Sunday, May 14, 2017

પાકિસ્તાન સામે યુદ્ધની લાચારી કે શાંતિની ચતુરાઈ?

ઈન્દિરા ગાંધી બાદ સત્તામાં આવેલા તમામ વડાપ્રધાનો અત્યાર સુધી મોટે ભાગે પાકિસ્તાનની આતંકવાદી હરકતો સામે આકરા નિવેદનો આપીને મોટાભાગે નાની-મોટી કાર્યવાહી કરીને ચુપચાપ રહેવાનું પસંદ કરતા રહ્યા છે. આતંકની ખૂનામરકીથી ભારતને લોહીલુહાણ કરવાની નીતિને સહન કરવું ભારતની લાચારી છે કે ચતુરાઈ?  બે ભારતીય જવાનોના સિરચ્છેદની ઘટના બાદ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવાનો જનાક્રોશ પણ છે. ત્યારે વધુ એક સવાલ પણ ચર્ચાવો જોઈએ કે પાકિસ્તાન પ્રેરીત સમસ્યાઓને દૂર કરવા માટે યુદ્ધ કરવું સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ અંકુશ રેખા નજીકના વિસ્તારોની મુલાકાત લઈને કાશ્મીરના આતંકવાદને કથિત આઝાદીની લડાઈના નામે સમર્થન આપવાની વાત કરી હતી. તેના થોડા સમયગાળામાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે બે ભારતીય જવાનોના સિરચ્છેદ કર્યા હતા. ત્યાર બાદ ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. આ તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સૈનિકોને જમાવડો વધારી દીધો છે. તો ભારતીય સેના દ્વારા બોફોર્સ તોપની તેનાતીના અહેવાલો પણ આવ્યા છે. તણાવ વચ્ચે સરહદે પાકિસ્તાની સેના દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવે છે. તેની પાછળનો ઉદેશ્ય કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાનો છે. 

પાકિસ્તાનની અમાનવીય હરકતને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિકલ્પો પર વિશેષજ્ઞો વિચારણા કરી રહ્યા છે. જેમાં સ્પેશ્યલ ફોર્સિસ દ્વારા પાકિસ્તાન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવવાનો પણ એક વિકલ્પ છે. આવા સંજોગોમાં આર્ટિલરીના લોન્ગરેન્જ ફાયરપાવર દ્વારા પાકિસ્તાની પોસ્ટોને સર્જિકલ સ્ટ્રાઈક વખતે ઉડાવી દેવાની પણ એક વ્યૂહરચના પર વિચારણા થઈ શકે છે. પાકિસ્તાન તરફથી પણ ભારતની સંભવિત કાર્યવાહી પર વિચારણા થઈ રહી હશે. કૂટનીતિક ઉમ્બાડિયા કરતા પાકિસ્તાનનો ઈરાદો કાશ્મીરના મામલાને આંતરરાષ્ટ્રીય ફલક પર લાવવા માટે તણાવને યુદ્ધના સ્તર સુધી લઈ જવાનો જરૂરથી હશે. આવી સ્થિતિમાં ભારતની પ્રતિક્રિયા બેહદ આકરી રહેશે. તેની પાછળનો હેતુ કાશ્મીરમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓની ખૂનામરકીને કાયમી ધોરણે બંધ કરાવવાનો રહેશે. 

2003માં એલઓસી પર યુદ્ધવિરામ જાહેર થયા બાદ સરહદે આર્ટિલરીનો ઉપયોગ સંરક્ષણ નિષ્ણાતો પ્રમાણે સરહદી તણાવને 1990થી 2003ના સમયગાળા તરફ દોરી જશે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને કારણે જમ્મુ-કાશ્મીરની સરહદોની આસપાસના વિસ્તારમાં ચીનના શ્રમિકો અને કદાચ સૈનિકોની પણ ખાસી સંખ્યા હોવાનો અંદેશો છે. યુદ્ધનું સ્તર પરમાણુ યુદ્ધ સુધી પહોંચે તેવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ અને દબાણની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનનો આતંકવાદ સહન કરવો અને આકરી નિંદા કરતા નિવેદનો આપવા સરકારની લાચારી છે કે ચતુરાઈ?

બીજી એક સ્થિતનો પણ વિચાર કરીએ... 2003ના શસ્ત્રવિરામ બાદ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ જમ્મુ-કાશ્મીરના સીમાડા ઓળંગીને આગળ વધ્યો હતો. કદાચ શસ્ત્રવિરામ કારગીલ યુદ્ધ બાદના તણાવને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઈને લાગુ કરાયો હશે. પરંતુ 2008માં મુંબઈ પર થયેલો 26-11નો હુમલો આવા આતંકી હુમલા અને વિસ્ફોટોનું સૌથી મોટું ઉદાહરણ છે. આવા હુમલા થવાની પણ શક્યતાઓ આંતરરાષ્ટ્રીય થિંક ટેન્કો દ્વારા વખતો વખત દર્શાવવામાં આવી છે. આવા સંજોગોમાં જનાક્રોશને ધ્યાનમાં રાખીને સરકાર પર પાકિસ્તાન સામે કાર્યવાહીનું પુરેપુરું દબાણ રહેશે. આવા જનાક્રોશના દબાણમાં સરકાર પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે.. તો આ સરકારની લાચારી હશે કે ચતુરાઈ? 

No comments:

Post a Comment