Tuesday, October 15, 2013

હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક કોયડો

-         પ્રસન્ન શાસ્ત્રી
છેલ્લા 1200 વર્ષથી હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક વણઉકેલ્યો કોયડો બની રહી છે. આમ તો માનસિકતા વ્યવહારો સાથે સંબંધિત છે. પોતાના અન્યો સાથેના વ્યવહારો અને અન્યોના પોતાની સાથેના વ્યવહારો માનસિકતા ઘડતા હોય છે. ત્યારે હિંદુઓની એક સમાજ તરીકે અને એક રાષ્ટ્ર તરીકે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથેની દ્રઢનિશ્ચયી માનસિકતા રહેલી છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રે પોતાની આકાંક્ષાઓ પ્રમાણે સદઈચ્છાપૂર્વક છેલ્લા 1200 વર્ષમાં અપાર આક્રમક પ્રતિકારપૂર્વકના પ્રયત્નો કર્યા છે. પરંતુ હિંદુ સમાજ અને રાષ્ટ્રની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં હિંદુઓનું રાજકીય નેતૃત્વ અને તેમની માનસિકતા હંમેશા વામણાં અને નિષ્ફળ પુરવાર થયા છે. જેમાં અમુક અપવાદો છે, પરંતુ તે ઘણાં ઓછા છે. આમ તો યથા રાજા તથા પ્રજા અને યથા પ્રજા તથા રાજા કહેવાય છે. એટલે હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતા અને તેની વામણાપણાંની ઈતિહાસકથા માટે હિંદુ સમાજની અને હિંદુ રાષ્ટ્રની વ્યક્તિગતઅને સામૂહિક ચિંતનમાં કોઈ મુશ્કેલી તરફ સંકેત જરૂર થાય છે. શિષ્ટ ભાષામાં છેલ્લા 1200 વર્ષના હિંદુ રાજકીય નેતૃત્વને મધ્યમમાર્ગી અને વ્યવહારીક ગણવામાં આવે છે. પરંતુ ઈતિહાસનું તથ્યોના આધારે અર્થપરક ચિંતન કરવામાં આવે, તો આ હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા સતત સમજૂતીવાદી અને ક્યારેક મુસ્લિમો તો ક્યારેક અંગ્રેજો તો ક્યારેક અમેરિકનો તો ક્યારેક ચીનાઓ સામે ઘૂંટણિયે પડતી નજરે પડે છે. તેની પાછળ પ્રથમ દ્રષ્ટિએ આમ હિંદુઓની રાજકીય સાક્ષરતા સામે પ્રશ્નાર્થો ઉદભવે છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક હિતોના મુદ્દાઓ પ્રત્યે આમ હિંદુઓની ઘોર ગુનાહિત બેદરકારી કારણભૂત છે. જેનો લાગ માત્ર વ્યક્તિગત વિકાસ અને પોતાના રાષ્ટ્રીય હિતોના ભોગે વિશ્વ અને હિંદુ સિવાયના સમાજ અને દેશોમાં વાહવાહી લૂંટવા માટેની હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા ઉઠાવે છે. જ્યારે આની ખબર પડે છે, ત્યારે હિંદુ સમાજ હંમેશા ઉંઘતો ઝ઼ડપાયો છે.
