Thursday, April 25, 2019

ક્રાઈસ્ટચર્ચ ટુ કોલંબોનો “મુસ્લિમ વિરુદ્ધ ખ્રિસ્તી”નો ટેરર ટ્રેક: શ્રીલંકામાં ઈસ્ટર પર 359ના મોત માટે ISIS જવાબદાર, ભારતમાં સાવધાની જરૂરી


ક્રાઈસ્ટચર્ચનો કોલંબોમાં બદલો!

શ્રીલંકાના ત્રણ ચર્ચો અને ચાર ફાઈવસ્ટાર હોટલોને નિશાન બનાવતા આઠ આત્મઘાતી વિસ્ફોટોમાં 359 લોકોના જીવ ગયા અને 450થી વધુ લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં ખ્રિસ્તીઓના પર્વ ઈસ્ટરની ઉજવણી રવિવારે આતંકવાદીઓએ લોહિયાળ બનાવી તાજેતરના અને જૂના કેટલાક ટેરર એટેકની યાદ તાજી કરાવી છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે મસ્જિદમાં નમાજ પઢનારા લોકો પર 15મી માર્ચે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 55 લોકોનો જીવ લેનારા ક્રાઈસ્ટચર્ચ એટેકના હુમલાખોરે તેનું ફેસબુક લાઈવ કર્યું હતું અને તેણે પોતાના હુમલામાં ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચેના સદીઓ જૂના વૈમનસ્યને તાજેતરની કેટલીક આતંકી ઘટનાઓ સાથે સાંકળ્યા હતા.
શ્રીલંકામાં ત્રણ ચર્ચો અને ચાર ફાઈવસ્ટાર હોટલોને નિશાન બનાવીને આતંકવાદીઓએ ઈરાદા સ્પષ્ટ કર્યા હતા કે તેમનો ઉદેશ્ય શ્રીલંકાના ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવવાનો હતો અને તેની સાથે વૈભવી હોટલમાં આવનારા વિદેશી પર્યટકોને પણ મોતને ઘાટ ઉતારવાના ઈરાદાથી હુમલા કર્યા હતા. આ હુમલામાં 35થી વધુ વિદેશીઓના જીવ ગયા હતા. આખા મામલાની શ્રીલંકન પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 78થી વધુ લોકોની ધરપકડો કરવામાં આવી છે. શરૂઆતમાં શ્રીલંકાની એજન્સીઓને સ્થાનિક ક્ટ્ટરવાદી મુસ્લિમ સંગઠન નેશલન તૌહીદ જમાત એટલે કે એનટીજે પર આશંકા હતી. આ આશંકા ત્યારે મજબૂત થઈ કે જ્યારે સુરક્ષા એજન્સીઓએ આઠ વિસ્ફોટમાં નવ આત્મઘાતી હુમલાખોરોની ઓળખ કરી હતી. આ આત્મઘાતી હુમલાખોરોમાં એક મહિલા ફિદાઈન પણ સામેલ હતી. જેને કારણે શ્રીલંકાની સરકાર દ્વારા બુરખા પર પ્રતિબંધ મૂકવાને લઈને વિચારણા પણ શરૂ કરવામાં આવી છે.
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી વિસ્ફોટોની જવાબદારી આઈએસઆઈએસ દ્વારા લેવામાં આવી અને તેના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે આ ક્રાઈસ્ટચર્ચ એટેકનો બદલો છે. પરંતુ શું હુમલા પ્રતિહુમલામાં બે અલગ-અલગ ધર્મોના અંતિમવાદીઓ દ્વારા ક્રિયા-પ્રતિક્રિયાનો કોઈ ખેલ દુનિયાભરમાં ચાલી રહ્યો છે?
