Thursday, April 25, 2019

જો જમ્મુ-કાશ્મીરની “આઝાદી”ની વાત કરવી હોય, તો ભારત માટે “હિંદુ ઓળખ સાથેના પ્રજાસત્તાક” બનવવાની ક્રાંતિની વાતનો જ વિકલ્પ



કલમ-370 અને કલમ-35એને કોઈની પણ પરવાહ કર્યા વગર જમ્મુ-કાશ્મીરમાંથી હટાવો
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જાના માટેનો અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ બંને જોગવાઈઓ અહીં ભાગલાવાદી માનસિકતા અને પાકિસ્તાન પ્રેરીત આતંકવાદને મજબૂત કરવાનું કામ કરી રહી છે. આ જોગવાઈને દૂર કરવાની વાત ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી હતી અને તેમણે જમ્મુ-કાશ્મીરના ભારત સાથેના એકીકરણની ઉણપોને દૂર કરવા માટેના મુદ્દા ઉઠાવતા પોતાના પ્રાણોની આહુતિ રાષ્ટ્રયજ્ઞમાં આપી દીધી છે. ભારતીય જનસંઘનું 2.0 વર્ઝન ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી કલમ-370 નાબૂદ કરવાનો વાયદો દરેક ચૂંટણી ઢંઢેરામાં કરતી આવી છે. 13 દિવસ, 13 માસ અને બે ટર્મ કેન્દ્રમાં સરકાર બનાવનારી ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષ બાદની પહેલી બહુમતી ધરાવતી સરકારની પૂર્ણ થતી ટર્મ બાદ ફરી એકવાર કલમ-370 અને કલમ-35એ દૂર કરવાનો વાયદો કર્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો વાયદો રાષ્ટ્રવાદી લાગણીઓને અનુરૂપ છે. જો કે કમનસીબે આના માટે ખૂબ ઓછી કામગીરી થઈ છે. પહેલા મુફ્તિ મોહમ્મદ સઈદ અને બાદમાં મહબૂબા મુફ્તિની બનેલી પીડીપી સાથે ભાજપે જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકાર ચલાવી હતી. આ ગઠબંધન સરકાર પીડીપીના મહબૂબા મુફ્તિની ભાગલાવાદીઓ અને પાકિસ્તાન પ્રેરીત આતંકવાદીઓ પ્રત્યેની મહોબ્બતને કારણે ભાજપ દ્વારા ટેકો પાછો ખેંચવાથી તૂટી ગઈ. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પણ વડાપ્રધાન મોદીએ ભાજપ અને પીડીપીના ગઠબંધનને મિલાવટ ગણાવી હતી.
ભાજપ દ્વારા ચૂંટણીનું સંકલ્પપત્ર રજૂ કરવામાં આપવામાં આવેલા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને કલમ-35એની નાબૂદીના વાયદા બાદ જમ્મુ-કાશ્મીરના કથિત મુખ્યપ્રવાહના રાજકીય પક્ષોના નેતાઓના વાસ્તવિક હિંદુવિરોધી માનસકિતાથી તરબતર ભારતદ્રોહી ચહેરાઓ સામે આવ્યા છે.
આમાના ત્રણ નેતાઓના નિવેદનો પર એક નજર કરીએ.
જમ્મુ-કાશ્મીરની સમસ્યામાં પંડિત જવાહરલાલ નહેરુના સાથીદાર રહેલા શેખ અબ્દુલ્લાના પુત્ર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની દેશદ્રોહી ભાષા ખરેખર અચરજ પમાડનારી છે અને રામાયણની ચોપાઈ ગાવાનો દંભ અને રામમંદિર નિર્માણની વાત કરવાનો દંભ તેમની તાજેતરની ટીપ્પણીઓથી ઉજાગર થઈ જાય છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન રહી ચુકેલા અને કેન્દ્રીય પ્રધાન પદે પણ વિરાજી ચુકેલા ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે બંધારણના અનુચ્છેદ-370ના સમાપ્ત કરવાથી જમ્મુ-કાશ્મીરના લોકો માટે આઝાદીનો રસ્તો સાફ થઈ જશે. કાશ્મીરમાં કોઈ ભારતનો ઝંડો ફરકાવનારું નહીં હોય અને ભાજપે દિલોને જોડવાની કોશિશ કરવી જોઈએ, તેને તોડવાની નહીં. ફારુક અબ્દુલ્લાએ એમ પણ કહ્યુ હતુ કે હા, જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય છે અને તેમા કોઈ શંકા નથી.
ફારુક અબ્દુલ્લાએ એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં એવી પણ ધમકી આપી છે કે કાશ્મીરમાં ફ્રાંસ જેવી ક્રાંતિ થઈ શકે છે. અમે ઈજ્જતથી ભારતની સાથે રહેવા માંગીએ છીએ, પરંતુ બેઈજ્જતી સહીશું નહીં. ફારુક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાનું નિવેદન પણ બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાનલ્લાહ જેવો ઘાટ રચતું છે. મહત્વપૂર્ણ છે કે આના લગભગ એક સપ્તાહ પહેલા ફારુક અબ્દુલ્લાના પુત્ર અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે નેશનલ કોન્ફરન્સ (કોંગ્રેસ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહી છે) જમ્મુ-કાશ્મીરમાં સ્વાયત્તતાને બહાલ કરવા માટે આકરી મહેનત કરશે અને તેમા એક રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું હોવું સામેલ છે.
પીડીપીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ ઉર્દૂ શાયર અલ્લામા ઈકબાલનો એક શેયર પઢતા કહ્યું હતું કે ના મસજોગે તો મિટ જાઓગે એ હિંદુસ્તાં વાલો, તુમ્હારી દાસ્તાં તક ભી ના હોગી દાસ્તાનોં મેં. અદાલતમાં સમય કેમ ગુમાવીએ. ભાજપ તરફથી કલમ-370ને સમાપ્ત કરવાની રાહ જોઈએ. તે અમને આપોઆપ ચૂંટણી લડવાથી રોકી દેશે, કારણ કે ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં લાગુ નહીં થાય. કલમ-370ની નાબૂદી આગની સાથે રમત હોવાનું જણાવીને મહબૂબા મુફ્તિએ આખું ભારત સળગશે તેવી ધમકી પણ ઉચ્ચારી છે. મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે મારી ભાજપને ચેતવણી છે કે તેઓ આગની સાથે રમવાનું બંધ કરે. જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટક છે. જો તમે ચિંગારી લગાવશો,બધું આગની લપેટોમાં હશે. કોઈ જમ્મુ-કાશ્મીર અને ભારત નહીં હોય.
ભારતના મુખ્યપ્રવાહની રાજનીતિમાં હિંદુ બહુલ ભારત સામે ઘૃણા ધરાવતો ભારતદ્રોહ ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિના મોંઢા ખુલવાથી ખુલ્લો પડી ગયો છે. તેની સાથે જ પાકિસ્તાન જેવી ભાષા બોલતું કોંગ્રેસનું ઘોષણાપત્ર આવા દેશદ્રોહી તત્વોને દેશદ્રોહની આઝાદી આપતું દેખાઈ રહ્યું છે. કલમ-370 અને કલમ-35એ દૂર કરવાના ભાજપના રાષ્ટ્રવાદી વાયદા પર ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુલ હોવાનું યાદ કરાવીને રાજ્યની આઝાદીની વાતો કરે છે, ત્યારે ફારુક અબ્દુલ્લા જેવા તત્વોને યાદ રાખવું જોઈએ કે ભારત પણ એક હિંદુ બહુલ દેશ છે. સાંસ્કૃતિક ઓળખની કચડી નાખવામાં આવેલી હિંદુઓની લાગણીઓને દેશના મુખ્યપ્રવાહના જે રાજકીય પક્ષો અણદેખી કરીને તેને ટેમ્પલ રન અને સોફ્ટ હિંદુત્વના નામે દબાવી રાખવાની કે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે, તેમણે પણ યાદ રાખવું જોઈએ ભારતનો હિંદુ બિચારો અને બાપડો નથી. નવા ભારતનો નવી માનસિકતાવાળો હિંદુ હવે એકજૂટ થઈને દેશદ્રોહી તત્વોને વધુ દેશદ્રોહ કરવાની આઝાદી આપવાના વાયદા કરનારાઓની સાથે રહેવાનો નથી. જ્યાં સુધી સવાલ જમ્મુ-કાશ્મીરનો છે, તો પહેલા કહેવાતું હતું કે દૂધ માંગોગે ખીર દેંગે, કશ્મીર માંગોગે ચીર દેંગે. હવે દૂધ અને ખીર પણ નહીં મળે અને કાશ્મીરને આંખ ઉઠાવીને જોનારને ચીરી નાખવામાં આવશે. ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિ જેવા નેતાઓનો ભારતદ્રોહી વાણીવિલાસ ભારતના હિંદુઓને તેમના સેક્યુલર વ્યવહારમાં પરિવર્તનનું કારણ પણ બનશે. આના કેવા પરિણામો આવશે તેની પણ કાશ્મીરના ભાગલાવાદી અને આતંકવાદીઓ માટે કૂણી લાગણીઓ ધરાવતા છદ્મ રીતે પાકિસ્તાન પરસ્ત માનસિકતા ધરાવતા નેતાઓને કોઈ ગતાગમ છે ખરી?
જો કલમ-370 અને કલમ-35એના સમાપ્ત થવાથી ભારતમાંથી જમ્મુ-કાશ્મીરની આઝાદીની વાતો થવા લાગતી હોય અને આખા ભારતના સળગવાની ધમકીઓ અપાતી હોય, તો આવી ધમકી આપનારા પાકિસ્તાનવાદી આતંકવાદ અને ભાગલાવાદીને ટેકો આપનારા તત્વોએ જાણી લેવું જોઈએ કે ભારત હિંદુ રાષ્ટ્ર, તો છે પરંતુ આવી સ્થિતિ રિપબ્લિક ઓફ ઈન્ડિયાને હિંદુ ઓળખ સાથેના પ્રજાસત્તાકમાં ઘોષિતપણે ફેરવવાની એક નવી દિશા પણ ખુલી શકે છે. હિંદુની જીવનશૈલી સેક્યુલર છે, તેને કારણે જ ભારત સાત દાયકાથી વધુ સમયથી સેક્યુલર છે. પરંતુ મુસ્લિમ વોટબેંકના નામે હિંદુઓને અઘોષિતપણે બીજા દરજ્જાના નાગરિકો બનાવવા માટે ખેલવામાં આવતા જાતિવાદી રાજકારણ ખેલનારા તત્વોએ ખરેખર ચેતી જવું પડશે. હવે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વધુ ચાલવાની નથી. 2014ની લોકસભા ચૂંટણી તો તેનું એક ટ્રેલર માત્ર હતી. પરંતુ પુરું પિક્ચર ઈન્ટરવલ વગરનું અમે ભારતના લોકો દ્વારા રિલિઝ થવાનું બાકી છે.

