Sunday, November 13, 2011

કલામના અપમાન માટે અમેરિકાનો ઈસ્લામ ફોબિયા જવાબદાર!


-ક્રાંતિવિચાર

અમેરિકા દુનિયાભરમાં માનવતાવાદ અને સેક્યુલારિઝ્મનો ઝંડો પોતાના હિતોની તરફેણમાં હંમેશા ફરકાવતું રહ્યું છે. અમેરિકાની માનવતા ઈરાક અને અફઘાનિસ્તાનના હજારો નિર્દોષ નાગરીકોએ અનુભવી છે. અમેરિકાની માનવતા વિયેતનામે અનુભવી છે, અમેરિકાની માનવતા જાપાનના હીરોશીમા અને નાગાશાકીએ પણ અનુભવી છે. પોતાને માનવતાવાદી ગણાવતા અમેરિકા પાસે દુનિયાનો અનેકવાર વિનાશ કરવાની શક્તિ ધરાવતા ઘાતક પરમાણુ અને અન્ય શસ્ત્રોનો અખૂટ ભંડાર છે. અમેરિકાનું સેક્યુલારિઝ્મ પણ તેના માનવતાવાદ જેટલું જ પોકળ છે. અમેરિકા 9/11ની દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી આતંકવાદી ઘટના બાદ સફાળી જાગી અને ત્યાર બાદની તેના દરેક એક્શનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાનું રિએક્શન જોવા મળ્યું છે. અમેરિકાના માનવા પ્રમાણે, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પરનો હુમલો દુનિયાના તે વખતા સૌથી વધારે ખતરનાક અને ઘાતક ઈસ્લામિક આતંકવાદી સંગઠન અલકાયદાએ તેના સરગના ઓસામા બિન લાદેનના આદેશ પર કર્યો છે. ત્યાર બાદ અમેરિકાએ પોતાના તમામ માનવતા અને સેક્યુલારિઝ્મના તમામ સિદ્ધાંતોને કોરાણે મૂકીને પાગલ હાથીની જેમ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. હજી પણ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના અને નાટોદળો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 2014 સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. પણ હજી સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે અમેરિકા પોતાના વચનનું પાલન કરશે.

સતત ઈસ્લામિક આતંકવાદીઓ તરફથી આતંકી હુમલાના ભયાનક ઓથાર નીચે જીવતું અમેરિકા કદાચ નીતિઓ ઈસ્લામ અથવા મુસ્લિમો વિરુદ્ધ નહીં બનાવતું હોય, પરંતુ તેની દરેક કાર્યવાહી ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધની છે. અમેરિકાના પ્રવર્તમાન આતંકવાદ વિરોધી કાયદા લઈ લો, ઈમિગ્રેશન પોલીસી લઈ લો અથવા તેના એરપોર્ટ અને અન્ય જાહેર સ્થાનોની સુરક્ષાની વ્યવસ્થાના નીતિ-નિયમો અને કાયદા લઈ લો, તેમાં ક્યાંકને ક્યાંક કોઈને કોઈ રીતે મુસ્લિમો વિરુદ્ધની માનસિકતા પ્રતિબિંબિત થઈ રહી છે. અમેરિકાના નીતિ-નિયમો અથવા કાયદામાં મુસ્લિમ વિરોધી જોગવાઈઓ નહીં હોય, પરંતુ લાગે છે કે તેનો અમલ કરનારા અમેરિકીઓમાં મુસ્લિમ અને ઈસ્લામનો વિરોધ જાણે-અજાણે ઘર કરી ગયો છે.

તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના અતિસમ્માનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામનું બે વખત અપમાનજનક રીતે ચેકિંગ કરવામાં આવ્યું. 29 સપ્ટેમ્બરે ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટ પર પહેલા તો રાત્રે બે વાગ્યે ભારતના મિસાઈલમેન કલામની તલાશી લેવામાં આવી અને જ્યારે તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેઠા, તો સુરક્ષાકર્મીઓએ વિમાનના બંધ દરવાજા ઉઘાડાવીને કલામની તલાશી લેવા માટે જીદ્દ કરી. એર ઈન્ડિયાના કર્મચારીઓએ કહ્યું કે કલામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, ત્યારે સુરક્ષાકર્મીઓ થોડા ઢીલા પડયા. પણ વિસ્ફોટકોની તપાસ કરવાના બહાને કલામના જૂતાં અને જેકેટ લઈને જતાં રહ્યાં.