યૂનાન (ગ્રીસ)થી એલેકઝાન્ડર એટલે કે સિકંદર વિશ્વવિજય અને ભારત વિજયની મહેચ્છાથી ચઢી આવ્યો હતો. ત્યારે તક્ષશિલાના રાજકુમાર આંભિએ પોતાના દેશી શત્રુઓને પરાજિત કરવા માટે રાષ્ટ્રના વિદેશી શત્રુ સિકંદર સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારે તક્ષશિલાના ગુરુકુળમાં એક અસાધારણ શિક્ષક આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યે રાષ્ટ્રયજ્ઞની શરૂઆત કરી. રાષ્ટ્રયજ્ઞમાં રાષ્ટ્રને સર્વસ્વ અર્પણ કરનાર શિષ્યોની ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં ટુકડી તૈયાર કરી. ભારત વિજય માટે આગળ વધી રહેલા સિંકદરને અટકાવવા સિંધુથી મગધ સુધી અખંડ ભારત માટેની ભાવનાઓ જગાડી. સિકંદર સામે પોરસ અને અન્ય રાજાઓએ પ્રતિકાર કર્યો. જેના પરિણામે વિશ્વવિજય ગણાતા સિકંદરના લશ્કરે ગંગાનો કિનારો ઓળંગીને આગળ વધવાનો ઈન્કાર કરી દીધો હતો. સિકંદરના ભારતમાંથી પાછા ફર્યા બાદ પણ અખંડ ભારતની ભાવના સાથે હિંદુઓનું એક સક્ષમ રાષ્ટ્રવાદી નેતૃત્વ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની જોડીના સ્વરૂપે સામે આવ્યું. ચાણક્ય અને ચંદ્રગુપ્તે રાષ્ટ્ર અને તેના હિતોની ઘોર ઉપેક્ષા કરનારા મગધના આતતાયી રાજા ધનનંદનો કુળ સહીત નાશ કર્યો. અખંડ ભારતના સપનાને સાકાર કર્યું. ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્વરૂપે પેદા થયેલા સક્ષમ હિંદુ રાજકીય નેતૃત્વની અસર નીચે ભારત સદીઓ સુધી લગભગ 1000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યું. આ સમયગાળા દરમિયાન ભારતનું હિંદુ રાજકીય નેતૃત્વ દ્રઢનિશ્ચયી અને આક્રમક રહ્યું. જો કે ઈતિહાસના કાળખંડમાં તક્ષશિલાના રાજકુમાર આંભિની જેમ રાષ્ટ્રના વિદેશી શત્રુની મદદથી વ્યક્તિગત વિકાસ કરનારી માનસિકતાવાળું હિંદુ રાજકીય નેતૃત્વ પણ ફાલવા લાગ્યું. દર વખતે ભારતનું ભાગ્ય એટલું નસીબવાન રહ્યું નહીં કે તેની અખંડિતતાની સુરક્ષા માટે ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા મહાજ્ઞાની અને મહારથીઓનું રાજકીય નેતૃત્વ મળે.
ઈસ્લામના ઉદય પછી ગણતરીની સદીઓમાં જ સિંધના હિંદુ રાજા દાહિરસેન પર ખલીફાના રખડું સેનાપતિ મહંમદ-બિન-કાસિમે હુમલો કર્યો. રાષ્ટ્રના વિદેશી શત્રુઓની મદદથી પોતાનો વ્યક્તિગત વિકાસ ઈચ્છનારા નેતૃત્વના કેટલાંક તત્વોના સતત રાષ્ટ્રદ્રોહના પરિણામે મહંમદ બિન કાસિમ ઈ.સ. 712માં સિંધ જીતી શક્યો. જો કે તેના માટે તેણે ઘણાં આક્રમણો અને યુદ્ધો કરવા પડયા. ભારતમાં ઈસ્લામનો સૌ પ્રથમ રાજકીય પ્રવેશ મહંમદ બિન કાસિમના આક્રમણથી થયો હતો. ત્યાર બાદ લગભગ 300 વર્ષના સમયગાળા બાદ અફઘાનિસ્તાનના ગઝનીમાંથી ઈસ્લામના નામે મહંમદ ગઝનવી નામનો જંગલી જેહાદી ભારત પર ઈ.સ. 1000થી 1027 વચ્ચે 17 વખત આક્રમણો કરીને ત્રાટક્યો. મહંમદ ગઝનવીએ પોતાના આક્રમણોમાં સોમનાથ સહીતના અનેક ઐતિહાસિક મંદિરો ધ્વસ્ત કર્યા અને લૂંટયા. ગઝનવીએ અનેક લૂંટ, હત્યાઓ, બળાત્કાર ધર્મના નામે કર્યા. ત્યારે પહેલી વખત સિંઘની સરહદોમાં કેદ થયેલી ઈસ્લામિક માનસિકતાનો ગઝનવી થકી આખા ભારતને અનુભવ થયો. જો કે ગઝનવીના દરેક આક્રમણોનો પ્રતિકાર થયો હોવા છતાં હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રીય ચરિત્રનો અભાવ દેખાતો હતો. જેના કારણે મહંમદ ગઝનવી 17 વખત ભારત પર ઈસ્લામના નામે હુમલો કરવાની હિંમત કરી શક્યો અને તેમા તે સફળ પણ થયો.
