Friday, November 4, 2011

ભારતની ધાર્મિક જનસાંખ્યાયિકીમાં અસંતુલન જોખમી


-ક્રાંતિ વિચાર

ધર્માંતરણ રાષ્ટ્રાંતરણ હોવાની વાત ભારતના વિભાજન અને ત્યાર બાદના ભારતમાં ચાલી રહેલી ભાગલાવાદી અને આતંકવાદી ઘટનાઓથી સાબિત થઈ ગયું છે. ભારતમાં હિંદુ ધર્માંતરીત થયો અને મુસ્લિમ બન્યો તો પહેલા અફઘાનિસ્તાન અને ત્યાર બાદ પાકિસ્તાન ભારતથી કપાઈને અલગ થયું. આજે ભારતમાં સદીઓથી ચાલેલા બળજબરીપૂર્વકના મુસ્લિમ ધર્માંતરણથી અખંડ ભારતના પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવાં દેશો બન્યા છે. વિભાજન બાદની આઝાદી પછીના ભારતમાં જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ બહુલ ખીણ વિસ્તારમાં મુસ્લિમ ભાગલાવાદ અને આતંકવાદ શરૂ થયો. ત્યાંથી ત્રણ લાખ હિંદુ પંડિતોને વિસ્થાપિત કરવામાં આવ્યા. અત્યારે પણ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ધર્મના નામે ભાગલાવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરી રહ્યું છે. આસામ અને પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પણ દેશ વિરોધી પ્રવૃતિઓ જોરશોરથી ચાલી રહી છે. આઈએસઆઈને ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત સહીતના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સ્લિપર સેલ મળી રહે છે. જેના કારણે ભારતમાં વિસ્ફોટોનું એક દુષ્ચક્ર ચાલી રહ્યું છે. મુંબઈ હુમલામાં પણ છેલ્લે છેલ્લે સ્થાનિક મદદની વાત બહાર આવી રહી છે.

આ સિવાય પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તી મતનો પ્રભાવ અને તેના મતાવલંબીઓની સંખ્યા વધી તેમ તેમ ત્યાં પણ અલગતાવાદી પ્રવૃતિઓએ માઝા મૂકી છે. ભારત વિરોધી પ્રવૃતિમાં ખ્રિસ્તી મિશનરીઓના દોરીસંચારથી પહેલા મિઝોરમ બાદમાં નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરા વગેરે સ્થાનો પર આતંકવાદી પ્રવૃતિઓ થઈ રહી છે. દેશના છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વનવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના સક્રિય થવાને કારણે ખ્રિસ્તી મતાવલંબી વધ્યા છે અને ભારત વિરોધી હિંસક માઓવાદી પ્રવૃતિઓ પણ વધી છે. ઓરિસ્સામાં ખ્રિસ્તી મિશનરીઓના ધર્માંતરણનો વિરોધ કરનારા સ્વામી લક્ષ્મણાનંદને પોતાના જીવનું બલિદાન આપવું પડયું છે. તેમની હત્યામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ અને માઓવાદીઓ સામેલ છે. છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ નક્કર પરિણામ લાવીને ખરા દોષિતોને સજા કરવાનું પગલું ભરી રહી નથી.

ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ ખ્રિસ્તી મિશનરીઓ સક્રિય છે. અહીં 1951ની સરખામણીએ ખ્રિસ્તીઓની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય ગુજરાતના નર્મદા, સાબરકાંઠા, જેવાં વિસ્તારોમાં પણ ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃતિ ચાલી રહી છે. કચ્છના સરહદી વિસ્તારોમાં મુસ્લિમ મદરેસાઓ અને સંસ્થાઓ દ્વારા ધર્માંતરણને ઉત્તેજન અપાઈ રહ્યું છે. ભારતમાં હિંદુઓ 2011ના સેન્સસ પ્રમાણે 80 ટકાની અંદર રહેશે તેવું અનુમાન કરવામાં આવે છે. હિંદુઓનો વસ્તીવૃદ્ધિનો દર દેશના મુસ્લિમો અને ખ્રિસ્તીઓના વસ્તી વૃદ્ધિદરના પ્રમાણમાં ઘણો ઓછો છે. દેશમાં ધર્માંતરણ, બહુપત્નીત્વ, કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં અસહકાર, લવ જેહાદ વગેરેને કારણે મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વધી રહી છે. દેશમાં ધાર્મિક સમુદાયોની વસ્તીનું સંતુલન ખૂબ મોટા પ્રમાણમાં ખોરવાઈ રહ્યું છે. તાજેતરના વર્ષોની ઘટના-દુર્ઘટનાઓ પરથી સામે આવી રહ્યું છે કે દેશના જે ભાગમાં હિંદુ ઘટયા તે ભાગ ભારતના મૂળથી કપાઈ રહ્યાં છે. દેશમાં ખ્રિસ્તી અને મુસ્લિમ વસ્તીનું પરિદ્રશ્ય નીચે દર્શાવ્યું છે.