સહારનપુરમાં સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસના ઉમેદવાર મુસ્લિમ છે. ત્યારે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ દ્વારા મુસ્લિમ મતોના વિભાજન નહીં કરવાની ચૂંટણીલક્ષી હાકલ જણાવે છે કે ભારતના રાજકીય નેતાઓની માનસિકતા શું છે? શું મુસ્લિમ મતો વિભાજીત નહીં થવાની હાકલ, હિંદુઓને તેમના વોટના ભાગલા નહીં પાડવા માટેનું આહવાન નહીં બને

માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓની મુસ્લિમ મતોને વિભાજીત નહીં થવા દેવાની હાકલો ખરેખર ભારતના હિંદુઓએ સમાજવા જેવી છે. પાકિસ્તાની આતંકવાદને સમાપ્ત કરવા માટે એક-એકથી ચડિયાતા વાયદા ચૂંટણી ઢંઢેરામાં અપાતા નથી. ભારત વિરોધી પ્રવૃત્તિઓને ડામવા માટેના વાયદા કરાતા નથી. રાષ્ટ્રીય અસ્મિતા અને એકતા માટે ખતરારૂપ મામલાઓ સંદર્ભે આવા પક્ષોના ઢંઢેરામાં કંઈ જ હોતું નથી. ભાજપના ચૂંટણી ઢંઢેરા બાદ એક અખબારની હેડલાઈન હતી કે રોજગારવિહીન રાષ્ટ્રવાદનો વાયદો, પરંતુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પછી આવા કોઈ અખબારે એવી હેડલાઈન કેમ બનાવી નહીં કે રાષ્ટ્રવાદવિહીન રોજગારનો વાયદો?  

