Sunday, May 14, 2017

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: પણ ઉમેદવાર કોની પસંદગીના હશે મોદીની કે મોહન ભાગવતની?

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. વાઈએસઆર કોંગ્રેસે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એનડીએને ટેકો જાહેર કર્યો છે. તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ પણ આ ચૂંટણીમાં ભાજપને ટેકો આપવાના સંકેતો આપ્યા છે. શરદ પવારે પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત હોવાની ટીપ્પણી કરી છે. જેને કારણે ભાજપના ઉમેદવાર આગામી રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા પ્રબળ બની છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએને ટેકો આપતા વાઈએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડીએ ભાજપ પાસે પોતાના ઉમેદવારને જીતડવા પુરતું સમર્થન હોવાની ટીપ્પણી કરી છે. જગમોહન રેડ્ડીએ કહ્યુ છે કે ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં અથવા તો અન્ય ઉમેદવાર ઉતારવાનો કોઈ મતલબ નથી. તેમણે એનડીએને ચૂંટણીમાં ટેકો આપવાની જાહેરાત પણ કરી છે. તો તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને ટેકો આપવાના સંકેતો કર્યા છે. 

તેવામાં વિપક્ષી એકતાની કોશિશોને શરદ પવારે પણ પોતાની ટીપ્પણીથી પંકચર કરી દીધી છે. શરદ પવારનું કહેવું છે કે ભાજપ અને તેના અન્ય સાથીપક્ષો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બેહદ મજબૂત હોવાનું લાગી રહ્યું છે. એક તરફ વિપક્ષી ઉમેદવાર માટે સંમતિ સાધવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીથી માંડીને ડાબેરી નેતા સીતારામ યેચુરી સુધીના રાજકારણીઓ કોશિશો કરી રહ્યા છે. પરંતુ તમિલનાડુના એઆઈએડીએમકે અને ઓડિશાના બીજેડીએ પોતાના પત્તા હજી ખોલ્યા નથી. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાઓના સભ્યો મતદાન કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના કોલેજિયમમાં કુલ વોટ સંખ્યા 10 લાખ 93 હજાર 654ની છે. જીત માટે આના પચાસ ટકા એટલે કે પાંચ લાખ 46 હજાર 828 વોટ જોઈએ. એનડીએના સાંસદો અને ધારાસભ્યોના વોટને જોડીએ તો તેનું મૂલ્ય પાંચ લાખ 32 હજાર 592 વોટ થાય છે. એટલે કે એનડીએના ઉમેદવારને જીતવા માટે હજી 14 હજાર 236 વોટ જોઈએ. વાઈએસઆર કોંગ્રેસના સાથને કારણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએની સ્થિતિ મજબૂત થઈ છે. 

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએનું પલડું ભારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પસંદગીના ભાજપના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત છે. પરંતુ ભાજપ તરફથી ઉમેદવારની પસંદગીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા પર પણ સૌની નજર મંડાયેલી છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહન ભાગવતની પસંદગીના હશે, તો ચૂંટણી ગણિતમાં ગડબડ ઉભી થવાની શક્યતા છે. 

ભારતની લોકશાહીમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મર્યાદીત છે. પરંતુ તેમ છતાં વિશેષ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ બની જાય છે. તેથી કેન્દ્રમાં સત્તામાં રહેલો કોઈપણ પક્ષ પોતાના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે. જુલાઈ માસમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે મજબૂત સ્થિતિ ધરાવતા ભાજપની આગેવાનીવાળા એનડીએ દ્વારા પોતાની પસંદગીના રાષ્ટ્રપતિ બનાવવાની કોશિશો તેજ બની છે. 

એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારો સંદર્ભે કેટલીક ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. તેમાં સૌથી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું નામ ચર્ચામાં આવ્યું હતું. શિવેસના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવાની માગણી કરી હતી. પરંતુ ખુદ મોહન ભાગવતે આવી કોઈપણ વાતને રદિયો આપીને પોતાના નામની અટકલો પર વિરામ લગાવ્યું હતું. 

બીજું સૌથી મોટું નામ રામજન્મભૂમિ આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીનું છે. અડવાણી સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટની મીટિંગ વખતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આના સંદર્ભે વાતચીત થઈ હોવાના મીડિયા અહેવાલો હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા બાબરી ધ્વંસ મામલે અડવાણી સહીતના ભાજપના 12 નેતાઓ સામે ફોજદારી કેસ ચલાવવાનો ચુકાદો આવ્યો છે. જાણકારો પ્રમાણે.. અડવાણીના રાષ્ટ્રપતિ બનવા પાછળ કોઈ કાયદાકીય અડચણો નથી. તેમ છતાં અદાલતી કારણો અને નૈતિકતાના આધારે આના સંદર્ભે અડવાણીનું નામ પાછળ ધકેલાઈ ગયું છે. માનવામાં આવે છે કે અડવાણીના નામનો વિપક્ષ તરફી વિરોધ થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ તેમની 89ની જૈફવય અને 2013માં નરેન્દ્ર મોદીના ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિની અધ્યક્ષ બનવાનો ગોવા કારોબારી વખતે કરાયેલો વિરોધ અને પીએમ પદના ઉમેદવાર જાહેર થવા વખતે પણ અડવાણી દ્વારા કરાયેલો વિરોધ તેમની પસંદગીમાં નકારાત્મક બાબત ગણાય છે. 

મહિલા અને સારી છબી ધરાવતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પણ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની દોડમાં છે. પરંતુ તેમની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને કારણે તેમની દાવેદારી થોડી નબળી માનવામાં આવે છે. 

દલિત અને દક્ષિણ ભારતીય તરીકે કેન્દ્રીય પ્રધાન એમ. વેંકૈયા નાયડુ પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની દોડમાં સામેલ છે. તેમના નામ પર વિપક્ષ સંમત થાય તેવી શક્યતા ઘણી ઓછી છે. કદાચ ભાજપને પણ વેંકૈયા નાયડુના નામ પર સંમતિ સધાવાની આશા નહીં હોય. 

આ તમામ પરિસ્થિતિમાં ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મૂર્મૂનું નામ સૌથી આગળ છે. દ્રૌપદી મૂર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ ચૂંટણી જીતી જાય છે.. તો તેઓ દેશના પહેલા આદિવાસી સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મૂર્મૂના આદિવાસી હોવાની રાષ્ટ્રીય રાજનીતિ પર પણ વ્યાપક અસર પેદા થવાની શક્યતા છે. 

ભાજપ પર હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકાધિકાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ ભાજપના ઘણાં કામકાજો અને નિર્ણયોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સલાહનો મોટો પ્રભાવ હોવાની પણ ચર્ચા રહે છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની પસંદગી વખતે પણ આરએસએસની ભૂમિકાની ચર્ચા અને તેનો હાથ ઉપર રહ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની પસંદગીનો હશે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતની પસંદગીના હશે તેના પર એનડીએના ઉમેદવારની જીતનો મોટો આધાર છે. આમા મોહન ભાગવતની પસંદગી ચાલશે તો ચૂંટણી ગણિતમાં ગડબડ થવાની સંભાવનાઓ પણ નકારી શકાય નહીં. 

1 comment:

  1. જો કોઇ સમયે MLA ની સીટ ખાલી હોય તો તેના નોટનું શું

    ReplyDelete