Thursday, November 3, 2011

ચીન-પાક સૈન્ય કવાયતો “યૂયી”ના ખતરનાક ઈરાદા


-આનંદ શુક્લ

ચીન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક દશકામાં સંયુક્ત સૈન્ય પ્રવૃતિઓમાં ઉત્તરોત્તર વ્યૂહાત્મક રણનીતિ નીચે વધારો થઈ રહ્યો છે. તેના કારણે ભારત સરકારે પણ ચીન અને પાકિસ્તાનને જવાબ આપવા માટે પોતાની વ્યૂહરચના વધુ સુદ્રઢ બનાવી છે. ભારતે ચીન સરહદે પાંચ વર્ષમાં એક લાખથી વધારે સૈનિકો તહેનાત કરવાની યોજના જાહેર કરીને પોતાના ઈરાદા જાહેર કરી દીધા છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને ચીનના સૈન્ય ગઠબંધનથી ભારત માટે ચિંતાના ઘણાં કારણો ઉભા થયા છે. ચીન પાકિસ્તાન સાથે સૈન્ય ગતિવિધિઓ વધારીને ભારત પર સામરીક દબાણ ઉભું કરી રહ્યું છે. તેની સાથે પાકિસ્તાનને પણ ભારત વિરુદ્ધ હવા ભરીને તૈયાર કરી રહ્યું છે.

ચીની ભાષામાં ‘યૂયી’નો અર્થ મિત્ર થાય છે. પાકિસ્તાન આગામી સપ્તાહે યૂયી-4ની તૈયારીમાં લાગેલું છે. યૂયી-4 ચીન અને પાકિસ્તાન વચ્ચે ચોથી વખત સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. બે સપ્તાહ સુધી ચાલનારો આ સંયુક્ત અભ્યાસ ક્યાં થવાનો છે, તેના સંદર્ભે પાકિસ્તાને હજી સુધી કોઈ જ માહિતી જાહેર કરી નથી. આ પહેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે ભારતને સામરીક સંદેશ આપતાં ત્રણ સંયુક્ત સૈન્ય અભ્યાસો થઈ ચુક્યા છે. આમાની એક સંયુક્ત સૈન્ય કવાયત પાકિસ્તાનમાં અને બાકીની બે ચીનમાં થઈ છે.

2004માં પહેલીવાર ચીને શિન્ચિયાંગ પ્રાંતના ટેક્સકોરગનમાં પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ કર્યો હતો. તેને યૂયી-1 તરીકે ઓળખવામાં આવ્યો હતો. 2006માં યૂયી-2 પાકિસ્તાનાના એબટાબાદની પહાડીઓમાં કરવામાં આવ્યો હતો. આ એ જ એબટાબાદ છે કે જ્યાં અલકાયદાનો સરગના ઓસામા બિન લાદેન છુપાયો હતો. ચીની મિલિટ્રી એજન્સીને ઓસામા બિન લાદેન એબટાબાદમાં છૂપાયો હોવાની જાણ ન હોય, તો તે ચીની સેનાની જાસૂસી વિફળતા ગણવી જોઈએ.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 101મી એન્જિનિયરિંગ રેજીમેન્ટ આ વર્ષ ઓગસ્ટના પહેલા સપ્તાહમાં રાજસ્થાન અને પંજાબની સીમાઓ પર પાકિસ્તાની સેના સાથે સંયુક્ત કવાયત કરી ચુકી છે. આ લશ્કરી કવાયતને યૂયી-3 નામ આપવામાં આવ્યું હતું. આ સૈન્ય કવાયત ભારતીય સરહદના ઘણાં વિસ્તારોમાં થઈ. તે દરમિયાન પાકિસ્તાનના રહીમીયાર ખાન પાસે સુરયાન અને ચોર માનના જે વિસ્તારોમાં ચીનની સેનાની આખી બ્રિગેડ હતી, તે ભારતના જેસલમેર જિલ્લાના તાનોટ-કિશનગઢથી ઘણી નજીકમાં હતી.

રાજસ્થાન અને પંજાબની સરહદો પર કોઈ એક માસ સુધી ચીન અને પાકિસ્તાની સેનાની સંયુક્ત કવાયત થતી રહી અને ભારત ચુપચાપ જોતું રહ્યું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે આ વાત સામાન્ય જનતાની જાણકારીની પહોંચની બહાર રાખી. પરંતુ એપ્રિલ-2011માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાર હજાર ચીની સૈનિકોની હાજરી હોવાની વાત ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કે.ટી.પરનાયકે કરી અને તેની સાથે જ ચીનની પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિયતા એક ઘણો મોટો મુદ્દો બની ગયો. ભારતીય સેનાના વડા જનરલ વી. કે. સિંહે પણ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીની સૈનિકોની ઉપસ્થિતિની વાતને સ્વીકારી છે.

