Sunday, May 14, 2017

શરીફ-સજ્જનની મુલાકાત: બેકચેનલ ડિપ્લોમસીમાં વ્યાપારીક હિતોનો પેચ


પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે સજ્જન જિંદલની સાથેની મુલાકાતને બેકચેનલ ડિપ્લોમસી ગણાવીને ભારત સાથે તણાવ ઘટાડવાની કોશિશ ગણાવી છે. શરીફના નિવેદન બાદ ભારતના ઉદ્યોગપતિ સજ્જન જિંદલ ફરી એકવાર ચર્ચામાં છે. પાકિસ્તાન સાથે તણાવ ઘટાડવું ભારતીય વિદેશ મંત્રાલય માટે પણ આસાન નથી. ત્યારે સજ્જન જિંદલ આ કામ કેવી રીતે કરી રહ્યા છે અને મોદી-શરીફ વચ્ચે પુલ બનવાની ખૂબી તેમનામાં કેવી રીતે આવી અને તેમની પૃષ્ઠભૂમિ જાણવાની ઉત્સુકતામાં વધારો થયો છે. 

જેએસડબલ્યૂ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન સજ્જન જિંદલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ નવીન જિંદલના મોટાભાઈ છે. તેમની કંપની ભારતમાં સ્ટીલ ઉત્પાદન કરનારી બીજા ક્રમાંકની સૌથી મોટી ખાનગી કંપની છે. સજ્જન જિંદલનો માઈનિંગ, ઊર્જા, પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ઘણો મોટો કારોબાર છે. 

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ સજ્જન જિંદલના પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેના નિકટવર્તી સંબંધોથી ભારતમાં ઘણાં લોકોને ચોક્કસ આશ્ચર્ય થશે. પરંતુ હકીકત એવી છે કે શરીફનો પરિવાર પાકિસ્તાનના મોટા ઉદ્યોગપતિ કુટુંબોમાં સામેલ છે. શરીફના પરિવારનો પણ સ્ટીલનો મોટો કારોબાર છે. પાકિસ્તાનના વડાપ્રધાનની પારિવારીક કંપનીનું નામ ઈત્તેફાક ગ્રુપ ઓફ કંપની છે. તેનો પાકિસ્તાનના પંજાબમાં મોટો કારોબાર છે. આ કંપનીની સ્થાપના નવાઝ શરીફના પિતા મુહમ્મદ શરીફે કરી હતી. હાલ શરીફની પારિવારીક કંપનીનો વહીવટ તેમના ભત્રીજાના હાથમાં છે. આ તથ્યોને ધ્યાનમાં રાખીને કહી શકાય કે સજ્જન જિંદલના શરીફના પરિવાર સાથે વ્યાપારીક સંબંધો છે. 

સૂત્રો મુજબ સજ્જન જિંદલ અવાર-નવાર ઈસ્લામાબાદ આવન-જાવન કરે છે. તેમની ઈસ્લામાબાદની મુલાકાતનો ઉદેશ્ય અફઘાનિસ્તાનના બામિયાનથી કરાચી પોર્ટ સુધી કાચું લોખંડ લાવવા માટે યોગ્ય રીતે માર્ગ ઉપલબ્ધ થાય તેના માટેની કોશિશો કરવાનો છે. બામિયાનથી હાજીગાકના રસ્તે કાચું લોખંડ કરાચી પોર્ટ પર લાવવામાં આવે છે. આ કાચું લોખંડ પાકિસ્તાનના પોર્ટથી ભારતના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલા પોર્ટ્સ પર પહોંચે છે. 