ભારતમાં ખ્રિસ્તી મતના લોકોની વસ્તી

ભારતમાં સેન્સસ-2011 પ્રમાણે દેશની વસ્તી 121 કરોડે પહોંચી છે. દેશની કુલ વસ્તીમાંથી ખ્રિસ્તી મતને અનુસરનારા લોકોની સંખ્યા 2001ના સેન્સસ પ્રમાણે, 2.3 ટકા એટલે કે 2 કરોડ 40 લાખ થાય છે. સેન્સસ-2011ના ધર્મ આધારીત જનસંખ્યાના આંકડા હજી સુધી બહાર પડયા નથી. પરંતુ અનુમાન છે કે દેશના સરેરાશ વસ્તીવૃદ્ધિના દર કરતાં ખ્રિસ્તીઓની વસ્તીનો વૃદ્ધિદર વધારે રહેશે. તેવા સંજોગોમાં ખ્રિસ્તી મતના અનુયાયીઓની સંખ્યા ભારતમાં વધી છે. ખ્રિસ્તી મતના અનુયાયીઓમાં ભારતમાં સૌથી વધારે સાક્ષરતા દર છે. ખ્રિસ્તી મતના લોકોની વસ્તી વધવાનું મુખ્ય કારણ દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વનવાસી વિસ્તારો અને દલિત વસ્તીઓમાં ચાલી રહેલા ધર્માંતરણના કામ છે. દેશમાં ખ્રિસ્તી મતાવલંબીઓમાંના 67.4 ટકા રોમન કેથોલિક, 18.3 ટકા પ્રોટેસ્ટંટ અને 14.3 ટકા ઈસ્ટર્ન ઓર્થોડોક્સ નામના પેટાપંથના છે.

2001ના સેન્સસના ધર્મ આધારીત મતાવલંબીઓના આંકડા પ્રમાણે, દેશની વસ્તીના 2.3 ટકા ખ્રિસ્તીઓ છે. તેમાં મિઝોરમમાં 90.5 ટકા, નાગાલેન્ડમાં 90.0 ટકા, મેઘાલયમાં 70.3 ટકા, મણિપુરમાં 34 ટકા, ગોવામાં 26 ટકા, અંદમાન-નિકોબારમાં 21.7 ટકા, કેરળમાં 19 ટકા, અરુણાચલ પ્રદેશમાં 18.7 ટકા, પોન્ડિચેરીમાં 7 ટકા, સિક્કિમમાં 6.6 ટકા, તમિલનાડુમાં 6.06 ટકા, ઝારખંડમાં 4.05 ટકા, આસામમાં 3.7 ટકા, ત્રિપુરમાં 3.2 ટકા, ઓરિસ્સામાં 2.4 ટકા, કર્ણાટકમાં 2 ટકા, આંધ્ર પ્રદેશમાં 1.5 ટકા, મહારાષ્ટ્રમાં 1.09 ટકા ખ્રિસ્તી મતાવલંબી લોકો છે. ઉલ્લેખનીય છે કે 1901ના સેન્સસ પ્રમાણે, કે જેને અંગ્રેજોએ કર્યો હતો- તેમાં પૂર્વોત્તર ભારતમાં ખ્રિસ્તીઓની સંખ્યા માંડ 2 ટકા હતી. અત્યારે પૂર્વોત્તર ભારતના આસામ અને ત્રિપુરા સિવાયના રાજ્યોમાં ખ્રિસ્તીકરણ તેના પૂર્ણ લક્ષ્યાંકોને પામી રહ્યું છે.

આસામ સિવાયના બાકીના પૂર્વોત્તર રાજ્યોમાં 1901માં માંડ 2.22 ટકા ખ્રિસ્તીઓ હતા. હાલ 2001ના સેન્સસના આંકડા પ્રમાણે અહીં કુલ 6 રાજ્યોની વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા 38.96 ટકા થાય છે.

