Thursday, October 22, 2009

સ્વાત ઘાટી: તાલિબાનો સામે ઝરદારીનું આત્મસમર્પણ

એક તરફ અમેરિકા અને નાટો દેશોની સેનાઓ અફધાનિસ્તાનમાં વિશ્વ માટે ખતરારૂપ તાલિબાનો અને અલકાયદા સામે જંગ ખેલી રહી છે. તો બીજી તરફ આતંકવાદ સામેના યુધ્ધમાં અમેરિકાના મિત્ર ગણાતા પાકિસ્તાને તાલિબાનો સામે ઘૂંટણિયા ટેકવીને સંઘિ કરી છે. નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ એટલે કે NWFPની પ્રાંતિય સરકાર અને તહેરિક-એ-નિફાઝ-એ-શરિયત-એ-મહોમ્મદી(ટીએનએસએમ) સાથે સંઘિ કરીને સ્વાત ઘાટીમાં શરિયત લાગુ કરતા કાયદાને મંજૂરી આપી હતી. જેના કારણે તાલિબાનોએ પાકિસ્તાની સેના સામે અનિશ્ચિત સમય માટે યુધ્ધવિરામ જાહેર કર્યો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા પહેલા જ તાલિબાનોએ અપહ્રત ચીની ઈજનેરને મુક્ત કર્યો હતો. જેના પગલે પાકિસ્તાની સરકારે પણ કેટલાંક આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. તે સાથે એનડબલ્યુએફપીના મુખ્યપ્રધાન આમીર હૈદરખાન હોતીએ જણાવ્યું હતું કે “સેના અને અન્ય સુરક્ષાદળો પ્રોએકટીવ મોડમાંથી રીએકટીવ મોડમાં આવી જશે.” એટલે કે તાલિબાનો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. માત્ર તાલિબાનોની સશસ્ત્ર કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન સરકારના આ પગલાંને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો આત્મસમર્પણ ગણાવતા હતા. કારણ કે મલકંદ ડિવિઝન અને કોહીસ્તાન જિલ્લામાં નિઝામે અદ્દલ રેગ્યુલેશન (એમેન્ડેડ) એક્ટ,2009 લાગુ થયા બાદ તાલિબાનોની સત્તાને વાસ્તવિક સ્વીકૃતિ પણ મળી ગઈ હતી. સ્વાત, બુનૈર, શાંગલા, દીર અપર, દીર લોઅર, ચિત્રાલ અને મલકંદ નામના સાત જિલ્લાના મલકંદ ડિવિઝન તથા કોહીસ્તાનના હઝરા ડિવિઝનમાં શરિયતનો અમલ ચાલુ થઈ ગયો હતો. જેના પગલે આ સમગ્ર ક્ષેત્રમાં 200 જેટલી કન્યાશાળાઓ ધ્વસ્ત કરાઈ હતી. ઈસ્લામિક કાયદાઓ પાળવા, પુરૂષોને દાઢી રાખવાનું ફરમાન પણ કરાયું છે. તાલિબાની ફરમાનોનો ભંગ કરનારને મોત સુધીની ભયાનક સજાઓ આપવામાં આવે છે.
પાકિસ્તાન અને અફધાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ દૂત રિચર્ડ હોલબ્રુકે તાલિબાનો સાથેની સંઘિ સંદર્ભે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. નવી દિલ્હી ખાતે તત્કાલીન વિદેશ પ્રધાન પ્રણવ મુખર્જી સાથેની બેઠકમાં તેમણે કહ્યું હતું કે આઝાદીના સાઈઠ વર્ષ બાદ તમારો દેશ(ભારત) પાકિસ્તાન અને અમેરિકા-એક સમાન શત્રુનો સામનો કરી રહ્યાં છે. આ સમાન શત્રુ આપણાં લોકો માટે જોખમકારક છે. તેમણે નિવેદનમાં મઝહબી કટ્ટર તાલિબાનો સંદર્ભે સ્પષ્ટ સંકેત કર્યો હતો. તો બીજી તરફ જાપાન પ્રવાસે ગયેલા અમેરિકી વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને કહ્યું હતું કે અમારું માનવું છે કે પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વોની સક્રિયતા પાકિસ્તાની સરકાર સાથે અમેરિકા અને અન્ય અનેક રાષ્ટ્રોની સુરક્ષા માટે ખતરારૂપ છે. અમેરિકી કોંગ્રેસને પોતાના પ્રથમ સંબોધનમાં ઓબામાએ અફધાન અને પાકિસ્તાનના ઉગ્રવાદી તત્વો સાથે કડક વલણ અખત્યાર કરતાં નવી નીતિઓ ઘડવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. આ સિવાય અફધાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનો સામે લડવા માટે વધુ સત્તર હજાર સૈનિકો મોકલવાની ઓબામાએ પહેલેથી જાહેરાત પણ કરી હતી. જો કે ઓબામાએ થોડા વખત પહેલા જણાવ્યું હતું કે તાલિબાની સમસ્યાઓનો ઉકેલ માત્ર યુધ્ધ દ્વારા લાવવો શક્ય નથી.
