Friday, October 30, 2015

સમયનો સાદ સરદાર-2 : લોખંડી મનોબળના ખેડૂતપુત્રની લોહપુરુષ બનવાની જીવન સફર

- આનંદ શુક્લ

આધુનિક ભારતની અખંડતા અને એકતાનું મૂળ ગુજરાતના ખેડૂતપુત્રે નાખ્યું છે. લોખંડી મનોબળ દ્વારા વલ્લભભાઈ પટેલ ભારતની આઝાદીના આંદોલના સરદાર બન્યા. ભારત વિભાજન બાદ ખંડિત બનેલા ભારતના પ્રવર્તમાન સ્વરૂપની અખંડિતતા અને એકતાને શિલ્પીની જેમ કંડારીને સરદાર પટેલ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાયા. ખેડૂતપુત્રમાંથી લોહપુરુષ સરદારથી ભારતની અખંડિતતાના શિલ્પી તરીકેની ગુજરાતના પનોતાપુત્ર વલ્લભભાઈ પટેલની જીવનસફર ઘણાં સંઘર્ષો અને ત્યાગ-બલિદાનોની કહાણી છે.

31મી ઓક્ટોબર, 1875ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મોસાળમાં ઝવેરભાઈ અને લાડબાના ચોથા પુત્ર તરીકે વલ્લભાઈ પટેલનો જન્મ થયો હતો. 1891 સુધીમાં વતન કરમસદ, પેટલાદ અને નડિયાદમાં વલ્લભભાઈએ અંગ્રેજીના છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 1893માં કરમસદ નજીકના ગાના ગામમાં ઝવેરબેન સાથે તેમના લગ્ન થયા. 16મી એપ્રિલ, 1897ના રોજ વલ્લભભાઈએ અંગ્રેજી શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એક ડિસેમ્બર, 1900ના રોજ વકીલાતની પરીક્ષા પાસ કરીને ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરી. 7મી ડિસેમ્બરે, 1902ના રોજ ગોધરા છોડીને બોરસદમાં વકીલાત શરૂ કરી. ફોજદારી વકીલ તરીકે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી હતી. 3 એપ્રિલ, 1903માં પુત્રી મણિબહેનનો જન્મ થયો. પહેલી નવેમ્બર, 1905નમા રોજ પુત્ર ડાહ્યાભાઈનો જન્મ થયો. 2 જાન્યુઆરી, 1909ના રોજ વલ્લભભાઈના પત્ની ઝવેરબાનું મુંબઈ ખાતે અવસાન થયું.

1910માં સરદાર બેરિસ્ટર બનવા ઈંગ્લેન્ડ ગયા. મિડલ ટેમ્પલ નામની સુપ્રસિદ્ધિ કાનૂની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 31મી મે, 1912ના રોજ બેરિસ્ટરની આખરી પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા. 50 પાઉન્ડનું ઈનામ મેળવ્યું અને બાદમાં ભારત આવવા માટે પ્રયાણ કર્યું. પહેલી ફેબ્રુઆરી, 1913થી અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી. પહેલી જાન્યુઆરી, 1914ના રોજ પિતા ઝવેરભાઈનું 85 વર્ષની વયે વતન કરમસદ ખાતે અવસાન થયું.

1915માં અમદાવાદની સંસ્થા ગુજરાત સભાના સભ્ય બન્યા અને જાહેરજીવનનો પ્રારંભ કર્યો. ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. લખનૌ ખાતેના કોંગ્રેસના અધિવેશનમાં ગુજરાત સભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. 1916માં અમદાવાદની સેનીટરી કમિટીના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપાલિટીના કમિશનર તરીકે અંગ્રેજ અધિકારીની નિમણૂકને રદ્દ કરાવી હતી. ગોધરા ખાતે મળેલી પ્રથમ ગુજરાત પ્રાંતિક રભાની કારોબારી સમિતિનું મંત્રીપદ પણ સંભાળ્યું હતું. સરદારે વેઠપ્રથા સામે આંદોલન કર્યું. 1918માં અમદાવાદમાં ફાટી નીકળેલા ઈન્ફ્લૂએન્ઝાના રોગચાળાના પ્રતિકાર માટે મ્યુનિસિપાલીટી પાસેથી ગુજરાત સભાને સહાય અપાવી અને કામચલાઉ હોસ્પિટલની સ્થાપના કરાવી. અસરગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસે સરકાર દ્વારા વસૂલ કરતા જમીન મહેસૂલની વિરુદ્ધ –ના-કર લડતનું સફળ સંચાલન કર્યું. સરદારે ખેડા સત્યાગ્રહ દ્વારા અંગ્રેજ હકૂમત સામે પ્રથમ સફળ જંગ ખેલ્યો.

