Friday, October 30, 2015

સમયનો સાદ સરદાર-3 : RSS પરત્વેનું વલણ અને મુસ્લિમો પ્રત્યેનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવતા લોહપુરુષને કથિત સેક્યુલરોના પક્ષપાતપૂર્ણ દ્રષ્ટિકોણથી અન્યાય

- આનંદ શુક્લ

કટ્ટર હિંદુવાદી અથવા મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવતા નેતા તરીકે બદનક્ષી પામેલા સરદાર પટેલ ભારતના પહેલા ગૃહ પ્રધાન હતા કે જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સૌથી પહેલો પ્રતિબંધ લગાવ્યો હતો. સરદાર પટેલ વ્યવહારકુશળ અને હકીકતોને આધારે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારા વ્યક્તિ હતા. તેઓ પોતાના જાહેરજીવનની છાપ કરતા ભારતના હિતને વધારે મહત્વ આપતા હતા. તેના કારણે સરદાર સાહેબને ઘણી ટીકાઓનો સામનો કરવો પડયો છે.


આરએસએસ પ્રત્યેનો સરદારનો દ્રષ્ટિકોણ


1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સૌથી પહેલો પ્રતિબંધ પંડિત જવાહરલાલ નહેરુએ નહીં, પણ સરદાર પટેલે ગૃહપ્રધાન તરીકે લગાવ્યો હતો. ગાંધીજીની હત્યા બાદ સંઘના દ્વિતિય સરસંઘચાલક ગુરુ ગોલવલકરને નહેરુએ નહીં, પણ પટેલે જેલમાં બંધ કર્યા હતા. નહેરુ તો સંઘ પર પ્રતિબંધ લગાવવા માત્રથી સંતુષ્ટ હતા. તેઓ વધુ કંઈ કરવા ઈચ્છતા ન હતા. પરંતુ કટ્ટર હિંદુવાદી ગણાતા સરદાર પટેલે કહ્યુ હતુ કે બસ હવે બહુ થઈ ચુક્યું, સંઘને હવે છૂટ્ટા સાંઢની જેમ સમાજમાં ખુલ્લો મૂકી શકાય નહીં. તેના પર લગામ કસવી પડશે.

27મી ફેબ્રુઆરી, 1948ના રોજ નહેરુને લખેલા પત્રમાં તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે આની પાછળ હિંદુ મહાસભા અને સંઘનું ષડયંત્ર છે. . 4 ફેબ્રુઆરી, 1948ના રોજ સંઘ પર પ્રતિબંધનું જાહેરનામું જારી કરતી વખતે ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે સંઘના સ્વયંસેવકો અયોગ્ય કાર્ય પણ કરી રહ્યા છે. હિંદુ મહાસભાના નેતા અને આઝાદ ભારતની પહેલી સરકારમાં ઉદ્યોગ પ્રધાન શ્યામ પ્રસાદ મુખર્જીને સરદાર પટેલે 18મી જુલાઈ, 1948ને મોકલેલા પત્રમાં સરદારે સ્પષ્ટપણે લખ્યું હતું કે આરએસએસ અને હિંદુ મહાસભાની વાતને લો. ગાંધીજીની હત્યાનો મામલો કોર્ટમાં છે અને આ બંને સંગઠનોની ભાગીદારી સંદર્ભે કંઈ કહેવું જોઈએ નહીં.પણ તેમને મળેલા અહેવાલમાં એ વાતની પુષ્ટિ થાય છે કે બંને સંસ્થા ખાસ કરીને આરએસએસની ગતિવિધિઓના પરિણામે દેશમાં આવો માહોલ બન્યો કે આવો બર્બર કાંડ શક્ય બન્યો. મારા દિમાગમાં કોઈ શંકા નથી કે હિંદુ મહાસભાનું અતિવાદી જૂથ ષડયંત્રમાં સામેલ હતું.