દેશની કુલ ખ્રિસ્તી વસ્તીમાંથી અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 9.0 ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરીત થયેલાઓની સંખ્યા 32.80 ટકા છે. અન્ય પછાત વર્ગોમાંથી ખ્રિસ્તી બનેલાઓની સંખ્યા 24.8 ટકા છે તથા અન્ય જાતિઓમાંથી ખ્રિસ્તી હોય તેવા 33.3 ટકા લોકો છે. (સચ્ચર કમિટીના કાસ્ટ ડેમોગ્રાફીક ડેટા પરથી)

આસામ અને ત્રિપુરા સિવાયના બાકીના તમામ પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓએ 1901થી શરૂ કરેલું ધર્માંતરણનું કામ તેના પૂર્ણ લક્ષ્યાંક સુધી પહોંચી ગયું છે. મિઝોરમ અને નાગાલેન્ડમાં તો 1991માં જ ખ્રિસ્તીકરણ સંપૂર્ણ બન્યું હતું. પૂર્વોત્તર ભારતના આ રાજ્યોમાં ઉગ્રવાદ અને આતંકવાદ થકી અલગતાવાદની ઘણી મોટી સમસ્યા છે. ભારતની એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ બનેલા અનેક આતંકવાદી સંગઠનોને ખ્રિસ્તી મિશનરી પૂર્વોત્તર ભારતમાં નૈતિક અને અન્ય પ્રકારના ટેકાઓ પૂરા પાડી રહી છે. તેમ છતાં પૂર્વોત્તર ભારતમાં અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ સહીતની અન્ય રાષ્ટ્રવાદી સંસ્થાઓના પ્રયત્નોથી ખ્રિસ્તી ધર્માંતરણ પર કંઈક હદે કાબુ મેળવી લેવાયો છે. પરંતુ હજી તે પુરતું નથી. તેના માટે ભારતના અન્ય ભાગોમાંથી સહયોગ સાથે સરકારનો સહકાર પણ ઘણો જરૂરી છે. ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં રહેલા આતંકવાદી જૂથને હાથો બનાવીને ચીન અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પોતાના હિતો સાધી રહી છે.

1972માં ભારતમાં 26 મિશનરી એજન્સીઓ હતી, 1997માં તેની સંખ્યા 200ની થઈ અને અત્યારે તે હજારનો આંકડો વટાવી ગઈ છે. તેમાં સેવાકાર્યો અને સેક્યુલારિઝમના આંચળા નીચે વટાળ પ્રવૃતિઓને પ્રોત્સાહીત કરનારી એજન્સીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દરરોજ પાંચ હજાર લોકો ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે. એટલે કે દર 17.28 સેકન્ડે ભારતમાં હિંદુ ખ્રિસ્તી મતમાં ધર્માંતરીત થાય છે.

ભારતમાં મુસ્લિમોની વસ્તીના આંકડા

ભારતમાં 2030 સુધીમાં મુસ્લિમોની વસ્તી દેશની કુલ વસ્તીના 16 ટકા થાય તેવી સંભાવના છે. પીસ ફોરમ ઓન રિલિજન એન્ડ પબ્લિક લાઈફ દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે 2030માં દેશમાં મુસ્લિમોની વસ્તી 23 કરોડ 61 લાખ 82 હજારને પાર કરી જશે. ધ ફ્યૂચર ઓફ ધ ગ્લોબલ મુસ્લિમ પોપ્યુલેશનમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભારત સહીત વિશ્વમાં મુસ્લિમોની વસ્તીમાં બેગણો વધારો થશે. 2010માં ભારતમાં મુસ્લિમોની વસ્તી 17 કરોડ 72 લાખ 86 હજાર હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જે દેશની કુલ વસ્તીના 14.6 ટકા છે. માનવામાં આવે છે કે 2030માં દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ ભારત બની જશે.

મુસ્લિમોની વસ્તીવૃદ્ધિનો દર દેશના વસ્તી વૃદ્ધિદરની સરખામણીએ 10 ટકા વધારે છે. 1991-2001ના દશકમાં હિંદુઓનો વસ્તી વૃદ્ધિદર 20.3 ટકા હતો, જ્યારે મુસ્લિમોની વસ્તીવૃદ્ધિ 36 ટકાના દરથી થઈ હતી. (સરકારે આંકડાની માયાજાળ કરીને મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર સુધારીને નીચો કર્યો હતો.)

દેશના સૌથી વધારે મુસ્લિમો ઉત્તર પ્રદેશમાં રહે છે. જમ્મુ-કાશ્મીર દેશનું મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય છે. જ્યાં કાશ્મીર ખીણ પ્રદેશ 95 ટકા મુસ્લિમ વસ્તી ધરાવે છે. અહીંથી ત્રણ લાખ જેટલાં કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતના જમ્મુ અને દિલ્હી જેવાં અન્ય શહેરોમાં શરણાર્થી તરીકે જીવન ગુજારે છે.