વળી ચીન પાકિસ્તાનના તાલિબાની વિસ્તારમાં પોતાનું લશ્કરી થાણું સ્થાપવા માગે છે. તેની પાછળ તેનો હેતુ તેના શિન્ચિયાંગ પ્રાંતમાં ઉઈગુર આતંકવાદીઓને કાબુમાં રાખવાનો છે. ચીને આ પહેલા પાકિસ્તાનને શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને પાકિસ્તાનના વજીરીસ્તાન જેવાં વિસ્તારોમાં તાલીમ મળતી હોવાની વાત કરીને ઝાટકણી પણ કાઢી હતી. આ સિવાય પાકિસ્તાને બલુચિસ્તાન ખાતેના ગ્વાદર પોર્ટ નજીક ચીની નૌસેનાનું થાણું બની રહ્યું છે. ચીન એક વર્ષથી તેની પાછળ લાગેલું હતું. હવે આ પ્રોજેક્ટને પાકિસ્તાન સરકારે મંજૂરી આપી દીધી છે. આ માત્ર કહેવાની વાત છે કે ચીન ગ્વાદર ખાતેના નૌસૈનિક થાણાંથી શિન્ચિયાંગના ઉઈગુર મુસ્લિમ આતંકવાદીઓને કાબૂમાં રાખવાની તજવીજ હાથ ધરશે. હકીકતમાં ગ્વાદર ખાતેના ચીની નૌસેનાના થાણું ભારત સરકાર માટે અલ્ટીમેટમ છે કે તેઓ પોતાની નૌસેનાને ઝડપતી મજબૂત કરે અને અરબી સમુદ્રમાં પોતાના વર્ચસ્વ માટે વધુ સક્રિય બનાવે.

ચીન દ્વારા ગ્વાદર નજીક નૌસૈન્ય થાણાંની સ્થાપના માટે સરસ વાર્તા બનાવવામાં આવી છે. ચીનના શિન્ચિયાંગ પ્રાંતમાં સક્રિય ઉઈગુર મુસ્લિમ વિદ્રોહીઓ અને અલકાયદા સાથે જોડાયેલા તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટના સભ્યોની ટ્રેનિંગ બલુચીસ્તાનમાં થાય છે. તેમને ઈરાદો શિન્ચિયાંગને એક અલગ ઈસ્લામિક દેશ ઘોષિત કરવાનો છે. પરંતુ ચીન દ્વારા બનાવાયેલી વાર્તાથી સત્ય ઘણું અલગ છે. ચીન જે પ્રકારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ નજીક નૌસૈન્ય થાણું બનાવી રહ્યું છે, તેનાથી તેની મધ્ય-પૂર્વ, અફઘાનિસ્તાન અને ઈરાનાં પહોંચ અમેરિકાથી પણ વધારે સુચારું બની જશે.

તાજેતરમાં વિયેતનામના પોર્ટ પરથી પાછા આવી રહેલા ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ આઈએનએસ ઔરાવતને દક્ષિણી ચીન સાગરમાં ચીનના જહાજે પોતાનો જળવિસ્તાર ખાલી કરવા માટે તાકીદ કરી હતી. દક્ષિણ ચીન સાગર વિસ્તાર પર ચીન દાવો કરી રહ્યું છે. પરંતુ તેના પર વિયેતનામ, ફિલિપિન્સ અને અન્ય દેશો પણ દાવો કરી રહ્યાં છે. આ સિવાય દક્ષિણ ચીન સાગરના વિયેતનામના દાવાવાળા બ્લોકમાં ભારતની તેલ કંપની દ્વારા તેલ દોહન કરવાના પ્રોજેક્ટનો પણ ચીને વિરોધ કર્યો હતો. તેણે આ પ્રોજેક્ટને ચીનની સાર્વભૌમતા પર અતિક્રમણ સુદ્ધાં ગણાવ્યો હતો. પરંતુ તેની સામે ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિવાદીત ક્ષેત્ર હોવા છતાં ભારતની પરવાહ કર્યા વગર કારાકોરમ હાઈવે બનાવીને નવા સિલ્ક રુટને તૈયાર કરી રહ્યું છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સાથે જોડાયેલા નવો સિલ્ક રુટ મધ્ય એશિયા અને તુર્કી થઈને યુરોપ સાથે સાંકળવાની ચીનની મહત્વકાંક્ષા છે. આ સિવાય ચીન પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરને જોડવા માટે યૂરો-એશિયા લેન્ડ બ્રિઝ બનાવવાની યોજના પણ બનાવી રહ્યું છે. ચીનની આ મનસા ઈસ્તંબુલમાં ચાલી રહેલા અફઘાન સંમેલનમાં સ્પષ્ટ થઈ છે. નવા સિલ્ક રુટ અને યૂરો-એશિયા બ્રિઝની વાતને આગળ વધારવા માટે શિન્ચિયાંગ પ્રાંતના ગવર્નર નૂર બકરી નવી દિલ્હી આવી રહ્યાં છે. ચીન અફઘાનિસ્તાનમાં ઊર્જા અને ખનીજ દોહનની ગણતરીઓ રાખી રહ્યું છે. પરંતુ તેના માટે ચીને પોતાના મુસ્લિમ બહુલ શિન્ચિયાંગ પ્રાંતનો વિકાસ કરવો પડે તેમ છે. બકરી ભારત મુલાકાત દરમિયાન કઈ બ્લૂ પ્રિન્ટની વાત કરે છે, તેના પરથી ભારત-ચીનની ભૂમિકા વધારે સ્પષ્ટ બનશે.