ગાંધીજીની હત્યા સંદર્ભે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરને 19મી સપ્ટેમ્બર, 1948ના રોજ પત્ર લખીને જણાવ્યું હતુ કે હિંદુનું સંગઠન કરવું, તેમની મદદ કરવી એક વાત છે. પરંતુ તેમની મુસીબતોનો બદલો નિશસ્ત્ર લાચાર મહિલાઓ, બાળકો અને વ્યક્તિઓથી લેવો બીજી વાત છે. તેમના તમામ ભાષણો કોમવાદી વિષથી ભરેલા હતા. હિંદુઓમાં જોશ પેદા કરવો અને તેમની સુરક્ષા કરવા માટે એ જરૂરી ન હતુ કે આવું ઝેર ફેલાવવામાં આવે. આ ઝેરનું ફળ આખરે એ આવ્યું કે ગાંધીજીની અમૂલ્ય કુરબાની દેશને સહન કરવી પડી.

લોખંડી નિર્ણયો કરવા માટે જાણીતા સરદાર પટેલે આરએસએસને સ્પષ્ટ જણાવ્યુ હતુ કે પ્રતિબંધ ત્યારે જ હટાવાશે અને ગુરુ ગોલવલકર ત્યારે જ જેલની બહાર આવશે જ્યારે સંઘ પોતાનું લેખિત બંધારણ બનાવે. દેશના ગૃહ પ્રધાન તરીકે સરદાર પટેલે સંઘ પાસે લેખિત બંધારણ દ્વારા હિંસાનો ત્યાગ, ગુપ્તતાનો ત્યાગ અને દેશના બંધારણમાં આસ્થાનો સ્વીકાર કરવાની ખાતરી માંગી હતી. સરદાર પટેલના પ્રસ્તાવ પર ગુરુ ગોલવલકરે વચન આપ્યું કે જેલમાંથી બહાર નીકળીને તેઓ સંઘનું બંધારણ બનાવશે. તે વખતે ગોલવલકર મધ્યપ્રદેશની શિવની જેલમાં હતા. ગોલવલકરના આશ્વાસનથી સરદાર પટેલ માન્યા નહીં. સરદારે પૂર્ણ દ્રઢતાથી કહ્યુ કે પહેલા સંઘનું બંધારણ બને પછી ગુરુ ગોલવલકર જેલમાંથી બહાર આવશે. શિવની જેલમાં જ સંઘનું બંધારણ બનાવવામાં આવ્યું. આરએસએસનું લેખિત બંધારણ બાલાસાહેબ દેવરસ, એકનાથ રાનડે અને પી. બી. ધાતીએ તૈયાર કર્યું હતું. પટેલે જૂન-1949માં સંઘ દ્વારા તૈયાર કરાયેલા બંધારણને મંજૂરી આપી હતી અને 11મી જુલાઈ, 1949ના રોજ આરએસએસ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. જાણકારોનું માનીએ તો આરએસએસને સાંસ્કૃતિક સંગઠન તરીકે જ કામ કરવા માટે સરદાર પટેલે બાધ્ય કર્યું હતું.