ભારતમાં મુસ્લિમ વસ્તીવૃદ્ધિનો દર દિલ્હીમાં સૌથી ઉંચો 51.45 ટકા છે. દિલ્હીમાં 9.44 ટકા મુસ્લિમો છે. ત્યાર બાદ આસામમાં 41.62 ટકાનો મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર છે. આસામમાં 28.43 ટકા મુસ્લિમો છે. રાજસ્થાનમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિનો દર 41.46 ટકા છે. રાજસ્થાનમાં 8.01 ટકા મુસ્લિમો છે. ઉત્તર પ્રદેશમાં 36. 54 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 17.33 ટકા છે. પશ્ચિમ બંગમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 23.61 ટકા છે. બિહારમાં 29.50ના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 14.81 ટકા છે. મહારાષ્ટ્રમાં 31.40 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 9.67 ટકા છે. કેરળમાં મુસ્લિમોની વસ્તી વૃદ્ધિનો દર 25.49 ટકા છે અને તેઓ અહીં 23.33 ટકા છે. આંધ્ર પ્રદેશમાં 30.66 ટકાના વૃ્દ્ધિ દરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.91 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમ વસ્તી વૃદ્ધિદર 25.71 ટકા છે અને ત્યાં મુસ્લિમો કુલ વસ્તીના 11.64 ટકા છે. જમ્મુ-કાશ્મીરમાં 30 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 64.18 ટકા થાય છે. ગુજરાતમાં 24.05 ટકના વૃદ્ધિદરથી મુસ્લિમો રાજ્યની કુલ વસ્તીના 8.73 ટકા થાય છે. મધ્ય પ્રદેશમાં 31.21 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમોની ટકાવારી 4.96 ટકા છે. તમિલનાડુમાં 21.14 ટકાના વૃદ્ધિદર સાથે મુસ્લિમો કુલ વસ્તીના 5.47 ટકા છે. લક્ષદ્વીપમાં મુસ્લિમો 90 ટકા છે.

મુસ્લિમોમાં 39.2 ટકા ઓબીસીમાંથી ધર્માંતરીત થયેલા લોકો છે. 0.80 ટકા મુસ્લિમો અનુસૂચિત જાતિમાંથી અને 0.50 ટકા મુસ્લિમો અનુસૂચિત જનજાતિમાંથી ધર્માંતરીત થયેલા છે. 59.5 ટકા મુસ્લિમો કેટલીક સદીઓ પહેલા અન્ય જાતિઓમાંથી ધર્માંતરીત થયેલા છે.

દેશમાં ધાર્મિક જનસાંખ્યાયકીના આટલા ભયજનક આંકડા પાછળ મુસ્લિમ અને ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા આઝાદી પહેલા અને પછી ચલાવવામાં આવેલું ધર્માંતરણનું કારણ સૌથી મોટું છે. ધર્માંતરણે ભારતના રાષ્ટ્રીય ચરિત્ર પર આઘાત કર્યો છે. 1947માં ભાગલાના જનોઈવઢ ઘા પછી ભારતમાં ફરીથી તેવી પરિસ્થિતિ પેદા ન થાય તેના માટે ભારતના લોકોએ વિચારવાનો સમય પાકી ગયો છે. ભારતમાં આતંકવાદીઓ સાથેના મુસ્લિમ સમાજના પાંચમી કતારિયાના સંબંધો અને ખ્રિસ્તી મિશનરીઓના માઓવાદીઓ તથા પૂર્વોત્તરના ઉગ્રવાદીઓ સાથેના સંબંધો ઉજાગર કરીને તેને તાત્કાલિક નશ્યત કરવાની દિશામાં પગલા લેવા જોઈએ. ભારતે ફરીથી વિભાજનના ઈતિહાસનું પુનરાવર્તન ટાળવું હશે તો ભારતની ધરતી પર પેદા થઈને વિકસેલા તમામ ધર્મોના લોકોમાં ધર્માંતરણ રોકવું પડશે. આ સિવાય જે લોકો ધર્માંતરીત થઈને મુસ્લિમ અથવા ખ્રિસ્તી બન્યા છે, તેમને ભારતીય જીવનધારા સાથે જોડવા માટે પ્રયત્નો કરવા પડશે.

No comments:

Post a Comment