પાછલી વખતે પાકિસ્તાનના કારણે તુર્કીમાં થયેલા અફઘાન સંમેલનમાં ભારતને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ વખતે ભારત અફઘાન સંમેલનમાં ગયું. તેનાથી સ્પષ્ટ સંકેત મળે છે કે ભારત વગર અફઘાનિસ્તાનનું ભલું થશે નહીં તેવી અફઘાનિસ્તાન સહીત ઘણાં દેશોની માન્યતા છે. ખનીજ સંપત્તિથી ભરપૂર અફઘાનિસ્તાનના હાજીગાકથી ઈરાનના છબહાર સુધી ભારત રેલવે લિંક બિછાવવા માંગે છે. જો કે પાકિસ્તાન અહીં પણ અડંગાબાજીની પોતાની આદત ચાલુ રાખી રહ્યું છે. ભારત દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરીની ઘટના બાદ અફઘાનિસ્તાન વિસ્તારમાં વધારે આક્રમક છે. ઈસ્તંબુલ સંમેલનમાં અફઘાનિસ્તાનના હાજીગાક અને ઈરાન સીમા સુધી ભારતીય રેલવે લિંકનો પ્રસ્તાવ મૂકીને ભારતે પોતાના ઈરાદા વધારે સ્પષ્ટ કર્યા છે. અફઘાનિસ્તાન અને ઈરાન વચ્ચેની ભારતની પ્રસ્તાવિત રેલવે લિંક પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માત્ર 72 કિલોમીટર પશ્ચિમમાં છે. પાકિસ્તાનને આશંકા છે કે આ રેલવે લિંક બન્યા પછી ભારત તેના પર સામરીક દબાણ વધારી દેશે. સાથે ભારત ગ્વાદર નજીકના ચીની નૌસૈન્ય થાણાં પર પણ નજર રાખી શકશે.

પાકિસ્તાન અમેરિકાના પડખાને લાત મારીને ચીનની સોડમાં જઈ રહ્યું છે. પાકિસ્તાની સેના સાથે ચીની સૈન્ય કવાયત યૂયી એટલે કે મિત્રથી એક વાત સ્પષ્ટ બની છે કે ચીન પાકિસ્તાની સેનાને પોતાનું ગાઢ મિત્ર માની રહ્યું છે. તથા બંને સંયુક્ત લશ્કરી કવાયતો કરીને બંનેના સામાન્ય શત્રુ ભારતને આંખો દેખાડી રહ્યાં છે. તેના જવાબમાં ભારત સેનાના આધુનિકીકરણ પાછળ પાંચ વર્ષમાં 64 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું છે. ભારત સૈન્ય શક્તિમાં વધારો કરીને તેના આધુનિકીકરણને પ્રાથમિકતા આપવા માટે પાંચ વર્ષનો સમયગાળો ફાળવી રહ્યું છે. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે આગામી પાંચ વર્ષમાં દક્ષિણ એશિયામાં ચીન-પાકિસ્તાન જુગલબંધી બનાવીને ભારતને દબડાવાની કોશિશ કરશે. પરંતુ તેની સામે ભારત પણ છાતી કાઢીને ચાલી શકે તેવી રણનીતિ વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. ભારતે પણ આગામી સમયમાં અમેરિકા, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવાં દેશો સાથે સૈન્ય સંબંધો વધારે ગાઢ કરીને સંયુક્ત લશ્કરી કવાયતો કરવી જોઈએ. ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની વિકાસના કામોની સક્રિયતા સાથે લશ્કરી રાહે સક્રિય થવા માટેની પણ તૈયારીઓ રાખવી પડશે. ભારતે આગામી સમયમાં દક્ષિણ એશિયામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે પાકિસ્તાનને કાબૂમાં રાખવું પડશે અને તેના માટે તેના ખરેખરા આકા ચીનને ધ્યાનમાં રાખીને લશ્કરી તૈયારીઓ કરવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક સંરક્ષણ નિષ્ણાતોએ ચીન અને પાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત વખતે ભારત પર મુંબઈ સ્ટાઈલના આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. ત્યાર બાદ ભારતની પાકિસ્તાન સામેની સંભવિત સૈન્ય કાર્યવાહી સામે પાકિસ્તાન અને ચીન બંને મોરચો ખોલશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે ભારતે હવે ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિન હેઠળ પાકિસ્તાન અને ચીન બંનેને જવાબ આપવો પડશે.

No comments:

Post a Comment