Thursday, October 22, 2009

સ્વદેશી શાસન-વ્યવસ્થા એ જ આપણી સમસ્યાઓનું સમાધાન

વિશ્વમાં જુદી-જુદી શાસન વ્યવસ્થાઓ અસ્તિત્વમાં હતી, અત્યારે છે અને કદાચ ભવિષ્યમાં પણ રહેશે. દરેક રાષ્ટ્રની સંસ્કૃતિ અને સભ્યતાને આધારે જે-તે રાષ્ટ્રની એક આગવી શાસન વ્યવસ્થા અમલમાં આવતી હોય છે. વિશ્વની આ શાસન વ્યવસ્થાને મુખ્યત્વે ચાર પ્રકારની શાસન વ્યવસ્થામાં વર્ગીકૃત કરી શકાય છે. જે આ પ્રમાણે છે-(1) પશ્ચિમી શાસન વ્યવસ્થા (2) ઈસ્લામિક શાસન વ્યવસ્થા (3) સામ્યવાદી શાસન વ્યવસ્થા (4) વૈદિક સંસ્કૃતિ પ્રેરિત વ્યવસ્થા. આ શાસન વ્યવસ્થાઓ નિશ્ચિત સંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિઓ અને તેમાંથી ઉદભવેલી નિશ્ચિત વિચારધારાઓ ધરાવે છે. વિશ્વની આ શાસન વ્યવસ્થા વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મ સાથેના તેના સંબંધોથી અલગ પડે છે. પશ્ચિમની શાસન વ્યવસ્થામાં વ્યક્તિ મુખ્ય છે. ઈસ્લામિક શાસન વ્યવસ્થામાં ધર્મ (રીલીજયન એટલે કે પંથ કે સંપ્રદાયના અર્થમાં) મુખ્ય છે. સામ્યવાદી શાસન વ્યવસ્થામાં રાજ્ય સર્વોપરી છે. પણ માનવજીવન માટે વ્યક્તિ, રાજ્ય અને ધર્મ સાથે સમાજ એમ ચારેય ખૂબ જ મહત્વનાં છે. તેઓ એકબીજામાં એ રીતે ગૂંથાયેલા છે કે તેમને અલગ પાડવા મુશ્કેલ જ નહીં અશક્ય છે. આથી કોઈ એવી શાસન વ્યવસ્થાની જરૂર છે કે જે ઉપર જણાવેલી ત્રણેય વ્યવસ્થાનો સમન્વય કરે. જે શાસન વ્યવસ્થામાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મમાંથી કોઈ ગૌણ ન હોય, કોઈ મુખ્ય ન હોય. આવી શાસન વ્યવસ્થા આદર્શ અને સંપૂર્ણ છે. આ આદર્શ અને સંપૂર્ણ શાસન વ્યવસ્થાનો વિચાર વૈદિક સંસ્કૃતિમાં કરવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિ, સમાજ, રાજ્ય અને ધર્મને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે આ ચારમાંથી એકની સર્વોપરિતા નક્કી કરવાના પ્રસંગ આવ્યા છે, ત્યારે ધર્મ-મૂલ્ય નિષ્ઠ સમાજને મહત્વ આપવામાં આવ્યું છે. (અત્રે ધર્મ એટલે ધારયતિ ઈતિ ધર્મના અર્થમાં સમજવું )
ભારતમાં ઈસ્લામના આગમન પહેલા વૈદિક વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. વૈદિક વ્યવસ્થા પર ઈસ્લામનું આક્રમણ થયું અને ભારત લાંબા સમય સુધી ઈસ્લામિક શાસન વ્યવસ્થા તળે ગુલામ બનીને રહ્યું હતું. ત્યાર બાદ પશ્ચિમી જગતે ભારતને ગુલામ બનાવ્યું તથા 1947 પછી સામ્યવાદે ભારતને પોતાની ચુંગાલમાં ફસાવવા માટે અલ્પકાલિક અને આંશિક સફળતા મેળવી હતી. આમ ભારતની વ્યવસ્થાને ઈસ્લામિક આક્રમણ પછી ક્યારેય વૈદિક સંસ્કૃતિના આધાર પર વિકસવાનો કે પોતાની આગવી ઓળખ બનાવવાનો અવસર પ્રાપ્ત થયો નથી કે આવો અવસર પ્રદાન કરાયો નથી. સામ્યવાદી શાસનવ્યવસ્થા અને વિચારધારાના આંતરરાષ્ટ્રીય પતન પછી પણ ભારત હજી સુદી પોતાને તેની છાયામાંથી પૂર્ણપણે મુક્ત કરી શક્યું નથી.