એલર્ટની અવગણના પડી ભારે
ગલ્ફ ન્યૂઝે એએફપીને ટાંકીને અહેવાલમાં જણાવ્યુ હતું કે શ્રીલંકાના પોલીસ પ્રમુખ પુજુથ જયસુંદરે 11 એપ્રિલે દેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઈનપુટ્સ મોકલ્યા હતા અને તેમા આતંકી હુમલાની શક્યતાઓ પ્રત્યે સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
ઈન્ટેલિજન્સ એલર્ટમાં એક વિદેશી ઈન્ટલિજન્સ એજન્સીના પણ ઈનપુટ્સને જોડવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે નેશનલ તૌહીત જમાત એટલે કે એનટીજે નામનું સંગઠન શ્રીલંકામાં કેટલાક મહત્વના ચર્ચોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. આ સંગઠનના નિશાના પર કોલંબોમાં ભારતીય હાઈકમિશન પણ હતું. ઈનપુટ્સમાં આની જાણકારી આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે એનટીજેનું નામ શ્રીલંકામાં વિસ્ફોટોમાં ઉછળ્યું છે, તે એક કટ્ટરવાદી મુસ્લિમ સંગઠન છે. ગત વર્ષે પણ આ સંગઠન ત્યારે ચર્ચામાં આવ્યું હતું કે જ્યારે કેટલાક બૌદ્ધ ધર્મસ્થાનો પર હુમલા કરવામાં આવ્યા હતા. જો કે તે હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ લીધી નથી.
તાજેતરના આતંકી હુમલાની યાદ થઈ તાજી
જો કે શ્રીલંકાના ઈસ્ટરના પ્રસંગે તાજેતરના શ્રેણીબદ્ધ વિસ્ફોટો થકી કરવામાં આવેલા આતંકી હુમલાને કારણે ઈજીપ્તમાં 2017માં ઈસ્ટર પહેલાના રવિવારે હુમલો કરીને 45 લોકોને મોતને ઘાટ ઉતારવાની ઘટના હોય કે પાકિસ્તાનના લાહોરનો 2016માં 75 ખ્રિસ્તીઓના જીવ લેનારો ઈસ્ટર્ન ટેરર એટેક હોય, તેની યાદ તાજી કરે છે. તો શ્રીલંકામાં છ ઠેકાણે શ્રેણીબદ્ધ રીતે થયેલા વિસ્ફોટ અને હુમલા 2008માં મુંબઈ એટેકની સાથે પણ સમાનતા ધરાવે છે અને તેમા પણ વિદેશીઓ સહીત 166 લોકોના મોત નીપજ્યા હતા. છેલ્લા કેટલાક દશકાઓમાં આતંકી હુમલામાં વધારો થયો છે. આમાના મોટાભાગના આતંકી હુમલા ઈસ્લામિક આતંકી જૂથો દ્વારા કરવામાં આવ્યા છે. તો અન્ય કેટલાક હુમલા વ્હાઈટ નેશનાલિસ્ટ્સ અને અન્ય જૂથો દ્વારા પણ થયા છે.
ગત સપ્તાહે બલૂચ સ્વતંત્રતા સંગઠનના બંદૂકધારીઓ દ્વારા પાકિસ્તાનમાં 14 સુરક્ષાકર્મીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને ઈરાની આતંકવાદી પર હત્યા કરવાનો આરોપ મૂકીને તહેરાનને કાર્યવાહી કરવા માટે વિરોધ પત્ર પણ લખ્યો છે. આ પહેલા એપ્રિલમાં ક્વેટા ખાતે હજારા સમુદાયના શિયાપંથી મુસ્લિમોને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટમાં 45 જેટલા લોકો માર્યા ગયા હતા. આ હુમલાને પાકિસ્તાનની બહાર ખાસ મહત્વ પ્રચાર માધ્યમોમાં મળ્યું ન હતું. તો શુક્રવારે કાબુલમાં સરકારી સંસ્થાઓ પર આતંકી હુમલા થયા હતા.
આ તમામ આતંકી હુમલા સરખા નથી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થયેલા હુમલા સેના અને સરકારને નિશાન બનાવીને કરાયા છે. એક ક્વેટાના હુમલામાં ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવીને કરાયો હતો. પરંતુ સામ્યતા હુમલાની પદ્ધતિઓમાં હતી અને આ એક સંગઠનોનું નેટવર્ક છે કે જેઓ એકબીજા પાસેથી આતંકની રીત-રસમો શીખે છે. ખાસ કરીને તેઓ આઈએસઆઈએસ અને અન્ય તેના જેવા આતંકી સંગઠનો સાથે સંકળાયેલા છે. ખૂના-મરકીની પ્રવૃત્તિઓમાં હથોટી મેળવનારા અલકાયદા અને તેના જેવા અન્ય જૂથોના અનુભવો પરથી આઈએસઆઈએસ બન્યું છે.