આ આખો મામલો ભારતના હિંદુઓ માટે ઊંડાણપૂર્વક સમજવાનો છે. ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરતો હોય છે અને તેને ભૂલી જવામાં આવે તો પરિણામો પણ ભૂતકાળ જેવા જ આપતો હોય છે. ત્યારે 1947ના ભાગલા અને તેના પહેલાના ઐતિહાસિક ઘટનાક્રમને ભારતના હિંદુઓએ ભૂલવો જોઈએ નહીં અને વિરાટ હિંદુ શક્તિના થયેલા પ્રાદૂર્ભાવથી દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહી અને હિંદુદ્રોહી વાયદાઓનો વેપલો કરનારાઓને પદાર્થપાઠ ભણાવવા માટે વધુમાં વધુ વોટિંગ કરવામાં આવે, રાષ્ટ્રવાદી શક્તિઓને મજબૂત કરવામાં આવે. ભારતનું ભવિષ્ય તેની વિરાટ હિંદુ શક્તિના જાગવા અને સક્રિય રહેવા સાથે જોડાયું છે. વિરાટ હિંદુ શક્તિની વાત કરીએ ત્યારે તેને માત્ર સાંસ્કૃતિક, ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિ સુધી મર્યાદીત રાખીએ નહીં. આવી વિરાટ હિંદુ શક્તિ રાજકીય એકતાના દર્શનથી પણ આપીએ. જેથી ચૂંટણી મત ખરીદવાની લાંચરૂપ વાર્ષિક 72 હજાર રૂપિયાના વાયદાના સ્થાને ભારતનું લોહી વહેવડાવનારાઓને મૂળમાંથી ખતમ કરવાના વાયદાઓની સ્પર્ધા રાજકીય પક્ષોએ કરવી પડે. હિંદુઓએ સવર્ણ, એસસી, એસટી અથવા ઓબીસી તરીકે નહીં પણ હિંદુ તરીકે વોટિંગ કરીને રાજકીય રીતે વિરાટ હિંદુ શક્તિ દર્શન કરાવવું પડશે. ભારતની રાજનીતિનું હિંદુકરણ એટલે ભારતની રાજનીતિનું રાષ્ટ્રવાદીકરણ છે. હિંદુ ભારતના રાષ્ટ્રત્વનું મૂળ છે અને રાષ્ટ્રત્વ દ્વારા રાષ્ટ્રવાદ બનેલો છે. આપણા હિંદુઓની કોઈપણ પ્રકારની બાદબાકી ભારતની કોઈપણ પોલિટિકલ પ્રોસેસમાં શક્ય નથી. ભૂતકાળમાં કદાચ આ બાદબાકી થઈ હશે, પરંતુ હવે આમ થવું શક્ય નથી. વળી વિરાટ હિંદુ શક્તિથી જાગ્રત બનલું અને સક્રિય બનેલું ભારત માત્ર દેશ માટે જ નહીં, પણ આખી દુનિયા માટે આશિર્વાદરૂપ બનશે. ભારતે હવે વિશ્વને એ પણ જણાવવું પડશે કે અમે ભારતના લોકો તમારું કોઈ બજાર પણ નથી કે તમે ફેંકશો તેવા વિચાર, તમે ફેંકશો તેવી ચીજવસ્તુઓ અને તમે ફેંકશો તેવી માનસિકતાને ગ્રહણ કરીને અમારા દેશને, અમારી ધરતીને ભૂલીને કોઈ કામ કરીશું. બસ આવો સંદેશ આપવો પણ 2019ની એક જરૂરત છે.
 


No comments:

Post a Comment