Thursday, April 25, 2019

72 હજાર રૂપિયાની “લાંચ”થી કોંગ્રેસ હિંદુઓની પોલિટિકલ યુનિટી તોડી શકશે નહીં, 2019ની લોકસભા ચૂંટણીમાં હિંદુઓની પોલિટિકલ લિટરસીની અગ્નિપરીક્ષા



ચૂંટણી ટાણે હિંદુત્વને સીધી કે આડકતરી ગાળ આપીને દેશના બહુમતી હિંદુ સમાજની અવગણના કરવી ભારતના રાજકારણની છેલ્લા સાત દાયકામાં ફેશન બની ગઈ છે. જો કે આ ફેશનમાં 1989માં રામજન્મભૂમિ આંદોલન સાથે પરિવર્તન પણ દેખાઈ રહ્યું છે. જેના પરિણામે મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા કોંગ્રેસના નેતાઓ 2014 પછી પોતાની પાર્ટી મુસ્લિમ પાર્ટી બની ગઈ હોવાની ચિંતા વ્યક્ત કરવા લાગ્યા હતા. 2014માં 44ના આંકડે અટકી ગયેલી કોંગ્રેસ હવે 2019માં દેશની સત્તા ફરી એકવાર ખિચડી સરકારના માધ્યમથી યુપીએ-1 અને યુપીએ-2ની તર્જ પર ભોગવવા માંગે છે.
આના માટે કોંગ્રેસ છેલ્લા ત્રણ વર્ષથી બેહદ સક્રિયતા સાથે ભાજપના જનાધારમાં ગાબડાં પાડવાની પ્રતિસ્પર્ધી રાજકીય પાર્ટી તરીકે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેએનયુ કાંડમાં કન્હૈયા કુમાર અને તેના સાથીદારો પર ભારત તેરે ટુકડે હોંગે હજાર જેવા દેશદ્રોહી સૂત્રોચ્ચાર પોકારવાના મામલામાં પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આવા આરોપી તત્વો પાસે જઈને તેમનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. આ મામલે તપાસ પણ તેના તાર્કિત અંત સુધી પહોંચાડી શકાઈ નથી. ટુકડે-ટુકડે ગેંગના મોદી સરકારના વિરોધમાં ગેલમાં આવીને દેશભક્તો ધરાવતી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષનું કન્હૈયા કુમાર જેવા તત્વોના સમર્થનમાં જેએનયુ કાંડમાં જવું લોકોને ખૂંચવા લાગ્યું  હતું.
રોહિત વેમુલાની આત્મહત્યાનો મામલો હોય, તો તેના અનુસૂચિત જાતિના હોવા અથવા નહીં હોવાના વિવાદ વચ્ચે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને નિશાને લેવાની પોતાની રાજકીય તક માનીને રાજકીય રોટલા શેંકવાનું પુરેપુરી કોશિશો કરી હતી.
ગુજરાતના ઉના કાંડમાં પણ રાહુલ ગાંધી અન્ય વિપક્ષી સરકારને નિશાને લેવાની તક ઝડપી લઈને રાષ્ટ્રવાદના કારણે એકજૂટ થયેલા હિંદુ સમાજની રાજકીય એકતાને તોડવાના ઈરાદે જાતભાતની નિવેદનબાજી કરવા લાગ્યા. તેની સાથે ગુજરાતમાં અનામતના નામે પાટીદાર સમાજની રાજકીય એકતાને તોડીને કોંગ્રેસ પાર્ટીએ આંદોલનનો લાભ ખાંટવાની પુરેપુરી કોશિશો 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કરી હતી. આવું જાતિવાદી રાજકારણ કોંગ્રેસે માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દેશના અન્ય રાજ્યોમાં પણ ખેલવાનું શરૂ કર્યું અને હિંદુઓની રાજકીય એકતા તોડીને પોતે રાજકારણમાં પ્રાસંગિક બનાવવાની કોશિશો કરી હતી.
નામે દશ વર્ષની પોતાની આગેવાનીવાળી યુપીએ સરકારોમાં કોઈ ખાસ કામગીરી નહીં કરનાર કોંગ્રેસે મંદસૌરની ઘટના હોય કે મહારાષ્ટ્રના મામલા હોય ખેડૂત સમસ્યાના નામે મતની ખેતી કરવાના આશયથી માત્ર અસંતોષ અને આંદોલનો દ્વારા રાજકીય રોટલા શેકવાનો ઈરાદો જ રાખ્યો હતો. એક અહેવાલ મુજબ હાલ ભારતનો 40 ટકા જેટલો વિસ્તાર દુકાળની અસર નીચે છે, ખેડૂતોને આની સૌથી વધુ અસર થઈ રહી છે. પરંતુ તમામ પક્ષોની સાથે ખેડૂતોના નામે થોડા વખત પહેલા મગરના આંસુ સારનારી કોંગ્રેસ પણ મતોની ખેતી માટે પ્રચાર અભિયાનમાં આવી સમસ્યાના ઉલ્લેખ વગર લાગી ગઈ છે.