ગઝનવી પછી મહંમદ ઘોરીએ ભારત પર ઈસ્લામના નામે આક્રમણો શરૂ કર્યા. ગુજરાતના પાટનગર અહણિલવાડ પાટણ પર ઘોરીએ આક્રમણ કર્યું. જેમાં ગુજરાતના આઠ વર્ષના બાળરાજા મૂળરાજ દ્વિતિયની બહાદૂર સેનાએ તેને કારમી રીતે પરાજિત કર્યો હતો. દિલ્હીશ્વર અનંગપાળે પોતાના દોહિત્ર અને અજમેરના રાજકુમાર પૃથ્વીરાજ ચૌહાણને રાજગાદી સોંપી . તેનો ડંખ કનોજ નરેશ અને અનંગપાળના બીજા દોહિત્ર જયચંદના દિલમાં વાગ્યો. જેના પરિણામે તરાઈની પહેલી લડાઈમાં પૃથ્વીરાજ સામે ભૂંડી રીતે હારી જનારા મહંમદ ઘોરીને તરાઈની બીજી લડાઈમાં જયચંદની પ્રપંચી રાજરમતો થકી જીત મળી. જો કે ઘોરીએ જયચંદનો પણ બાદમાં વધ કર્યો.
આંભિથી શરૂ થયેલા હિંદુઓના રાજકીય નેતૃત્વના તત્વોની જયચંદી માનસિકતા મોગલોના ભારત પરના આક્રમણો અને ત્યાર બાદના મોગલોના રાજને ભારતમાં સ્થિર કરવા માટે મદદરૂપ નીવડી. અકબરના રાજને સ્થિર કરવામાં જયપુર-આમેરના હિંદુ રાજા માનસિંહ અને અન્ય હિંદુ મનસબદારોએ સિંહફાળો આપ્યો. જો કે મેવાડના મહારાણા પ્રતાપે અકબર સામે સ્વતંત્રતાની ટેક પોતાના ભાલા અને તલવારથી અડગ રાખી. પણ મોગલકાળમાં રાષ્ટ્રીય ભાવના રાજા માનસિંહ જેવા વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ હિંદુઓમાં ન હતી. ધીમે ધીમે હિંદુ સમાજના રાજકીય નેતૃત્વમાં આવા તત્વોની માનસિકતાએ સમજૂતીવાદી પક્કડ જમાવી હતી. ધર્માંધ ઔરંગઝેબના શાસનકાળમાં હિંદુ પદપાદશાહીના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ સામે લડનારા મોગલ સેનાપતિ રાજા  જયસિંહ હતા. આમ જોવો તો સમગ્ર મોગલકાળમાં હિંદુઓ જ હિંદુની સામે લડયા અને મર્યા. જેના પરિણામે ગાદી મોગલોની સ્થિર થઈ હતી.