આજે પણ ભારતની વ્યવસ્થા વૈદિક સંસ્કૃતિના આધારે ન ચલાવીને બાકીની ત્રણ સંસ્કૃતિઓ કે વિચારધારાઓની પ્રતિસ્પર્ધા સ્વરૂપે ચલાવવામાં આવે છે. જેમાં ધર્મ, રાજ્ય, વ્યક્તિનો સમન્વય દેખાતો નથી. ભારતમાં સંસદીય લોકશાહીમાં સંસદની ભૂમિકા કસ્ટોડિયન તરીકેની છે. પણ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થાના પ્રણેતાઓએ સંસદની કસ્ટોડિયન તરીકેની ભૂમિકાની સમય સીમાનું નિર્ધારણ કર્યુ નથી. જેના કારણે આટલા વર્ષો બાદ પણ આપણી સંસદનું પ્રબંધક સ્વરૂપ બની શક્યું નથી. જો જનતા જાગરૂક નહીં થાય તો આગામી સો-બસ્સો વર્ષોમાં પણ આ સંભવી શકશે નહીં. કારણ કે કુંટુંબ, ગામ, શહેર, જિલ્લાના લોકો આંશિક કે મહત્તમપણે પોતાની વ્યવસ્થા કરવા માટે સક્ષમ થઈ ગયા છે, તેવી જાહેરાત કરવાનો સંસદને અધિકાર છે. તથા સંસદ પર રાજનેતાઓનો એકાધિકાર છે. આ રાજનેતાઓ આ પ્રકારની જાહેરાત કયારેય થવા નહીં દે. પરિણામે જે થવાનું હતું તે જ થયું, રાજનીતિ બેલગામ બની ગઈ છે, રાજકારણમાં અપરાધીકરણ અને ભ્રષ્ટાચાર વધી ગયા છે. રાજનીતિ હંમેશા રાષ્ટ્રની વાત કરે છે, જ્યારે રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રપ્રેમનો તેની સાથે દૂર-દૂર સુધીનો કોઈ સંબંધ છે કે નહીં તે શંકા ઉપજાવે તેવી બાબત છે.
ભારતના કેટલાંક રાજકીય નેતાઓને બહારના દેશો તરફથી ભ્રષ્ટાચાર અને લાંચ સ્વરૂપે નાણાંકીય લાભ થઈ રહ્યો હોવાના આક્ષેપો ધણાં જૂના છે. વળી થોડા વર્ષો પહેલા પ્રકાશિત થયેલા રશિયન જાસૂસના પુસ્તક મિત્રોખિન આર્કાઈવસ અને સંયુક્ત રાષ્ટ્રસંઘના તપાસ અધિકારી પોલ વોલ્કરના વોલ્કર રિપોર્ટમાં ભારતના કેટલાંક રાજકારણીઓ વિશે જે માહિતી આપવામાં આવી છે, તેના પરથી કેટલાંક ભારતીય રાજકીય નેતાઓ પર બહારના દેશો તરફથી ભ્રષ્ટાચાર અને લાંચ સ્વરૂપે નાણાંકીય લાભ થઈ રહ્યો હોવાની શંકા પ્રબળ બની છે. આવા રાજકીય નેતાઓએ ભારતના રાજકારણને બદનામ કર્યું છે. તેમણે ભારતીય રાજકીય વિચારધારા તથા પ્રવર્તમાન શાસન વ્યવસ્થાની સાથે વિશ્વાસધાત કર્યો છે. વળી કેટલાંક વિદેશી લેખકોએ આવા આરોપની પુષ્ટિ કરતાં લખાણો પણ લખ્યા છે. આ બાબત વ્યાપકપણે ભારતના હિતો વિરુધ્ધની અને ચિંતાપ્રેરક છે.
રાજકીય ચમક-દમકથી પ્રભાવિત પણ રાજકારણમાં પ્રવેશથી વંચિત કે નિષ્ફળ લોકોએ સામાજિક સંસ્થાઓ, સ્વૈછિક સંસ્થાઓના નામ પર આવી જ દુકાનદારી શરૂ કરી દીધી છે. મૂડીવાદી, સામ્યવાદી અને ઈસ્લામિક દેશો આવા લોકોને મોટી આર્થિક મદદ કરીને પોતાના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય હિતોને અનુકૂળ સમસ્યાઓનો હાઉ ઉભો કરાવે છે. તે એવી સમસ્યા હોય છે કે જે ઓછી મહત્વની અને મૂળ સમસ્યાની ઉપપેદશ માત્ર હોય છે. પશ્ચિમના મૂડીવાદી દેશો પોત-પોતાની સંસ્થાઓને આર્થિક મદદ કરીને માનવાધિકાર, બાળમજૂરી, બાળવિવાહ, નિરક્ષરતા, નશાખોરી, પર્યાવરણ, પ્રદૂષણ, જળસંકટ, વસ્તીવધારો જેવી બાબતોને મુદ્દા બનાવે છે. તેને તેવો અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ જાહેર કરાવડાવે છે. તેમના સમાધાન માટે તેઓ પોતાના તરફથી