કોંગ્રેસનું ઘોષણા પત્ર પાંચ કરોડ ગરીબ પરિવારો એટલે કે અંદાજે 22થી 25 કરોડ લોકોને ફાયદો કરનારી ન્યૂનતમ લઘુત્તમ આવક યોજના ન્યાય હેઠળ વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી દેવામાં આવી. યુવાવર્ગ માટે 22 લાખ સરકારી નોકરીઓનો વાયદો કરી દેવામાં આવ્યો. આમ કરીને રફાલ હોય કે સૂટ-બૂટની સરકારના નામે ઉદ્યોગપતિઓની મદદગાર સરકારના નામે લગાવેલા પોતાના આરોપોથી ઉભી થયેલી કોઈ સમજને મતમાં પરિવર્તિત કરવા માટે કોંગ્રેસે એક રણનીતિ હેઠળ ગરીબ અને યુવાવર્ગ કે જે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે મોટાભાગે રહ્યો હતો તેને ભાજપથી દૂર કરીને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી છે. 2009ની લોકસભા ચૂંટણી યાદ કરો. તેના થોડાક મહિનાઓ પહેલા 26-11ના મુંબઈ એટેક બાદ 70 હજાર કરોડ રૂપિયાની દેવામાફીનો મામલો યાદ કરો. 2008માં મુંબઈ એટેકમાં ઉણી ઉતરેલી કોંગ્રેસની આગેવાનીવાળી તત્કાલિન યુપીએ-1 સરકારની ભૂલો દબાઈ ગઈ અને 2009માં યુપીએ ફરીથી જીતીને સત્તામાં આવ્યું.
પુલવામા એટેક બાદ મોદી સરકારે કરેલી એરસ્ટ્રાઈક હોય કે ઉરી એટેક બાદની સર્જિકલ સ્ટ્રાઈક કે મ્યાંમારમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક. આ તમામ કાર્યવાહી ભારતની બદલાઈ રહેલી સૈન્ય રણનીતિનો ભાગ છે અને આ બધું મોદી સરકારના કાર્યકાળમાં થઈ રહ્યું છે. દક્ષિણ એશિયાના બદલાઈ રહેલા સામરીક સંતુલન અને વ્યૂહાત્મક પડકારો વચ્ચે ભારતને સૈન્ય રણનીતિ બદલવાની બિલકુલ જરૂર છે, એવી વાત વર્ષોથી સૈન્ય રણનીતિકારો કરતા રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો દ્વારા આની સામે શંકાનું વાતાવરણ પેદા કરીને મોદી સરકારની રણનીતિને ઉતારી પાડવામાં દેશહિત અને રાષ્ટ્રહિતનું પણ ધ્યાન રાખવાની દરકાર રાખવામાં આવી નથી.
આવા સંજોગોમાં બદલાઈ રહેલા અને કંઈક અંશે એન્ટિ-ઈન્કમ્બન્સીમાં મોટી ઓટ લાવનારી મોદી સરકારની કાર્યવાહીથી વિચલિત થઈને કોંગ્રેસના નેતાઓ દ્વારા પાકિસ્તાનમાં તાળીઓ પડે તેવી નિવેદનબાજીઓ સતત થતી રહી છે. આના પડઘા કોંગ્રેસના ઘોષણાપત્રમાં પણ જોવા મળ્યા છે. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કાશ્મીરમાં બિનશરતી રીતે ભાગલાવાદીઓ સાથે વાતચીત, સૈન્યની રાજ્યમાં તેનાતીમાં ઘટાડો, એએફએસપીએની સમીક્ષા અને પાકિસ્તાન નીતિને લઈને વાયદા કર્યા છે. જમ્મુ-કાશ્મીરના સંપૂર્ણ વિલિનીકરણની અનુભૂતિમાં અડચણરૂપ બંધારણની કલમ-370 અને જમ્મુ-કાશ્મીરના બંધારણની સિટિજનશિપને અનુલક્ષીને કલમ-35એને હટાવવાના સ્થાને કલમ-370 યથાવત રાખવાનો વાયદો પણ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં કર્યો છે. તેની સાથે જમ્મુ-કાશ્મીરમાં અલગ પીએમ અને રાષ્ટ્રપ્રમુખની વાત કરનારી નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા સાથે કોંગ્રેસે પોતાની દોસ્તી પણ યથાવત રાખી છે. એક સમયે ભાજપ સાથે સરકારમાં સામેલ રહેલા પીડીપીના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પણ ઓમર અબ્દુલ્લાના સૂરમાં સૂર મિલાવીને કાશ્મીરના ભારત સાથેના જોડાણને રદ્દ કરવાની વાતો કરીને ભાગલાવાદી પાકિસ્તાન પરસ્તોને મજબૂત કરવાની હિંમત કરી રહ્યા છે. આ પાકિસ્તાન પરસ્ત ભાગલાવાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રવાહના પક્ષોના નેતાઓને કોંગ્રેસનું સમર્થન મજબૂત કરવાનું કામ કરી રહ્યું છે.
હકીકતમાં તો ભારતહિતમાં આવા ભાગલાવાદી સૂરોને દબાવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહીતના દેશના તમામ રાજકીય પક્ષોએ એકજૂટ થઈને આવા તત્વોને વખોડી કાઢવા અને તેમને નિયંત્રિત કરવા માટે એકજૂટ થવું જોઈએ. પરંતુ આવું થઈ રહ્યું નથી, તેનું કારણ ભારતમાં 14 ટકા જેટલા મુસ્લિમો અને તેમની 18 કરોડ જેટલી વસ્તીને પોતાની સાથે રાખીને હિંદુ એકતા તોડીને તેને જાતિઓમાં વિભાજીત કરીને ઉભા થનારા મત સમીકરણોની મદદથી દિલ્હીની ગાદી પર ચઢી બેસવાની મનસા સેવાઈ રહી છે.  1989થી 2014 અને હજી પણ હિંદુઓની રાજકીય એકતા દેખાડવાની ઈચ્છા છતા હિંદુ આકાંક્ષાઓ અપૂર્ણ છે. પરંતુ તેનો પણ ફાયદો ઉઠાવીને હિંદુઓની રાજકીય એકતાને તોડવાની કોશિશો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પુરજોરથી કરાઈ રહી છે.
આવા સંજોગોમાં હિંદુઓની રાજકીય એકતા ભારતના નવનિર્માણનો મેન્ડેટ છે. પરંતુ ભારત સોફ્ટ પાવર રહે, ભારત ચીન-પાકિસ્તાન હોય કે બીજું કોઈ માથું ઉંચકી શકે નહીં તેવું રહીને વૈશ્વિક બજાર બનીને રહી જાય તેના માટે કામ કરતા પરિબળોની સીધી અને આડકતરી અસર નીચે ભારતમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓમાં હિંદુઓની પોલિટિકલ યુનિટીને તોડવાની કોશિશો આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. 2019ની લોકસભાની ચૂંટણી ભારતના હિંદુઓની પોલિટિકલ લિટરસી એટલે કે હિંદુઓની રાજકીય સાક્ષરતાની પણ અગ્નિપરીક્ષા છે. શું વાર્ષિક 72 હજાર રૂપિયાના વાયદા અથવા તો 22 લાખ નોકરીઓના વાયદાઓથી જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનને મદદગાર થનારી સાબિત થનારી નીતિને અનુલક્ષીને કરાયેલા વાયદા પુરા કરવાની વાત કરનાર પક્ષને સત્તામાં આવવા દઈ શકાય? ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને અફઝલ ગુરુના મહિમામંડન કરનારા જેએનયુના ટુકડે-ટુકડે ગેંગના સભ્યોને મજબૂત કરનારા ટાડા અને પોટાને હટાવનારા તત્વોની દેશદ્રોહના ગુનાને જ ખતમ કરીને દેશદ્રોહની આઝાદી આપવાના વાયદો આપનારા તત્વોને દેશનું સુકાન સોંપી શકાય?

ચૂંટણીઓ આવે ત્યારે સંસદમાં મુસ્લિમોના પ્રતિનિધિત્વની ટકાવારી કાઢનારાઓ ટેલિવિઝન ચેનલો અને અખબારો-મેગેઝીનોમાં ચિંતાઓ વ્યક્ત કરતા જોવા મળે છે. પરંતુ ભારતની ઓળખ એવા હિંદુઓની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય આકાંક્ષાઓને કેટલું પ્રતિનિધિત્વ સાત દાયકામાં સરકારોએ કેટલું આપ્યું તેની કોઈ ચર્ચા કરવામાં આવતી નથી.