મહત્વપૂર્ણ છે કે ગાંધીજીની હત્યા વખતે સરદાર પટેલ પર ગંભીર આક્ષેપબાજી દ્વારા રાજીનામાની ઉગ્ર માગણી થઈ હતી. કેટલાક સરદાર પટેલ વિરોધી તત્વોએ ષડયંત્રમાં સરદાર પટેલની સામેલગીરી જેવા બેહૂદા આક્ષેપો પણ લગાવ્યા હતા. પરંતુ સરદારની ગાંધી ભક્તિ અને રાષ્ટ્ર સાધના તમામ શંકાઓથી પર છે. સરદાર પટેલ સંઘના સ્વયંસેવકોની રાષ્ટ્રભક્તિ માટે શંકા ધરાવતા ન હતા. પરંતુ તેમની પદ્ધતિ સામે તેમને વાંધો હતો. પ્રતિબંધ દૂર થયા બાદ કોંગ્રેસની કારોબારીમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો કે સંઘના સ્વયંસેવકો ઈચ્છે તો કોંગ્રેસમાં જોડાઈ શકશે. પરંતુ તેઓ કોંગ્રેસ કે સેવાદળ સિવાય બીજા કોઈ સંગઠનમાં ભાગ લઈ શકશે નહીં. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા પ્રાત્ સ્મરણ વખતે ગવાતા એકાત્મતા સ્તોત્રમાં સરદાર વલ્લભાઈ પટેલનું નામ પણ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. સંઘ અને સરદાર પટેલને જોડતી કડી માત્ર રાષ્ટ્રભક્તિ છે. બંનેનું એકબીજા પ્રત્યેનું વલણ પાર્ટી લાઈન પર છે. ગાંધી-નહેરુ પરિવારની રાજસત્તાના તબક્કાઓમાં સરદાર પટેલની અવગણનાઓ વચ્ચે તેમના યોગદાનને લોકો આજે પણ યાદ કરે છે.

સાચા સેક્યુલર સરદાર


સરદાર પટેલ બહુમતીવાદી અને લઘુમતીવાદી એમ બંને પ્રકારની કોમવાદી માનસિકતાના વિરોધી હતા. જિન્નાની પાકિસ્તાનવાદી વિચારધારા અને મુસ્લિમ લીગના કોમવાદનો સરદાર પટેલે ખૂબ દ્રઢતાથી વિરોધ કર્યો હતો. તો હિંદુ મહાસભા અને આરએસએસના અંતિમવાદી વલણોનો પણ સરદાર પટેલે ખૂબ જ આક્રમકતાથી વિરોધ કર્યો. ઘણાં ઈતિહાસવિદ્દો એ વાત સાથે સંમત છે કે સરદાર પટેલનું જીવન દર્શન બિલકુલ બિનસાંપ્રદાયિક અને રાષ્ટ્રવાદી હતું. ભારતનું દુર્ભાગ્ય છે કે રાષ્ટ્રવાદને કોમવાદ ગણાવવાની કોશિશો ચોક્કસ ષડયંત્રો હેઠળ છેલ્લા દોઢસો વર્ષથી ચાલી રહી છે અને તેનો સરદાર પટેલને પણ ભોગ બનવું પડયું છે.

1937માં સરદાર સાહેબે કેન્દ્રીય એસેમ્બલીના ભાષણમાં કહ્યું હતું કે- આપણે 25 કરોડ હિંદુઓની આઝાદી નહીં, પરંતુ 35 કરોડ ભારતીયોની આઝાદી ઈચ્છીએ છીએ. જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી, તમામ છે. સ્વરાજથી પહેલાની કોંગ્રેસે 1938માં નેતાજી સુભાષચંદ્ર બોઝના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે હિંદુ મહાસભા, આરએસએસ અને મુસ્લિમ લીગનું સભ્યપદ લેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરદાર પટેલની તેમાં પૂર્ણ સંમતિ હતી.

કોમવાદના કટ્ટર વિરોધી અને બિનસાંપ્રદાયિકતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ લોહપુરુષે જૂન-1947માં ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સૂચન ફગાવતા કહ્યું હતું કે આપણે એ ભૂલવું જોઈએ નહીં કે આપણે ત્યાં અન્ય લઘુમતી પણ છે, તેમની સુરક્ષા આપણી જ પ્રાથમિક જવાબદારી છે. રાજ્ય બધા માટે છે અને તેમાં જાતિ અથવા ધર્મનો કોઈ ભેદભાવ નથી. ડિસેમ્બર-1948માં જયપુરમાં આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં પટેલે કહ્યુ હતુ કે કોંગ્રેસ તથા સરકાર ભારતને એક સાચ્ચો ધર્મનિરપેક્ષ દેશ બનાવવા માટે કટિબદ્ધ છે. સરદારે ફેબ્રુઆરી-1949ના રોજ હિંદુ રાજ્યને એક પાગલપણાથી ભરેલો વિચાર ગણવ્યો હતો.