ભારતના સૌથી સમ્માનીય રાષ્ટ્રપતિઓમાંથી એક અબ્દુલ કલામ દેશમાં સુરક્ષા તપાસમાંથી મુક્તિ મેળવનારા સમ્માનિત વ્યક્તિઓના બ્યૂરો ઓફ સિવિલ એવિએશનના લિસ્ટમાં સ્થાન ધરાવે છે. પરંતુ એપ્રિલ-2009માં દિલ્હી એરપોર્ટ પર કોન્ટિનેન્ટલ એરલાઈન્સના અધિકારીઓએ પણ કલામની તલાશી લીધી હતી. આ ઘટના ભારતમાં બની હોવાથી મોટો હોબાળો મચી ગયો હતો. તેના પરિણામે નાગરીક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સના અધિકારીઓ વિરુદ્ધ આપરાધિક કેસ દાખલ કરવાની વાત કરી હતી, પરંતુ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

ભારતના સૌથી સમ્માનિત વૈજ્ઞાનિકોમાંના એક ડૉ. એ.પી.જે. અબ્દુલકલામ ભારતના મિસાઈલ પ્રોજેક્ટના પિતામહ છે. દેશની સુરક્ષા જરૂરિયાતોની પૂર્તિ કરીને તેને પગભર બનાવવામાં કલામનું અથાગ યોગદાન રહેલું છે. ગીતાનું અધ્યયન કરનારા કલામ ખરેખર દેશહિતચિંતક રાષ્ટ્રપુરુષ છે. તેઓ પંથ-સંપ્રદાયના તમામ ભેદભાવોથી પર છે. તેમના જીવનકાળમાં ક્યારેય પંથ-મજહબના નામે કોઈપણ પ્રકારની સંકુચિતતાને સ્થાન હોવાનું ક્યારેય સામે આવ્યું નથી. આવા મહાન વ્યક્તિને દેશના રાષ્ટ્રપતિ બનવાનું સમ્માન પણ મળ્યું છે. ભારતમાં રાષ્ટ્રપતિને ટર્મ પૂર્ણ થયા બાદ પણ વિશેષ સમ્માન આપવામાં આવે છે. પરંતુ કલામની સાદગીને કારણે તેમણે પોતાના વિશેષાધિકારની ક્યારેય પરવાહ કરી નથી. તેઓ હાલ ભારતના કોમનમેન બનીને સારા કાર્યો કરી રહ્યાં છે.
અમેરિકાની તાજેતરની અપમાનજનક ઘટના બાદ પણ તેમના નજીકના સૂત્રોનું માનીએ તો કલામ આવી ચીજોને કોઈ મુદ્દો બનાવતા નથી અને વાત વધાર્યા વગર સુરક્ષા એજન્સીઓ સાથે હંમેશા સહયોગ કરે છે. આ કલામની મહાનતા છે. પરંતુ સવાલ કલામ નામના વ્યક્તિનો નથી. સવાલ ભારતના રાષ્ટ્રપતિ પદે રહેલા વ્યક્તિની ગરિમાનો છે. કલામ સાથેના કોઈપણ અપમાનજનક વ્યવહાર સીધી રીતે ભારત સામેના અપમાનજનક વ્યવહાર તરીકે જ જોવો જોઈએ.

શું અમેરિકા અન્ય દેશોના ગણમાન્ય વ્યક્તિઓના આવા ચેકિંગ કરે છે? શું અમેરિકાએ રશિયા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અથવા અન્ય દેશોના પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ ગણમાન્ય રાષ્ટ્રપતિઓ કે વડાપ્રધાનોનું ચેકિંગ કરે છે? જો તેઓ આમ ન કરતાં હોય તો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ચેકિંગ માત્ર તેમના નામને કારણે તો કરવામાં આવ્યું નથી ને? શું મુસ્લિમ હોવાનું દર્શાવતા નામોની સાથે અમેરિકી સુરક્ષા એજન્સીઓને કોઈ પક્ષપાત હોય છે? આ તમામ બાબતોના જવાબ ભારત સરકારે અમેરિકા પાસેથી માંગવા રહ્યાં. ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકી સરકાર સામે કલામ સાથેના એરપોર્ટ પર થયેલા અપમાનજનક વ્યવહારનો મામલો ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે, તે પ્રશંસનીય છે.