ઔરંગઝેબના મૃત્યુ બાદ મરાઠા અને શીખ સામ્રાજ્યો મજબૂત બન્યા. કટકથી અટક સુધી ભગવો ધ્વજ લહેરાવનારા મરાઠાઓને અહમદશાહ અબ્દાલી સામે પાણીપતના ત્રીજા યુદ્ધમાં કારમી હાર ખાવી પડી. તેના માટે તત્કાલિન હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રહિતના સ્થાને વ્યક્તિગત હિતો વધારે પ્રભાવી હોવાનું કારણભૂત માનવામાં આવે છે. જેના કારણે મરાઠાઓનેજાટ, રાજપૂત અને શીખ રાજાઓની પુરતી મદદ મળી શકી નહીં અને અફઘાન મુસ્લિમ આક્રમણખોરોની સેના સામે મરાઠાઓની હિંદુ સેનાને કારમી હાર સહન કરવી પડી. જો કે પાણીપતના ત્રીજા યુદ્ધ પછી પણ મરાઠાઓની દિલ્હી પર આણ પ્રવર્તી રહી હતી. મોગલ શહેનશાહોની સત્તા દિલ્હીમાં તેમના મહેલ બહાર પણ ચાલતી ન હતી. તેમ છતાં મરાઠાઓએ દિલ્હી સર કરવાનો વિચાર કર્યો નહીં. શિવાજી અને પેશ્વાઓના શાસન દરમિયાન ક્યારેય કોઈ મુસ્લિમ ધર્મસ્થાનો તોડવામાં આવ્યા નહીં. તેની સામે ઈસ્લામના નામે બાદશાહોએ ભારતમાં કાશીવિશ્વનાથ, કૃષ્ણજન્મભૂમિ અને રામજન્મભૂમિ સહીત લાખો હિંદુ મંદિરોને તોડીને તેના સ્થાને કે તેની નજીકમાં મસ્જિદ બનાવી છે. સોમનાથ મંદિરને ગઝનવીથી માંડીને ઔરંગઝેબ સુધીના મુસ્લિમ આક્રમણખોરો અને બાદશાહોએ 17 વખત ધ્વસ્ત કર્યુ હતું. જો કે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી આજે સોમનાથમાં સરકારી મદદ વગર ભવ્ય શિવમંદિર સ્થાપિત કરી શકાયું છે. તે વખતે નહેરુએ સરકારી રાહે મંદિર નિર્માણનો વિરોધ કર્યો હતો અને મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હોવા છતા હાજર રહ્યા નહીં. પરંતુ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ નહેરુની નારાજગી છતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા.
મોગલો બાદ ભારતમાં અંગ્રેજોનું કંપનીરાજ અને બાદમાં બ્રિટિશ તાજનું શાસન આવ્યું. આ અંગ્રેજી સલ્તનત અને તેની સેનાઓને મજબૂત કરવામાં સૌથી વધારે લોહી રેડનારા હિંદુઓ હતા. ભારતના હિંદુ રાજકીય નેતૃત્વની નબળી અને દિશાહીન માનસિકતાને કારણે ભારતના હિંદુઓ અને કંપનીના હિંદુ નોકરિયાતો કંપનીરાજ માટે જવાબદાર હતા. અંગ્રેજી કેળવણી લેવામાં પણ હિંદુઓ આગળ રહ્યા હતા. અંગ્રેજોની સંગતમાં પોતાની અંદરનું હિંદુપણું ખતમ કરીને અંગ્રેજીયત ઓઢવાની ફેશન સુધારાના નામે ચાલુ થઈ. આ ફેશન આઝાદીના 67 વર્ષે પણ ચાલુ છે. 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાના સેનાપતિ મીરજાફરે દગો કર્યો અને અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવને જીત મળી. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના ક્રાંતિકારીઓ તાત્કાલિક જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા. કારણ કે કંપનીરાજની સેનાના શીખ, ગોરખા, રાજપૂત અને પઠાણ સિપાહીઓએ પોતાની વફાદારી અંગ્રેજો પ્રત્યે રાખી હતી. જો કે ત્યારબાદ દેશભરમાં સ્વતંત્રતા માટે અસંખ્ય ક્રાંતિકારી પ્રયત્નો થયા. 1900થી 1915 સુધી દેશ અને વિદેશમાં ગદર આંદોલન ચાલ્યું. પણ ભારતીય રાજનીતિમાં ગાંધીના મહાત્માપણાના ઉદય સાથે ક્રાંતિ અને બલિદાનોને બાજુમાં મુક્તી અહિંસાના નામે વેવલી, તુષ્ટિકરણ અને સમજૂતીવાદી રાજનીતિ પ્રભાવી બની.
સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક નામી-અનામી ક્રાંતિકારીઓને ભારતના સ્વતંત્રતા આંદોલનના સંગ્રામના ઈતિહાસમાં ઢાંકી દેવામાં આવ્યા. આજે પણ ભારતના બાળકોને શીખવાડાય છે કે ભારતને ગાંધીજીએ અહિંસા થકી આઝાદી અપાવી છે. આ વાત ઐતિહાસિક રીતે ક્રાંતિકારીઓના બલિદાનોને અવગણનારી અને તથ્યોથી વિરુદ્ધની છે.