1919માં અમદાવાદની મ્યુનિસિપાલિટીની મેનેજિંગ કમિટીના અધ્યક્ષ બન્યા. આઝાદીના આંદોલનને કચડવા અંગ્રેજ સરકારે લાદેલા રોલેટ એક્ટ સામે લડત આપી. 7મી એપ્રિલે ગુજરાતીમાં સત્યાગ્રહ પત્રિકાનો પ્રારંભ કર્યો. 1920માં અમદાવાદ મ્યુનિસિપાલીટીની ચૂંટણીમાં કોંગ્રેસની તમામ બેઠકો પર જીત થઈ. સરદારે પાશ્ચાત્ય વસ્ત્રોને ત્યાગીને ખાદીના સાદા વસ્ત્રો અપનાવ્યા. સવિનય કાનૂન ભંગના પ્રસ્તાવના ટેકામાં 10 લાખનું ફંડ ઉઘરાવ્યું અને કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા હતા. ગાંધીજી સાથે મળીને અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય કર્યો. 1921માં ગુજરાત પ્રાંતિ કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. સરદાર ડિસેમ્બર-1921ના રોજ અમદાવાદ ખાતેના કોંગ્રેસના 36મા અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 1922માં તેમણે ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે બર્માના રંગૂનથી 10 લાખ રૂપિયાનું ફંડ મેળવ્યું હતું.

વલ્લભભાઈ પટેલે 1923માં અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ કર્યો હતો. બોરસદ તાલુકામાં સરકારે નાખેલા અન્યાયી હેડિયા વેરા વિરુદ્ધ સત્યાગ્રહ કરીને તેને રદ્દ કરાવ્યો હતો. જેને કારણે તેમને બોરસદના સૂબાનું બિરુદ મળ્યું હતું. 1924માં વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે કરવેરો નહીં ભરનારાઓ સામે કડક પગલા ભરીને મ્યુનિસિપાલિટીની આવકમાં કર વસૂલીથી વધારો કર્યો હતો. 1927માં ગુજરાતમાં અભૂતપૂર્વ પૂરસંકટ આવ્યું. વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટી માટે પૂરરાહત માટે સરકાર પાસેથી એક કરોડ રૂપિયાની મદદ મેળવી હતી. 1928માં તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથીરાજીનામું આપ્યું અને ખેડૂતો પરના મહેસૂલ કરના વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો.

બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમને ખેડૂત નેતા તરીકે સરદારનું બિરૂદ અપાવ્યું હતું. કોલકત્તા ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભાઈ પટેલને આઝાદીની લડતના સરદાર તરીકે બહુમાન કરવામાં આવ્યું હતું. 1929માં પૂનામાં મળેલી મહારાષ્ટ્ર રાજકીય પરિષદ અને મોરબી ખાતેની કાઠિયાવાડ રાજકીય પરિષદના અધ્યક્ષ બન્યા હતા. 1930માં નમક સત્યાગ્રહ માટે પ્રચાર કરતા 7મી માર્ચે રાસ ગામની જાહેરસભામાં સરદારની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. 26મી જૂને તેમને જેલમાંથી મુક્ત કરાયા. આ સરદારની પહેલી જેલયાત્રા હતી. 30મી જૂને કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની વરણી થઈ અને પહેલી ઓગસ્ટે ફરીથી તેમની ધરપકડ કરીને યરવડા જેલમાં મોકલાયા હતા.