કેટલાક તથ્યો પણ ચકાસવા જરૂરી છે. ભારતમાં મતબેંકના રાજકારણમાં પાકિસ્તાનની નીતિ અને કાશ્મીર નીતિ સાથે મધ્ય-પૂર્વ એશિયાની પોલિસીને મુસ્લિમ સેન્ટિમેન્ટ સાથે જોડીને તેમના વોટનો વેપાર ભારતમાં આઝાદી પછી શરૂ થયો છે. ભારત તેની સાંસ્કૃતિક ઓળખથી દૂર રહ્યું છે, કારણ કે ભારતના મુસ્લિમને દેશના મુખ્યપ્રવાહથી અલગ રાખવામાં આવ્યો છે. ટ્રિપલ તલાકની પ્રથાને દૂર કરવા થઈ રહેલી કોશિશો વિશુદ્ધપણે મુસ્લિમ મહિલાઓને તેમના ગૌરવની સુરક્ષા માટે જરૂરી છે અને તેનો પાકિસ્તાન સહીતના ઈસ્લામિક દેશોમાં અમલ છે. પરંતુ ભારતમાં આની સામે રાજકારણ ચાલી રહ્યું છે. કોંગ્રેસે સત્તામાં આવીને ટ્રિપલ તલાક સામેના કાયદાને દૂર કરવાનો વાયદો પણ કર્યો છે. શું આ મુસ્લિમ મહિલાઓના અધિકારોની સુરક્ષા કરનારો વાયદો છે તેનો જવાબ પણ કોંગ્રેસના નેતાઓએ આપવો જોઈએ.
ભારતમાં હિંદુ બહુલ રાજ્યો બિહાર અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો ભાગલા પછીના ત્રણ દાયકાના ગાળામાં મુખ્યપ્રધાનો થઈ શકે છે. પરંતુ ભારતની આઝાદીના સાત દાયકા બાદ પણ જમ્મુ-કાશ્મીરમાં માત્ર કાશ્મીરમાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં હિંદુ અથવા બૌદ્ધ મુખ્યપ્રધાન બની શકે તેમ નથી. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં હિંદુ-બૌદ્ધ પ્રતિનિધિત્વની ચિંતા નહીં કરનારાઓને ભારતની સંસદમાં અને અન્ય રાજ્યોની વિધાનસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વને લઈને ચિંતા થવા લાગે છે અને તેની પાછળ પણ મતબેંકનું રાજકારણ જોરશોરથી ચલાવાય છે.
હકીકતે તો હિંદુઓની પોલિટિકલ લિટરસી અને હિંદુઓની પોલિટિકલ યુનિટી ભારતમાંથી મતબેંકના રાજકારણને દેશવટો આપી શકે તેમ છે. સવાલ એ છે કે હિંદુ બહુલ લોકસભા બેઠકો પરથી મુસ્લિમો ચૂંટાવાના દાખલા ભૂતકાળમાં બની શક્યા છે, તો મુસ્લિમના પ્રતિનિધિત્વના નામે રાજકીય ખેલ શરૂ કરીને ભારતમાં ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ ભારતીયોમાં વિભેદ માટે કેમ ખેલવામાં આવે છે.
હકીકત એ પણ છે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મજબૂત થવાને કારણે ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના મજબૂત થવાને કારણે મુસ્લિમ સાંસદોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે લડાઈ મુસ્લિમોને મુખ્યપ્રવાહમાં ભેળવવાની કોશિશ કરનારા અને મુસ્લિમોને ભારતના મુખ્યપ્રવાહથી દૂર રાખીને વોટબેંક તરીકે તેમની સાથે વ્યવહાર કરનારા રાજકીય ધ્રુવો વચ્ચેની છે.
1984માં આઠમી લોકસભામાં ભાજપના માત્ર બે સાંસદો હતા અને ત્યારે લોકસભામાં 46 મુસ્લિમ સાંસદો ચૂંટાઈને આવ્યા હતા. જ્યારે 2014માં ભાજપના સૌથી વધુ 282 સાંસદો જીત્યા હતા અને મુસ્લિમ સાંસદોની સંખ્યા લોકસભામાં ઘટીને 22 પર પહોંચી હતી. 2014માં ભારતમાં સૌથી વધુ મુસ્લિમ મતદાતાઓ ધરાવતા યુપીની 80માંથી એકપણ બેઠક પર મુસ્લિમ સાંસદ ચૂંટાયો ન હતો. જો કે 2018માં કેરાના લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં આરએલડીના તબસ્સુમ હસનની જીત સાથે લોકસભામાં 23 મુસ્લિમ સાંસદો થયા હતા.