1950માં એક જાહેરસભામાં સરદારે કહ્યુ હતુ કે આપણે એક ધર્મનિરપેક્ષ રાજ્ય છીએ અને આપણી નીતિઓ અને અન્ય રીતિ-નીતિઓને પાકિસ્તાનની રીતિ-નીતિઓ પર આધારીત કરી શકીએ નહીં. આપણે જોવું જોઈએ કે આપણે ધર્મનિરપેક્ષ વિચાર અને આદર્શને વ્યવહારમાં પણ ઉતારીએ. અહીં દરેક મુસ્લિમોને પોતાના ભારતીય નાગરિક હોવા અને તેને કારણે સમાન અધિકારો મેળવવાની આશા રાખવી જોઈએ. જો આપણે તેમના મનમાં આ ભાવના ઉભી કરી જગાવી શકતા નથી, તો આપણે પોતાના દેશ અને વારસા, એમ બંને માટે ઉણાં ઉતરીએ છીએ.

જો કે  સરદાર પટેલે પાકિસ્તાનના કોમવાદી વિચારોને ક્યારેય સમર્થન આપ્યું ન હતું. મુસ્લિમ લીગના રાજકારણ સામે સરદાર ચટ્ટાનની જેમ ઉભા રહ્યા હતા. મુસ્લિમ નેશનલ ગાર્ડ, ખાકસાર અને આરએસએસ ત્રણેય સંદર્ભે સરદારની સમદ્રષ્ટિ હતી અને તેમની સામે ગૃહ પ્રધાન તરીકેની જવાબદારીઓના નિર્વહન વખતે એક સરખું વલણ અખત્યાર કર્યું હતું. ભાગલા વખતની કોમી હિંસાથી તેઓ અત્યંત દુખી હતા. પરંતુ મસ્લિમ લીગના કોમવાદી ગુંડાઓથી સરદાર પટેલ જરા પણ ડગ્યા ન હતા. તેમની સામે કડક હાથે કેમ લેવા બદલ સરદારની ફરિયાદ ગાંધીજી સુધી કરવામાં આવી હતી. છતાં પોતાની છાપની પરવાહ કર્યા વગર તેમણે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ જેવા મામલાઓમાં ભારતના હિતોને ધ્યાનમાં રાખીને પગલા લીધા હતા. તો કોમી હિંસા કરતા મુસ્લિમ લીગી ગુંડાઓને તેમની ભાષામાં સમજાવાની પણ તેમણે શરૂઆત કરી હતી.

બે વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે મૌલાના આઝાદને નામને આગળ કરનારા સરદાર પટેલ જ હતા. ભાગલા વખતે પટિયાલામાં રાજપુર-લુધિયાણા અને રાજપુર-ભટિંડા વચ્ચે મુસ્લિમો પરના હુમલાઓ અટકાવામાં સરદારે મહત્વની ભૂમિકા નિભાવી હતી. દિલ્હીમાં હુલ્લડો વખતે સરદારે રામપુરના નવાબની વિનંતીથી હજારો મુસ્લિમ નિવાસીઓ માટે સ્પેશ્યલ ટ્રેન રામપુર ખાતે દોડાવી હતી. મુસ્લિમ હિજરતીઓને સહીસલામત પાકિસ્તાન પહોંચાડવા સરદાર પટેલે પુરતો બંદોબસ્ત પણ કર્યો હતો અને અમૃતસરમાં સભા લઈને લોકોને શાંત પણ પાડયા હતા. આ દ્રષ્ટાંતો સરદારને મુસ્લિમ વિરોધી કહેતા લોકોને જવાબ છે.
જો કે સરદાર પટેલની ધર્મનિરપેક્ષતા તુષ્ટિકરણની નીતિને આધારીત પણ ન હતી. સરદારને બે મોઢાં રાખીને ભારતમાં ઉન્મતતાથી ફરનારા કટ્ટરવાદી મુસ્લિમોથી સખત નફરત હતી. સરદાર કહેતા કે ભારતના મુસ્લિમોને મારે એક સવાલ પુછવો છે કે કાશ્મીરની બાબતમાં તમે કેમ કશું બોલતા નથી? તમે પાકિસ્તાનના કૃત્યને કેમ વખોડતા નથી? હવે તમારી ફરજ છે કે તમારે અમારી હોડીમાં બેસવું, સાથે જ તરવું, સાથે જ ડૂબવું. હું તમને નિખાલસ રીતે કહેવા ઈચ્છું છું કે તમે બે ઘોડાની સવારી કરી શકવાના નથી. કોઈ એક ઘોડો પસંદ કરી લો. જેમને પાકિસ્તાન જવું હોય તે જઈ શકે છે.