ઘણાં રાજકીય ચિંતકોનું માનવું છે કે ગાંધીજી સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ હિંદુ હતા. પરંતુ રાજકીય દ્રષ્ટિએ હિંદુઓના રાજકીય-સામાજિક હિતોના સૌથી મોટા દુશ્મન ગાંધીજી જ સાબિત થયા છે. ગાંધીજીની હિંદુવિરોધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ પાકિસ્તાનના નિર્માણ માટેની મુસ્લિમ લીગી જિન્નાવાદી માનસિકતાની પોષક હતી. તેમ છતાં આજે પણ આઝાદ ભારતમાં ગાંધીજીના મહાત્માપણાની હિંદુઓ માટે નકારાત્મક અસરો પેદા કરનારી બાજુઓને ઉજાગર કરવા માટે કોઈ તૈયાર નથી. ભારતનું આજેનું નેતૃત્વ પણ ગાંધીના મહાત્માપણાની આડમાં આતંકવાદ, ચીન અને જેહાદી તત્વો સામેની પોતાની કાયરતા છુપાવી રહ્યું છે. તો કેટલાંક નેતાઓ દહીંમા અને દૂધમાં પગ રાખવા માટે પોતાની સહૂલિયત પ્રમાણે સેક્યુલરવાદી અને હિંદુ રાષ્ટ્રવાદીનો ચહેરો ઓઢતા રહે છે. તેઓ ગાંધીના નામનો ઉપયોગ કરીને પોતે મહાત્મા નહીં હોવા છતાં મહાત્મા સાબિત થવાની ગ્લોબલ રાજરમતો કરી રહ્યા છે.
પાકિસ્તાનના નિર્માણ માટે જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા અને ગાંધીવાદી કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સમાનપણે જવાબદાર છે. તેમ છતાં ભારતને ખંડિત આઝાદી મળ્યા બાદ દેશના હિંદુઓએ કોંગ્રેસને લગભગ 48 વર્ષ સુધીકેન્દ્રની સત્તા ભોગવવા દીધી છે. આજે પણ છેલ્લા દશ વર્ષથી કોંગ્રેસના નેતૃત્વવાળુ યુપીએ ગઠબંધન દેશની સત્તા ભ્રષ્ટાચારી રીતે ભોગવી રહ્યું છે.
જો કે 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ આંદોલન થકી દેશના રાજકારણની દશા અને દિશા હિંદુવાદી તથા હિંદુતરફી બનવા લાગી હતી. 1992માં બાબરી ઢાંચો હટાવાયા બાદ દેશભરમાં હિંદુ લાગણીઓ જોરમાં હતી. પણ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી માનસિકતા ફરીથી નડી ગઈ. 1998માં હિંદુ હિતના હિંદુ એજન્ડાના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો, રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું અને દેશમાં સમાન નાગરીક ધારો લાવવો) તેને ઠેકાણે મૂકવામાં આવ્યા. ત્યાર બાદ 17 વર્ષના સમયગાળામાં ઉભી થયેલી હિંદુ વોટબેંક અને લહેરને વિખેરવાનું પાપ હિંદુ રાજકીય નેતૃત્વએ કર્યું. જો કે હિંદુઓની ઉભી થયેલી વોટબેંકને એક યા બીજા કારણે સત્તાની ગણતરીમાં પડેલા લોકોને મત આપવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પરંતુ લહેરમાં ઉભા થયેલા હિંદુ વોટરો રાજકીય નેતૃત્વના દગાને કારણે ફરીથી કોંગ્રેસ અને અન્ય પક્ષો તરફ વિચારધારાત્મક વિખેરણને કારણે ઢળ્યા. 2004 અને 2009માં વિકાસના નામે વોટ માંગનારા હિંદુ રાજકીય નેતૃત્વને હિંદુઓએ નકાર્યું. પરંતુ હિંદુઓ પાસે અન્ય કોઈ રાજકીય વિકલ્પ નહીં હોવાથી તેનો ફાયદો તેમના નિષ્ક્રિય રહેવાથી કે બીજા પક્ષો તરફ ઢળવાથી વોટોના સમીકરણોમાં કોંગ્રેસને મળ્યો અને કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ દશ વર્ષથી કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે. આઝાદ ભારતમાં વારંવાર હિંદુદ્રોહ કરનારા નેતાઓ અને રાજકીય પક્ષોને હિંદુઓએ એક યા બીજા કારણે મત આપીને ચૂંટવા પડે છે. હિંદુઓની સામાન્ય માનસિકતા ઝડપથી અન્ય રાજકીય વિકલ્પ ઉભો કરવાની ક્યારેય રહી નથી. ત્યારે તાત્કાલિક રાજકીય વિકલ્પના અભાવમાં પાણીમાં બેસી ગયેલા હિંદુ રાજકીય નેતૃત્વને તેની માનસિકતા બદલીને હિંદુત્વનિષ્ઠ બનાવવી હિંદુઓની પેહલી પ્રાથમિકતા છે.