વિશ્વ માટે જોખમી બનેલા તાલિબાનો સામે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ એક અમેરિકી ચેનલ સાથેની મુલાકાતમાં પોતાની લાચારી દર્શાવી ચૂક્યા છે. ઝરદારીએ સ્વીકાર્યુ હતું કે તેમનો દેશ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. ઝરદારીએ ઉમેર્યું હતું કે અફધાનિસ્તાન સરહદે આતંકવાદ વિરુધ્ધના યુધ્ધમાં પાકિસ્તાની સેનાએ સરકારને સાથ આપ્યો ન હોત તો, તાલિબાનો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ગયા હોત. આમ તો આ સમગ્ર પ્રકરણની શરૂઆત 2007માં લાલમસ્જિદ સામેની મુશર્રફની લશ્કરી કાર્યવાહીથી થઈ હતી. તાલિબાનોનો પ્રભાવ અફધાન-પાક. સરહદ, સ્વાત, વજીરીસ્તાન, બલુચિસ્તાન, એનડબલ્યુએફપી, ફાટા, કરાંચી અને પંજાબ સહિતના પ્રાંતોમાં વધી રહ્યો છે. પેશાવરમાં તાલિબાનોની સ્થિતિ અત્યંત મજબૂત છે, અત્રે મહત્વપૂર્ણ છે કે પેશાવરમાં 15,000થી વધારે પાકિસ્તાની સૈનિકો તેનાત છે. ઈસ્લામાબાદથી માત્ર 160 કિલોમીટર દૂર સ્વાત ઘાટીમાં પાકિસ્તાન સામે ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે. સામરિક બાબતોના નિષ્ણાતોના મતે પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ 1971 કરતાં પણ વધારે ખતરનાક છે.
પાકિસ્તાનમાં જનતા અમેરિકા વિરોધી છે. અમેરિકી મિસાઈલ હુમલા અને હવાઈહુમલાને કારણે પરિસ્થિતિ વધારે બગડી રહી છે. અમેરિકા સામે ઘૂંટણિયા ટેકવીને પાકિસ્તાનના સાર્વભોમત્વનો સોદો થયાની આશંકા સાથે સેંકડો પાકિસ્તાનીઓ સડકો પર પણ ઉતર્યા હતા. તેમણે ઝરદારી અને પાકિસ્તાન સરકાર વિરુધ્ધ પ્રદર્શનો પણ કર્યા હતા. તો બીજી તરફ ફઝલુલ્લાહ અને બૈતુલ્લાહ મૈસુદની આગેવાનીમાં લડી રહેલા તહેરીકે તાલિબાન સામેની કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને એડી ચોટીનું જોર લગાવવું પડયું હતું. છતાં તેઓ બૈતુલ્લાહના મોતની ખબરો બાદ પણ કાબૂમાં આવ્યા નથી. જો કે આ જ તહેરીકે તાલિબાને મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની સેના સાથે મળીને ભારતનો મુકાબલો કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે તાલિબાન, પાકિસ્તાની સેના અને આઈએસઆઈની સાંઠગાંઠ હોવાની વાત પૂરવાર થાય છે. તેથી જ તો અમેરિકામાં બુશ વહીવટી તંત્રના ગયા બાદ તાલિબાનો સાથે આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાના દબાણને કારણે પાકિસ્તાની સરકારે સંઘિ કરી હોવાનો અલગ મત પ્રવર્તે છે. તો બીજી તરફ પાકિસ્તાની સેનામાં કટ્ટરપંથીઓ પ્રભાવી બની રહ્યાં છે. જેના કારણે અમેરિકા સામે પણ પાકિસ્તાની સેનામાં વિરોધી વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. પાકિસ્તાની સેનાના 20 ટકા પખ્તૂન અધિકારીઓ પખ્તૂનો સામેની કાર્યવાહીથી નારાજ છે. જેના કારણે પાકિસ્તાનની નીતિ ચીન તરફી બનતી જાય છે. જેના સંકેતો પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ચીન યાત્રા દ્વારા મળ્યા હતા. ઝરદારીએ કહ્યું હતું કે ચીન એશિયાઈ દેશો વચ્ચેના વિવાદોના ઉકેલ માટે ભૂમિકા નીભાવે. જો કે ઝરદારીએ ભારતનું નામ લીધું ન હતું. પણ તેમનો ઉદેશ્ય સ્પષ્ટ હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિભિન્ન મુદ્દાઓમાં ચીન મધ્યસ્થતા કરે. ઝરદારીએ ચીનને એશિયાઈ ખંડને ભૌગોલિક, આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ એક સૂત્રે બાંધનાર દેશ ગણાવ્યો હતો. જેથી સ્પષ્ટ સંકેત મળ્યા છે કે કટ્ટરપંથીઓના ચીન તરફી ઝુકાવને કારણે જ સરકાર પર ચીન તરફી વલણ પ્રભાવી બની રહ્યું છે.
તાલિબાની પ્રતિબંધિત સંસ્થા તહેરીકે નિફાઝે શરીયતે મોહમ્મદી નામના સંગઠન સામે પાકિસ્તાની સેનાએ સંધિના માધ્યમથી આત્મસમર્પણ કર્યું હતું. ટીએનએસએમના વડા સુફી મોહમ્મદની આ એક મહત્વની જીત હતી. મલકંદ ડિવિઝનમાં ફઝલુલ્લાહ અને સુફી મહોમ્મદ જેવા તાલિબાનોની સત્તા ચાલી રહી છે. જેના કારણે આ ક્ષેત્રમાં અમેરિકી સેનાઓ સામે કોઈપણ કાર્યવાહીને અંજામ આપી શકાય તેમ છે. અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પાકિસ્તાને પોતાની રાજધાનીથી 160 કિલોમીટરના અંતરે આવેલી સ્વાત ઘાટી અને મલકંદમાં નિયંત્રણ ગુમાવી દીધું છે, તો આવી સ્થિતિ અફધાનિસ્તાન સરહદે આવેલા અન્ય ક્ષેત્રોમાં ઉભી નહીં થાય ને? અફધાનિસ્તાનમાં સ્થિરતા સુનિશ્ચિત કરવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોને આ સમગ્ર ઘટનાક્રમથી ધક્કો પહોંચ્યો છે.
ભારત માટે પણ ગંભીર ચિંતાનો વિષય ઉભો થયો છે, કારણ કે આ ક્ષેત્ર પાક અધિકૃત કાશ્મીરના વિસ્તારોને સ્પર્શે છે. આ ક્ષેત્રનો ઉપયોગ કાશ્મીર અને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે અને આતંકવાદીઓને તાલીમ આપવા માટે થઈ શકે તેવી શક્યતાઓ છે. તાલિબાનોથી પાકિસ્તાનને પણ એટલો જ ખતરો છે કે જેટલો ભારતને. પાકિસ્તાન પોતાના પ્રાંતો પરથી નિયંત્રણ ગુમાવી રહ્યું છે. હવે તો પાકિસ્તાન અને અફધાનિસ્તાન વચ્ચેની ડૂરંડ રેખાનું આંતરરાષ્ટ્રીય વિભાજક રેખા સ્વરૂપે અસ્તિત્વ સમાપ્ત થવામાં છે. આ એવી ઘટના છે કે જે દક્ષિણ એશિયામાં માટા પરિણામો જન્માવે. નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ ઓફ અમેરિકા સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના રિપોર્ટ પ્રમાણે, આગામી સમયમાં પાકિસ્તાન વધુ અલગ-થલગ પડી જશે. ત્યારે પ્રશ્ન થાય કે પાકિસ્તાન અસફળ રાષ્ટ્ર અને રાજ્ય બનવા તરફ આગળ ધપી રહ્યું છે? પાકિસ્તાન જે ઝડપે પોતાના ક્ષેત્રો પરથી નિયંત્રણ ગુમાવી ચુક્યું છે, તેનાથી આ બાબતને પુષ્ટિ મળી રહી છે.
