી દીધી છે કે લોકો કંઈ ખાઈ શકે નહીં. બસ થઈ ગયા ઓટોમેટિક ઉપવાસ શરૂ. ઉપવાસના કારણે કેટલાંક દિવસો બાદ, લોકો ચાહે વૃદ્ધ હશે કે જવાન, પણ ગાંધીજીની જેમ લોકોના હાડકાનો માળો દેખાવા લાગશે. એટલી નબળાઈ આવી જશે કે હરવા-ફરવામાં પણ મુશ્કેલી પડશે અને લોકો મજબૂરીથી લાકડી લઈને ચાલશે, જેવી રીતે ગાંધીજી લાકડીના ટેકે ચાલતા હતા.
ગાંધીજી બનવા માટે મજબૂર બનેલો વ્યક્તિ ઘડિયાલ જોઈને દિવસો કાઢશે. જો કે અન્ના હજારે 16 ઓગસ્ટથી દેશની બીજી આઝાદીની લડાઈ શરૂ કરવાના છે. તેના માટે તેઓ અનશન કરશે, પરંતુ તેમને ખબર હોવી જોઈએ કે દેશના 37 ટકા લોકો 64 વર્ષથી અનશન કરી રહ્યાં છે, તેમ છતાં દેશની સ્થિતિમાં કોઈ ફેર પડયો નથી.
પરંતુ એક વાત તો માનવી પડશે કે અહિંસાના મામલામાં આપણા દેશના મોટાભાગના લોકો પહેલેથી જ સંપૂર્ણપણે ગાંધીવાદી છે. લોકો ગમે તેટલા જુલમનો ભોગ બને, પરંતુ કંઈ બોલી શકતા નથી. તેમની પાસે પરાણે ગાંધીવાદી બન્યા સિવાય અન્ય કોઈ માર્ગ મનમોહન સરકારે રહેવા દીધો નથી. તેમની પાસે સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી. ભારતની પબ્લિક તો એકદમ અહિંસાવાદી છે.
હં, સરસ કટાક્ષ છે.
જવાબ આપોકાઢી નાખોખૂબ જ જોરદાર ચાબખા છે આનંદભાઈ....
જવાબ આપોકાઢી નાખો