ભારતે કહ્યું છે કે જો એવી અસ્વીકાર્ય પ્રવૃતિઓ રોકાશે નહીં, તો અમેરિકાથી આવનારા સમ્માનિત અતિથિઓ સાથે પમ આવી જ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ. એમ. કૃષ્ણાએ અમેરિકામાં ભારતના રાજદૂત નિરુપમા રાવ સાથે વાતચીત કરતાં તેમને નિર્દેશ આપ્યા છે કે તેઓ આ મામલાને લેખિતમાં વોશિંગ્ટન ખાતે શીર્ષસ્થ સ્તર પર ઉઠાવે. ભારતની સુરક્ષા તપમાસમાં છૂટ મેળવનારા વ્યક્તિઓની યાદી અમેરિકા માટે બાધ્યકારી નથી, પરંતુ તેમણે પણ સમ્માનિત લોકોના મામલામાં એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે કરીએ છીએ. થોડા વખત પહેલા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ ભારત આવ્યા હતા, પરંતુ તેમને કોઈપણ પ્રકારની સુરક્ષા તપાસમાંથી પસાર થવાનો વખત આવ્યો ન હતો.

અમેરિકા દ્વારા ભારતના નામી લોકો સાથેનો દુર્વ્યવહાર કંઈ નવી વાત નથી. ભારતના ફિલ્મ એક્ટર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને તેમના નામને કારણે લગભગ 8થી 9 કલાક સુધી એરપોર્ટ પર કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડયું હતું. આ સિવાય જ્યોર્જ ફર્નાન્ડિઝ એનડીએ સરકારમાં સંરક્ષણ પ્રધાન હતા, ત્યારે તેમને અમેરિકી પ્રવાસ દરમિયાન કપડાં કઢાવીને સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. જેનો તેમણે ભારત પાછા ફરીને ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ભારતના સમ્માનિત વ્યક્તિઓના સમ્માનને જાળવી રાખવા માટે કડક શબ્દોમાં કહેવું જોઈએ. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન ફિલ્મ એક્ટર્સ છે, એટલે તેમનું ચેકિંગ કરે તેની સામે તો કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ તેમના નામને કારણે તેમને વધારાની કનડગત કરવામાં આવે તે પણ ખોટું છે.

સેક્યુલારિઝ્મ અને માનવતાનો દંભ કરતા અમેરિકાની સુરક્ષા એજન્સીઓ મોટાભાગે ઈસ્લામ ફોબિયાથી પીડાતી હોય તેવું લાગી રહ્યું છે. તેમના ઈસ્લામ ફોબિયાના જે પણ કોઈ કારણ હશે, પરંતુ તેમ છતાં પણ તેમણે તેનો ઈલાજ કરવો જોઈએ. તેના માટે તેઓ બહારી ઈલાજ તો કરી રહ્યાં છે, પણ કલામ સાથેના દુર્વ્યવહાર પરથી સ્પષ્ટ બન્યું છે કે તેમના ઈસ્લામ ફોબિયાને દૂર કરવા માટે આંતરીક મનોચિકિત્સકીય ઈલાજની પણ જરૂર છે. ભારતને સેક્યુલારિઝ્મના ઉપેદશ આપવા માટે અને સેક્યુલારિઝ્મ શીખવાડવા માટે અમેરિકા પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ઘણો પ્રયત્ન કરી રહ્યું છે. તેના નાણાંથી ફલતી-ફૂલતી એનજીઓનો ભારતમાં કોઈ તોટો નથી. પરંતુ ભારતમાં હજી સુધી આ પ્રકારની કોઈ દેશના સમ્માનિત વ્યક્તિ સાથે અપમાનિત કરવાની ઈસ્લામ ફોબિયાથી કારણભૂત ઘટના બની નથી.

No comments:

Post a Comment