2011માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક કરાર થયો હતો. આ કરારમાં સજ્જનની જેએસડબલ્યૂ અને નવીન જિંદલની સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ પણ સામેલ હતી. આ કરાર માટે ભારતની સરકારી કંપની સેલના નેતૃત્વમાં એક કોન્સોર્ટિયમ સામેલ હતું. તેમણે મોન્નેટ ઈસ્પાત અને અફઘાન આયર્ન એફિસ્કો સાથે સમજૂતી કરી હતી. તેના પ્રમાણે.. હાજિગાક ખાતે દર વર્ષે દશ લાખ ટન ઉત્પાદન કરતી સ્ટીલ મિલ અને 1.8 અબજ ટન કાચા લોખંડનો રિઝર્વ ઉભો કરવાની સમજૂતી કરી હતી. 

પાકિસ્તાન ટુડેમાં પ્રકાશિત થયેલા ગો નવાઝ ગો શીર્ષક હેઠળના આર્ટિકલમાં લેખક આરિફ નિઝામીએ દાવો કર્યો છે કે સજ્જન જિંદલની શરીફ સાથેની મુલાકાત અંગત વ્યાપાર સંબંધિત હતી. અફઘાનિસ્તાનમાં દોઢ અબજ ડોલરનું કાચા લોખંડનું કન્સેશન ધરાવે છે. આ કાચું લોખંડ ભારત લઈ જવા માટે પાકિસ્તાન સિવાય અન્ય કોઈ પરિવહનનો માર્ગ નથી. માટે કાબુલથી જિંદલની પાકિસ્તાન મુલાકાત ટ્રાન્સિટ રાઈટ સુરક્ષિત કરવા માટેની હતી. 

શરીફ અને સજ્જન જિંદલ વચ્ચેની ઘનિષ્ઠ મિત્રતા ડિસેમ્બર-2015માં સાર્વજનિક થઈ હતી. 25 ડિસેમ્બર-2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાબુલથી ઈસ્લામાબાદ વડાપ્રધાન નવાઝ શરીફને હેપ્પી બર્થડે કહેવા માટે પહોંચ્યા હતા. તે દિવસે શરીફના દોહિત્રીના નિકાહનો પણ પ્રસંગ હતો. આ મુલાકાત પાછળ સજ્જનની ભૂમિકા હોવાની ચર્ચાઓ હતી. મે-2014માં નરેન્દ્ર મોદીની શપથવિધિમાં નવાઝ શરીફ સામેલ થયા હતા. ત્યારે શરીફે સજ્જન જિંદલ દ્વારા આયોજિત ટી-પાર્ટીમાં પણ ભાગ લીધો હતો. 

આ સિવાય નવેમ્બર-2014માં કાઠમંડૂ ખાતેની સાર્ક સમિટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલની અસર હતી. મોદી અને શરીફે પહેલા દિવસે એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું. ત્યારે મોદી અને શરીફ વચ્ચે સાર્ક સમિટથી અલગ મુલાકાતનું માધ્યમ સજ્જન જિંદલ બન્યા હોવાના મીડિયા અહેવાલોમાં દાવા થયા હતા. જો કે ભારતીય વિદેશ મંત્રાલયે આવા દાવાઓને નકાર્યા હતા. મહત્વપૂર્ણ છે કે પત્રકાર બરખા દત્તે પોતાના પુસ્તક ધિસ અનક્વાઈટ લેન્ડ-સ્ટોરીઝ ફ્રોમ ઈન્ડિયાઝ ફોલ્ટ લાઈનમાં બે દેશોના કૂટનીતિક સંબંધોમાં સજ્જન જિંદલની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. આમ તો ભૂતકાળથી લઈને અત્યાર સુધીમાં રાષ્ટ્રહિતના નામે થતી કૂટનીતિ કે રાજનીતિમાં વ્યાપારીક હિતોની ભૂમિકા નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ત્યારે સજ્જન-શરીફની મુલાકાતોમાં બેકચેનલ ડિપ્લોમસીના નેપથ્યમાં કારોબારી હિતોની ભૂમિકા છે કે નહીં તેનો પણ ખુલાસો થવો જરૂરી છે..

No comments:

Post a Comment