પાકિસ્તાનના ટેરર નેટવર્કના કનેક્શનની તપાસ જરૂરી
શ્રીલંકાના હુમલાઓનું સ્પષ્ટ ચિત્ર ઉપસવાનું હજી બાકી છે. તેની પાછળ ખરા જવાબદાર કોણ છે, તેની તપાસ થઈ રહી છે. પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદનમાં શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાને વખોડયો છે અને તેઓ શ્રીલંકા સાથે હોવાનું પણ જણાવ્યું છે. પરંતુ આઈએસઆઈએસના દક્ષિણ એશિયા અને શ્રીલંકા સહીતના દેશોમાં ટેરર નેટવર્કના કનેક્શન પાકિસ્તાનમાં આઈએસઆઈ દ્વારા ઉભા કરવામાં આવેલા જેહાદી ટેરર નેટવર્ક સાથે હોવાની વાત પણ નકારી શકાય તેમ નથી. લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ કે અન્ય પાકિસ્તાની ટેરર ગ્રુપ પણ આઈએસઆઈએસના મોડ્યુલને લોજિસ્ટિક અને ટ્રેનિંગ જેવા સપોર્ટ આપતું હોવાની વાતની પણ વૈશ્વિક જાસૂસી એજન્સીઓએ તપાસ કરવી જરૂરી છે.
શ્રીલંકામાં ગૃહયુદ્ધના જખ્મો છે તાજા
આતંકવાદ સામે લડવાનો શ્રીલંકાનો ઈતિહાસ ઘણો લાંબો છે. પરંતુ તેની મોટાભાગની આતંક વિરુદ્ધની લડાઈ ભાગલાવાદી જૂથ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની ભાગલાવાદી ચળવળ સાથે હતી અને તેને 2009માં શ્રીલંકાએ હાર આપી હત. એલટીટીઈ બૌદ્ધ બહુલ શ્રીલંકામાં તમિલ હિંદુ લઘુમતીમાં મૂળિયા ધરાવતું હતું. શ્રીલંકાની કુલ વસ્તીમાં ખ્રિસ્તી માત્ર આઠ ટકા અને મુસ્લિમ 12 ટકા છે.
દક્ષિણ એશિયામાં આઈએસઆઈએસનો પગપેસારો
પરંતુ 2016માં ચોંકવાનારો ખુલાસો થયો હતો કે 32 શ્રીલંકન મુસ્લિમો આઈએસઆઈએસમાં સામેલ થયા છે અને તેમણે દેશ છોડી દીધો હતો. આમાના ઘણાં શિક્ષિત કુટુંબોમાંથી હતા અને તેને કારણે શ્રીલંકાના સત્તાવાળાઓને આશ્ચર્ય પણ લાગ્યું હતું. સ્થાનિક મુસ્લિમ સમુદાયે સરકારના નિવેદનને વખોડતા તેને શ્રીલંકન મુસ્લિમની છબી ખરાબ કરનારું ગણાવ્યું હતું. આઈએસના ઓસ્ટ્રેલિયન મેમ્બરે આવું જ દર્શાવ્યું હતું કે તેના એક “આદરણીય ચાચા” શ્રીલંકામાં તેમના ઘરે પાછા ફર્યા છે. કેટલાક અન્ય અહેવાલો સંકેતો આપી રહ્ય છે કે આઈએસના ભારત ખાતેના મેમ્બર્સના શ્રીલંકામાં સંપર્કો હોવાની શક્યતા છે અને આઈએસની હાર પછી સીરિયા-ઈરાકમાંથી પાછા ફરી રહેલા આઈએસના આતંકી ચિંતાનું કારણ પણ છે. બાંગ્લાદેશમાં કટ્ટરવાદની પ્રક્રિયા સાથે આ સમાનતા ધરાવે છે. 2016માં ઢાકા એટેક આઈએસથી પ્રેરીત શિક્ષિત આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમા પણ કાફેમાં વિદેશીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ભૂતકાળમાં ઈસ્ટર એટેક્સને ઈસ્લામિક આતંકી જૂથો દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાન, ઈજીપ્ત અને 2011ના ઈરાક ખાતેના આતંકી હુમલા સામેલ છે. જો કે શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાઓના સ્વરૂપની જટિલતા અને સંયોજન 2008ના મુંબઈ એટેક જેવા વધુ લાગી રહ્યા છે. તે વર્ષે 12 કોઓર્ડિનેટેડ બોમ્બિંગ અને શૂટિંગ એટેક મુંબઈ ખાતે થયા હતા, જેમાં તાજ હોટલનું કેફે, ઓબેરોયય ટ્રિડેન્ટ હોટલ અને યહુદીનું પ્રાર્થનાઘર સામેલ હતા. 2008ના મુંબઈ હુમલાને પાકિસ્તાની આતંકી જૂથ લશ્કરે તૈયબાએ કો-ઓર્ડિનેટ કર્યો હતો. મુંબઈ હુમલામાં શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોના સ્થાને બંદૂકધારીઓ દ્વારા નિર્દોષોની હત્યાઓ કરવામાં આવી હતી.