 
ભારતમાં અધર્મ અને અસત્ય સામે હંમેશા યુદ્ધ થયું છે અને તે જીતવા માટે જ આદરવામાં આવ્યું હતું. મહાભારતકાળથી ઈતિહાસ તેનો સાક્ષી છે. પરંતુ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રભાવનાને વિકૃત કરનારી કાયરતા સામે ગાંધીછાપ સેક્યુલારિઝમ અને તેમના મહાત્માપણાને ઢાલ તરીકે આજે પણ ઉપયોગમાં લેવાય છે. ભારતની વિચારધારા વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, જૈન, બૌદ્ધ, શીખ પંથના અનેક સનાત વિચારના ગ્રંથોએ ઘડી છે. હિંદુઓમાં આ મહાન ગ્રંથોનું ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક-સામાજિક મહત્વ છે. આ ગ્રંથો હંમેશા અધર્મ સામે જીતવાની અને ધર્મનું આચરણ કરવાની પ્રેરણા આપે છે. અધર્મને પરાજિત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાભારતનું યુદ્ધ થયું હતું. હિંદુત્વ હંમેશા અધર્મ સામેના યુદ્ધને મંજૂરી આપે છે. પણ સાથે બ્રહ્મજ્ઞાનીનો નાશ થાય નહીં, તેવી પણ પ્રેરણા આપે છે. અસૂર અને આસૂરીવૃતિનો વિનાશ કરવો હિંદુત્વનો અંતર્નિહિત ભાવ છે. પરંતુ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી વિચારધારા હિંદુ સમાજ અને રાષ્ટ્ર સાથે ખતરનાક પ્રયોગો કરી રહી છે. આપણે ભારતના લોકોએ આવા ખતરનાક પ્રયોગો સામે હિંદુત્વવાદી દ્રષ્ટિકોણ સાથે સાવધ થવાની જરૂરત છે. સાથે કેટલાંક સવાલના જવાબ આમ હિંદુ તરીકે હિંદુઓએ સામૂહિક ચિંતનથી મેળવવા જોઈએ.

-          અંગ્રેજો અને મુસ્લિમો સામે કાયર સાબિત થયેલા તુષ્ટિકરણવાદી ગાંધીછાપ હિંદુ નેતૃત્વને હિંદુઓએ શા માટે પસંદ કર્યું?
-
-          ગાંધીજીની નીતિઓ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી હિંદુ વિરોધી હતી, છતાં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી સાવરકરને હિંદુઓએ આઝાદીની લડત વખતે ટેકો કેમ આપ્યો નહીં?
-
- દેશ તૂટયા પછી પણ લાંબા સમય સુધી કોંગ્રેસ જ દેશના હિંદુઓનો એકમાત્ર રાજકીય વિકલ્પ કેમ બની રહી?

- હિંદુત્વવાદી મુદ્દાઓ થકી સત્તાપર પહોંચનારા રાજકીય વિકલ્પે હિંદુત્વવાદી મુદ્દાઓ સાથે 17 વર્ષ સમજૂતી કરવાની હિંમત કેમ દાખવી?
આના ઉત્તરોની રાહ હિંદુ સમાજ જોઈ રહ્યો છે. આ પ્રશ્નો દરેક હિંદુઓએ પોતાની જાતને પુછવાના છે અને તેના જવાબો શોધવાના છે.

No comments:

Post a Comment