1931માં ગાંધી-ઈરવિન કરારના પરિણામે સરદારને માર્ચ માસમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કરાચી ખાતે 1931માં યોજાયેલા 46મા કોંગ્રેસ અધિવેશનમાં તેમને પ્રમુખ બનાવાયા હતા. 1932માં અંગ્રેજ સરકાર વિરુદ્ધ આઝાદીની આંદોલનની આગેવાની લેવા બદલ જાન્યુઆરી માસમાં યરવડા જેલમાં ગાંધીજી સાથે 16 માસ નજરકેદ રખાયા હતા. તે જ વર્ષે નવેમ્બર માસમાં સરદારના માતા લાડબાનું વતન કરમસદ મુકામે અવસાન થયું હતું. 1933માં સરદારને યરવડાથી નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તે વર્ષે 23મી ઓક્ટોબરે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું સ્વિટ્ઝરલેન્ડ ખાતે અવસાન થયું હતું.

1938માં કેન્દ્રીય કોંગ્રેસ પાર્ટીની શિસ્તના અનુપાલન માટે પ્રાંતિય કોંગ્રેસની નેતાગીરી સોંપાઈ હતી. કડક પગલા અને શિસ્તપાલનની ફરજ પાડવાની નીતિ-રીતિને કારણે સરદારને ટીકાકારો દ્વારા હિંદના તાનાશાહનું બિરૂદ પણ આપવામાં આવ્યું. 1938માં તેઓ કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા હતા. 1940માં ગાંધીજી પ્રેરિત સ્વતંત્રતા આંદોલનને દેશભરમાં વેગવંતુ બનાવવા માટે સરદારે આગેવાની લીધી. જેના કારણે અંગ્રેજ હકૂમતે તેમની 18મી નવેમ્બરના રોજ ધરપકડ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. બાદમાં તેમના પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

1941ની 18મી નવેમ્બરે નાદુરસ્ત તબિયતને કારણે સરદારને અંગ્રેજ સરકારે કેદમાંથી મુક્ત કર્યા હતા. 1942માં તેમણે ક્રિપ્સ મિશનની મંત્રણમાં સક્રિય ભાગ લીધો. પણ ક્રિપ્સ મંત્રણાઓ નિષ્ફળ રરહી હતી. 1942ની 8મી ઓગસ્ટે મુંબઈ ખાતે અખિલ હિંદ કોંગ્રેસ કારોબારી બેઠકમાં હિંદ છોડોના ઠરાવને મંજૂરી મળી. તેના બીજા દિવેસ 9મી ઓગસ્ટે સરદાર પટેલની ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ કારોબારીના અન્ય રાષ્ટ્રીય સભ્યો સાથે મહારાષ્ટ્રના અહમદનગરના કિલ્લામાં તેમને કેદી તરીકે મોકલવામાં આવ્યા હતા. 1944 સુધી સરદાર અહમદનગર કિલ્લામાં અંગ્રેજોની કેદમાં જ રહ્યા હતા. 1945માં તેમને અહમદનગરથી પૂનાની યરવડા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. 1040 દિવસના કારાવાસ દરમિયાન આંતરડાનું દર્દ વકરતા સરદારને 15મી જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

1946માં 9મી ડિસેમ્બરે સરદારે ભારતીય બંધારણ સભામાં પ્રથમ વખત ભાગ લીધો હતો. 1947માં ચોથી એપ્રિલે તેમણે વલ્લભ વિદ્યાનગર ખાતે વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. તે વર્ષે 5મી જુલાઈએ દેશી રાજ્યોની સમસ્યાને ઉકેલવા માટે સરદારની અધ્યક્ષતામાં નવું રિયાસતી ખાતું બનાવાયું અને તેમણે દેશના તમામ રાજાઓને દેશની સ્વતંત્રતા અને એકતાને સુદ્રઢ કરવા અનુરોધ કર્યો હતો. 15મી ઓગસ્ટે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. તેમની પાસે માહિતી અને પ્રસારણ, રિયાસતી ખાતા સહીત નિરાશ્રિતોના પુનર્વસનની મહત્વની જવાબદારીઓ પણ હતી. 1947માં 13મી નવેમ્બરે સરદાર પટેલે સોમનાથ પાટણની મુલાકાત લીધી હતી. અહીં તેમણે આક્રમણખોરો દ્વારા વારંવાર ધ્વસ્ત કરાયેલા સોમનાથ મહાદેવના મંદિરની પુનર્પ્રતિષ્ઠાનો સંકલ્પ લીધો હતો.