શ્રીલંકાના નેગૌમ્બોનું સેન્ટ સેબેસ્ટાઈન ચર્ચ, કોલંબોનું સેન્ટ એન્થની ચર્ચ અને બટ્ટિકાલોઆનું ઝિઓન ચર્ચને વિસ્ફોટમાં નિશાન બનાવાયા છે. જ્યારે કોલંબોની ત્રણ ફાઈવસ્ટાર હોટલો સિન્નામોન ગ્રાન્ડ, શાંગરી-લા અને કિંગ્સબરીને વિસ્ફોટથી નિશાન બનાવાઈ છે. આ ત્રણેય મુખ્ય હોટલો કોલંબોના મુખ્ય માર્ગ પર છે અને આ મુખ્ય માર્ગો શહેરના ઘણાં મુખ્ય વિસ્તારોને સાંકળે છે.
એપ્રિલમાં આપવામાં આવેલા એલર્ટમાં ચર્ચો અને શ્રીલંકા ખાતેના ઈન્ડિયન હાઈ કમિશનને નિશાન બનાવવાની કોશિશ સંદર્ભે સતર્ક રહેવા માટે શ્રીલંકાના પોલીસ પ્રમુખે નિર્દેશ આપ્યા હતા. કોલંબોમં જે હોટલોને નિશાન બનાવવામાં આવી છે, આ હોટલો હાઈકમિશનની ઓફિસની નજીક છે. સિક્યુરિટી નોટમાં એપ્રિલમાં ઈસ્લામિક જૂથ દ્વારા હુમલાના આયોજન સંદર્ભે કહેવામાં આવ્યું હતું.
પરંતુ ન્યૂઝીલેન્ડમાં થયેલા મસ્જિદો પરના બંદૂકધારીના હુમલા બાદ ધાર્મિક સ્થાનો અને પ્રાર્થનાસ્થળો પર હુમલાની શક્યતાને લઈને જાગૃતિ વધારવાની જરૂર છે. શ્રીલંકામાં શરૂઆતના અહેવાલો મુજબ મૃતકોનો આંકડો મોટો થવાના સંકેત મળી રહ્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે તાજેતરના સમયમાં આવા હુમલા સામાન્ય થઈ રહ્યા છે. અત્યાધુનિક ટેક્નોલોજી અને ઈન્ટેલિજન્સ શેયરિંગ છતાં સરકારોને આવા હુમલા અટકાવવા માટે કોઈ માર્ગ મળી રહ્યો નથી.
ભારતમાં સતર્કતા જરૂરી
શ્રીલંકાના આતંકવાદી હુમલામાં સામેલ એક આત્મઘાતી હુમલાખોર ઝહરાન હાશિમ સ્થાનિક મુસ્લિમ કટ્ટરવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાતનો અગ્રણી હતો અને ભારતમાંથી ફરાર ઈસ્લામિક ધર્મોપદેશક ડૉ. ઝાકિર નાઈકનો પ્રશંસક હતો. મહત્વપૂર્ણ છે કે ઢાકા એટેકના હુમલાખોરો પણ ઝાકિર નાઈકના પ્રશંસકો હતા. આ સિવાય આત્મઘાતી હુમલાખોરમાંથી એક ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં ઉચ્ચાભ્યાસ પણ કરી ચુક્યો હતો. તો આખા હુમલામાં શ્રીલંકાના એક અમીર મુસ્લિમ પરિવારની ભૂમિકા પણ ચોંકાવનારી હતી.