2011ની વસ્તીગણતરી મુજબ, દેશમાં મુસ્લિમોની વસ્તી 14.2 ટકા છે. વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વના તર્કની તરફેણમાં કહેવામાં આવે છે કે 545 સાંસદોવાળી લોકસભામાં 77 મુસ્લિમ સાંસદો હોવા જોઈએ. પરંતુ કોઈપણ લોકસભામાં 77 મુસ્લિમ સાંસદો ચૂંટાઈને ગૃહમાં પહોંચી શક્યા નથી.
ભાગલા સાથેની આઝાદી બાદ યોજાયેલી 1951-52ની પહેલી લોકસભાની ચૂંટણીમાં માત્ર 21 મુસ્લિમો ચૂંટાયા હતા અને ત્યારે લોકસભામાં સાંસદોની કુલ સંખ્યા 489 હતી. પહેલી લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ 4.29 ટકા હતું.
તો 2014માં યોજાયેલી 16મી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ આઝાદી બાદ સૌથી ઓછું રહ્યું હતું. લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થવા સુધીમાં 545માંથી 23 મુસ્લિમ સાંસદો હતા અને તે 4.24 ટકા થાય છે. 16મી લોકસભામા દેશના માત્ર સાત રાજ્યમાંથી મુસ્લિમો સાંસદ તરીકે ચૂંટાયા હતા. સૌથી વધુ આઠ સાંસદો પશ્ચિમ બંગાળ, બિહારથી ચાર, જમ્મુ-કાશ્મીરથી ત્રણ, કેરળથી ત્રણ, આસામથી બે અને તમિલનાડુ-તેલંગાણાથી એક-એક મુસ્લિમ સાંસદ જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. આ સિવાય કેન્દ્રશાસિત લક્ષદ્વીપથી એક મુસ્લિમ સાંસદ અને પેટાચૂંટણીમાં યુપીથી એક મુસ્લિમ સાંસદ લોકસભામાં ગયા હતા. યુપી સિવાયના આ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દેશના 46 ટકા મુસ્લિમો વસવાટ કરે છે અને તેમા 179 લોકસભા બેઠકો છે. દેશના બાકીના 22 રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવાર ચૂંટાયા ન હતા. જેમાં દેશના 54 ટકા મુસ્લિમો રહે છે અને લોકસભાની 364 બેઠકો આવે છે. તેમ છતાં આ 22 રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 2014માં એકપણ મુસ્લિમ ઉમેદવાર જીત્યો ન હતો.
પહેલી લોકસભાથી લઈને છઠ્ઠી લોકસભા સુધી મુસ્લિમ પ્રતિનિધિત્વ સંસદમાં ધીરેધીરે વધ્યું અને તેની પાછળ જાતિવાદી રાજકારણ અને મતબેંક તરીકે મુસ્લિમ વોટરોને મળી રહેલી પોલિટિકલ ટ્રીટમેન્ટ જવાબદાર હતી.
પહેલી લોકસભામાં માત્ર 21 મુસ્લિમ સાંસદો ચૂંટાયા હતા અને છઠ્ઠી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 34 પર પહોંચી હતી. લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ પહેલી લોકસભાથી છઠ્ઠી લોકસભા સુધીમાં 4.29 ટકાથી 6.2 ટકા સુધી પહોંચ્યું
સાતમી લોકસભામાં મુસ્લિમ પ્રતિનિધિત્વ 9.26 ટકા એટલે કે 49 સાંસદોનું થયું. આઠમી લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 46 અને 1989માં રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત સાથે મુસ્લિમ સાંસદોની સંખ્યા 33 પર પહોંચી હતી.
આ સમયગાળામાં હિંદુઓની પોલિટિકલ લિટરસી પરિપકવ બની અને પોલિટિકલ યુનિટીમાં ફેરવાઈ તેનો સીધો ફાયદો ભાજપના સાંસદોમાં વધારા તરીકે સામે આવ્યો અને તેની અસર હેઠળ મતબેંકના રાજકારણને કારણે વધેલી મુસ્લિમ સાંસદોની સંખ્યામાં ઘટાડા સ્વરૂપે જોવા મળી હતી.