તો ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યે તેમનો વ્યવહાર અત્યંત શાલીન અને લાગણીસભર રહેતો હતો. તેઓ ભારત માટે વફાદારી દેખાડનારા પાકિસ્તાન વિરોધી મુસ્લિમો માટે કહેતા કે રાષ્ટ્રને વફાદાર મુસ્લિમોને ભારતમાં કોઈપણ વફાદાર હિંદુ જેટલું જ રક્ષણ મેળવવાનો અને તેમના જેવા જ હક્કો ભોગવવાનો અધિકાર છે.

બંધારણ સભાની સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે 28 ઓગસ્ટ, 1947ના રોજ સરદાર પટેલે સેપરેટ ઈલેક્ટોરેટની માગણીને ફગાવતા કહ્યુ હતુ કે ભારતનું નવું રાષ્ટ્ર કોઈપણ પ્રકારની ખંડનાત્મક પ્રવૃતિઓને ચલાવી લેશે નહીં. જો કોઈ ફરી એ જ માર્ગ અપનાવા ઈછ્છશે જે માર્ગે દેશના ભાગલા થયા, તો જે લોકો ફરી ભાગલા કરવા માગે છે અને ભાગલાના બીજ વાવવા માગે છે તેમના માટે અહીં કોઈ જ સ્થાન નહીં હોય. કોઈ ખૂણો પણ નહીં હોય. પરંતુ હું જોઈ રહ્યો છું કે દેશમાં અલગ મતદાર મંડળોની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી ત્યારે જે યુક્તિઓનો ઉપયોગ કરાયો હતો તે જ યુક્તિઓ આજે ફરીથી અપનાવાઈ રહી છે. મુસ્લિમ લીગના વક્તાઓની વાણીમાં અત્યંત મીઠાશ હોવા છતાં પણ તેમણે અપનાવેલા ઉપાયોમાં ઝેરનું ભરપૂર પ્રમાણ છે.

સિદ્ધાંતોના આદર્શવાદને સ્થાને વ્યવહારકુશળતા, કુશાગ્ર રાજકીય સમજ, દૂરદ્રષ્ટિ, કુનેહબાજ મુત્સદી અને સ્પષ્ટવાદિતા સરદાર પટેલના મહત્વના ગુણ હતા. જેના કારણે તેઓ ભારતના એકમાત્ર લોહપુરુષ છે. સરદાર પટેલના જીવનમાં ક્યારેય તેમના બેવડા ચહેરા દેખાયા નથી. તેઓ જેવા હતા તેવા જ દેશના લોકો સામે હતા. તેમના વ્યવહારની પ્રામાણિકતાએ તેમને લોકોના હ્રદયના સમ્રાટ બનાવ્યા હતા. સરદાર સાહેબ ધર્મનિરપેક્ષ હતા, પણ કોઈ જૂથ કે કોમનું તુષ્ટિકરણ કરવાની બિલકુલ વિરુદ્ધ હતા. રાષ્ટ્રયજ્ઞમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા સરદાર સાહેબ પોતાની છાપની નહીં પણ રાષ્ટ્રહિતની પરવાહ કરતા હતા.

No comments:

Post a Comment