અમેરિકાએ પોતાની ભૂલો જાળવી રાખવામાં અદભૂત સાતત્ય જાળવ્યું છે! તાલિબાનો સાથેની સંઘિ બાદ હોલબ્રુકે પ્રતિક્રિયા આપી હતી કે ભારત અને પાકિસ્તાન સમાન જોખમોનો સામનો કરી રહ્યાં છે. તેના પરથી લાગે છે કે અમેરિકા ભૂલોમાંથી કંઈ શીખ્યું નથી અને આ સંદર્ભેની તમામ બાબતો ભૂલી ગયું છે. હોલબ્રુકને મુંબઈ હુમલા બાદ તો ખબર પડવી જોઈએ કે ભારત, પાકિસ્તાન પ્રાયોજિત , પ્રેરિત અને સમર્થિત આતંકવાદનો ભોગ બની રહ્યું છે. ભારતમાં આતંકવાદી પ્રવૃતિને પાકિસ્તાન ફંડ, શસ્ત્રો અને પ્રેરણા પૂરી પાડે છે. જ્યારે પાકિસ્તાન પોતાની ખોટી નીતિઓને કારણે જ હાલ પીડિત અવસ્થામાં પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ માટે પાકિસ્તાન સિંધુની પશ્ચિમે આતંકવાદ સામેના યુધ્ધમાં પરિણામો લાવે તેના પૂરતો જ સારોકાર ધરાવે છે.
સ્ત્રીઓની બદતર સ્થિતિ, બાળકોને જેહાદી ઝનૂનનું વિષપાન, અસંખ્ય આત્મઘાતી હુમલા અને પશુતાની હદ સુધીનું તાલિબાનોનું વલણ લોકતાંત્રિક હવામાં શ્વાસ લઈ રહેલા ભારતીયો માટે કલ્પનાતીત છે.
જેહાદ પર પોતાના નવા પુસ્તકમાં પાકિસ્તાની લેખિકા આયેશા જલાલે લખ્યું છે કે જો પાકિસ્તાને ઈસ્લામનો ઉદારવાદી અને પ્રબુધ્ધ વિચાર અપનાવવો હોય, તો તે જેહાદની અવધારણાની ખુલ્લી ચર્ચાથી બચી શકે તેમ નથી. સૈન્ય પ્રભુત્વવાળા રાષ્ટ્રે આસ્થા અને ઈશ્લામની નૈતિકતામાં અંતર્નિહિત જેહાદનો ઉપયોગ સામરિક, રાજકીય અને આર્થિક ઉદેશ્યોની પૂર્તિ માટે કર્યો છે. આ પ્રકારની સામરિક દ્રષ્ટિ સમતા અને ન્યાયના પ્રથામિક ઈસ્લામિક સિધ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. જો પાકિસ્તાને એક નવું સ્વરૂપ બનાવવું હશે, તો તેની સેનાએ પોતાની સામૂહિક દ્રષ્ટિમાં મોટું પરિવર્તન આણવું પડશે. ત્યારે સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેનાએ ઈસ્લામના તત્વોની પોતાની વ્યાખ્યામાં પરિવર્તન કરવાની શરૂઆત કરવી પડશે. જેના પરિણામે જ પાકિસ્તાની જનતા સામે ઉભો થયેલો તાલિબાની શેતાન નાશ પામશે.
(Published on 7th March,2009 in Sankalan Sreni)

No comments:

Post a Comment