સહાયતા કરે છે કે કરજ આપે છે, વળી તેઓ રાજકીય દળોમાં પોતાની ઘૂસણખોરી વધારીને આ બાબતોને ધ્યાનમાં રાખીને કાયદાઓ પર કાયદાઓ પસાર કરાવે છે. સામ્યવાદી દેશો પોતાના ભારતીય એજન્ટોને નાણાં ખવડાવીને ઓછું મૂલ્ય , શિક્ષિત બેરોજગારી, સામાજિક અસમાનતા, આર્થિક અસમાનતા, શોષણ, ભૂખ, ગરીબી, જેવા મુદ્દાઓનો હાઉ સામ્યવાદી હિતોને ધ્યાનમાં રાખીને ઉભો કરાવડાવે છે. તેઓ આ બધાંનું સામાન્ય સમાધાન વર્ગ સંઘર્ષ દર્શાવે છે, કે જે ભારતમાં ઘણાં ભાગોમાં નક્સલાવાદીઓની હિંસક ચળવળનું કારણ બની ગયું છે. જ્યારે ઈસ્લામિક દેશો આપણા દેશમાં મુસલમાનોની સમસ્યા, કોમવાદ, લઘુમતી-બહુમતી, લઘુમતીના હકો જેવા મુદ્દાઓ ઉભા કરાવડાવે છે અને અસ્તિત્વમાં રહેલા તંત્રનો તેના માટે સારી રીતે ઉપયોગ પણ કરે છે. આવા ઈસ્લામિક દેશોને તેમના હાથા બનનારા લોકો ભારતમાં મળી રહે છે. આવી સંસ્થાઓના પ્રચારથી પ્રભાવિત થઈને ભારતીય રાજનીતિનો એક મોટો વર્ગ તો કોમવાદને આ દેશની સૌથી મોટી સમસ્યા જાહેર કરી રહ્યો છે અને પોતાની રાજનીતિ લઘુમતીવાદ અને કોમવાદના મુદ્દાઓ પર આધારિત બનાવી રહ્યો છે. જેના કારણે દેશના રાજકીય પક્ષો મુસ્લિમોને શૈક્ષણિક-સરકારી સંસ્થાઓમાં ધર્મના નામે અનામત, બિહારમાં મુસ્લિમ મુખ્યપ્રધાનનું ચૂંટણીઓ દરમિયાન રટણ જેવા તિકડમ ઉભા કરે છે.
ભારતમાં ગરીબી, ભૂખ, બેરોજગારી, વસ્તીવધારો, નિરક્ષરતા, સમાજિક-આર્થિક અસમાનતા, શોષણ, કોમવાદા જેવી સમસ્યાઓ છે, પણ તે આ દેશની મોટી સમસ્યાઓમાંની એક હોઈ શકે છે અથવા મૂળ સમસ્યાની ઉપપેદાશ હોઈ શકે છે. પણ તે આ દેશની મૂળ સમસ્યા કદાપિ નથી. આ દેશની મૂળ સમસ્યા છે, અનૈતિકતા, તેને કારણે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર, હિંસા, ચારિત્રિક અધ:પતન, અત્યાચાર, અજ્ઞાનતા, આવી મૂળ સમસ્યાઓને જડમૂળથી ઉખાડી નાખવામાં આવશે, તો તેનાથી ઉભી થનારી ઉપપેદાશ રૂપ સમસ્યાઓ આપોઆપ ખતમ થઈ જશે પણ ભારતમાં કાર્યરત મૂડીવાદી, સામ્યવાદી અને ઈસ્લામિક દેશોની ધરીઓએ ભારતની વાસ્તવિક અને મૂળ સમસ્યાઓને મહત્વહીન બનાવી દીધી છે. જેના કારણે સમસ્યાના સમાધાનમાં અસંતુલન પેદા થયું છે. આમ જે દેશનું રાજકીય ચરિત્ર વિદેશી હોય, શાસન વ્યવસ્થા વિદેશી હોય, કર્મશીલોએ મહોરાં પહેરેલા હોય, ત્યાં સુધારાની સંભાવના કેટલી રહેલી છે? દેશને અત્યારે જરૂર છે સ્વદેશી શાસન વ્યવસ્થા, સ્વદેશી સંસ્કૃતિ, સ્વદેશી વિચારધારા,સમસ્યાની સ્વદેશી ઓળખ અને સમસ્યાના સ્વદેશી સમાધાનની. આના માટે આપણે વિદેશી નાણાંથી સંચાલિત મહોરાંધારી સમાજિક સંસ્થાઓ, ભ્રષ્ટ નેતાઓ અને વિદેશી શાસન વ્યવસ્થાથી મુક્ત થવું પડશે. જેના માટે સૌથીપહેલી જરૂરત છે , એક સ્વદેશી શાસન વ્યવસ્થાની કે જે પશ્ચિમના વ્યક્તિવાદ પર, ઈસ્લામના ધર્મવાદ પર કે સામ્યવાદના રાજ્યવાદ પર ટકેલી ન હોય. પણ તે ટકેલી હોય આ દેશના ધર્મ-મૂલ્ય નિષ્ઠ સમાજ પર તથા તેમાં ધર્મ, રાજ્ય અને વ્યક્તિમાં કોઈ મુખ્ય ન હોય કે કોઈ ગૌણ ન હોય. આ જ રાષ્ટ્રભક્તિ છે અને એ જ વ્યવસ્થાના પરિવર્તનનો મૂળ મંત્ર છે.

No comments:

Post a Comment