ભારત માટે નિસ્બતની વાત એ છે કે શ્રીલંકા ભારતથી બેહદ નજીક અને સાંસ્કૃતિક રીતે ગાઢ સંબંધ ધરાવનારો પાડોશી દેશ છે. તેની સાથે જ ઈસ્ટર પર શ્રીલંકામાં લોહી રેડનાર આત્મઘાતી હુમલાખોરોમાંથી મોટાભાગના તમિલ ભાષી શ્રીલંકન મુસ્લિમ હતા. જેને કારણે ભારતના દક્ષિણ ભારતના રાજ્યો ખાસ કરીને તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગાણામાં ટેરર નેટવર્કનો સળવળાટ શ્રીલંકાના આવા તત્વો સાથે અને વૈશ્વિક સ્તરે પણ જોડાયેલો હોવાની શક્યતાની એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવાની જરૂર છે. ભારતમાં પણ વર્ધા અને હૈદરાબાદ ખાતે આઈએસઆઈએસ સાથે સંકળાયેલા શકમંદોને ઝડપવા માટે દરોડાની કાર્યવાહી ઈસ્ટર પહેલા જ શરૂ થઈ હતી. તેના પહેલા પણ આઈએસની સાથે સંબંધિત મોડ્યુલનો પર્દાફાશ એનઆઈએના કેટલાક દરોડામાં પડયો હતો. જેને કારણે આઈએસઆઈએસનો અફઘાનિસ્તાન-પાકિસ્તાનથી ભારતીય ઉપખંડમાં પ્રવેશ માત્ર શ્રીલંકા માટે જ નહીં, પણ બાંગ્લાદેશ, મ્યાંમાર, ભારત, નેપાળ, ભૂટાન, ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશો માટે બેહદ વધારે છે. સીરિયા અને ઈરાકમાં નષ્ટ થઈ ચુકેલા આઈએસના આતંકીઓ ત્યાંથી પોતાના દેશોમાં પાછા ફરી રહ્યા છે અને અહીં તેઓ ઈસ્લામિક આતંકવાદની પ્રવૃત્તિઓને આગળ વધારવાની ફિરાકમાં છે. આવા લોકો ધાર્મિક વૈમનસ્યને બ્રેનવોશિંગ દ્વારા ફેલાવે છે.
આતંકવાદ સામેની લડાઈમાં દંભ ત્યાગો
પરંતુ આશ્ચર્યની વાત એ રહી છે કે ભારતમાં આતંકવાદનો ધર્મ ગણવામાં આવતો નથી. તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટર ઈસ્ટર પર ચર્ચોમાં માર્યા ગયેલા લોકોને ખ્રિસ્તી તરીકે ઉલ્લેખિત કરવાનો ઈન્કાર કરે છે. સવાલ એ છે કે માર્યા ગયેલા શું ખ્રિસ્તી સમુદાયના ન હતા અને જો હતા અને તેમનો ધાર્મિક ઓળખ સાથેનો ઉલ્લેખ નહીં કરવામાં આવે તો શું ઈસ્લામિક આતંકવાદ ફેલાવનારા આઈએસઆઈએસ દ્વારા તેમને છોડી દેવામાં આવશે? જો આમ થવાનું નથી તો માનવતા અને સેક્યુલારિઝમના દંભને કારણે આઈએસઆઈએસના આતંકીઓને ફાલવા-ફૂલવા માટે જે સમુદાયમાંથી જમીન મળે છે, તેમના તરફ સંભવિત પીડિતોને જાગૃત કરવા અને તેમ કરીને આવા સમુદાયોમાં આવી જમીન પુરી પાડનારા કે તેની સામે આંખ આડા કાન કરનારાઓ પર દબાણ વધારવામાં આવે તો તેમા હકીકતમાં નુકસાન શું છે?

No comments:

Post a Comment