1989માં ભાજપના 86 સાંસદો જીત્યા અને મુસ્લિમ સાંસદો 46થી 13ના ઘટાડા સાથે 33 પર આવી ગયા હતા. 1991માં ભાજપના 120 સાંસદો હતા અને ત્યારે મુસ્લિમ સાંસદોની સંખ્યામાં પાંચના ઘટાડા સાથે 28ની થઈ હતી. 1996માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 163 બેઠકો જીતી અને મુસ્લિમ સાંસદો ત્યારે 28ના 28 રહ્યા હતા. 1998માં ભાજપના 182 સાંસદો અને મુસ્લિમ સાંસદો એકના વધારા સાથે 29 થયા હતા. 1999માં ભાજપે ફરીથી 182 બેઠકો મેળવી અને મુસ્લિમ સાંસદોમાં ત્રણના વધારા સાથે 32 એ પહોંચ્યા હતા. 2004માં ભાજપ જેવી 182 બેઠકો પરથી 138 બેઠકો પર પહોંચ્યું તો મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને 36 પર પહોંચી હતી. 2009માં 15મી લોકસભા માટેની ચૂંટણીમાં ભાજપ 116 પર પહોંચ્યું અને મુસ્લિમ સાંસદોની સંખ્યા અપવાદરૂપ છના ઘટાડા સાથે 30 પર પહોંચી હતી.

1996થી 1999 દરમિયાન ભાજપની બેઠકોમાં વધારા છતાં મુસ્લિમ સાંસદો વધવા પાછળ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોમાં મતબેંકના વિભાજનની અસર ઓછી થવાનું પરિબળ કારણભૂત હતું. તો 2004 કરતા 2009માં ભાજપની બેઠકો ઘટવા છતાં મુસ્લિમ સાંસદો ઘટવા પાછળ મુસ્લિમ સામે મુસ્લિમ અને મુસ્લિમ ઉમેદવારને ઓછા ઉભા રાખીને જાતિ સમીકરણો સાધવાની રાજકીય પક્ષોની વ્યૂહરચના કારણભૂત રહી હતી.
જો કે 2014ની હિંદુઓની પોલિટિકલ યૂનિટી ખરેખર નેશનલ પોલિટિકલ યૂનિટી સાબિત થઈ હતી અને તેને કારણે ત્રીસ વર્ષના ગઠબંધનની રાજકીય મજબૂરીના સ્થાને મજબૂત સરકારને જનતાએ સત્તા સોંપી હતી.
હવે 2019માં ગરીબ-મધ્યમ વર્ગ, જાતિઓમાં વિભાજીત કરીને હિંદુઓની પોલિટિકલ યુનિટીને તોડવાની પુરજોર કોશિશ સાથેની એક ચૂંટણી યોજાઈ રહી છે. હિંદુઓની રાજકીય ઠગાઈ માટે ટેમ્પલ રન અને સોફ્ટ હિંદુત્વના કારસા પણ કરાઈ રહ્યા છે. (જો કે હિંદુઓ પોતાની પોલિટિકલ યુનિટી તોડયા વગર પણ હિંદુ આકાંક્ષાઓના પૂર્ણ-અપૂર્ણ રહેવાનો હિસાબ લેશે.) વોટયાત્રા સ્વરૂપે ગંગાયાત્રા અને મત માટે ટેમ્પલ રનથી હિંદુ ઠગાય નહીં, 72 હજાર રૂપિયા વાર્ષિક આપવાના વાયદાને કારણે હિંદુ પોતાની પોલિટિકલ યુનિટી તોડીને દેશને ટુકડે-ટુકડે ગેંગ અને પાકિસ્તાન પરસ્તો ભાગલાવાદીઓના હાથમાં જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય છોડી શકે નહીં, તેવી એક પોલિટિકલ લિટરસીની અગ્નિપરીક્ષા 2019ની લોકસભાની ચૂંટણીમાં થવાની છે. આ હિંદુઓની પોલિટિકલ યુનિટીની અગ્નિપરીક્ષા છે. હિંદુઓની પોલિટિકલ યુનિટીની અગ્નિપરીક્ષામાં પાસ થયા બાદ સત્તામાં આવનારી સરકારે પણ હિંદુઓની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની અગ્નિપરીક્ષાઓ આપવી પડશે. સંઘર્ષ ઘણો મોટો છે, પણ ભીષણ રાજકીય ઘર્ષણ બાદ જીત હિંદુ આકાંક્ષાઓની જ થશે.



No comments:

Post a Comment