1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા બાદ ગૃહપ્રધાન તરીકે રાષ્ટ્રજોગ પ્રવચન આપ્યું હતું. તે વર્ષે 15મી ફેબ્રુઆરીના રોજ ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર સંઘની સ્થાપના કરી હતી. તો 7મી એપ્રિલે તેમણે જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર રાજ્યોના બનેલા રાજસ્થાન સંઘનું ઉદ્ઘાટન કર્યું. 22મી એપ્રિલે ગ્વાલિયર, ઈન્દૌર, મધ્ય ભારતના 23 રાજ્યોના રાજાઓએ તેમના રાજ્યોનો સંઘ બનાવવા માટેના સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. 1948ની ત્રણ નવેમ્બરે નાગપુર યુનિવર્સિટી તરફથી સરદારને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી એનાયત કરાઈ હતી. 25મી નવેમ્બરે બનારસ હિંદુ યુનિવર્સિટી તરફથી તેમને ડોક્ટર ઓફ લોઝનું સમ્માન આપવામાં આવ્યું. તો તે જ વર્ષે 27મી નવેમ્બરે સરદારને અલ્હાબાદ યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ લોઝની માનદ પદવી આપી હતી.

1949માં 26મી ફેબ્રુઆરીએ ઉસ્માનિયા યુનિવર્સિટીએ પણ સરદાર સાહેબને ડોક્ટર ઓફ લોઝની માનદ પદવીથી સમ્માનિત કર્યા હતા. તે વર્ષે 7મી ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી વડાપ્રધાન જવાહરલાલ નહેરુની અમેરિકા, કેનેડા અને બ્રિટનની મુલાકાત દરમિયાન સરદાર પટેલે દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકેની કામગીરી પણ સંભાળી હતી. 1950માં 20થી 22 સપ્ટેમ્બર સુધી ચાલેલા નાસિક ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી હતી. તે વર્ષે 15મી ડિસેમ્બરે મુંબઈ ખાતે ટૂંકી માંદગી બાદ સરદાર સાહેબે બિરલાભવન ખાતે દેહત્યાગ કર્યો હતો. મુંબઈના સોનાઘાટ સ્મશાનઘાટમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ગુજરાતના ખેડૂતપુત્રના લોખંડી મનોબળે તેમને સરદાર બનાવ્યા. સરદારે આઝાદી વખતે ખંડિત બનેલા આજના ભારતની અખંડિતા માટે એક શિલ્પીની જેમ કામ કર્યું. ભારતની કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છતી કામરૂપ સુધીની એકસૂત્રતાને કંડારવાનું કામ સરદાર પટેલની દ્રઢતા અને મુત્સદીગીરીથી પૂર્ણ થયું છે. સરદાર સાહેબનું આધુનિક ભારતના આજના સ્વરૂપમાં યોગદાન તેમને આભને આંબતી ઊંચાઈ પ્રદાન કરે છે. આ ઊંચાઈ સામે તમામ પ્રતિમાઓ અને સરદાર બનવા તેમના પગરખામાં પગ નાખવાની કોશિશ કરનારા તમામ નેતાઓ વેંતિયા લાગે છે. બસ સરદારના બલિદાનથી મળેલા આ વારસાની જતનપૂર્વકની જાળવણી આપણે એટલે કે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાની સંયુક્ત જવાબદારી છે...આપણા સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે.

No comments:

Post a Comment